Monday, June 11, 2012

જયપુર ટપાલ


જયપુર એટલે જોયપુર. જયપુરની ગલીઓમાં કેડે થેલા અને ગળે કૅમેરા બાંધીને રખડતા અંગ્રેજો તમને અચૂક જોવા મળશે. અંગ્રેજો ભારત છોડીને ચાલ્યા ગયા પણ કેટલાક જયપુરમાં જ રહી ગયા હોય એવું લાગે. ગેરૂઆ રંગે રંગાયેલી ગુલાબી નગરી જયપુર પગે ચાલીને ને આંખો પહોળી કરીને જોવા જેવી નગરી છે. (આ વાત માત્ર જૂના જયપુરને જ લાગુ પડે છે. નવું જયપુર અમદાવાદના સેટેલાઇટ જેવું કે મુંબઇના અંધેરી કે મલાડ જેવું છે. જેની પોતાની કોઇ સાંસ્કૃતિક ઓળખ નથી. જૂના અમદાવાદ અને તળ મુંબઇની પોતાની આગવી સાંસ્કૃતિક ઓળખ છે) જયપુર જોવું હોય તો રીક્ષા કે કારમાં નહીં ફરવાનું ચ્યવનપ્રાશ ખાઇને વિનોબા ભાવેની જેમ ચાલતા નીકળી પડવાનું. ગુલાબી નગરીની ગલીએ ગલીએ અવનવા આશ્ચર્ય તમને કેમ છો કહેશે. પ્રસ્તુત છે ગુલાબી નગરીના જાનીવાલીપીનારા રંગો

અજમેરી દરવાજો

મહારાજા જયસિંહે બાંધેલા જયપુર એટલે કે ગુલાબી નગરીને સાત દરવાજા છે. જેમાંનો આ અજમેરી દરવાજો છે. સાતેય દરવાજા રંગ અને રૂપરેખામાં મળતાવડા છે. દરેક દરવાજા પર સાંગાનેરી ડિઝાઇન ચીતરવામાં આવી છે. સાંગાનેર રાજસ્થાનનું એક ગામ છે જેની ટૅક્સટાઇલ પ્રિન્ટ ખૂબ જાણીતી છે. સાંગાનેરી હેન્ડ બ્લૉક પ્રિન્ટનું ડ્રેસ મટીરીયલ પણ જયપુરમાં ખૂબ વેચાય છે. જે આપણા કચ્છી બ્લૉકપ્રિન્ટની ડીઝાઇનને મળતું આવે છે. 




સાંગાનેરી પેઇન્ટિંગ્સથી શોભતો અજમેરી દરવાજો



હવા મહેલ

એક જમાનામાં આ મહેલના શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણીઓ બેસતી હતી


ઇનસાઇડ :  હવામહેલનો નકશીદાર ઝરૂખો
હવામહેલની ટોચની બારીએથી નીચે નિહાળતો ટાબરીયો


ડોકિયા કરવાની મજા...... ......હવામહેલમાંથી આવે એટલી કદાચ ભારતભરમાં કોઇ ઠેકાણેથી નહીં આવતી હોય. કારણકે એમાં 953 ઝરોખા છે. હવા મહેલ નામનો એક કાર્યક્રમ રેડિયામાં આવતો હતો. જયપુરના હવામહેલ પર પહેલી નજર પડી એટલે મનમાં રેડીયોનું રૅગ્યુલૅટર ઘુમી ગયું. જેના વિષે ખૂબ સાંભળ્યું હોય અને ફોટામાં જ નિહાળ્યા હોય એવી વ્યકતિ કે વસ્તુને રૂબરૂ જોઇએ એટલે શરીરમાં શેરડો પડી જાય. હવામહેલને જોતાં આવું જ થયું હતું. 1799માં 
રાજા સવાઇ પ્રતાપસિંહે બનાવેલા હવામહેલનું ડિઝાઇનીંગ લાલચન્દ ઉસ્તાદે કર્યું હતું. રાજાની રાણીઓ લોકો વચ્ચે ન જઇ શકે તેથી તેમના માટે ઝરોખાવાળો હવામહેલ બાંધલામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ  ઝરૂખે બેઠીને ઝીણકી બારીઓ ઉઘાડીને રાણીઓ શહેરની સરગમ નિહાળતી રહેતી હતી. હવે દસ રૂપિયાની ટિકિટ લઇને મારા – તમારા જેવા પ્રવાસીઓ રાણીની બારીમાંથી ડોકીયા કરવાનું 
રજવાડું ભોગવે છે. 
બૅકસાઇડ :  હવામહેલ

















જલમહેલ

જયપુરના તળાવમાં 1799માં તરતો મૂકાયેલા આ મહેલની રખેવાળી હવે તાજ હોટેલ્સ(તાતા ગૃપ) કરશે. આવતા વર્ષે આ મહેલ બાર કમ રૅસ્ટોરાંનું સ્વરૂપ ધારણ કરવાનો છે

જલકમલવત્ જલમહેલ





























આમેરનો કિલ્લો

આ છે જયપુરનું મહત્વપૂર્ણ પર્યટનચુંબક. હજારો માણસો રોજ આ કિલ્લાની મુલાકાત લે છે. આ કિલ્લો એટલો ભાતીગળ અને ભવ્ય છે કે એ જોવા માટે એક દિવસ ટૂંકો પડે. આમેરના કિલ્લામાં તળાવ છે. શીશ મહેલ છે. મંદિર છે. બીજું ઘણું બધું છે. મારી સાથે ગાઇડ હતો એ કહેતો હતો કે પરંપરા છે કે રોજ બકરાની બલી ચઢે એ પછી જ કિલ્લો ખુલે છે. ખરાઇ કરવા કિલ્લામાં કામ કરતા સુરક્ષાકર્મીને મેં પૂછ્યું તો તેણે પણ આ વાત કબૂલી !      




અજર અમર આમેર

કિલ્લાની લીલા અપરંપાર


 પ્યાઉ
પાણી દા અસલી રંગ !
અમદાવાદમાં એવી ઘણી નાસ્તાલારી છે કે જ્યાં નાસ્તો કર્યા બાદ પાણી માગવામાં આવે તો લારીવાળો કહી દે છે કે પાણી નહીં ભઇ, પાણીનું પાઉચ લઇ લ્યો.(એટલે કે ખરીદી લ્યો). મુંબઇમાં રસ્તે ચાલતા ચાલતા થાકો ત્યારે પાણીનું પરબ શોધ્યું ન જડે. જયપુરમાં મને ગમેલા દ્રશ્યોમાંનું એક દ્રશ્ય આવી પરબડીનું છે. સૂકા પાનની ઝૂંપડીમાં અંદર માટલાં ભરીને ભાઇ કે બહેન બેઠા હોય. કાળે તડકે કોઇ આવે તો ત્રાંબાના કળશ્યો ઠલવીને આ રીતે તરસ ઠારે. ગ્લાસ ન હોય. આ રીતે હથેળી વાળીને જ પાણી પીવાનું. ઠેર ઠેર આવી પરબ ત્યાં જોવા મળે. 



સ્કુલ – કૉલેજ અને કચેરીઓ

જૂના જયપુરની દરેક ઇમારત એની સાંસ્કૃતિક એમ્બેસેડર છે. સ્કુલો – કૉલેજો પણ એવી રીતે કંડારાયા છે કે બહારથી એવું લાગે કે જાણે એ સ્કુલ કે કૉલેજ છે જ નહીં. પોલીસ કમીશનરની કચેરી પણ બહારથી કોઇ મ્યુઝિયમ જેવી લાગે. 


આ ખાખીવાળો ફોટામાં ન હોત તો તમે ફોટામાં જે ઇમારત દેખાય છે એને પોલીસ કમીશનરની કચેરી માનત ખરા ? :)


જોઇને જ પ્રેમમાં પડી જવાય એવું આ છે કન્યા વિદ્યાલય 




........અને આ છે કૉલેજ



પૅડલ રીક્ષા

પૅડલરીક્ષા :  હાથના નહીં પગના બાવડે પેટીયું રળતા લોકો

સાયકલની શોધ એ માણસે કરેલી ઉત્તમ શોધોમાંની છે અને સાઇકલરીક્ષાની શોધ એ માણસે કરેલી કનીષ્ઠ(એટલે કે બકવાસ) શોધોમાંની એક છે. કોઇ એક માણસ હાંફતો હાંફતો પૅડલ મારતો હોય અને પાછળ બે જણા મસ્તીથી બેઠા હોય એ દ્રશ્ય જ કરૂણ છે. મ્યુઝિયમો અને વહી ગયેલા રાજાઓના રહી ગયેલા મહેલોમાં ભવ્ય દેખાતા જયપુરમાં ગરીબી ખૂબ છે. સ્ટેશનની બહાર નીકળો એટલે સાયકલરીક્ષાવાળા વિંટળાઇ વળે. સાઇકલરીક્ષામાં બેસવું એ પાપ છે એમ વ્યક્તિગતપણે હું માનું છું. પરંતુ જે રીતે વીંટળાઇ વળેલા પેડલ રીક્ષાવાળા સાબ, બૈઠ જાઇએ બૈઠ જાઇએ. દશ રૂપિયે કમ દે દેના એવી આજીજી કરતા તમારી પાછળ અડધે સુધી આવે ત્યારે તેને ના પાડતાય જીવ ન ચાલે. ના અને હા વચ્ચે કોઇ મોટા ધર્મસંકટમાં મૂકાયા હોય એવું લાગે.
પેડલ મારી મારીને પૅડલરીક્ષા ચલાવનારાના પેટ અંદર ઉતરી ગયા હોય છે. ફાંદવાળો સાઇકલરીક્ષા ચલાવનારો તમે ક્યારેય નહીં જોયો હોય. જયપુરમાં મેં એવા પણ કેટલાક મોટી ઉંમરના પૅડલ રીક્ષાવાળાઓને જોયા જેમણે બંને પગે ગોઠણ અને પીંડીની વચ્ચે કસીને કપડું બાંધ્યું હતું. પગને ઉંમરનો થાક ન લાગે અને ઢળતી  ઉંમરે પણ પગ પૅડલ મારતા રહે એ માટે કદાચ તેમણે આમ કર્યું હશે.
મીઠાના અગરમાં કામ કરતો અગરીયો મરે છે અને તેને અગ્નિદાહ અપાય છે ત્યારે આખું શરીર તો બળી જાય છે પણ તેના પગ ઝટ બળતા નથી. મીઠાના અગરમાં કામ કરી કરીને તેના પગ એવા થઇ જાય છે કે આગ પણ તેને ઝટ અસર કરતી નથી. પૅડલ મારીને જીવતરની સાઇકલ ગબડાવતા આ પૅડલરીક્ષાવાળાના પગ પણ કદાચ અગરીયાઓની જેમ જ કદાચ ઝટ બળતા નહીં હોય !

તેજસ વૈદ્ય, મુંબઇ







6 comments:

  1. બ્લોગ બેઠા ગંગા તે આનુ નામ
    આશુતોષ વ્યાસ

    ReplyDelete
    Replies
    1. આશુતોષ, થૅન્ક યુ દોસ્ત.

      Delete
  2. તેજસ-----ઘેર બેઠા બેઠા જયપુરની સફર કરાવી દીધી....બહુ સરસ છબીઓ....અને લખાણ પણ સરસ.હજી વધું લખ્યું હોત તો સારું એમ લાગે છે.

    ReplyDelete
    Replies
    1. રાજુભાઇ - થૅનક્સ ફોર હોંસલા અફઝાઇ. :)

      Delete
  3. આમેરની યાદ ફરી અપાવી અને હા બાજુનો જયગઢનો કિલ્લો પણ જોવા લાયક છે. કેવો યોગાનું યોગ કે આજે જન્નત નશીન થયેલા મેહદી હસ્સનના પૂર્વજો આમેરમાં ગાયન કરતા

    ReplyDelete
  4. હા રાજેશ, સુંદર સંદર્ભ યાદ કર્યો તે. કલાવંત કબીલાના મેહદી હસન સાહેબના વડવાનું ઘર આમેરના કિલ્લામાં હતું. મેહદીસાહેબે બાળપણના છ કે આઠ વર્ષ રાજસ્થાનમાં વિતાવ્યા હતા. તેમના સંગીતના સંસ્કાર ત્યાંથી જ ઘડાયા હતા. રાજસ્થાન સાથે તેમને ખૂબ લગાવ હતો એ વાત પણ તેમણે બીબીસી ને આપેલા ઇન્ટરવ્યુમાં કહી હતી.

    ReplyDelete