Sandesh - Ardh Saptahik Purti - 22 July 2015
છપ્પનવખારી : તેજસ વૈદ્ય
ઉપયોગ અને અકરાંતિયાપણા વચ્ચે વિવેકની એક પાતળી રેખા હોય છે. કોમ્યુનિકેશન્સની જે ક્રાંતિ થઈ છે એ ખરેખર આશીર્વાદરૂપ છે. દરેકના હાથમાં મોબાઇલ આવી ગયા છે. ઘેર ઘેર વોટ્સએપ પહોંચી ગયું છે. ફેસબુક એટલું પોપ્યુલર છે કે લોકોને ફેસ ટુ ફેસ મળવાનું પણ જરૂરી નથી લાગતું. મુદ્દો એ છે કે કોમ્યુનિકેશન્સનાં આ બેનમૂન માધ્યમોનો ઉપયોગ હવે અકરાંતિયાની જેમ થવા માંડયો છે. આ માધ્યમોએ જ માણસને ક્યાંક એકલો તો નથી કરી દીધોને!
"બેટા, તું આજકાલ તારા જૂના દોસ્તોને મળવા નથી જતો. અગાઉ તો પંદર-વીસ દિવસ થાય એટલે તરત દોડી જતો હતો."
"પપ્પા, અમે હવે વોટ્સએપ ગ્રૂપ બનાવી લીધું છે. રોજ વોટ્સએપ પર મળીએ છીએ. રોજ વાતો થાય છે, તેથી રૂબરૂ મળવાની કંઈ જરૂર રહેતી નથી.
એક પરિવારમાં ચાર સભ્યો છે. મમ્મી એકતા કપૂરબ્રાન્ડ સિરિયલ જોવામાં વ્યસ્ત છે. દીકરો પોતાના સેલફોન પર ગેઇમ રમે છે. દીકરી પોતાના સેલફોન પર વોટ્સએપમાં વ્યસ્ત છે. પપ્પા કાં તો છાપું વાંચે છે કાં બીજા રૂમમાં ટીવી જુએ છે. આવો સીન કદાચ તમે આસપાસના કોઈના ઘરમાં જોયો હશે. શક્ય છે કે તમારા ઘરમાં જ આવું ચિત્ર ક્યારેક સર્જાતું હોય. ટૂંકમાં, ઘરમાં બધા સભ્યો હાજર હોય અને એકબીજા સાથે વાતો કરવાને બદલે મોબાઇલ કે ટીવી પર વ્યસ્ત હોય, એટલે કે વર્ચ્યુઅલ વર્લ્ડમાં જ મસ્ત હોય!
કેટલાંક દોસ્તો કે સંબંધીઓ દસ-પંદર દિવસે મળે ત્યારે પણ આવો જ માહોલ સર્જાતો હોય છે. પંદર વ્યક્તિ ભેગી થઈ હોય એમાંથી ચાર કે પાંચ વાત કરતી હોય, એ સિવાયના લોકો માત્ર હાજરી પુરાવવા આવ્યા હોય એમ સેલફોનમાં ફેસબુક કે વોટ્સએપ કે કોઈનો ફોન કોલ અટેન્ડ કરવામાં વ્યસ્ત હોય છે.
સૌથી બેહૂદું ચિત્ર તો એ છે કે ઘરમાં મહેમાન આવ્યા હોય ત્યારેય ઘરમાં ટીવી ચાલુ હોય. ઘરમાં મહેમાન પધારે એટલે ટીવી બંધ કરીને તેમના પર જ ધ્યાન આપવાનું હોય. ઘરે આવેલા મહેમાન આવી સ્થિતિમાં કોચવાયા કરે છે કે અમે ખોટા ટાઇમે તો આવ્યા નથીને! કોઈ વ્યક્તિ માંડ ફુરસદ કાઢીને તમને મળવા આવી હોય અને તમે ટીવી ચાલુ રાખો ત્યારે વાતો નથી થતી. વાતોની માત્ર ઔપચારિકતા નિભાવાતી હોય છે. રૂબરૂ મળવાની જે મજા છે એ નંદવાઈ જતી હોય છે.
વર્ચ્યુઅલ વાસ્તવિકતા
આટલા દાખલા ટાંકીને ભૂમિકા બાંધવાનું કારણ એ છે કે હવે રૂબરૂ મળવાના અને વાતોની મહેફિલ જમાવવાના દુકાળ પડવા માંડયા છે. ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, સ્કાયપ જેવા કમ્યુનિકેશન ક્રાંતિના ઝંડા શહેર અને ગામેગામ લહેરાવા માંડયા છે. કમ્યુનિકેશન્સ ક્રાંતિએ બે દૂરના છેડાના અમેરિકા અને અમદાવાદના માણસને નજીક લાવી દીધા છે અને ઘરના બે માણસો વચ્ચે અંતર વધારી દીધું છે. મોટાં શહેરોની અંદર હવે કુટુંબ નાનાં થઈ ગયાં છે. દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, અમદાવાદ વગેરે શહેરોમાં એવાં કેટલાંય કપલ એટલે કે યુગલ હશે જેઓ રૂબરૂ વાત કરતાં હોય એના કરતાં સેલફોન પર વધુ વાત કરતાં હોય.
નાનાં છોકરાંવ પણ ઘરે પપ્પાની રાહ એટલા માટે જોતા હોય છે કે પપ્પા આવે એટલે મોબાઇલમાં ગેઇમ રમવા મળે. ઘરમાં દૂધની તપેલી ક્યાં છે એ બિલાડી શોધી લે છે એમ ટાબરિયાં પપ્પાના મોબાઇલમાંથી ગેઇમ શોધી લે છે. ઘરમાં છોકરું રીડિયારમણ કરતું હોય તો શાંત કરવા ગેઇમ રમવા મોબાઇલ પકડાવી દેનારાં પેરેન્ટ્સ પણ તમે જોયાં જ હશે. નાના ગામમાં પણ એવું જોવા મળે છે કે કોઈ માણસ દુકાનમાં મોબાઇલનો ટોકટાઇમ રિચાર્જ કરાવવા ગયો હોય ત્યારે ટાબરીયું ટકોર કરે કે પપ્પા તમે મોબાઇલમાં ફલાણી ગેઇમ નખાવી લોને! બાપને બિચારાને એ ગેઇમનું નામ પણ ખબર ન હોય! નાનાં છોકરાંવ પર મોબાઇલ મેનિયા એ હદે હાવી થઈ ગયો છે કે એ બાળપણમાં જ 'ગેઝેટગુરુ' બની જાય છે. જેમ બાળ મજૂરી હટાવવા માટે ઝુંબેશ ચાલે છે એમ બાળકોને મોબાઇલથી દૂર રાખવા માટે પણ કોઈ ઝુંબેશ ભવિષ્યમાં શરૂ થાય તો નવાઈ નહીં.
કિતને દૂર-કિતને પાસ
કમ્યુનિકેશન્સ ક્રાંતિએ છેલ્લા પંદર-વીસ વર્ષમાં ભારતમાં જબરો ફેલાવ કર્યો છે અને જનજીવન પર અદ્વિતીય અસર ઊભી કરી છે. વીસેક વર્ષ અગાઉ કોઈને કલ્પના પણ નહીં હોય કે કોમ્યુનિકેશન્સનાં વિવિધ ઉપકરણો શહેર અને ગામડાંના દરેક ઘરમાં ઘૂસીને એવી અનિવાર્યતા ઊભી કરી દેશે કે એના વિના ચાલશે નહીં.
કોમન મેન માટે કમ્યુનિકેશન્સ ક્રાંતિ જેવી આશીર્વાદરૂપ ઘટના બીજી એકેય નથી. કોઈ વ્યક્તિ નવું ઘર ખરીદે છે. એ ઘરના દરવાજે શ્રી ગણેશાય નમઃ કે ૭૮૬ લખે છે. એ દરવાજાનો ફોટો અને આખા ઘરનો વીડિયો પાંચ કે સાત મિનિટમાં દૂર વસતા સંબંધીને મોકલી શકે છે. એ આશીર્વાદરૂપ ઘટના જ છે. બેન્કમાં તમારા ખાતામાં કેટલાં કાવડિયાં છે એ સેલફોનના ટેરવે જાણી શકો કે વીજળીનું બિલ મોબાઇલથી અડધી મિનિટમાં ભરી શકો એ આશીર્વાદ જ નહીં સુખદ ચમત્કાર છે, તેથી કમ્યુનિકેશન્સ ઉપકરણોના ફાયદાનો તો તોટો જ નથી.
મુદ્દો એ છે કે કોઈ પણ ઉપકરણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતાં માણસને આવડવો જોઈએ. માણસને અકરાંતિયાની જેમ એનું વળગણ ન હોવું જોઈએ. જો માણસને એનો યોગ્ય ઉપયોગ ન આવડે તો ઉપકરણ માણસ પર ચઢી બેસે છે. આજે એવું જ થઈ રહ્યું છે. વર્ચ્યુઅલ જગતની વાસ્તવિકતા એ છે કે બે દૂરના માણસ નજીક આવ્યા છે અને નજીકના માણસો વચ્ચે અંતર પડવા માંડયું છે.
ટેક્નોલોજીએ રોમાન્સની મજા ઘટાડી દીધી છે
યુવક-યુવતીની સગાઈ થાય એ પછી તેમની મુલાકાતો વધે છે. એ મુલાકાત દરમ્યાન યુવક કે યુવતી ભાવિ પતિ કે પત્ની સાથે વાત કરવાને બદલે વોટ્સએપ પર મંડયાં હોય અને સગાઈઓ તૂટી હોય એવા કિસ્સાય બન્યા છે. અગાઉ મંગેતર છોકરી અને છોકરો મળતાં તો છોકરી શરમાઈને જમીન ખોતરતી, હવે વોટ્સએપ ખોતરે છે. ફિલ્મમેકર કરણ જોહરે સરસ વાત કહી હતી. તેણે કહ્યું હતું કે, "ટેક્નોલોજીએ રોમાન્સની મજા ઘટાડી દીધી છે." રોમાન્સની જ નહીં, તહેવારની પણ મજા મર્યાદિત કરી દીધી છે. દિવાળી કે ઈદ જેવા તહેવારમાં રૂબરૂ મળવાને બદલે વોટ્સએપ પર શુભકામના મોકલીને પતાવી દેવાવાળાઓની સંખ્યા વધી રહી છે.
સવારે ઊઠીને હથેળી જોઈને કરાગ્રે વસતે લક્ષ્મી... બોલનારા લોકો હવે ઊઠતાંવેંત હથેળીમાં મોબાઇલ મૂકીને પેન્ડિંગ વોટ્સએપ મેસેજ ચેક કરે છે. ગઈ કાલે સાંજે મૂકેલી સેલ્ફીને ફેસબુક પર કેટલી લાઇક્સ અને કોમેન્ટ મળે છે એ ચેક કરે છે. વીસેક મિનિટ એમાં વીતે છે. પછી પથારીમાંથી આળસ મરડાય છે અને વોશરૂમની વાટ પકડાય છે અને પછી મોંમાં બ્રશ ફરે છે. આવા લોકોને રાત્રે સૂવામાં મોડું પણ સોશ્યલ મીડિયા વળગણને કારણે જ થતું હોય છે. આને કહેવાય માણસનું સોશ્યલ મીડિયા પ્રત્યેનું અકરાંતિયાપણું.
અકરાંતિયાપણાની હદ તો એ છે કે સ્મશાનમાં અંત્યેષ્ટિ માટે આવેલા ડાઘુઓ પણ દાહ અપાયા પછી ખૂણો પકડીને વોટ્સએપ ખોલીને બેસી જાય છે. અકરાંતિયાપણાને તો સ્મશાનવૈરાગ્ય પણ નથી આવતું.
લોકો પર સોશ્યલ મીડિયાના વળગણ એ હદે હાવી થઈ ગયાં હોય છે કે નવા વર્ષની શરૂઆતમાં લેવાતા રેઝોલ્યુશન્સ એટલે કે પ્રતિજ્ઞાામાં પણ સોશ્યલ મીડિયાનો સમાવેશ થઈ ગયો છે. 'હવેથી હું ફેસબુક પર ચોંટેલી કે ચોંટેલો નહીં રહું', 'હવેથી હું વોટ્સએપ મેસેજમાં મર્યાદા મૂકી દઈશ' વગેરે વગેરે. જોકે, આ પ્રકારની કામચલાઉ પ્રતિજ્ઞાા ક્યારેય પળાતી હોતી જ નથી એ પણ એક સત્ય છે.
વાતનો આપણો તંતુ એ છે કે માણસ હવે વર્ચ્યુઅલ જગતમાં વધુ રાચે છે. સાથે બેસીને વાતો કરવા કરતાં વોટ્સએપ ચેટિંગ, મેસેન્જર, ફેસબુક, ટ્વિટર દ્વારા થતી વાતચીતનું ચલણ વધ્યું છે.
નસીરુદ્દીન શાહ એવો એક્ટર છે જેને પોતાને ફિલ્મના નહીં પણ નાટકના અભિનેતા તરીકે ઓળખાવવું વધુ ગમે છે. તેણે કહ્યું હતું કે, "મને નાટક કરવાં એટલા માટે ગમે છે કે એ બહાને હું લોકોને મળું છું. તેમની સાથે સંવાદ સાધું છું. નાટકની ભજવણી દ્વારા હું લોકો સાથે વાત કરું છું. બાકી, લોકો આજકાલ એટલા વ્યસ્ત હોય છે કે એકબીજા માટે સમય નથી. મેસેજથી પતતું હોય તો મળવાનું ટાળે છે."
છૂટાછેડાના ઘણાં કેસ એવા હોય છે કે જેમાં પતિ કે પત્નીને કાઉન્સેલિંગની જરૂર જ હોતી નથી. તેમને માત્ર એક શ્રોતાની જરૂર હોય છે જે તેમને સાંભળે. છૂટાછેડાના ઘણાં કારણોમાંનું મહત્ત્વપૂર્ણ કારણ એ હોય છે કે પતિ કે પત્ની એકબીજા માટે સમય ફાળવતાં હોતાં નથી. એકબીજા માટે સમય ફાળવીને વાતો કરવી એ જીવનની મહત્ત્વપૂર્ણ જરૂરિયાત હોય છે.
નોર્મલ માણસ માટે પણ વાત કરવી, કોઈ પોતાને સાંભળે અને પોતે સામેવાળાની બે વાત સાંભળે એવી તેની જરૂરિયાત હોય છે. માણસ પાસે વાત કરવા માટે યોગ્ય દોસ્તો હોય તો એના માટે દુઃખના ડુંગરા ખૂબ નાના થઈ જાય છે. એ દોસ્ત પછી પત્ની પણ હોઈ શકે કે ઓફિસમાં સાથે કામ કરતો કર્મચારી પણ હોઈ શકે.
કેટલાંક લોકો આખો દિવસ ફેસબુક કે અન્ય સોશ્યલ સાઇટ્સ પર ઓનલાઇન હોય છે. આનું કારણ એ હોઈ શકે છે કે તેમને રિઅલ વર્લ્ડમાં નજીકના મિત્રો હોતા નથી, કાં તો એ વ્યક્તિ સોશ્યલાઇઝ થવામાં થોડી શરમાળ છે. એવું પણ હોઈ શકે કે ફેસબુક ફ્રેન્ડલિસ્ટમાં કે વોટ્સએપ કોન્ટેક્ટ્સમાં કોઈ એવું છે જે તેમની અત્યંત નજીક છે, તેથી પણ તેઓ સતત ઓનલાઇન જોવા મળે છે. ઓનલાઇનના આ વળગણમાંથી છૂટવાનો ઇલાજ એક જ છે કે મિત્રો રૂબરૂ મળે અને ઘડિયાળ બંધ કરીને કલાકોના કલાકો સુધી ગપાટા મારે અથવા તો સાથે ફરવા જાય.
અગાઉ ટીવી ઘેર ઘેર નહોતાં પહોંચ્યા અને ડેઇલી સોપના ડેઇલી ડોઝ નહોતા શરૂ થયા ત્યારે મહિલાઓ ઓટલે બેસતી હતી અને પંચાત એટલે કે ગોસિપ કરતી હતી. મહિલાઓ ચોવટ કરે એને લોકો સારું ન ગણતા. એના કેટલાંક ગેરફાયદા ખરા પણ ખરેખર તો એ ચોવટ કે ગોસિપ પરંપરા સારી હતી. વાતો કરવાનું સુખ મળતું. ગમે તેવી મુસીબત હોય તોપણ બહેનો ઓટલે એને વાગોળીને સહેજ હળવી થઈ જતી હતી. ગોસિપ મનદુરસ્તી માટે સારી છે એવું તો હવે વિદેશમાં થતાં સર્વે પણ કહેવા માંડયા છે. મુદ્દો એ છે કે હવે ટીવીએ ઓટલા ખાલી કરી દીધા છે.
તો વાત એમ છે કે લોકોને મળવું. બાત કરને સે હી બાત બનતી હૈ.
બોર્ડર લાઇન સેલ્ફી અને ક્રોનિક સેલ્ફી!
મોબાઇલથી ફોટો પાડવો એટલે કે સેલ્ફી લેવી એ એક સરસ વ્યવસ્થા છે. સોશ્યલ મીડિયા પર સેલ્ફી વહેતી કરો અને લોકો એના પર લાઇક્સ કે કમેન્ટ કરે તો મજા આવે. આ મજા ત્યારે જ આવે જ્યારે એ માફકસરનું હોય. સેલ્ફી મૂક્યા જ કરતાં લોકો પોતાનીય મજા બગાડે છે અને બીજાનીય મજા બગાડે છે. બસમાં બારીવાળી સીટ મળે તો સેલ્ફી, સંતાન પહેલી વખત રડે તો એની સાથે સેલ્ફી, સવારે ગાંઠિયા ખાતા હોય તો એની સેલ્ફી. ઘરમાં ચાઇનીઝ રાંધ્યું હોય તો એનો કટોરો પકડીને સેલ્ફી. સેલ્ફી જ સેલ્ફી. મારું જીવન એ જ મારી સેલ્ફી!
જોગનો ધોધ જોવા જનારા કેટલાંય લોકો સેલ્ફી લેવામાં એટલા વ્યસ્ત હોય છે કે ધોધને નિહાળવાની જે મોજ હોય છે એ ચૂકી જાય છે. તેમના માટે જોગના ધોધને આંખોમાં ભરી લેવા કરતાં સેલ્ફી પાડીને ફેસબુક પર લાઇક્સ મેળવી લેવાની મજા વધુ અગત્યની હોય છે. ક્યારેક એમ થાય છે કે લોકો બહાર ફરવા જાય છે કે સેલ્ફી પડાવીને ફેસબુક પર ચોંટાડવા જાય છે! સેલ્ફીની એક મજા છે, પણ અકરાંતિયાપણાની મજા હોતી નથી. કેટલાંક લોકો ફેસબુક પર એટલી સેલ્ફી ચોંટાડયા કરતા હોય છે કે પોતાની જાતને ડિસ્પ્લે મોડેલ કે ગેલેરીના નમૂના બનાવી દીધી હોય છે.
અમેરિકન સાઇકિયાટ્રિસ્ટ એસોસિએશને તો સેલ્ફીની ઘેલછાને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર(ઓસીડી)ની કેટેગરીમાં સ્થાન આપ્યું છે. એસોસિએશને તો બોર્ડરલાઇન સેલ્ફી, અક્યુટ સેલ્ફી અને ક્રોનિક સેલ્ફી એવા ત્રણ પ્રકાર પાડયા છે. મોબાઇલનું વળગણ હાવી થઈ ગયું હોય તો સેલફોન ડાયેટ અને ડિજિટલ ડાયેટ જેવા પ્રોગ્રામ થાય છે. લોકો આપણે ત્યાં જેમ એકટાણાં કે ઉપવાસ કરે એમ અઠવાડિયામાં એક દિવસ સેલફોનથી દૂર રહે છે.
Article link
http://www.sandesh.com/article.aspx?newsid=3101686
No comments:
Post a Comment