Thursday, July 16, 2015

છપ્પનવખારી : વિદ્રોહ અને ગુમનામી


Sandesh - Ardh Saptahik Purti - 17 June 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય

હાલમાં જ પશ્ચિમ બંગાળમાં કાઝી નઝરૂલ ઇસ્લામ એરપોર્ટનું ઉદ્ઘાટન થયું. જેના પ્રથમ મુસાફર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા હતા. એરપોર્ટને કાઝી નઝરૂલ ઇસ્લામ એવું નામ અપાયું છે. જે બંગાળના કવિસ્વાતંત્ર્યવીરસંગીતકાર હતા. તેઓ પાકિસ્તાન બનવું જોઈએ એવા આંદોલનના પ્રખર વિરોધી હતા. બંગાળમાં રવીન્દ્રનાથ ઠાકુર પછી કોઈનું નામ એટલા જ પ્રેમાદરપૂર્વક લેવાતું હોય તો એ કાઝી નઝરૂલ ઇસ્લામ છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને નઝરૂલનાં કાવ્યો કંઠસ્થ છે. બાંગ્લાદેશે તો તેમને રાષ્ટ્રીય કવિ ઘોષિત કર્યા છે. ભારતે તેમને પદ્મભૂષણથી નવાજ્યા છે. નઝરૂલ જનતાના કવિ હતા. રવીન્દ્રનાથ ઠાકુરે તેમની નૃત્યનાટિકાનું પુસ્તક 'વસંતતેમને સર્મિપત કર્યું હતું. તેમના જીવનનાં છેલ્લાં પચીસેક વર્ષ ભયંકર હતાં. તેમને એવી બીમારી લાગુ પડી હતી જેને લીધે તેઓ સ્મરણશક્તિ અને અવાજ ગુમાવી બેઠા હતા. જે માણસ વિદ્રોહનો પર્યાય હતો એનાં છેલ્લાં વર્ષો ગુમનામ હતાં. કાઝી નઝરૂલ ઇસ્લામ વિશે જાણવાનો પ્રયાસ કરીએ


કેટલાંક પાત્રો એવાં હોય છે કે જેમને ઇતિહાસ દિલથી યાદ રાખે છે. તેમનાં નામ પાઠયપુસ્તકોમાં હોંશભેર લેવાય છે. રાષ્ટ્ર તેમનાં ગીતો ગાય છે. તે આમ જનતાના રુદિયે રાજ કરે છે. જોકે, ઇતિહાસમાં અંકિત આવાં વ્યક્તિત્વોને સમય એટલે કે ખુદ ઇતિહાસ ક્યારેક અન્યાય પણ જબરો કરે છે. વાત થોડી અટપટી છે. સરળ કરી દઈએ. બંગાળી ભાષામાં રવીન્દ્રનાથ ઠાકુર ઉપરાંત કાઝી નઝરૂલ ઇસ્લામ પણ ઊંચા ગજાના કવિ હતા. બંગાળમાં તો કાઝી નઝરૂલ ઇસ્લામના નામનાં એરપોર્ટ બંધાયાં છે. બાંગ્લાદેશના રાષ્ટ્રકવિ એવા નઝરૂલના નામની અનેક સ્કૂલો, કોલેજો અને જાહેર માર્ગો ત્યાં છે, પરંતુ આવુ દિગ્ગજ નામ બંગાળી સિવાય ખાસ કોઈ જાણતું નથી. 
            કલકત્તાના ચુરૂલિયામાં જન્મેલા કાઝી નઝરૂલ ઇસ્લામ કવિ, સ્વાતંત્ર્યવીર અને સંગીતકાર હતા. રવીન્દ્રનાથ ઠાકુરે જેમ રવીન્દ્ર સંગીત નામની સંગીતની આગવી શાખા વિકસાવી હતી એવી જ રીતે કાઝી નઝરૂલ ઇસ્લામે પણ પોતાનાં ગીતોની આગવી સંગીતશૈલી વિકસાવી હતી જે 'નઝરૂલ ગીતી' તરીકે જાણીતી છે. બંગાળનાં પ્રસિદ્ધ ગાયિકા જ્યુથિકા રોય નઝરૂલ ગીતી ખૂબ ગાતાં હતાં. સંગીતકાર સચીનદેવ બર્મને ગાયક તરીકે પહેલું જે ગીત રેકોર્ડ કર્યું એ કાઝી નઝરૂલ ઇસ્લામનું હતું. નઝરૂલ પોતે અદ્ભુત વાંસળીવાદક હતા. બંગાળી ભાષાના કેટલાક વિવેચકો તેમને રવીન્દ્રનાથ ઠાકુર પછીના બીજા મહાન કવિ ગણે છે. કેટલાંક તેમને કવિ કરતાંય મહાન સંગીતકાર ગણે છે.
બંગાળ તેમજ બાંગ્લાદેશના હૈયે તેમજ હોઠે રહેલા આ મહાન કવિના જીવનની વિટંબણા એ હતી કે તેમણે જીવનનાં પચીસેક વર્ષ ગુમનામીમાં વિતાવ્યાં હતાં. અલબત્ત, બંગાળ અને બાંગ્લાદેશ તો તેમના નામનાં ઓવારણાં લેતા હતા, પરંતુ એ વર્ષો તેમનાં એવાં હતાં કે તેમને પોતાને જ ખબર નહોતી કે પોતે કોણ છે? વિચારો કે જેને રાષ્ટ્રનાં મહાન ખિતાબો અને અકરામો એનાયત થતાં હોય, જેને રાષ્ટ્રકવિ ઘોષિત કરવામાં આવતા હોય અને એ માણસને પોતાને જ કશું ખબર ન પડતી હોય એવી દશામાં એ હોય તો એ વિધિની કેવી વિચિત્રતા કહેવાય? સમયે તેેને કરેલો એ કેવો અન્યાય કહેવાય? જીવનની કેટલીક ગતિ અકળ જ નહીં અકળાવનારી હોય છે.
કાઝી નઝરૂલ ઇસ્લામ એટલે કોણ? આવો સવાલ જો બંગાળમાં પૂછવામાં આવે તો દશમાંથી આઠ કે નવ લોકો તેમના વિશેની વિગતો જણાવી શકે. આ જ સવાલ જો બાંગ્લાદેશમાં પૂછવામાં આવે તો દશમાંથી દશ લોકો તેમનું સમગ્ર જીવન કહી સંભળાવે. મુદ્દાની વાત એ પણ છે કે બંગાળ અને બાંગ્લાદેશમાં જો આવો સવાલ પૂછવામાં આવે તો લોકો સવાલ પૂછનારની કિંમત કરી લે. હાંસી ઉડાવે.
ઉર્દૂ પછી સૌથી વધુ ગઝલો ગુજરાતમાં લખાય છે. ગુજરાતમાં કાવ્યોના સામયિકો પણ માતબર ચાલે છે. ગુજરાતમાં નવા યુવા કવિઓનો પણ મોટો ફાલ આવ્યો છે. જેમાંના કેટલાંક ખરેખર ગુણિયલ કાવ્યો લખે છે. છતાં ગુજરાતના કેટલા યુવા કવિઓને કાઝી નઝરૂલ ઇસ્લામ વિશે ખબર હશે એ સવાલ છે અને શોધનો વિષય પણ છે! રવીન્દ્રનાથ ઠાકુર વિશે લોકોને ખબર છે, પણ નઝરૂલ વિશે ગુજરાતના કવિઓને જો ન ખબર હોય તો એ વાંક ગુજરાતના સાક્ષરોનો છે.
કાઝી નઝરૂલ ઇસ્લામ ૮ વર્ષના હતા ત્યારે તેમના પિતા ગુજરી ગયા હતા. ઘરમાં ગરીબી હટાવી ન શકાય એવા દુશ્મનની જેમ ઘેરો ઘાલીને બેઠી હતી. ચુરૂલિયા ગામમાં જ આવેલી એકમાત્ર મક્તબ-મદ્રેસામાં તેમણે ફારસી અને અરબીની પ્રાથમિક તાલીમ મેળવી હતી. એ જ શાળામાં પછી તેમણે ભણાવ્યું પણ હતું. કટ્ટર મુસ્લિમ પરિવારમાંથી આવતા હોવા છતાં નઝરૂલે નાની ઉંમરે જ કુર્રાન ઉપરાંત બંગાળી ભાષામાં અનુદિત 'રામાયણ', 'મહાભારત' વગેરે ધર્મગ્રંથો વાંચી લીધા હતા. એ ઉપરાંત પણ અન્ય ધર્મોના ગ્રંથ તેમણે વાંચી લીધા હતા. બધું વાંચ્યા પછી તેમને એ સમજાતાં વાર ન લાગી કે સાંપ્રદાયિક સદ્ભાવના પાયાની બાબત છે. ધર્મથી ઉપર ઊઠીને માણસે માનવતાનો જય જયકાર કરવો રહ્યો. સૌથી મોટો ધર્મ માણસ એ માણસ થઈને રહે એ છે, નહીં કે એ કોઈ ધર્મનો અનુયાયી. વાંચો નઝરૂલનું આ કાવ્ય
એ કોણ લોકો છે જેઓ માણસ સાથે ઘૃણા કરીને
કુર્રાન, વેદ, બાઇબલને ચૂમે છે!
તેમની પાસેથી ગ્રંથો છીનવી લો.
મનુષ્યને મારીને ગ્રંથ પૂજે છે, ઢોંગીઓનાં ટોળાં.
સાંભળો હે મૂર્ખાઓ!
મનુષ્ય જ ગ્રંથ લાવ્યા છે
ગ્રંથ નથી લાવ્યા કોઈ મનુષ્યને.

લશ્કરી છાવણીમાં રૂમી અને ઉમર ખય્યામ!

એ વખતે અંગ્રેજોનું રાજ હતું તેથી રાષ્ટ્રીય એકતા કેટલી જરૂરી છે એની સ્પષ્ટતા તેમના મનમાં હતી. ગામમાં શિક્ષણપ્રાપ્તિની અન્ય કોઈ વ્યવસ્થા નહોતી, તેથી તે 'લીટો દળ' નામની નાટયમંડળી સાથે જોડાયા હતા. એ મંડળી વિભિન્ન સામાજિક અને રાજકીય સમસ્યાઓ પર વ્યંગ નાટકો ભજવતી હતી. તેમણે નાનપણમાં બેકરીમાં પાંઉ શેકવાની નોકરી પણ કરી હતી. લીટો દળ સાથે જોડાયા બાદ તેમનામાં વિદ્રોહનાં બીજને હવા, પાણી અને ખાતર મળ્યાં. એક દિવસ તેઓ એ નાટયમંડળીના પ્રમુખ પણ બન્યા. ચંચળ જીવના નઝરૂલ ત્યાં ઝાઝું ન ટક્યા અને રાનીગંજ - બર્દવાન જઈને સ્કૂલમાં આઠમા ધોરણમાં ભર્તી થઈ ગયા. હોસ્ટેલમાં રહેવા લાગ્યા. ૧૯૧૭માં સ્કૂલનાં અંતિમ વર્ષોમાં ફીનાં ફાંફાં પડયાં એટલે ભણવાનું પડતું મૂકી દીધું. એ વખતે તેમની ઉંમર ૧૮ વર્ષ હતી. પછી તેઓ બ્રિટિશ આર્મીમાં જોડાયા. એ વખતે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું. સિપાહી તરીકે ૪૯મી બંગાળ રેજિમેન્ટના સભ્ય તરીકે તેમને નૌશેરા મોકલવામાં આવ્યા અને ત્યાંથી કરાંચીની છાવણીમાં મોકલવામાં આવ્યા. તેઓ છાવણીમાં ક્વોર્ટર માસ્ટર હતા. જેનું કામ સિપાઈઓને મદદરૂપ થવાનું અને સગવડ સાચવવાનું હતું. લશ્કરી છાવણીના આ દિવસો દરમ્યાન નઝરૂલે એક પંજાબી મૌલવી પાસેથી ફારસી ભાષાનું વધુ જ્ઞાાન મેળવ્યું અને મહાકવિ રૂમી, હાફિઝ, ઉમર ખય્યામની રચનાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. લશ્કરી છાવણીમાં કોઈ સિપાઈ સાહિત્યનો અભ્યાસ કરે એ વાત જ કેટલી ઇન્ટરેસ્ટિંગ છે નહીં!
૧૯૨૦માં નઝરૂલ રેજિમેન્ટમાંથી નીકળીને કલકત્તા આવી ગયા. ત્યાં બંગાળી મુસ્લિમ લિટરરી સોસાયટી સાથે જોડાયા. એ પછી પોતાનો પહેલો કાવ્યસંગ્રહ 'બોધન' રજૂ કર્યો. એ પછી તો કવિ તરીકે નામના મેળવવા લાગ્યા. નઝરૂલ રવીન્દ્રનાથ ઠાકુરને પોતાના ગુરુ માનતા હતા. ૧૯૨૨માં તેમનું વિદ્રોહી નામનું કાવ્ય બિજલી નામના સામયિકમાં છપાયું અને દેશભરમાં તેમનું નામ જાણીતું થઈ ગયું. એ પછી 'વિદ્રોહી કવિ' તરીકે તેમનું નામ જાણીતું થઈ ગયું અને અંગ્રેજોની તેમના પર વિશેષ નજર પણ રહેવા માંડી. ઓગસ્ટ ૧૯૨૨માં તેમણે 'ધૂમકેતુ' નામનું સામયિક શરૂ કર્યું. સપ્ટેમ્બરમાં ત્યાં દરોડો પડયો અને નઝરૂલની ધરપકડ કરવામા આવી.
૧૪ એપ્રિલ, ૧૯૨૩ના રોજ તેમને અલિપોરની જેલમાંથી હુગલીની જેલમાં લઈ જવાયા. જ્યાં તેમણે અંગ્રેજો સામે ૪૦ દિવસના ઉપવાસ આદર્યા. એક મહિના કરતાં લાંબા તેમના ઉપવાસ ચાલ્યા અને પછી ડિસેમ્બર મહિનામાં તેમને જેલમાંથી છોડી મુકાયા. જેલવાસ દરમ્યાન તેમણે ઘણાં કાવ્યો લખ્યાં અને સંગીતબદ્ધ કર્યાં. એ દાયકામાં તેમની ઘણી રચનાઓ પર અંગ્રેજોએ પ્રતિબંધ મૂક્યો હતો. ધર્મ અને રાજનીતિના નામે લોકોને જે રીતે ઉશ્કેરવામાં આવતા હતા એનો નઝરૂલે પોતાનાં કાવ્યોમાં પર્દાફાશ કર્યો હતો. લોકો ધર્મ નહીં પણ માનવતાના ધોરણે એક થઈને બ્રિટિશરો સામે લડત માંડે એ માટે તેઓ સતત કાર્યરત હતા. ધર્મ અને જાતિના ધોરણે પાકિસ્તાન નામનો અલગ દેશ બનવો જોઈએ એના તેઓ સખત વિરોધી હતા.
પુત્રનું નામ કૃષ્ણમોહમ્મદ

તેમણે પ્રમિલાદેવી નામની હિન્દુ મહિલા સાથે પ્રેમવિવાહ કર્યા હતા. પ્રમિલાદેવી બ્રહ્મસમાજ સાથે જોડાયેલાં હતાં. નઝરૂલનાં લગ્નનો કેટલાંક રૂઢિચુસ્ત મુસ્લિમોએ વિરોધ કર્યો હતો. નઝરૂલને તેની પરવાહ જ નહોતી, કારણ કે તેઓ ધર્મના દંભ અને રૂઢિચુસ્તતાના જૂના બંડખોર હતા. નઝરૂલને ચાર સંતાન થયાં હતાં. જેનાં નામ જાણવા જેવાં છે. એક પુત્રનું નામ કૃષ્ણ મોહમ્મદ હતું. બીજાનું નામ અરિન્દમ, ત્રીજાનું નામ સવ્યસાચી અને ચોથો અનિરુદ્ધ.
ગાંધીજીના અસહકાર આંદોલનથી પ્રભાવિત થઈને નઝરૂલે કાવ્ય લખ્યું હતું. જેનો એક અંશ જુઓ, "પરાધીન માતાના આંગણામાં આ કૌન પાગલ પથિક દોડી રહ્યો છે. એની પાછળ એનાં ત્રીસ કરોડ ભાઈ-બહેનો મોતને હાકલ નાખતાં નાખતાં ગીત ગાતાં જઈ રહ્યાં છે." ગાંધીજી સાથે તેઓ કેટલીક બાબતે અસહમત પણ હતા. એ અસહમતી આદરપૂર્વકની હતી.
ગુમનામ વર્ષો

બિનસાંપ્રદાયિકતાને પોંખનારા અને પોષનારા જે નીવડેલા કવિઓ દેશમાં થયા છે એની પ્રથમ પંક્તિમાં કાઝી નઝરૂલ ઇસ્લામ બિરાજે છે. તેમનાં કાવ્યોમાં ફાસિઝમ અને દમન સામે વિદ્રોહ હતો. દરેક ધર્મના દંભ સામે તેમનાં કાવ્યો પરબારો પડકાર હતા. નઝરૂલે વાર્તા, નવલકથા, નિબંધો વગેરે પણ લખ્યાં હતાં, પરંતુ તે ઓળખાયા કાવ્યોથી. તેમણે ચાર હજાર કાવ્યો બંગાળીમાં લખ્યાં. એમાંથી ઘણાં ખરાં કાવ્યોને સ્વરબદ્ધ પણ તેમણે જ કર્યાં હતાં.
૧૯૪૨માં તેમની ઉંમર ૪૩ વર્ષની હતી. એ વખતે નહોતું પાકિસ્તાન રચાયું કે નહોતું પૂર્વ પાકિસ્તાન એટલે કે આજનું બાંગ્લાદેશ. ૪૩ વર્ષની ઉંમરે તેમને કોઈ અજીબ બીમારી લાગુ પડી હતી. એ બીમારીને લીધે તેમણે પોતાનો અવાજ અને મેમરી એટલે કે સ્મરણશક્તિ ગુમાવી હતી. ૧૯૫૫ પછી તો તેઓ સાવ જીવતુંજાગતું પૂતળું બની ગયા હતા. ૧૯૬૨માં તેમના પત્નીનું અવસાન થયા પછી તો લગભગ આઇસીયુમાં જ રહ્યા. ૧૯૭૬માં તેમનો દેહાંત થયો હતો. જીવનનાં પચીસેક વર્ષ તેમણે સાવ ગુમનામીમાં વિતાવ્યાં. એ વર્ષોમાં તેમને પોતાના અસ્તિત્વનીય ખબર નહોતી. ૧૯૭૧ના ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈને સ્વતંત્ર દેશ બન્યો. ત્યાર પછી નઝરૂલને બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ ઘોષિત કરવામાં આવ્યા હતા. વિટંબણા જુઓ કે જેને પોતે શું છે એની ખબર નથી તેને રાષ્ટ્રીય કવિ જેવી શ્રેષ્ઠ ઉપાધિ આપવામાં આવી ત્યારે એના માન-અકરામની પણ ક્યાંથી ખબર હોય!
બંગાળના સાહિત્યની વાત થાય છે ત્યારે રવીન્દ્રનાથ ઠાકુર, તારાશંકર બંદોપાધ્યાય, સુનીલ ગંગોપાધ્યાય વગેરેનો જ વધુ ઉલ્લેખ થાય છે. કાઝીનો ઉલ્લેખ લોકો ચૂકી જાય છે અથવા જાણી જોઈને ચાતરી જાય છે. કાઝી બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ હતા,પરંતુ સવાયા ભારતીય કવિ હતા.
દરેક ઉત્કૃષ્ટ કવિનાં નસીબ રવીન્દ્રનાથ ઠાકુર જેવાં નથી હોતાં કે દેશ સમગ્ર તેમની રચનાઓનો મુરિદ હોય અથવા તો સમગ્ર દેશના લોકો તેમનાં નામ અને કેટલીક રચનાથી વાકેફ હોય. કોઈ કવિ કે લેખક એવી પૂર્વધારણા કે ગણતરી સાથે લખતોય નથી હોતો કે તેની રચના તેની ભાષા પૂરતી મર્યાદિત ન રહેતાં જગત સમગ્રમાં પ્રસરે. એ તો સહજ રીતે પોતાનું કર્મ અદા કરતો હોય છે. આ વાતની સાખ પૂરીને એ લખવાનું કે એ જવાબદારી લોકોની છે. લોકોએ પોતાની ભાષાના ઉત્કૃષ્ટ સાહિત્ય સુધી પહોંચવું રહ્યું. પોતાની ભાષા સિવાયની અન્ય ભાષાના ઉમદા સાહિત્ય સુધી પહોંચવું રહ્યું. એ લોકોની જવાબદારીની વાત છે.
રવીન્દ્રનાથ ઠાકુર અને નઝરૂલ : એક દાખલારૂપ દોસ્તી


કાઝી નઝરૂલ ઇસ્લામનું કવિતાના ક્ષેત્રમાં ત્યારે આગમન થયું હતું જ્યારે સાહિત્યમાં રવીન્દ્રનાથ ઠાકુરનો ડંકો વાગી ચૂક્યો હતો. બંગાળના ઘણા કવિની રચનાઓ પર ઠાકુરનો પ્રભાવ દેખાતો હતો. કાઝી પણ ઠાકુરને પોતાના ગુરુ માનતા હતા. કાવ્યરચનામાં કાઝીએ પોતાની મૌલિક મુદ્રા વિકસાવી હતી. બંગાળીઓએ તેમને દિલથી બિરદાવ્યા હતા.
ઠાકુર અને કાઝીની કવિતાઓનો ટોન અલગ અલગ છે. મજાની વાત એ છે કે બંને સાહિત્ય ઉપરાંત સંગીતના પરખંદા હતા. બંનેએ પોતાની આગવી સંગીતશૈલી આપી હતી. રવીન્દ્ર સંગીત અને નઝરૂલ સંગીત. બંનેમાં સામ્ય એ પણ હતું કે બંનેનાં કાવ્યોમાં જે પુણ્યપ્રકોપ હતો એ માણસ માણસના પરસ્પર પ્રેમ માટે પ્રયાસબદ્ધ હતો. નઝરૂલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના દોસ્તે રવીન્દ્રનાથ ઠાકુરની કોઈ રચનાની ટીકા કરી તો નઝરૂલે તેને ઈંટ મારીને ઘાયલ કર્યો હતો. પોલીસ કેસ થયો હતો અને નઝરૂલે કેટલાક કલાકો જેલમાં વિતાવવા પડયા હતા.
રવીન્દ્રનાથ ઠાકુરના નોબેલ પારિતોષિક કાવ્યસંગ્રહ 'ગીતાંજલિ'નાં અનેક કાવ્યો નઝરૂલને મોઢે હતા. તેઓ જ્યારે દોસ્ત મોહમ્મદ શહિદુલ્લાહ સાથે શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથ ઠાકુરને મળવા ગયા ત્યારે ત્યાં પહોંચતા સુધીમાં ગીતાંજલિના કેટલાંય કાવ્યો શહિદુલ્લાહને સંભળાવ્યાં હતાં. ઠાકુર અને નઝરૂલનો ભેટો થયો ત્યારે શહિદુલ્લાહે કહ્યું કે ગીતાંજલિના ઘણાં કાવ્યો કાઝીને કંઠસ્થ છે. એ સાંભળીને રવીન્દ્રનાથે કહ્યું કે, "વાહ, તમારી મેમરીને દાદ દેવી પડે. મને પણ ગીતાંજલિનાં મારાં કાવ્યો કંઠસ્થ નથી." નઝરૂલે કહ્યું કે, "ગુરુદેવ, મારી એવી લાંબા સમયથી ઇચ્છા છે કે તમારું એકાદ કાવ્ય તમારા અવાજમાં સાંભળું." ગુરુદેવે કહ્યું કે, "મારી પણ એવી ઇચ્છા છે કે તમારાં કાવ્ય તમારા અવાજમાં સાંભળું." સહેજ પણ આગ્રહ કે ઔપચારિકતા વગર નઝરૂલે પોતાનું કાવ્ય લલકારવા માંડયું.
 રવીન્દ્રનાથ ઠાકુરહું તમારું ખૂન કરવા આવ્યો છું
૬ જાન્યુઆરી, ૧૯૨૨ના રોજ બંગાળી વીકલી 'બિજલી'માં કાઝીની પ્રખ્યાત રચના 'વિદ્રોહી' છપાઈ હતી. એના બીજા જ દિવસે એ મેગેઝિનના ચાર અંક લઈને નઝરૂલ રવીન્દ્રનાથ ઠાકુર પાસે મારતે ઘોડે પહોંચ્યા. દાદરો ચઢતાં ચઢતાં કાઝીએ ઉત્સાહભેર કહ્યું કે "ગુરુદેવ... ગુરુદેવ." ઠાકુરે તેમને જોઈને હસતાં હસતાં કહ્યું કે, "કાઝી શું થયું છે? કેમ આટલું જોશભેર બોલો છો?" કાઝીએ કહ્યું કે, "ગુરુજી હું તમારું ખૂન કરવા આવ્યો છું." ગુરુદેવે કહ્યું કે, "મારામાં વળી ખૂન કરવા જેવું શું છે?" તમે ઉપર આવો, બેસો અને માંડીને વાત કરો." કાઝી અને ગુરુદેવ બેઠા અને કાઝીએ પોતાની કવિતા વિદ્રોહીનું પઠન શરૂ કર્યું. કવિતાના વિવિધ આરોહ-અવરોહ સાથે કાઝીની ભાવભંગિમા પણ એને અનુરૂપ થઈ જાય. જાણે નાટકનો કલાકાર કાવ્યમંચન કરતો હોય એ રીતે તેમણે કવિતા વાંચી. કવિતા પૂરી થઈ એટલે રવીન્દ્રનાથ ઠાકુર ઊભા થયા. તેમને ગળે વળગાળ્યા અને કહ્યું કે, "નઝરૂલ, તમે ખરેખર મારું ખૂન કરી નાખ્યું."
૧૯૨૨ના ઓગસ્ટમાં નઝરૂલે 'ધૂમકેતુ' સામયિક શરૂ કર્યું ત્યારે ઠાકુરને જણાવ્યું કે તમેે આશીર્વાદરૂપે કંઈક લખી આપો. એ વખતે ઠાકુરે ધૂમકેતુ નામના તારાને કેન્દ્રમાં રાખીને એક કાવ્ય લખી આપ્યું હતું જે એ સામયિકના દરેક અંકમાં મુદ્રાલેખની જેમ છપાતું હતું. એ સામયિક માટે તેમની ધરપકડ થઈ ત્યારે ૧૯૨૩માં કાઝીએ હુગલીની જેલમાં પોતાની ભૂખ હડતાળ શરૂ કરી હતી. એ વખતે રવીન્દ્રનાથ શિલોંગમાં હતા. તેમને જાણ થઈ ત્યારે ખૂબ ચિંતા થઈ અને નઝરૂલને ટેલિગ્રામ કર્યો કે, "ગીવ અપ યોર હંગર સ્ટ્રાઇક, અવર લિટરેચર ક્લેઇમ્સ યુ - તમે ભૂખ હડતાળ છોડી દો. આપણું સાહિત્ય એવી માંગ કરે છે."
આ એક વાક્ય બે કવિઓની મહાનતા દર્શાવે છે. રવીન્દ્રનાથ ઠાકુર પોતે વ્યક્તિગત રીતે પણ એવો આગ્રહ કરી શકતા હતા કે તમે અનશન સમેટી દો. ઠાકુરનો નઝરૂલ પર એટલો હક અને પ્રેમ બનતો જ હતો, પણ ઠાકુર કહે છે કે આપણું સાહિત્ય એવું તમારી પાસે માગે છે કે તમે ભૂખ હડતાળ સમેટી લો. ઠાકુર સમગ્ર બંગાળી સાહિત્યને બાથમાં લઈને એનો હવાલો આપીને આજીજી કરે છે. અફસોસ કે એ ટેલિગ્રામ કાઝીને ન મળ્યો. કાઝી હુગલી જેલમાં હતા અને રવીન્દ્રનાથે પ્રેસિડેન્સી જેલના સરનામે એ ટેલિગ્રામ મોકલ્યો હતો. તેમને પ્રેસિડેન્સીમાંથી હુગલી જેલમાં તબદિલ કર્યા છે એ ઠાકુરને ખબર નહોતી.
રવીન્દ્રનાથ ઠાકુરે પછી પોતાના પુત્રને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે, "કાઝી એ જેલમાં નથી એવો એક મેમો મને અંગ્રેજ સરકારે મોકલ્યો હતો. કાઝી એ જેલમાં નથી એ મને ખબર નહોતી પણ અંગ્રેજોને તો ખબર હતી જને! પરંતુ તેઓ કાઝીને આત્મહત્યા કરતાં અટકાવવા માગતા ન હતા." જોકે, મહિનાની ભૂખ હડતાળ પછી કાઝીને છોડી મૂકવામાં આવ્યા હતા. કાઝીને જેલ થઈ ત્યારે રવીન્દ્રનાથે તેમના પર પ્રેમ વરસાવતાં પોતાની નૃત્યનાટિકા 'વસંત'નું પુસ્તક તેમને સર્મિપત કર્યું હતું. રવીન્દ્રનાથ ઠાકુરે પરિવાર સિવાયની અન્ય કોઈ વ્યક્તિને પુસ્તક સર્મિપત કર્યું હોય એવી એ પહેલી ઘટના હતી. એ પુસ્તકના અર્પણવાક્યરૂપે ઠાકુરે લખ્યું, 'પ્રિય કવિ નઝરૂલ ઇસ્લામને...'
નઝરૂલને કવિ તરીકે ઉલ્લેખવાનું રવીન્દ્રનાથ ઠાકુરનું ચોક્કસ પ્રયોજન હતું. કેટલાંક હિન્દુ કવિ તેમજ સાહિત્યકાર નઝરૂલને કવિ ગણતા નહોતા, તેથી એ લોકોને ઠંડો સણસણતો જવાબ આપવા ઠાકુરે એમ લખ્યું હતું. પુસ્તક અર્પણ કર્યું એ વખતે કાઝી અલીપુર સેન્ટ્રલ જેલમાં હતા. રવીન્દ્રનાથ ઠાકુરે તેમના મિત્ર પવિત્ર ગંગોપાધ્યાયને 'વસંત' પુસ્તક આપીને કાઝીને પહોંચાડવાનું કહ્યું હતું. સાથે સાથે કહ્યું હતું કે, "નઝરૂલે દેશના જીવનમાં વસંત રેલાવી છે, તેથી આ પુસ્તક હું તેને સર્મિપત કરું છું. મારા આશીર્વાદ સદાય તેની સાથે છે અને કહેજે કે કવિતા લખવાનું ક્યારેય બંધ ન કરે. લડવા માટે અનેક સૈનિકો મળી રહેશે, પણ સૈનિકોને પાનો ચઢાવવા માટે કવિ તો જોઈશેને!"
૧૯૭૨માં રવીન્દ્રનાથ ઠાકુરનું ગીત આમાર સોનાર બાંગ્લા બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત ઘોષિત થયું અને એ પછી કાઝી નઝરૂલ ઇસ્લામનું ગીત ચલ ચલ ચલ બાંગ્લાદેશના યુદ્ધગીત તરીકે ઘોષિત થયું હતું.
કાઝી અને ઠાકુરની દોસ્તી સાહિત્યની અદ્ભુત મિસાલ હતી. જ્યારે પણ સાહિત્યમાં વાડાપંથી કે કોમી આડખીલીઓ ઊભી થશે ત્યારે એ દોસ્તી દીવાદાંડીની જેમ ઉપદ્રવીઓની આંખો ઉઘાડવા માટે બત્તી ધરશે.
Web link
http://www.sandesh.com/article.aspx?newsid=3087529

No comments:

Post a Comment