Sandesh - Ardh Saptahik Purti - 04 March 2015
છપ્પનવખારી - તેજસ વૈદ્ય
મહાભારતનો ખરો ક્લાઇમેક્સ ગાંધારીનો શાપ છે. મહાભારત વાંચવાની મજા એ છે કે એમાં ઈશ્વર પણ દોષમુક્ત નથી. યોગેશ્વરને પણ શાપ આપી શકે એવા સમર્થ પાત્ર એમાં છે. મહાભારત દેવોની કથા કરતાં માણસનાં છળ, કપટ, કુત્સિતતા, મત્સર, તેજોદ્વેષ, રાજદ્વારિતા,પ્રતિશોધની કથા છે અને એ બધાંમાંથી ચળાઈને આવેલા સુવાંગ અધ્યાત્મની કથા છે. રવિવારે મહિલા દિન છે એ નિમિત્તે ગાંધારીને યાદ કરીએ
ગાંધારી જગતની એકમાત્ર એવી સ્ત્રી હતી જેણે સ્વેચ્છાએ પોતાના સો પુત્રોના ચહેરા નહોતા જોયા. એ સો પુત્રોને મરતા જોયા હતા. ગાંધારી મહાભારતની સૌથી તેજસ્વી મહિલા હતી એવું સહજતાથી કહી શકાય એમ છે. જે સ્ત્રી કૃષ્ણ જેવા યોગેશ્વરને શાપ આપી શકે અને એ છતાં નિષ્કલંક રહી શકે એ સ્ત્રી ર્નિિવવાદપણે સૌથી તેજસ્વી જ હોવાની.
મહાભારતમાં સ્ત્રીઓ વૈચારિક રીતે ખાસ્સી મોડર્ન એટલે કે પરિપક્વ છે. પુરુષોને અતિક્રમે એટલી સ્પષ્ટતા ધરાવે છે. રામાયણનાં કિરદારો બધાં આદર્શ છે. તેમને સ્પર્શી શકાતાં નથી. મહાભારતની મજા એ છે કે એમાં કૃષ્ણ દેવ થઈને પણ છળ આચરે છે. યુધિષ્ઠિર ધર્મરાજ હોવા છતાં તેને જુગારનું વ્યસન છે. ભીષ્મને ધર્મ શું છે એ ખબર છે, પણ એ ઊભા તો કૌરવોને પક્ષે જ રહે છે. ગાંધારી મહાભારતનું સૌથી વિલક્ષણ અને પવિત્ર પાત્ર છે. ગાંધારી કૌરવોના પક્ષે છે અને ધર્મને ટટ્ટાર વળગેલી છે. એના જેવું તેજબળ આર્યાવર્તની કોઈ મહિલામાં નથી. મહાભારતમાં મહાન પાત્રોની પણ માનવસહજ મર્યાદાઓ છે. રામાયણમાં વિભીષણથી માંડીને હનુમાન સુધીનાં પાત્રો આદર્શની ઊંચાઈ પર બેઠેલાં છે. મહાભારત દ્વંદ્ધ અને વિરોધાભાસનું કાવ્ય છે.
ધર્મ શું છે એ મહાભારતમાં ચાર જ જણા સમજતા હતા. કૃષ્ણ, વિદુર, યુધિષ્ઠિર અને ગાંધારી. કૃષ્ણ અને યુધિષ્ઠિર ધર્મમાંથી ચલિત થયા હોય એવાં દૃષ્ટાંત મળે છે, પણ ગાંધારીએ કૌરવપક્ષે રહીને પણ ધર્મની બહાર એક પગલું નહોતું મૂક્યું.
મહાભારતમાં ગાંધારી અને કુંતી બે એવાં પાત્રો છે જે લગ્ન અગાઉ પુત્રપ્રાપ્તિનાં વરદાન પામી ચૂકેલાં છે. એક વખત વેદવ્યાસ ફરતાં ફરતાં ગાંધારી પાસે આવે છે. સેવા કરીને ગાંધારી તેમને ખુશ કરી દે છે. તેઓ વરદાન માગવાનું કહે છે ત્યારે ગાંધારી કહે છે કે મારા પતિ જેવા સો પુત્ર મને થાય. એ વખતે ગાંધારીને થોડી ખબર હતી કે તેનાં લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થશે.
પુરુષ કરોડોપતિ હોય તોપણ જો અંધ હોય તો કન્યા એને પરણવા માટે રાજી ન થાય એ દેખીતી વાત છે. છતાં પણ ગેઇમ એ થઈ કે રાજકુમારી ગાંધારીનાં લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થયાં. એ વખતે રાજકુમારીઓનો સ્વયંવર યોજાય એવી પરંપરા હતી, પણ ગાંધારીનો સ્વયંવર યોજાયો નથી. એને વર-પસંદગીનો અવકાશ મળ્યો નથી. ગાંધારી જેવી રાજકુમારીને એક અંધ પુરુષ સાથે પરણાવવા માટે હા પાડવા માટે ગાંધારીના પિતા મહારાજ સુબલની કાં તો ગણતરી હતી કાં તો મજબૂરી. ધૃતરાષ્ટ્ર માટે માગંુ ભીષ્મ લઈનેે આવે છે. ભીષ્મ યોદ્ધા હતા. સ્વયંવરમાંથી તેઓ અંબા, અંબિકા અને અંબાલિકાનું અપહરણ કરી લાવ્યા હતા, તેથી તેમને ના પાડવામાં આવે તો તેઓ કદાચ ગાંધારીનું અપહરણ પણ કરી શકે. કારણ નંબર બે, એ વખતે આર્યાવર્તમાં હસ્તિનાપુર જેવું શક્તિશાળી અને સમૃદ્ધ રાજ્ય એકેય નહોતું. જેના સુપ્રીમો ભીષ્મ હતા, તેથી સુબલરાજને એ લાલચ હોઈ શકે કે એક સમર્થ ઘરાણા સાથે સંબંધ બંધાય છે. તેમની દીકરી સૌથી સશક્ત રાજ્યની રાણી બનશે એવું પણ તેમણે વિચાર્યું હોય!
ગાંધારીનો ન સ્વયંવર થયો કે ન તો એની મરજી પૂછવામાં આવી કે તારાં લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે કરવાનું આયોજન છે. તારી ઇચ્છા શું છે? સૌથી મોટો વજ્રાઘાત એ છે કે રાજકુમારી ગાંધારીને એ પણ જણાવવામાં નથી આવતું કે તું જેને પરણી રહી છે એ પુરુષ અંધ છે. ગાંધારી પરણીને છેક હસ્તિનાપુર આવે છે એ પછી માલૂમ પડે છે કે તેનો વર તો અંધ છે. જેને સહારે જીવન વિતાવવાનું હોય એનો જ સહારો બનવું પડે એ સ્થિતિ બડી વિષમ છે. એ ઘટના જ દુર્ઘટના છે.
ગાંધારી એ બધું ગળી જાય છે. પતિ સાથે કમ સે કમ શારીરિક ભિન્નતા દૂર થાય એ માટે આંખે પાટા બાંધી લે છે. આંખે પાટા સમાધાનનો સૌથી મોટો ઘૂંટડો હતો. ગાંધારી અને ધૃતરાષ્ટ્ર એ ઐતિહાસિક કજોડું હતું. માત્ર શારીરિક ભેદની જ વાત નથી. એ તો એક હદ પછી સ્થૂળ બાબત છે. ધૃતરાષ્ટ્ર માનસિક રીતે પણ અંધ હતા. દુર્યોધન જન્મ્યો ત્યારે તેના સંકેત નબળા હતા. વરતારા કાઢનારાઓએ કહ્યું કે આ બાળક કુળનું નિકંદન કાઢી નાખશે. એ વખતે ગાંધારીએ હિંમતભેર કહ્યું હતું કે આપણે આનો ત્યાગ કરીએ. ધૃતરાષ્ટ્ર માન્યા નહીં.
જુગટામાં હરાવીને પાંડવોને વનવાસ અપાયો એ વખતે પણ ગાંધારીએ ધૃતરાષ્ટ્રને વાર્યા કે મહારાજ! દુર્યોધનનો ત્યાગ કરો. એ પ્રજાની નજરમાંથી ઊતરતો જાય છે, પણ સમજે તો ધૃતરાષ્ટ્ર શાના? માતા થઈને પણ ગાંધારી દુર્યોધનનો ત્યાગ કરવાનું કહેતી હતી, પણ ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ અજબ હતો.
મોહ એ ધૃતરાષ્ટ્રની મોટી નબળાઈ હતી. જ્યારે કે ગાંધારી અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર અને ધર્મ શું છે એ જાણતી હતી, તેથી ન માત્ર શારીરિક બલકે આધ્યાત્મિક તેમજ માનસિક રીતે પણ ગાંધારી અને ધૃતરાષ્ટ્ર કજોડાં હતાં. પોતે પડયું પાનું નિભાવી રહી છે એ ગાંધારી સારી રીતે જાણતી હતી. વિદુર સાથેની તેની જે તાત્ત્વિક ચર્ચા છે એમાં એ વાત તે જણાવે છે. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે 'મહાભારતનાં પાત્રો' પુસ્તકમાં જે ચરિત્રો આલેખ્યાં છે એમાં તે સંવાદ સરસ રીતે રજૂ થયો છે.
ગાંધારીના ગુણ-દોષ
ગાંધારીએ ગુમાવવાનું જ આવ્યું છે. તેને પતિ અંધ મળ્યો. 'યતો ધર્મસ્તતો જય' જેનું સતત રટણ છે એ ગાંધારીનો પુત્ર દુર્યોધન ધર્માંધતાનો પ્રતિનિધિ નીકળ્યો. પતિ ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી મોટા હોવા છતાં રાજપદ ન મળ્યું અને નાના હોવા છતાં પાંડુને એ પદ મળ્યું, જેથી ગાંધારી મહારાણીપદથી વંચિત રહી ગઈ. ગાંધારીને એવી આશા હતી કે પતિ ન બન્યો તો કંઈ નહીં પુત્ર ગાદીએ બેસશે. એવું પણ ન થયું. ગાંધારીને કુંતી કરતાં વહેલો ગર્ભ રહ્યો હતો પણ બે વર્ષ સુધી સંતાન ન થયાં. દરમ્યાન કુંતીએ પુત્ર યુધિષ્ઠિરને જન્મ આપ્યો. વંશમાં પહેલો પુત્ર કુંતીને થયો તેથી પાટવીકુંવર બનવાનો ટેકનિકલી પહેલો હક યુધિષ્ઠિરનો બનતો હતો. ગાંધારી જ્યારે તેમના પુત્રોના અવતરવાની રાહ જોતી હોય છે ત્યારે ધૃતરાષ્ટ્ર વિદુલા નામની દાસી તરફ ઢળી જાય છે. ગાંધારી માટે કપરો સમય વધુ કપરો બની રહે છે. વિદુલાને ધૃતરાષ્ટ્રથી એક પુત્ર પણ થાય છે. આ તમામ સંજોગોમાં ગાંધારી રાજમહેલ વચ્ચે એકલી પડી ગયેલી મહેસૂસ કરે છે. ગાંધારી જ્ઞાાની હતી પણ અંતે તો મનુષ્ય હતી. મનુષ્ય હોવાના દોષ તેનામાં પણ હતા. કુંતીની તેને ખૂબ ઈર્ષ્યા થતી હતી. તેને પહેલાં પુત્ર જન્મ્યો એટલે તે બળીને બેઠી થઈ ગઈ હતી. બીજો તર્ક એ પણ છે કે ગાંધારીએ આંખે પાટા બાંધી લીધા એ પતિપરાયણતા તરીકે સારી વાત છે, પણ પુત્રના ઉછેર અને સંસ્કારસિંચન માટે તેણે પાટા ખોલી નાખવા જોઈતા હતા. ગાંધારીના પાટા એક જગ્યાએ ગુણ ઠરે છે તો બીજી જગ્યાએ દોષ ઠરે છે. સંતાનોના જન્મ પછી યોગ્ય ઉછેર માટે તેણે પાટા ખોલી નાખ્યા હોત તો મહાભારતનું ચિત્ર કંઈક જુદું હોત. યુદ્ધમાં અભિમન્યુનો વધ થયા પછી અર્જુન પ્રતિજ્ઞાા કરે છે કે કાલે સૂર્યાસ્ત સુધીમાં હું જયદ્રથનો વધ કરીશ. જો એમ નહીં કરી શકું તો અગ્નિમાં પડીને મરી જઈશ. બીજે દિવસે સૂર્યાસ્ત નજીક આવે છે અને જયદ્રથ જડતો નથી ત્યારે અર્જુન અકળાઈ ઊઠે છે. ત્યારે કૃષ્ણ કહે છે કે તમે બધા પ્રતિજ્ઞાા લેવામાં આટલા અધીરા કેમ થઈ જાવ છો? ગાંધારીએ પણ આંખે પાટા બાંધવાની પ્રતિજ્ઞાા ન કરી હોત કે કુરુકુળના હિતને જોઈને પ્રતિજ્ઞાાનો ત્યાગ કરીને પાટા ખોલીને સંતાનો પ્રત્યે ધ્યાન આપ્યું હોત તો કદાચ યુદ્ધની આ ઘડી આવત જ નહીં. કૌરવો કેટલાંય છળથી બચી ગયા હોત. ગાંધારીએ પણ કેટલેક ઠેકાણે કાચું કાપ્યું હતું. જેનાં પરિણામ યુદ્ધ સુધી ગયાં હતાં.
ગાંધારી જે કૃષ્ણને શાપ આપીને યાદવાસ્થળી સર્જી શકે છે એ જ ગાંધારી પાંડવોને પણ શાપ આપીને નિકદંન કાઢી શકે છે, તેથી જ પાંડવો યુદ્ધ પછી ધૃતરાષ્ટ્રને પગે લાગવા જાય છે પણ ગાંધારી પાસે જતાં બીવે છે. ગાંધારી પાંડવોને શાપ આપત તોપણ ખોટું ન ઠરત, કારણ કે દુર્યોધન, દ્રોણ, કર્ણ વગેરેને હણવામાં પાંડવોએ છળનો ઉપયોગ કર્યો હતો, પણ ગાંધારી એવું નથી કરતી. કૃષ્ણને પણ શાપ આપ્યા પછી તેને સમજાય છે કે તેણે મહાન ભૂલ કરી છે. એવો પણ એક મત છે કે પાંડવોને શાપ ન લાગે એ માટે કૃષ્ણે ગાંધારીના શાપ માટે ભૂમિકા તૈયાર કરી અને શાપ પોતાના તરફ વાળી દીધો હતો. મહાભારતમાં યુધિષ્ઠિર જેવો યુધિષ્ઠિર ધર્મમાંથી ચલિત થાય છે, પણ ગાંધારી ક્યારેય ધર્મમાંથી ચલિત થઈ નથી. દુર્યોધન જ્યારે યુદ્ધમાં જતા પહેલાં આશીર્વાદ લેવા આવે છે ત્યારે ગાંધારી એને 'વિજયી ભવઃ' નથી કહેતી. ગાંધારી કહે છે 'ય તો ધર્મસ્તતો જય - જ્યાં ધર્મ છે તેનો વિજય છે.' ગાંધારી દુર્યોધનને કહે છે કે મને તો દીવા જેવું ચોખ્ખું દેખાય છે કે લડાઈમાં કોઈનું શ્રેય નથી. નથી તારું કે નથી પાંડવોનું. જેમાં સમગ્ર માનવજાતિનું હિત ન હોય એમાં મારા દુર્યોધનનું હિત હોઈ શકે એમ જો મારે ગળે ઊતરે તો તને આ ઘડીએ આશીર્વાદ આપી દઉં. ગાંધારીને એ ખબર છે કે તેમનાં સંતાનો ધર્મની પડખે નથી. ધર્મ પાંડવોના પક્ષે છે. યુદ્ધ અગાઉ કૌરવો-પાંડવો વચ્ચે જેટલા પણ આંતરકલહ થયા એમાં ગાંધારી પોતાના પુત્રોને પક્ષે નહીં પણ પાંડવોના પક્ષે ઊભી હતી.
કૃષ્ણની વિટંબણા
યુદ્ધ પછી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને તો કહી શકે છે કે તમે તો તમારા પુત્રને જ હંમેશાં છાવર્યા. પાંડવોએ પાંચ ગામ માગ્યાં એ પણ તમે જો આપી દીધાં હોત તો યુદ્ધ ન થાત. કૃષ્ણની વિટંબણા એ હતી કે ગાંધારીને શું જવાબ આપવો? એ તો હંમેશાં ધર્મની પડખે જ ઊભી હતી. એણે તો દીકરાને પણ વિજય થવાના આશીર્વાદ નહોતા આપ્યા. કૃષ્ણ ગાંધારી સામે ગેંગેફેંફે થઈ જાય છે. યાદ રહે કે કે ગાંધારી એકમાત્ર એવું પાત્ર છે જેની પાસે કૃષ્ણ નૈતિક રીતે ઝાંખા પડી જાય છે.
ગાંધારીનું તપોબળ એવું મજબૂત છે કે કૌરવોનો વંશ નાશ પામ્યો એ ઘડીએ તે એવાં કોઈ વેણ-વચન ઉચ્ચારી દે તો ત્રણેય લોક ભસ્મિભૂત કરી શકે છે, તેથી એ અત્યંત નાજુક પળે ખુદ વેદવ્યાસ ગાંધારીના ચિત્તને શાંત કરવા આવે છે.
ગાંધારી - ભીમ સંવાદ
દુર્યોધન પોતાનો સૌથી મોટો દુશ્મન ભીમને માનતો હતો, અર્જુનને નહીં. ધૃતરાષ્ટ્રે પણ ભીમના જ લોઢાના પૂતળાને ભેટીને કચડયું હતું. દુર્યોધન, દુઃશાસન સહિત સો કૌરવોમાંથી લગભગ કૌરવોનું ભીમે જ ઢીમ ઢાળી દીધું હતું, તેથી ગાંધારીને પણ ભીમ પ્રત્યે સૌથી વધુ ક્રોધ હતો. ગાંધારી ભીમને પૂછે છે કે કૃષ્ણની હાજરીમાં દુર્યોધનનો અધર્મપૂર્વક વધ થયો? ત્યારે ભીમ કહે છે કે ધર્મ છે કે અધર્મ એ મને ખબર નથી પણ વધ મેં કર્યો છે. મારો જીવ બચાવવા માટે મેં એમ કર્યું છે. મને ક્ષમા આપો. દુર્યોધનને ધર્મપૂર્વક મારવો અશક્ય હતો તેથી અધર્મનો આશરો લેવો પડયો. ભીમ પોતાના અપરાધોને સ્વીકારે છે અને દ્યૂતસભા સહિતના કૌરવોએ પાંડવો સાથે કરેલા અન્યાયની વાત પણ મૂકે છે. ગાંધારી એને ક્ષમા આપે છે. પુત્રોના મૃત્યુનો શોક એમ તો ન શમેને! ગાંધારી ભીમને કહે છે કે માન્યું કે દુર્યોધન અને દુઃશાસને તારી સાથે વેર જ રાખ્યું, પણ મારા બાકીના પુત્રોમાંથી કોઈકે તો તારી સાથે ઓછો અપરાધ આચર્યો હશેને? કોઈ એકને તો જીવિત રાખવો હતો? અમે ઘરડાં થયાં કોઈ એકાદ પુત્ર અમારી લાકડી બને એ સારુ તો જીવતો રાખવો'તો? એનો જવાબ ભીમ પાસે નહોતો. યુધિષ્ઠિર માફી માગવા ગાંધારીની પાસે ફરકે છે અને પાટામાંથી ગાંધારીની દૃષ્ટિ તેમના નખ પર પડે છે. યુધિષ્ઠિરના ધોળા નખ કાળા પડી જાય છે. અર્જુન તો સગેવગે થઈ જાય છે.
ગાંધારી, જેવી તપોબળવાળી સ્ત્રી એકેય નથી : કૃષ્ણ
પાંડવો સગેવગે થઈ જાય છે પછી કૃષ્ણ આગળ આવે છે. કૃષ્ણને આગળ આવવું પડે એમ જ હતું, કારણ કે ગાંધારી તો પૃથ્વીનો પણ નાશ કરી શકવા સમર્થ હતી. કૃષ્ણ કહે છે, તમે પૃથ્વીને પણ બાળી શકો છો. છતાં તમારી બુદ્ધિ પાંડવોના વિનાશ માટે પ્રવૃત્ત ન થજો.
જે ગાંધારી ધૃતરાષ્ટ્ર અને પાંડવો પાસે રડી નહોતી એ કૃષ્ણ પાસે રડી પડે છે. વેદના, ક્રોધ, તિરસ્કાર, પીડા, આવેશ અને રુદનની પરાકાષ્ઠાએ ગાંધારીને યુદ્ધમેદાનમાં સંહાર પામેલા પોતાના પુત્રોને મમતાભરી નજરે એક વાર જોવા છે. કૃષ્ણ દિવ્યદૃષ્ટિથી તેમને મરુભૂમિ બની ચૂકેલા યુદ્ધમેદાનમાં લઈ જાય છે. જે સ્ત્રીએ અડધી જિંદગી પાટા વીંટી રાખ્યા છે એને જોવાનું આવે છે ત્યારે પણ એ શું જોવે છે? લોહી નિગળતી ભૂમિ. પોતાના જ પુત્રો અને ભાઈઓના ક્યાંક હાથ પડયા છે તો ક્યાંક ડોળા કાઢેલાં ડોકાં. ગીધ, કાગડા, શિયાળ માટે તો જાણે છપ્પનભોગ લાગ્યો હતો. મૃતદેહોના મહાસાગર વચ્ચે ગાંધારી જાણે મરજીવાની જેમ ઊભી હતી. કેટલીય સ્ત્રીઓ પોતાના પતિ અને પુત્રોનાં શબ ફંફોસીને આક્રંદ કરતી હતી. છાતીકૂટ મરશિયાઓના દાવાનળ વચ્ચે ગાંધારી શાંત અને નિસ્તેજ ઊભી હતી. ક્યાંક ગીધડાં લાશ ચૂંથતાં હતાં તો ક્યાંક શિયાળિયાં માંસના લોથડા ખેંચીને જતાં હતાં. ચારે તરફ સ્ત્રીઓનાં કરુણ આક્રંદ અને ગીધડાઓની ચિચિયારી વચ્ચે કાળની કાણ મુકાઈ હોય એવી એ ક્ષણોમાં ગાંધારી ભેંકાર અને સૂનમૂન છે.
દ્રોણ, દ્રુપદ, કર્ણ, શલ્ય વગેરે અતિરથી-મહારથીનાં પીંખાતાં શબ જોઈને ગાંધારી કૃષ્ણને કહે છે કે એવું લાગે છે કે જાણે પૃથ્વી પરથી પંચમહાભૂતોનો જ લોપ થઈ ગયો હોય. વિલાપ કરતી ગાંધારી આગળ વધે છે ત્યારે દુર્યોધનના શબ પર તેનું ધ્યાન પડે છે. શીત કટિબંધની હિમશીલા પર જેમ સૂર્યનાં કિરણો પડે ને એ ભેખડો સાગરમાં ફસડાઈ પડે એમ ગાંધારી દુર્યોધનનો શીર્ણવિશીર્ણ દેહ જોઈને ધરબાઈ પડે છે. કૃષ્ણ તેમને સંભાળે છે. દુર્યોધનના શબને ભેટીને રુદનનો હાહાકર મચાવી દે છે. જગતમાં પ્રેમને પૂર્ણપણે વ્યક્ત કરે એવા કોઈ શબ્દો નથી શોધાયા એમ વેદનાને વાચા આપે એવા શબ્દો પણ નથી શોધાયા. એ વખતે પણ ગાંધારી કૃષ્ણને કહે છે કે મને મારા પુત્રોના મરણનું દુઃખ તો છે જ, પણ એથીય સવાયું દુઃખ મારી પુત્રવધુઓના વિલાપને સાંભળીને થાય છે. તેમને જીવતેજીવ લાશ બની ગયેલી જોઈને થાય છે.
આ બધા માટે જવાબદાર ગાંધારી કૃષ્ણને ઠેરવે છે. ગાંધારીને ભરોસો હતો કે કૃષ્ણ યોગેશ્વર છે, સ્વયં ધર્મ છે. યુદ્ધને રોકવા સમર્થ છે. તે ધારત તો યુદ્ધ ન થાત. એ સૂક્ષ્મ ક્ષણોમાં ગાંધારી ભાન ભૂલી બેસે છે અને કૃષ્ણને શાપ દઈ દે છે......
ગાંધારીનો શાપ
હું તપસ્વિની ગાંધારી. મારા આ જન્મનાં તમામ પુણ્યબળ તેમજ પૂર્વજન્મના પુણ્યબળને એકઠું કરીને કહું છું. કૃષ્ણ સાંભળો! તમે જો ઇચ્છતા હોત તો યુદ્ધ રોકાઈ શકત. મેં પુત્રો જણ્યા હતા, હાડપિંજરો નહીં. નિરપરાધ અશ્વત્થામાને તમે શાપ આપ્યો એ જ શાપ તમે અધર્મ આચરનાર ભીમને કેમ ન આપ્યો? તમે ધર્મનો દુરુપયોગ કર્યો છે. જો મારી સેવામાં બળ હોય અને મારા સંચિત તપમાં ધર્મ હોય તો કૃષ્ણ સાંભળો! તમારો આખો વંશ પણ આવી રીતે જ હડકાયા કૂતરાની જેમ એકબીજાને ફાડી ખાશે. તમે પણ એક પારધીને હાથે માર્યા જશો. તમે પ્રભુ છો પણ પશુની જેમ મોત પામશો.
કૃષ્ણ શાપને કેમ આશીર્વાદ ગણે છે?
પ્રભુ હોઉં કે પરાત્પર પણ પુત્ર છું હું તમારો. અઢાર દિવસના આ ભીષણ સંગ્રામમાં કોઈ નહીં કેવળ હું જ મર્યો છું કરોડો વખત. જેટલી વખત જે પણ સૈનિક જમીનદોસ્ત થયો એ કોઈ નહીં હું જ હતો. અશ્વત્થામાના અંગમાંથી પણ રક્ત બનીને યુગ-યુગાંતર સુધી હું જ ટપકવાનો છું. જીવન હું છું તો મૃત્યુ પણ હું જ છું માતા. શાપ તમારો સ્વીકાર્ય છે.
બીજી જ ક્ષણે ગાંધારીને ભાન થાય છે કે તેણે આ શું કહી નાખ્યું? પાતાળના પાષાણને પણ હલાવી નાખે એવી પોક મૂકીને તે રડે છે. કરગરીને બબડે છે કે દેવ, મેં આ શું બોલી નાખ્યું. કૃષ્ણ તમારા પર મારી મમતા અગાધ છે. તમે આ શાપને વિફળ કરી દો. હું તો પુત્રહીન થઈ ગઈ, તેથી વેદનાના આવેશમાં મેં આવું કહી દીધું. મને માફ કરો.
કૃષ્ણ કહે છે કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી તમે પુત્રવિહીન નથી. પ્રભુ હોઉં કે પરાત્પર પણ પુત્ર છું તમારો. યાદવો દૈવીયોગથી નાશ પામવાના છે એમાં કોઈ શંકા જ નથી. યાદવોનો નાશ કરી શકે એવો એકેય પુરુષ મારા સિવાય જગતમાં નથી. તેઓ પરસ્પર લડીને જ મોતને પામશે. હું એ જાણું છું. તમે તો એનું માત્ર કથન કર્યું છે. આ શાપનો તમને કોઈ દોષ નહીં લાગે. તમારું તેજોબળ સહેજ પણ વિલય નહીં પામે.
Link
www.sandesh.com/article.aspx%3Fnewsid%3D3049095+&cd=1&hl=en&ct=clnk&gl=in
www.sandesh.com/article.aspx%3Fnewsid%3D3049095+&cd=1&hl=en&ct=clnk&gl=in
No comments:
Post a Comment