Monday, August 10, 2015

છપ્પનવખારી - વરસાદ પાણી નથી લાવતો, લોકોના જીવમાં જીવ લાવે છે

Sandesh - Ardh Saptahik Purti - 5 Aug 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય

"વરસાદ એ દેશના ખરા નાણાપ્રધાન છે." આ વિધાન જવાહરલાલ નહેરુનું છેકારણ કે દેશનું સૌથી પ્રબળ ચાલકબળ વરસાદ જ છે. ભારત ખેતીપ્રધાન દેશ છે એમ કહેવા કરતાં ભારત એ વરસાદપ્રધાન દેશ છે એવું કહેવું વધારે સાર્થક છે. સિંચાઈ જ નહીંપણ દેશનું પીવાનું પાણી પણ વરસાદ આધારિત જ હોય છે. ઉત્સવો હોય કે મેળા એ બધું જ વરસાદના ચકડોળે ગોઠવાયેલું છે. વરસાદ પર સટ્ટોય રમાય છે. સંતો ચાતુર્માસ ગાળે છે. વરસાદ તો જગતમાં બધે પડે છેપણ ભારત કદાચ એકમાત્ર એવો દેશ હશે જ્યાં વરસાદ એવું પરિબળ છે જે ખેડૂતોઅર્થશાસ્ત્રીઓ,હવામાનશાસ્ત્રીઓસટ્ટેબાજોશ્રદ્ધાળુઓસંતો વગેરેને એકસાથે અલગ અલગ રીતે સક્રિય કરતો હોય!



ભારતમાં ચોમાસું કેરળથી બેસે છે. લેખનું જે ટાઇટલ છે એ કેરળસ્થિત ઇન્ડિયન મીટિયરોલોજિકલ ડિપાર્ટમેન્ટના નિવૃત્ત ડિરેક્ટર જનરલ રંજન કેળકરે કહ્યું હતું. 'મોન્સૂન' નામની વરસાદી ડોક્યુમેન્ટરીને મુલાકાત આપતાં તેમણે કહ્યું હતું કે, "ભારતમાં વરસાદ એ પાણી નથી લાવતો, લોકોના જીવમાં જીવ લાવે છે, તેથી વરસાદ એ દેશનો આત્મા છે."
ટોરન્ટોના ફિલ્મમેકર સ્ટર્લા ગનેર્સને ભારતના વરસાદી રંગોને ઝીલીને એ રંગ નીતરતી ડોક્યુમેન્ટરી ફિલ્મ 'મોન્સૂન' બનાવી હતી. જે ગયા વર્ષે જગતના અનેક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં રજૂ થઈ હતી. તાળીઓ સાથે એવોર્ડ્સ પણ એણે ખૂબ મેળવ્યા છે. હજી સુધી એ ફિલ્મ ભારતમાં થિયેટરનો પડદો જોઈ શકી નથી. ભારતીય સિનેમાઘરોમાં ડોક્યુમેન્ટરી રિલીઝ કરવાનું ખાસ ચલણ નથી. છતાંય આપણે વરુણદેવને પ્રાર્થના કરીએ કે ઝટ ભારતમાં એ ઉપલબ્ધ બને. કમ સે કમ એની ડીવીડી મળે. એ ફિલ્મનું ટ્રેલર યુ ટયૂબ પર છે. વર્ષા આ દેશનો કેટલો મોટો ઉત્સવ છે એની તમારે ઝલક માણવી હોય તો એ ટ્રેલર નિહાળશો એટલે માલૂમ પડી જશે. એ ડોક્યુમેન્ટરી બનાવતાં અગાઉ સ્ટર્લાએ ભારતમાં ૧૮ મહિના રિસર્ચ કર્યું હતું. સ્ટર્લા ગનેર્સને કહ્યું હતું કે, "ભારતનું અર્થશાસ્ત્ર વરસાદ કેન્દ્રિત છે. એક અબજ કરતાં વધારે લોકોનું જીવન વરસાદ પર નિર્ભર હોય અને એ લોકો મીટ માંડીને બેઠા હોય એ વાત જ મને સ્પર્શી ગઈ. પીવાના પાણીથી માંડીને સિંચાઈ સહિતની તમામ જરૂરિયાત વરસાદ જ પૂરી પાડે છે, તેથી ભારતમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે જનજીવનને રાહત થાય છે. વરસાદ લોકોના આત્મવિશ્વાસ વધારે છે. ખરીદશક્તિ વધારે છે. ભારતમાં વરસાદ ન પડે તો માત્ર માણસના ઘરનું જ નહીં, દેશનું બજેટ ડામાડોળ થઈ જાય છે. વરસાદ ઓછો પડશે એવો વરતારો થાય ત્યારે લોકો પોતાનું બજેટ સંકેલી લે છે. ઘરમાં અનાજ વહેલું ભરી લે છે. હું પોતે ધર્મ અને ઈશ્વરમાં માનતો નથી, પણ મેં જોયું કે ભારતમાં વરસાદી સીઝન દરમ્યાન લોકોની શ્રદ્ધામાં ઘોડાપૂર આવે છે. વરસાદ તેમના માટે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનો ડ્રાઇવિંગ ફોર્સ છે. આ બધું મેં ફિલ્મમાં ઝીલ્યું છે. 'મોન્સૂન' મેં ભારતને લખેલો પ્રેમપત્ર છે. મેં ફિલ્મમાં વરસાદથી ભીંજાતા ભારતના ખૂણેખૂણા ખૂંદ્યા. પહાડો, ટ્રાન્સપોર્ટેશન, શહેરો, રણ, જંગલ, દરિયા અને લોકજીવન આ બધું વરસાદ નીતરતું મેં કેમેરામાં ઝીલ્યું. પૂરને લીધે થતી તહસનહસ પણ મેં કેમેરામાં ઝીલી. હવે હું માનું છું કે ભારત સૌથી અજાયબીભર્યો અને આનંદ-વિસ્મયભર્યો દેશ છે."
મેળાઉત્સવો અને વરસાદ
આપણામાંના ઘણાં લોકોએ પ્રાથમિક શાળામાં નિબંધલેખનની શરૂઆત વર્ષાઋતુથી જ કરી હશે. ભારતના લોકજીવનમાં વરસાદ એટલું મહત્ત્વપૂર્ણ અંગ છે કે બાળક હજી પ્રાથમિક વર્ગમાં ભણતો હોય ત્યારે જ શિક્ષણમાં પણ વણાઈ જાય છે. ખાજલી ગુજરાતભરમાં મળે છે પણ 'પોરબંદરની ખાજલી'ની વાત ન્યારી. દાબેલી મુંબઈમાં મળે છે, પણ ત્યાંયે 'કચ્છી દાબેલી' નામ જ પોપ્યુલર છે. એવી જ રીતે વરસાદ તો જગતભરમાં પડે છે, છતાં 'ઇન્ડિયન મોન્સૂન' એવો શબ્દ જગતમાં પોપ્યુલર છે. ઇંગ્લિશનો 'મોન્સૂન' શબ્દ પણ સૌ પ્રથમ ભારતમાં જ બ્રિટિશરાજ વખતે કોઇન થયો હતો.
આપણા વરસાદની વાત જ ન્યારી છે. અહીં બારેય મેઘ ખાંગા થઈ શકે છે. સાંબેલાધાર, મુસળધાર, અનરાધાર અને ધોધમાર એમ ભગવાન જાણે કેટલીય ધારે વરસાદ પડી શકે છે. દિવસોથી જેના ચહેરા પર હાસ્ય ન પ્રગટયું હોય એવા અત્યંત દુઃખી માણસના ચહેરે પણ પહેલો વરસાદ તો ચહેરે સહેજ હળવાશ લાવી જ દે છે.
હિન્દુઓના ઘણાં ઉત્સવ વરસાદ દરમ્યાન તેમજ એના પછી આવે છે. જન્માષ્ટમી, રક્ષાબંધન, બહેનોના ગૌરીવ્રત તેમજ આદિવાસીઓના અનેક તહેવારો ચોમાસામાં જ ઊજવાય છે. શ્રાવણ મહિનો પોતે જ એક ઉત્સવ છે. જગન્નાથજીની રથયાત્રા ચોમાસામાં નીકળે છે અને ગણેશોત્સવ પણ ચોમાસામાં જ હોય છે. એવું કહેવાય છે કે ગણેશ વિસર્જન અને રથયાત્રા વખતે વર્ષાની હેલી થાય તો એને સવાયા શુકન ગણવામાં આવે છે. વરસાદનું હેડક્વાર્ટર ગણાતા કેરળ જેવા રાજ્યનો મહત્ત્વપૂર્ણ ઉત્સવ ઓનમ પણ ચોમાસામાં જ યોજાય છે. નવરાત્રિ અને દિવાળી વરસાદ પછી આવે છે. ચોમાસામાં વાવણી થઈ ગઈ હોય પછી ખેડૂતને થોડી નવરાશ હોય. ગુજરાતના તમામ મેળાઓનું કેન્દ્રસ્થાન વરસાદ છે. મેળાના ફજેતફાળકા ઉર્ફે ચકડોળ ચોમાસાની ફરતે જ ફરે છે. અગાઉ મેળાનો ઉદ્દેશ જ ધાનની લે-વેચ મંડી તરીકેનો હતો, તેથી પણ મેળા ચોમાસાના એન્ડમાં કે એના પછી યોજાતા હતા.
 ચોમાસામાં વહાણો દરિયામાં નથી જતાં. ઢગલાબંધ વહાણો બંદર પર લાંગરેલાં હોય છે. રંગબેરંગી સેંકડો વહાણો બંદરના બારે હારબંધ પડયાં હોય એ દૃશ્ય એટલું કલરફુલ લાગે છે કે આસમાનમાં ઊગેલા ઇન્દ્રધનુષને પણ ઈર્ષ્યા થવા માંડે. વરસાદનું અનુપમ રૂપ માણવું હોય તો દરિયે જવું. મસમોટાં મોજાઓ તેમના તમામ આવેગ સાથે મણિયારો રાસ રમતા હોય એવું ભાસે. ચિક્કાર વરસાદ વરસતો હોય ત્યારે દરિયો નિહાળો તો દેખાય જ નહીં. તમને એમ જ લાગે જાણે ક્ષિતિજ દૂરથી સાવ ઢૂકડી આવી ગઈ હોય એવું લાગે. વરસાદમાં મન મૂકીને પલળીએ ત્યારે જે કેટલાંક યાદગાર અનુભવો થાય એ યાદોને ડાબલીમાં પૂરીને આજીવન સાચવી રાખવાનું મન થાય. આ ક્રિકેટનું મેદાન નથી પણ નદી છે એવું ગુજરાતમાં ત્યારે જ ખબર પડે છે જ્યારે ધોધમાર વરસાદ પડે છે. ભારત નદીઓનો દેશ છે એવું માનવાનું મન પણ ત્યારે જ થાય છે. વરસાદની અંદર સૌથી રસપ્રદ તો રસ્તાની વચ્ચોવચ મૂકેલાં પૂતળાં લાગે છે. ચિક્કાર વરસાદ વરસતો હોય અને ઉછળતા ઘોડા પર બેઠેલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું પૂતળું એવું લાગે જાણે વાદળ સામે મોરચો માંડીને બેઠું હોય. અમરનાથ હોનારત વખતે હાહાકાર કરતાં પૂરની વચ્ચે શંકર ભગવાનની મૂર્તિ જગતભરના અખબારોમાં ચમકી હતી. વરસાદનો આપણે ત્યાં સ્પેશ્યલ રાગ છે. મેઘ મલ્હાર. રાગમાં કેવી તાકાત હોય છે એના દૃષ્ટાંતો આપણને બૈજુએ મેઘ મલ્હાર ગાઈને વરસાદ વરસાવ્યો એનીય દંતકથા છે.


સટ્ટોશ્રદ્ધા અને સાયન્સ
વરસાદ પર બૂકીઓ સટ્ટો રમે છે. વરસાદનું અનુમાન પંચાગ જોઈને પણ થાય છે અને વરસાદ વિશે અનુમાન હવામાનખાતું પણ કરે છે. આ ત્રણેય અલગ અલગ ક્ષેત્ર છે. ત્રણેયમાં કોમન ફેક્ટર વરસાદનું અનુમાન છે અને ત્રણેયની ભૂમિકા અલગ છે. સટ્ટો, શ્રદ્ધા અને સાયન્સ ત્રણેય નોખનોખા છેડાની ચીજોની એક જ ભૂમિકા કદાચ વરસાદમાં જ શક્ય બને છે. હિન્દી ફિલ્મોમાં વરસાદનાં ગીતો એ એવો વિષય છે કે એના માટે લેખ નહીં પણ પુસ્તકો લખાયાં છે. મુંબઈ જેવાં શહેરોમાં ચાલી જેવાં ઘરોમાં દર વર્ષે વરસાદ અગાઉ ડામર રંગાય છે, જેથી વરસાદ ન પડે. ચોમાસું બેસે એના એક-બે મહિના અગાઉ ડામર રંગવાવાળાની મોસમ બેસે છે.
ગુજરાતમાં કેટલાંક સ્થળો નિહાળવાની મજા ચોમાસામાં જ છે. જેમ કે, સાપુતારા તેમજ આસપાસના આદિવાસી વિસ્તારો. સાપુતારા દૂર પડતું હોય તો બાઇક કે કાર લઈને તમારા શહેર કે ગામની બહાર નીકળીને આસપાસનાં ગામડાં જોશો તોપણ મજા આવશે. વરસાદ જમીનના ખૂણેખૂણા લીલોતરીથી કૂણા કરી દે છે. વરસાદ ધરતી પર કેવી કીમિયાગરી કરે છે એની મજા ડામરના રોડ વટાવ્યા પછી વધારે સારી રીતે ખબર પડે છે.
કેરળ એવું રાજ્ય છે જેણે સમૂળગા વરસાદનું ટૂરીઝમ વિકસાવ્યું છે. વરસાદને પ્રવાસનનું માધ્યમ બનાવીને આવકનો એક નવો સ્ત્રોત ઊભું કરનારું કેરળ દૃષ્ટાંતરૂપ રાજ્ય છે. આ સિવાય મેઘાલય, આસામના ચાના બગીચાઓ વરસાદી મોસમમાં નિહાળીએ તો એમ જ થાય કે ઈશ્વર એની અવેજીમાં સ્વર્ગનો વિકલ્પ આપે તો સ્વર્ગમાં પણ ન જવાય.


ચાતુર્માસ
ભારતમાં ૩૦ જેટલી ભાષા અને સો કરતાં વધુ બોલીઓ બોલાય છે. આ દરેક ભાષા અને બોલીમાં વરસાદને લગતી અલગ અલગ કથાઓ અને પરંપરા છે. વરસાદ એક જ છે, પણ એનું વૈવિધ્ય વિશાળ છે અને એ જ ભારતનું કેરેક્ટર ઊભું કરે છે. વરસાદ ઝટ વરસે એ માટે ક્યાંક દેડકા-દેડકીનાં લગ્ન થાય છે. ક્યાંક બ્રાહ્મણો પાણીથી ભરેલા મસમોટા વાસણમાં બેસીને પર્જન્ય યજ્ઞા કરે છે. વરસાદ ન પડે તો બાળકો સૂંડલામાં 'ઢૂંઢિયા દેવ'ને લઈને પૂજાવા નીકળે છે. ગામેગામ રામધૂન થાય છે. આવી તો દેશભરમાં કેટકેટલી પરંપરા છે.
'સાધુ તો ચલતા ભલા' એવું કહેવાય છે, પણ ચોમાસાના ચાર માસ એટલે કે ચાતુર્માસમાં સંતો વિહાર નથી કરતા. ચાતુર્માસ સંતો એક જ સ્થળ પર વિતાવે છે. એ દરમ્યાન સત્સંગ - પ્રવચનો કરે છે. ચાતુર્માસનો ભારતીય ધર્મપરંપરામાં મોટો મહિમા છે, જે પણ વરસાદને જ આનુષંગિક છે.
નદીઓનું નવયૌવન
વરસાદ બાદ જમીનનું ઉદાવરણ બદલાઈ જાય છે. વાતાવરણ શબ્દ તો જાણીતો છે, પણ ઉદાવરણ? પૃથ્વી પરની જમીનને ઘેરીને રહેતા પાણીના આવરણને ઉદાવરણ કહે છે. ઉદ્ એટલે પાણી. વરસાદના દિવસોમાં આકાશના તારા તેમજ તમારા ને મારા પડછાયા ગાયબ થઈ જાય છે. વરસાદમાં સૂરજ કુકડાને પણ ભુલભુલામણી આપી દે છે અને શિયાળાના મુલકની જેમ મૂડ આવે ત્યારે નીકળે છે. કેટલાંક દિવસોમાં તો વાદળ સૂરજની નીચે ઓઝલ જ રહે છે. વરસાદમાં કવિઓ અને મોર કળા કરવા માંડે છે. વરસાદમાં પલળવા જઈ શકાય તો એના જેવું રૂડું બીજું કંઈ છે જ નહીં. પલળવા ન જઈ શકાય તો બારી પાસે બેસીને વરસતા વરસાદને સ્વાનંદ મગ્ન બનીને મૂક રસિક તરીકે એન્જોય કરવાનીય મજા છે.
વરસાદ એટલે નદીઓની મોસમ. દુકાળ ન હોય તો વર્ષાનુવર્ષ વરસાદ નદીઓને સોળ વર્ષની સુંદરી જેવો નવયૌવન કરી દે છે. કાકાસાહેબ કાલેલકર એક ઠેકાણે લખે છે કે, "મને હંમેશાં લાગ્યું છે કે હિન્દુસ્તાનનો ઇતિહાસ પ્રાંતવાર કે રાજ્યવાર લખવાને બદલે નદીવાર લખાયો હોત તો એમાં પ્રજાજીવન કુદરત સાથે વણાયું હોત. ઉપરાંત એક ઠેકાણે લખે છે, "આપણા દેશમાં સૌંદર્યસ્થાન એટલાં બધાં વેરાયાં છે કે કોઈ એનો હિસાબ રાખતું જ નથી. જાણે કુદરતે ઉડાઉપણું કર્યું એની માણસ એને સજા કરે છે. "
કાકા કાલેલકર પાસે વર્ષા વર્ણનની આગવી શૈલી છે તો સુરેશ જોષી પાસે પણ અલગ જ મજા છે. સુરેશ જોશીનું સાહિત્ય ગુજરાતી ભાષાનો રવરવતો લય છે. જેમણે સુરેશ જોશીને નથી વાંચ્યા તેમણે ગુજરાતી સાહિત્ય વાંચ્યું ન કહેવાય. વર્ણનની જે કશીદાકારી એટલે કે એમ્બ્રોઇડરી સુરેશ જોશી પાસે છે એ બેનમૂન છે. જલબિંદુ કોઈ પર્ણ પર સરકે એ રીતે તેમની વર્ણનશૈલી સરકતી જાય. સુરેશ જોશીએ વરસાદના કરેલાં વર્ણનોની થોડી છાલક માણો.
"વરસતી ધારાના એક સરખા આવ્યા કરતા અવાજનું સંમોહન ધીમે ધીમે મને પરવશ કરી નાખે છે. સાચવીને થોકબંધ મૂકી રાખેલા વિચારો પણ જાણે ધીમે ધીમે ટીપે ટીપે દ્રવીને વહી જાય છે. મનનો રિક્ત અવકાશ વર્ષામાં જ અનુભવાય છે."
આગળ લખે છે, "વર્ષાને વનસ્પતિ પરિવાર વચ્ચે જ માણવાની ભારે મજા. વૃક્ષો વૃષ્ટિધારાને ઝીલતાં જાણે પોતે પોતાનામાં જ મગ્ન હોય એવી અદાથી ઊભાં હોય છે. પાંદડાંની અણીએથી ટીપાં લસર્યા કરે છે. વર્ષામાં તો હોવું એટલે જ લસરવું. લઘુકાળ અને ભંગુર બનવાનો કીમિયો વર્ષામાં જ સમજાય."
ગુજરાત પર વરસાદે પહેલાં રાઉન્ડમાં થોડી વધારે પડતી જ કૃપા વરસાવી દીધી છે. અમરેલી અને પછી બનાસકાંઠા પર એવી મહેર થઈ કે લોકોના જીવમાં જીવ લાવવાને બદલે વરસાદે જીવ તાળવે ચોંટાડી દીધા. વરસાદ બધુંય ધોઈ નાખે છે, પણ દેશની સંસદ એવી જગ્યા છે કે દિલ્હીમાં વરસાદ ન પડે તોય ચોમાસું સત્ર દર વર્ષે મોટે ભાગે ધાવાઈ જ જાય છે.     
જીવનના નાના-નાના આનંદોમાં કેવી અનહદ મજા સંતાયેલી છે એ જાણવું હોય તો કાકા કાલેલકરને વાંચવા. કાકા કાલેલકરને વાંચીએ ત્યારે સમજાય કે કુદરતને સમજવાની અને પામવાની જડીબુટ્ટી કુદરતે કાકા કાલેલકરને આપી છે. કાકા કાલેલકરનો એક વરસાદી નમૂનો વાંચો.
"વરસાદના દિવસો આવી ગયા છે. જ્યાં વરસાદ પડે છે ત્યાં ત્યાં મા-બાપોએ પોતાનાં બાળકોને લઈ જઈને જમીન ક્યાં કેટલી ઊંચી છે, પાણી ક્યાંથી કેવી રીતે વહે છે, પહાડ અને ટેકરા પરથી માટી કેવી વહી જાય છે અને પાણી ઊંચનીચનો ભેદ દૂર કરવાનો કેવો પ્રયત્ન કરે છે એ બધું એમને બતાવવું જોઈએ. આ ખેલમાં કેવળ બચપણનો જ આનંદ છે એવું નથી. જો છોકરાં બચપણમાં જ પાણીના વહેણનું અધ્યયન કરશે તો હિન્દુસ્તાનને માટે અત્યંત આવશ્યક એવી એક રાષ્ટ્રીય વિદ્યાનો એટલે કે ભગીરથ વિદ્યા(સાયન્સ ઓફ રિવર ટ્રેવનિંગ) - નદી નહેરોને કાબૂમાં લેવાની વિદ્યાનો તેઓ પ્રારંભ કરશે. હિન્દુસ્તાન દેશ જેટલો દેવમાતૃક છે એટલો જ નદીમાતૃક છે, તેથી જ પર્જન્યવિદ્યા(મીટિયરોલોજી) અને ભગીરથવિદ્યા બંને આપણી રાષ્ટ્રીય વિદ્યાઓ છે. જ્યારે સંપૂર્ણ અને સાચી રાષ્ટ્રીય વિદ્યાપીઠોની સ્થાપના થશે ત્યારે મોટા મોટા વરુણાચાર્યો અને ભગીરથાચાર્યો આપણા દેશમાં નિર્માણ થશે અને બીજા દેશોના લોકો હિન્દુસ્તાનમાં આવીને અહીંથી એ વિદ્યા શીખીને જશે.
વરસાદના દિવસો આવી ગયા! વનસ્પતિ અને કીટસૃષ્ટિની સમૃદ્ધિ આ વખતે જ જોવી જોઈએ. વનસ્પતિવિદ્યા અને કીટવિદ્યા(ની સમજ) જો વધારવી હોય તો દેશના નવયુવકોમાં બચપણથી જ આ વાતો પ્રત્યે પ્રેમ પેદા કરવો જોઈએ. લાલ મખમલ ઓઢેલા ઇન્દ્રગોપથી માંડીને 'જાદુઈ ટોર્ચ' સાથે રાખનારા આગિયા સુધીના બધા કીટોના રંગ, આકાર, એમનો સ્વભાવ, એમનો આહાર,એમનું કાર્ય એ બધાનું નિરીક્ષણ કરવું જોઈએ." 






Article link

No comments:

Post a Comment