Monday, April 2, 2012

સૌમ્ય જોશી પંચમુખી રૂદ્રાક્ષ જેવો માણસ છે. ‘વેલકમ જીંદગી’ એ ગુજરાતી રંગભૂમિને અપાયેલું મોટામાં મોટું સ્ટીરોઇડ્સ છે - પરેશ રાવલ






'વેલકમ જીંદગી' પુસ્તકનું પરેશ રાવલ દ્વારા  લોકાર્પણ - (ડાબેથી) સૌમ્ય  જોશી, પરેશ રાવલ, સુરેશ દલાલ, અંકીત ત્રિવેદી

જે નિહાળ્યા પછી જેની અસર ઝટ ઓટ ન પકડે એવું હ્રદય સોંસરવું નાટક એટલે વેલકમ જીંદગી. અમદાવાદના સૌમ્ય જોશીએ લખેલા અને ભજવેલા આ નાટકે સડસડાટ 250 શો પૂરા કરી નખ્યા બાદ હવે આ નાટક પુસ્તકરૂપે પ્રગટ થયું છે. કોઇ ફુલલૅન્થ ગુજરાતી નાટક પુસ્તકરૂપે પ્રગટ થાય એવી ઘટના ગુજરાતી સાહિત્યમાં વર્ષો પછી બની હશે. મુંબઇના વિલેપાર્લેમાં આવેલા ભાઇદાસ હૉલમાં હકડેઠઠ મેદની વચ્ચે પરેશ રાવલે જ્યારે પુસ્તકની રીબન ખોલી ત્યારે સાથોસાથ ગુજરાતી નાટકનો નવો અધ્યાય પણ ઉઘડ્યો હતો. અધ્યાય એટલા માટે કે વર્ષો પછી અમદાવાદના કોઇ નાટ્યકારનું નાટક મુંબઇમાં ખૂબ પોંખાયું હતું. પોંખાયું પણ એવું કે મુંબઇના નાટ્યકારો દંગ રહી ગયા. માત્ર ત્રણ કીરદારવાળું નાટક હોય. જેની હીરોઇન જુવાની વટાવી ગયેલી ગૃહીણી હોય અને તે નાટકમાં ગાઉન સિવાય કોઇ પોશાક ન પહેરતી હોય. એવું નાટક મુંબઇ જેવી ગ્લેમર નગરીમાં સુંડલામોઢ શો કરે ત્યારે ખબર પડે કે પરેશ રાવલ શા માટે આ નાટકને ગુજરાતી રંગભૂમીને અપાયેલું સૌથી મોટું સ્ટીરોઇડ્સ કહે છે.

કાર્યક્મની આમંત્રણ પત્રિકા(ફ્રન્ટ કવર)
ઇમેજ પબ્લીકેશને આ નાટકને પુસ્તકરૂપે પ્રગટ કર્યું એ માટે ધન્યવાદ દેવા જ પડે. કારણકે, ગુજરાતી નાટકોની આજકાલ ડીવીડી તો મળે છે પરંતુ પુસ્તક નથી બનતા. સારું નાટક પુસ્તકરૂપે પ્રગટ થાય એ બીરદાવવા જેવી વાત એટલા માટે છે કે એ રીતે ભવીષ્યની પેઢી માટે તેનું ડૉક્યુમેન્ટેશન થાય છે. પચાસ વર્ષ પછી નવી ગુજરાતી પેઢીને વેલકમ જીંદગી વિષે જાણવું હશે તો પુસ્તક હાથવગું હશે.

ભાઇદાસ હૉલમાં યોજાયેલા પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમનું સંચાલન અંકિત ત્રિવેદીએ કર્યું હતું. આ પ્રસંગે સૌમ્ય જોશીને મીઠો ઠપકો આપતાં સુરેશ દલાલે કહ્યું હતું કે સૌમ્ય જોશીએ વ્યવસ્થિત લાસરીયો માણસ છે. પુસ્તક માટે તેની પાસેથી નાટક કઢાવવું એ લાકડાની ગાયને દોહવા જેવું કામ છે. છતાં અમે તેની પાસેથી નાટક લાવી શક્યા એનો આનંદ છે. હું લોકોને કહું છું કે તમારા બાળકો ભલે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય પણ તેમને આપણી ભાષાના નાટકો બતાવજો. એમાં તેમને આપણી ભાષા સંભળાશે. નાનપણમાં સાંભળેલું બહુ યાદ રહેતું હોય છે. મને ભાંગવાડીના નાટકોના ડાયલોગ્સ આ ઉંમરેય મોઢે છે.

કાર્યક્રમની આમંત્રણપત્રિકા (બૅક કવર)
સૌમ્ય જોશીએ કહ્યું હતું કે નાટક ક્યારેય એક વ્યક્તિથી થતુ નથી. એ ટીમવર્ક છે. નાટક સાથે સંકળાયેલા દરેક કસબીનો હું આભાર માનું છું. આ નાટક અમદાવાદથી મુંબઇ લાવતો હતો ત્યારે મનમાં કેટલીક વિમાસણ હતી. નાટક સાથે ઇકનૉમિક્સ જોડાયેલું હોય છે અને એ બહુ મહત્વનું પાસું હોય છે. વ્યાવસાયી રંગભૂમિ એ એક ચોક્કસ પોઇન્ટ પછી બીઝનેસ છે. એ ગણિતમાં વેલકમ જીંદગી કોઇ પણ રીતે ખરું ન ઉતરે એવું નાટક હતું. કારણકે, આ નાટકમાં હીરોઇન પોણા ભાગનો સમય ગાઉન પહેરે છે. સારા ગાર્મેન્ટ્સ સ્ટોરની સ્પોન્સરશીપ ન લઇ શકાય એવું નાટક છે. નાટકના ત્રણ મુખ્ય કલાકારો એટલે કે હું, અભિનય બેન્કર અને જીજ્ઞા વ્યાસ એ મુંબઇની ગુજરાતી રંગભૂમિ માટે નવા નામ છે. પેરેલલ રંગભૂમિ કહી શકાય એવા નાટકો મેં મુંબઇમાં પૃથ્વી થીએટર, નેહરૂ સેન્ટર પરફોર્મીંગ આર્ટ્સ વગેરે ઠેકાણે કર્યા હતા, પણ વ્યાવસાયિક રંગભૂમિ પર મારું નામ જાણીતું નહોતું. તેથી આ નાટક લાવવા માટે સામર્થ્ય દર્શાવનારા પ્રોડ્યુસર્સનો ખૂબ આભાર.

કાર્યક્મમાં ભજવાયેલા 'વેલકમ જીંદગી' નાટકના  એક અંશનું દ્રશ્ય
(બૅકડ્રોપમાં આમંત્રણ પત્રિકાનો જે કટ આઉટ મૂક્યો છે એ જ દ્રશ્ય છે)
પરેશ રાવલને ફિલ્મોમાં તો લોકોએ ખૂબ માણ્યા છે. મુંબઇમાં યોજાતા જાહેર કાર્યક્રમોમાં તે ખાસ જોવા મળતા નથી. તેથી તેમને સાંભળવા માટે ઑડીયન્સ કાન માંડીને બેઠું હતું. વેલકમ જીંદગી અને સૌમ્ય જોશી વિષે પરેશ રાવલે જે કંઇ બોલ્યા એ અક્ષરશ: સાંભળો...

સૌ પ્રથમ મેં જ્યારે તેજપાલ ઑડીટોરીયમમાં આ નાટક જોયું ત્યારે મારા પર શું વીતી એનું વર્ણન કરવા બેસું તો મારી આંખમાંથી આંસુ સિવાય બીજું કંઇ નહીં નીકળે. નાટક જોયા પછી બે શબ્દ બોલવા માટે મને જ્યારે મંચ પર બોલાવવામાં આવ્યો હતો ત્યારે જે શબ્દ મારા અંદરથી નીકળી ગયા હતા તે એ કે મુંબઇવાળાની બોલતી બંધ કરી નાખનારું નાટક છે. એનું કારણ એ કે મુંબઇના અમે જે રાઇટર કે ડિરેક્ટર છીએ એ બધા કોલર ટાઇટ કરીને ફરતા હોઇએ છીએ કે અમે જ રાજા છીએ, અમે જ બાદશાહ છીએ. આવું બોલવા પાછળનું કારણ એ પણ છે કે આ વાત કંઇકઅંશે સાચી છે. 1972થી હું મુંબઇ બહારના નાટકો જોતો આવ્યો છું એમાં એક પણ નાટક આટલું જબરદસ્ત નથી આવ્યું. પછી એ વડોદરાનું હોય કે સુરતનું. એક પણ નાટક નહીં એમ કહેવા પાછળ હું કેટલો સાચો છું એ આ નાટકના 250 શો એ પૂરવાર કરી ધીધું છે. નાટક વેલકમ જીંદગી મુંબઇ સુધી લઇ આવવા બદલ પ્રૉડ્યુસર ત્રિપુટી ઉમેશ શુક્લ, ભરત ઠક્કર અને હેમલ ઠક્કરને ખૂબ ખૂબ અભિનંદન. સૌમ્ય જોશી એવો સૂરજ છે કે આજે નહીં તો કાલે આ તરફ ઉગવાનો જ હતો, પણ થોડો વહેલો ઉગાડવા માટે આ ત્રણે પ્રૉડ્યુસર્સનો ખૂબ ખૂબ આભાર. ચિત્રગુપ્તના ચોપડે બહુ મોટું પુણ્ય આ લોકોના નામે જમા થઇ ચૂક્યું છે.
મારા હિસાબે સારું નાટક એ કહેવાય કે જેનો પડદો પડે અને તમારા મન – મગજના પડદા હટી જાય, આવરણ દૂર થઇ જાય, ધુમ્મસ વિખેરાઇ જાય. તમારા માનસપટ પર અમુક પ્રકારનો અજવાસ થઇ જાય. શંભુ મિત્રાએ કહયું હતું કે દર્શકો પોતાની સાથે એક દીવો લઇને આવે છે. નાટક કે ફિલ્મનું કામ એ દીવો પ્રગટાવવાનું છે. વેલકમ જીંદગીની ખાસીયત એ છે કે એ જોતાં જોતાં ભૂલી જાવ છો કે તમે નાટક જોઇ રહ્યા છો. તમારી દુનિયામાંથી કાંઠલો પકડીને નાટક તમને એની દુનિયામાં લઇ જાય છે. તમને ખબરેય ન પડે કે તમે ક્યારે એના ઘરમાં કે એની દુનિયામાં પ્રવેશ કરી ચૂક્યા છો એવી ખાસીયત આ નાટકમાં ભારોભાર છે, લદોલદ છે. આ નાટક જોતી વખતે તમે નાટક નહીં પણ જીંદગી જોતાં હોય એવું લાગે છે.  
આપણે ત્યાં મંડળો, સામાજિક સંસ્થાઓ થકી કેટલાક નાટકોના 300 કે 500 શો થાય છે, પરંતુ એ મહત્વની વાત નથી. એ મંડળો, સંસ્થાઓ સારું જ કરી રહ્યા છે પણ એ નાટકોમાં માત્ર ગતિ હોય છે. ચોથી એબીસીડીમાં તમે વળાંકવાળા અક્ષરે લખો એટલે એ લાગે સારું પણ એમાં કોઇ સત્વ – તત્વ નથી હોતું. મહત્વનું એ છે કે તમે શું લખ્યું છે. તેથી આવા નાટકોના જ્યારે 250 શો થાય ત્યારે વાંઝણીને ગર્ભ રહ્યો હોય એવો આનંદ થાય છે.
આવા નાટક જોઇએ ત્યારે નાટ્યકાર કે રંગકર્મી તરીકે ભવીષ્ય સારું લાગવા માંડે છે કે આવા નાટકો દર્શકો ઝીલી રહ્યા છે ને આપણે સારા નાટકો કરી શકીશું. વેલકમ જીંદગીએ ગુજરાતી રંગભૂમિને અપાયેલું મોટામાં મોટું સ્ટીરોઇડ્સ છે. આ નાટકથી એ આશા જન્મે છે કે તમે સારું કરશો તો પ્રેક્ષકો કહેશે વાહ વાહ..
હવે વાત કરીએ આપણે જોશીસાહેબની. બહુ રૅર કોમ્બીનેશન છે આ માણસ. આપણે ત્યાં રાઇટર – ડિરેક્ટરના કોમ્બો ઘણા આવી ગયા છે. જેમ કે, શૈલેષ દવે, કાન્તિ મડીયા, અરવીંદ જોશી વગેરે. પરંતુ આ માણસ પંચમુખી રૂદ્રાક્ષ જેવો છે. કવિ, નાટ્યલેખક, દિગ્દર્શક, કલાકાર, સંગીતકાર અને લટકામાં અંગ્રેજીનો પ્રોફેસર છે. આવું રૅર કોમ્બીનેશન ગુજરાતી રંગભૂમિ પર આવ્યું નથી. જે લેવલે તેણે નાટકની માવજત કરી છે એ વખાણવાલાયક છે. બધા નવા કલાકારોને લઇને બે બે મહિનાની કાળી મહેનત પછી એ જે માણસ તૈયાર કરે છે ત્યારે એ નવા કલાકારો જૂના જેવા પીઢ લાગે છે. કોઇ કૃત્રિમ રીતે સંવાદ બોલતા નથી. જૂના તેની સાથે કામ કરશે તો આ માણસ નવા જેવા ફ્રેશ કરી આપશે એવી મારી ખાતરી છે. કૌસ્તુભ ત્રિવેદી એક વખત બોલી ગયા હતા કે અમુક કલાકારોએ ગુજરાતી રંગભૂમિ પર લોકોને ઊંચુ સાંભળવાની આદત પાડી દીધી છે. આપણે ત્યાં ઘોંધાટ ડેસીબલ લેવલ વધારે એટલે ઇન્ટેન્સીટી થઇ જાય છે. સાહજિકપણું જ ગુમાવી બેઠા છીએ. એવી પ્લાસ્ટિકની બંગડી થઇ ગયા છીએ કે જેના પર માખી પણ ન બેસે. આવા સંજોગોમાં નવા કલાકારો ઉતારવા અને આટલું જબરદસ્ત નાટક આપવું એ મારા હિસાબે બહુ મોટી વાત છે. નાટકના ડાયલૉગ્સ તમને ડાયલૉગ્સ લાગતા જ નથી. જીવનખરલમાંથી ઘૂંટાઇને આવ્યા હોય એવા લાગે છે.
નાટકની લાસ્ટ સૉલિલક્વી(સ્વગતોક્તિ) વિષે વાત કરું તો સલામ છે સૌમ્ય જોશીને. નાટકમાં છેલ્લે વીસેક મિનિટની જે સૉલિલક્વી છે. એક કલાકાર તરીકે મેં ગુજરાતી રંગભૂમિ પર આવી સૉલિલક્વી મેં ક્યારે જોઇ હશે એ મને યાદ નથી. આર્થર મીલર વિષે એવું કહેવાતું કે ડેથ ઓફ અ સેલ્સમેન તેમણે લખ્યું નથી, રીલીઝ કર્યું છે. એવું સૌમ્ય જોશીએ કર્યું છે. એ સૉલિલક્વીમાં તેણે રીલીઝ કરી નાખ્યું છે. અમુક ડાયલૉગ્સ તો તમરા મગજની નસો ફાડી નાખે એવા છે. આવા નાટકને પુસ્તક સ્વરૂપે બહાર પાડવા માટે ઇમેજ પબ્લીકેશન્સને અભિનંદન. હું માનું છું ત્યાં સુધી નાટકનું પુસ્તક બહાર પાડવાનું ગુજરાતી રંગભૂમિ પર થયું નથી.
કોઇ સારું કામ કરે ત્યારે મને એવી ઇર્ષ્યા થાય છે કે હું આવું ક્યારે કરી શકીશ. નાટક જોયું અને સૌમ્ય જોશી જે છેલ્લી સૉલિલક્વી બોલે છે એ જોઇને મને થયું કે આ સાલું મારે બોલવું હોય તો ? મને બોલવા મળે તો ? મેં તેની સામે ઇચ્છા પણ પ્રગટ કરી  હતી. તો તેણે મને ક્હયું પણ હતું કે હું તો યાર, રીલક્ટન્ટ એક્ટર છું. મને ખબર હોત તો નાટક આપણે સાથે કર્યું હોત. એટલે જે નાટક સાથે મારે જોડાવું હતું એ મોકો મને આ રીતે પુસ્તક લોકાર્પણ દ્વારા આપવા બદલ ઇમેજ પબ્લીકેશન્સ અને સુરેશ દલાલને ખૂબ અભિનંદન. આ પુસ્તક નાટકની ચોપડી નથી. ભવિષ્યની રંગભૂમિના જન્માક્ષર છે. હવે ઘણા સારા નાટકો માટે દરવાજા ખુલી જવાના છે. સૌમ્ય જોશીને કહીશ કે તમે અહીં(મુંબઇમાં) રહી જાવ એ માટે તમને વ્હાલભર્યો આગ્રહ.

પરેશ રાવલ જે કંઇ બોલ્યા હતા એ શબ્દે શબ્દ અહીં ટપકાવ્યો છે. જ્યાં જ્યાં પૅરેગ્રાફ પાડ્યા છે ત્યાં તમારે મનોમન ભાઇદાસ હૉલમાં ગુંજેલી તાળી સાંભળી લેવાની. કદાચ કોઇને આ લેખ લાંબો પણ લાગ્યો હશે. મને એવી ઇચ્છા હતી કે મુંબઇ અને ગુજરાતના મારા જે દોસ્તો અને નાટકના રસીયાઓ આ કાર્યક્રમમાં નથી આવી શક્યા એ આ કાર્યક્રમ આખેઆખો માણે તેથી મેં પરેશ રાવલનું વ્યાખ્યાન સંપૂર્ણ ઉતાર્યું છે.

કાર્યક્મમાં ભજવાયેલા સૌમ્યના અન્ય નાટક
 'જો અમે બધા સાથે તો દુનિયા લઇએ માથે' ના એક અંશ નું દ્રશ્ય 
કાર્યક્રમના બીજા ભાગમાં સૌમ્ય જોશીના ત્રણ નાટકો વેલકમ જીંદગી, 102 નોટ આઉટ અને જો અમે બધા સાથે તો દુનિયા લઇએ માથે ના કેટલાક અંશ ભજવાયા હતા.

સૌમ્ય જોશીના નાટક વેલકમ જીંદગીના મુંબઇ ઉપરાંત, અમદાવાદ, સુરત વગેરે સહિત ગુજરાતમાં ઠેકઠેકાણે શો થઇ ચૂક્યા છે. હું માનું છું કે તમે નાટક જોઇ જ લીધું હશે તેથી નાટકની ભૂમિકા બાંધી નથી. છતાંય જેણે નાટક ન જોયું હોય તેને નાટક વિષે જાણવું હોય તો દોસ્ત ઋતુલ જોશીએ પોતાના બ્લોગમાં નાટક વિષે વિગતે લખ્યું છે. એની લિન્ક અહીં મૂકું છું. તેમ જ મુંબઇ મીરર ન્યુઝ પેપરમાં મુંબઇના નાટ્ય સમીક્ષક શાન્તા ગોખલેએ જે રીવ્યુ કર્યો હતો એની લિન્ક પણ મુકૂં છું.

ઋતુલ જોશીના બ્લોગની લિન્ક...


શાન્તા ગોખલેએ લખેલા રીવ્યુની લિન્ક... http://www.mumbaimirror.com/printarticle.aspx?page=comments&action=translate&sectid=57&contentid=2010052620100526023416810aa0d4830&subsite=




તેજસ વૈદ્ય, મુંબઇ

2 comments: