Thursday, July 16, 2015

છપ્પનવખારી : ગુજરાતી ફૂડ એટલે સ્વાદનો શંભુમેળો


Sandesh - Ardh Saptahik Purti - 1 July 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય

"ખાના બનાના દુનિયા કી બહેતરીન કલાઓ મેં સે એક હૈ" ફિલ્મ 'ચીની કમ'માં અમિતાભ બચ્ચન આ સંવાદ બોલે છે. ગુજરાતમાં વરસાદ પડી ગયો છે. બજારમાં નવા શાકભાજીની પધરામણી થઇ ચૂકી છે. ગુજરાતીઓ ચટાકાપ્રિય પ્રજા છે. ગુજરાત પાસે નાસ્તા અને ભોજનની વેરાયટીઓની વિશાળ શ્રેણી છે. સમય સાથે ગુજરાતી ફૂડ કેટલું સમૃદ્ધ થયું છે અને કેવાં ફેરફાર આવ્યા છેએની કેટલીક ઐતિહાસિક અને ચટાકેદાર વાતો જાણીએ


"ખાના બનાના દુનિયા કી બહેતરીન કલાઓં મેં સે એક હૈ." ફિલ્મ 'ચીની કમ'માં આ ડાયલોગ અમિતાભ બચ્ચન બોલે છે. ખાવાનું બનાવવું અને એ સ્વાદિષ્ટ બનાવવું એ દુનિયાની બહેતરીન અને બારીક કલા છે. ખાવાનું બનાવવું એ કલા નથી, સ્વાદિષ્ટ બનાવવું એ કલા છે. એનો ક્વોલિટી કંટ્રોલ રોજેરોજ જળવાઈ રહે એ મહાન કલા છે. રોજ દાળ-શાક એકસરખા સ્વાદનાં જ બને. વઘાર થાય તો સુગંધ પરથી જ ખબર પડી જાય કે પડોશનાં માલતીમાસીએ દાળ વઘારી છે. રોજેરોજ એની સુગંધ અને સ્વાદની તીવ્રતા એકસરખી હોય એ કલાકારી છે, તેથી જ દેશની તમામ ગૃહિણી મહાન કલાકાર છે જે રોજ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે.
છાલવાળું બટાકાનું શાક અને પંગતમાં રંધાતા ચોખા

આપણાં ઘરોમાં બટાકાનું જે શાક બને છે એ છાલ કાઢયા પછી બને છે. કેટલાંક સામૂહિક જમણવારોમાં શાકમાં જે બટાકા પડે છે એમાં છાલ છોલવામાં આવતી નથી. શાક બટાકાનું જ હોય અને એ છાલવાળું અને છાલ વગરનું હોય તોપણ એના સ્વાદમાં ફરક પડે છે. કેટલાંક લોકોને છાલવાળું શાક વધુ ભાવે છે. ગુજરાતમાં ડિસાની આસપાસ થતાં બટાકાની અન્ય એક આગવી વિશેષતા પણ છે. મોટી મોટી મલ્ટિનેશનલ કંપનીઓ જે વેફર્સના બિઝનેસમાં છે એ વેફર માટે ડિસાના બટાકા જ પસંદ કરે છે. વેફર માટેના યોગ્ય બટાકા ડિસા સિવાય જગતમાં ક્યાંય થતાં જ નથી. રોચક વાત એ છે કે બટાકા મૂળે ભારતની ચીજ છે જ નહીં. બટાકા દક્ષિણ અમેરિકામાં શોધાયા હતા. ભારતમાં બટાકા પોર્ટુગીઝો લાવ્યા હતા. મજાની વાત એ છે કે દેશની અંદર સૌ પ્રથમ બટાકાનું વાવેતર સુરતમાં થયું હતું. બટાકા મૂળે વિદેશી હોવા છતાંય ભારતના તમામ પ્રદેશની થાળીમાં એવા ભળી ગયા છે કે જાણે એ મૂળભૂત રીતે ભારતમાં જ ઉત્પાદન પામ્યા હોય.
ઉપર આપણે છાલવાળા અને છાલ વિનાના બટાકાની સબ્જીનો ઉલ્લેખ સામૂહિક જમણવારના સંદર્ભમાં કર્યો. સામૂહિક જમણવારમાં જે ભાત બને છે એની પણ લિજ્જત અલગ હોય છે. મોટા દેગડા કે તપેલામાં સૂંડલામોઢ ચોખા બાફવામાં આવે છે. બફાઈ ગયા પછી કાથીના ખાટલા પર સફેદ કપડું નાખીને એ ભાતને પાથરી દેવામાં આવે છે. ભાતનો દાણેદાણો છુટ્ટો પડી જાય છે. ખાટલા પર એટલા માટે પાથરવામાં આવે છે કે એનું પાણી નીતરી જાય. જ્ઞાાતિઓના પંગત ભોજનમાં આવાં દૃશ્યો જોવા મળતાં હતાં. હવે એવાં દૃશ્યો ઓછાં જોવા મળે છે. જ્યારથી કેટરિંગ સિસ્ટમનો વ્યાપ વધ્યો છે ત્યારથી આવું ઓછું જોવા મળે છે. કેટરિંગવાળા ઘણી વસ્તુઓ જમણવારમાં તૈયાર બનાવીને જ લાવતા હોય છે.
ગુજરાતી લોગ તો દાલ ભી મીઠી ખાતે હૈં!

 ગુજરાતીઓનાં દાળ અને શાકમાં પણ મીઠાશ હોય છે એવી મીઠી ફરિયાદ નોન ગુજરાતીઓને રહે છે. અન્ય પ્રાંતના દાળ-શાકમાં ગોળ નથી પડતો, જ્યારે કે આપણાં દાળ-શાકમાં ગોળ પડે છે, તેથી નોન ગુજરાતી વ્યક્તિને એ ગળ્યાં લાગે છે. જોકે,આપણાં દાળ-શાક ગળ્યાં હોય છે એ અર્ધસત્ય છે. સત્ય એ છે કે આપણાં દાળ-શાકમાં ખટાશ-મીઠાશનું સ્વાદિષ્ટ કોમ્બિનેશન હોય છે. ખટાશ અને મીઠાશ આ બંને સ્વાદ એવા છે કે જે એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે છે. એકબીજા સાથે જુગલબંદી કરે છે, તેથી આપણી દાળમાં કોકમ કે આંબલી સાથે ગોળ પડે છે જે ખટમધુરતા સર્જે છે, એ દાળને વિશેષ બનાવે છે. કેટલાંક શાકમાં આપણે ત્યાં ગોળ પણ એ જ કારણસર પડે છે. જો એમાં ગોળને બદલે ખાંડ નાખવામાં આવે તો વાત બનતી નથી. એના માટેનો એક તર્ક એવો છે કે ગોળ એટલે ગ્લુકોઝ. ગરમીના મારણ તરીકે ગુજરાતીઓ એનો શક્ય ઉપયોગ કરવામાં માને છે. અગાઉ ગુજરાતમાં ઉનાળાના દિવસોમાં ધોમધખતા તાપમાં ગોળનું પાણી પીવાતું. લગભગ શરબતની જેમ પીવાતું હતું.
સ્વાદમાં ખટાશ અને મીઠાશના સંતુલનવાળી સ્વાદિષ્ટ આઇટમ કોઈ હોય તો એ કઢી છે. અન્ય પ્રાંતોમાં કઢી બને છે, પણ એ થોડી ઘટ્ટ હોય છે અને એક જ પ્રકારનો સ્વાદ હોય છે. ગુજરાતી કઢી પ્રવાહી હોય છે અને એની ખટમધુરતા બેમિસાલ હોય છે.
ગુજરાતમાં ગૃહિણીઓ જે તુવેર દાળ રાંધે છે એની બનાવટની વિશેષતા એ છે કે તે ત્રણ-ચાર સ્વાદમાં બને છે. એ તમામ વેરાઇટીસભર સ્વાદમાં હોય છે. ગુજરાતમાં કેટલીક હોટેલ કે રેસ્ટોરાં ત્યાં બનતી સ્વાદિષ્ટ દાળ માટે પ્રખ્યાત થઈ છે. ગુજરાતી રોટી જેવી મુલાયમ રોટી ભારતમાં અન્ય કોઈ પ્રાંતની નથી એવું થાળી વગાડીને કહી શકાય છે. રૂમાલી રોટી હોય કે પંજાબી નાન હોય કે પછી કુલચા હોય, એ તવા પરથી ગરમાગરમ ઉતાર્યા પછી અડધા કલાક પછી ઠંડી પડી જાય છે ત્યારે એ નરમ નથી રહેતી. ગુજરાતી રોટલીને બે કલાક પછી ખાશો તોપણ એ નરમ હોય છે. આપણે ત્યાં તો થેપલાંમાં પણ મેથીનાં થેપલાં, તલ છાંટેલાં થેપલાં, તીખા થેપલાં, ગળ્યાં થેપલાં, લસણિયાં થેપલાં વગેરે ફ્લેવરમાં બને છે. ઉપરાંત ભાખરી બને છે. પૂરી પણ ભોજનથી માંડીને નાસ્તાની પૂરી એમ એટલી વેરાઇટીસભર પૂરીઓ બને છે, જે આપણા સ્વાદની રેન્જ દર્શાવે છે. ભોજનમાં અન્ય પ્રાંતોમાં મોટેભાગે એક જ પ્રકારની રોટી બનતી હોય છે. આપણે ત્યાં રોટલી, રોટલો, થેપલાં, ભાખરી, પૂરી કેટકેટલા વિકલ્પ છે!
પાતરા, દાળઢોકળી, ખીચું, લોચો, સેવખમણી, ઉંબાડીયું, મઠીયા, ખાખરા, જેવી કેટકેટલી ચીજો ગુજરાતીઓએ સર્જી છે એ તો ઇશ્વર જ જાણે. ઊંધીયું અને રીંગણનું ભડથું તો રજવાડી દબદબો ભોગવે છે. 
જાણીતા અંગ્રેજી પત્રકાર અને નિરા રાડિયા કેસમાં ચર્ચાસ્પદ બનેલા વીર સંઘવી ગુજરાતી છે. તેઓ ફૂડની એક કોલમ અંગ્રેજી અખબારમાં લખે છે અને ફૂડ સ્પેશ્યાલિટી પર ટીવી શો કરી ચૂક્યા છે. તેમણે એક ઠેકાણે લખ્યું હતું કે, "ચાટ એ ભલે ઉત્તર ભારતમાંથી આવ્યા હોય પણ ભેળપૂરી એ મુંબઈના ગુજરાતીઓની શોધ છે. એમાં ગળપણ માટે ખજૂરની ચટણી હોય છે. કાચી કેરીના ટુકડા ખટાશ આપે છે. લાલ ચટણી એમાં તીખો ટેસ્ટ બનાવે છે. સેવ એને ક્રન્ચી બનાવે છે. બાફેલા બટાકા એને સોફ્ટ બનાવે છે. ડુંગળી એને પોતાનો આગવો ટચ આપે છે. ભેળ ન તો સૂકી હોય છે કે ન તો ભીની હોય છે. એ બંનેની વચ્ચે હોય છે. ભેળનું આ જે સ્વાદના ષટ્કોણ જેવું સ્વરૂપ છે એ મુંબઈના ગુજરાતીઓની સ્વાદપ્રીતિને લીધે વિકસ્યું છે."

ફૂડનો ત્રિવેણી સંગમ : કચ્છ, કાઠિયાવાડ અને ઉત્તર-દક્ષિણ ગુજરાત

 કચ્છ, કાઠિયાવાડ અને ઉત્તર-દક્ષિણ પ્રદેશ એમ મળીને ગુજરાત બને છે. ગુજરાતનાં આ ત્રણેય ક્ષેત્રોની ભૌગોલિક સ્થિતિ અલગ છે. કચ્છ રણકાંઠાનો પ્રદેશ છે. કાઠિયાવાડ દરિયાકાંઠાનો ખારી આબોહવાવાળો ઇલાકો છે. ઉત્તર-દક્ષિણ ગુજરાત એ પ્રમાણમાં મીઠા પાણીવાળો અને વધુ હરિયાળો વિસ્તાર છે. કચ્છ અને કાઠિયાવાડ દાયકાઓથી પાણી માટે ઝઝૂમે છે. ભૌગોલિક મર્યાદા અને પડકાર મુજબ એ વિસ્તારોએ પોતાનાં આગવાં ફૂડ વિકસાવ્યાં છે. એક બીજી પણ વાત છે. કોઈ ફૂડ ચોક્કસ વિસ્તારમાં લોકપ્રિયતા ધરાવતું હોય તો એનું કારણ ત્યાંની આબોહવા અને પાણી હોય છે, તેથી ત્યાંની ખાદ્યચીજો એટલે કે ફૂડ આઇટમ્સમાં પણ એની અસર હોય છે. દાબેલી તમને કચ્છમાં જેટલી ભાવે કે ગાંઠિયા જેટલા કાઠિયાવાડમાં સ્વાદિષ્ટ લાગે એટલા એ અમદાવાદમાં ન લાગે એવું બની શકે. એનું કારણ એ છે કે માત્ર ખોરાકની સામગ્રી જ નહીં પણ એ વિસ્તારનાં પાણી અને આબોહવા પણ સ્વાદ પર નોંધપાત્ર અસર કરતાં હોય છે.
કાઠિયાવાડમાં ગાંઠિયા એટલા ખવાય છે કે કેટલાંક એને પ્રેમથી 'ગાંઠિયાવાડ' પણ કહે છે. કાઠિયાવાડમાં ગાંઠિયા સાથે મરચાં અને સંભારો મુખ્યત્વે અપાય છે. અમદાવાદમાં ગાંઠિયા સાથે કઢી અપાય છે, જે અલગ જ કોમ્બિનેશન છે. શક્ય છે કે ગાંઠિયા લુખ્ખા લાગતા હોય એટલે સાથે કઢીની શરૂઆત થઈ હોય. હવે તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ગાંઠિયા સાથે કઢીની પરંપરા શરૂ થઈ છે.
સેવ ટામેટાંનું શાક : દેશમાં ટામેટાંનું ઉત્પાદન પછી થયું, સેવ એનાં વર્ષો પહેલાં બનતી હતી
સેવ ટામેટાંનું શાક હવે તો દેશમાં ઠેકઠેકાણે મળે છે. સેવ ટામેટાંના શાકની ખરી મજા હાઇવે તરફના ઢાબામાં હોય છે. ત્યાં જે તીખુંતમતમતું સેવ ટામેટાંંનું શાક મળે છે એ સ્વાદદાર હોય છે. અલબત્ત, જેને તીખું માફક ન આવે એના માટે એ વર્જ્ય છે. સેવ ટામેટાંનું શાક ગુજરાતની શોધ છે. આપણે ત્યાં સેવનો નાસ્તા વગેરેમાં વ્યાપક ઉપયોગ થાય છે. એ સેવનો આપણે શાકમાં ઉપયોગ કર્યો અને બની ગયું સેવ ટામેટાંનું શાક. સૌથી રસપ્રદ વાત એ છે કે ભારતમાં ટામેટાં અંગ્રેજો લાવ્યા. ટામેટાં એ ભારતીય પેદાશ નથી. ટામેટાં ભારતમાં આવ્યાને દોઢસો વર્ષ જ થયાં છે. જ્યારે કે સેવ ગુજરાતમાં એનાં અનેક વર્ષો અગાઉથી બનતી હતી. આમ, સેવ ટામેટાંના શાકમાં સૌથી પહેલાં શોધાયેલી વસ્તુ સેવ છે.
કેરી : રસ, ફજેતો, મુખવાસ અને અથાણાં!
 કેરીની મોસમ હમણાં જ ગઈ. એક મણ કેસર કેરી ઘરમાં ભરી હોય ત્યારે આખું ઘર કેસરની સોડમથી મઘમઘવા માંડે. કેરીનો રસ કાઢવા માટે હવે તો મિક્સર, ગ્રાઇન્ડર વગેરે ઉપકરણો ઉપલબ્ધ છે. ઘરમાં છ-સાત જણા રસભોજન કરવાના હોય ત્યારે અગાઉ ઘરમાં કેરીનો રસ કાઢવાની પ્રક્રિયા કડાકૂટવાળી પણ રસપ્રદ હતી. કંતાન એટલે કે માદરપાટની ગુણના બારીક કપડામાં ગોટલાને ઘસી ઘસીને રસ કાઢવામાં આવતો હતો. સૌ પ્રથમ કંતાનને ધોઈને સ્વચ્છ કરી દેવામાં આવે. પછી મોટા તપેલાને મોઢું બંધાય એ રીતે ફરતે કંતાનને વીંટાળી દેવામાં આવે. ત્યારપછી કેરીને ઘોળીને એના પર રસધાર કરવામાં આવતી. ગર અને ગોટલાને કંતાન પર ફીણવામાં આવતો ફીણાયેલો રસ નીચે જે તપેલામાં એકઠો થતો એ રેસા વિનાનો રહેતો.
રસની વાત નીકળે એટલે ફજેતાનો ઉલ્લેખ કરવો પડે. રસ નિચોવાયા પછી ગોટલાને પાણીમાં નાખીને એનો થોડો ઘણો જે બચેલો રસ હોય એ પણ ઉપયોગમાં લઈ લેવાની કરકસરકલા એટલે ફજેતો. એ સ્વાદિષ્ટ પણ એટલો જ હોય છે. સ્વાદમાં ખટમધુર ફજેતાને સૂપની જેમ પોપ્યુલર કરવાની જરૂર છે. ફજેતો કર્યા પછી પણ ગોટલાને આપણે છોડતા નથી. એને સૂકવીને મુખવાસ બનાવીએ છીએ. ટૂંકમાં, રસ, ફજેતો અને મુખવાસ. કેરીને આ હદે ઉપયોગમાં લઈ લેવાનું ગુજરાતીઓને જ સૂઝી શકે! કાચી કેરીનાં અથાણાંની ગુજરાતીઓ પાસે જે રેસિપી રેન્જ છે એના માટે તો અલગ જ લેખ લખવો પડે.
ગુજરાતી થાળી : પરંપરા અને પરિવર્તનનો તાલમેલ
ગુજરાતી થાળીમાં ત્રણ પ્રકારનાં શાક, દાળ કે કઢી, કઠોળ, રોટલી કે ભાખરી કે થેપલાં, સંભારો, બે-ત્રણ ચટણી, પાપડ, ફરસાણ,દહીં કે છાશ, ભાત તેમજ મીઠાઈ હોય છે. સમગ્ર દેશમાં આટલી ભરપૂર થાળી બીજે ક્યાંય નથી બનતી, તેથી જ ગુજરાતી વ્યક્તિ કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર કે આસામ જાય ત્યારે થાળી વગર એ બિચારા ભૂખ્યા જ રહે છે. ત્રણ પ્લેટ ઢોંસા ખાઈ જાય કે બે પ્લેટ પાંઉભાજી ખાઈ જાય તોપણ તેને સંતોષ વળતો નથી.
નાના શહેર અને મોટા શહેરની હોટેલોમાં જે ગુજરાતી થાળી પિરસાય છે એનો સ્વાદ અલગ હોય છે. હોટેલ કે રેસ્ટોરાંમાં જે ગુજરાતી થાળી મળે છે એમાં સમય સાથે ઘણાં પરિવર્તન આવ્યાં છે. મજાની વાત એ છે કે એમાં જે પરિવર્તન આવ્યાં છે એમાં પરંપરાગત ગુજરાતી વસ્તુઓ જોખમાઈ નથી. ગુજરાતી થાળીમાં દાળ, ભાત, શાક, રોટલીનું સ્થાન અકબંધ છે. સાથે સાથે પંજાબી, દક્ષિણ ભારતીય, રાજસ્થાની અને ચાઇનીઝ આઇટમ્સ ઉમેરાઈ છે. ગુજરાતી થાળીની ધ્યાનાકર્ષક વિશેષતા એ છે કે એની સાથે અન્ય રાજ્યોની વેજિટેરિયન વાનગીઓ સહજતાથી ભળી જાય છે.
આજથી વીસ-પચીસેક વર્ષ અગાઉ મૂળભૂત ગુજરાતી થાળી જ હોટેલોમાં મળતી હતી. સૂપ, ચાઇનીઝ સમોસા, સ્પ્રિંગ રોલ,રાજસ્થાની ગટ્ટાનું શાક કે પંજાબી શાક અને પનીરની કોઈ આઇટમ્સ એમાં સામેલ નહોતા. ગુજરાતી થાળી સંર્વિધત થઈ એનું કારણ ગુજરાતનાં મોટાં શહેરોમાં વધેલી કોસ્મોપોલિટન વસતી તેમજ મુંબઈની ગુજરાતી રેસ્ટોરાંને એનો યશ આપવો પડે. અમદાવાદ, વડોદરા કે સુરતમાં વસતા નોન ગુજરાતી લોકોને જ્યારે રેસ્ટોરાંમાં ગુજરાતી થાળી ખાવાની ઇચ્છા થાય ત્યારે તેમને પરંપરાગત ગુજરાતી વસ્તુઓ સાથે અન્ય ફૂડ પણ જોઈએ. કારણ એ છે કે ગુજરાતી ફૂડથી થોડો ઘણો અસંતોષ રહી ગયો હોય તો પંજાબી કે રાજસ્થાની સબ્જી એનું સાટું વાળી દે. એ રીતે ગુજરાતી થાળીનું સ્વરૂપ વિસ્તર્યું. સમય જતાં થાળીમાં હજુ વધુ બદલાવ આવશે, પણ થાળીનો જે ગુજરાતી માંહ્યલો છે એ હંમેશાં જળવાયેલો રહેશે, કારણ કે ઇટલીમાં સેટ થયેલા ગુજરાતીને પિઝા દાઢે વળગ્યા હશે તોપણ ઓડકાર તો ગુજરાતી થાળીમાં જ આવે છે.       
૮+૩+૯+૯+૯+૯+૯ = છપ્પનભોગ!
છપ્પનભોગ વૈષ્ણવોની પરંપરા છે. હવેલીઓમાં છપ્પનભોગ થાય છે. પુષ્ટિમાર્ગમાં સમર્પણભાવનાનો એક પ્રકાર છે. જીવ ૮૪ લાખ યોનિમાં ભ્રમણ કરે છે. એમાં મનુષ્ય યોનિ બાદ કરીએ તો ૮૩,૯૯,૯૯૯ યોનિ રહે છે. જેમાં આંકનો સરવાળો ૮ + ૩ + ૯ + ૯ + ૯ + ૯ + ૯ = ૫૬ થાય છે. આ છપ્પનભોગ પ્રભુને સર્મિપત કરવાથી જન્મ-મરણના ચક્કરમાં ફરવું પડતું નથી.
એક ગણતરી મુજબ રાત્રિના 4 પ્રહર અને દિવસના 4 પ્રહર અને સપ્તાહના 7 દિવસ એટલે 4+4 = 8 અને 8 × 7 = 56. તેથી છપ્પનભોગ માટે આવો પણ એક તર્ક છે. 
જોકે, રસપ્રદ વાત તો એ છે છપ્પનભોગની કેટલીક મીઠાઈઓ મુગલ પરંપરાની છે. છપ્પનભોગ એ રીતે સરસ સાંસ્કૃતિક સમન્વય છે.


ગુજરાત અને પારસીઓ : ધાનશાકબ્રેડપાંઉ વગેરે...
ગુજરાતના જે હિન્દુ રજવાડા પરિવારોમાં નોન વેજ ફૂડનું પ્રચલન હતું, આઝાદી અગાઉના ગુજરાતમાં જ્યારે રજવાડાની પરંપરા હતી ત્યારે રાજા-મહારાજાઓ શિકારના શોખીન હતા. એ કંઈ પ્રાણીનો શિકાર કરીને, એની સાથે બંદૂક રાખીને ફોટા પડાવવા માટે જ શિકાર કરતા નહોતા. શિકારનું મહત્ત્વનું પ્રયોજન નોન વેજ ફૂડની મિજબાની હતું. એ સિવાય ગુજરાત એ શાકાહારી અને ફળાહારી રાજ્ય જ રહ્યું છે. ગુજરાત વેજિટેરિયન રાજ્ય છે એનું કારણ અહીં જૈન અને વૈષ્ણવ ધર્મની વ્યાપક અસર કહી શકાય. ગુજરાતમાં મુસ્લિમો જે નોન વેજ ખાય છે એનું પ્રમાણ પણ અન્ય રાજ્યોના મુસ્લિમો કરતાં ઓછું છે.
ગુજરાત એક તરફ વેજિટેરિયન રાજ્ય છે, તો ઈરાનથી આવીને ગુજરાતમાં વસેલા પારસીઓનો મુખ્ય ખોરાક નોન વેજિટેરિયન છે. એ રીતે ગુજરાત બે અંતિમોનું ફૂડકેન્દ્ર પણ છે. ધાનશાક પારસીઓનો મુખ્ય ખોરાક છે. એમાં જે નોન વેજ તત્ત્વ છે એ ઈરાનિયન છે જ્યારે કે શાક મોટાભાગનાં ગુજરાતી છે. આમ, ધાનશાક એ ગુજરાતી-ઈરાનિયન ફૂડ છે.
મહારાષ્ટ્ર હોય કે પંજાબ દેશના મોટાભાગના રાજ્યના કોઈ ને કોઈ નાસ્તામાં પાંઉ કે બ્રેડનો ઉપયોગ થાય જ છે. એવા કેટલાય પરિવારો છે જે સવારના નાસ્તામાં બ્રેડબટર કે સેન્ડવિચ લેતા હશે. ભારતની અંદર બ્રેડ કે પાંઉનું પહેલું પ્રાગટયસ્થાન પણ ગુજરાત જ છે. પાંઉ અને બ્રેડ એ બેકરી આઇટમ્સ છે. બેકરી આઇટમ્સ દેશને પારસીઓની દેણ છે. તેઓ ઈરાનથી ગુજરાત આવ્યા અને પાંઉ, બ્રેડ વગેરે આઇટમ્સ સૌ પ્રથમ ગુજરાતમાં બનવાની શરૂઆત થઈ. પારસીઓની નોંધપાત્ર વિશેષતા એ રહી છે કે તેઓ ઈરાનથી એ ગુજરાતમાં આવ્યા જેમના ખાનપાનમાં ખાસ્સો ફરક છે. આટલાં વર્ષે પણ પારસીઓએ પોતાનો મૂળભૂત ખોરાક જાળવી રાખ્યો છે એ મોટી વાત છે.

Web link
http://www.sandesh.com/article.aspx?newsid=3092827

No comments:

Post a Comment