આ
પોસ્ટ મુંબઇ બહારના ગુજરાતીઓને ધ્યાનમાં રાખીને લખું છું. મુંબઇ રખડવાની રાજધાની
છે. જેને રખડવું ગમતું હોય એના માટે આ શહેર ક્યારેય જુનૂં થતું નથી. માણસ રખડતો
રખડતો થાકી જાય પણ મુંબઇ પોતાના આશ્ચર્યો નથી અટકાવતું કે નથી થાકતું. એક
પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જતી પેજ-થ્રી કન્યાઓ જેમ પોશાક બદલે અને બીયર બારથી
લઇને ફૂટપાથ સુધી જેમ રાત અવનવા રંગ પકડે એમ મુંબઇ રોજ એના સંદર્ભ બદલતું રહે છે.
ફેરીયાઓની જેમ મુંબઇ પણ રોજ પોતાના મિજાજનો ઠેલો પાથરીને ફેલાઇ પડે છે, પરંતુ
મુંબઇનો આમ આદમી રોજબરોજની ઘેટા કમ ઘોડા દોડમાં આંખ સામે પથરાયેલી મુંબઇની જે
વિશેષતા અને વિવશપણું છે એ જોવાનું ચૂકી જાય છે. મુંબઇ એ જોવા કરતાં નિરીક્ષણ
કરવાનું શહેર છે. જેમ જેમ એનું નિરીક્ષણ કરતા રહો એમ એમ એનો નશો તમને વળગવા માંડે.
પ્રસ્તુત છે તસવીરી જુબાનીમાં મુંબઇના મિજાજની મિજબાની..
|
ધમધમતું અને મઘમઘતું ફૂલ બજાર - દાદર(વેસ્ટ), સવારે પાંચ વાગ્યે |
ફૂલ
બજાર - મુંબઇ રાતનું શહેર કહેવાય છે, પરંતુ એના કેટલાક ઇલાકા વહેલી સવારે નિહાળવા
લાયક છે. જેમ કે, દાદર(વેસ્ટ) સ્ટેશનની બહાર લાગતું ફૂલ બજાર. અહીં દર્શાવેલા ફોટા
સવારે પાંચ વાગ્યે પાડેલા છે. મુંબઇના તમામ દેવાલયોમાં ભગવાનને જે ફૂલ ચઢે છે એ
વાયા દાદરની ફૂલ બજાર થઇને જાય છે. સવારે પાંચ વાગ્યે એટલે કે સૂરજનું અજવાળું આવે
એ પહેલા અહીં ફૂલોનું રજવાડું પથરાઇ ચૂક્યું હોય છે. વહેલી સવારે દાદરની આ
માર્કેટમાં જઇએ તો દિલ ખરેખર ‘બાગ
બાગ’ થઇ જાય. આમ તો આખો દિવસ આ ફૂલ બજારમાં
ફૂલોની અને માણસોની ભીડ રહે છે, પરંતુ વહેલી સવારે આ બજારની રંગત તાજા ફૂલની જેમ
ખીલેલી હોય છે.
|
ધોબીઘાટ - મહાલક્ષ્મી(વેસ્ટ), સવારે છ વાગ્યે |
ધોબીઘાટ
- વહેલી સવારે જઇને જોવાની મજા આવે એવા સ્થળોમાં ધોબીઘાટ પણ સામેલ છે. મહાલક્ષ્મી
સ્ટેશન(વેસ્ટ)ની બહાર નીકળો અને પુલની નીચે જુઓ તો મુંબઇના ઐતિહાસિક ધોબીઘાટના
દર્શન થાય. દર્શાવેલી ધોબીઘાટની તસવીરો સવારે છ વાગ્યે લીધી છે. સવાર સવારમાં ઘાટ
પર જ ઊભડક ન્હાઇને દાંતના ખૂણે તમ્બાકુ અને કમરની નીચે પ્લાસ્ટિક ભરાવીને ધોબીઓ
મંડી પડે છે. મુંબઇ અને એની આસપાસના લાખો લુગડા બપોરે દોઢેક વાગ્યા સુધીમાં
|
કમ્મરે પ્લાસ્ટિક ભરાવીને દે ધોબીપછાડ |
|
કૉલાજ - ધોબીઘાટના એક કુંડમાં પલાળેલું કાપડ |
ઉજળીયાત
થઇ જાય છે. રામપ્રસાદ નામનો ધોબી મને ત્યાં મળ્યો હતો. તેણે કહ્યું હતું કે ચાર –
પાંચ જણાનું એક ગૃપ હોય છે. આવા પંદરસો જેટલા ગૃપ છે. દરેક ગૃપ રોજના
ત્રણથી ચાર હજાર કપડા ધોઇ નાખે છે. આભા બની જઇએ એવો આ આંકડો સાભળીને બે ઘડી તો મને
એમ જ થયું કે હું ધોબીઘાટ પર નહીં પણ બોમ્બે સ્ટોક એક્સડેન્જના બિલેડીંગની નીચે
ઊભો છું. સાચું ખોટું રામ અને રામપ્રકાશ જાણે પણ ધોબીઘાટ અદભૂત જગ્યા છે. કિરણ
રાવની ફિલ્મ ધોબી ઘાટ તમને કદાચ ગમે કે ન ગમે પણ સાચુકલો ધોબી ઘાટ જોવો જરૂર
ગમશે.
|
પાક કલા પછીની પાન કલા, કોલાબા |
લખનવી
કોલાબા - પાન એ માત્ર ખાવાની જ નહીં પણ સજાવવાનીય વસ્તુ છે એ કોલાબાની ઊભી બજારે
આંટો મારીએ એટલે સમજાય. ફૂડ ડ્રેસીંગ ફોટોગ્રાફીના સીલેબસમાં સુધારો કરીને પાન
ડ્રેસીંગનું ચેપ્ટર પણ ઉમેરવું જોઇએ. કોલાબાની આ ગલીઓમાં અંગ્રેજો અને આરબોની ખૂબ
અવર જવર રહે છે. કંઇક નોખી કે નવી ચીજ તરીકે પાન ખાવા માટે તેમની જીભ લલચાય એ માટે
આ પ્રકારે મસાલા પાન સજાવવામાં આવે છે. મુદ્દાની વાત એ છે કે આ સજાવેલા પાન
સ્વાદમાં સાદા પાન કરતાંય નબળા હોય છે. એના સ્વાદની માત્ર શોપીસ વૅલ્યુ જ હોય છે. જો
કે એની સજાવટ એવી લાજવાબ હોય છે કે એ જોઇને તમને કોલાબામાં લખનવની ઝાંખી થાય.
|
મોઢું મીઠું કરો, ખિસ્સું ઢીલું કરો - કોલાબાનો લખનવી અંદાજ |
કાપડ
માર્કેટ – प्रेम गली अति संकरी, तामें दाऊ न समाई | એવો કબીરનો દુહો છે. મુંબઇની મંગળદાસ અને
સ્વદેશી માર્કેટમાં જાવ એટલે એવું લાગે કે કબીરને આ દુહાની પ્રેરણા મુંબઇની કાપડ
બજારોમાંથી મળી હશે. મુંબઇની કાપડ માર્કેટની ગલીઓ એટલી સાંકડી છે કે બેથી ત્રણ જણા
એક હારમાં માંડ માંડ ચાલી શકે. તો ય આ માર્કેટોમાં રોજ માણસોની એટલી ભીડ હોય કે
જાણે કીડીયારા સામે હરિફાઇ માંડી હોય. વર્ષો જૂની આ માર્કેટો કરોડોનું ટર્નઓવર
ધરાવે છે. તો ય ત્યાં હિસાબ ચોપડે જ મંડાય છે. કોમ્પ્યુટરની બાબતમાં વેપારીઓ
કોમ્યુનિસ્ટો છે. ગાદી તકીયાની જ બેઠક છે. અંગ્રેજોએ માર્કેટની અંદર મૂકાવેલા
પોસ્ટ ઓફીસના ડબ્બા આજના ઇ મેઇલના જમાનામાં ય માર્કેટની રોનક ગણાય છે. વર્ષો જૂના
વજનકાંટા જેને વેપારીઓ ધરમ કાંટા કહે છે એ પણ ત્યાં છે. આ માર્કેટોની વિન્ટેજ
ફ્લેવર જે છે એ વાઇનને હરિફાઇ આપે એવી છે.
આપણને ગમે એવી વાત એ છે કે આ માર્કેટોમાં ગુજરાતી વેપારીઓનું વર્ચસ્વ છે.
|
સ્વદંશી માર્કેટ (ઇનસાઇડ) |
|
મારો ય એક ઝમાનો હતો - અંગ્રેજોના વખતથી મુંબઇની કાપડ માર્કેટોમાં પોસ્ટ ઓફીસના ડબ્બા મૂકાયા હતા. |
|
મૂળજી જેઠા કાપડ માર્કેટની ગલીઓના નામ વાંચો ! |
|
ધરમ કાંટા |
|
સંજય લીલા ભણસાલી માટે એક સમયે ધરતીનો છેડો તળ મુંબઇનો આ રૂમ હતો |
સંજય
ભણસાલીનું 200 સ્ક્વેર ફૂટનું જુનૂં ઘર - તળ મુંબઇમાં ભૂલેશ્વરના સી પી
ટેન્ક(કાવસજી પટેલ ટેન્ક) વિસ્તારમાં ગુલાલવાડીમાં આવેલી ત્રીજી પાંજરાપોળની સામે
આવેલા ભાનુસાલી ભુવનમાં ત્રીજા માળે આવેલો રૂમ નંબર 12 એટલે સંજય લીલા ભણસાલીનું
જુનૂં સરનામું. અત્યારે સંજય ભણસાલી અને લીલાબહેન જુહૂમાં આલીશાન ઘરમાં રહે છે.
પરંતુ એક સમયે 200 સ્ક્વેર ફૂટનો આ એક રૂમ ભણસાલી પરિવારનું આખું ઘર હતો. એ એક રૂમ
જ રસોડું, બેઠક રૂમ અને બેડ રૂમ એમ બધું જ હતો.
એ રૂમમાં હવે અલાહાબાદનો ચૌરસીયા પરિવાર રહે છે. રોચક વાત એ છે કે સંજય લીલા
ભણસાલીના ઘરથી દશ મિનિટના અંતરે જયહિન્દ એસ્ટેટ આવેલું છે, જ્યાં એક સમયે ધીરૂભાઇ અંબાણી રહેતા
હતા. ‘અભિયાન’ માટે રીપોર્ટીંગ વખતે કોલમ્બસગીરી કરીને એટલે કે ખાખાખોળા કરીને આ
સરનામે પહોંચ્યો હતો અને કેટલીક રસપ્રદ માહિતી મેળવી હતી.
|
(આંખ ઝીણી કરીને વાંચો) ભાનુશાલી ભુવન |
બહારગામ
કે અન્ય શહેરથી મુંબઇ જોવા આવનારાઓ ગેટવે ઓફ ઇન્ડિયા કે ચોપાટી કે એસ્સેલ વર્લ્ડની
ફુદરડીઓમાં ફરીને ચાલ્યા જાય છે. એનીય મજા છે એની ના નહીં. સાથો સાથ ઉપર જે
વર્ણવ્યા એ (સંજય ભણસાલીના ઘરને બાદ કરતાં) સ્થળોનીય મજા છે. બહારથી ફરવા આવતા
મોટા ભાગના લોકો આ સ્થળો જોવાનું ચૂકી જાય છે. કદાચ તેમને મન આ સ્થળો જોવાલાયક
કૅટેગરીમાં ન પણ આવતા હોય એવું હોઇ શકે. પરંતુ ફરવામાં અને ઝીણું ઝીણું જોવામાં રસ
હોય તો ફૂલ બજાર, કાપડ માર્કેટો, ધોબી ઘાટ જેવા સ્થળો પણ ખરેખર રસ પડે એવા છે. મુંબઇની
ભાતીગળ ભૂગોળમાં આવા તો કંઇ કેટલાય નમૂના પડ્યા છે જેના વિષે ફરી ક્યારેક
તેજસ
વૈદ્ય, મુંબઇ
તેજસ. મુંબઈ દર્શન ભાગ-૧ માટે આભાર. ભાગ-૧ લખવાનું કારણ એ કે હું માની લઉં છું કે આ એક તસ્વીર શ્રેણીની શરૂઆત છે.સરસ છાબીઓં અને રસપૂર્ણ ટીપ્પણીઓ. ક્લિક કરતાં રહો અને ગુલાલ કરતાં રહો...
ReplyDelete
ReplyDeleteશ્રી તેજસ ભાઈ આપે મુંબઈ વિષે ખુબ સરસ લખાણ લખેલ છે તથા આપે મુકેલ તસ્વીરો પણ દિલને ગમી જાય તેવી છે. હું પોતે પણ ૨૦૧૧-૨૦૧૩ સુધી ૩ વર્ષ જેટલા સમય માટે મુંબઈ રોકાવા ગયો હતો. પણ હું પોતે નવી મુંબઈ - ખારઘર ખાતે નિવાસ કરતો હતો. મને વેસ્ટર્ન લાઈનના પરાઓ વિષે હંમેશા એક અકલ્પનીય આકર્ષણ રહેલ છે ત્યાંની જીવન શૈલી ત્યાંની વેપાર શૈલી,ત્યાંની ભાગમભાગ,ત્યાંની પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ બસ-ટ્રેન, ત્યાની ટેક્ષી સર્વિસ, ત્યાની ચોપાટી,ત્યાંનું નાટક મનોરંજન , સાહિત્યિક કાર્યક્રમ, તથા ખાસમખાસ ત્યાંનું વડાપાઉં અને ભજ્જીપાઉં સુકી લાલ ચટણી વાળું બસ મુંબઈ મારા જીવન માટે એક યાદગાર ક્ષણ રહ્યું..મારા જીવનમાં મુંબઈનું એક અનોખું સ્થાન હમેશા રહેશે.. લી. નિલેશ જી.પટેલ, મું. હાથરવા કંપા,તા.વડાલી-સાબરકાંઠા. મો. ૮૩૪૭૦ ૭૮૫૨૯૫