Monday, August 10, 2015

છપ્પનવખારી - કટોકટી (1975-1977) : કરીમ લાલા - હાજી મસ્તાનનો અસ્ત, દાઉદ - ગવળીનો ઉદય

Sandesh - Ardh Saptahik Purti - 15 July 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય



કટોકટીને ચાલીસ વર્ષ થયા. કટોકટી વિશે હાલના દિવસોમાં ખૂબ લખાયું છે. મોટે ભાગે એની રાજકીય અને સામાજિક અસર વિશે લખાયું છે. કયા કયા મોટા નેતા,ચળવળકારબૌદ્ધિક લોકો અને પત્રકારોને ઇન્દિરા ગાંધીએ જેલભેગા કરી દીધા હતા અને પછી એના કેવા પડઘા પડયા હતા એના વિશે લખાયું છે. કટોકટી વખતે મુંબઈ અન્ડરવર્લ્ડ પણ અડફેટે ચઢી ગયું હતું એના વિશે ખાસ લખાયું નથી. કરીમ લાલા અને હાજી મસ્તાનનો ડોન તરીકેનો દબદબો ડાઉન થયો એમાં કટોકટીનો મોટો રોલ છે. દાઉદ ઇબ્રાહીમ અને અરુણ ગવળી જેવા ગેંગસ્ટર મોટા ડોન બનવા લાગ્યા એમાં પણ કટોકટીનો રોલ છેજાણીએ કટોકટી અને અન્ડરવર્લ્ડની કશ્મકશ
કટોકટી દરમ્યાન પત્રકારો, સ્વાતંત્ર્યવીરો, ચળવળકારો, નેતાઓને તો ઇન્દિરા ગાંધીએ અડફેટે લઈ જ લીધા હતા. જેની ધાક મુંબઈને વધુ હોય એ અન્ડરવર્લ્ડ માફિયા પણ અડફેટે આવી ગયા હતા. મુંબઈના ટોચના માફિયામાથાંઓ કે જેની સામે સજ્જડ કેસ હોવા છતાં જેલમાં નાખી શકાતાં નહોતાં એ બધાં માથાંઓ કટોકટી દરમ્યાન જેલભેગાં થઈ ગયાં હતાં. રસપ્રદ ઘટના તો એ છે કે ટોચનાં કેટલાંક માથાંઓ કટોકટી દરમ્યાન નબળાં પડી ગયાં હતાં. ત્યારપછી દાઉદ, અરુણ ગવળી વગેરેએ માથું ઊંચક્યું હતું.
મિસા - મેઇન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ
કટોકટી સિત્તેરના દાયકામાં લાદવામાં આવી હતી. ૨૫ જૂન, ૧૯૭૫થી ૨૧ માર્ચ, ૧૯૭૭ સુધીનો સમયગાળો કટોકટી કાળ કહેવાય છે. કટોકટી દરમ્યાન હાજી મસ્તાન જેવો મુંબઈનો ડોન મેઇન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ(મિસા) હેઠળ જેલમાં ધકેલાયો હતો, એ વખતે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, લાલુપ્રસાદ યાદવ, ચંદ્રશેખર તેમજ શરદ યાદવ જેવા નેતાઓ મિસા હેઠળ જેલભેગા થયા હતા. ટૂંકમાં, અડવાણી, વાજપેયી, હાજી મસ્તાન બધાને મિસા નામની એક જ લાકડીએ હાંકવામાં આવ્યા હતા.
મિસા શું છે એ પહેલાં સમજી લઈએ. મિસા એ એક્ટ છે જે ૧૯૭૧માં ભારતીય સંસદમાં પસાર થયો હતો. એ વખતે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં. અત્યંત ઊહાપોહ જગાવનારા આ એક્ટની વિચિત્રતા એ હતી કે એમાં કોઈ પણ કારણ આપ્યા વગર કોઈને પણ ઉઠાવીને માત્ર શંકાના ધોરણે જેલમાં નાખી શકાય. મતલબ કે કોઈ નિર્દોષ વ્યક્તિને મિસા હેઠળ જેલમાં નાખવામાં આવી હોય તો પણ એ એક્ટ તો એને દોષિત જ ગણે છે. એ વ્યક્તિએ પોતે સાબિત કરવું પડે કે હું નિર્દોષ છું. એવો પણ નિષ્કર્ષ નીકળે કે મિસા મુજબ તો દેશના તમામ નાગરિકો એ કાયદા હેઠળ દોષિત જ ગણાય. મતલબ કે એને કાયદો કઈ રીતે કહી શકાય? પણ એવો કાયદો હતો. સંસદમાં કાયદો પસાર થયો ત્યારે એવી બાંહેધરી આપવામાં આવી હતી કે રાજકીય કિન્નાખોરી રાખીને હરીફ નેતાઓ સામે એનો દુરુપયોગ કરવામાં નહીં આવે. જોકે, ઇન્દિરા ગાંધીએ એનો ભરપૂર દુરુપયોગ કર્યો. લોકશાહી મૂલ્ય ધરાવતા દેશમાં આવા કાયદા ન ટકી શકે, તેથી જ ૧૯ મહિનાની કટોકટી પૂરી થઈ એના બે મહિના પછી ઇન્દિરા ગાંધીએ ચૂંટણી જાહેર કરી. જેમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો અને જનતા સરકારે દેશની બાગડૌર સંભાળી હતી. જેણે મિસા હટાવી દીધો હતો.
કટોકટીના વીસ સૂત્રીય કાર્યક્રમે અંડરવર્લ્ડને કઈ રીતે અડફેટે લીધું?
વસંત નાઇક ડિસેમ્બર ૧૯૬૩થી ફેબ્રુઆરી ૧૯૭૫ સુધી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હતા. સિત્તેરના દાયકામાં એટલે કે કટોકટીકાળવાળા દાયકામાં મુંબઈમાં જે અન્ડરવર્લ્ડ હતું એ સ્મગલિંગ એટલે કે દાણચોરી પર નિર્ભર હતું. કરીમ લાલા અને હાજી મસ્તાનનો એ વખતે દબદબો હતો. એ લોકોએ રાજ્ય પ્રશાસનના નાકે દમ લાવી દીધો હતો. દમ એટલા માટે લાવી દીધો હતો કે તેઓ ઇન્ટેલિજન્સ તેમજ કાયદાની પકડમાં આવતા નહોતા. તેમને પકડવા માટે કોઈ કડક કાયદો જ અમલમાં લાવવો પડે એમ છે એવું નાઇકે ઇન્દિરા ગાંધીને વારંવાર જણાવ્યું હતું. મહારાષ્ટ્ર અને ગુજરાત દાણચોરીના ગઢ હતા, કારણ કે બંને રાજ્યો પાસે દરિયો છે. દાણચોરી માટે દરિયા જેવું માધ્યમ આજની તારીખે પણ બીજું કોઈ નથી.
૧૯૭૧માં મિસા કાયદો બન્યો એમાં ઇન્દિરા ગાંધીનાં પોતાનાં રાજકીય ગણિત હતાં. તેમની ગણતરીમાં અંધારી આલમ ફરતે સકંજો કસવાનું પણ ગણિત હતું. કટોકટીનો જે વીસ મુદ્દાનો કાર્યક્રમ ઇન્દિરા ગાંધીએ રજૂ કર્યો હતો એમાંનો એક મુદ્દો એવો હતો કે સ્મગલરોની સંપત્તિ ટાંચમાં લેવામાં આવે. ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે દાણચોરોને પણ મિસા હેઠળ જ જેલભેગા કરવામાં આવે.
એટલે કે ૧૯૭૧માં બનેલા મિસાનો ખરો અમલ પાંચ વર્ષ પછી ૨૬ જૂન, ૧૯૭૫માં લાદવામાં આવેલી કટોકટી વખતે થયો. કટોકટી દરમ્યાન કોઈને પણ ઉઠાવીને એનો ગુનો બતાવ્યા વગર જેલમાં નાખી શકાય એમ હતું. ઉપર કહ્યું તેમ મુંબઈ અન્ડરવર્લ્ડ પર પણ એ ગાળામાં જબરું રોલર ફરી ગયું. સરકારે વીણી વીણીને ડોન, નાના મોટા ગુંડાઓ, કાળા બજારિયાઓ તેમજ કાળાં નાણાંના હવાલા પાડનારાઓને પકડીને જેલમાં ધકેલી દીધા. મિસા હેઠળ તો નેતા અને મોટા ડોનને જ નાખવામાં આવ્યા એ સિવાયના લોકોની વિવિધ કલમ હેઠળ ધરપકડ તેમજ કેટલાંકની અટકાયત કરવામાં આવી હતી. કેટલાંક વેપારીઓને ઇકોનોમિક ઓફેન્સ તળે જેલમાં નાખી દીધા હતા.
આમ, માત્ર રાજકારણમાં જ નહીં, પણ મુંબઈની અંધારી આલમ માટે પણ એ ખરેખર કટોકટીનો કાળ હતો. જે માફિયાઓ જેલભેગા નહોતા થયા એ કટોકટીના ૧૯ મહિના દરમિયાન ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.
હાજી મસ્તાન ૯૦ દિવસ સુધી મિસા હેઠળ જેલમાં હતો. જેલમાંથી બહાર આવ્યા પછી તેના પર કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. તેથી એ ચૂં કે ચા કરી શકે એમ નહોતો. કરીમ લાલાએ તો કટોકટીના તમામ મહિનાઓ જેલમાં જ વિતાવવા પડયા હતા. કરીમ લાલાએ તો રામ જેઠમલાણી જેવા વકીલને રોક્યા હતા છતાં કંઈ વળ્યું નહોતું. મુંબઈની આર્થર રોડ જેલ, થાણેની સેન્ટ્રલ જેલ તેમજ પૂણેની યરવડા જેલ અને ઔરંગાબાદની હરસૌલ જેલ ઊભરાઈ ગઈ હતી.
સિત્તેરના એ દાયકામાં હાજી મસ્તાન, કરીમ લાલા, યૂસુફ પટેલ અને વરદરાજન મુદ્દલિયાર મોટાં માથાં એટલે કે ડોન હતાં. રમા નાઇક, અરુણ ગવળી અને દાઉદ ઇબ્રાહિમ ત્યારે ગુંડા હતા. આ તમામ લોકોને કટોકટી વખતે જેલમાં મોકલી દેવાયા હતા. હાજી મસ્તાન પર તો મિસા અને કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટ હેઠળ જડબેસલાક કેસ બનાવવામાં આવ્યા હતા. જ્યારે કે દાઉદ, ગવળી અને રમા નાઇક પર નેશનલ સિક્યોરિટી એક્ટ(એનએસએ) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યા હતા. રમા નાઇક મટકા અને શરાબનો કારોબારી હતો. રમા નાઇક અને અરુણ ગવળી વચ્ચે દોસ્તી હતી.
જોવાની વાત એ છે કે મુંબઈના તમામ માફિયા જેલમાં ભેગા થયા હતા. કહેવાય કે કટોકટીએ જાણે બધાની જેલમાં મિટિંગ ગોઠવી આપી હતી. બધા દેડકા એક છાબડામાં ભેગા થઈ ગયા હતા. આના પરિણામે એવું થયું કે જેલમાંથી બહાર છૂટયા ત્યારે કેટલાંક ગ્રૂપ તૈયાર થઈને આવ્યાં. જેમ કે, વરદરાજન મુદલિયારને લાગ્યું કે લાગ્યું કે રમા નાઇક લાંબી રેસનો ઘોડો છે. તે કાઠું કાઢશે,તેથી બંને વચ્ચે જેલમાં જ ટયુનિંગ થઈ ગયું હતું. મુંબઈને અડીને આવેલા વસઈ અને વિરારની ખાડીઓનો દાણચોરી માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય એનો પ્લાન તે બંનેએ જેલમાં જ તૈયાર કરી લીધો. બંનેએ નક્કી કરી લીધું કે જેલમાંથી છૂટયા બાદ ત્યાંથી સ્મગલિંગ ઓપરેશન પાર પાડશું.
દાઉદ, ગવળી, રમા નાઇક વગેરેએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. એ વખતે તેઓ ગુંડા હતા, ડોન નહોતા. તેમના પર મોટા ગુના નહોતા અને જે હતા એની સામે મજબૂત પુરાવા નહોતા, તેથી તેમને જામીન પર છુટકારો મળી ગયો હતો.

કરીમ લાલા અને હાજી મસ્તાન મોરારજી દેસાઈને ઘૂંટણીયે પડયા
કટોકટી લાગુ થઈ એના કેટલાંક અઠવાડિયાં પછી મુંબઈના પોલીસ વડા તરીકે એસ.વી. ટાંકીવાળાની નિમણૂક થઈ હતી. તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે એન્ટિ સ્મગલિંગ ડ્રાઇવમાં કુલ ૨૮૮ દાણચોરોને ઝબ્બે કરવામાં આવ્યા હતા તેમજ ૧૭૭ દાણચોરોની મિલકત જપ્ત કરવામાં આવી હતી.
ક્લાઇમેક્સ તો એ હતો કે કટોકટી દરમ્યાન બે વર્ષ જેલના આંટાફેરા બાદ હાજી મસ્તાન અને કરીમ લાલાને સમજાઈ ગયું હતું કે હવે કાયદાની પકડ મજબૂત બની છે અને માફિયા તરીકે ઝાઝું ખેડી શકાય એમ નથી. કટોકટી બાદ થયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો અને જનતા સરકાર ચૂંટાઇ હતી. હાજી મસ્તાન અને કરીમ લાલા જઈને જનતા દળના ટોચના નેતા જયપ્રકાશ નારાયણને મળ્યા હતા. તેમને આજીજી કરી હતી કે વડાપ્રધાન મોરારજી દેસાઈને કહો કે અમારા પર સહેજ રહેમ રાખે. બંનેએ સોગંધનામું રજૂ કરીને સરકારને બાંહેધરી આપી હતી કે તેઓ હવે કોઈ ગેરકાયદે કામમાં નહીં સંડોવાય. મોરારજી દેસાઈએ તેમની વિનવણી માન્ય રાખી હતી અને તેમના પર લટકતી અટકાયતની તલવાર ટળી હતી. હાજી મસ્તાન એ પછી જયપ્રકાશ નારાયણની પાર્ટીમા જોડાયા હતા. ડોનમાંથી રાજકારણી બન્યા હતા. કરીમ લાલાને પણ સમજાઈ ગયું હતું કે પોતાના કિલોમીટર પૂરા થઈ ગયા છે.


દાઉદ - ગવળીગેંગસ્ટરમાંથી ડોન બન્યા
કટોકટી પછી કરીમ લાલા અને હાજી મસ્તાન ડોનમાંથી ડાઉન થઈ ગયા હતા. બીજી તરફ દાઉદ, રમા નાઇક અને અરુણ ગવળી માટે મેદાન થોડું મોકળું થયું હતું. ગેંગસ્ટરમાંથી ડોન બનવાની તેમની ગતિ કટોકટી બાદ તેજ થઈ ગઈ હતી. એ પછી એંશીના દાયકામાં તો બાકાયદા દાઉદ ઇબ્રાહિમ અને અરુણ ગવળી ડોન થઈ ગયા હતા. અંધારી આલમનો એક અધ્યાય કટોકટી પછી પૂરો થયો હતો. 
૧૯૭૭માં કટોકટી ગઈ પછી દાઉદ અને ગવળી જેવા ગેંગસ્ટરનું કદ વધી ગયું હતું. કટોકટી પૂરી થઈ એના ચોથા વર્ષે ૧૯૮૧માં મુંબઈમાં મિલ કામદારોની પ્રચંડ હડતાળ પડી હતી. ટ્રેડ યુનિયન લીડર દત્તા સામંતની હાકલથી હડતાળ પડી હતી. જેને લીધે અનેક કામદારો બેકાર થઈ પડયા હતા. પૈસાના અભાવે કેટલાય યુવાનિયા અરુણ ગવળી અને દાઉદની ગેંગમાં જોડાયા હતા. બંનેની ગેંગનું વજન વધ્યું હતું. ૧૯૮૧ પછી તો તેઓ ડોન તરીકે પંકાવા લાગ્યા હતા. મુંબઈને હંફાવવા લાગ્યા હતા. છતાં મુંબઈ પોલીસ તેમને પકડી શકતી નહોતી. આમ, દાઉદ અને અરુણ ગવળી ડોન બન્યા એમાં કટોકટી અને મિલ કામદારોની હડતાળે મોટો રોલ ભજવ્યો હતો.
અરુણ ગવળી, રમા નાઇક અને બાબુ રેશીમે મળીને બી.આર.એ. કંપની નામની ગેંગ બનાવી હતી. ત્રણેયના પહેલા અક્ષર પરથી ગેંગનું નામ પાડવામાં આવ્યું હતું. ૧૯૮૮માં મુંબઈના નાગપાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર રાજન કટધરેના હાથે રમા નાઇકનું એન્કાઉન્ટર થયું હતું. ત્યાર પછી બાબુ રેશીમનું પોલીસ લોકઅપમાં મોત થયું હતું. આ બંને મોતમાં ગવળીને દાઉદનો હાથ હોવાનું જણાયું હતું.
બીજો અધ્યાય
 અંધારી આલમનો એક અધ્યાય કટોકટી પછી પૂરો થયો હતો અને બીજો તેમજ વધુ જોખમી અધ્યાય પછી શરૂ થયો હતો. જે અંડરવર્લ્ડ કટોકટી સુધી માત્ર દાણચોરી અને મીલકત હડપવા પર નભતું હતું એનું જોખમ પછી વધુ વિસ્તર્યું હતું. પ્રોટેક્શન મની,ખંડણી, કોન્ટ્રાક્ટ કિલિંગ, ડ્રગ્સ વગેરે માફિયાગીરી દાઉદ અને ગવળીકાળમાં વધી હતી. ૧૯૯૨ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોની ઘટના દ્વારા તો અંધારી આલમે આતંકવાદની પણ રાહ પકડી હતી. અંધારી આલમને આતંકવાદ સુધી દોરી જનારો દાઉદ ઇબ્રાહિમ હતો,જે દેશ માટે સૌથી જોખમી પરચો હતો. હાજી મસ્તાન અને કરીમ લાલાએ દાદાગીરીમાં પણ પોતાનાં ધારાધોરણ રાખ્યાં હતાં. તેઓ મુખ્યત્વે દાણચોરી કરતા હતા અને બેનામી મિલકતો ઊભી કરતા હતા. તેઓ ડ્રગ્સ કે આતંકવાદના કારોબારમાં ક્યારેય નહોતા પડયા. દાઉદ ઇબ્રાહિમે અન્ડરવર્લ્ડનાં નવાં સમીકરણ સેટ કર્યાં અને તમામ મર્યાદાઓ તોડી નાખી. તેણે કોઈ નિયમો જ રાખ્યા નથી. દાઉદ પોતાને બિઝનેસમેન ગણાવે છે અને તેની બિઝનેસની વ્યાખ્યા એ છે કે કોઈ પણ રીતે પૈસા આવવા જોઈએ. જ્યાં પૈસો બનતો હોય ત્યાં કોઈ નીતિનિયમ, ધારાધોરણ હોતાં નથી.
હવે અંડરવર્લ્ડ એ હદે વિસ્ફારિત થઈ ગયું છે કે મિસા તો શું કોઈ પણ કડક કાયદા એને કંટ્રોલ કરી શકે એમ નથી. છોટા રાજન ઓસ્ટ્રેલિયામાં છે. દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં છે. અંધારી આલમનો કંટ્રોલ ટાવર ભારતની ભૂગોળની બહાર છે. કાનૂનના હાથ ભલે લાંબા હોય પણ દેશની બહાર એનું કદ વેતરાઈ જાય છે.     

   
કટોકટી એટલે શું?
દેશમાં અસામાન્ય સંજોગો હોય અને આંતરિક સુરક્ષા સામે જોખમ હોય એટલે કે કટોકટીની સ્થિતિ હોય તો નાગરિકોના અધિકાર પર કાપ મૂકવાની કે એ અધિકાર છીનવી લેવાની બંધારણમાં જોગવાઈ છે. એ અંતર્ગત કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો કટોકટી લાગુ કરવામાં આવે છે.
૨૫ જૂન, ૧૯૭૫થી ૨૧ માર્ચ, ૧૯૭૭ સુધી દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી. ઇન્દિરા ગાંધી સરકારે કટોકટી લાગુ કરી હતી. જેને હાલમાં જ ચાલીસ વર્ષ પૂરાં થયાં છે. દેશની અત્યંત કલંકપૂર્ણ ઘટનાઓમાં કટોકટી સામેલ છે. ઇન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી લાદી ત્યારે દેશ સામે કોઈ આંતરિક સુરક્ષાનું જોખમ નહોતું. તેમણે માત્ર પોતાના રાજકીય વર્ચસ્વ ખાતર, કહો કે અંગત લાભ ખાતર કટોકટી લાગુ કરી હતી. જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં બિહારમાં ભ્રષ્ટાચાર સામે જંગી આંદોલન ચાલુ હતું. જેમાં ઇન્દિરા ગાંધી સામે તીવ્ર અસંતોષ હતો. આ કોઈ રાષ્ટ્રીય સંકટ નહોતું. એને ખાળવા માટે ઇન્દિરા ગાંધીએ કટોકટી લાગુ કરીને બંધારણીય જોગવાઈનો દુરુપયોગ કર્યો હતો.
૧૯૭૫ની ૨૫ જૂને મોડી રાતે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થશંકર રાય અને કેન્દ્રીય કાયદાપ્રધાન એચ.આર. ગોખલે રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. એ વખતે ફખરુદ્દીન અલી રાષ્ટ્રપતિ હતા. તેમને ઊંઘમાંથી જગાડીને કહેવામાં આવ્યું કે આ દસ્તાવેજ પર સાઇન કરી દો. રાષ્ટ્રપતિ સવાલ કરે એ પહેલાં જ કહી દેવામાં આવ્યું કે વડાપ્રધાન આવતી કાલે કેબિનેટની બેઠક બોલાવવાનાં છે. એમાં આ નિર્ણય પર મંજૂરી લઈ લેવાશે. રાષ્ટ્રપતિએ તરત સહી કરી દીધી. એ દસ્તાવેજ કટોકટી લાગુ કરવા માટેનો હતો.
એ પછી દેશમાં કટોકટી લાગુ થઈ હતી. જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, જ્યોર્જ ફર્નાન્ડિઝ, અટલ બિહારી વાજપેયી,લાલકૃષ્ણ અડવાણી, અશોક મહેતા વગેરે જેલભેગા થયા હતા.

1 comment: