Thursday, July 16, 2015

છપ્પનવખારી : મલ્હારના દેશમાં જળના નામે ઝાંઝવા


Sandesh - Ardh Saptahik Purti - 3 June 2015


છપ્પનવખારી : તેજસ વૈદ્ય


પાણી આવે ત્યારે જાનૈયાઓ લગ્નની જાન છોડીને ઘેર દોડયા હોય એવા તો અનેક પ્રસંગો સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. મહારાષ્ટ્રના ગામડાંમાં તો ટેન્કર આવે ત્યારે ડાઘુઓ જનાજો છોડીને ગયા હોય એવા દાખલા છે. પાણીની સમસ્યા પર થયેલા અભ્યાસ એવું દર્શાવે છે કે ભારત જળદેવાળીયો દેશ થવાના આરે છે. જો આજે આપણે પાણીના વપરાશમાં વિવેક નહીં કેળવીએ તો આવતી કાલે પાણીના નામનું ન્હાઇ નાખવું પડશે


આજથી દશ - પંદર વર્ષ પછી બની શકે કે તમારી આખી સોસાયટી વાઇ-ફાઇ ધરાવતી હશે. તમારા મોબાઇલમાં ફોર - જીનું નેટવર્ક આવી ગયું હશે. ઘરમાં દરેક વ્યક્તિના સેલફોનમાં ઇન્ટરનેટનું હાઇસ્પીડ કનેક્શન હશે. કેટલાંક શહેરો ચકચકિત સ્માર્ટ સિટી બની ગયા હશે. ટૂંકમાં બધું એકદમ હાઇટેક બની ગયું હશે અને લાઇફ થ્રીજી-ફોરજીની સ્પીડે દોડતી હશે. આવું કદાચ હોઇ શકે. આવા સુવિધાસંપન્ન દિવસો દૂર નથી એવું કોઇ માને તો એ બિલકુલ ખોટું નથી. એવું હોઇ શકે, પણ આ બધી હાઇટેક સુવિધાની વચ્ચે ઘરમાં પાણીનાં સાંસાં હશે. રેશનિંગમાંથી ખરીદેલું ઘાસલેટ ઘરના લોકો માપી માપીને વાપરે એમ કદાચ પાણી પણ રેશનિંગથી વાપરવું પડશે. પીવાના પાણીના તો વાંધા પડવા માંડયા છે જ,પછી ન્હાવાનું પાણી પણ ખરીદવું પડશે. આ દિવસો પણ દૂર નથી અને એવું માનવા માટે તો પૂરતા કારણો આપણી સામે છે જ. આપણે પાણીની જરૂરિયાત તો સમજીએ છીએ પણ એને આદર આપતા નથી આવડતું. એનું મૂલ્ય સમજતાં આપણને નથી આવડયું. તેથી પાણી આપણને અને આપણી આગામી પેઢીને રાતા પાણીએ રડાવવાનું છે એટલં નક્કી.
આ તો થઇ ભવિષ્યના ઓવર ઓલ દૃશ્યની ઝાંખી પણ અત્યારેય છૂટક છૂટાક રાજ્યો અને વિસ્તારોમાં આવું ચિત્ર જોવા તો મળી જ રહ્યું છે. દેશમાં કેટલાંક રાજ્યોમાં વર્ષોથી પાણીનું ચિત્ર આંખે પાણી લાવી દે એવું જ છે. ગુજરાતમાં કચ્છ - કાઠિયાવાડ જુઓ કે મહારાષ્ટ્રમાં વિદર્ભ જુઓ, ત્યાં ઉનાળા તો આકરા પાણીએ જ હોય છે. સારો વરસાદ થયો હોય એ વર્ષોમાં પણ ત્યાં ઉનાળામાં તો લોકોને ત્રણ - ચાર દિવસે એક વખત જ પાણી મળે છે. કાઠિયાવાડ અને વિદર્ભમાં તો પાણીએ લોકોને રાતા પાણીએ જ નથી રડાવ્યા પણ મોત મીઠા કરાવ્યા છે.
"ભારત ખેતીપ્રધાન દેશ છે અને ખેડૂત જગતનો તાત છે." આ વાક્ય હવે ગૌરવપ્રદ નહીં પણ હાસ્યાસ્પદ લાગે છે. જળસંગ્રહ,જળસંરક્ષણ, જળ વ્યવસ્થાપન જેવા મુદ્દે અત્યાર સુધીની તમામ સરકારો નિષ્ફળ ગઇ છે તેથી એની લાંબી ચર્ચા કરવાનો કોઇ અર્થ નથી. ગુજરાતમાં કેટલીય નોન ગવર્નમેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ (એનજીઓ)એ પાણીના નામે પોતાની આર્િથક પાળ બાંધી લીધી અને કામના નામે માત્ર કાગળિયા કર્યા. કેટલીક એનજીઓએ સારી કામગીરી કરી હશે એની ના નહીં, પણ પ્રોજેક્ટના સુંવાળા ચિત્ર ઊભા કરીને પૈસા બનાવનારી એનજીઓની સંખ્યા નાનીસૂની નથી.
માણસનું મૂલ્યાંકન એ રીતે પણ થવું જોઇએ કે તે કેટલું પાણી વાપરે છે?
હવે આવે છે પ્રજાનો વારો, એટલે કે મારો અને તમારો વારો. પાણીના ઉપયોગના મામલે આપણે કેટલા વિવેકપૂર્ણ અને સંવેદનશીલ રહ્યા છીએ? આનો જવાબ આપણને ખબર છે અને શરમથી માથું ઝૂકી જાય છે. માણસના મૂલ્યાંકનનો એક માપદંડ એ પણ હોવો જોઇએ કે તે પાણીનો વપરાશ કેવી રીતે કરે છે અને રોજનું કેટલું પાણી વાપરે છે? એક માણસની જરૂરિયાત કરતાં વધુ પાણી તે વાપરતો એટલે કે વેડફતો હોય તો એ વ્યક્તિ અવિવેકી છે.
કોઇ વ્યક્તિ શાવર એટલે કે ફુવારામાં નહાતી હોય કે ટબમાં નહાતી હોય તો એ પાણીનો ક્રિમિનલ વેસ્ટેજ કરે છે. નાહાવામાં એક ડોલ કરતાં વધારે પાણીનો વપરાશ કરનારી વ્યક્તિ પણ એ જ કેટેગરીમાં આવે છે. ઘરમાં નળ કે પાઇપ લીકેજ હોય ને પાણી ટપક ટપક થતું હોય છતાં દિવસો સુધી એનું સમારકામ નહીં કરાવનારી વ્યક્તિ અભણ જ કહેવાય. શેવિંગ કરતી વખતે જે માણસ નળ સતત વહેવા દેતો હોય એ મૂર્ખાઓનો સૂત્રધાર છે. અલ્યા તું એક પાત્રમાં પાણી લઇને દાઢી કર ને! વાસણ નળ નીચે છૂટથી પાણી વહાવીને ધોવાની કેટલીક ગૃહિણીને ટેવ હોય છે. એને બદલે કોઇ મોટા પાત્રમાં પાણી ભરીને ધોવા જોઇએ. પાણીનો કઇ રીતે વપરાશ કરવો એ બાળકોને વાલીઓએ ઘરમાં દાખલા બેસાડીને શીખવવું જોઇએ તેમજ સ્કૂલની એજ્યુકેશન સિસ્ટમમાં પણ એ શીખવવું જોઇએ. મુંબઇ સુધરાઇએ પાંચેક વર્ષ અગાઉ પાણી માટેની એક ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં સચિન તેંડુલકરે ભાગ લીધો હતો. સચિનની એક એડ એવી હતી કે જેમાં તે લોકોને આહ્વાન આપતો હતો કે હું રોજ માત્ર એક બાલદી પાણીથી જ ન્હાઉં છું. નાહવા માટે એક બાલદી પર્યાપ્ત છે. તમે પણ એટલું જ પાણી વાપરો.
વિચિત્રતા એ છે કે પાણીના અછતના દિવસોમાં આપણે દુખી થઇ જઇએ છીએ અને પૂરતું પાણી હોય એ દિવસોમાં એનો બેફામ ઉપયોગ કરીએ છીએ. એવી આપણી પ્રકૃતિ છે. આપણા પૂર્વજો હોંશિયાર અને વિવેકી હતા. જૂનવાણી મકાનોમાં આજે પણ તમને ક્યાંક ક્યાંક વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકા જોવા મળશે. જેમાં ચોમાસાનું સંગ્રહાયેલું પાણી ઉનાળાના કાળઝાળ દિવસોમાં કામ લાગતું હતું. આજે મકાનો તો ભપકાદાર અને સુવિધાસંપન્ન બને છે પણ પેલા પાણીના સંગ્રહના ટાંકા નથી બનતા. છ - સાત માળની બિલ્ડિંગોના ભોંયતળીયે પણ એવા ટાંકા બનાવી શકાય છે. સોસાયટીમાં ક્લબહાઉસ કરતાં જળસંગ્રહના ટાંકા બનાવવાની તાતી જરૂર છે. રહેણાંક સોસાયટીમાં એવી પણ એક શરૂઆત કરવા જેવી છે કે દર મહિને કે દોઢ મહિને એક પ્લમ્બરને બોલાવવામાં આવે અને તે સોસાયટીના જેટલા પણ ઘરમાં પાણી લીકેજ થતું હોય એનું સમારકામ કરી આપે. આવું કરવાથી પ્લમ્બર સસ્તો પણ પડશે અને વહી જતું પાણી બચશે. સોસાયટીની ર્વાિષક બેઠકમાં આવા ઠરાવ કરવા જોઇએ અને એના માટે અલગ ભંડોળ રાખવું જોઇએ કાં મેઇનટનન્સ ખર્ચમાં એનો સમાવેશ કરવો જોઇએ. આને લીધે સરવાળે ફાયદામાં સોસાયટી જ રહેશે.
પાણીના મામલે ભારતનું ભાવી ધૂંધળું નહીંકાળુંબલ્લક છે

આપણો દેશ જળ દેવાળીયો થઇ જવાનો છે એવો રિપોર્ટ વર્લ્ડ બેન્કે નવ વર્ષ અગાઉ આપ્યો હતો. જેમાં કહેવાયું હતું કે પાણીના મામલે ભારતનું ભાવી ધૂંધળું નહીં પણ આંધળું એટલે કે કાળુંબલ્લક છે. આગામી પંદર વર્ષમાં જ ભારતની પાણીની જરૂરિયાત તેના જળસ્ત્રોતોમાં રહેલા પાણીની ઉપલબ્ધતા કરતાં વધી જશે. જો ભારતના લોકો પાણીનો વિવેકપૂર્વકનો ઉપયોગ કરતાં નહીં શીખે તો દેશ બે દાયકામાં દુકાળીયો થઇ જશે. અત્યારે ખેતીમાં સિંચાઇ તેમજ લોકોની રોજિંદી જરૂરિયાતનો મુખ્ય સ્ત્રોત ગ્રાઉન્ડવોટર એટલે કે ભૂગર્ભ જળ છે. બોર, ડંકી, ટયુબવેલ વગેરે દ્વારા જમીનમાંથી પાણી ખેંચી લેવામાં આવે છે જેને લીધે ભૂગર્ભનો જળજથ્થો ભયજનક રીતે ઓછો થઇ ગયો છે. લોકો ભૂગર્ભમાં એ સ્તરેથી પાણી ઉલેચી રહ્યા છે જેમાં ફ્લોરાઇડ અને અન્ય દૂષિત ક્ષારનું ભરપૂર પ્રમાણ છે. જે પાણી પીવાલાયક નથી. ભૂગર્ભ જળ એ નિર્ભર રહી શકાય એવો મૂળભૂત સ્ત્રોત નથી. સંખ્યાબંધ વિસ્તારોમાં તો ભૂગર્ભ જળ ઓલરેડી ડૂકી ગયું છે. જ્યાં જળ ડૂકી ગયું છે એમાં દેશના સૌથી વધુ જનસંખ્યા ધરાવતા વિસ્તારો તેમજ દેશનાં આર્િથક કેન્દ્ર એવા કેટલાંક શહેરો સામેલ છે. ખેદજનક વાત એ છે કે પર્યાવરણના ભોગે આર્િથક રીતે સમૃદ્ધ શહેરોને મહત્વ આપવામાં આવી રહ્યું છે. શહેરોમાં જંગી પાયે ઉત્પાદીત થતો કચરો નદીઓમાં ઠાલવવામાં આવે છે. જેને લીધે દેશની ૯૦ ટકા નદીઓ પ્રદૂષિત થઇ ગઇ છે. ભારતની હાલત બદથી ય બદતર થઇ રહી છે. બહુ ઝડપથી પગલાં લેવાની જરૂર છે. ભારતના વિવિધ ડેમ વ્યક્તિદીઠ ૨૦૦ ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ કરી શકે છે જ્યારે કે ચીન, દક્ષિણ આફ્રિકા અને મેકસિકો જેવા દેશ ૧૦૦૦ ક્યુબિક મીટર પાણી સંગ્રહી શકે છે. તેથી પાણીના સંગ્રહના ક્ષેત્રમાં પણ ભારતે ઝટ માળખાકીય વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. - આ વર્લ્ડ બેંકે કાઢેલું સરવૈયું છે.
નવ વર્ષ પહેલાનો આ રિપોર્ટ આજે અરિસો બનીને આપણને મોં દેખાડી રહ્યો છે. આમાંના ઘણા અનુમાનો સાચા પડી રહ્યા છે. આજે મોટા ભાગની સોસાયટીઓ સુધરાઇના પાણી પર નહીં પણ બોરથી ખેંચેલા ભૂગર્ભ જળ પર નભે છે. ક્ષારવાળું એ જળ પીવાલાયક તો હોતું નથી. તેથી પીવા માટે પેકેજ્ડ વોટરના બાટલા મંગાવવા પડે છે. જેને લીધે પીવાના પાણીનો મસમોટો કારોબાર ઊભો થયો છે. ઉપરાંત ટેન્કર દ્વારા ઘરવપરાશ માટે પાણી મંગાવવાની પ્રથા તો વર્ષોથી ચલણમાં છે. જેને લીધે ટેન્કર વોટરનો પણ એક ઉદ્યોગ વિકસ્યો છે.
પાણીનું ટેન્કર આવે ત્યારે ડાઘુઓય જનાજામાંથી હળવેકથી સરકી જાય!

વધી રહેલી વસતી અને એના કરતાંય બમણી ઝડપે થઇ રહેલા શહેરીકરણ અને ઉદ્યોગીકરણને લીધે પાણીની ખપત વધી છે. સામે પક્ષે પાણીના સ્ત્રોત મર્યાદીત છે અને એ એટલી જ ઝડપે ખાલી થઇ રહ્યા છે. એક સાદો સવાલ મનમાં એ ઊઠે કે જો પાણીના જ ફાંફાં હોય તો માત્ર માળખાકીય સુવિધા અને ડિજિટલ ડેવલપમેન્ટને કઇ રીતે પ્રગતિ કહી શકાય?
ખ્યાતનામ ફિલ્મમેકર શેખર કપૂર વર્ષોથી 'પાની' નામની ફિલ્મ બનાવી રહ્યા છે જે હજી પૂરી જ નથી થઇ. પાણીની સમસ્યાના ઉકેલ માટેની યોજનાઓ પણ શેખર કપૂરની એ ફિલ્મ જેવી જ છે. જે અમલમાં તો આવી છે પણ એના કોઇ સાર્થક આઉટપુટ આપણને હજી મળ્યા નથી.
વડોદરા જિલ્લાના દેવાળીયા, જેતપુર તેમજ કાઠિયાવાડના દેઢાણ સહિત કેટલાંય એવા ગામો ગુજરાતમાં છે કે જ્યાં કોઇ દીકરી પરણાવતું નથી. કેટલાંય ગામોમાં પાણીને વાંકે પરણી ન શકતા યુવકો છે. તેમના ગામમાં પાણી નથી એટલે તેમની કુંડળીમાં લગ્નયોગ નથી. દેશના અનેક રાજ્યોમાં આવી પરિસ્થિતિ છે.
હાલની સ્થિતિ એવી છે કે દેશના પચાસ ટકા ગામોમાં પીવાનું પાણી મળતું નથી. ગાંધીજી કહી ગયા હતા કે "ખરૃં ભારત ગામડામાં વસે છે." ખરૃં ભારત એ જ છે કે જ્યાં પીવાનું પાણીય મળતું નથી.
કાઠિયાવાડની મહેમાનગતિ માટે તો દુહો પ્રચલિત છે કે 'અમારા કાઠિયાવાડમાં કોક'દિ તું ભૂલો પડય મારા ભગવાન...તને સ્વર્ગ રે ભુલાવી દઉં મારા શામળા...' કાઠિયાવાડીઓ મહેમાનને ખરેખર જીવની જેમ સાચવે છે, પણ એપ્રિલ - મે મહિનામાં જો શામળિયો ભૂલો પડી જાય તો તેણે પણ પાણીની તો હાલાકી ભોગવવી જ પડે. દિલ્લીના વસંતવિહાર જેવા ભવ્ય ઇલાકામાં કરોડોનું મકાન ધરાવતા લોકો હવે એ વિસ્તાર ખાલી એટલા માટે કરવા માગે છે કે ત્યાં પાણીના ભયંકર ધાંધીયા છે. મહારાષ્ટ્રનું નાંદેડ હોય કે કચ્છનો અંતરિયાળ ઇલાકો જ્યાં પાણી માત્ર ટેન્કર દ્વારા પહોંચે છે એવા વિસ્તારોમાં જ્યારે ટેન્કર આવે છે ત્યારે લોકો એવી રીતે તૂટી પડે છે જાણે જંગલી પ્રાણીઓનું ટોળું કોઇ શિકાર પર તૂટી પડતું હોય. આ વાક્ય થોડું અતિશયોક્તિ ભરેલું લાગતું હોય તેમણે ક્યારેક એ દ્રશ્યો જોઇ લેવા.
મહારાષ્ટ્ર જેવા વિકસિત રાજ્યમાં પાંચ હજાર કરતાં વધુ ગામો એવા છે જ્યાં ટેન્કરથી પાણી પહોંચે છે. પાણી આવ્યું હોય અને જાનૈયાઓ જાન છોડીને ચાલ્યા ગયા હોય એવું તો આપણે સાંભળ્યું છે અને કેટલાંકે જોયું હશે. મહારાષ્ટ્રના ગામડામાં એવા પણ દૃશ્યો સર્જાયા છે કે ગામમાં ટેન્કર આવ્યું હોય અને ડાઘુઓ જનાજામાંથી સરકીને પાણી ભરવા ચાલ્યા ગયા હોય. આમાં તેમનો વાંક નથી. દિવસો સુધી પાણીના દર્શન જ ન થતા હોય ત્યાં આવા દૃશ્યો સર્જાય એ સ્વાભાવિક વાત છે.
એકતરફ પાણી નથી તો બીજી તરફ આપણી પાસે જે પાણી હતું એનો નખોદ વાળી દીધો છે. આપણી દરેક નદીને આપણે વંદન કરીએ છીએ. નદીને આપણે માતા કહીએ છીએ. હકીકત એ છે કે એ ધર્મભાવનાથી ઉપર ઊઠીને વાસ્તવિક રીતે જોઇએ તો નદીને આપણે ગટર જ બનાવી દીધી છે. ગામ અને શહેરનો કચરો નાળામાં ઠલવાય છે અને નાળું નદીમાં ઠલવાય છે. જે નદી પીવાલાયક પાણી પૂરંુ પાડતી હતી એ હવે ઝેર બની ગઇ છે. દેશની મોટા ભાગની નદીઓના આ હાલ છે. યમુના નદીના શુદ્ધિકરણની ઝુંબેશ ચલાવતાં મનોજ મિશ્ર કહે છે કે "૧૪૦૦ કિલોમીટરમાં ફેલાયેલી યમુના નદી ૮૦૦ કિ.મી.માં તો મરી પરવારી છે. પાણીપતથી ઇટાવાનો ૬૦૦ કિ.મી.નો પટ્ટો તો અધિકૃત રીતે ડેડ જાહેર થઇ ચૂક્યો છે. જેમાં દિલ્હી, આગ્રા, મથુરા, વૃંદાવન એટલે કે આખેઆખી વ્રજભૂમિ સામેલ છે. કૃષ્ણની એ ભૂમિના દર્શન કરવા દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુ ત્યાં આવે છે. નદીમાં સ્નાન અને આચમન કરે છે. લોકો જે આચમન કરે છે એ દિલ્લીનો સડેલો કચરો છે."
 શહેરમાં ડામર રોડ તો છે જ એ સિવાય હવે નાની નાની ગલીઓમાં અને શેરીઓમાં પણ આરસીસી અને પેવરબ્લોક ભરીને જમીનને પેક કરી દેવામાં આવી છે. એટલે સુધી કે કોઇ વડલાનું ઘટાદાર વૃક્ષ હોય તો એના થડનેય એનાથી પેક કરી દેવામાં આવે છે. પરીણામે પામી ઝમીને જમીનમાં ઉતરતું હતું એ ઉતરવાનું શહેરમાં અત્યંત ઓછું થઇ ગયું છે. એને લીધે પણ ભૂગર્ભ જળ ખૂટવા માંડયું છે. આપણું અર્બન પ્લાનિંગ એટલે કે શહેરરચના એવી છે કે પાણીને જીવનથી દૂર કરી રહ્યા છીએ. આપણે જમીનની જ કિમત કરીએ છીએ પણ પાણીનું મૂલ્ય સમજતા નથી. પાણી આપણને સારી રીતે યાદ દેવડાવી રહ્યું છે અને પાઠ ભણાવી રહ્યું છે કે તેનું મૂલ્ય શું છે. આપણે જમીનની કિમત ભલે કરીએ પણ પાણીનું મૂલ્ય સમજીએ એ જરૂરી છે. કાલે પાણી ખતમ થઇ જવાનું છે એમ સમજીને વાપરો. મહાવીર સ્વામી કહી ગયા છે કે "પાણીને ઘીની જેમ વાપરો." જો આજે આપણે ઘીની જેમ નહીં વાપરીએ તો આવતી કાલે ઘીના ભાવે જ ખરીદવું પડશે.
"રહેણાંક સોસાયટીમાં એવી પણ એક શરૂઆત કરવા જેવી છે કે દર મહિને કે દોઢ મહિને એક પ્લમ્બરને બોલાવવામાં આવે અને તે સોસાયટીના જેટલા પણ ઘરમાં પાણી લીકેજ થતું હોય એનું સમારકામ કરી આપે. આવું કરવાથી પ્લમ્બર સસ્તો પણ પડશે અને વહી જતું પાણી બચશે. સોસાયટીની ર્વાિષક બેઠકમાં આવા ઠરાવ કરવા જોઇએ અને એના માટે અલગ ભંડોળ રાખવું જોઇએ કાં મેઇનટનન્સ ખર્ચમાં એનો સમાવેશ કરવો જોઇએ. આને લીધે સરવાળે ફાયદામાં સોસાયટી જ રહેશે."
એક હતું તળાવ...

પાણીની જાળવણી માટે ભેખ લઇને કામ કરતાં જળસંરક્ષણના પુરસ્કર્તા એવા જાણીતા પર્યાવરણ કર્મશીલ અનુપમ મિશ્રએ સરસ વાત કહી હતી. ધ્યાનથી વાંચજો. તેઓ કહે છે કે " પૃથ્વી પર પાણી આવ્યું એ પછી જ જીવન શરૂ થયું તેથી એ વાત સમજવામાં સાવ સાદી છે કે જો પાણી જ નહીં હોય તો જીવન આપોઆપ ચાલ્યું જશે અને પૃથ્વી જીવ વગરનો ગ્રહ બની રહેશે. દિલ્લીમાં એક સમયે ૮૦૦ તળાવ હતા. આજે ગણીને પાંચ પણ નથી. લોકો માને છે કે પાણીની કોઇ કિમત નથી, જમીનની કિમત છે. તેથી આપણે એ તળાવો બૂરીને દુકાનો અને મકાનો ઊભા કરી દીધા. દિલ્હીમાં વરસાદ તો આજે પણ એટલો જ પડે છે જેટલો અગાઉ પડતો હતો, પણ હવે એ પાણી સંગ્રહાતું નથી, વહ્યું જાય છે. એને પરીણામે પૂર આવે છે. અગાઉ જળસંગ્રહના અનેક સ્ત્રોત હતા. તળાવ, વાવ, તલાવડી, કૂવા વગેરે. હવે એના પર એન્ક્રોચમેન્ટ થઇ ગયું છે. તેથી પૂર આવે છે."
અનુપમ મિશ્ર હવે જે વાત કહે છે એ વધારે ધ્યાનપૂર્વક વાંચજો. પાણીનું વિષચક્ર કઇ રીતે સર્જાયું એ સમજાવતાં તેઓ કહે છે કે "અંગ્રેજો દેશમાં આવ્યા એ અગાઉ રાજાશાહી હતી ત્યારે દેશમાં પાણીની પરિસ્થિતિ સારી હતી. એક સાદું દૃષ્ટાંત આપું. અંગ્રેજો આવ્યા એ અગાઉ માત્ર મૈસૂર રાજ્યમાં ચાલીસ હજાર તળાવ હતા. રાજ્ય પ્રશાસન અને સમાજ બંને મળીને એ જળસ્ત્રોતોની જાળવણી કરતા હતા. એમાં રાજા પોતાના તરફથી પૈસા આપતા હતા. જ્યારે અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારે તેમણે પ્રજાને કહ્યું કે અમે શા માટે પૈસા આપીએ? આ તળાવ તો તમારા છે. અમે એના રખરખાવ માટે પૈસા નથી આપવાના. અધૂરામાં પુરંુ અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો. અંગ્રેજોએ ઠેરવ્યું કે લોકો એમાંથી સિંચાઇ લે છે તો લોકોએ એનો ટેક્સ ચૂકવવો પડશે. આમ,અંગ્રેજોએ રખરખાવ માટે પૈસા તો ન આપ્યા પણ સામેથી ટેક્સરૂપે પૈસા લોકો પાસે માગ્યા અને ટેક્સ વસૂલવા માંડયા એટલે આપોઆપ એ તળાવ, વાવ વગેરેની માલીકી અંગ્રેજોની થઇ ગઇ. પછી લોકોનું પણ એ જગ્યાઓ પરથી મમત્વ ઘટવા માંડયું. લોકોએ તળાવ, વાવ, કૂવા વગેરેની રખેવાળી બંધ કરી દીધી. એ અવાવરૂ થઇ ગયા. અગાઉ લોકો પોતે પાણીનો સંગ્રહ કરતા હતા અને એની વ્યવસ્થામાં નિમિત્ત બનતા હતા એ ધીમે ધીમે સરકાર પર નિર્ભર થવા માંડયા. અંગ્રેજોએ તમામ રાજ્યોમાં આવી સ્થિતિ નિર્માણ કરી હતી. જેના નબળા પરિરણામો આજે આપણે સમગ્ર દેશમાં અત્યારે જોઇ રહ્યા છીએ. અત્યારે વસતી ભયંકર વધી ગઇ છે અને પાણીના અગાઉના સ્ત્રોત નામશેષ થઇ ગયા છે. તેથી ઉપાય શું કાઢવો એ આપણને સૂઝતું નથી."

Article Web link
http://www.sandesh.com/article.aspx?newsid=3082239

No comments:

Post a Comment