Thursday, July 16, 2015

છપ્પનવખારી : શબ્દોની દુનિયા અને દુનિયાના શબ્દો


Sandesh - Ardh Saptahik Purti - 10 June 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય

બીરિયાની અને સેલ્ફી શબ્દો હવે ફ્રેન્ચ ડિક્શનરીમાં સ્થાન પામ્યા છે. એવી જ રીતે પાપડ શબ્દને ઓક્સફર્ડની ઇંગ્લિશ ડિક્શનરીમાં સ્થાન મળ્યું છે. આપણો ગુજરાતી શબ્દ ખીચડી ઓલરેડી ઓક્સફર્ડ ડિક્શનરીમાં છે. દરેક ભાષામાં જ્યારે નવા શબ્દો ઉમેરાય છે ત્યારે એ ભાષા વધુ ખીલે છે. એવી જ રીતે લુપ્ત થયેલા શબ્દો પણ જો ફરી વાત-વપરાશમાં આવે તો ભાષા લાઇવ બને છે. શબ્દોની નવી-જૂની દુનિયામાં ચાલો ત્યારે...


નદીને કાંઠે સેલ્ફી. વર્ષો પછી મળેલા જૂના પાડોશી રાકેશઅંકલ સાથે સેલ્ફી. ઊભી બજારે સેલ્ફી. લાંબી શેરીમાં સેલ્ફી. લોકલ ટ્રેનમાં દોસ્તો સાથે સેલ્ફી. સીટી બસમાં ગર્લફ્રેન્ડ સાથે સેલ્ફી. કોલેજના ર્વાિષક ફંક્શનમાં ગ્રૂપ સેલ્ફી. ટૂંકમાં, સેલ્ફી... સેલ્ફી... સેલ્ફી. હજી ગઈ કાલે આવેલો સેલ્ફી શબ્દ આજે એટલો પ્રચલિત થઈ ગયો છે કે જાણે બાપદાદાના વખતથી એ આપણી વચ્ચે હતો. સેલ્ફી સાવ નવો શબ્દો છે અને જો સર્વે કરવામાં આવે તો હાલમાં સૌથી વધુ બોલાતો શબ્દ પણ કદાચ એ જ હશે. વડાપ્રધાનથી લઈને વડાપાંવ વેચનારાને જોડતું કોમન ફેક્ટર આ શબ્દ છે.
 દરેક શબ્દ એક નવું વિશ્વ લઈને આવે છે. લોકોની વચ્ચે હળીભળી જતો શબ્દ ક્યાંથી આવે છે એ મોટા ભાગના લોકોને ખબર નથી હોતી. એ જ બોલીની મજા છે. એ જ ભાષાની મજા છે. વાત થઈ રહી છે નવા શબ્દોની. ડૂબું ડૂબું થવાને આરે હોય ને ફરી ઉપયોગમાં આવીને હિટ થઈ ગયા હોય એવા શબ્દોની તેમજ બોલચાલમાં વપરાતા-ઉમેરાતા શબ્દોની.
ઇસ આદમીને મેરી ઝિંદગી 'ઝંડકર રખી હૈ
"અરે યાર, વાટ લાગી ગઈ છે", "ઝિંદગી હો ગઈ ઝંડ ફિર ભી નહીં ગયા ઘમંડ". જો તમે યુવાન હશો તો આ વાક્યો ક્યાંક ને ક્યાંક સાંભળ્યાં હશે. આ વાક્યોમાં ધ્યાન ખેંચે એવા બે શબ્દો છે, 'વાટ' અને 'ઝંડ'. ફિલ્મોમાં આ શબ્દોનો છુટ્ટેહાથે પ્રયોગ થાય છે. 'ઝંડ' શબ્દ બિહાર તરફનો છે. ભોજપુરી બોલીમાં તો 'ઝિંદગી ઝણ્ડવા ફિર ભી ઘમંડવા' નામની ફિલ્મ બની રહી છે, જેમાં નસીરુદ્દીન શાહ કામ કરે છે. ઉપરાંત, તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'માં કંગના રનૌત તેના પતિ માધવન માટે કહે છે કે, "ઇસ આદમીને મેરી ઝિંદગી ઝંડ કર રખી હૈ." ઝિંદગી ઝંડ હો ગઈ મતલબ ઝિંદગી ખેદાનમેદાન થઈ ગઈ છે. વાટ લાગી જવી એટલે મુસીબતના પહાડ તૂટી પડવા.
આવો જ એક અન્ય શબ્દ છે, 'દબંગ'. દબંગ શબ્દ ઉત્તર ભારતનો છે. એ લોકબોલીમાંથી લગભગ અદૃશ્ય થઈ ગયો હતો. સલમાન ખાનની એ ટાઇટલવાળી ફિલ્મ આવી એ સાથે જ એ શબ્દને નવજીવન મળ્યું. આજે દબંગ શબ્દ માત્ર ઉત્તર ભારતમાં જ નહીં પણ દેશભરમાં બોલાય છે. દબંગનો અર્થ થાય છે, લડાકુ, બહાદુર, બેફિકરો, કોઈનાથી ન ડરે એવો.
આવી જ રીતે ફિલ્મો દ્વારા જ પોપ્યુલર બનેલો નવો દેશી શબ્દ છે 'ટશન'. ટશનનો મતલબ એટીટયૂડ. ફિલ્મ 'અગ્નિપથ'માં અમિતાભ શું ટશનવાળો લાગે છે!
સેકન્ડ નહીં 'દ્વિતીય'

કોઈ પણ લોકપ્રિય નેતા, મેનેજર, એક્ટર, હાસ્ય કલાકાર હોવાની પહેલી શરત એ છે કે એ સારો કોમ્યુનિકેટર હોવો જોઈએ. એવું ત્યારે જ શક્ય બને જો એની પાસે વિશાળ શબ્દભંડોળ હોય. જેની પાસે સારું શબ્દભંડોળ હોય એ પોતાની વાણીથી પચાસમાં નોખો તરી આવે છે. અમિતાભ બચ્ચનની વિશેષતા એ છે કે તેમની શબ્દોની સૂઝ-સમજ અન્ય કલાકારો કરતાં અનેકગણી સારી છે. તેઓ નવા નવા શબ્દપ્રયોગ કરતાં રહે છે. કૌન બનેગા કરોડપતિની સેકન્ડ સીઝન માટે 'દ્વિતીય' શબ્દ તેમણે આપ્યો હતો.'કૌન બનેગા કરોડપતિ - દ્વિતીય' શબ્દ પછી તો એટલો પોપ્યુલર થવા માંડયો હતો કે કોઈ મેરેજ બ્યૂરોવાળા બીજી વખત સમૂહલગ્નનું આયોજન કરે તો 'દુલ્હા-દુલ્હન સમારોહ : દ્વિતીય' એવાં ટાઇટલ આપવા માંડયા હતા.
અમિતાભ બચ્ચન શબ્દોનું મહત્ત્વ સારી રીતે સમજે છે, કારણ કે તેઓ સાહિત્યને સારી પેઠે જાણે છે. સાહિત્ય પ્રત્યેનો આદર તેમને પિતા કવિ હરિવંશરાય દ્વારા વારસામાં મળ્યો છે.
  
યેડાશાણા કૌઆદેઢ શાણા...
કેટલાક શબ્દો જે તે ગામ કે શહેરની પોતાની સ્પેશિયાલિટી દર્શાવતા હોય છે. જેમ કે, મુંબઈમાં વાતચીતમાં તમને શાણપટ્ટી કે શાણા કૌઆ શબ્દ વારંવાર સંભળાશે. "યે રાજાબાબુ અપને આપકો બહુત શાણા કૌઆ સમજતા હૈ, ઉસકી શાણપટ્ટી અબ ઝ્યાદા દિન નહીં ચલેગી." શાણપટ્ટી એટલે હોશિયારી અને શાણા કૌઆ એટલે ચતુર કાગડો. ડોઢડાહ્યા માટે 'દેઢ શાણા' ત્યાં બોલાય છે. એવી જ રીતે કોઈ બબૂચક માટે મુંબઈમાં ઝંડુ શબ્દ પોપ્યુલર છે. 'અરે! રમેશ તો એકદમ ઝંડુ હૈ.' એ સિવાય 'ખજૂર' અને 'ઢક્કન'શબ્દો પણ જાણીતા છે. મગજથી થોડો ફરેલો હોય એના માટે યેડા શબ્દ વપરાય છે.'ચલ અબ તેરી યેડાગીરી બંધ કર'. કોઈ બડાશ હાંકતો હોય તો એને બંધ કરવા માટે મુમ્બૈયા ભાષામાં એને કહે છે કે 'ચલ અબ ઝ્યાદા રાગ મત દે.' રાગ એટલે બડાશ. ઉપરાંત, ખાલીપીલી, અપૂન-તપૂન, આયેલા-ગયેલા, ચલ કલ્ટી માર લે, પતલી ગલી સે નીકલ લે વગેરે શબ્દો પણ ટિપિકલી બમ્બૈયા છે, જે ફિલ્મોમાં અવારનવાર સાંભળવા મળે છે.
આપણી ભાષાઓમાં નવા શબ્દો ઝટ પ્રચલનમાં નથી આવતા. વિદેશમાં નવા નવા શબ્દો શોધવાનું અને એને ઉપયોગમાં લેવાનું પ્રમાણ વધારે છે. એની ડિક્શનરીઓ તૈયાર થાય છે. કેટલાક નમૂના જોઈએ.
 'ડ્રિંકસ્પિરેશન' આ શબ્દ ડ્રિંક અને ઇન્સ્પિરેશનના સરવાળાથી બન્યો છે. ડ્રિંક એટલે ચા, કોફી ન હોય એ તો તમે સમજતાં જ હશો. ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. આપણે ત્યાં જેમ ચા પીધા વિના કામે ચઢતો ન હોય એવો વર્ગ મોટો છે એમ વિદેશમાં કેટલાંક એવાય લોકો હોય છે કે જેઓ બે-ચાર પેગ ઠપકારે પછી જ તેમને કામનો કાંટો ચઢતો હોય છે. પછી જ તેમને કંઈક કરવાની પ્રેરણા મળતી હોય છે. એના માટે આ શબ્દ વપરાય છે. જેમ કે, એઝ અ રાઇટર આઇ કુડ નોટ રાઇટ એની વર્ડ ઓન પેપર અનટિલ આઇ હેડ ડ્રિંકસ્પિરેશન.
'બોયફ્રેન્ડ મની'. નવા નવા પ્રેમમાં પડેલા છોકરાઓને પોતાની પ્રેમિકા જેટલો જ ગમે એવો આ શબ્દ છે. જ્યારે બોયફ્રેન્ડ પાસે કામધંધો ન હોય એટલે કે પૈસા ન હોય ત્યારે તેની ગર્લફ્રેન્ડ તેના માટે જે પૈસા બચાવીને રાખે તેને બોયફ્રેન્ડ મની કહે છે. ટૂંકમાં,લવરના પૈસે લીલાલ્હેર!
'સાયબરલોફિંગ'. આ શબ્દ વિદેશી છે, પણ ભારતીયોને તંતોતંત લાગુ પડે છે. ઓફિસમાં કર્મચારી ઇન્ટરનેટનો ઉપયોગ ઓફિસવર્કને બદલે પોતાના અંગત વપરાશ માટે કરે એટલે કે ઓનલાઇન શોપિંગ, ઓનલાઇન સ્ટોક ટ્રેડિંગ વગેરે કરે તો એને સાયબરલોફિંગ કહે છે.
'સાઇડવોક સાલ્સા'. આ શબ્દો બડા રોચક છે. સાઇડવોક એટલે ફૂટપાથ અને સાલ્સા એટલે ડાન્સનો એક પ્રકાર. ફૂટપાથ પર ચાલતાં જતાં લોકોની ખૂબ ભીડ હોય અને બે જણા એકબીજાથી આગળ નીકળી જવા માટે હુંસાતુંસી કરે એને સાઇડવોક સાલ્સા કહે છે. આપણે ત્યાં રસ્તા પર બે વાહનો એકબીજાથી આગળ નીકળી જવા માટે સાઇડવોક સાલ્સા કરતાં હોય છે. બે એક્ટરની એકબીજા સાથેની હરીફાઈ સાઇડવોક સાલ્સા જેવી હોય છે. દીપિકા પાદુકોણ અને કંગના રનૌત વચ્ચે કોણ આગળ નીકળી જાય એ માટેની સાઇડવોક સાલ્સા ચાલી રહી છે.
'પ્લેટોનિક જેલસી'. પ્લેટોનિક લવ શબ્દ તો આપણે સાંભળ્યો છે. જેનો અર્થ થાય છે વાસના રહિત નિર્મળ પ્રેમ. જેલસી એટલે કે ઈર્ષ્યા. ઈર્ષ્યા ક્યારેય નિર્મળ કેવી રીતે હોઈ શકે! પ્લેટોનિક જેલસી એટલે માનસીને રોહન ગમતો હોય અને રોહન પ્રિયંકા સાથે વારંવાર જોવા મળે તેથી માનસીને જે ઈર્ષ્યા થાય એને પ્લેટોનિક જેલસી કહે છે. પ્લેટોનિક અને જેલસી બે અત્યંત વિરોધી શબ્દો છે, પણ બે વિરોધી શબ્દો મળીને એક નવો શબ્દ બને છે જેનો અર્થ એ બંને શબ્દો કરતાં અલગ છે. ભાષાની આ જ તો મજા છે. આપણી ભાષામાં આ પ્રકારનો જ એક શબ્દ છે, 'મીઠી ઈર્ષ્યા'. જેનો મતલબ પ્લેટોનિક જેલસીથી અલગ છે અને તમને ખબર જ હશે.
આવી જ રીતે આપણે ત્યાં જેમ 'આરંભે સૂરા' એવો શબ્દપ્રયોગ છે એવો જ શબ્દ ચીનમાં પણ બોલચાલમાં વપરાય છેે, 'થ્રી મિનિટ પેશન'. કોઈને તબલાં શીખવાની ઇચ્છા થાય ને પૈસા ખર્ચીને તાબડતોબ તબલાંની જોડ લઈ આવે. પછી બે-ચાર દિવસ પ્રેક્ટિસ કરે ને એ પછી તબલાં બિચારા ધૂળ ખાતાં હોય. આ પ્રકારનું પેશન એટલે કે સૂરાતન ધરાવતી વ્યક્તિ માટે થ્રી મિનિટ પેશન કે આરંભે સૂરા એવું કહેવાય છે.
'વાઇટલાઇન ફીવર'. ના, આ ટાઢિયા તાવનું અંગ્રેજી નથી. વાઇટલાઇન ફીવર એટલે કોકેઇનનું વ્યસન. કોકેઇન વાઇટ રંગની હોય છે. માઇકલ હેઝ વાઇટલાઇન ફીવર. માઇકલને કોકેઇન વગર નથી ચાલતું. આપણે ત્યાં દેશી શરાબ માટે કન્ટ્રી લિકર એવો શબ્દ બોલાય છે.
સ્વામી આનંદની જૂની મૂડી એટલે શબ્દોની મોંઘેરી મૂડી

ગુજરાતી ભાષા પાસે લખલૂટ શબ્દભંડોળ છે. કેટલાંક જૂના શબ્દોનું ચાતુર્ય અને ચોટડૂકપણું એવું છે કે એને ફરી ચલણમાં લાવવાની જરૂર છે. આપણી ભાષામાં નવા શબ્દો ન આવે તો કંઈ વાંધો નહીં, પણ કેટલાંક જૂના જીવંત શબ્દો વાત-વપરાશમાં આવવા જોઈએ.
ગાંધીજીને જેમણે આત્મકથા લખવા માટે પ્રેર્યા હતા અને નવજીવન પ્રેસ જેમના થકી ઊજળિયાત હતો એવા સ્વામી આનંદે આપણને કેટલાંક અદ્ભુત શબ્દોનો પરિચય કરાવ્યો છે. તમે સ્વામી આનંદનું પુસ્તક 'ધરતીની આરતી' વાંચશો એટલે તેમની લેખનશૈલી પર ઓવારી જશો. 'જૂની મૂડી' નામના પુસ્તકમાં તો તેમણે ગુજરાતીની કહેવતો, રૂઢિપ્રયોગો અને નોખાનોખા શબ્દોનો સંગ્રહ રજૂ કર્યો હતો. એમાંના કેટલાંક શબ્દો માણવા જેવા છે. 'અઘળપઘળ' એટલે અવ્યવસ્થિત. કેશવલાલનું કામ હંમેશાં અઘળપઘળ જ હોય છે. અવ્યવસ્થિત માટે બીજો શબ્દ 'છગરછુંદ' છે. સરલાનું ઘર જુઓ તો છગરછુંદ બધું પડયું હોય. ડાયરી કે વાસરિકા કે રોજનીશી માટેનો અન્ય શબ્દ છે, 'રોજનામચો'.
ગીચ અને ઘનઘોર માટે 'અડાઝૂડ' જેવો શબ્દ પણ છે. અડાઝૂડ વનની વચ્ચે વનવાસનાં વર્ષો વિતાવીને રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પાછાં ફર્યાં હતાં. કપલ એટલે કે વર-વહુ માટે 'અલોઅલી' નામનો શબ્દ પણ છે. કશુંક અધૂરું રહી ગયું હોય તો એના માટે 'અવપૂર્યા' એવો શબ્દ છે. કેટલાંક સપનાં અવપૂર્યાં રહેવા માટે જ સર્જાયાં હોય છે. અવનવું માટે 'અવલનવલ' એવો શબ્દ છે. ચિંતન માટે 'અંતર રમણા' જેવો મજાનો શબ્દ છે. દાર્શનિક લોકો હંમેશાં અંતર રમણામાં જ મગ્ન હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે સૌથી વધુ કઠિન તેનો અહમ્ ઓગાળવો હોય છે. અહમ્ છૂટવો એના માટેનો શબ્દ છે, 'આપાત્યાગ'. વાલિયા લૂંટારાનો આપાત્યાગ થયો અને વાલ્મીકિ કહેવાયો. નદીના કાંઠાને 'આરોઓવારો' પણ કહે છે. પરણવાલાયક થઈ હોય એવી કન્યા માટે 'ઉપવર કન્યા' એવો શબ્દ પણ પ્રયોજાતો હતો. જે જમીન પર કશું ઊગી શકે એમ ન હોય એવી જમીનને 'કજાડી' કહેવાય છે. માંદગી ધીમે પગે આવે તો એના માટે 'કસરપસર' એવો શબ્દ છે. રમેશભાઈને બે દિવસથી નબળાઈ છે. તાવ કસરપસર હોય એવું લાગે છે. તકવાદી ત્યાગ કરનાર કે ત્યાગવૈરાગનો દંભ કરનારા માટે 'ગધેડિયો સંન્યાસ' એવો શબ્દ છે. અત્યંત ઉતાવળ કરનારા માટે 'ઘસડઘાઈ' એવો શબ્દ છે. માલતી સાથે બહાર નથી જવું, એ ભારે ઘસડઘાઈવાળી છે. સો વાતની એક વાત એ કે સ્વામી આનંદનો શબ્દસંગ્રહ જૂની મૂડી ખરેખર મોંઘેેરી મૂડી છે. વટ પાડવો હોય તો એમાંથી કેટલાંક અજાણતલ શબ્દો વીણીને વાત વાતમાં બે માણસ વચ્ચે કહેવા જેવા છે.
'કુલડીમાં રાંધ્યું ને કોડિયામાં ખાધું'. ચપટીક રાંધવું ને ચપટીક ખાવું એના માટે આ કહેવત છે. એ સમજાવતાં સ્વામી આનંદ કહે છે કે, "આજકાલના માણસોનાં ચકલાંચકલી જેવાં પોપલાં ખાનપાન, જેમાં એક પણ અતિથિ - આગંતુક ન સમાય."
આપણી ભાષામાં મજાની વાત જ એ છે કે બાર ગાઉએ બોલી બદલાય છે, તેથી શબ્દોની છપ્પનવખારી આપણા પ્રદેશમાં છે. ક્યાંક ખાંડને સાકર કહેવામાં આવે છે તો ક્યાંક મોરસ. કેટલાંક ગામડાંમાં તો કાવડિયાને એટલે કે રૂપિયાને બાજરો કહેવામાં આવે છે. મહિનો પૂરો થઈ ગ્યો ને બાજરો હાથમાં નથી આવ્યો.
ટૂંકમાં, તમેય આવા જૂના શબ્દોને શોધો, નવા શબ્દોને પોંખો અને એનો વાતચીતમાં ઉપયોગ કરશો તો રોલો પડી જશે. બાય ધ વે, રોલો એટલે વટ!
ભાષા અને બાયોડાઇર્વિસટી વચ્ચે શું સંબંધ છે?

બાયોડાઇર્વિસટી(જીવવૈવિધ્ય) જેટલા પ્રમાણમાં ઓછી થાય છે એટલા જ પ્રમાણમાં ભાષા ઓછી થાય છે. દરેક ભાષામાં બાયોડાઇર્વિસટીનું જ્ઞાાન હોય છે. હિમાલયની જેટલી બોલીઓ કે ભાષાઓ છે એ બધીમાં બરફ માટે આશરે ૧૬૦ શબ્દો છે. એસ્કિમો પાસે ૩૦ શબ્દો છે. બરફ ઉપરથી પડે અને કાદવવાળા પાણીમાં પડતો હોય તો એના માટે અલગ શબ્દ છે. બરફ પડતાં સમયે આકાશનો રંગ જો બ્લૂ હોય તો કિન્નોર ભાષામાં એનો અલગ શબ્દ છે. ઇકોલોજીનું વધુમાં વધુ જ્ઞાાન જો કોઈ પાસે હોય તો બોલીઓ પાસે છે, ન કે શાસ્ત્રજ્ઞાો પાસે. અને એ જ્ઞાાન જ્યારે ભૂંસાતું જાય છે ત્યારે ઇકોલોજીનો પણ વિનાશ થાય છે. જે પ્રમાણે વૃક્ષો અને બાયોડાઇર્વિસટી ઓછી થાય એ જ પ્રમાણે ભાષા ઓછી થાય છે. અથવા ભાષા ઓછી થાય એ જ પ્રમાણે બાયોલોજિકલ ડાઇર્વિસટી - વૈવિધ્ય જતું રહેશે એ પછી દુનિયામાં માત્ર એક ભાષા, એક પહેરવેશ, એક પ્રકારે જમવાની રીત હશે. તમે રણમાં રહો કે હિમાલયમાં રહો.

- ગણેશ દેવી (ભૂંસાતી જતી ભાષાઓનાં જતન અંગેના તેમના કામ માટે જેમને યુનેસ્કોનો પ્રતિષ્ઠિત લિંગ્વાપેક્ષ એવોર્ડ મળ્યો છે. તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયાં છે.)

Article Web link

http://www.sandesh.com/article.aspx?newsid=3084762

No comments:

Post a Comment