‘ગામમાં ચાની ટપરી પર બેઠા બેઠા કેટલાક લોકો
ટીવી જુએ છે. ક્યોંકિ સાસ ભી કભી બહુ થી સીરીયલ ટીવી પર આવે છે. ટીવી પર ઓપનીંગ
ક્રેડીડ્સ સાથે કેમેરો આખા ઘરમાં ફેરવીને સ્મૃતિ ઇરાની પરિવારના બધા કિરદારોની ઓળખ
કરાવતી હોય છે. ત્યાં જ ધણ ધણ કરતી ગોળીઓ છૂટે છે. ટીવી બંધ થઇ જાય છે અને ચાની
ટપરીમાં દોડા દોડ થઇ જાય છે. થોડી વારમાં સોપો પડી જાય છે.’
આ
પહેલા જ સીનથી અનુરાગ નામનો કશ્યપ પોતાની ફિલ્મની મહોર મારી દે છે. ગાળો અને ગોળી
ફિલ્મમાં પહેલા સીનથી લઇને છેલ્લા સીન સુધી ધાણીની જેમ ફૂટતા રહે છે. હિન્દી
ફિલ્મોમાં બાયોપિક સિવાય રીસર્ચને ઝાઝું મહત્વ નથી અપાતું. ગૅન્ગ્સ ઓફ વસેપુરનું સૌથી મજબૂત પાસું તેનો
રીસર્ચ છે. ફિલ્મમાં કેટલીક બાબતોનું ડિટેલીંગ સીદી સૈયદની જાળીની જેમ એવું બારીક
કરવામાં આવ્યું છે કે ફિલ્મ સૂક્ષ્મદર્શક યંત્રમાં ડુંગળીના કોષ જોતા હોઇએ એમ
નિહાળવી પડે. એ જ ફિલ્મની મજા છે, નહીંતર રેફરન્સ છટકી જાય. મોબાઇલ પર મેસેજ
વાંચતા રહો કે મોબાઇલ પર વાત કરવા થોડી ક્ષણ થીએટરની બહાર જાવ એટલે ગોથું ખાઇ
જવાય.
ફિલ્મમાં
ડ્રામાના ધોધ વચ્ચે ડૉક્યુમેન્ટ્રીનો ડોઝ એટલો ફાઇનટ્યુન કરવામાં આવ્યો છે કે બંને
એકબીજાના પૂરક લાગે છે અને ફિલ્મનો પ્રવાહ આગળ ધપાવે છે. ધનબાદની કોલસાની ખાણો,
ખાણો પર રાજ કરતા લાલાઓ, દેહાતના લોકો પર તડક ભડક હિન્દી ફિલ્મોનો પ્રભાવ વગેરે
બાબતો સરસ રીતે ઝીલવામાં આવી છે. જેમ અલગ અલગ ઘાટ પરથી પસાર થતી નદી પણ એક ચોક્કસ
પ્રવાહમાં આગળ વહેતી હોય છે એમ ફિલ્મ
દસ્તાવેજીકરણ વચ્ચે પણ ડ્રામાના એક ચોક્કસ પ્રવાહમાં આગળ વહે છે.
ગૅન્ગ્સ
ઓફ વસેપુરનો હજી પહેલો જ ભાગ રજૂ થયો છે. બીજો ભાગ હવે રજૂ થશે. પહેલા ભાગમાં ફિલ્મના
કિરદારો પર ડિરેક્ટરની જબરી પકડ છે. કોઇ કિરદાર લેખક કે ડિરેક્ટરની કાબૂ બહાર નથી.
અનુરાગ કશ્યપે જ્યારે આ ફિલ્મની કથા વિઝ્યુલાઇઝ કરી હશે ત્યારે તે સ્ફટિકવત્ત
સ્પષ્ટ અને કૉન્ફીડન્ડ હશે. નહીંતર આ પ્રકારની ફિલ્મોમાં કિરદાર અને કથા ક્યારે ડિરેક્ટરના
હાથમાંથી સરકી જાય છે એની ડિરેક્ટરને ખબર નથી પડતી.
દરેક
ફિલ્મનો એક કલર હોય છે જે તેની થીમનું પ્રતિબીંબ પાડતો હોય છે. જેમ કે, ફિલ્મ સાવરીયામાં
બ્લ્યુ – ગ્રીન ફિલ્ટર વપરાયું હતું. ગૅન્ગ્સ ઓફ વસેપુરની વિશેષતા એ છે કે એમાં
કોઇ એક ફિલ્ટરનો ઉપયોગ નથી થયો પરંતુ મલ્ટીપલ કલરટોન વપરાયા છે. વીઝ્યુઅલ્સને ફોટોશોપ
ટ્રીટમેન્ટ આપી હોય એ રીતે બોલકા લાગે છે.
ફિલ્મમાં
દરેક કલાકારોનું પથ્થરતોડ પરફોર્મન્સ છે. કોલસાની ખાણમાંથી નીકળેલા હીરા જેવા
કીરદારો છે. મનોજ વાજપેયી, પિયૂષ મિશ્રા, જયદીપ અહલાવત, વિપીન શર્મા, નવાઝુદ્દીન
સીદ્દીકી, રીચા ચઢ્ઢા, રીમ્મી સેન વગેરેએ પાત્રો પચાવ્યા છે. ફિલ્મનું સરપ્રાઇઝ
એલીમેન્ટ તિગ્માંશુ ધુલીયા છે. રામાધીર સિંહના પાત્રમાં તિગ્માંશુ એકદમ ઓતપ્રોત
લાગે છે. મુશાયરાની અંદર કોઇ શાયર પોતાની રચના અને રજૂઆતની શૈલીથી આખો મુશાયરો
લૂંટી લે એમ મનોજ વાજપેયી ફિલ્મ લૂંટી લે છે.
અનુરાગ
કશ્યપની ફિલ્મ દેવ ડીમાં દમદાર સંગીત દ્વારા અમીત ત્રિવેદી નામના ગુજરાતી સંગીતકારે
પોતાની નોંધ લેવડાવી હતી. એ રીતે જ ગૅન્ગ્સ ઓફ વસેપુર દ્વારા સ્નેહા ખાનવલકર નામની
મહિલા સંગીતકારે પોતાની નોંધ લેવડાવી છે. સ્નેહા ખાનવલકરે પોતાની નોંધ તો એમ ટીવી પર
રજૂ થયેલા સાઉન્ડ ટ્રીપીન નામના શો દ્વારા જ લેવડાવી હતી. (જે લોકોને સંગીતમાં અને
તેમાં થઇ શકતા પ્રયોગોમાં રસ હોય તેમણે સાઉન્ડટ્રીપીનના એપીસોડ્સ યુટ્યુબ પર જોઇ
લેવા. ગમશે.)સ્નેહાએ અગાઉ લકી લકી ઓયે, લવ – સેક્સ ઔર ધોખા જેવી ફિલ્મમાં
છુટૂંછવાયું કામ કર્યું હતું. ગૅન્ગ્સ ઓફ વસેપુરના ગીતોમાં લોકસંગીતની મીઠાશ પર ફ્યુઝનની
મહેક છાંટવામાં આવી છે. જે લોકોએ સાઉન્ડટ્રીપીનના એપીસોડ્,સ જોયા હશે તેમને એની
છાંટ ફિલ્મના ગીતોમાં વર્તાશે. અનુરાગ કશ્યપની ફિલ્મોમાં ગીતો તો ખૂબ સારા હોય છે પરંતુ
એ મોટે ભાગે બૅકગ્રાઉન્ડ સ્કોર તરીકે જ વેડફાઇ જતા હોય છે. ગૅન્ગ્સ ઓફ વસેપુરમાં
પણ એવું જ થયું છે, પરંતુ એ ફિલ્મમાં સુંદર રીતે વણાઇ ગયેલા છે. ઓ વૂમનીયા ગીતનું
પિક્ચરાઇઝેશન ખૂબ સુંદર છે. એ ગીતની હલક સુંદર છે અને એમાં મનોજ વાજપેયી અને રીમા
સેનની રોમેન્ટિક છાલક ગીતને નવો કલાપ આપે છે. પિયૂષ મીશ્રા એવો કલાકાર છે કે એ
દરેક ફિલ્મમાં પોતાની આગવી છાપ છોડે છે. ફિલ્મમાં ફરહાનના રોલમાં તો તે ધ્યાન
ખેંચે જ છે, પરંતુ તેણે લખેલા અને ગાયેલા ‘એક
બગલ મેં ચાંદ હોગા’ ગીતમાં પણ પિયૂષ મિશ્રા પોતાનું પ્રમાણ
આપે છે. ફિલ્મમાં બૅકગ્રાઉન્ડ વોઇસઓવરમાં
પણ તેના અવાજનો જ ઉપયોગ થયો છે.
અનુરાગ
કશ્યપની વિષેષતા એ છે કે એમાં સાહિત્ય હોય છે. તેણે જોખમો ખેડીને ફિલ્મમાં પ્રયોગો
કર્યા છે અને એક નવો દર્શકવર્ગ ઊભો કર્યો છે. વસેપુર જેવા ગામના માહોલ પર 45
કરોડના ખર્ચે ફિલ્મ બનાવવી અને એ પણ બબ્બે ભાગમાં બનાવવી એ કોલસાની ખાણમાં કામ
કરતા મજૂરોના જીવ પર તોળાતા જોખમ જેવું જોખમ છે. ગૅન્ગ્સ ઓફ વસેપુર દરેક લોકોને
પચે એવી ફિલ્મ નથી. ગેન્ગ્સ ઓફ વસેપુર સુંદર – સુશીલ – સંસ્કારી કે રોમેન્ટિક
ફિલ્મ નથી. એમાં માણસની ખરાબીઓના ઉદ્રેકનો ચિતાર છે. પહેલા ભાગમાં તો અનુરાગે
ધાર્યું તીર તાક્યું છે હવે બીજા ભાગમાં કેવું તીર મારે છે એ જોવું રહ્યું.
તેજસ
વૈદ્ય, મુંબઇ
અનુરાગ કશ્યપ જેવા ધુરંધર ફિલ્મ નિર્દેશકની ફિલ્મ પર લખવું પણ મુશ્કેલ છે કારણ કે ફિલ્મ સમજાય તો લખેને કોઈ ભારતમાં સિનેમાની સમજ હોય એવા લોકો તો દુર ની વાત છે પત્રકારો પણ શોધ્યા જડે નહિ હા કાગળ બગાડી શકે એવા ઘણા છે.તમે થોડોં સમય બ્લોગને આપો તો મજા આવે
ReplyDelete:)
Deleteરવીશ કુમારનાં બ્લોગ નઈ સડક પર ગેન્ગસ પર મસ્ત મજાનો આર્ટીકલ છે નો વાંચ્યો હોય તો વાંચજો ખરેખર મજા આવશે.http://naisadak.blogspot.in/
ReplyDeleteહા મેં વાંચ્યો. ગૅન્ગ્સ ઓફ વસેપુર વિષે લખાયેલી સમીક્ષાઓમાંથી બેસ્ટ રવીશ કુમારની પોસ્ટ છે. રવીશની શૈલી એટલી રોચક છે કે એ જે કંઇ પણ લખે એ વાંચવાની મજા આવે છે
Delete