Wednesday, June 27, 2012

જોધપુર ટપાલ




જોધપુર એટલે મીરચી વડા અને પ્યાજની કચોરીનું શહેર. જોધપુર એટલે ચૂનામાં ગળી ઝબોળી મકાનોને વાદળીયા રંગના વાઘા પહેરાવતું શહેર. કોમન મીનીમમ પ્રોગ્રામ એટલે કે લઘુતમ સાધારણ અવયવ તરીકે કિલ્લાઓને બાજુ પર મૂકો તો રાજસ્થાનના દરેક શહેર પાસે પોતાની આગવી તાસીર છે. જયપુરવાળી બ્લૉગપોસ્ટમાં કહ્યું હતું એણ આ વાત જૂના શહેરોને જ લાગુ પડે છે. નવા શહેરો રીમીક્સ સોન્ગ જેવા સ્ટીરીયો ટાઇપ હોય છે.
જોધપુરને સૂર્યનગરી પણ કહે છે. કારણકે, જોધપુરનો ઉનાળો અમદાવાદ સાથે રેસમાં ઉતર્યો હોય એવો ગરમાગરમ હોય છે. ગરમીથી બે – પાંચ ટકા રાહત મળે એ માટે મકાનોને બહારથી વાદળી રંગે રંગવામાં આવે છે.
જોધપુર વર્ટીકલ નહીં, પણ હોરિઝોન્ટલ વિકસેલું શહેર છે. તેથી જ કિલ્લાના કાંગરેથી નીચે ફેલાયેલું શહેર નિહાળીએ એટલે આંખોને ઓચ્છવ જેવું લાગે છે. સારી વાત એ છે કે એપાર્ટમેન્ટનો ડિપાર્ટમેન્ટ હજી ત્યાં વિકસ્યો નથી. બંગલા અને ટેનામેન્ટનું પ્રચલન છે.
જોધપુરના સૌથી મોટા બે આકર્ષણ છે. મેહરાનગઢ કિલ્લો અને ઉમેદ ભવન. મારે મન જોધપુરનું સૌથી મોટું આકર્ષણ જૂનું જોધપુર ગામ એટલે કે વૉલ્ડ સીટી છે. ઝીણી ઝીણી ગલીઓમાં ગૂંથાયેલું જોધપુર ગામ કોઇ કલાત્મક ભૂલભૂલામણી જેવું લાગે છે. જોધપુરની એ ગલીઓમાં જૂનાગઢની ઝાંખી થાય. જે જગ્યાએ પહોંચીને મારી ઉમેદો પર પાણી ફરી વળ્યું એનું નામ ઉમેદ ભવન. ઘણી હિન્દી ફિલ્મોમાં દર્શાવાયેલું તેમજ અરૂણ નાયર અને લીઝ હર્લી જ્યાં ફેરા ફર્યા હતા એ ઉમેદ ભવન બહારથી ખૂબ ભવ્ય છે. અંદરથી પણ ભવ્ય છે. આંચકો એ વાતનો લાગે છે કે ઉમેદ ભવન હોટેલમાં બદલાઇ ગયું છે. પર્યટન માટે ઉમેદ ભવનની બે – ત્રણ ગૅલેરીઓ ખુલ્લી રાખવામાં આવી છે. જેમાં ભાલા – તલવારો, જૂની ઘડીયાળો અને રાજા મહારાજાઓના ફોટા છે. રાજસ્થાનના મોટા ભાગના કિલ્લાઓ અને મ્યુઝિયમોમાં આ બધી વસ્તુઓ જોવા મળે જ છે. તેથી માત્ર ભાલા અને ઘડીયાળો જોવા માટે ઉમેદ ભવન સુધી લાંબુ થવું મને ગેરવાજબી લાગ્યું.
જોધપુરનો કિલ્લો અદભૂત છે. વિગતમાં ઉતર્યા વગર માત્ર ઉપરછલ્લી નજરે જોઇએ તો પણ કિલ્લો કલાકો લઇ લે એવો છે. કિલ્લાઓની કેવી રીતે માવજત કરવી અને પર્યટકોને કઇ રીતે ખેંચવા એ ગુજરાત અને મહારાષ્ટ્રની સરકારોએ રાજસ્થાન પાસેથી શીખવા જેવું છે.   
યુ ટર્ન લઇને મીરચી વડા અને પ્યાજની કચોરી પર પાછો આવું છું.  કાઠિયાવાડ ગાઠિયા માટે, અમદાવાદ દાળવડા માટે, સુરત લોચા માટે અને ડાકોર ગોટા માટે વખણાય છે એમ જોધપુરની સિગ્નેચર નાસ્તા આઇટેમ્સ મીરચી વડા અને પ્યાજની કચોરી છે. મીરચી વડા એટલે મરચાના ભજીયાની વેલ્યુ એડેડ આવૃત્તિ. બાફેલા મોટા મરચાની અંદર  મસાલો ભરીને એને તળવામાં આવે છે. મીરચી વડાની વિશેષતા એનો મસાલો છે. એવી જ રીતે પ્યાજ ઉર્ફે ડુંગળી ઉર્ફે કાંદાની કચોરી પણ જોધપુરની ચાખવાલાયક વરાયટી છે. જોધપુર જાવ તો આ બે વસ્તુ જરૂર ખાજો. વર્ષો પછી જોધપુર યાદ કરશો તો એનો સ્વાદ પણ સાંભરશે.

તેજસ વૈદ્ય, મુંબઇ 

કિલ્લાની રાંગ પરથી દેખાતો જોધપુરનો કોટવિસ્તાર






આસમાની સુલતાની



મેહરાનગઢ કિલ્લો - રાત્રિશ્રૃંગાર



વાંચો,વાંચો...

















સોનેરી છત પર કોઇની નજર ન લાગે એ માટે કાળાં ફૂમતા લગાડવામાં આવ્યા છે








































2 comments:

  1. ન જોયેલા જોધપુરના જોશભેર દર્શન કરાવવા બદલ ખુબ ખુબ આભાર
    અને હા તમારો ફોટો પણ બ્લુ રંગોના કપડામાં મસ્ત આવ્યો છે

    ReplyDelete
  2. જોધપુરી મકાનોના રંગે રંગાઇ જવું પડે ને !

    ReplyDelete