Showing posts with label કમ્યુનિકેશન્સ. Show all posts
Showing posts with label કમ્યુનિકેશન્સ. Show all posts

Monday, August 10, 2015

છપ્પનવખારી - કટોકટી (1975-1977) : કરીમ લાલા - હાજી મસ્તાનનો અસ્ત, દાઉદ - ગવળીનો ઉદય

Sandesh - Ardh Saptahik Purti - 15 July 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય



કટોકટીને ચાલીસ વર્ષ થયા. કટોકટી વિશે હાલના દિવસોમાં ખૂબ લખાયું છે. મોટે ભાગે એની રાજકીય અને સામાજિક અસર વિશે લખાયું છે. કયા કયા મોટા નેતા,ચળવળકાર, બૌદ્ધિક લોકો અને પત્રકારોને ઇન્દિરા ગાંધીએ જેલભેગા કરી દીધા હતા અને પછી એના કેવા પડઘા પડયા હતા એના વિશે લખાયું છે. કટોકટી વખતે મુંબઈ અન્ડરવર્લ્ડ પણ અડફેટે ચઢી ગયું હતું એના વિશે ખાસ લખાયું નથી. કરીમ લાલા અને હાજી મસ્તાનનો ડોન તરીકેનો દબદબો ડાઉન થયો એમાં કટોકટીનો મોટો રોલ છે. દાઉદ ઇબ્રાહીમ અને અરુણ ગવળી જેવા ગેંગસ્ટર મોટા ડોન બનવા લાગ્યા એમાં પણ કટોકટીનો રોલ છે. જાણીએ કટોકટી અને અન્ડરવર્લ્ડની કશ્મકશ
કટોકટી દરમ્યાન પત્રકારો, સ્વાતંત્ર્યવીરો, ચળવળકારો, નેતાઓને તો ઇન્દિરા ગાંધીએ અડફેટે લઈ જ લીધા હતા. જેની ધાક મુંબઈને વધુ હોય એ અન્ડરવર્લ્ડ માફિયા પણ અડફેટે આવી ગયા હતા. મુંબઈના ટોચના માફિયામાથાંઓ કે જેની સામે સજ્જડ કેસ હોવા છતાં જેલમાં નાખી શકાતાં નહોતાં એ બધાં માથાંઓ કટોકટી દરમ્યાન જેલભેગાં થઈ ગયાં હતાં. રસપ્રદ ઘટના તો એ છે કે ટોચનાં કેટલાંક માથાંઓ કટોકટી દરમ્યાન નબળાં પડી ગયાં હતાં. ત્યારપછી દાઉદ, અરુણ ગવળી વગેરેએ માથું ઊંચક્યું હતું.
મિસા - મેઇન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ
કટોકટી સિત્તેરના દાયકામાં લાદવામાં આવી હતી. ૨૫ જૂન, ૧૯૭૫થી ૨૧ માર્ચ, ૧૯૭૭ સુધીનો સમયગાળો કટોકટી કાળ કહેવાય છે. કટોકટી દરમ્યાન હાજી મસ્તાન જેવો મુંબઈનો ડોન મેઇન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ(મિસા) હેઠળ જેલમાં ધકેલાયો હતો, એ વખતે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, લાલુપ્રસાદ યાદવ, ચંદ્રશેખર તેમજ શરદ યાદવ જેવા નેતાઓ મિસા હેઠળ જેલભેગા થયા હતા. ટૂંકમાં, અડવાણી, વાજપેયી, હાજી મસ્તાન બધાને મિસા નામની એક જ લાકડીએ હાંકવામાં આવ્યા હતા.
મિસા શું છે એ પહેલાં સમજી લઈએ. મિસા એ એક્ટ છે જે ૧૯૭૧માં ભારતીય સંસદમાં પસાર થયો હતો. એ વખતે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં. અત્યંત ઊહાપોહ જગાવનારા આ એક્ટની વિચિત્રતા એ હતી કે એમાં કોઈ પણ કારણ આપ્યા વગર કોઈને પણ ઉઠાવીને માત્ર શંકાના ધોરણે જેલમાં નાખી શકાય. મતલબ કે કોઈ નિર્દોષ વ્યક્તિને મિસા હેઠળ જેલમાં નાખવામાં આવી હોય તો પણ એ એક્ટ તો એને દોષિત જ ગણે છે. એ વ્યક્તિએ પોતે સાબિત કરવું પડે કે હું નિર્દોષ છું. એવો પણ નિષ્કર્ષ નીકળે કે મિસા મુજબ તો દેશના તમામ નાગરિકો એ કાયદા હેઠળ દોષિત જ ગણાય. મતલબ કે એને કાયદો કઈ રીતે કહી શકાય? પણ એવો કાયદો હતો. સંસદમાં કાયદો પસાર થયો ત્યારે એવી બાંહેધરી આપવામાં આવી હતી કે રાજકીય કિન્નાખોરી રાખીને હરીફ નેતાઓ સામે એનો દુરુપયોગ કરવામાં નહીં આવે. જોકે, ઇન્દિરા ગાંધીએ એનો ભરપૂર દુરુપયોગ કર્યો. લોકશાહી મૂલ્ય ધરાવતા દેશમાં આવા કાયદા ન ટકી શકે, તેથી જ ૧૯ મહિનાની કટોકટી પૂરી થઈ એના બે મહિના પછી ઇન્દિરા ગાંધીએ ચૂંટણી જાહેર કરી. જેમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો અને જનતા સરકારે દેશની બાગડૌર સંભાળી હતી. જેણે મિસા હટાવી દીધો હતો.
કટોકટીના વીસ સૂત્રીય કાર્યક્રમે અંડરવર્લ્ડને કઈ રીતે અડફેટે લીધું?
વસંત નાઇક ડિસેમ્બર ૧૯૬૩થી ફેબ્રુઆરી ૧૯૭૫ સુધી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હતા. સિત્તેરના દાયકામાં એટલે કે કટોકટીકાળવાળા દાયકામાં મુંબઈમાં જે અન્ડરવર્લ્ડ હતું એ સ્મગલિંગ એટલે કે દાણચોરી પર નિર્ભર હતું. કરીમ લાલા અને હાજી મસ્તાનનો એ વખતે દબદબો હતો. એ લોકોએ રાજ્ય પ્રશાસનના નાકે દમ લાવી દીધો હતો. દમ એટલા માટે લાવી દીધો હતો કે તેઓ ઇન્ટેલિજન્સ તેમજ કાયદાની પકડમાં આવતા નહોતા. તેમને પકડવા માટે કોઈ કડક કાયદો જ અમલમાં લાવવો પડે એમ છે એવું નાઇકે ઇન્દિરા ગાંધીને વારંવાર જણાવ્યું હતું. મહારાષ્ટ્ર અને ગુજરાત દાણચોરીના ગઢ હતા, કારણ કે બંને રાજ્યો પાસે દરિયો છે. દાણચોરી માટે દરિયા જેવું માધ્યમ આજની તારીખે પણ બીજું કોઈ નથી.
૧૯૭૧માં મિસા કાયદો બન્યો એમાં ઇન્દિરા ગાંધીનાં પોતાનાં રાજકીય ગણિત હતાં. તેમની ગણતરીમાં અંધારી આલમ ફરતે સકંજો કસવાનું પણ ગણિત હતું. કટોકટીનો જે વીસ મુદ્દાનો કાર્યક્રમ ઇન્દિરા ગાંધીએ રજૂ કર્યો હતો એમાંનો એક મુદ્દો એવો હતો કે સ્મગલરોની સંપત્તિ ટાંચમાં લેવામાં આવે. ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે દાણચોરોને પણ મિસા હેઠળ જ જેલભેગા કરવામાં આવે.
એટલે કે ૧૯૭૧માં બનેલા મિસાનો ખરો અમલ પાંચ વર્ષ પછી ૨૬ જૂન, ૧૯૭૫માં લાદવામાં આવેલી કટોકટી વખતે થયો. કટોકટી દરમ્યાન કોઈને પણ ઉઠાવીને એનો ગુનો બતાવ્યા વગર જેલમાં નાખી શકાય એમ હતું. ઉપર કહ્યું તેમ મુંબઈ અન્ડરવર્લ્ડ પર પણ એ ગાળામાં જબરું રોલર ફરી ગયું. સરકારે વીણી વીણીને ડોન, નાના મોટા ગુંડાઓ, કાળા બજારિયાઓ તેમજ કાળાં નાણાંના હવાલા પાડનારાઓને પકડીને જેલમાં ધકેલી દીધા. મિસા હેઠળ તો નેતા અને મોટા ડોનને જ નાખવામાં આવ્યા એ સિવાયના લોકોની વિવિધ કલમ હેઠળ ધરપકડ તેમજ કેટલાંકની અટકાયત કરવામાં આવી હતી. કેટલાંક વેપારીઓને ઇકોનોમિક ઓફેન્સ તળે જેલમાં નાખી દીધા હતા.
આમ, માત્ર રાજકારણમાં જ નહીં, પણ મુંબઈની અંધારી આલમ માટે પણ એ ખરેખર કટોકટીનો કાળ હતો. જે માફિયાઓ જેલભેગા નહોતા થયા એ કટોકટીના ૧૯ મહિના દરમિયાન ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.
હાજી મસ્તાન ૯૦ દિવસ સુધી મિસા હેઠળ જેલમાં હતો. જેલમાંથી બહાર આવ્યા પછી તેના પર કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. તેથી એ ચૂં કે ચા કરી શકે એમ નહોતો. કરીમ લાલાએ તો કટોકટીના તમામ મહિનાઓ જેલમાં જ વિતાવવા પડયા હતા. કરીમ લાલાએ તો રામ જેઠમલાણી જેવા વકીલને રોક્યા હતા છતાં કંઈ વળ્યું નહોતું. મુંબઈની આર્થર રોડ જેલ, થાણેની સેન્ટ્રલ જેલ તેમજ પૂણેની યરવડા જેલ અને ઔરંગાબાદની હરસૌલ જેલ ઊભરાઈ ગઈ હતી.
સિત્તેરના એ દાયકામાં હાજી મસ્તાન, કરીમ લાલા, યૂસુફ પટેલ અને વરદરાજન મુદ્દલિયાર મોટાં માથાં એટલે કે ડોન હતાં. રમા નાઇક, અરુણ ગવળી અને દાઉદ ઇબ્રાહિમ ત્યારે ગુંડા હતા. આ તમામ લોકોને કટોકટી વખતે જેલમાં મોકલી દેવાયા હતા. હાજી મસ્તાન પર તો મિસા અને કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટ હેઠળ જડબેસલાક કેસ બનાવવામાં આવ્યા હતા. જ્યારે કે દાઉદ, ગવળી અને રમા નાઇક પર નેશનલ સિક્યોરિટી એક્ટ(એનએસએ) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યા હતા. રમા નાઇક મટકા અને શરાબનો કારોબારી હતો. રમા નાઇક અને અરુણ ગવળી વચ્ચે દોસ્તી હતી.
જોવાની વાત એ છે કે મુંબઈના તમામ માફિયા જેલમાં ભેગા થયા હતા. કહેવાય કે કટોકટીએ જાણે બધાની જેલમાં મિટિંગ ગોઠવી આપી હતી. બધા દેડકા એક છાબડામાં ભેગા થઈ ગયા હતા. આના પરિણામે એવું થયું કે જેલમાંથી બહાર છૂટયા ત્યારે કેટલાંક ગ્રૂપ તૈયાર થઈને આવ્યાં. જેમ કે, વરદરાજન મુદલિયારને લાગ્યું કે લાગ્યું કે રમા નાઇક લાંબી રેસનો ઘોડો છે. તે કાઠું કાઢશે,તેથી બંને વચ્ચે જેલમાં જ ટયુનિંગ થઈ ગયું હતું. મુંબઈને અડીને આવેલા વસઈ અને વિરારની ખાડીઓનો દાણચોરી માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય એનો પ્લાન તે બંનેએ જેલમાં જ તૈયાર કરી લીધો. બંનેએ નક્કી કરી લીધું કે જેલમાંથી છૂટયા બાદ ત્યાંથી સ્મગલિંગ ઓપરેશન પાર પાડશું.
દાઉદ, ગવળી, રમા નાઇક વગેરેએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. એ વખતે તેઓ ગુંડા હતા, ડોન નહોતા. તેમના પર મોટા ગુના નહોતા અને જે હતા એની સામે મજબૂત પુરાવા નહોતા, તેથી તેમને જામીન પર છુટકારો મળી ગયો હતો.

કરીમ લાલા અને હાજી મસ્તાન મોરારજી દેસાઈને ઘૂંટણીયે પડયા
કટોકટી લાગુ થઈ એના કેટલાંક અઠવાડિયાં પછી મુંબઈના પોલીસ વડા તરીકે એસ.વી. ટાંકીવાળાની નિમણૂક થઈ હતી. તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે એન્ટિ સ્મગલિંગ ડ્રાઇવમાં કુલ ૨૮૮ દાણચોરોને ઝબ્બે કરવામાં આવ્યા હતા તેમજ ૧૭૭ દાણચોરોની મિલકત જપ્ત કરવામાં આવી હતી.
ક્લાઇમેક્સ તો એ હતો કે કટોકટી દરમ્યાન બે વર્ષ જેલના આંટાફેરા બાદ હાજી મસ્તાન અને કરીમ લાલાને સમજાઈ ગયું હતું કે હવે કાયદાની પકડ મજબૂત બની છે અને માફિયા તરીકે ઝાઝું ખેડી શકાય એમ નથી. કટોકટી બાદ થયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો અને જનતા સરકાર ચૂંટાઇ હતી. હાજી મસ્તાન અને કરીમ લાલા જઈને જનતા દળના ટોચના નેતા જયપ્રકાશ નારાયણને મળ્યા હતા. તેમને આજીજી કરી હતી કે વડાપ્રધાન મોરારજી દેસાઈને કહો કે અમારા પર સહેજ રહેમ રાખે. બંનેએ સોગંધનામું રજૂ કરીને સરકારને બાંહેધરી આપી હતી કે તેઓ હવે કોઈ ગેરકાયદે કામમાં નહીં સંડોવાય. મોરારજી દેસાઈએ તેમની વિનવણી માન્ય રાખી હતી અને તેમના પર લટકતી અટકાયતની તલવાર ટળી હતી. હાજી મસ્તાન એ પછી જયપ્રકાશ નારાયણની પાર્ટીમા જોડાયા હતા. ડોનમાંથી રાજકારણી બન્યા હતા. કરીમ લાલાને પણ સમજાઈ ગયું હતું કે પોતાના કિલોમીટર પૂરા થઈ ગયા છે.


દાઉદ - ગવળી, ગેંગસ્ટરમાંથી ડોન બન્યા
કટોકટી પછી કરીમ લાલા અને હાજી મસ્તાન ડોનમાંથી ડાઉન થઈ ગયા હતા. બીજી તરફ દાઉદ, રમા નાઇક અને અરુણ ગવળી માટે મેદાન થોડું મોકળું થયું હતું. ગેંગસ્ટરમાંથી ડોન બનવાની તેમની ગતિ કટોકટી બાદ તેજ થઈ ગઈ હતી. એ પછી એંશીના દાયકામાં તો બાકાયદા દાઉદ ઇબ્રાહિમ અને અરુણ ગવળી ડોન થઈ ગયા હતા. અંધારી આલમનો એક અધ્યાય કટોકટી પછી પૂરો થયો હતો. 
૧૯૭૭માં કટોકટી ગઈ પછી દાઉદ અને ગવળી જેવા ગેંગસ્ટરનું કદ વધી ગયું હતું. કટોકટી પૂરી થઈ એના ચોથા વર્ષે ૧૯૮૧માં મુંબઈમાં મિલ કામદારોની પ્રચંડ હડતાળ પડી હતી. ટ્રેડ યુનિયન લીડર દત્તા સામંતની હાકલથી હડતાળ પડી હતી. જેને લીધે અનેક કામદારો બેકાર થઈ પડયા હતા. પૈસાના અભાવે કેટલાય યુવાનિયા અરુણ ગવળી અને દાઉદની ગેંગમાં જોડાયા હતા. બંનેની ગેંગનું વજન વધ્યું હતું. ૧૯૮૧ પછી તો તેઓ ડોન તરીકે પંકાવા લાગ્યા હતા. મુંબઈને હંફાવવા લાગ્યા હતા. છતાં મુંબઈ પોલીસ તેમને પકડી શકતી નહોતી. આમ, દાઉદ અને અરુણ ગવળી ડોન બન્યા એમાં કટોકટી અને મિલ કામદારોની હડતાળે મોટો રોલ ભજવ્યો હતો.
અરુણ ગવળી, રમા નાઇક અને બાબુ રેશીમે મળીને બી.આર.એ. કંપની નામની ગેંગ બનાવી હતી. ત્રણેયના પહેલા અક્ષર પરથી ગેંગનું નામ પાડવામાં આવ્યું હતું. ૧૯૮૮માં મુંબઈના નાગપાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર રાજન કટધરેના હાથે રમા નાઇકનું એન્કાઉન્ટર થયું હતું. ત્યાર પછી બાબુ રેશીમનું પોલીસ લોકઅપમાં મોત થયું હતું. આ બંને મોતમાં ગવળીને દાઉદનો હાથ હોવાનું જણાયું હતું.
બીજો અધ્યાય
 અંધારી આલમનો એક અધ્યાય કટોકટી પછી પૂરો થયો હતો અને બીજો તેમજ વધુ જોખમી અધ્યાય પછી શરૂ થયો હતો. જે અંડરવર્લ્ડ કટોકટી સુધી માત્ર દાણચોરી અને મીલકત હડપવા પર નભતું હતું એનું જોખમ પછી વધુ વિસ્તર્યું હતું. પ્રોટેક્શન મની,ખંડણી, કોન્ટ્રાક્ટ કિલિંગ, ડ્રગ્સ વગેરે માફિયાગીરી દાઉદ અને ગવળીકાળમાં વધી હતી. ૧૯૯૨ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોની ઘટના દ્વારા તો અંધારી આલમે આતંકવાદની પણ રાહ પકડી હતી. અંધારી આલમને આતંકવાદ સુધી દોરી જનારો દાઉદ ઇબ્રાહિમ હતો,જે દેશ માટે સૌથી જોખમી પરચો હતો. હાજી મસ્તાન અને કરીમ લાલાએ દાદાગીરીમાં પણ પોતાનાં ધારાધોરણ રાખ્યાં હતાં. તેઓ મુખ્યત્વે દાણચોરી કરતા હતા અને બેનામી મિલકતો ઊભી કરતા હતા. તેઓ ડ્રગ્સ કે આતંકવાદના કારોબારમાં ક્યારેય નહોતા પડયા. દાઉદ ઇબ્રાહિમે અન્ડરવર્લ્ડનાં નવાં સમીકરણ સેટ કર્યાં અને તમામ મર્યાદાઓ તોડી નાખી. તેણે કોઈ નિયમો જ રાખ્યા નથી. દાઉદ પોતાને બિઝનેસમેન ગણાવે છે અને તેની બિઝનેસની વ્યાખ્યા એ છે કે કોઈ પણ રીતે પૈસા આવવા જોઈએ. જ્યાં પૈસો બનતો હોય ત્યાં કોઈ નીતિનિયમ, ધારાધોરણ હોતાં નથી.
હવે અંડરવર્લ્ડ એ હદે વિસ્ફારિત થઈ ગયું છે કે મિસા તો શું કોઈ પણ કડક કાયદા એને કંટ્રોલ કરી શકે એમ નથી. છોટા રાજન ઓસ્ટ્રેલિયામાં છે. દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં છે. અંધારી આલમનો કંટ્રોલ ટાવર ભારતની ભૂગોળની બહાર છે. કાનૂનના હાથ ભલે લાંબા હોય પણ દેશની બહાર એનું કદ વેતરાઈ જાય છે.     

   
કટોકટી એટલે શું?
દેશમાં અસામાન્ય સંજોગો હોય અને આંતરિક સુરક્ષા સામે જોખમ હોય એટલે કે કટોકટીની સ્થિતિ હોય તો નાગરિકોના અધિકાર પર કાપ મૂકવાની કે એ અધિકાર છીનવી લેવાની બંધારણમાં જોગવાઈ છે. એ અંતર્ગત કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો કટોકટી લાગુ કરવામાં આવે છે.
૨૫ જૂન, ૧૯૭૫થી ૨૧ માર્ચ, ૧૯૭૭ સુધી દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી. ઇન્દિરા ગાંધી સરકારે કટોકટી લાગુ કરી હતી. જેને હાલમાં જ ચાલીસ વર્ષ પૂરાં થયાં છે. દેશની અત્યંત કલંકપૂર્ણ ઘટનાઓમાં કટોકટી સામેલ છે. ઇન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી લાદી ત્યારે દેશ સામે કોઈ આંતરિક સુરક્ષાનું જોખમ નહોતું. તેમણે માત્ર પોતાના રાજકીય વર્ચસ્વ ખાતર, કહો કે અંગત લાભ ખાતર કટોકટી લાગુ કરી હતી. જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં બિહારમાં ભ્રષ્ટાચાર સામે જંગી આંદોલન ચાલુ હતું. જેમાં ઇન્દિરા ગાંધી સામે તીવ્ર અસંતોષ હતો. આ કોઈ રાષ્ટ્રીય સંકટ નહોતું. એને ખાળવા માટે ઇન્દિરા ગાંધીએ કટોકટી લાગુ કરીને બંધારણીય જોગવાઈનો દુરુપયોગ કર્યો હતો.
૧૯૭૫ની ૨૫ જૂને મોડી રાતે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થશંકર રાય અને કેન્દ્રીય કાયદાપ્રધાન એચ.આર. ગોખલે રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. એ વખતે ફખરુદ્દીન અલી રાષ્ટ્રપતિ હતા. તેમને ઊંઘમાંથી જગાડીને કહેવામાં આવ્યું કે આ દસ્તાવેજ પર સાઇન કરી દો. રાષ્ટ્રપતિ સવાલ કરે એ પહેલાં જ કહી દેવામાં આવ્યું કે વડાપ્રધાન આવતી કાલે કેબિનેટની બેઠક બોલાવવાનાં છે. એમાં આ નિર્ણય પર મંજૂરી લઈ લેવાશે. રાષ્ટ્રપતિએ તરત સહી કરી દીધી. એ દસ્તાવેજ કટોકટી લાગુ કરવા માટેનો હતો.
એ પછી દેશમાં કટોકટી લાગુ થઈ હતી. જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, જ્યોર્જ ફર્નાન્ડિઝ, અટલ બિહારી વાજપેયી,લાલકૃષ્ણ અડવાણી, અશોક મહેતા વગેરે જેલભેગા થયા હતા.

છપ્પનવખારી - કમ્યુનિકેશન્સ ક્રાંતિ અને અકરાંતિયાપણું

Sandesh - Ardh Saptahik Purti - 22 July 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય

ઉપયોગ અને અકરાંતિયાપણા વચ્ચે વિવેકની એક પાતળી રેખા હોય છે. કોમ્યુનિકેશન્સની જે ક્રાંતિ થઈ છે એ ખરેખર આશીર્વાદરૂપ છે. દરેકના હાથમાં મોબાઇલ આવી ગયા છે. ઘેર ઘેર વોટ્સએપ પહોંચી ગયું છે. ફેસબુક એટલું પોપ્યુલર છે કે લોકોને ફેસ ટુ ફેસ મળવાનું પણ જરૂરી નથી લાગતું. મુદ્દો એ છે કે કોમ્યુનિકેશન્સનાં આ બેનમૂન માધ્યમોનો ઉપયોગ હવે અકરાંતિયાની જેમ થવા માંડયો છે. આ માધ્યમોએ જ માણસને ક્યાંક એકલો તો નથી કરી દીધોને!


"બેટા, તું આજકાલ તારા જૂના દોસ્તોને મળવા નથી જતો. અગાઉ તો પંદર-વીસ દિવસ થાય એટલે તરત દોડી જતો હતો."
"પપ્પા, અમે હવે વોટ્સએપ ગ્રૂપ બનાવી લીધું છે. રોજ વોટ્સએપ પર મળીએ છીએ. રોજ વાતો થાય છે, તેથી રૂબરૂ મળવાની કંઈ જરૂર રહેતી નથી.
એક પરિવારમાં ચાર સભ્યો છે. મમ્મી એકતા કપૂરબ્રાન્ડ સિરિયલ જોવામાં વ્યસ્ત છે. દીકરો પોતાના સેલફોન પર ગેઇમ રમે છે. દીકરી પોતાના સેલફોન પર વોટ્સએપમાં વ્યસ્ત છે. પપ્પા કાં તો છાપું વાંચે છે કાં બીજા રૂમમાં ટીવી જુએ છે. આવો સીન કદાચ તમે આસપાસના કોઈના ઘરમાં જોયો હશે. શક્ય છે કે તમારા ઘરમાં જ આવું ચિત્ર ક્યારેક સર્જાતું હોય. ટૂંકમાં, ઘરમાં બધા સભ્યો હાજર હોય અને એકબીજા સાથે વાતો કરવાને બદલે મોબાઇલ કે ટીવી પર વ્યસ્ત હોય, એટલે કે વર્ચ્યુઅલ વર્લ્ડમાં જ મસ્ત હોય!
કેટલાંક દોસ્તો કે સંબંધીઓ દસ-પંદર દિવસે મળે ત્યારે પણ આવો જ માહોલ સર્જાતો હોય છે. પંદર વ્યક્તિ ભેગી થઈ હોય એમાંથી ચાર કે પાંચ વાત કરતી હોય, એ સિવાયના લોકો માત્ર હાજરી પુરાવવા આવ્યા હોય એમ સેલફોનમાં ફેસબુક કે વોટ્સએપ કે કોઈનો ફોન કોલ અટેન્ડ કરવામાં વ્યસ્ત હોય છે.
સૌથી બેહૂદું ચિત્ર તો એ છે કે ઘરમાં મહેમાન આવ્યા હોય ત્યારેય ઘરમાં ટીવી ચાલુ હોય. ઘરમાં મહેમાન પધારે એટલે ટીવી બંધ કરીને તેમના પર જ ધ્યાન આપવાનું હોય. ઘરે આવેલા મહેમાન આવી સ્થિતિમાં કોચવાયા કરે છે કે અમે ખોટા ટાઇમે તો આવ્યા નથીને! કોઈ વ્યક્તિ માંડ ફુરસદ કાઢીને તમને મળવા આવી હોય અને તમે ટીવી ચાલુ રાખો ત્યારે વાતો નથી થતી. વાતોની માત્ર ઔપચારિકતા નિભાવાતી હોય છે. રૂબરૂ મળવાની જે મજા છે એ નંદવાઈ જતી હોય છે.
વર્ચ્યુઅલ વાસ્તવિકતા

આટલા દાખલા ટાંકીને ભૂમિકા બાંધવાનું કારણ એ છે કે હવે રૂબરૂ મળવાના અને વાતોની મહેફિલ જમાવવાના દુકાળ પડવા માંડયા છે. ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, સ્કાયપ જેવા કમ્યુનિકેશન ક્રાંતિના ઝંડા શહેર અને ગામેગામ લહેરાવા માંડયા છે. કમ્યુનિકેશન્સ ક્રાંતિએ બે દૂરના છેડાના અમેરિકા અને અમદાવાદના માણસને નજીક લાવી દીધા છે અને ઘરના બે માણસો વચ્ચે અંતર વધારી દીધું છે. મોટાં શહેરોની અંદર હવે કુટુંબ નાનાં થઈ ગયાં છે. દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, અમદાવાદ વગેરે શહેરોમાં એવાં કેટલાંય કપલ એટલે કે યુગલ હશે જેઓ રૂબરૂ વાત કરતાં હોય એના કરતાં સેલફોન પર વધુ વાત કરતાં હોય.
નાનાં છોકરાંવ પણ ઘરે પપ્પાની રાહ એટલા માટે જોતા હોય છે કે પપ્પા આવે એટલે મોબાઇલમાં ગેઇમ રમવા મળે. ઘરમાં દૂધની તપેલી ક્યાં છે એ બિલાડી શોધી લે છે એમ ટાબરિયાં પપ્પાના મોબાઇલમાંથી ગેઇમ શોધી લે છે. ઘરમાં છોકરું રીડિયારમણ કરતું હોય તો શાંત કરવા ગેઇમ રમવા મોબાઇલ પકડાવી દેનારાં પેરેન્ટ્સ પણ તમે જોયાં જ હશે. નાના ગામમાં પણ એવું જોવા મળે છે કે કોઈ માણસ દુકાનમાં મોબાઇલનો ટોકટાઇમ રિચાર્જ કરાવવા ગયો હોય ત્યારે ટાબરીયું ટકોર કરે કે પપ્પા તમે મોબાઇલમાં ફલાણી ગેઇમ નખાવી લોને! બાપને બિચારાને એ ગેઇમનું નામ પણ ખબર ન હોય! નાનાં છોકરાંવ પર મોબાઇલ મેનિયા એ હદે હાવી થઈ ગયો છે કે એ બાળપણમાં જ 'ગેઝેટગુરુ' બની જાય છે. જેમ બાળ મજૂરી હટાવવા માટે ઝુંબેશ ચાલે છે એમ બાળકોને મોબાઇલથી દૂર રાખવા માટે પણ કોઈ ઝુંબેશ ભવિષ્યમાં શરૂ થાય તો નવાઈ નહીં.
કિતને દૂર-કિતને પાસ

કમ્યુનિકેશન્સ ક્રાંતિએ છેલ્લા પંદર-વીસ વર્ષમાં ભારતમાં જબરો ફેલાવ કર્યો છે અને જનજીવન પર અદ્વિતીય અસર ઊભી કરી છે. વીસેક વર્ષ અગાઉ કોઈને કલ્પના પણ નહીં હોય કે કોમ્યુનિકેશન્સનાં વિવિધ ઉપકરણો શહેર અને ગામડાંના દરેક ઘરમાં ઘૂસીને એવી અનિવાર્યતા ઊભી કરી દેશે કે એના વિના ચાલશે નહીં.
કોમન મેન માટે કમ્યુનિકેશન્સ ક્રાંતિ જેવી આશીર્વાદરૂપ ઘટના બીજી એકેય નથી. કોઈ વ્યક્તિ નવું ઘર ખરીદે છે. એ ઘરના દરવાજે શ્રી ગણેશાય નમઃ કે ૭૮૬ લખે છે. એ દરવાજાનો ફોટો અને આખા ઘરનો વીડિયો પાંચ કે સાત મિનિટમાં દૂર વસતા સંબંધીને મોકલી શકે છે. એ આશીર્વાદરૂપ ઘટના જ છે. બેન્કમાં તમારા ખાતામાં કેટલાં કાવડિયાં છે એ સેલફોનના ટેરવે જાણી શકો કે વીજળીનું બિલ મોબાઇલથી અડધી મિનિટમાં ભરી શકો એ આશીર્વાદ જ નહીં સુખદ ચમત્કાર છે, તેથી કમ્યુનિકેશન્સ ઉપકરણોના ફાયદાનો તો તોટો જ નથી.
મુદ્દો એ છે કે કોઈ પણ ઉપકરણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતાં માણસને આવડવો જોઈએ. માણસને અકરાંતિયાની જેમ એનું વળગણ ન હોવું જોઈએ. જો માણસને એનો યોગ્ય ઉપયોગ ન આવડે તો ઉપકરણ માણસ પર ચઢી બેસે છે. આજે એવું જ થઈ રહ્યું છે. વર્ચ્યુઅલ જગતની વાસ્તવિકતા એ છે કે બે દૂરના માણસ નજીક આવ્યા છે અને નજીકના માણસો વચ્ચે અંતર પડવા માંડયું છે.


 ટેક્નોલોજીએ રોમાન્સની મજા ઘટાડી દીધી છે
યુવક-યુવતીની સગાઈ થાય એ પછી તેમની મુલાકાતો વધે છે. એ મુલાકાત દરમ્યાન યુવક કે યુવતી ભાવિ પતિ કે પત્ની સાથે વાત કરવાને બદલે વોટ્સએપ પર મંડયાં હોય અને સગાઈઓ તૂટી હોય એવા કિસ્સાય બન્યા છે. અગાઉ મંગેતર છોકરી અને છોકરો મળતાં તો છોકરી શરમાઈને જમીન ખોતરતી, હવે વોટ્સએપ ખોતરે છે. ફિલ્મમેકર કરણ જોહરે સરસ વાત કહી હતી. તેણે કહ્યું હતું કે, "ટેક્નોલોજીએ રોમાન્સની મજા ઘટાડી દીધી છે." રોમાન્સની જ નહીં, તહેવારની પણ મજા મર્યાદિત કરી દીધી છે. દિવાળી કે ઈદ જેવા તહેવારમાં રૂબરૂ મળવાને બદલે વોટ્સએપ પર શુભકામના મોકલીને પતાવી દેવાવાળાઓની સંખ્યા વધી રહી છે.
સવારે ઊઠીને હથેળી જોઈને કરાગ્રે વસતે લક્ષ્મી... બોલનારા લોકો હવે ઊઠતાંવેંત હથેળીમાં મોબાઇલ મૂકીને પેન્ડિંગ વોટ્સએપ મેસેજ ચેક કરે છે. ગઈ કાલે સાંજે મૂકેલી સેલ્ફીને ફેસબુક પર કેટલી લાઇક્સ અને કોમેન્ટ મળે છે એ ચેક કરે છે. વીસેક મિનિટ એમાં વીતે છે. પછી પથારીમાંથી આળસ મરડાય છે અને વોશરૂમની વાટ પકડાય છે અને પછી મોંમાં બ્રશ ફરે છે. આવા લોકોને રાત્રે સૂવામાં મોડું પણ સોશ્યલ મીડિયા વળગણને કારણે જ થતું હોય છે. આને કહેવાય માણસનું સોશ્યલ મીડિયા પ્રત્યેનું અકરાંતિયાપણું.
અકરાંતિયાપણાની હદ તો એ છે કે સ્મશાનમાં અંત્યેષ્ટિ માટે આવેલા ડાઘુઓ પણ દાહ અપાયા પછી ખૂણો પકડીને વોટ્સએપ ખોલીને બેસી જાય છે. અકરાંતિયાપણાને તો સ્મશાનવૈરાગ્ય પણ નથી આવતું.
લોકો પર સોશ્યલ મીડિયાના વળગણ એ હદે હાવી થઈ ગયાં હોય છે કે નવા વર્ષની શરૂઆતમાં લેવાતા રેઝોલ્યુશન્સ એટલે કે પ્રતિજ્ઞાામાં પણ સોશ્યલ મીડિયાનો સમાવેશ થઈ ગયો છે. 'હવેથી હું ફેસબુક પર ચોંટેલી કે ચોંટેલો નહીં રહું', 'હવેથી હું વોટ્સએપ મેસેજમાં મર્યાદા મૂકી દઈશ' વગેરે વગેરે. જોકે, આ પ્રકારની કામચલાઉ પ્રતિજ્ઞાા ક્યારેય પળાતી હોતી જ નથી એ પણ એક સત્ય છે.
વાતનો આપણો તંતુ એ છે કે માણસ હવે વર્ચ્યુઅલ જગતમાં વધુ રાચે છે. સાથે બેસીને વાતો કરવા કરતાં વોટ્સએપ ચેટિંગ, મેસેન્જર, ફેસબુક, ટ્વિટર દ્વારા થતી વાતચીતનું ચલણ વધ્યું છે.
 નસીરુદ્દીન શાહ એવો એક્ટર છે જેને પોતાને ફિલ્મના નહીં પણ નાટકના અભિનેતા તરીકે ઓળખાવવું વધુ ગમે છે. તેણે કહ્યું હતું કે, "મને નાટક કરવાં એટલા માટે ગમે છે કે એ બહાને હું લોકોને મળું છું. તેમની સાથે સંવાદ સાધું છું. નાટકની ભજવણી દ્વારા હું લોકો સાથે વાત કરું છું. બાકી, લોકો આજકાલ એટલા વ્યસ્ત હોય છે કે એકબીજા માટે સમય નથી. મેસેજથી પતતું હોય તો મળવાનું ટાળે છે."
છૂટાછેડાના ઘણાં કેસ એવા હોય છે કે જેમાં પતિ કે પત્નીને કાઉન્સેલિંગની જરૂર જ હોતી નથી. તેમને માત્ર એક શ્રોતાની જરૂર હોય છે જે તેમને સાંભળે. છૂટાછેડાના ઘણાં કારણોમાંનું મહત્ત્વપૂર્ણ કારણ એ હોય છે કે પતિ કે પત્ની એકબીજા માટે સમય ફાળવતાં હોતાં નથી. એકબીજા માટે સમય ફાળવીને વાતો કરવી એ જીવનની મહત્ત્વપૂર્ણ જરૂરિયાત હોય છે.
નોર્મલ માણસ માટે પણ વાત કરવી, કોઈ પોતાને સાંભળે અને પોતે સામેવાળાની બે વાત સાંભળે એવી તેની જરૂરિયાત હોય છે. માણસ પાસે વાત કરવા માટે યોગ્ય દોસ્તો હોય તો એના માટે દુઃખના ડુંગરા ખૂબ નાના થઈ જાય છે. એ દોસ્ત પછી પત્ની પણ હોઈ શકે કે ઓફિસમાં સાથે કામ કરતો કર્મચારી પણ હોઈ શકે.
કેટલાંક લોકો આખો દિવસ ફેસબુક કે અન્ય સોશ્યલ સાઇટ્સ પર ઓનલાઇન હોય છે. આનું કારણ એ હોઈ શકે છે કે તેમને રિઅલ વર્લ્ડમાં નજીકના મિત્રો હોતા નથી, કાં તો એ વ્યક્તિ સોશ્યલાઇઝ થવામાં થોડી શરમાળ છે. એવું પણ હોઈ શકે કે ફેસબુક ફ્રેન્ડલિસ્ટમાં કે વોટ્સએપ કોન્ટેક્ટ્સમાં કોઈ એવું છે જે તેમની અત્યંત નજીક છે, તેથી પણ તેઓ સતત ઓનલાઇન જોવા મળે છે. ઓનલાઇનના આ વળગણમાંથી છૂટવાનો ઇલાજ એક જ છે કે મિત્રો રૂબરૂ મળે અને ઘડિયાળ બંધ કરીને કલાકોના કલાકો સુધી ગપાટા મારે અથવા તો સાથે ફરવા જાય.
અગાઉ ટીવી ઘેર ઘેર નહોતાં પહોંચ્યા અને ડેઇલી સોપના ડેઇલી ડોઝ નહોતા શરૂ થયા ત્યારે મહિલાઓ ઓટલે બેસતી હતી અને પંચાત એટલે કે ગોસિપ કરતી હતી. મહિલાઓ ચોવટ કરે એને લોકો સારું ન ગણતા. એના કેટલાંક ગેરફાયદા ખરા પણ ખરેખર તો એ ચોવટ કે ગોસિપ પરંપરા સારી હતી. વાતો કરવાનું સુખ મળતું. ગમે તેવી મુસીબત હોય તોપણ બહેનો ઓટલે એને વાગોળીને સહેજ હળવી થઈ જતી હતી. ગોસિપ મનદુરસ્તી માટે સારી છે એવું તો હવે વિદેશમાં થતાં સર્વે પણ કહેવા માંડયા છે. મુદ્દો એ છે કે હવે ટીવીએ ઓટલા ખાલી કરી દીધા છે.
તો વાત એમ છે કે લોકોને મળવું. બાત કરને સે હી બાત બનતી હૈ.      


  બોર્ડર લાઇન સેલ્ફી અને ક્રોનિક સેલ્ફી!

મોબાઇલથી ફોટો પાડવો એટલે કે સેલ્ફી લેવી એ એક સરસ વ્યવસ્થા છે. સોશ્યલ મીડિયા પર સેલ્ફી વહેતી કરો અને લોકો એના પર લાઇક્સ કે કમેન્ટ કરે તો મજા આવે. આ મજા ત્યારે જ આવે જ્યારે એ માફકસરનું હોય. સેલ્ફી મૂક્યા જ કરતાં લોકો પોતાનીય મજા બગાડે છે અને બીજાનીય મજા બગાડે છે. બસમાં બારીવાળી સીટ મળે તો સેલ્ફી, સંતાન પહેલી વખત રડે તો એની સાથે સેલ્ફી, સવારે ગાંઠિયા ખાતા હોય તો એની સેલ્ફી. ઘરમાં ચાઇનીઝ રાંધ્યું હોય તો એનો કટોરો પકડીને સેલ્ફી. સેલ્ફી જ સેલ્ફી. મારું જીવન એ જ મારી સેલ્ફી!
જોગનો ધોધ જોવા જનારા કેટલાંય લોકો સેલ્ફી લેવામાં એટલા વ્યસ્ત હોય છે કે ધોધને નિહાળવાની જે મોજ હોય છે એ ચૂકી જાય છે. તેમના માટે જોગના ધોધને આંખોમાં ભરી લેવા કરતાં સેલ્ફી પાડીને ફેસબુક પર લાઇક્સ મેળવી લેવાની મજા વધુ અગત્યની હોય છે. ક્યારેક એમ થાય છે કે લોકો બહાર ફરવા જાય છે કે સેલ્ફી પડાવીને ફેસબુક પર ચોંટાડવા જાય છે! સેલ્ફીની એક મજા છે, પણ અકરાંતિયાપણાની મજા હોતી નથી. કેટલાંક લોકો ફેસબુક પર એટલી સેલ્ફી ચોંટાડયા કરતા હોય છે કે પોતાની જાતને ડિસ્પ્લે મોડેલ કે ગેલેરીના નમૂના બનાવી દીધી હોય છે.

અમેરિકન સાઇકિયાટ્રિસ્ટ એસોસિએશને તો સેલ્ફીની ઘેલછાને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર(ઓસીડી)ની કેટેગરીમાં સ્થાન આપ્યું છે. એસોસિએશને તો બોર્ડરલાઇન સેલ્ફી, અક્યુટ સેલ્ફી અને ક્રોનિક સેલ્ફી એવા ત્રણ પ્રકાર પાડયા છે. મોબાઇલનું વળગણ હાવી થઈ ગયું હોય તો સેલફોન ડાયેટ અને ડિજિટલ ડાયેટ જેવા પ્રોગ્રામ થાય છે. લોકો આપણે ત્યાં જેમ એકટાણાં કે ઉપવાસ કરે એમ અઠવાડિયામાં એક દિવસ સેલફોનથી દૂર રહે છે.

Article link
http://www.sandesh.com/article.aspx?newsid=3101686