પાનસિંહ ‘તોખાર’
કરણ જોહરોએ હિન્દી ફિલ્મના વીરરસનું જે ખસીકરણ કરી નાખ્યું છે એની સામે તમતમતો તમાચો એટલે પાનસિંહ તોમર. કોઇ પણ પ્રકારની ઉઠાંતરી વગર કે કોઇ પણ પ્રકારના વિદેશી લોકેશનોના ખડકલા વગરની એક દમદાર દેશી ફિલ્મ બનાવી શકાય છે. જે પાનસિંહ તોમરમાં ઝીલાયું છે.
આજકાલ એઇન્ટરટેન્મેન્ટ ફિલ્મોની ધમાલ છે. ઉદ્દેશપૂર્ણ ફિલ્મો પણ એન્ટરટેન્મેન્ટના એન્જીન વગર બનતી નથી ત્યારે પાનસિંહ તોમર પોતાના વિષયને પૂરેપૂરી વફાદાર રહીને લોકોની સામે આવી છે. આ ફિલ્મમાં પણ એન્ટરટેન્મેન્ટ તત્વો ઉમેરવાના પૂરતા ચાન્સીસ હતા. જેમ કે, રાખી સાવંત જેવી એકાદ આઇટેમ ગર્લને લઇને આઇટમ સોન્ગ ઉમેરી શકાત. અને ફિલ્મના પ્રોમોમાં પાનસિંહના પરાક્રમોને બદલે આઇટમ સોન્ગને હાઇલાઇટ કરીને પબ્લીસીટીનો હાઉ ઊભો કરી શકાત. ફિલ્મનું કમર્શીયલ ગણિત તો આમ જ કહે છે. છતાં ફિલ્મમાં આઇટમ સોન્ગ નથી.
શેખર કપૂર જેવા સજ્જ ડિરેક્ટરે બેન્ડિટ ક્વીન ફિલ્મમાં જે રીતે ડાયલોગ્સ તરીકે બેફામ ગાળોનો બંદૂકની ગોળીની જેમ વરસાદ કર્યો હતો એવું પણ પાનસિંહ તોમર ફિલ્મમાં શક્ય હતું. એવું કર્યું હોત તો પણ ગેરવાજબી ન કહેવાત. છતાં ફિલ્મમાં ગાળ પણ નથી. (પાનસિંહ તોમરનો ડિરેક્ટર તિગ્માંશુ ધુલીયા બેન્ડિટ ક્વીન વખતે શેખર કપૂરનો આસિસ્ટન્ટ હતો. તિગ્માંશુ શેખર કપૂરને પોતાના ગુરૂ માને છે.)
માત્ર ઇરફાન ખાન અને રાજેન્દ્ર ગુપ્તાને બાદ કરો તો ફિલ્મમાં એક પણ એવો કલાકાર નથી જેનું નામ દર્શકો માટે જૂનું અને જાણીતું હોય. છતાં ફિલ્મનું એક પણ કિરદાર ક્યાંય નબળું પડતું નથી. પંદરેક સેકન્ડના ડાયલોગવાળો એક સીન ભજવતી ઇરફાનની ‘મા’ થી લઇને ઇરફાનના સાથીદારોએ એવા પરફોર્મન્સ આપ્યા છે કે બધા જાણે ચમ્બલથી સીધા સિનેસ્ક્રીન પર ઉતર્યા હોય. મોટા ભાગના કલાકારો થીએટરના કલાકારો છે. થીએટર કલાકારોને એવા માંજે છે કે એના પરફોર્મન્સને ક્યારેય કાટ લાગતો નથી.
ફિલ્મનો કૅપ્ટન તિગ્માંશુ ધુલીયા છે. ફિલ્મના હીરો બે છે. એક ઇરફાન અને બીજો સંજય ચૌહાણ. ફિલ્મની પટકથા તિગ્માંશુ ધુલીયાએ સંજય ચૌહાણ સાથે મળીને લખી છે. તિગ્માંશુ ધુલીયા પાસે સન્ડે મેગેઝીનમાં છપાયેલો પાનસિંહ તોમર વિષેનો એક માત્ર આર્ટીકલ હતો. માત્ર એ આર્ટીકલને આધારે સંજય ચૌહાણે મધ્ય પ્રદેશના શહેરો અને ગામડાઓમાં ફરીને દોઢ વર્ષ સુધી રીસર્ચ કર્યું હતું અને પાનસિંહ તોમરને અક્ષરદેહ આપ્યો હતો.
ફિલ્મ પર તિગ્માંશુનો કમાલનો કમાન્ડ છે. ફિલ્મમાં મૅલોડ્રામાનો મસાલો છૂટથી ભભરાવી શકાય એવા પ્રસંગ હતા. ઇરફાનને અમુક દ્રશ્યોમાં છૂટથી ઇમોશનલ દર્શાવી શકાયો હોત. પરંતુ એવી કોઇ સ્વતંત્રતા લીધા વગર તિગ્માંશુ ધુલીયાએ ફિલ્મને છાજે એવા બંધારણમાં રાખી છે. પાનસિંહ તોમર નામના તોખાર જેવા વ્યક્તિ પ્રત્યેની તિગ્માંશુની નિષ્ઠા ફિલ્મની દરેક ફ્રેમમાં જોઇ શકાય છે માટે જ ડિરેક્ટરે કોઇ કમર્શીયલ કોમ્પ્રોમાઇઝ નથી કર્યા.
હવે ઇરફાનની વાત કરીએ. જેની ઇમેજ અક્ષય કુમાર જેવી ન હોય એવો કોઇ ચાલીસી વટાવી ચૂકેલો એક્ટર એથ્લીટની ભૂમિકામાં ફિલ્મને દોડાવી જાય એ જબરી વાત છે. પાનસિંહ તોમર ફિલ્મ ચાલવાની કે હીટ જવાની સંપૂર્ણ જવાબદારી ઇરફાન છે. એ જવાબદારી તેણે એ રીતે નિભાવી છે કે એ પાનસિંહ તોમર તરીકે ફિલ્મમાં એ જ્યારે દોડતો હોય ત્યારે ભારતના આમ આદમી એવા દર્શકને તેની દોડમાં પોતાના ધબકારાં સંભળાય.
ફિલ્મો ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીજીએ કહ્યું હતું કે સાચું ભારત ગામડાંમાં વસે છે. ફિલ્મોમાંથી હવે ગામડાંની એવી બાદબાકી થઇ ગઇ છે જાણે ગામડાં પાકિસ્તાનમાં ચાલ્યા ગયા હોય. પીપલી લાઇવ અને પાનસિંહ તોમર જેવી ફિલ્મો મલ્ટીપ્લેક્સમાં પોપકોર્ન ફાંકતા દર્શકોને એ વાતનું ભાન કરાવે છે કે તમે જે પોપકોર્ન ફાંકો છો એના માટે અમારા જેવા ખેડૂતો ખેતરમાં ધાણીફૂટ જીંદગી જીવે છે. પાનસિંહ તોમર ન જોઇ હોય તો હજી પણ જોઇ આવો. કદાચ તમને એ ફિલ્મ એટલી મહાન ન પણ લાગે પરંતુ આવી ફિલ્મની દેશમાં જરૂર છે એવું તો જરૂર લાગશે જ.
તેજસ વૈદ્ય, મુંબઇ
Wah, Tejas.
ReplyDeleteThank u, Shishirbabu.
Deleteપાન શિંહ તોમર અને તેને સજીવન કરનાર - તિગ્માંશુ ધુલિયા અને સંજય ચૌંહાણ ની જેમ જ સટીક રીતે ફિલ્મ ને રજુ કરી છે તમે, વાહ.
ReplyDeleteફિલ્મ પૂરી થયા બાદ મારું મગજ સુન્ન થઇ ગયું હતું. આ અસર છે ઈરફાન ખાન, તિગ્માંશુ ધુલિયા અને સંજય ચૌંહાણ ની.
superbbbbbb... i hvnt seen this movie,,,,, but i realy want to see this movie any how......... tejas the way you express movie pansingh tomar...is mind blowing.......... keep going.......
ReplyDelete