Sandesh - Ardh Saptahik Purti - 30 September 2015
છપ્પનવખારી : તેજસ વૈદ્ય
"ભલાઈ સાથે જ્ઞાાનનો સુયોગ સાધવો જોઇએ. કેવળ ભલાઇ ઝાઝી ઉપયોગી નથી. માણસ પાસે સૂક્ષ્મ વિવેકશક્તિ હોવી જોઇએ. એ સારાસારવિવેક આધ્યાત્મિક હિંમત અને ચારિત્ર્યનો સહોદર છે. કટોકટીને પ્રસંગે, ક્યારે બોલવું અને ક્યારે મૌન સેવવું, ક્યારે પ્રવૃત્ત થવું અને ક્યારે ન થવું એ માણસે જાણવું જોઇએ."
મનુષ્ય એક પ્રાણી છે અને પ્રાણીમાંથી મનુષ્ય તરીકે તે પોતાના વિવેક અને અહિંસા દ્વારા નોખો પડે છે, મનુષ્ય બને છે. મનુષ્ય એ પ્રાણી હોય તો પ્રાણી માટે હિંસા એક સ્વાભાવિક લક્ષણ હોય છે, તેથી હિંસા માણસનું સ્વાભાવિક લક્ષણ છે. માણસ જેટલો વિવેકી અને અહિંસક બનતો જાય એમ એમ તે ખરા અર્થમાં માણસ બને છે. માત્ર બાખડી પડવું એ જ હિંસા નથી. હિંસાના ઘણાં સ્વરૃપ હોય છે. સોશિયલ મીડિયા જેવા કે ટ્વિટર, ફેસબુક પર પણ તમને હિંસાનાં ઢગલાબંધ ઉદાહરણો મળશે. કોઇની કોમેન્ટ ન ગમે કે તેની સાથે સહમત ન હોય ત્યારે તેના પર તોછડાઇપૂર્વક તૂટી પડવું એ હિંસા જ છે. મુદ્દા ટાંક્યા વગર વાતચીતમાં કોઇને ઉતારી પાડો તો એ હિંસા છે. અસહમતી શબ્દો દ્વારા અણછાજતી રીતે પ્રગટ કરવી એ હિંસા છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે અસહમત હોઇ શકે પણ વાત વિવેકપૂર્વક રજૂ થાય એમાં માણસાઇ રહેલી છે. મુદ્દા ટાંક્યા વગર માત્ર તોછડાઇપૂર્વક વર્તવું એ તો હિંસા છે જ પણ મુદ્દા ટાંકીને પણ તોછડાઇપૂર્વક વર્તવું એ પણ હિંસા જ છે. માણસ જ્યારે તોછડાઇપૂર્વક પાડી દેવાના ઇરાદા સાથે જ ઊતરી પડે ત્યારે તેની પાસે મુદ્દા સાચા હોય તો પણ એ ખોટો જ ઠરે છે. એની શાબ્દિક હિંસા પાછળ તેના તર્ક પછી ઢંકાઈ જાય છે, તેથી જ ગાંધી આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ભેદભાવ, શોષણ, પૂર્વગ્રહ વગેરે હિંસાના જ સ્વરૃપ છે. જે રીતે સમાજમાં સહનશીલતા ઘટી રહી છે એ જોતાં ગાંધી વધારેને વધારે પ્રસ્તુત થતા રહેશે. અહિંસાના વિચારની ઝીણાશ સમજવા માટે જગતે હજી લાંબી મજલ કાપવાની છે. મહત્ત્વની વાત એ છે કે અહિંસા એવા મહત્ત્વપૂર્ણ વિચાર તરીકે સામાજિક વ્યવહારમાં પ્રગટી ચૂક્યો છે કે જેને કોઇ અવગણી શકે એમ નથી. ગાંધીએ અહિંસાને સમાજજીવનમાં એવી રીતે વણીને દાખલો બેસાડી દીધો છે કે જગતના દરેક સામાજિક અને આર્થિક અન્યાયની અહિંસાની એરણે સમીક્ષા થાય છે. આનંદની વાત એ છે કે આ દિશામાં ઝીણી પણ ચોક્કસ પ્રગતિ થઇ રહી છે, આમ પણ કોઇ વિચારને સમાજમાં સેટ થતા એટલે કે સ્થાયીભાવ કેળવતાં દાયકાઓ લાગે છે. ઉતાવળે જો આંબા પણ ન પાકતા હોય તો વિચાર તો ક્યાંથી પાકે?
અહિંસા એટલે અમલમાં મુકાયેલો શુદ્ધ પ્રેમ
અણછાજતા શબ્દો કોઈ માટે ન વાપરવા કે કોઇની સામે હથિયાર ન ઉઠાવવાં એટલો સાદો અને સ્થૂળ અર્થ અહિંસાનો નથી. અહિંસા એટલે નિતાંત પ્રેમ. પ્રેમનું ભર્યુંભાદર્યું સ્વરૃપ એટલે અહિંસા. તમે અને હું ઓફિસમાં સાથે કામ કરતા હોઇએ. કોઇ એવા સંજોગ ઊભા થયા હોય જેમાં તમને કોઇ વાતે મારી સાથે વાંધો પડયો હોય, મારો એવો ઇરાદો ન હોય છતાં તમને વાંધો પડયો હોય એ પછી તમે મારી સામે ગેમ રમો અને હું હેરાન થાઉં, હું હેરાન થતો જ રહું, મને ગેમની ખબર હોય, હેરાનગતિ થતી હોય, હું સમસ્યા ઉકેલવા પ્રયાસ કરૃં છતાં તમારા પ્રત્યે સ્હેજેય કડવાશ ન રાખું એ અહિંસા છે. અહિંસામાં બંને પક્ષે જીત જ છે, હારની ક્યાંય ગુંજાઇશ જ નથી, કહો કે હાર અને જીત કરતાંય કોઇ ઊંચું પરિણામ અહિંસા આપે છે. તમારા ગેમપ્લાનનો ભોગ બન્યા પછી હું તમારા પ્રત્યે મનમાં કડવાશ રાખું તો એ કડવાશ સૌ પ્રથમ તો મને જ હેરાન કરવાની છે, હું જેને દુશ્મન માનં છું એને તો પછી કરશે. મારી કડવાશ દુશ્મનને હેરાન કરી શકશે કે કેમ એ પણ એક સવાલ છે, વળી એ રીતે કડવાશનું સામસામું સર્કલ ચાલ્યા કરે છે જે ક્યારેય પૂરુંં જ થતું નથી, તેથી બેમાંથી કોઇ એક અહિંસક બની જાય અને સામેવાળા પ્રત્યેની કડવાશ થૂંકી દે તો સામેવાળા પાસે તમને પ્રેમ કરવા સિવાય કોઇ વિકલ્પ બચતો નથી. વાચકને કદાચ અહિંસાની આ વાત આદર્શ લાગે પણ વ્યવહારમાં ઊગી નીકળેલું દરેક સારાપણું એક સમયે તો આદર્શ જ હોય છેને! અહિંસાને જીવનમાં ધીમે ધીમે કેળવવી પડે છે. આ રસ્તો થોડો લાંબો છે. સફળતાના તો હજી પણ શોર્ટકટ કદાચ હોઇ શકે પણ અહિંસાના કોઇ શોર્ટકટ નથી હોતા. અહિંસા લાંબા ગાળે ફળ દેતું વૃક્ષ છે. એ ફળ માટે ધીરજ જોઇએ. જાતમાં શ્રદ્ધા જોઇએ. પાત્રતા કેળવવી પડે, તો જ એની મીઠાશ માણવા મળે છે. કાચાપોચા લેભાગુ લોકો માટે અહિંસા શબ્દ કામનો જ નથી. અહિંસા માટે જિગર જોઇએ. આચરણમાં મુકાયેલી અહિંસાનો જવાબ માણસે પોતાની જાતને જ આપવાનો હોય છે, તેથી જ અહિંસા એટલે અમલમાં મુકાયેલો શુદ્ધ પ્રેમ.
અહિંસા શબ્દને અંગ્રેજીમાં નોનવાયલન્સ કહેવામાં આવે છે પણ એ અહિંસાનો સ્થૂળ તરજુમો છે. અહિંસા શબ્દનું વૈચારિક હાર્દ પકડી શકે એવો અંગ્રેજી શબ્દ હજી સુધી કદાચ શોધાયો નથી.
શ્રીમદ્ ભાગવતે અહિંસાને પરમ જ્ઞાાન કહ્યું છે
ઋગવેદ, અથર્વવેદ, યજુર્વેદમાં એવા ઘણા શ્લોકો છે જે અહિંસાની ભૂમિકા રચે છે. કેટલાક શ્લોકોમાં અહિંસા શબ્દ સીધો પ્રયોજાયો નથી પણ એની પાછળનું તાત્પર્ય અહિંસા છે. મહાભારતમાં તો અહિંસાનો ઉલ્લેખ આદિપર્વ અને અનુશાષનપર્વમાં રંગેચંગે થયો છે. અનુશાષનપર્વમાં અહિંસાનો મહિમા કરતો એક શ્લોક વાંચો,
અહિંસા પરમો ધર્મઃ અહિંસા પરમો તપઃ
અહિંસા પરમો સત્યં યતો ધર્મઃ પ્રવર્તતે.
અહિંસા પરમો ધર્મઃ અહિંસા પરમો દમઃ
અહિંસા પરમ દાનં, અહિંસા પરમ તપઃ
અહિંસા પરમ યજ્ઞાઃ, અહિંસા પરમો ફલમ
અહિંસા પરમં મિત્રઃ અહિંસા પરમ સુખમ.
શ્રીમદ્ ભાગવતમાં કહેવાયું છે કે અહિંસા પરમ જ્ઞાાનં, યોગવશિષ્ઠ અને બૃહસ્પતિ સ્મૃતિમાં પણ અહિંસાનો મહિમા ગવાયો છે.
મુદ્દો એ છે કે એ ધાર્મિક કર્મકાંડીઓએ અહિંસાને માત્ર પોથી પૂરતી જ સિમિત રાખી. અહિંસાને ધર્મવચન માન્યું પણ વ્યવહારમાં અહિંસાને અમલમાં ન મૂકી. મહાવીર અને બુદ્ધે અહિંસાને વ્યક્તિગત આચરણમાં મૂકી.
અહિંસા એ આમ તો બાહ્યાચારનો જ શબ્દ છે પણ સૂક્ષ્મ અર્થમાં એ શબ્દ નહીં પણ વિચાર છે. એની મજભૂત ભૂમિકા ગાંધીએ બાંધી.
અહિંસાનો ઉલ્લેખ છેક મહાભારતકાળથી મળે છે એ આપણે જોયું. જોકે મહાભારત અહિંસા કરતાં હિંસાથી ભરપૂર છે. કૃષ્ણ અહિંસાનું મહત્ત્વ જાણે છે. યુદ્ધ ન થાય એ માટેના ઘણા પ્રયત્ન કૃષ્ણ કરે છે, પોતે તો હથિયાર ઉઠાવતા જ નથી પણ નાછૂટકે અર્જુનને કહે છે કે હવે તું ગાંડીવ ઉઠાવ.
ગાંધીની મહાનતા એ છે કે તેમણે ન માત્ર કહી દેખાડયું બલકે કરી દેખાડયું કે અમે હિંસા નહીં, અહિંસાનાં શસ્ત્રથી પ્રતિકાર કરીશું. તમે અમારા પર લાઠી ચલાવો, અમને બંદૂકને ભડાદે ઠાર કરો પણ અમારા મનમાં તમારા માટે પ્રેમ જ હશે અને અહિંસક લડત ચાલુ રહેશે.
કોઇ અન્યાયી વ્યવસ્થા સામે લડાઇ મંડાય અને એવી લડાઇ વર્ષોનાં વર્ષ સુધી ચાલે. એમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને એ પણ વર્ષોનાં વર્ષો સુધી અકબંધ રહે, એ ગાંધીનો કરિશ્મો હતો. એ ગાંધી કરતાંય અહિંસાનો કરિશ્મો હતો. હિંસા ક્યારેય મોટા જનસમુદાયનું સાધન બની શકતી નથી. આંદોલનો તો ઠેર ઠેર થાય છે પણ એમાં શરૃઆતમાં જે જોર હોય છે એ દિવસે દિવસે ઓછું થવા માંડે છે, કારણ કે, સંખ્યાબળ ઘટવા માંડે છે. રોજ હિંસા લોકોને ફાવે નહીં અને ગમે પણ નહીં.
અમૃલાલ વેગડ કહે છે એમ જગતના ઇતિહાસમાં આવું ક્યારેય થયું નહોતું કે કોઇ માણસે અહિંસાનું 'રાષ્ટ્રીયકરણ' કર્યું હોય. ગાંધીએ પહેલી વખત સત્ય અને અહિંસાનો મોટેપાયે સફળતાપૂર્વક પ્રયોગ કર્યો. પહેલી વાર આમ જનતાનો અહિંસા સાથે ગાઢ સંબંધ બંધાયો હતો.
વિશ્વને ભારતની મહાન દેણ - અહિંસા
બુદ્ધ અને મહાવીરે અહિંસાને આચરણમાં બખૂબી ઝીલી. અહિંસાનો વિચાર જે ગ્રંથોમાં આદર્શ તરીકે જ વધુ અસ્તિત્વ ધરાવતો હતો એને મહાવીર અને બુદ્ધે વ્યક્તિગત આચરણનું અંગ બનાવ્યો. વૈદિક ધર્મમાં જ્યારે કર્મકાંડીઓ વેદના વિચારને અવગણીને માત્ર બાહ્યાચારમાં રચ્યાપચ્યા રહેવા માંડયા ત્યારે હિંસાનો અતિરેક થવા માંડયો હતો. યજ્ઞામાં પ્રાણીઓની આહુતિઓ અપાવા લાગી ત્યારે મહાવીર અને બુદ્ધે અહિંસાનો વિચાર લઇને આવવું પડયું હતું. બૌદ્ધ અને જૈન ધર્મે અહિંસાની પ્રતિષ્ઠા કરી. અશોકે કલિંગના યુદ્ધમાં થયેલા નરસંહારને જોઇને બુદ્ધનું દર્શન અપનાવ્યું અને અહિંસાની રાહ પકડી હતી, તેથી જ્યારે અહિંસાની વાત આવે છે ત્યારે મહાવીર અને બુદ્ધનાં નામ સૌથી પહેલાં લેવાય છે. બુદ્ધ અને મહાવીરની અહિંસા વ્યક્તિગત આચરણ પૂરતી મર્યાદિત હતી. એ પછી ગાંધી આવે છે. ગાંધી નહોતા આવ્યા ત્યાં સુધી અહિંસા વ્યક્તિગત મોક્ષપ્રાપ્તિનું સાધન ગણવામાં આવતી હતી. દાખલો બેસાડીને ગાંધીએ એનું વ્યાવહારિક મહત્ત્વ લોકો સમક્ષ મૂક્યું. ગાંધીએ એને સમાજપરિવર્તન અને આંદોલનનાં અંગ તરીકે વિકસાવ્યું. ગાંધીએ અહિંસાના વિચારને જેટલો વ્યાપક બનાવ્યો છે એટલો કોઇએ નથી બનાવ્યો. તેમણે અહિંસાને અન્યાયનો પ્રતિકાર કરવાનાં એક સુસંસ્કૃત સાધન તરીકે અમલમાં લીધી. આજે અમેરિકા જેવો સુપરપાવર દેશ અખાતના દેશો પર હુમલો કરે છે ત્યારે જગતમાં બધેથી તેની સામે વિરોધ ઊઠે છે એમાં ગાંધીની અહિંસાને ટાંકવામાં આવે છે. એ વાત અલગ છે કે અમેરિકા હુમલો તો કરી જ દે છે પણ અમેરિકા હુમલાની ટીકામાંથી બચતો નથી. હુમલાની દિશામાં કોઇ પણ પગલું ભલે અમેરિકા લે પણ એ પગલું સાહજિક રીતે કે સ્વાભાવિક રીતે નથી લઇ શકતો, એનું કારણ ગાંધીએ જગતને દેખાડેલો અહિંસક આંદોલનનો માર્ગ છે.
પહોંચમાં હોય, પકડમાં નહીં એ આદર્શ
આજે સમાજમાં એવા ઘણા નિયમ છે જેનું લોકો હસતે મોઢે પાલન કરે છે. એ નિયમો અમલમાં આવ્યા અગાઉ તો આદર્શ જ હોય છે. એ આદર્શ હોય છે ત્યારે એની ટીકા જ થાય છે. એ નિયમ લોકોને માફક નહીં આવે એવી ચર્ચા થાય છે. અમલમાં આવે ત્યારે શરૃઆતમાં પણ એની ટીકા થાય છે, પછી ધીમે ધીમે લોકો એનાથી કેળવાય છે, એ વ્યવહાર બને છે અને લોકોને એ સહજ લાગે છે, તેથી ગાંધીજી જ્યારે આફ્રિકાથી ભારત આવ્યા અને તેમણે અહિંસક રીતે સ્વરાજ મેળવવાની વાત કહી ત્યારે લોકમાન્ય ટિળક, આચાર્ય કૃપાલાણી સહિતનાં અનેક લોકોને એ વાત અવ્યવહારૃ લાગી હતી, જોકે પછી એનું સ્વરૃપ જોઇને ટિળક અને કૃપાલાણી એમાં જોડાયા હતા. આચાર્ય કૃપાલાણી તો બિહારના મુઝફ્ફ્રપુરની કોલેજમાં ઇતિહાસ ભણાવતા હતા. માર્ચ, ૧૯૧૫માં ગાંધીજી શાંતિનીકેતનમાં હતા ત્યારે કૃપાલાણી ગાંધીને મળ્યા ત્યારે કહ્યું કે હું તો ઇતિહાસ ભણાવું છું. મેં જગતમાં ક્યાંય જોયું નથી કે અહિંસક રીતે ક્રાન્તિ થઇ હોય. એ વખતે ગાંધીજીએ હસતાં હસતાં કહ્યું કે તમે ઇતિહાસ ભણાવો છો, હું ઇતિહાસ સર્જવાની વાત કરૃં છું. ત્યારપછી પછી કૃપાલાણી ગાંધીના આંદોલનમાં જોડાયા હતા.
આદર્શ એવો હોવો જોઇએ જે પહોંચમાં હોય, પકડમાં નહીં, એટલે કે આદર્શ સારુ કાંઈક ને કાંઈક પુરુષાર્થની તો જરૃર રહેવાની જ, જો એ હાથમાં હોય તો એને આદર્શ ન કહેવાય. વ્યવહાર કહેવાય. જે દૂર સુધી જવાનું જોખમ ખેડે છે એને જ માલૂમ પડે છે કે ત્યાં સુધી જઇ તો શકાય જ છે.
ગાંધીની કથા એક સાધારણ માનવીની કથા કેવી રીતે છે?
આપણા ઇતિહાસમાં કદાચ શ્રી કૃષ્ણનાં ચરિત્ર્ય પછી સૌથી વધુ નાટકીય પરિવર્તનોવાળું ચરિત્ર્ય ગાંધીનું જ હશે, એનાં જીવનમાં કેટકેટલા વળાકો આવ્યા છે! દીવાનનો દીકરો હરિજન કોલોનીમાં રહેવાનું પસંદ કરે છે, ચોરીછૂપીથી માંસાહાર કરનાર 'ધ વેજિટેરિયન' પત્રિકાનો સંપાદક બને છે. કેટકેટલીવાર એની ઉપર લગભગ પ્રાણઘાતક હુમલા થયા છે! સંખ્યાબંધ વાર એણે અનશન કર્યા છે. કેટલીયે જેલને એણે મહેલ બનાવી છે અને છેવટે એક મહેલને જેલ પણ બનાવ્યો છે. પોરબંદર, રાજકોટ ને વાંકાનેરમાં ઉછરનાર એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડનો વતની બને છે, એની કૂચોનાં પગલેપગલાંનું વૃત્ત લખવા દુનિયાના અનેક દેશોના ખબરપત્રીઓ દોડી કે ઊડી આવે છે અને છેવટે સુદીર્ઘ ભવ્ય જીવનને પણ ઝાંખું પાડી દે એવાં મરણને એ વરે છે. એ ચરિત્રનો નાયક કોઇ પારલૌકિક ચમત્કારોથી લોકોને ચમત્કૃત કરનાર મહાત્મા નથી. લાખોની મેદની ગજાવનાર ભાષણબાજ નેતા નથી. શાસ્ત્રાર્થમાં ભલભલા વિદ્વાનોને માત કરનાર એ કોઇ મહાપંડિત નથી. ગાંધીની કથા એક સાધારણ માનવી-તમારા-મારા જેવો જ માનવી જો સતત મથતો રહે તો કેટલે સુધી પહોંચી શકે છે તેની દાસ્તાન છે.
'...પણ એને જીવવા દેશે કોણ?'
૧૯૪૪ની વાત છે. પંચગીનીમાં ગાંધીજીના નિવાસની બહાર વિરોધીઓ સૂત્રોચ્ચાર કરતા આવી પહોંચ્યા. ગાંધીજીએ કહ્યું,"મારે એ લોકોને મળવું છે." પણ પેલા લોકો કહે," અમારે એમને મળવું નથી." પછી એ લોકોને પોલીસે પકડયા. તલાસી લીધી ત્યારે એક માણસ પાસેથી લાંબો છરો મળ્યો. એ માણસનું નામ હતું નથુરામ ગોડસે! ગાંધીજી હત્યા માટે ૧૪ વર્ષથી પ્રયાસ ચાલતા હતા અને આ છઠ્ઠો પ્રયાસ હતો. છમાંથી ચાર પ્રયાસોમાં ગોડસે હાજર હતો. ગાંધીજીએ ૧૯૩૭ - ૩૮માં ૧૨૦ વર્ષ જીવવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે નથુરામ ગોડસેએ
મરાઠી પેપર 'અગ્રણી'ના તંત્રી તરીકે તંત્રીલેખ લખ્યો, તેનું મથાળું હતું : '...પણ એને જીવવા દેશે કોણ?'
- નારાયણ મહાદેવભાઇ દેસાઇ
No comments:
Post a Comment