Showing posts with label છપ્પનવખારી. Show all posts
Showing posts with label છપ્પનવખારી. Show all posts

Friday, October 30, 2015

શહેરની બહાર વિસ્તરતું નવું શહેર

Sandesh - Ardh Saptahik Purti - 29 April 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય
માત્ર માણસ જ નહીં કેટલાંક શહેરના પણ બે વ્યક્તિત્વ હોય છે. નાના હોય કે મોટા દરેક શહેરો ટેભા ફાડીને વિસ્તરી રહ્યાં છે. નગરની ફરતે નવાં શહેર ઊગી રહ્યાં છે. આ પરિવર્તનમાં સ્થાપત્યઓળખ, લાક્ષણિકતા અને સોસાયટીમાં શું ફેરફાર આવી રહ્યા છે એ જોવાનો પ્રયાસ કરીએ....

"આપકો લગતા હૈ કી હમને અતીત કો પકડ કે રખા હૈ,
દુઃખ કે સાથ.
આપ ગલત સોચતે હૈંહમ ખુશી કો પકડ કે રખતે હૈં.
છોટી છોટી ખુશીયોં કોં."
 
૨૦૧૧-૧૨માં 'પતંગ-ધ કાઇટ' ફિલ્મ કેટલાંક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં રજૂ થઈ હતી અને વાહવાહી મેળવી હતી. ફિલ્મમાં સીમા વિશ્વાસ અને નવાઝુદ્દીન સિદ્દિકી હતાં. સમગ્ર ફિલ્મ સાંકડી ગલીઓ એટલે કે પોળવાળા જૂના અમદાવાદ પર હતી. એ ફિલ્મ છએક મહિના અગાઉ દૂરદર્શન પર રિલીઝ થઈ હતી. કહાણી એવી હતી કે પોળમાં એક મા-દીકરો રહેતાં હોય છે. ઘણાંય લોકો પોળ છોડીને નવા વિકસેલા અમદાવાદમાં રહેવા ચાલ્યા જાય છે, પણ એ પરિવાર પોળ અને પોતાના ઘરને વળગેલો છે. તેમના જ પરિવારનો કે પડોશનો એક માણસ દિલ્હીથી ઉત્તરાયણ નિમિત્તે આવે છે. તેની અડધી જિંદગી પોળમાં વીતી હોય છે. તે
મા-દીકરાના એ પરિવારને સમજાવવા આવ્યો હોય છે કે તમે હવે પોળ છોડીને બીજે રહેવા ચાલ્યા જાવ. હવે અહીં કંઈ રાખ્યું નથી. મકાનનો સોદો કરી નાખીએ. ત્યારે સીમા વિશ્વાસ તેને ઉપર લખેલો ડાયલોગ સંભળાવે છે.
દરમ્યાન દિલ્હીથી આવેલી તેની દીકરીને પોળ ખૂબ પસંદ પડે છે. તે પોળમાં રખડયા કરે છે. પતંગથી રંગાયેલા આસમાનને જોઈને અને ઘર છોડીને અગાસીએ ચઢેલા લોકોને જોઈને તે નાચી ઊઠે છે. તેને લાગે છે કે જીવન તો અહીંયાં જ છે. ફિલ્મમાં જૂનું અમદાવાદ આબેહૂબ ઝિલાયું છે. પોળની સાપસીડીની રમત જેવી ગલીઓ, ગલીમાં માણસોની વચ્ચેથી પસાર થતાં ગાય-કૂતરાં અને ઉત્તરાયણની ધમાલ જેવા રંગો ઝિલાયા છે. ફિલ્મનું આર્ટ ડિરેક્શન એટલું અદ્ભુત છે કે જૂના અમદાવાદના રંગો નિહાળવા હોય તો એ ફિલ્મ ખરેખર નિહાળવા જેવી છે.
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ
એક માણસમાં બે વ્યક્તિત્વ હોય એવાં ઘણાં નર-નારી તમે જોયાં હશે. આવું માત્ર માણસોને જ લાગુ નથી પડતું, શહેરોને પણ લાગુ પડે છે. અમદાવાદ જોશો તો તમને એક જ શહેરમાં બે શહેર દેખાશે. હવે સાબરમતી રિવરફ્રન્ટ તરીકે ઓળખાતી સાબરમતી નદીની પૂર્વ તરફનું જૂનું અમદાવાદ અને પશ્ચિમે સેટેલાઇટ વિસ્તાર તેમજ હાઇવેની આસપાસ વિસ્તરેલું નવું અમદાવાદ. જૂના અદાવાદમાં સાંકડી શેરીઓ, ગીચ બજારો, બેઠા ઘાટનાં મકાનો. ઉંબરાવાળાં મકાનો અને ઉંબરાની બહાર ઓટલા જોવા મળે છે. મોટા ભાગના ચોક પર ચબૂતરો છે. આ તમામ બાબતો અમદાવાદની પરંપરા છે. એ શહેર તરીકે અમદાવાદને ઓળખ આપે છે. ઉપરાંત, જૂના નગર દરવાજાઓ, ભદ્રનો કિલ્લો, કેટલાંક મંદિર, મસ્જિદ અને મિનારા એ પણ આ જૂના અમદાવાદની પારંપરિક ઓળખ છે.
હવે નવા અમદાવાદની વાત કરીએ. નવા અમદાવાદમાં પહોળા રસ્તાઓ છે. બહુમાળી એટલે કે હાઇરાઇસ ઇમારતો છે. મોલ અને મલ્ટિપ્લેક્સ છે. સાયન્સ સિટી તેમજ મહાત્મા મંદિર જેવાં મોડર્ન સંકુલ છે. નવા શહેરની ઓળખ છે.
તળ મુંબઈ અને પરાંમાં વસતું મુંબઈ
હવે મુંબઈ તરફ જઈએ. મુંબઈમાં તળ મુંબઈ અને ઉપનગરીય-પરાવાળું મુંબઈ એટલે કે સાઉથ મુંબઈ અને સબર્બન મુંબઈ એવા બે ભાગ છે. મુંબઈમાં કોલાબાથી વેસ્ટર્ન લાઇનમાં માહિમ કોઝવે સુધીનો તેમજ સેન્ટ્રલ લાઇનમાં સાયન સુધીનો ઇલાકો તળ મુંબઈ એટલે કે મૂળ મુંબઈ કહેવાય છે. એ પછી જે પરાં જે શરૂ થાય છે એ ઉપનગરીય મુંબઈ કહેવાય છે. જેમાં સાંતાક્રુઝ, અંધેરી, બોરિવલી, દહીંસર, ડોમ્બીવલી વગેરેનો સમાવેશ થાય છે. મુબઈની ઓળખ સમાન જે ચાલી રહેણાકો છે એ ઉપનગરીય મુંબઈ કરતાં તળ મુંબઈમાં વધુ જોવા મળે છે. આ ઉપરાંત, ગોથિક શૈલીનાં મકાનો, રેલવે સ્ટેશનો, ઓફિસ, લાઇબ્રેરી વગેરે તળ મુંબઈને આગવી ઓળખ આપે છે. જે સબર્બન મુંબઈ પાસે નથી. સબર્બન મુંબઈમાં હાઇરાઇસ ઇમારતો છે. મોલ અને મલ્ટિપ્લેક્સ છે. બાંદરા - વર્લી સિ લિન્ક, બોરિવલીમાં આવેલું પેગોડા વિપશ્યના ધ્યાનકેન્દ્ર વગેરે કેટલાંક સંકુલો સબર્બન મુંબઈની નવી ઓળખ છે.
ગોથિક શૈલીનો ઉપલક પરિચય મેળવી લઈએ. ગોથિક શૈલીનાં મકાનો અંગ્રેજ શાસન દરમ્યાન મુંબઈમાં તૈયાર થયાં હતાં. ૧૨મી સદીમાં ફ્રાન્સમાં ડેવલપ થયેલી ગોથિક વાસ્તુકળા મધ્યકાલીન દોરમાં યુરોપમા પ્રચલિત બની હતી. ૧૨થી ૧૬મી સદી દરમ્યાન એ પોપ્યુલર હતી. તળ મુંબઈમાં રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી ટર્મિનસ, રાજાબાઈ ટાવર, બોમ્બે હાઇકોર્ટનું બિલ્ડિંગ, મુંબઈ સુધરાઈની ઇમારત તેમજ કેટલીય ઓફિસો ગોથિક શૈલીની છે.
 
અમદાવાદ અને મુંબઈ એવાં બંને નગરોમાં જૂના શહેરની બહાર ટેભા ફાડીને વિકસેલા નવા શહેરમાં લઘુતમ સાધારણ અવયવ જો કાઢીએ તો પહોળા રસ્તા, હાઇરાઇસ બિલ્ડિંગો અને મોલ-મલ્ટિપ્લેક્સીસ છે. હાઇરાઇસ બિલ્ડિંગોની સ્થાપત્ય-વાસ્તુકળાની દૃષ્ટિએ કોઈ આગવી વિશેષતા નથી. એ શહેરને કોઈ વિશેષ ઓળખ આપતાં નથી. સ્ટ્રક્ચર તરીકે જે રીતે પોળમાં ગલીથી લઈને મકાન-દરવાજાની બાંધણી સુધીની વિશેષતા પારંપરિક કે સાંસ્કૃતિક ઓળખ ઊભી કરે છે એવી કોઈ ઓળખ નવા વિસ્તારની બિલ્ડિંગો કે અન્ય બાંધકામ ઊભી કરતા નથી. એ પોતે કોઈ 'મોડર્ન આગવી ઓળખ' પણ ઊભી કરતા નથી. પૂર્વ અમદાવાદ કે તળ મુંબઈની ગીચ બજારો પણ શહેરનો એક મિજાજ પ્રર્દિશત કરે છે. એવો વૈભવ એ શહેરોના નવા ઇલાકા પાસે નથી. આ વાત થોડી બારીક છે, તેથી આ ફકરા પાસે અટકીને બે ઘડી પોરો ખાઈને વિચારીને આગળ વધો એવી વિનંતી.
બદલા હુઆ બનારસ
વાત માત્ર આ બે શહેરોને જ લાગુ પડતી નથી. જૂનાગઢ, જામનગર, સુરત, વડોદરા, બનારસ, ઇન્દૌર વગેરે શહેરોમાં પણ વિકસેલા-વિસ્તરેલા નવા વિસ્તારોને આ વાત લાગુ પડે છે. શહેરની ફરતે નવું શહેર વિકસે છે.
બનારસની ઓળખ ગંગા ઉપરાંત ત્યાંની સાંકડી ગલીઓ અને ગલીને કાંઠે વિકસેલાં જૂની ઢબનાં મકાનો છે. સત્યજિત રેએ અપ્પુ ટ્રીલજીની ફિલ્મમાં બનારસની એ ગલીઓ અને તેમાં ચીતરેલાં પેઇન્ટિંગ્સ સરસ રીતે દર્શાવ્યાં છે. બનારસની ગલીઓની બહાર એક બીજું નવું બનારસ ઊભું થયું છે. જ્યાં મોલ-મલ્ટિપ્લેક્સ અને બહુમાળી બિલ્ડિંગ્સ છે. આ નવું બનારસ છે એ કોઈ પણ નવા બનેલા કે વિકસેલા શહેર જેવું લાગે છે. એ જોઈને એમ ન કહી શકાય કે આ બનારસ છે. એમાં બનારસની આગવી મોહર નથી. બનારસ વિશે એવું કહેવાય છે કે એ ઇતિહાસ કરતાંય જૂની નગરી છે. નગરની બહાર જે શહેર બની રહ્યું છે એનો કોઈ સ્થાપત્ય ઇતિહાસ જ કદાચ નહીં હોય. નવી વ્યવસ્થાઓ, ઊંચી બિલ્ડિંગ્સ, અદ્યતન બાંધકામ થાય એની સામે કોઈને વાંધો હોઈ ન શકે. એ તો આવકાર્ય બાબત છે. મુદ્દો એ છે કે એના નિર્માણમાં કોઈક એવી ખાસિયત ઊભરતી હોવી જોઈએ કે જે તે નગરને પોતાની આગવી ઓળખ આપે. દિલ્લી, મુંબઈ કે અમદાવાદ, સુરત કે બનારસના નવા વિસ્તરતા વિસ્તારો એકસરખા જ લાગે એ વિશેષતા નહીં વિટંબણા કહેવાય.
મોડર્ન એટલે?
મોડર્ન બાંધકામો સાથે પણ એક સ્થાપત્ય, શૈલીની ઓળખ ઊભી થઈ શકે છે, પણ એવું ભારતના મોટા ભાગનાં શહેરોમાં થતું નથી. અમદાવાદની પારંપરિક ઓળખ તો ત્યારથી જ ઓસરવા માંડી હતી જ્યારથી નદીના બીજા છેડે આશ્રમ રોડ પર મોડર્ન બાંધકામ થવા માંડયાં. આશ્રમ રોડ પર કેટલાંક પારંપરિક મકાન, સ્થાપત્યો છે, પણ એની સરખામણીએ મોડર્ન બાંધકામો વધુ છે. કોઈ પણ શહેરની ઓળખ તેનું જૂનું નગર હોય છે. 'કાઇપો છે'માં જે અમદાવાદ બતાવાયું છે કે 'પતંગ'માં જે અમદાવાદ છે એ પોળવાળું અમદાવાદ દર્શાવાયું છે. એ નવું વિકસેલું પશ્ચિમી અમદાવાદ નથી.
જૂના શહેરમાં ઉત્સવનો ઉત્સાહ નવા શહેર કરતાં વધુ જોવા મળે છે. અમદાવાદમાં પોળની ઉત્તરાયણ વખણાય છે, નહીં કે સેટેલાઇટ કે વસ્ત્રાપુરની. અલબત્ત, સેટેલાઇટ અને વસ્ત્રાપુરમાં પણ સરસ ઉત્તરાયણ ઊજવાય છે પણ એની ઇન્ટેન્સિટી પોળ જેવી નથી હોતી.
જૂના નગરમાં ઓટલા હતા. ફ્લેટ સિસ્ટમનાં જે મકાનો બને છે એમાં ઓટલાનો છેદ ઊડી ગયો છે. પોળ નિહાળવા તો વિદેશીઓ સ્પેશ્યલી અમદાવાદ આવે છે. ધામા નાખીને ફોટા પાડે છે અને રિસર્ચ કરે છે. વક્રતા એ છે કે નવા અમદાવાદની નવી પેઢીમાં એવાય લોકો મળી આવશે જેણે પોળ ન જોઈ હોય! પશ્ચિમમાં વસેલા નવા અમદાવાદમાં કોઈ પિતાએ તેમના બાળકને ઓટલો અને ઉંબરો શું છે એ સમજાવવું હશે તો બાળકને પોળમાં લઈ જવું પડશે. બદલતો સિનારિયો એ છે કે શહેરના જૂના વિસ્તારો ખાલી થઈ રહ્યા છે. લોકો નવા વિસ્તારોમાં રહેવા જઈ રહ્યા છે. મુંબઈ અને અમદાવાદમાં એ પ્રમાણ નોંધપાત્ર રીતે દેખાઈ રહ્યું છે. સાઉથ મુંબઈ અને પોળમાંથી લોકો પશ્ચિમી અમદાવાદમાં તેમજ ઉપનગરીય મુંબઈ તરફ જઈ રહ્યા છે.
જૂન એટલું સોનું એ વાત ખોટી છે
જૂનું એટલું સારું અને નવું એટલું નકામું કે નબળું કહેવાનો લગીરેય ઇરાદો નથી. આ તો સમય સાથે પરિવર્તન પામતાં શહેર અને તેની તાસીરને જોવા જાણવાનો પ્રયાસ છે. નવા જે વિસ્તારો વિકસે છે એની પણ ઊજળી બાજુ છે જ. શહેરના જૂના કરતાં નવા ડેવલપ થયેલા વિસ્તારોમાં પાણીની વિતરણ વ્યવસ્થા સારી હોય છે. રસોડામાં ફ્રીઝ મૂકવું હોય કે વોશરૂમમાં વોશિંગ મશીન મૂકવું હોય એ માટેની ચોક્કસ જગ્યા હોય છે. એ માટેના વીજળીના પોઇન્ટ નવાં મકાનોમાં સગવડભર્યા હોય છે. કોઈ પણ ચીજ ખરીદવી હોય તો એના વધુ વિકલ્પો નવા શહેરી ઇલાકામાં વધારે ઉપલબ્ધ હોય છે.
જૂનાં અને નવાં શહેરોની પોતપોતાની વિશેષતા હોય છે, પોતપોતાના પ્રશ્નો પણ હોય છે. એક એવી ચર્ચા છે કે પોળવાળા અમદાવાદમાં કે તળ મુંબઈમાં કે જૂની દિલ્હીમાં રહેતો છોકરો ખૂબ ભણેલ-ગણેલ અને સેટ થયેલ હોય તોપણ એને છોકરી મેળવવામાં તકલીફ થાય છે. શહેરના જૂના વિસ્તારોમાં રહેતા ઘણા પરિવારો ખાસ દીકરાને પરણાવવા માટે પણ શહેરના નવા વિસ્તારમાં ફ્લેટ વસાવે છે. મુંબઈમાં ચાલી રહેણાકોમાં તો આખા મહોલ્લાનું કોમન સંડાસ હોય છે, તેથી પણ ઘણાં દીકરી દેતા ખચકાય છે.
'ક' કોસ્મોપોલિટનીઝમનો ક
વાસ્તુકલાના ગેરફાયદાથી હટીને જોઈએ તો મોટાં શહેરોના નવા વિસ્તારોમાં જે કોસ્મોપોલિટન ક્રાઉડ ઊભું થઈ રહ્યું છે એના ઘણા ફાયદા છે. નવા વિસ્તારોમાં એક કરતાં વધુ ભાષા બોલતા લોકો સાથે વ્યવહાર વિકસે છે. જેને લીધે એક નવું જગત ઊઘડે છે. શહેરની ફરતે વિકસેલાં નવાં શહેરો કોસ્મોપોલિટન ટચ આપે છે. અમદાવાદ, સુરત, વડોદરા, પૂણે, હૈદરાબાદ, બેંગલોર વગેરેમાં નવા જે વિસ્તારો ડેવલપ થયા છે ત્યાં કોસ્મોપોલિટન ક્લેવર ઊભું થયું છે. મોડર્ન કન્ટેસ્ટમાં કોઈ પણ શહેર એ વિકસતું ત્યારે કહેવાય છે ત્યાં કોસ્મોપોલિટન પ્રજાનો વસવાટ વધે. શહેરમાં એ શહેર અને રાજ્યની બહારના લોકોનો વસવાટ વધે એને લીધે એને કોસ્મોપોલિટન ક્લેવર મળે છે. જે શિક્ષણ, સમજદારી, સેલિબ્રેશનના નવા વ્યાપ ઉઘાડે છે, કારણ કે ત્યાં એક જ સંસ્કૃતિ કે ભાષાના લોકો નથી વસતાં પણ બહુભાષી અને બહુસાંસ્કૃતિક લોકો વસે છે. મુંબઈ અને દિલ્હી જેવાં શહેરોમાં કોસ્મોપોલિટન માહોલ વિકસ્યો છે. અમદાવાદ, સુરત, પૂણે, હૈદરાબાદ, બેંગલોર વગેરે શહેરોમાં અન્ય પ્રાંત કે અન્ય શહેરોના લોકોની વસતી ખાસ્સી વધી છે, પણ કોસ્મોપોલિટન માહોલ ઊભો નથી થયો. કોસ્મોપોલિટન ઘેટ્ટો ઊભા થયા છે. આ વાત થોડા વિસ્તારથી સમજીએ. મુંબઈમાં એક જ બિલ્ડિંગ કે મહોલ્લામાં મરાઠી સાથે તમિલ, ગુજરાતી, મરાઠી, મારવાડી વગેરે સાથે રહેતા જોવા મળે છે. બિલ્ડિંગની નીચે મૂકેલી નેમપ્લેટ વાંચો એટલે આ અંદાજ આવી જાય છે. અમદાવાદ, સુરત જેવાં શહેરોમાં મારવાડી, મરાઠી, બંગાળી, સાઉથ ઇન્ડિયન લોકોનો નોંધપાત્ર વસવાટ છે. તેઓ પ્રાદેશિક પ્રજા સાથે એક જ સેક્ટરમાં કોસ્મોપોલિટન શહેરની જેમ વસેલા જોવા મળતા નથી. તેઓ નોન-ગુજરાતી તરીકે અલગ અલગ સેક્ટરમાં વસેલા જોવા મળે છે. ટૂંકમાં, ગુજરાતમાં વસતો સાઉથ ઇન્ડિયન ગુજરાતમાં વસતા બંગાળી સાથે નેચરલ કનેક્ટ અનુભવે છે, કારણ કે આ બંને જણાને લાગે છે કે પોતે પરપ્રાંતીય છે. તેઓ સ્થાનિક પ્રજા સાથે થોડું અંતર અનુભવે છે. આવું સ્થાનિક પ્રજા પણ સમજે છે. આ કોઈ વાંક કે દોષ નથી. બે અજાણ્યા માણસો શરૂઆતમાં નિકટ આવતા થોડા ખચકાય એ સ્વાભાવિક વાત છે. એકબીજા સાથે ઔપચારિક ઓળખ પછી ટયુનિંગ ધીમે ધીમે જામે છે, તેથી દરેક રાજ્યમાં કોસ્મોપોલિટન પ્રજાનો જે સ્થાનિક પ્રજા સાથેનો ભેદ હોય છે એ તેમની બીજી-ત્રીજી પેઢીએ ભેદ ખરી પડે છે. પછી ગુજરાતમાં વસતો બંગાળી પણ પછી ગુજરાતી જ કહેવાય છે. તે આઇડેન્ટિટી ક્રાઇસિસ અનુભવતો નથી, તેથી મેગાસિટીમાં કોસ્મોપોલિટન વર્તુળો બન્યાં છે, સર્વાંગી માહોલ નથી ઊભો થયો. એના માટે થોડાં વર્ષો થશે. એ માહોલ ઊભો થશે એટલું નક્કી છે. મુંબઈમાં ત્યાંની મૂળ વસતી કરતાં માઇગ્રન્ટ્સ લોકોની વસતી વધુ છે, તેથી કોસ્મોપોલિટન માહોલ શહેરમાં સર્વાંગી રીતે વિકસ્યો છે. જે ભારતનાં અન્ય મેટ્રો શહેરમાં પણ સંપૂર્ણપણે વિકસી શક્યો નથી. અમદાવાદ પણ કોસ્મોપોલિટન ઘેટ્ટોમાંથી કલ્ચર બનતા તરફ આગળ વધી રહ્યું છે, જે સામાજિક તંદુરસ્તી માટે સારી વાત છે.
પ્રાઇવસી એટલે શું?
જૂનાં અને નવાં શહેરોની કેટલીક લાક્ષણિક બાબતોમાં પણ ભેદ હોય છે. જેમ કે, તળ વિસ્તારમાં એટલે કે વોલ્ડ સિટીમાં સેન્સ ઓફ પ્રાઇવસી હોતી નથી. પ્રાઇવસી એ કોસ્મોપોલિટન કન્સેપ્ટ છે, કલ્ચરલ કન્સેપ્ટ નથી. ગામમાં તેમજ જૂના શહેરમાં કે શહેરના જૂના ઇલાકાના રહેવાસી ઇલાકામાં લોકો વચ્ચેનો મેળાપ કે હળવામળવાનો ભાવ વધુ હોય છે. નવા વિકસેલા શહેરના ફ્લેટ રહેણાકોમાં એ ઓછું જોવા મળે છે. ત્રીજે માળે રહેતા માણસને ચોથે માળે કોણ રહે છે એની ખબર ઘણી વખત નથી હોતી. જ્યારે કે જૂના નગરમાં તો દરેક રહેવાસી માટે આખો મહોલ્લો એ પરિવાર જેવો હોય છે. પાડોશી સાથે પરિવારના સભ્ય જેટલી નિકટતા હોય છે,તેથી પ્રાઇવસી નામનો શબ્દ જ ત્યાંના શબ્દકોશમાં અજાણ્યો છે. આનું કારણ કદાચ એ હોઈ શકે કે જૂના નગરમાં સંયુક્ત કુટુંબની સંખ્યા ખાસ્સી હોય છે, નવાં શહેરોમાં સંયુક્ત કુટુંબની સંખ્યા ઓછી હોય છે. પોળવાળા જૂના અમદાવાદમાં હવેલીટાઇપનાં મકાનો ઘણાં છે જે જૂની દિલ્હીમાં પણ જોવા મળે છે. હવેલીટાઇપનાં મકાનો એ સંયુક્ત કુટુંબની જરૂરિયાત અને ઓેળખ છે. શહેરની બહાર વિકસેલા નવા શહેરમાં મોટે ભાગે વિભક્ત કુટુંબ જોવા મળે છે. જેમાં પતિ-પત્ની અને તેમનું બાળક હોય છે. જ્યાં પરિવારની સભ્યસંખ્યા મોટે ભાગે પાંચ કરતાં વધુ હોતી નથી. ત્યાં વન કે ટુ બેડરૂમ હોલ કિચનના ફ્લેટનું ચલણ વધારે જોવા મળે છે. વિભક્ત કુટુંબ એ નવા શહેરી જીવનની ઓળખ છે. જે રીતે મોંઘવારી વધી રહી છે એ જોતાં કોઈ પેરેન્ટ્સને એક કે બે કરતાં વધુ સંતાન પોસાતાં નથી, તેથી વિભક્ત કુટુંબ એ નવા શહેરી જીવનનો તકાદો છે. એની ટીકા કરવી યોગ્ય નથી.
જોવાની વાત એ છે કે એક જ શહેરના બે છેડાના નાગરિકોની ભિન્નતા તેમના વ્યવહાર અને લાઇફસ્ટાઇલમાં સ્પષ્ટ વર્તાઈ આવે છે. ક્યારેક એમ થાય કે નવું અને જૂનું શહેર એ રેલવેના સમાંતર ચાલતા પાટા જેવું હોય છે. બંને સાથે ચાલે છે પણ ક્યારેય ભેગા નથી મળતા. જૂના શહેરમાંથી માઇગ્રન્ટ થઈને નવા શહેરમાં વસવા ગયેલા માણસને મૂળ સ્થાન માટે ખૂબ આદર હોય છે. જૂના અને નવા બંને શહેરને એકબીજા પ્રત્યે થોડો છૂપો અણગમો પણ હોય છે. મુંબઈ, અમદાવાદ, દિલ્હી, પૂનામાં આ ભેદ નોંધી શકાય છે. આ વાત મોટાં શહેરોને લાગુ પડે છે. નાનાં શહેરોમાં આવો ભેદ હજી નથી ઊભો થયો જે સારું છે.
 
નવી ઓળખ પણ આગવી શા માટે ન હોઈ શકે? એક વાત દેખીતી છે કે સામાન્ય નગરરચનામાંથી કલાતત્ત્વ ઓછું થઈ રહ્યું છે. ગામ કે શહેરની બહાર મોટો નગર દરવાજો હોય એ પરંપરા સદીઓ પુરાણી છે. આજે પણ પરંપરા જળવાઈ રહી છે. કેટલાંય ગામ કે શહેરની બહાર નવા નગર દરવાજા બની રહ્યા છે. જે ખરેખર આનંદની વાત છે. ખેદની વાત એ છે કે નવા જે દરવાજા નિર્માણ પામે છે એની કલાકોતરણીમાં એવું ઊંડાણ કે બારીકાઈ નથી જે વર્ષો અગાઉ બનેલા દરવાજામાં જોવા મળતી હતી. આજે પણ કેટલાંક શહેરોમાં સદીઓ જૂના એ દરવાજા ઊભા છે. એ જૂના અને નવા દરવાજા જોશો તો એમાં રહેલો કલા-ફરક તરત સમજાઈ જશે.

કોઈ શહેરે ક્યારેય એટલો વિકાસ ન કરવો જોઈએ કે એ પોતાની ઓળખ જ ગુમાવી બેસે. એમ પણ કહી શકાય કે વિકાસ એને કહેવાય જેમાં પરિવર્તન તો આવે પણ ઓળખ જળવાઈ રહે. જુનવાણી જેટલું સારું છે એમાંનું કંઈક જળવાય અને નવું એની સાથે અનુસંધાન કરે એવી જુગલબંદી રચાય એમ કહેવાનો આશય છે.

article link

http://www.sandesh.com/article.aspx?newsid=3069820

Thursday, October 8, 2015

છપ્પનવખારી - મજબૂતી કા નામ મહાત્મા ગાંધી

Sandesh - Ardh Saptahik Purti - 30 September 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય


"ભલાઈ સાથે જ્ઞાાનનો સુયોગ સાધવો જોઇએ. કેવળ ભલાઇ ઝાઝી ઉપયોગી નથી. માણસ પાસે સૂક્ષ્મ વિવેકશક્તિ હોવી જોઇએ. એ સારાસારવિવેક આધ્યાત્મિક હિંમત અને ચારિત્ર્યનો સહોદર છે. કટોકટીને પ્રસંગે, ક્યારે બોલવું અને ક્યારે મૌન સેવવું, ક્યારે પ્રવૃત્ત થવું અને ક્યારે ન થવું એ માણસે જાણવું જોઇએ."
 -ગાંધીજી


મનુષ્ય એક પ્રાણી છે અને પ્રાણીમાંથી મનુષ્ય તરીકે તે પોતાના વિવેક અને અહિંસા દ્વારા નોખો પડે છે, મનુષ્ય બને છે. મનુષ્ય એ પ્રાણી હોય તો પ્રાણી માટે હિંસા એક સ્વાભાવિક લક્ષણ હોય છે, તેથી હિંસા માણસનું સ્વાભાવિક લક્ષણ છે. માણસ જેટલો વિવેકી અને અહિંસક બનતો જાય એમ એમ તે ખરા અર્થમાં માણસ બને છે. માત્ર બાખડી પડવું એ જ હિંસા નથી. હિંસાના ઘણાં સ્વરૃપ હોય છે. સોશિયલ મીડિયા જેવા કે ટ્વિટર, ફેસબુક પર પણ તમને હિંસાનાં ઢગલાબંધ ઉદાહરણો મળશે. કોઇની કોમેન્ટ ન ગમે કે તેની સાથે સહમત ન હોય ત્યારે તેના પર તોછડાઇપૂર્વક તૂટી પડવું એ હિંસા જ છે. મુદ્દા ટાંક્યા વગર વાતચીતમાં કોઇને ઉતારી પાડો તો એ હિંસા છે. અસહમતી શબ્દો દ્વારા અણછાજતી રીતે પ્રગટ કરવી એ હિંસા છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે અસહમત હોઇ શકે પણ વાત વિવેકપૂર્વક રજૂ થાય એમાં માણસાઇ રહેલી છે. મુદ્દા ટાંક્યા વગર માત્ર તોછડાઇપૂર્વક વર્તવું એ તો હિંસા છે જ પણ મુદ્દા ટાંકીને પણ તોછડાઇપૂર્વક વર્તવું એ પણ હિંસા જ છે. માણસ જ્યારે તોછડાઇપૂર્વક પાડી દેવાના ઇરાદા સાથે જ ઊતરી પડે ત્યારે તેની પાસે મુદ્દા સાચા હોય તો પણ એ ખોટો જ ઠરે છે. એની શાબ્દિક હિંસા પાછળ તેના તર્ક પછી ઢંકાઈ જાય છે, તેથી જ ગાંધી આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ભેદભાવ, શોષણ, પૂર્વગ્રહ વગેરે હિંસાના જ સ્વરૃપ છે. જે રીતે સમાજમાં સહનશીલતા ઘટી રહી છે એ જોતાં ગાંધી વધારેને વધારે પ્રસ્તુત થતા રહેશે. અહિંસાના વિચારની ઝીણાશ સમજવા માટે જગતે હજી લાંબી મજલ કાપવાની છે. મહત્ત્વની વાત એ છે કે અહિંસા એવા મહત્ત્વપૂર્ણ વિચાર તરીકે સામાજિક વ્યવહારમાં પ્રગટી ચૂક્યો છે કે જેને કોઇ અવગણી શકે એમ નથી. ગાંધીએ અહિંસાને સમાજજીવનમાં એવી રીતે વણીને દાખલો બેસાડી દીધો છે કે જગતના દરેક સામાજિક અને આર્થિક અન્યાયની અહિંસાની એરણે સમીક્ષા થાય છે. આનંદની વાત એ છે કે આ દિશામાં ઝીણી પણ ચોક્કસ પ્રગતિ થઇ રહી છે, આમ પણ કોઇ વિચારને સમાજમાં સેટ થતા એટલે કે સ્થાયીભાવ કેળવતાં દાયકાઓ લાગે છે. ઉતાવળે જો આંબા પણ ન પાકતા હોય તો વિચાર તો ક્યાંથી પાકે?
અહિંસા એટલે અમલમાં મુકાયેલો શુદ્ધ પ્રેમ
 અણછાજતા શબ્દો કોઈ માટે ન વાપરવા કે કોઇની સામે હથિયાર ન ઉઠાવવાં એટલો સાદો અને સ્થૂળ અર્થ અહિંસાનો નથી. અહિંસા એટલે નિતાંત પ્રેમ. પ્રેમનું ભર્યુંભાદર્યું સ્વરૃપ એટલે અહિંસા. તમે અને હું ઓફિસમાં સાથે કામ કરતા હોઇએ. કોઇ એવા સંજોગ ઊભા થયા હોય જેમાં તમને કોઇ વાતે મારી સાથે વાંધો પડયો હોય, મારો એવો ઇરાદો ન હોય છતાં તમને વાંધો પડયો હોય એ પછી તમે મારી સામે ગેમ રમો અને હું હેરાન થાઉં, હું હેરાન થતો જ રહું, મને ગેમની ખબર હોય, હેરાનગતિ થતી હોય, હું સમસ્યા ઉકેલવા પ્રયાસ કરૃં છતાં તમારા પ્રત્યે સ્હેજેય કડવાશ ન રાખું એ અહિંસા છે. અહિંસામાં બંને પક્ષે જીત જ છે, હારની ક્યાંય ગુંજાઇશ જ નથી, કહો કે હાર અને જીત કરતાંય કોઇ ઊંચું પરિણામ અહિંસા આપે છે. તમારા ગેમપ્લાનનો ભોગ બન્યા પછી હું તમારા પ્રત્યે મનમાં કડવાશ રાખું તો એ કડવાશ સૌ પ્રથમ તો મને જ હેરાન કરવાની છે, હું જેને દુશ્મન માનં છું એને તો પછી કરશે. મારી કડવાશ દુશ્મનને હેરાન કરી શકશે કે કેમ એ પણ એક સવાલ છે, વળી એ રીતે કડવાશનું સામસામું સર્કલ ચાલ્યા કરે છે જે ક્યારેય પૂરુંં જ થતું નથી, તેથી બેમાંથી કોઇ એક અહિંસક બની જાય અને સામેવાળા પ્રત્યેની કડવાશ થૂંકી દે તો સામેવાળા પાસે તમને પ્રેમ કરવા સિવાય કોઇ વિકલ્પ બચતો નથી. વાચકને કદાચ અહિંસાની આ વાત આદર્શ લાગે પણ વ્યવહારમાં ઊગી નીકળેલું દરેક સારાપણું એક સમયે તો આદર્શ જ હોય છેને! અહિંસાને જીવનમાં ધીમે ધીમે કેળવવી પડે છે. આ રસ્તો થોડો લાંબો છે. સફળતાના તો હજી પણ શોર્ટકટ કદાચ હોઇ શકે પણ અહિંસાના કોઇ શોર્ટકટ નથી હોતા. અહિંસા લાંબા ગાળે ફળ દેતું વૃક્ષ છે. એ ફળ માટે ધીરજ જોઇએ. જાતમાં શ્રદ્ધા જોઇએ. પાત્રતા કેળવવી પડે, તો જ એની મીઠાશ માણવા મળે છે. કાચાપોચા લેભાગુ લોકો માટે અહિંસા શબ્દ કામનો જ નથી. અહિંસા માટે જિગર જોઇએ. આચરણમાં મુકાયેલી અહિંસાનો જવાબ માણસે પોતાની જાતને જ આપવાનો હોય છે, તેથી જ અહિંસા એટલે અમલમાં મુકાયેલો શુદ્ધ પ્રેમ.
અહિંસા શબ્દને અંગ્રેજીમાં નોનવાયલન્સ કહેવામાં આવે છે પણ એ અહિંસાનો સ્થૂળ તરજુમો છે. અહિંસા શબ્દનું વૈચારિક હાર્દ પકડી શકે એવો અંગ્રેજી શબ્દ હજી સુધી કદાચ શોધાયો નથી.
શ્રીમદ્ ભાગવતે અહિંસાને પરમ જ્ઞાાન કહ્યું છે
ઋગવેદ, અથર્વવેદ, યજુર્વેદમાં એવા ઘણા શ્લોકો છે જે અહિંસાની ભૂમિકા રચે છે. કેટલાક શ્લોકોમાં અહિંસા શબ્દ સીધો પ્રયોજાયો નથી પણ એની પાછળનું તાત્પર્ય અહિંસા છે. મહાભારતમાં તો અહિંસાનો ઉલ્લેખ આદિપર્વ અને અનુશાષનપર્વમાં રંગેચંગે થયો છે. અનુશાષનપર્વમાં અહિંસાનો મહિમા કરતો એક શ્લોક વાંચો,

અહિંસા પરમો ધર્મઃ અહિંસા પરમો તપઃ
અહિંસા પરમો સત્યં યતો ધર્મઃ પ્રવર્તતે.
અહિંસા પરમો ધર્મઃ અહિંસા પરમો દમઃ
અહિંસા પરમ દાનં, અહિંસા પરમ તપઃ
અહિંસા પરમ યજ્ઞાઃ, અહિંસા પરમો ફલમ
અહિંસા પરમં મિત્રઃ અહિંસા પરમ સુખમ.
શ્રીમદ્ ભાગવતમાં કહેવાયું છે કે અહિંસા પરમ જ્ઞાાનં, યોગવશિષ્ઠ અને બૃહસ્પતિ સ્મૃતિમાં પણ અહિંસાનો મહિમા ગવાયો છે.
મુદ્દો એ છે કે એ ધાર્મિક કર્મકાંડીઓએ અહિંસાને માત્ર પોથી પૂરતી જ સિમિત રાખી. અહિંસાને ધર્મવચન માન્યું પણ વ્યવહારમાં અહિંસાને અમલમાં ન મૂકી. મહાવીર અને બુદ્ધે અહિંસાને વ્યક્તિગત આચરણમાં મૂકી.
અહિંસા એ આમ તો બાહ્યાચારનો જ શબ્દ છે પણ સૂક્ષ્મ અર્થમાં એ શબ્દ નહીં પણ વિચાર છે. એની મજભૂત ભૂમિકા ગાંધીએ બાંધી.
અહિંસાનો ઉલ્લેખ છેક મહાભારતકાળથી મળે છે એ આપણે જોયું.   જોકે મહાભારત અહિંસા કરતાં હિંસાથી ભરપૂર છે. કૃષ્ણ અહિંસાનું મહત્ત્વ જાણે છે. યુદ્ધ ન થાય એ માટેના ઘણા પ્રયત્ન કૃષ્ણ કરે છે, પોતે તો હથિયાર ઉઠાવતા જ નથી પણ નાછૂટકે અર્જુનને કહે છે કે હવે તું ગાંડીવ ઉઠાવ.
ગાંધીની મહાનતા એ છે કે તેમણે ન માત્ર કહી દેખાડયું બલકે કરી દેખાડયું કે અમે હિંસા નહીં, અહિંસાનાં શસ્ત્રથી પ્રતિકાર કરીશું. તમે અમારા પર લાઠી ચલાવો, અમને બંદૂકને ભડાદે ઠાર કરો પણ અમારા મનમાં તમારા માટે પ્રેમ જ હશે અને અહિંસક લડત ચાલુ રહેશે.
કોઇ અન્યાયી વ્યવસ્થા સામે લડાઇ મંડાય અને એવી લડાઇ વર્ષોનાં વર્ષ સુધી ચાલે. એમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને એ પણ વર્ષોનાં વર્ષો સુધી અકબંધ રહે, એ ગાંધીનો કરિશ્મો હતો. એ ગાંધી કરતાંય અહિંસાનો કરિશ્મો હતો. હિંસા ક્યારેય મોટા જનસમુદાયનું સાધન બની શકતી નથી. આંદોલનો તો ઠેર ઠેર થાય છે પણ એમાં શરૃઆતમાં જે જોર હોય છે એ દિવસે દિવસે ઓછું થવા માંડે છે, કારણ કે, સંખ્યાબળ ઘટવા માંડે છે. રોજ હિંસા લોકોને ફાવે નહીં અને ગમે પણ નહીં.
અમૃલાલ વેગડ કહે છે એમ જગતના ઇતિહાસમાં આવું ક્યારેય થયું નહોતું કે કોઇ માણસે અહિંસાનું 'રાષ્ટ્રીયકરણ' કર્યું હોય. ગાંધીએ પહેલી વખત સત્ય અને અહિંસાનો મોટેપાયે સફળતાપૂર્વક પ્રયોગ કર્યો. પહેલી વાર આમ જનતાનો અહિંસા સાથે ગાઢ સંબંધ બંધાયો હતો.
વિશ્વને ભારતની મહાન દેણ - અહિંસા
બુદ્ધ અને મહાવીરે અહિંસાને આચરણમાં બખૂબી ઝીલી. અહિંસાનો વિચાર જે ગ્રંથોમાં આદર્શ તરીકે જ વધુ અસ્તિત્વ ધરાવતો હતો એને મહાવીર અને બુદ્ધે વ્યક્તિગત આચરણનું અંગ બનાવ્યો. વૈદિક ધર્મમાં જ્યારે કર્મકાંડીઓ વેદના વિચારને અવગણીને માત્ર બાહ્યાચારમાં રચ્યાપચ્યા રહેવા માંડયા ત્યારે હિંસાનો અતિરેક થવા માંડયો હતો. યજ્ઞામાં પ્રાણીઓની આહુતિઓ અપાવા લાગી ત્યારે મહાવીર અને બુદ્ધે અહિંસાનો વિચાર લઇને આવવું પડયું હતું. બૌદ્ધ અને જૈન ધર્મે અહિંસાની પ્રતિષ્ઠા કરી. અશોકે કલિંગના યુદ્ધમાં થયેલા નરસંહારને જોઇને બુદ્ધનું દર્શન અપનાવ્યું અને અહિંસાની રાહ પકડી હતી, તેથી જ્યારે અહિંસાની વાત આવે છે ત્યારે મહાવીર અને બુદ્ધનાં નામ સૌથી પહેલાં લેવાય છે. બુદ્ધ અને મહાવીરની અહિંસા વ્યક્તિગત આચરણ પૂરતી મર્યાદિત હતી. એ પછી ગાંધી આવે છે. ગાંધી નહોતા આવ્યા ત્યાં સુધી અહિંસા વ્યક્તિગત મોક્ષપ્રાપ્તિનું સાધન ગણવામાં આવતી હતી. દાખલો બેસાડીને ગાંધીએ એનું વ્યાવહારિક મહત્ત્વ લોકો સમક્ષ મૂક્યું. ગાંધીએ એને સમાજપરિવર્તન અને આંદોલનનાં અંગ તરીકે વિકસાવ્યું. ગાંધીએ અહિંસાના વિચારને જેટલો વ્યાપક બનાવ્યો છે એટલો કોઇએ નથી બનાવ્યો. તેમણે અહિંસાને અન્યાયનો પ્રતિકાર કરવાનાં એક સુસંસ્કૃત સાધન તરીકે અમલમાં લીધી. આજે અમેરિકા જેવો સુપરપાવર દેશ અખાતના દેશો પર હુમલો કરે છે ત્યારે જગતમાં બધેથી તેની સામે વિરોધ ઊઠે છે એમાં ગાંધીની અહિંસાને ટાંકવામાં આવે છે. એ વાત અલગ છે કે અમેરિકા હુમલો તો કરી જ દે છે પણ અમેરિકા હુમલાની ટીકામાંથી બચતો નથી. હુમલાની દિશામાં કોઇ પણ પગલું ભલે અમેરિકા લે પણ એ પગલું સાહજિક રીતે કે સ્વાભાવિક રીતે નથી લઇ શકતો, એનું કારણ ગાંધીએ જગતને દેખાડેલો અહિંસક આંદોલનનો માર્ગ છે.
પહોંચમાં હોય, પકડમાં નહીં એ આદર્શ
આજે સમાજમાં એવા ઘણા નિયમ છે જેનું લોકો હસતે મોઢે પાલન કરે છે. એ નિયમો અમલમાં આવ્યા અગાઉ તો આદર્શ જ હોય છે. એ આદર્શ હોય છે ત્યારે એની ટીકા જ થાય છે. એ નિયમ લોકોને માફક નહીં આવે એવી ચર્ચા થાય છે. અમલમાં આવે ત્યારે શરૃઆતમાં પણ એની ટીકા થાય છે, પછી ધીમે ધીમે લોકો એનાથી કેળવાય છે, એ વ્યવહાર બને છે અને લોકોને એ સહજ લાગે છે, તેથી ગાંધીજી જ્યારે આફ્રિકાથી ભારત આવ્યા અને તેમણે અહિંસક રીતે સ્વરાજ મેળવવાની વાત કહી ત્યારે લોકમાન્ય ટિળક, આચાર્ય કૃપાલાણી સહિતનાં અનેક લોકોને એ વાત અવ્યવહારૃ લાગી હતી, જોકે પછી એનું સ્વરૃપ જોઇને ટિળક અને કૃપાલાણી એમાં જોડાયા હતા. આચાર્ય કૃપાલાણી તો બિહારના મુઝફ્ફ્રપુરની કોલેજમાં ઇતિહાસ ભણાવતા હતા. માર્ચ, ૧૯૧૫માં ગાંધીજી શાંતિનીકેતનમાં હતા ત્યારે કૃપાલાણી ગાંધીને મળ્યા ત્યારે કહ્યું કે હું તો ઇતિહાસ ભણાવું છું. મેં જગતમાં ક્યાંય જોયું નથી કે અહિંસક રીતે ક્રાન્તિ થઇ હોય. એ વખતે ગાંધીજીએ હસતાં હસતાં કહ્યું કે તમે ઇતિહાસ ભણાવો છો, હું ઇતિહાસ સર્જવાની વાત કરૃં છું. ત્યારપછી પછી કૃપાલાણી ગાંધીના આંદોલનમાં જોડાયા હતા. 
આદર્શ એવો હોવો જોઇએ જે પહોંચમાં હોય, પકડમાં નહીં, એટલે કે આદર્શ સારુ કાંઈક ને કાંઈક પુરુષાર્થની તો જરૃર રહેવાની જ, જો એ હાથમાં હોય તો એને આદર્શ ન કહેવાય. વ્યવહાર કહેવાય. જે દૂર સુધી જવાનું જોખમ ખેડે છે એને જ માલૂમ પડે છે કે ત્યાં સુધી જઇ તો શકાય જ છે. 



ગાંધીની કથા એક સાધારણ માનવીની કથા કેવી રીતે છે?
આપણા ઇતિહાસમાં કદાચ શ્રી કૃષ્ણનાં ચરિત્ર્ય પછી સૌથી વધુ નાટકીય પરિવર્તનોવાળું ચરિત્ર્ય ગાંધીનું જ હશે, એનાં જીવનમાં કેટકેટલા વળાકો આવ્યા છે! દીવાનનો દીકરો હરિજન કોલોનીમાં રહેવાનું પસંદ કરે છે, ચોરીછૂપીથી માંસાહાર કરનાર 'ધ વેજિટેરિયન' પત્રિકાનો સંપાદક બને છે. કેટકેટલીવાર એની ઉપર લગભગ પ્રાણઘાતક હુમલા થયા છે! સંખ્યાબંધ વાર એણે અનશન કર્યા છે. કેટલીયે જેલને એણે મહેલ બનાવી છે અને છેવટે એક મહેલને જેલ પણ બનાવ્યો છે. પોરબંદર, રાજકોટ ને વાંકાનેરમાં ઉછરનાર એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડનો વતની બને છે, એની કૂચોનાં પગલેપગલાંનું વૃત્ત લખવા દુનિયાના અનેક દેશોના ખબરપત્રીઓ દોડી કે ઊડી આવે છે અને છેવટે સુદીર્ઘ ભવ્ય જીવનને પણ ઝાંખું પાડી દે એવાં મરણને એ વરે છે. એ ચરિત્રનો નાયક કોઇ પારલૌકિક ચમત્કારોથી લોકોને ચમત્કૃત કરનાર મહાત્મા નથી. લાખોની મેદની ગજાવનાર ભાષણબાજ નેતા નથી. શાસ્ત્રાર્થમાં ભલભલા વિદ્વાનોને માત કરનાર એ કોઇ મહાપંડિત નથી. ગાંધીની કથા એક સાધારણ માનવી-તમારા-મારા જેવો જ માનવી જો સતત મથતો રહે તો કેટલે સુધી પહોંચી શકે છે તેની દાસ્તાન છે.
'...પણ એને જીવવા દેશે કોણ?'
૧૯૪૪ની વાત છે. પંચગીનીમાં ગાંધીજીના નિવાસની બહાર વિરોધીઓ સૂત્રોચ્ચાર કરતા આવી પહોંચ્યા. ગાંધીજીએ કહ્યું,"મારે એ લોકોને મળવું છે." પણ પેલા લોકો કહે," અમારે એમને મળવું નથી." પછી એ લોકોને પોલીસે પકડયા. તલાસી લીધી ત્યારે એક માણસ પાસેથી લાંબો છરો મળ્યો. એ માણસનું નામ હતું નથુરામ ગોડસે! ગાંધીજી હત્યા માટે ૧૪ વર્ષથી પ્રયાસ ચાલતા હતા અને આ છઠ્ઠો પ્રયાસ હતો. છમાંથી ચાર પ્રયાસોમાં ગોડસે હાજર હતો. ગાંધીજીએ ૧૯૩૭ - ૩૮માં ૧૨૦ વર્ષ જીવવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે નથુરામ ગોડસેએ
મરાઠી પેપર 'અગ્રણી'ના તંત્રી તરીકે તંત્રીલેખ લખ્યો, તેનું મથાળું હતું : '...પણ એને જીવવા દેશે કોણ?' 
- નારાયણ મહાદેવભાઇ દેસાઇ      


Page layout


Tuesday, September 29, 2015

છપ્પનવખારી - કૃષ્ણ નામના આમ આદમીને તમે ઓળખો છો?

Sandesh - Ardh Saptahik Purti - 28 August 2013

છપ્પનવખારી : તેજસ વૈદ્ય
કૃષ્ણને લોકોએ ઇશ્વર બનાવી દીધા અને મંદિરો બાંધ્યાં,પણ કૃષ્ણ નામના 'માણસ'ને જોવાનું ચૂકી ગયા. કૃષ્ણની સિદ્ધિ લોકોએ પોંખી પણ તેનો સંઘર્ષ લોકો માટે અછૂત રહ્યો. જેના લલાટે જન્મતાંવેંત લડવાનું લખાયું હોયજે પ્રયાસો છતાં મહાભારતનું યુદ્ધ ન અટકાવી શક્યા હોય અને પોતાની નજર સામે સમગ્ર વંશને નાશ પામતો જોયો હોય તેનું દર્દ કેટલું અગાધ હશે!
 
કાર્ટૂનથી લઇને કથાસપ્તાહ સુધી છવાયેલું કિરદાર એટલે કૃષ્ણ. કૃષ્ણ એવું લાઇવ વ્યક્તિત્વ છે કે સમાજજીવનની કોઇ પણ બાબતમાં એનો સંદર્ભ આજેય ખૂબ પ્રસ્તુત છે. કૃષ્ણને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ પણ એક મોટી વિચિત્રતા એ છે કે કૃષ્ણને આપણે ટુકડાઓમાં વિભાજિત કરી દીધો છે. કોઇ બાળકૃષ્ણને જ પૂજે છે તો કોઇ લીલા પુરુષને જ પૂજે છે. કોઇ માત્ર ગીતાના કૃષ્ણને જ ભજે છેતો કોઇ વળી કૃષ્ણના અન્ય કોઇ સ્વરૃપને ભજે છે. આ બધામાં ઉત્તરાર્ધના કૃષ્ણને એટલે કે મહાભારતના યુદ્ધ પછીના કૃષ્ણને કોઇ પૂજતું નથી. ઉત્તરાર્ધના કૃષ્ણ લોકોને મંજૂર નથી.
ઘરમાં લટકાવેલા કેલેન્ડરથી માંડીને ટીવીની સિરિયલોમાં કૃષ્ણ હંમેશાં હસતા જ જોવા મળે છે. કૃષ્ણ હંમેશાં હસતાં હતા અને હસતાં જ રહ્યા છે પણ...મહાભારતનું સૌથી કરુણ કિરદાર જો કોઇ હોય તો એ કૃષ્ણ હતું. 'દેવ' કૃષ્ણને તો લોકોએ ખૂબ પૂજ્યા પણ 'માનવ' કૃષ્ણને જોવાનું લોકો ચૂકી ગયા. એમ પણ કહી શકીએ કે કૃષ્ણ નામના એક 'માણસ'ને આપણે જોવા જ નથી માગતા.
કૃષ્ણ માટે બધા સરખા હતા. ગાય પણ સરખી ને ગોવાળ પણ સરખા. કૃષ્ણ માટે કોઇ ભેદ હતા જ નહીં. દુર્યોધન ખોટો હતો એ છતાંય તે જો પાંડવોને પાંચ ગામ આપી દેવા તૈયાર હોત તો કૃષ્ણ તેનો ન્યાય તોળવા ન બેસત, એ હદે કૃષ્ણ 'અભેદ ર્મૂિત' હતા પણ લોકોએ કૃષ્ણના ટુકડા કરીને મનગમતા ટુકડા પસંદ કરીને એની ર્મૂિત બનાવીને પૂજ્યા. જન્મ્યા ત્યારથી મૃત્યુ પામ્યા ત્યાં સુધીના અખંડ કૃષ્ણને કોઇએ નથી ભજ્યા. પરિણામે કૃષ્ણના જીવનનાં દુઃખો તેમની યુગપુરુષની છબીમાંથી બાકાત રહી ગયા.
જે માણસનો જન્મ જ જેલમાં થયો હોય, તે ન જન્મે તે માટે તેના નામે તેના ભાઈબહેનની હત્યા કરવામાં આવી હોય, બાર વર્ષે તેને ખબર પડે કે તેની અસલી માતા જશોદા નહીં પણ દેવકી છે. જેનો સગો મામો તેનો લોહીતરસ્યો હોય. બાળપણથી મૃત્યુ સુધી જેને યુદ્ધો લડવાં પડયાં હોય. જેના તમામ પ્રયાસો છતાં મહાભારતનું યુદ્ધ અટકી ન શક્યું હોયજેને નજર સામે જ પોતાનો વંશ નાશ પામતો જોવાનો વારો આવ્યો હોય અને જેનું મૃત્યુ સાવ એકાકી જંગલમાં લખાયેલું હોય તેની કરૃણતા કેટલી હશે!
મહાભારતમાં કૃષ્ણ તેજપુંજ જ નહોતા પણ કરુણાનું શિખર હતા. કૃષ્ણે બધું છોડયું જ છે. ત્યાગ તેમના જીવનનો સ્થાયીભાવ હતો. કૃષ્ણ ગોકુળથી મથુરામથુરાથી દ્વારકા ગયા. તેમણે એક વખત જે સ્થળ છોડયું ત્યાં પાછા નથી ગયા. આ ત્યાગ કૃષ્ણને ઊંચા ટોડલે બેસાડે છે. કૃષ્ણે દરેક સ્થળ છોડયું તો ખરું પણ મનથી એ સ્થળોથી ક્યારેય અલગ થઇ શક્યા નહોતા. તેમણે એ દરેક સ્થળ છોડયાનો ભાર હૈયામાં ધરબી રાખ્યો હતો. ગોકુળમાં ગોપીઓની ગોરસ ભરેલી મટકી ફોડનાર ગોવિંદાએ ગોકુળ છોડયા પછી ગોરસ ખાધું નહોતું. મુસ્કાન જેમ કૃષ્ણના ચહેરાનું આભૂષણ હતું એમ મૌન પણ કૃષ્ણના વ્યક્તિત્વની એક આભા હતી. એ એવી ગુપ્ત આભા હતી કે જેના પર બહુ ઓછા લોકોની નજર ગઇ હતી. જે ગોકુળ અને મથુરા આજે કૃષ્ણથી ઓળખાય છેએ તેણે પળનાય વિલંબ વગર ભારે હૈયે છોડી દીધાં હતાં અને એ પણ ત્યાંના લોકો માટે થઇને.
ગોકુળ છોડયુંમથુરા છોડયું
કૃષ્ણ ગોકુળમાં હતા અને મથુરામાં વસતા તેના મામા કંસના જીવનનું એકમાત્ર લક્ષ્ય કૃષ્ણનો વધ હતું. કૃષ્ણને ટાર્ગેટ કરવા માટે કંસે મથુરામાં વિષ્ણુયાગ યજ્ઞાનું નિમિત્ત એટલે કે છટકું ગોઠવ્યું હતું. કૃષ્ણ મથુરા ન જાય તો એનો કોપ સમગ્ર ગોકુળ પર વરસે. કંસના કોપનો સામનો કરવાનું સામર્થ્ય ગોકુળ નગરી પાસે નહોતું. તેથી કંસે અક્રૂરના માધ્યમથી જ્યારે વિષ્ણુયાગ યજ્ઞા માટે કૃષ્ણને નોતર્યા ત્યારે ગોકુળ ગામ એવું ઇચ્છતું હતું કે કૃષ્ણ મથુરા જાય. જે ગોકુળના લોકોની સુખાકારી માટે કૃષ્ણે કાળિયા નાગનું દમન કર્યું. જે ગોકુળ માટે કૃષ્ણે ઇન્દ્ર સામે બાંયો ચઢાવી હતી એ કૃષ્ણને ગોકુળ છોડીને મથુરા જતાં કોઇ ગોકુળવાસીએ કેમ ન રોક્યાકૃષ્ણ જાણતા હતા કે કંસ વિષ્ણુયાગના ઓઠા હેઠળ કોની આહુતિ હોમવા માગે છે. એ છતાં કૃષ્ણે ચૂપચાપ બળરામ સાથે ગોકુળ મૂકી દીધું હતું. કૃષ્ણના આ મૌનને કેટલા ઓળખી શક્યા છે?
કૃષ્ણે મથુરા જઇને કંસનું રામનામ સત્ય કર્યા પછી મથુરા જ તેમનું જીવન થઇ ગયું હતું. કંસે જેલમાં પૂરી રાખેલા યાદવોને તેમણે છોડાવ્યા પછી જીવન ગોઠવાવા માંડયું હતું. કૃષ્ણને એમ કે હવે જીવનમાં સહેજ શાંતિ આવશેપણ એમ ન થયું. કંસના વધથી છંછેડાયેલો તેનો સંબંધી જરાસંધ કૃષ્ણ માટે લોહીતરસ્યો થયો હતો. મથુરાવાસીઓને મનમાં એવી આશંકા ઘર કરી ગઇ કે જો કૃષ્ણ મથુરામાં રહેશે તો જરાસંધ આપણું ગામ ખેદાનમેદાન કરી નાખશે અને યાદવ વંશનો નાશ થઇ જશે. વિકદ્રુ જેવા વરિષ્ઠ યાદવે સભામાં કૃષ્ણને કહ્યું કે જરાસંધ અને કાળયવન મથુરા પર ટાંપીને બેઠા છે. મથુરામાં યાદવોનો વંશ નાશ પામવાની ધરી પર ઊભો છે. તું એકલો જરાસંધ સામે લડવા સક્ષમ છે. કૃષ્ણને વિકદ્રુનો એ મોઘમ ઈશારો પામતાં વાર ન લાગી કે તેના કહેવાનો મતલબ એ છે કે કૃષ્ણ મથુરા છોડે અને જરાસંધ સાથે પોતે જે ફોડવાનું હોય તે ફોડી લે. કૃષ્ણે જેમ ગોકુળ છોડયું એમ જ વિરક્તી ઓઢીને મથુરાય છોડયું. જે યાદવોને કૃષ્ણે કંસની કેદમાંથી છોડાવ્યા હતા એ જ યાદવોએ કૃષ્ણને મથુરા છોડવાનું કહ્યું હતું.
કહેવાય છે કે મહાભારતના યુદ્ધ પછી કૃષ્ણ ૩૬ વર્ષ જીવ્યા હતા. મહાભારતના યુદ્ધ સુધી જે વ્યક્તિની આભા સૂર્યનાં કિરણોની જેમ ઠેર ઠેર પ્રસરેલી હતી એ જ કૃષ્ણ યુદ્ધ પછી તેમના વ્યક્તિત્વથી વિપરિત નજરે પડે છે. જાણે ગાંધારીના શાપના ચરિતાર્થ થવાની રાહ જોવા માટે જીવતા હોય એવા વર્તાય છે. મહાભારતનું યુદ્ધ તો કૃષ્ણ જીતી ગયા હતાપણ યુદ્ધ બાદ કૃષ્ણ અંદરથી પરાસ્ત થઇ ગયા હતા. યુદ્ધ બાદ દ્વારકામાં યાદવો સાથે સ્થાયી થયા પછી એવા કેટલાય પાયાના પ્રસંગો છે જેમાં કૃષ્ણ યોગેશ્વર નહીં પણ લાચાર દેખાય છે.
સ્યમંતક મણિ અને સવાલો
સત્તાની સાથે માણસની જવાબદારી વધી જાય છે. જવાબદારી વધી જાય ત્યારે નાની નાની ભૂલોને પણ લોકો બિલોરી કાચ લઇને જોતા હોય છે. સમય માણસની કેવી ફજેતી કરે છે એનો વધુ એક કિસ્સો દ્વારકામાં સ્યમંતક મણિ ગાયબ થાય છે ત્યારે કૃષ્ણના જીવનમાં જોવા મળે છે. કૃષ્ણનાં પટરાણી સત્યભામાના પિતા અને યાદવ સત્રાજિતે સૂર્યની કૃપાથી સ્યમંતક મણિ પ્રાપ્ત કર્યો હતો. સ્યમંતક મણિ કલ્પવૃક્ષ જેવો હતો અને એની પાસેથી અણનમ ધન પ્રાપ્ત થતું હતું. કૃષ્ણનો મત હતો કે સ્યમંતક માત્ર સત્રાજિત પાસે ન રહેતાં સમગ્ર યાદવ કુળ પાસે રહેવો જોઇએકારણ કે મહેનત વિના પ્રાપ્પ થતી સંપત્તિ પર વ્યક્તિનો નહીં,સમાજનો હક હોવો જોઇએ.
પણ કૃષ્ણની આ વાતનો સત્રાજિતે સ્વીકાર કર્યો ન હતો. અક્રૂરપ્રસેનજિત જેવા યાદવોએ પણ સત્રાજિતને જ છૂપો ટેકો આપ્યો હતો. જે સમાજ કે યાદવ કુળના ભલા માટે કૃષ્ણ વાત કરતા હોય અને એના વિચારમાત્રથી જ કુળના સભ્યો બે ભાગમાં વહેંચાઇ જતા હોય તો બહેતર છે કે એ વિચાર પડતો મૂકવો એમ માનીને કૃષ્ણે એ વાત પર જ પડદો પાડી દીધો હતો.
 સ્યમંતક મણિ કૃષ્ણના લલાટે અપજશની બીજી ઘણી રેખા ખેંચવાનો હતો. થયું એવું કે સત્રાજિતનું મૃત્યુ થયું અને સ્યમંતક મણિ ચોરાઇ ગયો. સત્યભામા ચિંતિત હતાં. સ્યમંતક માટે જ કોઇએ સત્રાજિતનું કાસળ કાઢયું હશે એવો ગણગણાટ દ્વારકામાં શરૃ થયો હતો. કૃષ્ણે મણિ યાદવ કુળને સોંપવાની જે વાત સત્રાજિતને કહી હતી એ પણ ચકડોળે ચઢી હતી. સત્યભામાને આશ્ચર્ય એ વાતનું હતું કે સ્વયં કૃષ્ણથી ચોર પકડાતો નથી! યાદવોની પેઠે એ પણ શંકા સેવે છે કે તેના પિતાનો મણિ કૃષ્ણ પાસે તો નથીને! પ્રસેનજિત પાસે મણિ હોવાની આશંકાએ કૃષ્ણ અને બળરામ તેની પાસે જાય છે ત્યારે એ ભાગવાની તૈયારી કરે છે. રથ પર સવાર કૃષ્ણે અને બળરામને કહ્યું, "મોટા ભાઇ, તમે થોભો હું એકલો તેની પાસે જાઉં છું, કારણ કે ધર્મ કહે છે કે તે એકલો છે અને આપણે બંને છીએ."કૃષ્ણ જ્યારે ભાગી રહેલા પ્રસેનજિત પાસે પહોંચે છે ત્યારે તેની લાશ મળે છે. મણિ વગર ખાલી હાથે આવેલા કૃષ્ણને જોઇને બળરામના મનમાં પણ કૃષ્ણ પ્રત્યે શંકા જાગે છે. બળરામ દ્વારકા છોડી દે છે. જે દ્વારકાનો નાથ કહેવાતો હતો એની પડખે પત્ની અને ભાઇ પણ ઊભા નથી રહેતાં.
કૃષ્ણને વગોવનાર સ્યમંતક મણિ અક્રૂર પાસે હતો. કૃષ્ણ તેને પકડી પાડે છે. યાદવસભામાં કૃષ્ણ મણિ રજૂ કરે છે, અક્રૂરને નહીં! ચોર તરીકે કૃષ્ણ અક્રૂરનું નામ જાહેર કરતા નથી, કારણ કે વૃદ્ધ અક્રૂરને ભરી સભામાં હાંસીપાત્ર બનાવીને કૃષ્ણ તેનો બુઢાપો લજવવા માગતા નથી. કૃષ્ણ માનતા હતા કે અક્રૂર ગમે એવા હતા તોયે કૃષ્ણ તેમની જ આંગળી ઝાલીને ગોકુળથી મથુરા આવ્યા હતા.
પોતાના પર પહાડ તૂટયા હોય ત્યારે પણ દિલમાંથી ઉદારતા ઠાલવે તે કૃષ્ણ. દુઃખની વાત એ છે કે સ્યમંતક મણિ પ્રસંગે કૃષ્ણના દુઃખના સાક્ષી અને સધિયારો પણ માત્ર કૃષ્ણ હતા.
કસોટી પર કૃષ્ણ
મહાભારતના યુદ્ધમાં માત્ર કૌરવોની જ હાર નહોતી થઇ પણ યુદ્ધ અટકાવવા માટેના કૃષ્ણના પ્રયાસોની પણ હાર થઇ હતી. કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં હથિયાર નહોતાં લીધાંકારણ કે તે યુદ્ધ ઇચ્છતા નહોતા. કૃષ્ણે તમામ પ્રયાસ કર્યા છતાં છેવટે યુદ્ધ ગળા લગી આવી પહોંચ્યું ત્યારે કૃષ્ણે જાહેર કર્યું કે તે હથિયાર ધારણ નહીં કરે. સૂક્ષ્મ રીતે જોઇએ તો આ વાતમાં કૃષ્ણની લાચારી પણ ઝળકે છે. અલબત્તયુદ્ધમાં કૃષ્ણનો કોઇ રોલ ન હતો એવું તો કોઇ કહી શકે નહીં જ. તેમનો જ દોરીસંચાર હતોપણ જે માણસે યુદ્ધ અટકાવવા માટેના તમામ પ્રયાસ કર્યા હોય અને છતાંય યુદ્ધ આવી ચઢે ત્યારે માણસ કરી કરીને શું કરી શકે હથિયાર ન ઉઠાવવું એ કૃષ્ણનો અનિવાર્ય થઇ પડેલા યુદ્ધ સામેનો 'અસહકાર' હતો.
ખરી કસોટી તો ત્યારે આવે છે જ્યારે યુદ્ધ પૂરું થયા પછી મહાસંહારના ખબર આપવા માટે કૃષ્ણ ગાંધારી અને ધૃતરાષ્ટ્ર પાસે જાય છે. યુદ્ધમાં પણ સ્થિર રહી શકતા યુધિષ્ઠિર પણ કહી દે છે કે યુદ્ધમાં કોણ ખુવાર થયું છે એ સમાચાર આપવા માટે હું માતા ગાંધારી અને ધૃતરાષ્ટ્ર પાસે નહીં જાઉં ત્યારે એ જવાબદારી કૃષ્ણના શિરે આવે છે. જે માણસે યુદ્ધમાં હથિયાર નથી ઉઠાવ્યાં તેણે મોતના સમાચાર આપવા જવું પડે છે.
મહાભારતના યુદ્ધ કરતાંય કપરી ક્ષણ કૃષ્ણના જીવનમાં ત્યારે આવે છે જ્યારે એ ગાંધારીને મળે છે. યુગોનો ભેંકાર હૈયે સંઘરીને બેઠેલી ગાંધારી કૃષ્ણને કહે છે, "ક્ષત્રિયો માટે યુદ્ધની કોઇ નવાઇ નથીપણ એક ભાઇ સો ભાઇને પરલોક પહોંચાડી દે. ભાઇ ઊઠીને ભાઇના જ રક્તનું પાન કરે એવું આર્ય પરંપરામાં ક્યારેય બન્યું નથી. તમે ઉપસ્થિત હોવા છતાં આ અધર્મ કેમ થવા દીધો?આવા ઘણા સણસણતા સવાલ ગાંધારી કૃષ્ણને પૂછે છે.
યુદ્ધ પૂરું થયું હોવા છતાં ગાંધારી એવું સ્વીકારી શકતાં નહોતાં કે કૃષ્ણ હોવા છતાં આ મહાસંહાર થયો. ગાંધારી કૃષ્ણને શાપ આપે છે, "કૃષ્ણ, મેં પુત્રોને જન્મ આપ્યો હતો. મેદાનમાં ગીધ જે હાડકાં ઠોલે છે એને નહીં. તમે કેમ આ અનર્થ થવા દીધો. જો મારી સેવામાં બળ હોય અને મારા તપમાં ધર્મ હોય તો હું શાપ આપું છું કે તમારો આખો વંશ પણ આ રીતે જ હડકાયા કૂતરાની પેઠે અંદરોઅંદર એકબીજાને ફાડી ખાશે. તમે પ્રભુ છો પણ પશુની જેમ કમોતે મરશો. તમે પ્રભુપણાનો દુરુપયોગ કર્યો છે."
કૃષ્ણ કોઇ આશીર્વાદ ઝીલતા હોય એમ ગાંધારીનો શાપ ગ્રહણ કરી લે છેઅને કહે છે. "માઅઢાર દિવસોના આ કાળનાં કાળજાં ફાડી નાખતા સંગ્રામમાં હું જ મર્યો છુંકરોડો વખત. જેટલી વખત જે પણ સૈનિક મર્યો એ હું જ હતોકારણ હું જો જીવન છું તો મરણ પણ હું જ છું. તમારો શાપ સ્વીકાર્ય છે. "
ગાંધારી બ્રહ્માંડવેધક પોક મૂકતાં કહે છે. "આ શું કર્યું મેં પ્રભુ. મને માફ કરો. તમે આ શાપ વિફળ કરી દો." પણ કૃષ્ણ અનુગ્રહની જેમ શાપ પણ સ્વીકાર કરે છે. ગાંધારીના શાપ પછી કૃષ્ણનું જીવન જાણે યાદવાસ્થળીની ઘડી ગણતું હોય એ રીતે વીત્યું હતું.
મહાભારતમાં ગાંધારી તપોબળવાળી એવી પવિત્ર મહિલા હતી જે કૃષ્ણને શાપ આપી શકતી હતી. તેણે ધર્મ ખાતર સ્વેચ્છાએ પોતાના સો પુત્રોના ચહેરા જોયા નહોતા. વિશ્વની કોઇ માતા એવી નહીં હોય કે તેના સંતાનને જોયા વગર રહી શકે. કૃષ્ણે તો બધું સ્વીકાર્યું હતુંપછી એ જરાસંધની જેલમાંથી છૂટેલી દાસીઓ હોય કે ગાંધારીનો શાપ. ગાંધારીના શાપ પછી કૃષ્ણ હસ્તિનાપુરથી દ્વારકા જઇને વસે છે. મહાભારતના યુદ્ધ પછી અને ખાસ તો ગાંધારીના શાપ પછી કૃષ્ણની આભા ધીમે ધીમે ઓગળી રહી હતી. કૃષ્ણના જીવનનો અત્યંત ભીષણ પ્રસંગ યાદવાસ્થળી હતો. મહાભારના યુદ્ધ બાદ ૩૬ વર્ષે યાદવાસ્થળી થઇ હતી એવું કહેવાય છે. આ દરમ્યાન ક્યારેય કૃષ્ણ હસ્તિનાપુર કે અન્ય ક્યાંય ગયા નથી. યુદ્ધ પછીનાં વર્ષો કૃષ્ણ માટે અત્યંત દુઃખના દિવસો હતા. જેના નામના મંદિરિયાં બંધાય છે એ કૃષ્ણ મહાભારતના યુદ્ધ પછીના કૃષ્ણ નથી. જેને લોકો યોગેશ્વર તરીકે ઓળખતા હોય તેનાં તમામ સગાંસંબંધીનાં મોત અંદરોઅંદર કાગડાકૂતરાની પેઠે પોતાની આંખ સામે જ થાય એનાથી મોટી કરુણતા બીજી કઇ હોઇ શકે? આ સંજોગો પચાવવા કૃષ્ણ કયું કાળજું લાવ્યા હશે? સિદ્ધિનાં શિખરો પર પહોંચેલા કૃષ્ણે પોતાના કુળના પતનનું પાતાળ પણ જોયું. કૃષ્ણ જન્મથી મૃત્યુ સુધી સુખ અને સંજોગોની વચ્ચે દેવ કરતાં માણસ બનીને વધુ જીવ્યા હતા. સુખના દિવસોમાં તે આનંદના હિલોળે નાચ્યા અને દુઃખના દિવસોમાં તેણે હૈયે મણ મણના ભાર વેઠયાપણ કૃષ્ણ ક્યારેય વિચલિત થયા નથી. ઘટનાના મુખ્ય પાત્ર તરીકે સક્રિય રહીને પણ ઘટનાના દર્શક જેવી અલિપ્તતા જાળવી રાખવાની આ કળા કદાચ કૃષ્ણ પાસે જ હતી.      
મહાભારતના યુદ્ધમાં માત્ર કૌરવોની જ હાર નહોતી થઇ પણ યુદ્ધ અટકાવવા માટેના કૃષ્ણના પ્રયાસોની પણ હાર થઇ હતી. કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં હથિયાર નહોતાં લીધાં, કારણ કે તે યુદ્ધ ઇચ્છતા નહોતા
અંધાયુગ
ગાંધારી જ્યારે કૃષ્ણને શાપ આપે છે એે પછી જાણે સમગ્ર કાળ પર ગ્રહણ લાગ્યું હોય એવું હૃદયવિદારક વર્ણન ધર્મવીર ભારતીના મહાન હિન્દી નાટક 'અંધાયુગ'માં છે.
સ્વીકાર કીયા યહ શાપ કૃષ્ણને જીસ ક્ષણ સે
ઉસ ક્ષણ સે જ્યોતિ સિતારોં કી પડ ગઇ મંદ
યહ શાપ સુના સબને પર ભય કે મારે
માતા ગાંધારી સે કુછ નહીં કહા
પર યુગ સંધ્યા કી કલુષિત છાયા - જૈસા
યહ શાપ સભી કે મન પર ટંગા
 
વીર કર્ણ સામે લાચાર કૃષ્ણ
કૃષ્ણ જાણતા હતા કે જ્યાં સુધી કૌરવ પક્ષે ભીષ્મ અને કર્ણ છે ત્યાં સુધી કૌરવને હરાવી શકાય નહીં. તેથી કૃષ્ણ કર્ણ પાસે એક એવો પ્રસ્તાવ મૂકે છે જેમાં કૃષ્ણની પીછેહઠ નજરે પડે છે. કૃષ્ણ કર્ણને કહે છે કે તું સુતપુત્ર નહીં, કુંતીપુત્ર છે. પાંચેય પાંડવોમાં તું સૌથી મોટો છે. જો તું પાંડવપક્ષે રહીને લડીશ તો દ્રૌપદીનું પતિત્વ ભોગવીશ.
દ્રૌપદીનું રૃપ ભલભલાને ભ્રમિત કરી દે એવું આકર્ષક હતું તેથી કૃષ્ણે એ દાવ પણ અજમાવી જોયો કે જો આ લાલચે પણ કર્ણ કદાચ પાંડવપક્ષે આવી જાય. કર્ણની વીરતા સામે કૃષ્ણની આ મોટી લાચારી હતી. કર્ણ જો હા પાડી દેત તો તેણે દ્રૌપદીનો દ્રોહ કર્યો જ કહેવાય એવું જાણતા હોવા છતાં પણ કૃષ્ણ કર્ણને આ પ્રસ્તાવ મૂકે છે. કૃષ્ણની આ કેટલી મોટી વેદના હતી!
 
ભીષ્મ અને કૃષ્ણની રસપ્રદ વાત

કૃષ્ણ અને ભીષ્મને એકબીજા પ્રત્યે ભારોભાર આદર હતો. કૃષ્ણ જ્યારે ધ્યાન ધરતા ત્યારે ભીષ્મને યાદ કરતા હતા. આના પરથી ભીષ્મના વ્યક્તિત્વની ઊંચાઇ માલૂમ પડે છે. કૃષ્ણે જ્યારે કહ્યું કે હું મહાભારતના યુદ્ધમાં હથિયાર નહીં ઉઠાવું ત્યારે ભીષ્મે કહ્યું હતું કે મારૃં વચન છે કે હું કૃષ્ણના હાથમાં હથિયાર લેવડાવીને રહીશ. એ પછી યુદ્ધમાં બે વખત કૃષ્ણ ભીષ્મને મારવા દોડે છે. એક વખત ચાબૂક લઇને અને બીજી વખત રથનું પૈડું લઇને. બંને વખત અર્જુન કૃષ્ણને રોકી દે છે. ભીષ્મ કૃષ્ણના હાથે મરવામાં ગૌરવ માનતા હતા. ભીષ્મ યુદ્ધમાં પોતાના મૃત્યુનો ઉપાય પણ દુશ્મનને બતાવી દે છે. અર્જુન શિખંડીને આડો રાખીને બાણ મારે છે અને ભીષ્મ ઢળી પડે છે. જો સ્ત્રી સામે હથિયાર ઉઠાવવાની ભીષ્મની પ્રતિજ્ઞાા ન હોત તો ભીષ્મને મારવા ખૂબ મૂશ્કેલ હતા અને જ્યાં સુધી ભીષ્મ કૌરવોની પડખે હતા ત્યાં સુધી કૌરવોને હરાવવા મૂશ્કેલ નહીં નામુમકિન હતા.

Link
http://www.sandesh.com/article.aspx?newsid=1233736

Monday, August 10, 2015

છપ્પનવખારી - કટોકટી (1975-1977) : કરીમ લાલા - હાજી મસ્તાનનો અસ્ત, દાઉદ - ગવળીનો ઉદય

Sandesh - Ardh Saptahik Purti - 15 July 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય



કટોકટીને ચાલીસ વર્ષ થયા. કટોકટી વિશે હાલના દિવસોમાં ખૂબ લખાયું છે. મોટે ભાગે એની રાજકીય અને સામાજિક અસર વિશે લખાયું છે. કયા કયા મોટા નેતા,ચળવળકારબૌદ્ધિક લોકો અને પત્રકારોને ઇન્દિરા ગાંધીએ જેલભેગા કરી દીધા હતા અને પછી એના કેવા પડઘા પડયા હતા એના વિશે લખાયું છે. કટોકટી વખતે મુંબઈ અન્ડરવર્લ્ડ પણ અડફેટે ચઢી ગયું હતું એના વિશે ખાસ લખાયું નથી. કરીમ લાલા અને હાજી મસ્તાનનો ડોન તરીકેનો દબદબો ડાઉન થયો એમાં કટોકટીનો મોટો રોલ છે. દાઉદ ઇબ્રાહીમ અને અરુણ ગવળી જેવા ગેંગસ્ટર મોટા ડોન બનવા લાગ્યા એમાં પણ કટોકટીનો રોલ છેજાણીએ કટોકટી અને અન્ડરવર્લ્ડની કશ્મકશ
કટોકટી દરમ્યાન પત્રકારો, સ્વાતંત્ર્યવીરો, ચળવળકારો, નેતાઓને તો ઇન્દિરા ગાંધીએ અડફેટે લઈ જ લીધા હતા. જેની ધાક મુંબઈને વધુ હોય એ અન્ડરવર્લ્ડ માફિયા પણ અડફેટે આવી ગયા હતા. મુંબઈના ટોચના માફિયામાથાંઓ કે જેની સામે સજ્જડ કેસ હોવા છતાં જેલમાં નાખી શકાતાં નહોતાં એ બધાં માથાંઓ કટોકટી દરમ્યાન જેલભેગાં થઈ ગયાં હતાં. રસપ્રદ ઘટના તો એ છે કે ટોચનાં કેટલાંક માથાંઓ કટોકટી દરમ્યાન નબળાં પડી ગયાં હતાં. ત્યારપછી દાઉદ, અરુણ ગવળી વગેરેએ માથું ઊંચક્યું હતું.
મિસા - મેઇન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ
કટોકટી સિત્તેરના દાયકામાં લાદવામાં આવી હતી. ૨૫ જૂન, ૧૯૭૫થી ૨૧ માર્ચ, ૧૯૭૭ સુધીનો સમયગાળો કટોકટી કાળ કહેવાય છે. કટોકટી દરમ્યાન હાજી મસ્તાન જેવો મુંબઈનો ડોન મેઇન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ(મિસા) હેઠળ જેલમાં ધકેલાયો હતો, એ વખતે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, લાલુપ્રસાદ યાદવ, ચંદ્રશેખર તેમજ શરદ યાદવ જેવા નેતાઓ મિસા હેઠળ જેલભેગા થયા હતા. ટૂંકમાં, અડવાણી, વાજપેયી, હાજી મસ્તાન બધાને મિસા નામની એક જ લાકડીએ હાંકવામાં આવ્યા હતા.
મિસા શું છે એ પહેલાં સમજી લઈએ. મિસા એ એક્ટ છે જે ૧૯૭૧માં ભારતીય સંસદમાં પસાર થયો હતો. એ વખતે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં. અત્યંત ઊહાપોહ જગાવનારા આ એક્ટની વિચિત્રતા એ હતી કે એમાં કોઈ પણ કારણ આપ્યા વગર કોઈને પણ ઉઠાવીને માત્ર શંકાના ધોરણે જેલમાં નાખી શકાય. મતલબ કે કોઈ નિર્દોષ વ્યક્તિને મિસા હેઠળ જેલમાં નાખવામાં આવી હોય તો પણ એ એક્ટ તો એને દોષિત જ ગણે છે. એ વ્યક્તિએ પોતે સાબિત કરવું પડે કે હું નિર્દોષ છું. એવો પણ નિષ્કર્ષ નીકળે કે મિસા મુજબ તો દેશના તમામ નાગરિકો એ કાયદા હેઠળ દોષિત જ ગણાય. મતલબ કે એને કાયદો કઈ રીતે કહી શકાય? પણ એવો કાયદો હતો. સંસદમાં કાયદો પસાર થયો ત્યારે એવી બાંહેધરી આપવામાં આવી હતી કે રાજકીય કિન્નાખોરી રાખીને હરીફ નેતાઓ સામે એનો દુરુપયોગ કરવામાં નહીં આવે. જોકે, ઇન્દિરા ગાંધીએ એનો ભરપૂર દુરુપયોગ કર્યો. લોકશાહી મૂલ્ય ધરાવતા દેશમાં આવા કાયદા ન ટકી શકે, તેથી જ ૧૯ મહિનાની કટોકટી પૂરી થઈ એના બે મહિના પછી ઇન્દિરા ગાંધીએ ચૂંટણી જાહેર કરી. જેમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો અને જનતા સરકારે દેશની બાગડૌર સંભાળી હતી. જેણે મિસા હટાવી દીધો હતો.
કટોકટીના વીસ સૂત્રીય કાર્યક્રમે અંડરવર્લ્ડને કઈ રીતે અડફેટે લીધું?
વસંત નાઇક ડિસેમ્બર ૧૯૬૩થી ફેબ્રુઆરી ૧૯૭૫ સુધી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હતા. સિત્તેરના દાયકામાં એટલે કે કટોકટીકાળવાળા દાયકામાં મુંબઈમાં જે અન્ડરવર્લ્ડ હતું એ સ્મગલિંગ એટલે કે દાણચોરી પર નિર્ભર હતું. કરીમ લાલા અને હાજી મસ્તાનનો એ વખતે દબદબો હતો. એ લોકોએ રાજ્ય પ્રશાસનના નાકે દમ લાવી દીધો હતો. દમ એટલા માટે લાવી દીધો હતો કે તેઓ ઇન્ટેલિજન્સ તેમજ કાયદાની પકડમાં આવતા નહોતા. તેમને પકડવા માટે કોઈ કડક કાયદો જ અમલમાં લાવવો પડે એમ છે એવું નાઇકે ઇન્દિરા ગાંધીને વારંવાર જણાવ્યું હતું. મહારાષ્ટ્ર અને ગુજરાત દાણચોરીના ગઢ હતા, કારણ કે બંને રાજ્યો પાસે દરિયો છે. દાણચોરી માટે દરિયા જેવું માધ્યમ આજની તારીખે પણ બીજું કોઈ નથી.
૧૯૭૧માં મિસા કાયદો બન્યો એમાં ઇન્દિરા ગાંધીનાં પોતાનાં રાજકીય ગણિત હતાં. તેમની ગણતરીમાં અંધારી આલમ ફરતે સકંજો કસવાનું પણ ગણિત હતું. કટોકટીનો જે વીસ મુદ્દાનો કાર્યક્રમ ઇન્દિરા ગાંધીએ રજૂ કર્યો હતો એમાંનો એક મુદ્દો એવો હતો કે સ્મગલરોની સંપત્તિ ટાંચમાં લેવામાં આવે. ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે દાણચોરોને પણ મિસા હેઠળ જ જેલભેગા કરવામાં આવે.
એટલે કે ૧૯૭૧માં બનેલા મિસાનો ખરો અમલ પાંચ વર્ષ પછી ૨૬ જૂન, ૧૯૭૫માં લાદવામાં આવેલી કટોકટી વખતે થયો. કટોકટી દરમ્યાન કોઈને પણ ઉઠાવીને એનો ગુનો બતાવ્યા વગર જેલમાં નાખી શકાય એમ હતું. ઉપર કહ્યું તેમ મુંબઈ અન્ડરવર્લ્ડ પર પણ એ ગાળામાં જબરું રોલર ફરી ગયું. સરકારે વીણી વીણીને ડોન, નાના મોટા ગુંડાઓ, કાળા બજારિયાઓ તેમજ કાળાં નાણાંના હવાલા પાડનારાઓને પકડીને જેલમાં ધકેલી દીધા. મિસા હેઠળ તો નેતા અને મોટા ડોનને જ નાખવામાં આવ્યા એ સિવાયના લોકોની વિવિધ કલમ હેઠળ ધરપકડ તેમજ કેટલાંકની અટકાયત કરવામાં આવી હતી. કેટલાંક વેપારીઓને ઇકોનોમિક ઓફેન્સ તળે જેલમાં નાખી દીધા હતા.
આમ, માત્ર રાજકારણમાં જ નહીં, પણ મુંબઈની અંધારી આલમ માટે પણ એ ખરેખર કટોકટીનો કાળ હતો. જે માફિયાઓ જેલભેગા નહોતા થયા એ કટોકટીના ૧૯ મહિના દરમિયાન ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.
હાજી મસ્તાન ૯૦ દિવસ સુધી મિસા હેઠળ જેલમાં હતો. જેલમાંથી બહાર આવ્યા પછી તેના પર કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. તેથી એ ચૂં કે ચા કરી શકે એમ નહોતો. કરીમ લાલાએ તો કટોકટીના તમામ મહિનાઓ જેલમાં જ વિતાવવા પડયા હતા. કરીમ લાલાએ તો રામ જેઠમલાણી જેવા વકીલને રોક્યા હતા છતાં કંઈ વળ્યું નહોતું. મુંબઈની આર્થર રોડ જેલ, થાણેની સેન્ટ્રલ જેલ તેમજ પૂણેની યરવડા જેલ અને ઔરંગાબાદની હરસૌલ જેલ ઊભરાઈ ગઈ હતી.
સિત્તેરના એ દાયકામાં હાજી મસ્તાન, કરીમ લાલા, યૂસુફ પટેલ અને વરદરાજન મુદ્દલિયાર મોટાં માથાં એટલે કે ડોન હતાં. રમા નાઇક, અરુણ ગવળી અને દાઉદ ઇબ્રાહિમ ત્યારે ગુંડા હતા. આ તમામ લોકોને કટોકટી વખતે જેલમાં મોકલી દેવાયા હતા. હાજી મસ્તાન પર તો મિસા અને કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટ હેઠળ જડબેસલાક કેસ બનાવવામાં આવ્યા હતા. જ્યારે કે દાઉદ, ગવળી અને રમા નાઇક પર નેશનલ સિક્યોરિટી એક્ટ(એનએસએ) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યા હતા. રમા નાઇક મટકા અને શરાબનો કારોબારી હતો. રમા નાઇક અને અરુણ ગવળી વચ્ચે દોસ્તી હતી.
જોવાની વાત એ છે કે મુંબઈના તમામ માફિયા જેલમાં ભેગા થયા હતા. કહેવાય કે કટોકટીએ જાણે બધાની જેલમાં મિટિંગ ગોઠવી આપી હતી. બધા દેડકા એક છાબડામાં ભેગા થઈ ગયા હતા. આના પરિણામે એવું થયું કે જેલમાંથી બહાર છૂટયા ત્યારે કેટલાંક ગ્રૂપ તૈયાર થઈને આવ્યાં. જેમ કે, વરદરાજન મુદલિયારને લાગ્યું કે લાગ્યું કે રમા નાઇક લાંબી રેસનો ઘોડો છે. તે કાઠું કાઢશે,તેથી બંને વચ્ચે જેલમાં જ ટયુનિંગ થઈ ગયું હતું. મુંબઈને અડીને આવેલા વસઈ અને વિરારની ખાડીઓનો દાણચોરી માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય એનો પ્લાન તે બંનેએ જેલમાં જ તૈયાર કરી લીધો. બંનેએ નક્કી કરી લીધું કે જેલમાંથી છૂટયા બાદ ત્યાંથી સ્મગલિંગ ઓપરેશન પાર પાડશું.
દાઉદ, ગવળી, રમા નાઇક વગેરેએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. એ વખતે તેઓ ગુંડા હતા, ડોન નહોતા. તેમના પર મોટા ગુના નહોતા અને જે હતા એની સામે મજબૂત પુરાવા નહોતા, તેથી તેમને જામીન પર છુટકારો મળી ગયો હતો.

કરીમ લાલા અને હાજી મસ્તાન મોરારજી દેસાઈને ઘૂંટણીયે પડયા
કટોકટી લાગુ થઈ એના કેટલાંક અઠવાડિયાં પછી મુંબઈના પોલીસ વડા તરીકે એસ.વી. ટાંકીવાળાની નિમણૂક થઈ હતી. તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે એન્ટિ સ્મગલિંગ ડ્રાઇવમાં કુલ ૨૮૮ દાણચોરોને ઝબ્બે કરવામાં આવ્યા હતા તેમજ ૧૭૭ દાણચોરોની મિલકત જપ્ત કરવામાં આવી હતી.
ક્લાઇમેક્સ તો એ હતો કે કટોકટી દરમ્યાન બે વર્ષ જેલના આંટાફેરા બાદ હાજી મસ્તાન અને કરીમ લાલાને સમજાઈ ગયું હતું કે હવે કાયદાની પકડ મજબૂત બની છે અને માફિયા તરીકે ઝાઝું ખેડી શકાય એમ નથી. કટોકટી બાદ થયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો અને જનતા સરકાર ચૂંટાઇ હતી. હાજી મસ્તાન અને કરીમ લાલા જઈને જનતા દળના ટોચના નેતા જયપ્રકાશ નારાયણને મળ્યા હતા. તેમને આજીજી કરી હતી કે વડાપ્રધાન મોરારજી દેસાઈને કહો કે અમારા પર સહેજ રહેમ રાખે. બંનેએ સોગંધનામું રજૂ કરીને સરકારને બાંહેધરી આપી હતી કે તેઓ હવે કોઈ ગેરકાયદે કામમાં નહીં સંડોવાય. મોરારજી દેસાઈએ તેમની વિનવણી માન્ય રાખી હતી અને તેમના પર લટકતી અટકાયતની તલવાર ટળી હતી. હાજી મસ્તાન એ પછી જયપ્રકાશ નારાયણની પાર્ટીમા જોડાયા હતા. ડોનમાંથી રાજકારણી બન્યા હતા. કરીમ લાલાને પણ સમજાઈ ગયું હતું કે પોતાના કિલોમીટર પૂરા થઈ ગયા છે.


દાઉદ - ગવળીગેંગસ્ટરમાંથી ડોન બન્યા
કટોકટી પછી કરીમ લાલા અને હાજી મસ્તાન ડોનમાંથી ડાઉન થઈ ગયા હતા. બીજી તરફ દાઉદ, રમા નાઇક અને અરુણ ગવળી માટે મેદાન થોડું મોકળું થયું હતું. ગેંગસ્ટરમાંથી ડોન બનવાની તેમની ગતિ કટોકટી બાદ તેજ થઈ ગઈ હતી. એ પછી એંશીના દાયકામાં તો બાકાયદા દાઉદ ઇબ્રાહિમ અને અરુણ ગવળી ડોન થઈ ગયા હતા. અંધારી આલમનો એક અધ્યાય કટોકટી પછી પૂરો થયો હતો. 
૧૯૭૭માં કટોકટી ગઈ પછી દાઉદ અને ગવળી જેવા ગેંગસ્ટરનું કદ વધી ગયું હતું. કટોકટી પૂરી થઈ એના ચોથા વર્ષે ૧૯૮૧માં મુંબઈમાં મિલ કામદારોની પ્રચંડ હડતાળ પડી હતી. ટ્રેડ યુનિયન લીડર દત્તા સામંતની હાકલથી હડતાળ પડી હતી. જેને લીધે અનેક કામદારો બેકાર થઈ પડયા હતા. પૈસાના અભાવે કેટલાય યુવાનિયા અરુણ ગવળી અને દાઉદની ગેંગમાં જોડાયા હતા. બંનેની ગેંગનું વજન વધ્યું હતું. ૧૯૮૧ પછી તો તેઓ ડોન તરીકે પંકાવા લાગ્યા હતા. મુંબઈને હંફાવવા લાગ્યા હતા. છતાં મુંબઈ પોલીસ તેમને પકડી શકતી નહોતી. આમ, દાઉદ અને અરુણ ગવળી ડોન બન્યા એમાં કટોકટી અને મિલ કામદારોની હડતાળે મોટો રોલ ભજવ્યો હતો.
અરુણ ગવળી, રમા નાઇક અને બાબુ રેશીમે મળીને બી.આર.એ. કંપની નામની ગેંગ બનાવી હતી. ત્રણેયના પહેલા અક્ષર પરથી ગેંગનું નામ પાડવામાં આવ્યું હતું. ૧૯૮૮માં મુંબઈના નાગપાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર રાજન કટધરેના હાથે રમા નાઇકનું એન્કાઉન્ટર થયું હતું. ત્યાર પછી બાબુ રેશીમનું પોલીસ લોકઅપમાં મોત થયું હતું. આ બંને મોતમાં ગવળીને દાઉદનો હાથ હોવાનું જણાયું હતું.
બીજો અધ્યાય
 અંધારી આલમનો એક અધ્યાય કટોકટી પછી પૂરો થયો હતો અને બીજો તેમજ વધુ જોખમી અધ્યાય પછી શરૂ થયો હતો. જે અંડરવર્લ્ડ કટોકટી સુધી માત્ર દાણચોરી અને મીલકત હડપવા પર નભતું હતું એનું જોખમ પછી વધુ વિસ્તર્યું હતું. પ્રોટેક્શન મની,ખંડણી, કોન્ટ્રાક્ટ કિલિંગ, ડ્રગ્સ વગેરે માફિયાગીરી દાઉદ અને ગવળીકાળમાં વધી હતી. ૧૯૯૨ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોની ઘટના દ્વારા તો અંધારી આલમે આતંકવાદની પણ રાહ પકડી હતી. અંધારી આલમને આતંકવાદ સુધી દોરી જનારો દાઉદ ઇબ્રાહિમ હતો,જે દેશ માટે સૌથી જોખમી પરચો હતો. હાજી મસ્તાન અને કરીમ લાલાએ દાદાગીરીમાં પણ પોતાનાં ધારાધોરણ રાખ્યાં હતાં. તેઓ મુખ્યત્વે દાણચોરી કરતા હતા અને બેનામી મિલકતો ઊભી કરતા હતા. તેઓ ડ્રગ્સ કે આતંકવાદના કારોબારમાં ક્યારેય નહોતા પડયા. દાઉદ ઇબ્રાહિમે અન્ડરવર્લ્ડનાં નવાં સમીકરણ સેટ કર્યાં અને તમામ મર્યાદાઓ તોડી નાખી. તેણે કોઈ નિયમો જ રાખ્યા નથી. દાઉદ પોતાને બિઝનેસમેન ગણાવે છે અને તેની બિઝનેસની વ્યાખ્યા એ છે કે કોઈ પણ રીતે પૈસા આવવા જોઈએ. જ્યાં પૈસો બનતો હોય ત્યાં કોઈ નીતિનિયમ, ધારાધોરણ હોતાં નથી.
હવે અંડરવર્લ્ડ એ હદે વિસ્ફારિત થઈ ગયું છે કે મિસા તો શું કોઈ પણ કડક કાયદા એને કંટ્રોલ કરી શકે એમ નથી. છોટા રાજન ઓસ્ટ્રેલિયામાં છે. દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં છે. અંધારી આલમનો કંટ્રોલ ટાવર ભારતની ભૂગોળની બહાર છે. કાનૂનના હાથ ભલે લાંબા હોય પણ દેશની બહાર એનું કદ વેતરાઈ જાય છે.     

   
કટોકટી એટલે શું?
દેશમાં અસામાન્ય સંજોગો હોય અને આંતરિક સુરક્ષા સામે જોખમ હોય એટલે કે કટોકટીની સ્થિતિ હોય તો નાગરિકોના અધિકાર પર કાપ મૂકવાની કે એ અધિકાર છીનવી લેવાની બંધારણમાં જોગવાઈ છે. એ અંતર્ગત કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો કટોકટી લાગુ કરવામાં આવે છે.
૨૫ જૂન, ૧૯૭૫થી ૨૧ માર્ચ, ૧૯૭૭ સુધી દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી. ઇન્દિરા ગાંધી સરકારે કટોકટી લાગુ કરી હતી. જેને હાલમાં જ ચાલીસ વર્ષ પૂરાં થયાં છે. દેશની અત્યંત કલંકપૂર્ણ ઘટનાઓમાં કટોકટી સામેલ છે. ઇન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી લાદી ત્યારે દેશ સામે કોઈ આંતરિક સુરક્ષાનું જોખમ નહોતું. તેમણે માત્ર પોતાના રાજકીય વર્ચસ્વ ખાતર, કહો કે અંગત લાભ ખાતર કટોકટી લાગુ કરી હતી. જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં બિહારમાં ભ્રષ્ટાચાર સામે જંગી આંદોલન ચાલુ હતું. જેમાં ઇન્દિરા ગાંધી સામે તીવ્ર અસંતોષ હતો. આ કોઈ રાષ્ટ્રીય સંકટ નહોતું. એને ખાળવા માટે ઇન્દિરા ગાંધીએ કટોકટી લાગુ કરીને બંધારણીય જોગવાઈનો દુરુપયોગ કર્યો હતો.
૧૯૭૫ની ૨૫ જૂને મોડી રાતે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થશંકર રાય અને કેન્દ્રીય કાયદાપ્રધાન એચ.આર. ગોખલે રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. એ વખતે ફખરુદ્દીન અલી રાષ્ટ્રપતિ હતા. તેમને ઊંઘમાંથી જગાડીને કહેવામાં આવ્યું કે આ દસ્તાવેજ પર સાઇન કરી દો. રાષ્ટ્રપતિ સવાલ કરે એ પહેલાં જ કહી દેવામાં આવ્યું કે વડાપ્રધાન આવતી કાલે કેબિનેટની બેઠક બોલાવવાનાં છે. એમાં આ નિર્ણય પર મંજૂરી લઈ લેવાશે. રાષ્ટ્રપતિએ તરત સહી કરી દીધી. એ દસ્તાવેજ કટોકટી લાગુ કરવા માટેનો હતો.
એ પછી દેશમાં કટોકટી લાગુ થઈ હતી. જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, જ્યોર્જ ફર્નાન્ડિઝ, અટલ બિહારી વાજપેયી,લાલકૃષ્ણ અડવાણી, અશોક મહેતા વગેરે જેલભેગા થયા હતા.

છપ્પનવખારી - કમ્યુનિકેશન્સ ક્રાંતિ અને અકરાંતિયાપણું

Sandesh - Ardh Saptahik Purti - 22 July 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય

ઉપયોગ અને અકરાંતિયાપણા વચ્ચે વિવેકની એક પાતળી રેખા હોય છે. કોમ્યુનિકેશન્સની જે ક્રાંતિ થઈ છે એ ખરેખર આશીર્વાદરૂપ છે. દરેકના હાથમાં મોબાઇલ આવી ગયા છે. ઘેર ઘેર વોટ્સએપ પહોંચી ગયું છે. ફેસબુક એટલું પોપ્યુલર છે કે લોકોને ફેસ ટુ ફેસ મળવાનું પણ જરૂરી નથી લાગતું. મુદ્દો એ છે કે કોમ્યુનિકેશન્સનાં આ બેનમૂન માધ્યમોનો ઉપયોગ હવે અકરાંતિયાની જેમ થવા માંડયો છે. આ માધ્યમોએ જ માણસને ક્યાંક એકલો તો નથી કરી દીધોને!


"બેટા, તું આજકાલ તારા જૂના દોસ્તોને મળવા નથી જતો. અગાઉ તો પંદર-વીસ દિવસ થાય એટલે તરત દોડી જતો હતો."
"પપ્પા, અમે હવે વોટ્સએપ ગ્રૂપ બનાવી લીધું છે. રોજ વોટ્સએપ પર મળીએ છીએ. રોજ વાતો થાય છે, તેથી રૂબરૂ મળવાની કંઈ જરૂર રહેતી નથી.
એક પરિવારમાં ચાર સભ્યો છે. મમ્મી એકતા કપૂરબ્રાન્ડ સિરિયલ જોવામાં વ્યસ્ત છે. દીકરો પોતાના સેલફોન પર ગેઇમ રમે છે. દીકરી પોતાના સેલફોન પર વોટ્સએપમાં વ્યસ્ત છે. પપ્પા કાં તો છાપું વાંચે છે કાં બીજા રૂમમાં ટીવી જુએ છે. આવો સીન કદાચ તમે આસપાસના કોઈના ઘરમાં જોયો હશે. શક્ય છે કે તમારા ઘરમાં જ આવું ચિત્ર ક્યારેક સર્જાતું હોય. ટૂંકમાંઘરમાં બધા સભ્યો હાજર હોય અને એકબીજા સાથે વાતો કરવાને બદલે મોબાઇલ કે ટીવી પર વ્યસ્ત હોય, એટલે કે વર્ચ્યુઅલ વર્લ્ડમાં જ મસ્ત હોય!
કેટલાંક દોસ્તો કે સંબંધીઓ દસ-પંદર દિવસે મળે ત્યારે પણ આવો જ માહોલ સર્જાતો હોય છે. પંદર વ્યક્તિ ભેગી થઈ હોય એમાંથી ચાર કે પાંચ વાત કરતી હોયએ સિવાયના લોકો માત્ર હાજરી પુરાવવા આવ્યા હોય એમ સેલફોનમાં ફેસબુક કે વોટ્સએપ કે કોઈનો ફોન કોલ અટેન્ડ કરવામાં વ્યસ્ત હોય છે.
સૌથી બેહૂદું ચિત્ર તો એ છે કે ઘરમાં મહેમાન આવ્યા હોય ત્યારેય ઘરમાં ટીવી ચાલુ હોય. ઘરમાં મહેમાન પધારે એટલે ટીવી બંધ કરીને તેમના પર જ ધ્યાન આપવાનું હોય. ઘરે આવેલા મહેમાન આવી સ્થિતિમાં કોચવાયા કરે છે કે અમે ખોટા ટાઇમે તો આવ્યા નથીને! કોઈ વ્યક્તિ માંડ ફુરસદ કાઢીને તમને મળવા આવી હોય અને તમે ટીવી ચાલુ રાખો ત્યારે વાતો નથી થતી. વાતોની માત્ર ઔપચારિકતા નિભાવાતી હોય છે. રૂબરૂ મળવાની જે મજા છે એ નંદવાઈ જતી હોય છે.
વર્ચ્યુઅલ વાસ્તવિકતા

આટલા દાખલા ટાંકીને ભૂમિકા બાંધવાનું કારણ એ છે કે હવે રૂબરૂ મળવાના અને વાતોની મહેફિલ જમાવવાના દુકાળ પડવા માંડયા છે. ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, સ્કાયપ જેવા કમ્યુનિકેશન ક્રાંતિના ઝંડા શહેર અને ગામેગામ લહેરાવા માંડયા છે. કમ્યુનિકેશન્સ ક્રાંતિએ બે દૂરના છેડાના અમેરિકા અને અમદાવાદના માણસને નજીક લાવી દીધા છે અને ઘરના બે માણસો વચ્ચે અંતર વધારી દીધું છે. મોટાં શહેરોની અંદર હવે કુટુંબ નાનાં થઈ ગયાં છે. દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, અમદાવાદ વગેરે શહેરોમાં એવાં કેટલાંય કપલ એટલે કે યુગલ હશે જેઓ રૂબરૂ વાત કરતાં હોય એના કરતાં સેલફોન પર વધુ વાત કરતાં હોય.
નાનાં છોકરાંવ પણ ઘરે પપ્પાની રાહ એટલા માટે જોતા હોય છે કે પપ્પા આવે એટલે મોબાઇલમાં ગેઇમ રમવા મળે. ઘરમાં દૂધની તપેલી ક્યાં છે એ બિલાડી શોધી લે છે એમ ટાબરિયાં પપ્પાના મોબાઇલમાંથી ગેઇમ શોધી લે છે. ઘરમાં છોકરું રીડિયારમણ કરતું હોય તો શાંત કરવા ગેઇમ રમવા મોબાઇલ પકડાવી દેનારાં પેરેન્ટ્સ પણ તમે જોયાં જ હશે. નાના ગામમાં પણ એવું જોવા મળે છે કે કોઈ માણસ દુકાનમાં મોબાઇલનો ટોકટાઇમ રિચાર્જ કરાવવા ગયો હોય ત્યારે ટાબરીયું ટકોર કરે કે પપ્પા તમે મોબાઇલમાં ફલાણી ગેઇમ નખાવી લોને! બાપને બિચારાને એ ગેઇમનું નામ પણ ખબર ન હોય! નાનાં છોકરાંવ પર મોબાઇલ મેનિયા એ હદે હાવી થઈ ગયો છે કે એ બાળપણમાં જ 'ગેઝેટગુરુબની જાય છે. જેમ બાળ મજૂરી હટાવવા માટે ઝુંબેશ ચાલે છે એમ બાળકોને મોબાઇલથી દૂર રાખવા માટે પણ કોઈ ઝુંબેશ ભવિષ્યમાં શરૂ થાય તો નવાઈ નહીં.
કિતને દૂર-કિતને પાસ

કમ્યુનિકેશન્સ ક્રાંતિએ છેલ્લા પંદર-વીસ વર્ષમાં ભારતમાં જબરો ફેલાવ કર્યો છે અને જનજીવન પર અદ્વિતીય અસર ઊભી કરી છે. વીસેક વર્ષ અગાઉ કોઈને કલ્પના પણ નહીં હોય કે કોમ્યુનિકેશન્સનાં વિવિધ ઉપકરણો શહેર અને ગામડાંના દરેક ઘરમાં ઘૂસીને એવી અનિવાર્યતા ઊભી કરી દેશે કે એના વિના ચાલશે નહીં.
કોમન મેન માટે કમ્યુનિકેશન્સ ક્રાંતિ જેવી આશીર્વાદરૂપ ઘટના બીજી એકેય નથી. કોઈ વ્યક્તિ નવું ઘર ખરીદે છે. એ ઘરના દરવાજે શ્રી ગણેશાય નમઃ કે ૭૮૬ લખે છે. એ દરવાજાનો ફોટો અને આખા ઘરનો વીડિયો પાંચ કે સાત મિનિટમાં દૂર વસતા સંબંધીને મોકલી શકે છે. એ આશીર્વાદરૂપ ઘટના જ છે. બેન્કમાં તમારા ખાતામાં કેટલાં કાવડિયાં છે એ સેલફોનના ટેરવે જાણી શકો કે વીજળીનું બિલ મોબાઇલથી અડધી મિનિટમાં ભરી શકો એ આશીર્વાદ જ નહીં સુખદ ચમત્કાર છેતેથી કમ્યુનિકેશન્સ ઉપકરણોના ફાયદાનો તો તોટો જ નથી.
મુદ્દો એ છે કે કોઈ પણ ઉપકરણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતાં માણસને આવડવો જોઈએ. માણસને અકરાંતિયાની જેમ એનું વળગણ ન હોવું જોઈએ. જો માણસને એનો યોગ્ય ઉપયોગ ન આવડે તો ઉપકરણ માણસ પર ચઢી બેસે છે. આજે એવું જ થઈ રહ્યું છે. વર્ચ્યુઅલ જગતની વાસ્તવિકતા એ છે કે બે દૂરના માણસ નજીક આવ્યા છે અને નજીકના માણસો વચ્ચે અંતર પડવા માંડયું છે.


 ટેક્નોલોજીએ રોમાન્સની મજા ઘટાડી દીધી છે
યુવક-યુવતીની સગાઈ થાય એ પછી તેમની મુલાકાતો વધે છે. એ મુલાકાત દરમ્યાન યુવક કે યુવતી ભાવિ પતિ કે પત્ની સાથે વાત કરવાને બદલે વોટ્સએપ પર મંડયાં હોય અને સગાઈઓ તૂટી હોય એવા કિસ્સાય બન્યા છે. અગાઉ મંગેતર છોકરી અને છોકરો મળતાં તો છોકરી શરમાઈને જમીન ખોતરતીહવે વોટ્સએપ ખોતરે છે. ફિલ્મમેકર કરણ જોહરે સરસ વાત કહી હતી. તેણે કહ્યું હતું કે, "ટેક્નોલોજીએ રોમાન્સની મજા ઘટાડી દીધી છે." રોમાન્સની જ નહીંતહેવારની પણ મજા મર્યાદિત કરી દીધી છે. દિવાળી કે ઈદ જેવા તહેવારમાં રૂબરૂ મળવાને બદલે વોટ્સએપ પર શુભકામના મોકલીને પતાવી દેવાવાળાઓની સંખ્યા વધી રહી છે.
સવારે ઊઠીને હથેળી જોઈને કરાગ્રે વસતે લક્ષ્મી... બોલનારા લોકો હવે ઊઠતાંવેંત હથેળીમાં મોબાઇલ મૂકીને પેન્ડિંગ વોટ્સએપ મેસેજ ચેક કરે છે. ગઈ કાલે સાંજે મૂકેલી સેલ્ફીને ફેસબુક પર કેટલી લાઇક્સ અને કોમેન્ટ મળે છે એ ચેક કરે છે. વીસેક મિનિટ એમાં વીતે છે. પછી પથારીમાંથી આળસ મરડાય છે અને વોશરૂમની વાટ પકડાય છે અને પછી મોંમાં બ્રશ ફરે છે. આવા લોકોને રાત્રે સૂવામાં મોડું પણ સોશ્યલ મીડિયા વળગણને કારણે જ થતું હોય છે. આને કહેવાય માણસનું સોશ્યલ મીડિયા પ્રત્યેનું અકરાંતિયાપણું.
અકરાંતિયાપણાની હદ તો એ છે કે સ્મશાનમાં અંત્યેષ્ટિ માટે આવેલા ડાઘુઓ પણ દાહ અપાયા પછી ખૂણો પકડીને વોટ્સએપ ખોલીને બેસી જાય છે. અકરાંતિયાપણાને તો સ્મશાનવૈરાગ્ય પણ નથી આવતું.
લોકો પર સોશ્યલ મીડિયાના વળગણ એ હદે હાવી થઈ ગયાં હોય છે કે નવા વર્ષની શરૂઆતમાં લેવાતા રેઝોલ્યુશન્સ એટલે કે પ્રતિજ્ઞાામાં પણ સોશ્યલ મીડિયાનો સમાવેશ થઈ ગયો છે. 'હવેથી હું ફેસબુક પર ચોંટેલી કે ચોંટેલો નહીં રહું', 'હવેથી હું વોટ્સએપ મેસેજમાં મર્યાદા મૂકી દઈશવગેરે વગેરે. જોકેઆ પ્રકારની કામચલાઉ પ્રતિજ્ઞાા ક્યારેય પળાતી હોતી જ નથી એ પણ એક સત્ય છે.
વાતનો આપણો તંતુ એ છે કે માણસ હવે વર્ચ્યુઅલ જગતમાં વધુ રાચે છે. સાથે બેસીને વાતો કરવા કરતાં વોટ્સએપ ચેટિંગ, મેસેન્જર, ફેસબુક, ટ્વિટર દ્વારા થતી વાતચીતનું ચલણ વધ્યું છે.
 નસીરુદ્દીન શાહ એવો એક્ટર છે જેને પોતાને ફિલ્મના નહીં પણ નાટકના અભિનેતા તરીકે ઓળખાવવું વધુ ગમે છે. તેણે કહ્યું હતું કે, "મને નાટક કરવાં એટલા માટે ગમે છે કે એ બહાને હું લોકોને મળું છું. તેમની સાથે સંવાદ સાધું છું. નાટકની ભજવણી દ્વારા હું લોકો સાથે વાત કરું છું. બાકીલોકો આજકાલ એટલા વ્યસ્ત હોય છે કે એકબીજા માટે સમય નથી. મેસેજથી પતતું હોય તો મળવાનું ટાળે છે."
છૂટાછેડાના ઘણાં કેસ એવા હોય છે કે જેમાં પતિ કે પત્નીને કાઉન્સેલિંગની જરૂર જ હોતી નથી. તેમને માત્ર એક શ્રોતાની જરૂર હોય છે જે તેમને સાંભળે. છૂટાછેડાના ઘણાં કારણોમાંનું મહત્ત્વપૂર્ણ કારણ એ હોય છે કે પતિ કે પત્ની એકબીજા માટે સમય ફાળવતાં હોતાં નથી. એકબીજા માટે સમય ફાળવીને વાતો કરવી એ જીવનની મહત્ત્વપૂર્ણ જરૂરિયાત હોય છે.
નોર્મલ માણસ માટે પણ વાત કરવી, કોઈ પોતાને સાંભળે અને પોતે સામેવાળાની બે વાત સાંભળે એવી તેની જરૂરિયાત હોય છે. માણસ પાસે વાત કરવા માટે યોગ્ય દોસ્તો હોય તો એના માટે દુઃખના ડુંગરા ખૂબ નાના થઈ જાય છે. એ દોસ્ત પછી પત્ની પણ હોઈ શકે કે ઓફિસમાં સાથે કામ કરતો કર્મચારી પણ હોઈ શકે.
કેટલાંક લોકો આખો દિવસ ફેસબુક કે અન્ય સોશ્યલ સાઇટ્સ પર ઓનલાઇન હોય છે. આનું કારણ એ હોઈ શકે છે કે તેમને રિઅલ વર્લ્ડમાં નજીકના મિત્રો હોતા નથીકાં તો એ વ્યક્તિ સોશ્યલાઇઝ થવામાં થોડી શરમાળ છે. એવું પણ હોઈ શકે કે ફેસબુક ફ્રેન્ડલિસ્ટમાં કે વોટ્સએપ કોન્ટેક્ટ્સમાં કોઈ એવું છે જે તેમની અત્યંત નજીક છેતેથી પણ તેઓ સતત ઓનલાઇન જોવા મળે છે. ઓનલાઇનના આ વળગણમાંથી છૂટવાનો ઇલાજ એક જ છે કે મિત્રો રૂબરૂ મળે અને ઘડિયાળ બંધ કરીને કલાકોના કલાકો સુધી ગપાટા મારે અથવા તો સાથે ફરવા જાય.
અગાઉ ટીવી ઘેર ઘેર નહોતાં પહોંચ્યા અને ડેઇલી સોપના ડેઇલી ડોઝ નહોતા શરૂ થયા ત્યારે મહિલાઓ ઓટલે બેસતી હતી અને પંચાત એટલે કે ગોસિપ કરતી હતી. મહિલાઓ ચોવટ કરે એને લોકો સારું ન ગણતા. એના કેટલાંક ગેરફાયદા ખરા પણ ખરેખર તો એ ચોવટ કે ગોસિપ પરંપરા સારી હતી. વાતો કરવાનું સુખ મળતું. ગમે તેવી મુસીબત હોય તોપણ બહેનો ઓટલે એને વાગોળીને સહેજ હળવી થઈ જતી હતી. ગોસિપ મનદુરસ્તી માટે સારી છે એવું તો હવે વિદેશમાં થતાં સર્વે પણ કહેવા માંડયા છે. મુદ્દો એ છે કે હવે ટીવીએ ઓટલા ખાલી કરી દીધા છે.
તો વાત એમ છે કે લોકોને મળવું. બાત કરને સે હી બાત બનતી હૈ.      


  બોર્ડર લાઇન સેલ્ફી અને ક્રોનિક સેલ્ફી!

મોબાઇલથી ફોટો પાડવો એટલે કે સેલ્ફી લેવી એ એક સરસ વ્યવસ્થા છે. સોશ્યલ મીડિયા પર સેલ્ફી વહેતી કરો અને લોકો એના પર લાઇક્સ કે કમેન્ટ કરે તો મજા આવે. આ મજા ત્યારે જ આવે જ્યારે એ માફકસરનું હોય. સેલ્ફી મૂક્યા જ કરતાં લોકો પોતાનીય મજા બગાડે છે અને બીજાનીય મજા બગાડે છે. બસમાં બારીવાળી સીટ મળે તો સેલ્ફીસંતાન પહેલી વખત રડે તો એની સાથે સેલ્ફીસવારે ગાંઠિયા ખાતા હોય તો એની સેલ્ફી. ઘરમાં ચાઇનીઝ રાંધ્યું હોય તો એનો કટોરો પકડીને સેલ્ફી. સેલ્ફી જ સેલ્ફી. મારું જીવન એ જ મારી સેલ્ફી!
જોગનો ધોધ જોવા જનારા કેટલાંય લોકો સેલ્ફી લેવામાં એટલા વ્યસ્ત હોય છે કે ધોધને નિહાળવાની જે મોજ હોય છે એ ચૂકી જાય છે. તેમના માટે જોગના ધોધને આંખોમાં ભરી લેવા કરતાં સેલ્ફી પાડીને ફેસબુક પર લાઇક્સ મેળવી લેવાની મજા વધુ અગત્યની હોય છે. ક્યારેક એમ થાય છે કે લોકો બહાર ફરવા જાય છે કે સેલ્ફી પડાવીને ફેસબુક પર ચોંટાડવા જાય છે! સેલ્ફીની એક મજા છેપણ અકરાંતિયાપણાની મજા હોતી નથી. કેટલાંક લોકો ફેસબુક પર એટલી સેલ્ફી ચોંટાડયા કરતા હોય છે કે પોતાની જાતને ડિસ્પ્લે મોડેલ કે ગેલેરીના નમૂના બનાવી દીધી હોય છે.

અમેરિકન સાઇકિયાટ્રિસ્ટ એસોસિએશને તો સેલ્ફીની ઘેલછાને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર(ઓસીડી)ની કેટેગરીમાં સ્થાન આપ્યું છે. એસોસિએશને તો બોર્ડરલાઇન સેલ્ફીઅક્યુટ સેલ્ફી અને ક્રોનિક સેલ્ફી એવા ત્રણ પ્રકાર પાડયા છે. મોબાઇલનું વળગણ હાવી થઈ ગયું હોય તો સેલફોન ડાયેટ અને ડિજિટલ ડાયેટ જેવા પ્રોગ્રામ થાય છે. લોકો આપણે ત્યાં જેમ એકટાણાં કે ઉપવાસ કરે એમ અઠવાડિયામાં એક દિવસ સેલફોનથી દૂર રહે છે.

Article link
http://www.sandesh.com/article.aspx?newsid=3101686

છપ્પનવખારી - તૂ કિસી રેલ સી ગુઝરતી હૈ, મૈં કિસી પુલ સા થરથરાતા હૂં

Sandesh - Ardh Saptahik Purti - 29 July 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય

સલીમ જાવેદે ફિલ્મ 'દીવાર'માં એંગ્રી યંગમેન આપ્યો એ અગાઉ સાહિત્યમાં દુષ્યંતકુમાર નામના એંગ્રી યંગમેનનો જન્મ થઈ ચૂક્યો હતો. દુષ્યંતકુમારની ગઝલો સિસ્ટમ સામે સવાલ ઊભા કરતી હતી અને વિદ્રોહી યુવાનો માટે મશાલ બનતી હતી. આજે પણ મોટાં આંદોલનો થાય છે ત્યાં દુષ્યંતની ગઝલો લલકારાય છે. હાલમાં જ રજૂ થયેલી બેનમૂન ફિલ્મ 'મસાન'માં દુષ્યંતકુમારની રોમેન્ટિક ગઝલ'તૂ કિસી રેલ...ફિલ્મના મહત્ત્વપૂર્ણ અંગ તરીકે રજૂ થઈ છે. યાદ કરીએ હિન્દી ગઝલના વિદ્રોહી રાજકુમાર દુષ્યંતકુમારને...


તૂ કિસી રેલ સી ગુઝરતી હૈ,
મૈં કિસી પુલ સા થરથરાતા હૂં
 
તૂ ભલે રત્તીભર ન સુનતી હૈ,
મૈં તેરા નામ બુદબુદાતા હૂં.
 
કિસી લંબે સફર કી રાતોં મેં,
તુઝે આલાવ સા જલાતા હૂં.
 
કાઠ કે તાલે હૈં, આંખોં પે ડાલે હૈં, ઉનમેં ઇશારોં કી ચાબિયાં લગા, 
રાત જો બાકી હૈ, શામ સે તાકી હૈ, નિયત મેં થોડી ખરાબિયાં લગા.
 
મૈં હૂં પાની કે બુલબુલે જૈસા,
તુઝે સોચું તો ફૂટ જાતા હૂં.
 
તૂ કિસી રેલ સી......
 - વરુણ ગ્રોવર
 
ઉપરની રચના વાંચી? એ વાંચ્યા વગર આગળ લેખ વાંચવાની મજા નહીં આવે. 'મસાન' ફિલ્મનું આ ગીત છે જે વરુણ ગ્રોવરે લખ્યું છે. ગીતની મજા એ છે કે હિન્દીના પ્રખ્યાત રચનાકાર દુષ્યંતકુમારની જાણીતી ગઝલ તૂ કિસી રેલ સી ગુઝરતી હૈ...ને મુખડામાં મૂકી એક સ્વતંત્ર ગીત રચ્યું છે. ફિલ્મોમાં જ્યારે ગીતકાર કોઈ જૂના દિગ્ગજ રચનાકારની કૃતિમાંથી પ્રેરણા લઈને કશુંક સર્જે છે ત્યારે એક સરસ અને લાઇવ અનુસંધાન સર્જાય છે. અગાઉ પીયૂષ મિશ્રા, સ્વાનંદ કીરકીરે અને ગુલઝારે આવા પ્રયોગ કર્યા છે. આ પ્રકારના પ્રયોગ વધારે થવા જોઈએ. એને લીધે લોકોને એ મૂળભૂત શાયર કે કવિ વિશે વધુ જાણવાની ઉત્કંઠા જાગે છે. આજની નવી પેઢી એ બહાને એ મૂળભૂત શાયર કે કવિથી વાકેફ થાય છે. તેમના વિશે વધુ જાણવાની અને તેમની રચના વાંચવાની ઇચ્છા થાય છે.
વરુણ ગ્રોવર કહે છે કે, "મેં સ્કૂલની નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે દુષ્યંતકુમારની જાણીતી ગઝલ 'કૌન કહતા હૈ આસમાન મેં સુરાગ નહીં હૈ...'ની પંક્તિઓ દ્વારા સમાપન કર્યું હતું. ઉત્તર પ્રદેશ, બિહાર કે રાજસ્થાનમાં ૮૦ અને ૯૦ના દાયકામાં સ્કૂલ-કોલેજ લેવલે જે ડિબેટ કે વક્તૃત્વ સ્પર્ધાઓ થતી એમાં દુષ્યંતકુમારની પંક્તિઓ ન સાંભળવા મળે એવું ન બને. 'તૂ કિસી રેલ સી ગુઝરતી હૈ, મૈં કિસી પુલ સા થરથરાતા હૂં' માં દુષ્યંતકુમારનો કમાલ એ છે કે આ વાક્ય રોમેન્ટિક લાગતું નથી. કોઈ છોકરી ટ્રેનની જેમ પસાર થાય અને છોકરો પુલની જેમ ખળભળી ઊઠે એ સંદર્ભમાં પ્રથમ દૃષ્ટિએ રોમેન્ટિસીઝમ દેખાતું જ નથી. તરત બીજો વિચાર એ આવે કે આ ફૂલ - ભમરો કે ચંદા - ચકોરી જેવાં ઢાંચાઢાળ રોમેન્ટિક રૂપકો કરતાં ટ્રેન અને પુલનો સંદર્ભ એકદમ નવી અને લાઇવ અભિવ્યક્તિ છે. એમાં સેન્સ્યુઅલ એટલે કે વિષયાસક્તિ પણ ઝળકે છે. 'મસાન'માં તેમની જાણીતી રચનાનો આધાર લઈને ગીત બનાવવું મારા માટે થોડું ટફ હતું. મારે ગીતમાં સરળતા અને એ અસર જાળવી રાખવાની હતી જે ઓરિજિનલ ગઝલમાં છે. મને એક જ ડર હતો કે દુષ્યંત કુમારની રચના સાથે છેડછાડ થઈ હોય એવું ન લાગવું જોઈએ. મારા આ પ્રયાસમાં જો હું કેટલાંક વધુ લોકોને હિન્દી ગઝલના રાજકુમાર સુધી પહોંચાડવામાં સફળ રહું તો એ મારા માટે બોનસ રહેશે."
વરુણ ગ્રોવરે ધાર્યું નિશાન પાર પાડયું છે. 'મસાન' ફિલ્મનું એ ગીત આજકાલ અનેક યુવાઓના મોબાઇલમાં ગુંજવા લાગ્યું છે. ફિલ્મમાં એનું પિક્ચરાઇઝેશન પણ એટલું મનોહારી છે કે એ ગીત જોવાનું વારંવાર મન થાય. ફિલ્મનો સ્ક્રિનપ્લે પણ વરુણ ગ્રોવરે જ લખ્યો છે.
 'મસાન' અદ્ભુત ફિલ્મ છે. મસાન એટલે કે મસાણ એટલે કે સ્મશાન. ફિલ્મમાં રોમાન્સ છે. ફિલ્મોમાં ક્યારેય રજૂ નથી થયું એવું બનારસ છે. સિસ્ટમની ભ્રષ્ટતા લોકોના અસ્તિત્વ સાથે કેવો ખિલવાડ કરે છે એની વાત છે. સંઘર્ષ અને સંજોગોમાંથી સંવેદનાપૂર્વક ઉપર ઊઠીને જીવનમાં આગળ વધવાની વાત કહેતી ફિલ્મ છે. 'મસાન' એવી ટેક્સ્ટબુક ફિલ્મ છે જે વધુ એક દાખલો બેસાડે છે કે સાંપ્રત સમસ્યાઓ સામે નિસબતપૂર્વક સવાલ ઉઠાવીને મનોરંજક ફિલ્મ બનાવી શકાય છે.
'મસાન'માં દુષ્યંતકુમારની રચના 'કિસી રેલ સી ગુઝરતી હૈ...'ને રજૂ કરવામાં આવી છે, પણ બારીકાઈથી જોશો તો સમગ્ર ફિલ્મ દુષ્યંતકુમારની રચના'સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કી યે સૂરત બદલની ચાહીએ' ને વફાદાર છે.
દુષ્યંતે નવા દૃષ્ટાંતો સાથે રોમેન્ટિક ગઝલો લખી છે, પણ મૂળે તેની ગઝલોનો સ્વભાવ વિદ્રોહ રહ્યો છે. તેમની રોમેન્ટિક રચનાઓમાં પણ ટિપિકલ શણગાર નથી હોતો. ક્યારેક તેમના રોમેન્ટિસીઝમમાં પણ વિદ્રોહ ઝળકે છે.
 મશહૂર શાયર નિદા ફાઝલી(નિદા ફાઝલી શાયર છે, ગીતકાર નહીં) એક વખત મુશાયરા સબબ ઉત્તર પ્રદેશના બિજનૌર ગયા હતા. બિજનૌરમાં નગરભ્રમણ એટલે કે સાઇટ સીઇંગ દરમ્યાન તેમને પથ્થરની ઠોકર વાગી. સાથી રાહગીરે તેમને સંભાળ્યા અને કહ્યું કે, "હુજૂર, યહ બિજનૌર હૈ... યહાં કી હર ચીઝ કાબિલે ગૌર હૈ."
એ પછી નિદા ફાઝલીએ એક લેખ લખ્યો. લેખ દુષ્યંતકુમાર વિશે હતો અને દુષ્યંતકુમાર બિજનૌરના હતા. નિદા ફાઝલી લખે છે, "દુષ્યંતની દૃષ્ટિ એના યુગના નવી પેઢીના ગુસ્સા અને નારાજગીથી નિર્માણ પામી છે. એ ગુસ્સો અને નારાજગી એ અન્યાય અને રાજકારણના કુકર્મોની સામે નવા તેવરનો અવાજ હતો. એ અવાજ મધ્યમવર્ગીય જુઠ્ઠાણાંનો નહીં પણ છેવાડાના લોકોની મહેનત અને દયાનો અવાજ હતો. દુષ્યંતની ગઝલોમાં એ માણસનો પડઘો છે જે માણસ અગાઉ કબીર, નઝીર અને તુકારામને ત્યાં જોવા મળ્યો હતો. જેણે નાગાર્જુન અને ધૂમિલના શબ્દોને ધારદાર બનાવ્યા હતા એણે જ દુષ્યંતની ગઝલોને ચમકાવી હતી." નાગાર્જુન અને ધૂમિલ હિન્દીના ઊંચેરા કવિ હતા. નઝીર અકબરાબાદી ઉર્દૂના મહાન શાયર હતા.
દુષ્યંતકુમારની મજા એ છે કે તેમણે એ વખતે આમ આદમીની ઝબાનમાં ગઝલ લખવાનું શરૂ કર્યું જ્યારે હિન્દીની ગઝલો પર ઉર્દૂ ઝબાનનો જબરો પ્રભાવ હતો. જેના વિદ્રોહને વાચા આપતા હો એને સમજાય એ રીતે લખાવું જોઈએ એ દુષ્યંતનો સૂર હતો. ઉર્દૂની ગઝલો પણ કાળાંતર વર્ષો સુધી ઇશ્ક, સાકી, બઝ્મ, તગાફુલ, બુલબુલ વગેરેમાંથી બહાર નીકળી નહોતી. દુષ્યંતે શાયરીને સીધી સિસ્ટમ સાથે જ શિંગડાં લેતાં શીખવ્યું.
દુષ્યંતકુમારની મજા એ પણ છે કે એમની ગઝલની ઝબાન સરળ છે, છતાં એના એક્સપ્રેશન્સ ફ્લેટ નથી. વિદ્રોહની કવિતાઓ ઘણી વખત ફ્લેટ હોય છે. વિદ્રોહની સાથે કાવ્યમાં સૂક્ષ્મ વિચાર હોય તો એ રચના લાંબી ટકે છે. દુષ્યંતકુમારની રચનાઓ કાળાંતર વર્ષ રાજ કરવાની છે એનું કારણ એનો વિદ્રોહ અને એમાં રહેલું દીર્ઘ ચિંતન છે.
 કોઈ પણ કલાકાર પછી એ સાહિત્યકાર હોય કે ફિલ્મમેકર હોય કે નાટયકાર હોય કે ચિત્રકાર, એની કલામાં જો વર્તમાનને વાચા ન હોય, બદીઓ સામે બળવો ન હોય તો એની કલા મર્યાદિત છે. એની રચનામાં પોલિટિક્સ ઓફ ધ આર્ટનું તત્ત્વ હોવું જ જોઈએ. દુષ્યંતકુમારની રચનાઓમાં ધ્યાનાકર્ષક બાબત એ જ છે. એમની રચનાઓમાં સરકારની બદીઓ સામે વિદ્રોહ છે. વિદ્રોહ તો બીજા ઘણાં કવિઓની રચનામાં હોય છે, પણ એ કવિઓનો સામાજિક, રાજકીય અને પરિસ્થિતિકીય અભ્યાસ ઓછો હોય છે. ઘણાં કવિઓ ફેશનેબલી રીતે વિદ્રોહી કવિતાઓ લખે છે, જે દુષ્યંતકુમારની ગઝલોની જેમ લાંબું જીવી શકતી નથી.
દુષ્યંતના સંગ્રહ 'સાયે મેં ધૂપ'ના અનેક શેર ૧૯૭૫-૧૯૭૭ની ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીને બયાન કરે છે. દુષ્યંતકુમાર ૩૦ ડિસેમ્બર, ૧૯૭૫ના રોજ અવસાન પામ્યા હતા. કટોકટી તો તેમના અવસાન પછી ૧૪ મહિના સુધી ચાલુ રહી હતી. જો તેઓ હયાત હોત તો વધુ રચનાઓ એને કેન્દ્રમાં રાખીને લખી હોત.
કટોકટી વખતે જયપ્રકાશ નારાયણ પર લાઠીચાર્જ થયો હતો. સરકારે એવો ખુલાસો કર્યો કે એ લાઠી તેમણે નથી ચલાવી. ત્યારે દુષ્યંતકુમારે જયપ્રકાશ નારાયણ માટે ગઝલ લખી હતી.
વો આદમી નહીં હૈ મુકમ્મલ બયાન હૈ,
માથે પે ઉસકે ચોટ કા ગહરા નિશાન હૈ.
ઇક સરફિરે કો યૂં નહીં બહેલા શકેંગે આપ,
યે આદમી નયા હૈ મગર સાવધાન હૈ.
સામાન કુછ નહીં, ફટે હાલ હૈ મગર,
ઝોલે મેં ઉસકે પાસ કોઈ સંવિધાન હૈ.
ઇન્દિરા ગાંધી પર વ્યંગ કરતી દુષ્યંતકુમારની આ રચનાનો અંડરટોન જુઓ.
મત કહો આકાશ મેં કોહરા ઘના હૈ,
યહ કિસી કી વ્યક્તિગત આલોચના હૈ.
દુષ્યંતકુમારની એ વિશેષતા રહી કે તેમણે ગઝલોને દેશની વર્તમાન પરસ્થિતિ સાથે જોડી. અગાઉ એવું કામ રામપ્રસાદ બિસ્મિલે કર્યું હતું. 'બિસ્મિલ'ને આજે પણ તેમની ગઝલથી જ યાદ કરવામાં આવે છે.
'સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ,
દેખના હૈ ઝોર કિતના બાજુએ કાતિલ મેં હૈ'
દેશપ્રેમની ગઝલો અને ગીતો આજે પણ લખાય છે, પણ સાંપ્રત અવ્યવસ્થા સામે વિદ્રોહ કરતી ગઝલો લખાતી નથી. ગુજરાતીમાં તો સાવ જ ઓછી લખાય છે. સામાજિક સરોકાર ધરાવતા બે-ચાર ગુજરાતી કવિઓને બાદ કરતાં કોઈ કવિની રચનામાં એ કૌવત નજરે પડતું નથી. આપણા મોટાભાગના ગઝલકારો સંવેદના અને સૌંદર્યમાંથી જ બહાર નથી આવ્યા. સામાજિક પરિસ્થિતિનો તેમનો અભ્યાસ પણ નથી.
દેશમાં હાંસિયામાં જીવતા લોકોની લાચારીના દુષ્યંતકુમાર પ્રવક્તા હતા. તેમના દબાયેલા સ્વરની અંદરનો ચિત્કાર દુષ્યંતકુમારે વફાદારીપૂર્વક વ્યક્ત કર્યો છે. જેને ગઝલમાં રુચિ હોય એણે દુષ્યંતકુમારને ન વાંચ્યા હોય એવું ભાગ્યે જ બની શકે. સાથે એ પણ ઉમેરવું રહ્યું કે જેણે દુષ્યંતકુમારને વાંચ્યા હોય એ તેનાથી પ્રભાવિત ન થયા હોય એવું પણ ન બની શકે.
આઝાદી મળતાં જ નવી સવાર ઊઘડશે એવું સોનેરી સપનું દેશે આંખમાં આંજ્યું હતું, પણ એવું ન થયું. આઝાદી પછી સર્જાયેલી રાજકીય અને સામાજિક આપાધાપી અને દેશની વિશીર્ણ સ્થિતિ ઉપર દુષ્યંતે લખ્યું,
ખડે હુએ થે અલાવો કી આંચ લેને કો,
સબ અપની અપની હથેલી જલા કે બૈઠ ગયે.
આ જ પરિસ્થિતિનો અન્ય એક શેર જુઓ,
ઇસ શહેર મેં અબ કોઈ બારાત હો યા વારદાત
અબ કિસી ભી બાત પર ખૂલતી નહીં હૈ ખિડકિયાં
અને પછી સગવડિયા લોકો માટે તેમણે લખ્યું,
લહુલુહાન નઝારોં કા ઝિક્ર આયા તો,
શરીફ લોગ ઉઠે દૂર જા કે બૈઠ ગયે.
 
હિન્દીમાં તો દુષ્યંતે ગઝલ પર એવી મૌલિક મુદ્રા કંડારી છે કે દુષ્યંત પહેલાંની ગઝલો અને દુષ્યંત પછીની ગઝલો એવા અભ્યાસ થાય છે. કેટલાંક એવું માને છે કે હિન્દીમાં ગઝલનો વિકાસ થયો એ દુષ્યંતકુમારના આવ્યા પછી થયો છે. વળી, દુષ્યંતકુમારની ગઝલોમાં પણ ઉર્દૂ, ફારસી શબ્દોનો બહોળો ઉપયોગ છે. તેમણે ગઝલને હિન્દીનો લિબાસ પહેરાવ્યો છે એવું નક્કી કરીને ગઝલો નથી લખી. તેઓ એક વાતે સ્પષ્ટ હતા કે ગઝલ આમ આદમીને કેન્દ્રમાં રાખીને લખાવી જોઈએ અને તેમને સમજાય એ શૈલીમાં લખાવી જોઈએ. ગાંધીજી કહેતા કે ભાષા કોસિયાને પણ સમજાઈ જાય એવી હોવી જોઈએ એ વાતને દુષ્યંતકુમારે બખૂબી ગઝલની બાનીમાં ઉતારી છે. દુષ્યંતકુમારે કહ્યું હતું કે, "હિન્દી અને ઉર્દૂ પોતાના સિંહાસનમાંથી ઊતરીને આમ આદમી પાસે આવે છે ત્યારે એમાં કોઈ ફર્ક કરવો મુશ્કેલ બની જાય છે."
 સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કી યે સૂરત બદલની ચાહિયે. આ પંક્તિઓ એટલી મશહૂર થઈ ચૂકી છે કે મોટાભાગનાં આંદોલનોમાં લોકો એને લલકારતા હોય છે અને આ પંક્તિઓના પોસ્ટર લઈને ફરતા હોય છે. કેટલીક વખત તો એવું પણ જોવા મળે કે ચૂંટણીપ્રચારમાં બે વિરોધી પાર્ટીઓ આ એક સ્લોગન લઈને પ્રચાર કરતી હોય છે.
દુષ્યંતકુમારે ગઝલ ઉપરાંત નાટકો, વાર્તા, નવલકથા, સંસ્મરણો, રેડિયો રૂપક વગેરે ઘણું લખ્યું, પણ એ લોકોમાં વધુ પ્રચલિત થયા ગઝલકાર તરીકે. તેમણે ટોલ્સ્ટોયની એન્ના કેરેનીના જેવી મહાન નવલકથાનો હિન્દી અનુવાદ પણ કર્યો છે.
વિદ્રોહ અને સિસ્ટમની અવ્યવસ્થા વચ્ચેય દુષ્યંતકુમારે ક્યારેય આશાવાદ મૂક્યો ન હતો અને ગાયું હતું કે,
હો ગઈ હૈ પીર પર્બત સી પીઘલની ચાહિયે.
ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહિયે.
મેરે સીને મેં ના સહી તો તેરે સિને મેં સહી,
હો કહીં ભી આગ, આગ જલની ચાહિયે.
 
દુષ્યંતકુમારની જે ગઝલની પ્રથમ બે પંક્તિઓ પરથી વરૂણ ગ્રોવરે ફિલ્મ 'મસાન'માં ગીત લખ્યું હતું એનાથી લેખની શરૂઆત થઇ હતી. હવે લેખના અંતમાં દુષ્યંત કુમારની એ મૂળ ગઝલ વાંચો...
 
તુ કિસી રેલ સી ગુઝરતી હૈ,
મૈં કીસી પુલ સા થરથરાતા હું
એક જંગલ હૈ તેરી આંખો મેં,
મૈં જહાં રાહ ભૂલ જાતા હું
હર તરફ ઐતરાઝ હોતા હૈ,
મૈં અગર રોશની મેં આતા હું
મૈં તુજે ભૂલને કી કોશીશ મેં,
અપને કિતને કરીબ પાતા હું - દુષ્યંત કુમાર




દુષ્યંત કુમારની કેટલીક ગઝલ

એક ગુડિયા કી કઈ કઠપૂતલિયોં મેં જાન હૈ,
આજ શાયર યે તમાશા દેખકર હૈરાન હૈ.
 
કલ નુમાઇશ મેં મિલા વો ચીથડે પહને હુએ,
મૈંને પૂછા નામ તો બોલા કિ હિન્દુસ્તાન હૈ.
 
મુજમેં રહતે હૈં કરોડોં લોગ, ચૂપ કૈસે રહું,
હર ગઝલ અબ સલ્તનત કે નામ એક બયાન હૈ.

- - - - 
 
 ઇસ નદી કી ધાર મેં ઠંડી હવા આતી તો હૈ,
નાવ જર્જર હી સહી, લહરોં સે ટકરાતી તો હૈ.
 
એક ચિનગારી કહીં સે ઢૂંઢ લાઓ દોસ્તોં,
ઇસ દીયે મેં તેલ સે ભીગી હુઈ બાતી તો હૈ.
 
એક ખંડહર કે હૃદય સી, એક જંગલી ફૂલ સી,
આદમી કી પીર ગૂંગી હી સહી, ગાતી તો હૈ.
- - - - -
 
તુમ્હારે પાંવોં નીચે કોઈ ઝમીં નહીં,
કમાલ યે હૈ કિ ફિર ભી તુમ્હેં યકીં નહીં.
 
મૈં બેપનાહ અંધેરોં કો સુબહ કૈસે કહું,
મૈં ઇન નઝારોં કા અંધા તમાશબીન નહીં.
 
તેરી ઝુબાં હૈ જૂઠી જમ્હુરિયત(લોકશાહી) કી તરહ,
તૂ એક ઝલીલ-સી ગાલી સે બહતરીન નહીં.

Article link
http://www.sandesh.com/article.aspx?newsid=3104697