Thursday, March 22, 2012

પાનસિંહ તોમરનો રાઇટર સંજય ચૌહાણ કહે છે કે સ્ક્રીપ્ટરાઇટર બનવું હોય તો ખોટું બોલતા શીખી જાવ




દિપક સોલીયા, તેજસ વૈદ્ય અને સંજય ચૌહાણ
પાનસિંહ તોમર ફિલ્મની સાથે તેજલીસોટાની જેમ કોઇ નામ બહાર આવ્યું હોય તો એ છે લેખક સંજય ચૌહાણ. સંજય ચૌહાણે અગાઉ મૈનેં ગાંધી કો નહીં મારા, આઇ એમ કલામ, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર જેવી ફિલ્મો લખી છે. ફિલ્મનો મુખ્ય હીરો કે હીરોઇન હમેશા સ્ક્રીપ્ટ જ કહેવાય છે પણ લેખકે જે સ્ક્રીપ્ટ સખી હોય છે એ જ્યારે પડદે ભજવાય છે ત્યારે એમાં ઘણા ફેરફાર થઇ જતાં હોય છે. આવી પરિસ્થિતિમાં ફિલ્મનો મૂળ લેખક ઘણી વખત હાંસીયામાં ધકેલાઇ જતો હોય છે. જો કે હવે પ્રમાણમાં એવી ફિલ્મો બની રહી છે. જેમાં લેખક ઉગીને દેખાતો હોય. સંજય ચૌહાણ આવું જ એક ઉગીને આંખે વળગે એવું નામ છે. થોડા દિવસ પહેલા મુંબઇના ઉપનગર અંધેરીમાં એક ફેસ્ટીવલ યોજાયો હતો. જેમાં એક ઇન્ટરેક્ટિવ સેશનમાં સંજય ચૌહાણે ફિલ્મલેખન વિષે ઘણી પેટછૂટી વાતો કરી હતી. એ વાતો માત્ર ફિલ્મલેખન જ નહીં કોઇ પણ પ્રકારના લેખનની ધાર કાઢવામાં કાનસનું કામ કરે એવી હતી. સંજય ચૌહાણના જ શબ્દોમાં જ એ વાતો સાંભળો...

સ્કીપ્ટરાઇટર બનવું હોય તો ખોટું બોલતા આવડવું જોઇએ
જેમણે ફિલ્મ સ્કીપ્ટરાઇટર બનવું છે તેને ખોટું બોલતા આવડવું જોઇએ. હું બેકાર હતો. મારા માથે મકાનનું ત્રણ મહિનાનું ભાડું ચઢી ગયું હતું. કોઇ ફિલ્મ મારા હાથમાં નહોતી. એક દિવસ એક ફિલ્મમેકરનો કૉલ આવ્યો. મેં કહ્યું કે હું મીટીંગમાં છું. કલાકમાં કૉલબૅક કરું છું. દરમ્યાન મનમાં ફડકો પેઠો કે કલાકમાં તો આ ફિલ્મમેકર બીજા કોઇક લેખકને પકડી લેશે. કલાકને બદલે મેં તરત જ પંદરેક મિનિટમાં તેમને કૉલ કર્યો અને કહ્યું કે મીટીંગ પતી ગઇ છે. બોલો ક્યાં મળવાનું છે? ખરેખર તો હું કોઇ મીટીંગમાં હતો જ નહીં. બેકાર હોવા છતાં પણ મીટીંગમાં છું એવું બોલવાનું કારણ એટલું જે કે ફિલ્મમેકરને ખબર ન પડવી જોઇએ કે મારી પાસે કામ નથી. નહીંતર, એ શોષણ કરે. તેથી ફિલ્મો લખવી હોય તો પહેલો નિયમ એ કે ખોટું બોલતા આવડવું જોઇએ.

ફિલ્મ માટે આઇડીયા ક્યાંથી આવે છે ?

તમને બધાને સવાલ થતો હશે કે લેખકને આઇડીયા ક્યાંથી આવે છે ?  આના માટે એક કિસ્સો કહીશ. મને એક વખત એક પ્રોડ્યુસરે કૉલ કરીને બોલાવ્યો અને કહ્યું કે મારી ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર છે. તારે માત્ર ડાયલૉગ્સ લખવાના છે. આ લે ડીવીડી. મતલબ કે અંગ્રેજી ફિલ્મ જોઇને મારે હિન્દી ફિલ્મ માટે ડાયલોગ્સ લખાવના હતા. એ ડીવીડી ફિલ્મ લાઇફ ઇઝ બ્યુટીફુલની હતી. હું તો બે ઘડી એ પ્રોડ્યુસરને જોઇ જ રહ્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે આઇડીયા ડીવીડીમાંથી આવતા હોય છે. અલબત્ત, દર વખતે આવું નથી થતું પણ ઘણી વખત આવું થતું હોય છે. મૌલિકતાની રૂહે વાત કરીએ તો લેખકને આઇડીયા દરેક ઠેકાણેથી મળતા હોય છે. છાપાંમાંથી આઇડીયા મળે છે. કોઇ બે દોસ્ત વાતો કરતા હોય તો એમાંથી આઇડીયા મળે છે. શરત માત્ર એટલી જ કે લેખકના આંખ,કાન, નાક ખુલ્લા હોવા જોઇએ.  
ફિલ્મની સ્ક્રીપટનું સૌથી મજબૂત અંગ ક્યું ? પૂછાયેલા આ સવાલના જવાબમાં સંજય ચૌહાણે કહ્યું હતું કે ફલ્મની કહાણી જેટલી મૌલિક હોય એટલી સ્ક્રીપ્ટ વધુ મજબૂત બને છે. એક વખત એવો હતો કે અંગ્રેજી ફિલ્મોમાંથી ઉઠાંતરી કરીને એને હિન્દી જામો પહેરાવી દેવામાં આવતો હતો. હજી પણ આ ઉઠાંતરી પ્રવૃત્તિ ચાલે છે. પરંતુ હવે ઓછી થઇ રહી છે. કારણકે, ટ્વેન્ટીથ સેન્ચ્યુરી ફોક્સ સહિતની વિદેશી ફિલ્મકંપનીઓ હવે દાવા માંડે છે. તેથી અગાઉ જે પ્રોડ્યુસરો રાઇટરને ડીવીડી ધરી દેતા હતા એ હવે સામેથી કહે છે કે મૌલિક કહાણી લાવો. તેથી મૌલિક પટકથા લખનારા માટે અત્યારનો સમય ખૂબ સારો છે.

દર્શકો હમેશા સ્ક્રીપ્ટ કરતાં આગળ ચાલતા હોય છે

સ્કીપ્ટ લખતી વખતે એક વાત હમેશા મનમાં યાદ રાખવાની કે દર્શકોને બેવકૂફ ક્યારેય નહીં ગણવાના. તમે લખેલી સ્કીપ્ટ કરતાં દર્શકો હમેશા આગળનું જ વિચારતા હોય છે. તમે થીએટરમાં જોયું હશે કે ફિલ્મમાં કોઇ નબળી સીકવન્સ આવે કે અકારણ ગીત ઘુસાડી દીધું હોય ત્યારે દર્શકો ઊભા થઇને ટહેલવા નીકળી જાય છે. એનું કારણ જ એ કે દર્શકો સ્કીપ્ટથી આગળ ચાલી રહ્યા હોય છે. તમે કોઇ ફાલતુ ચીજ ગીત કે સીકવન્સના નામે ફિલ્મમાં ઠોકી બેસાડો તો દર્શકો ખુરશી પર બેઠા નથી રહેતા.

એવા દોસ્ત રાખો જે તમારી સ્ક્રીપ્ટ સાંભળીને મોઢામોઢ કહી દે કે બકવાસ છે

સ્કીપ્ટ લખો ત્યારે એનો પહેલો ડ્રાફ્ટ લઇને સીધા ફિલ્મમેકર પાસે ન જાવ. એ તમારા દોસ્તોને સંભળાવો. આ દોસ્તો એવા હોવા જોઇએ જે સ્ટોરી સાંભળીને તમને બેધડક કહી દે કે ગધે, યે બકવાસ સ્ટોરી હૈ.  
તમે જે કહાણી લખી છે એ સામેવાળાને ગમશે કે નહીં એ જાણવાની બીજી એક સરળ અને સરસ ટૅકનિક એ છે કે તમે જે કહાણી લખી છે એને બોલીને ટેપ કરીને સાંભળો. ક્યાં કાચું કપાયું છે, ક્યો પ્રસંગ અવગણવામાં આવ્યો છે એ બધુ આપોઆપ પકડાઇ જશે. ફિલ્મ એ બીજું કંઇ નથી પણ વાર્તા સંભળાવવાનું વીઝ્યુઅલ માધ્યમ છે. સામાન્ય રીતે થતું એવું હોય છે કે સમગ્ર કહાણીમાં જે પ્રસંગ લેખકને ખૂબ ગમતો હોય છે એનું વર્ણન તે ખૂબ સારી રીતે કરે છે અને કેટલાક પ્રસંગમાં વીટો વાળી દે છે. લખતી વખતે તેને આ વાત નથી સમજાતી પણ તે જ્યારે ટેપ કરીને સાંભળે છે ત્યારે ત્રુટી પકડાય જાય છે.

રાજ કપૂરે તેના આસિસ્ટન્ટને પૂછ્યું કે હાઉ મેની ટાઇમ્સ યુ સ્લેપ્ટ વીથ યોર હીરોઇન ?

આ ટાઇટલ વાંચીને તમારા કાન સરવા થઇ ગયા હશે. ફિલ્મ એક પ્યોર માધ્યમ છે. એમાં નાની અમથી ભૂલ પણ પકડાયા વગર નથી રહેતી. આ વાત રાજ કપૂરના એક પ્રસંગ દ્વારા સંજય ચૌહાણે સરસ રીતે સમજાવી હતી. રાજ કપૂરના એક આસિસ્ટન્ટે તેમને કહ્યું હતું કે રાજજી, મેં એક સ્ક્રીપ્ટ લખી છે. તમને સંભળાવવા માગું છું. રાજ કપૂરે કહ્યું હતું કે મારે સ્ક્રીપ્ટ નથી સાંભળવી. તું મને એના પરથી નાની ફિલ્મ બનાવીને બતાવ. આસિસ્ટન્ટે ફિલ્મ બનાવી અને રાજ કપૂર માટે પ્રીવ્યૂ રાખવામાં આવ્યો. રાજ કપૂરે એકલાએ ફિલ્મ જોઇ. ફિલ્મ પૂરી થયા બાદ આસિસ્ટન્ટ તરત રાજ કપૂર પાસે પ્રતિભાવ લેવા પહોંચ્યો. રાજ કપૂરે તેને બાજુમાં બેસાડ્યો. પહેલા હળવેકથી અને પછી સ્હેજ ચીઢાઇને આસિસ્ટન્ટને કહ્યું કે હાઉ મેની ટાઇમ્સ યુ સ્લેપ્ટ વીથ યોર હીરોઇન ?
રાજ કપૂરે આસિસ્ટન્ટને હળવેકથી સમજાવીને કહ્યું કે જો ભાઇ, ફિલ્મ એ એકદમ પ્યોર માધ્યમ છે. એમાં નાનામાં નાની ચોરી પણ પકડાયા વિના નહીં રહે. છૂપાવવાનો ગમે તેટલો પ્રયાસ કરશો તો પણ છૂપી નહીં રહે.

સ્ક્રીપ્ટ જેટલી વખત રીરાઇટ થશે એટલી એની ધાર નીકળશે


સંજય ચૌહાણ અને તેજસ વૈદ્ય (તસવીર -  દિપક સોલીયા)
સ્ટોરીને સ્ક્રીન પ્લેમાં ઢાળો ત્યારે એને જેટલી વખત રીરાઇટ કરશો એટલી સ્ક્રીપ્ટ વધુ મજબૂત બનશે. સ્ક્રીનપ્લે લખતી ખતે માત્ર સ્ક્રીનપ્લે જ લખો, ડાયલોગ્સ ન લખો. જ્યાં સુધી સ્ટોરીમાં તમારા કિરદારો બૂમો પાડીને ન કહે કે હવે અમને ડાયલોગ્સ આપો ત્યારે જ ડાયલોગ્સ લખો. કિરદાર પોતાની મેળે જ બોલશે કે હવે અમને ડાયલૉગ્સ આપો. આ પ્રક્રિયા તમને સ્કીપ્ટ લખતી વખતે સારી રીતે સમજાશે.

તમે છ –આઠ મહિનાની મહેનતે જે સ્ક્રીપ્ટ લખી હોય તે સાંભળવા પ્રૉડ્યુસર માંડ પાંચ – દશ મિનિટ કાઢે છે

તમે છ આઠ મહિના સુધી લોહી નિચોવીને એક સ્ક્રીપ્ટ લખી હોય. એ સંભળાવવા જ્યારે કોઇ પ્રોડ્યુસર પાસે જાવ ત્યારે એ કહેશે કે તારી વાર્તા ઝટ પાંચ મિનિટમાં સંભળાવી દે. પ્રોડ્યુસરની જમાત જાડી ચામડીની હોય છે તે જ્યારે આવું કહે ત્યારે તમને પાંનસિંહ તોમર બનીને તેને ભડાકે દઇ દેવાનું મન થઇ જાય. ગુસ્સો આવે. પણ એવું નહીં કરવાનું. કારણકે, પ્રૉડ્યુસર પણ આપણા જ પરિવારનો એક પાયાનો સભ્ય છે. સ્ક્રીપ્ટ મંજૂર થઇ ગયા બાદ પણ પ્રૉડ્યુસર સાથે પૈસાના મામલે શાકભાજીવાળા કાછીયાની જેમ રીતસર ભાવતાલ કરવા પડે છે. ખાસ કરીને સ્ક્રીપ્ટરાઇટર નવો હોય ત્યારે ખાસ. કમનસિબે રાઇટરને રીસ્પેક્ટ ત્યારે જ મળે છે. જ્યારે તેનું નામ થોડું જાણીતું થવા માંડે છે.

મને લૅક્ચર દેતાં નહીં ફાવે, તમે સવાલ પૂછો, હું જવાબ આપીશ : સંજય ચૌહાણ
સંજય ચૌહાણે કરેલી અન્ય કેટલીક વાતો ટૂંકાણમાં.


ફિલ્મઇન્ડસ્ટ્રીએ ઇન્ડસ્ટ્રી નથી પણ હાથવણાટ ઉદ્યોગ છે. કારણકે, એના કાયદા કાનૂન હાથવણાટ ઉદ્યોગ જેવા છે. તમે એને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી પણ કહી શકો. તમારી સ્ક્રીપ્ટ જો ખરેખર સારી હોય તો કોઇ એને ખરાબ નહીં કરી શકે. પાંચ દશ ટકા ખરાબ થવાની શક્યતા ખરી પણ એ સિવાય કોઇ એના કાંગરા ન હલાવી શકે. કારણકે, ભેગા મળીને કોઇ ફ્લોપ ફિલ્મ બનાવવા તો માંગતું જ ન હોય.

સ્ક્રીપ્ટરાઇટીંગ એ આર્ટ કરતાં ક્રાફ્ટ વધારે છે.

ડાયલોગ્સ રાઇટીંગ શીખવું હોય તો હોલિવૂડની એનીમેશન ફિલ્મો જુઓ. એ ફિલ્મો એના એનીમેશન કે ગતકડા – ડાગલા માટે જ નથી જોવાતી. એના ડાયલોગ્સ સ્ટ્રોન્ગ હોય છે.

હિન્દી ફિલ્મોમાં રીસર્ચની પરંપરા નથી. નવા લેખકોને કહીશ કે તમે લવસ્ટોરી લખો ત્યારે પણ રીસર્ચ કરજો. આજની જનરેશન કઇ ભાષામાં વાત કરે છે. બોલચાલમાં ક્યા ફેશનેબલ શબ્દો વાપરે છે. કઇ રીતે એક છોકરો અને છોકરી એકબીજા સામે વ્યક્ત થાય છે. એ આજના સંદર્ભમાં જાણવું ખૂબ જરૂરી છે.

મારા પિતાએ બાળપણમાં મને એક વખત માર્યો હતો ત્યારે હું ઘર છોડીને દશ દિવસ બહાર ઢાબામાં રહ્યો હતો અને કામ કર્યું હતું. એ અનુભવ મને આઇ એમ કલામ લખતી વખતે ખૂબ કામ આવ્યો હતો.

તેજસ વૈદ્ય, મુંબઇ

1 comment: