Thursday, July 16, 2015

છપ્પનવખારી : સિનેમાની નવી આબોહવા અને મણિ કૌલ


Sandesh - Ardh Saptahik Purti - 8 July 2015

છપ્પનવખારી - તેજસ વૈદ્ય

હિન્દી ફિલ્મોમાં હવે કોર્મિશયલ અને આર્ટહાઉસ તેમજ પેરેલલ ફિલ્મોના ભેદ ભૂંસાઈ રહ્યા છે. આ પ્રક્રિયા ખૂબ ધીમી પણ મક્કમ ઢબે થઈ રહી છે. 'હાઇવે', 'દેવ-ડી', 'લવ સેક્સ ઔર ધોખા', 'શિપ ઓફ થીસિયસએના દાખલા છે. તાજેતરમાં જ રજૂ થયેલી મરાઠી ફિલ્મ 'કિલ્લામહારાષ્ટ્ર સિવાયનાં રાજ્યોમાં પણ વાહવાહી મેળવી રહી છે. મરાઠી ફિલ્મ 'કોર્ટપણ સફળ રહી. ફિલ્મોમાં હવે અવનવા પ્રયોગો થવા માંડયા છે. ભારતીય સિનેમામાં મણિ કૌલ એકમાત્ર એવા ડિરેક્ટર હતા કે તેમના જેટલા પ્રયોગો અત્યાર સુધી કોઈએ કર્યા નથી. તેમણે ફિલ્મમેકિંગનું નવું મૌલિક વ્યાકરણ રચ્યું હતું. અનુરાગ કશ્યપઇમ્તિયાઝ અલી કબૂલે છે કે મણિ કૌલની ફિલ્મો જોઈને તેઓ ઘણું શીખ્યા છે. મણિ કૌલની સિનેસૃષ્ટિ સમજવા પ્રયાસ કરીએ


નેશનલ એવોર્ડ મેળવનાર મરાઠી ફિલ્મ 'કિલ્લા' ૨૬ જૂને ભારતમાં રજૂ થઈ. ફિલ્મ મરાઠી હોવા છતાં મહારાષ્ટ્ર સિવાયનાં રાજ્યોમાં પણ ખૂબ જોવાઈ રહી છે. અમદાવાદમાં તો બબ્બે અઠવાડિયાં સુધી હાઉસફુલ રહી. વિચારોકોઈ મરાઠી ફિલ્મ ગુજરાતનાં સિનેમાઘરમાં બબ્બે અઠવાડિયાં સુધી હાઉસફુલનાં પાટિયાં ઝુલાવે એ મોટી ઘટના જ કહેવાયને!
કિલ્લા ફિલ્મનું પહેલું દૃશ્ય રસપ્રદ છે. જ્યાં છેલ્લા કેટલાંક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને લીલોતરી છવાયેલી છે એવા નાના ગામના એક ઘર તરફ જતો સાંકડો રસ્તો દર્શાવાયો છે. કેમેરો ધીમે ધીમે એ રસ્તા તરફ આગળ વધે છે. બારેક સેકન્ડ સુધી માત્ર કેમેરો જ હરિયાળા રસ્તામાં આગળ ચાલતો રહે છે. ન કોઈ એક્ટરન કોઈ સંવાદ. 'ચેન્નાઈ એક્સપ્રેસઅને 'દબંગ'બ્રાન્ડ ફિલ્મો જોવા ટેવાયેલા દર્શકોને કદાચ મનોમન એમ થાય કે આ શું માંડયું છે. આ તો ફિલ્મ જેવું લાગતું જ નથી.
પહેલા જ સીનમાં માત્ર કેમેરા દ્વારા ફિલ્મમેકર એવું દર્શાવી દે છે કે એક અંતરિયાળ ગામ છેજ્યાં થોડા દિવસથી વરસાદ પડે છે. ગામ લીલુંછમ થઈ ગયું છે. આ દૃશ્ય માત્ર બે-ચાર સેકન્ડમાં પણ ડિરેક્ટર દર્શાવી શક્યા હોતપણ એના માટે બારેક સેકન્ડ જેટલો સ્વાભાવિક સમય ફાળવે છે. જે ઠહેરાવ છે એને ફિલ્મનું 'ટાઇમ' તત્ત્વ કહે છે. એ દરમિયાન દર્શક માત્ર જાણી જ નથી લેતો પણ માણી લે છે કે વાહ! સરસ ગામ છે.
'કિલ્લા'માં આવાં અનેક દૃશ્યો છે. જેમાં દૃશ્યો પોતે જ બોલે છે. એ અભિનેતા કે સંવાદના ઓશિયાળા નથી. ફિલ્મ ઓડિયો-વિઝ્યુઅલ એટલે કે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ છે. જેનું પહેલું અને પાયાનું અંગ વિઝ્યુઅલ્સ એટલે કે દૃશ્યો છે. ફિલ્મમાં દૃશ્યાવલી પોતે જ મુખરિત થવી જોઈએ. મુખરિત થવી એટલે બોલવી જોઈએ. એક્ટર્સ અને સંગીત એમાં સહાયરૂપ થવાં જોઈએતેથી જ સાચી ફિલ્મ એ છે કે એનો સાઉન્ડ તમે બંધ કરીને મૂંગી પણ માણી શકો. ફિલ્મની સમગ્ર કથાને પામી શકો. 'કિલ્લા'ની મજા જ એ છે કે એ મરાઠી હોવા છતાં વૈશ્વિક બોલી બોલે છે. એની ભાષા વિઝ્યુઅલ્સ પોતે છે, નહીં કે મરાઠીતેથી જ ગુજરાતી હોય કે તેલુગુ દરેક વ્યક્તિ એ માણી શકે છે. સિનેમામાં આ પ્રકારના પ્રયોગ માટે મણિ કૌલ પાયાનું નામ છે.
મણિ કૌલ! એ વળી કોણ?
સિનેમામાં હવે કમર્શિયલ, પેરેલલ, આર્ટહાઉસ એવી ભેદરેખાઓ ધીમે ધીમે ભૂંસાઈ રહી છે. એમાં 'કિલ્લાજેવી ફિલ્મો મોટો રોલ ભજવે છે. 'કિલ્લા' જોઈએ એટલે મણિ કૌલ યાદ આવે. મણિ કૌલ ૨૦૧૧માં જ દુનિયા છોડી ગયા.
થોડાં વર્ષ પહેલાં ઓસિયાન ફિલ્મ સમારંભમાં ફિલ્મ એપ્રિસિએશન વિશે એક વ્યાખ્યાન યોજાયું હતું. મણિ કૌલ એમાં વક્તા હતા. કાર્યક્રમના સંચાલકે જ્યારે મણિ કૌલનો પરિચય આપતાં કહ્યું મણિ અત્યારના સમયના શ્રેષ્ઠ ડિરેક્ટર છે." સંચાલકનું આ વાક્ય સાંભળીને દર્શકોમાં બેઠેલા યુવાઓના કપાળે આશ્ચર્યચિહ્ન સર્જાઈ ગયું. મણિ કૌલ! એ વળી કોણ૯૦ના દાયકામાં તેમજ એ પછી જે પેઢી જુવાન થઈ છે તેમણે મણિ કૌલનું નામ ભાગ્યે જ સાંભળ્યું હશે. તેમની મહાનતા પણ તેમની ફિલ્મોની જેમ બોલકી નથી.
મણિ કૌલ એવા ડિરેક્ટર હતા જેમણે ફિલ્મ દર્શાવવાની પોતાની શૈલી એટલે કે આગવું ગ્રામર વિકસાવ્યું હતું. એ ગ્રામર પણ ભારતીય હતુંહોલિવૂડિયું નહીં. મણિ કૌલની ફિલ્મોમાં સૌ પ્રથમ દૃશ્યો બોલે છે. શબ્દો એની પાછળ પાછળ આવે છે અને પૂરક બને છે. સિનેમામાં લાઘવકલા એટલે કે ડાયલોગ વગર કહેવાની કલા મણિ કૌલે જેટલી સરસ રીતે ઉપયોગમાં લીધી છે એટલી ભાગ્યે જ કોઈ ડિરેક્ટરે લીધી હશે.
ફોર્મ્યુલા ફિલ્મોની ચ્યુઇંગ ગમ
ધીમે ધીમે સારા બદલાવ આવી રહ્યા છે, પણ હિન્દી સિનેમામાં દર્શકો ફોર્મ્યુલા એટલે કે ઢાંચાની બહારની ફિલ્મો જોવા ટેવાયેલા નથી. સૌથી કંગાળ બાબત તો એ છે કે ફિલ્મો સ્ટાર્સ થકી જ વધુ ચાલે છે. સરેરાશ કથાનક ધરાવતી પણ મોટો સ્ટાર ધરાવતી ફિલ્મો વધુ ચાલે છેજ્યારે કે મજબૂત કન્ટેન્ટ ધરાવતી સ્ટારવિહીન ફિલ્મો નબળી કહેવાય છે. ફિલ્મ જોવા જનારા સરેરાશ વ્યક્તિની ડિમાન્ડ એવી હોય છે કે એમાં મસાલો હોવો જોઈએડ્રામા હોવો જોઈએ, શાહરુખ-સલમાન-દીપિકા હોવાં જોઈએ,ઢેંટેણેને-ઢીશૂમ ઢીશૂમ હોવું જોઈએ, અનરિયાલિસ્ટિક રોમાન્સ એટલે કે હવાઈ પ્રેમ હોવો જોઈએ. યાદ રહે કે સરેરાશ ફિલ્મોની વાત છેઆમાં સુખદ અપવાદો હોય છે. વર્ષોથી દર્શકો અને ફિલ્મમેકર્સે આ જ સમીકરણ સેટ કરી દીધાં છે. દર્શકોની આંખો આ જ ફોર્મ્યુલા ચ્યુઇંગ ગમ ચાવ્યા કરે છે. કોઈક ફિલ્મકાર કંઈક નવું પ્રયોગશીલ અને ર્માિમક કરે તો એની કૃતિને ટિકિટબારી એવી રીતે ઉતારી પાડે છેજાણે એ નાત બહારની હોય. એને વાહિયાત ગણવામાં આવે છે.

દર્શકોનો ટેસ્ટ એન્ટરટેઇનમેન્ટ, ડ્રામા, સ્ટાર વેલ્યૂ વગેરે પર જ વર્ષોથી સ્થિર થઈ ગયો છે એમાં વાંક દર્શકોનો નથી. વાંક ફિલ્મમેકર્સનો છે. 'લોકોને આવું જ ગમે છેએટલે આવું જ પીરસોનામનો જે સિન્ડ્રોમ છે એનો ફિલ્મમેકર્સ વર્ષોથી શિકાર છે. એના બચાવમાં એવી દલીલ થાય છે કે પ્રોડયુસર્સ તો કરોડો દાવ પર લગાવીને બેઠા હોય છે. જોખમ શા માટે ઉઠાવેતો એની સામે દલીલ એ છે કે ફિલ્મ તો માધ્યમ જ ક્રિએટિવિટીથી ફાટફાટ કલાનું છે. એ કાંઈ શેરબજાર તો છે નહીં. જો દર્શકોને પ્રયોગો ગમતા જ ન હોય તો અનુરાગ કશ્યપ 'દેવ ડી' કે 'ગેંગ્સ ઓફ વાસેપુરબનાવે જ નહીં. ઇમ્તિયાઝ અલી 'હાઇવેબનાવે જ નહીં. દીપા મહેતા 'વોટરબનાવે જ નહીં.
ફિલ્મ જોવા માટે દર્શકો જે રીતે ટેવાયેલા છે એ રીતે મણિ કૌલની ફિલ્મો ન જોઈ શકાય. તેમની ફિલ્મો નિહાળવાની નવી શિસ્ત માગે છે. જો થોડી ધીરજ સાથે એ ફિલ્મો નિહાળવામાં આવે તો એ ફિલ્મો પોતે જ એ શિસ્ત દર્શકોને શીખવે છેદર્શકોને કેળવે છે.
મણિ કૌલ એવા ફિલ્મમેકર હતા, જેમનું નામ સમય જતાં વધુ ગાજવા માંડશે. મણિ કૌલને દાદ દેનારા ભારત કરતાં વિદેશમાં વધુ પડયા છેપણ આપણે ત્યાં બદલાઈ રહેલી આબોહવા કહે છે કે આપણે ત્યાં દાદ દેનારો વર્ગ વધી રહ્યો છે. અનુરાગ કશ્યપ, ઇમ્તિયાઝ અલીઅવિનાશ અરુણચૈતન્ય તમ્હાણે(ફિલ્મ 'કોર્ટ'નો ડિરેક્ટર) વગેરે આબોહવા બદલી રહ્યા છે.
મણિ કૌલ એવા પ્રયોગકર્મી અને પ્રગતિશીલ ડિરેક્ટર હતા કે તેમની દરેક ફિલ્મો દીવાદાંડી છે. ફિલ્મ માત્ર જોવાની નહીં,નિહાળવાની હોય છે. જોવું અને નિહાળવું એ બે અલગ બાબત છે. ચિત્રપ્રદર્શનીમાં ચિત્રો જોવાનાં નહીંનિહાળવાનાં હોય છે. જે વ્યક્તિ ચિત્રની બારીકાઈને નિહાળે એની દૃષ્ટિ ધીમે ધીમે માલામાલ થવા માંડે છે. મણિ કૌલની ફિલ્મો પણ એવી જ છે. એ નિહાળો એટલી દૃષ્ટિ માલામાલ થાય. તેમની ફિલ્મો જીવન જોવાનો દૃષ્ટિકોણ કેળવે છે.


ઋત્વિક ઘટક અને મણિ કૌલ
૧૯૬૯માં માત્ર ૨૫ વર્ષની ઉંમરે તેમણે હિન્દીના વિખ્યાત કથાકાર મોહન રાકેશની વાર્તા 'ઉસકી રોટીપરથી એ જ નામની ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મ દ્વારા તેમણે હિન્દી સિનેમાને પોપ્યુલર સિનેમાની વ્યાખ્યામાંથી બહાર કાઢીને પેરેલલ એટલે કે સમાંતર સિનેમાનો નવો રાહ બતાવ્યો હતોજ્યારે 'ઉસકી રોટીરજૂ થઈ ત્યારે લોકોએ એવી ટીકા કરી કે ફિલ્મ એકદમ ધીમી અને કંટાળાજનક છે. દૃશ્યોની વચ્ચે ભાગ્યે જ સંભળાતા સંવાદમાં કેટલાંકને અસહજતા લાગી. ત્યારે કોઈને એવું ન સમજાયું કે શબ્દોને ફિલ્મમાં આ રીતે ઠહેરાવ સાથે પ્રયોજવા એનો અર્થ અને મર્મ હોય છેફિલ્મ માત્ર ગતિથી જ નથી બનતી એનાં દૃશ્યોની શાંત સ્થિતિ પણ કંઈક કહેતી હોય છે. એની પાસે આંખ-કાન માંડતાં કેળવાવંુ પડે.
મણિ કૌલ એફટીઆઇઆઇ(ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા)માં સ્ટુડન્ટ હતા ત્યારે બંગાળના ઊંચા ગજાના ફિલ્મમેકર અને 'મેેઘે ઢાકા તારાજેવી બેનમૂન ફિલ્મ બનાવનાર ઋત્વિક ઘટક તેમને ભણાવતા હતા. ઘટકના ફેવરિટ શિષ્ય મણિ કૌલ હતા. ગુરુ-શિષ્યમાં સામ્ય એ છે કે ઋત્વિક ઘટકની ફિલ્મો અને મણિ કૌલની ફિલ્મોનો દર્શકવર્ગ મર્યાદિત છે.
ઋત્વિક ઘટક ઉપરાંત રશિયન ફિલ્મકાર તારકોવ્સ્કીથી પણ મણિ કૌલ પ્રભાવિત હતા. મજાની વાત એ છે કે મણિ કૌલેઋત્વિક ઘટક અને તારકોવ્સ્કીના આભાવર્તુળમાંથી બહાર નીકળીને પોતાનો નવો માર્ગ તૈયાર કર્યો હતો. સિનેમાનું નવું વ્યાકરણ રચ્યું હતું. તેમની ફિલ્મોમાં ટેક્નિક અને નરેશન(કથન-વિઝ્યુઅલ વર્ણન) નોખી જ ઢબે જોવા મળે છે. તેમની ફિલ્મો ડોક્યુમેન્ટરી અને ફીચર ફિલ્મનું કોમ્બિનેશન છે. આ પ્રકારનું ફોર્મેટ તેમની નબળાઈ નહીંપણ નાવીન્ય અને મજબૂતી હતું.
મણિ કૌલની મિતા વશિષ્ઠને ચમકાવતી ફિલ્મ 'સિદ્ધેશ્વરી' જોશો તો એ સમગ્ર ફિલ્મમાં કેમેરા મૂવમેન્ટ ધ્યાન ખેંચે એવી છે. તમે કોઈ રમણીય સ્થળે ગયા હો અને ધીમે ધીમે ટગર ટગર એ સ્થળને નિહાળતા હો એ રીતે ફિલ્મનાં દૃશ્યો ફિલ્માવાયાં છે. ફિલ્મમાં બનારસના ઘાટગંગા અને ત્યાંની ઇમારતોની આસપાસ જે રીતે અંગડાઈ લેતો કેમેરો દૃશ્યો ઝીલે છે અને પડદા પર એ દૃશ્યો રજૂ થાય છે ત્યારે દર્શક માટે એ નોખી અને નવી જ અનુભૂતિ બની રહે છે. 'સિદ્ધેશ્વરીબનારસના વિખ્યાત ગાયિકા સિદ્ધેશ્વરીદેવી પર આધારિત ફિલ્મ હતી.
ફિલ્મને ટોટાલિટીમાં રજૂ કરવાની કલા
મણિ કૌલની માસ્ટરી એ છે કે એ હિરોઇનને દૃશ્યમાં રજૂ કરશે તો એનો ચહેરો તરત નહીં બતાવે. ઘરની દીવાલ પર તેનો ટેકવેલો હાથ પહેલાં દેખાડશે. એ પછી ચહેરો દર્શાવ્યા વગર જ એના સંવાદો સંભળાશે. તેઓ કેમેરાને પાત્રોના ચહેરા પર કેન્દ્રિત કરવા કરતાં હીરો કે હિરોઇનનાં હાથપગઆંગળીઓ વગેરે પર કેન્દ્રિત કરતા. આ રીતે તેની આસપાસની સ્થિતિ દર્શાવીને છેક છેલ્લે તે હિરોઇનની મુંહ દિખાઈ કરાવશે. એ દરમ્યાન દર્શક પામી લે છે કે એ ફિલ્મમાં તે શું છેક્યાંની છેએનું ઘર કેવું છેઘરમાં એની સ્થિતિ શું છે વગેરે. મણિ કૌલ ફિલ્મમાં જેટલું મહત્ત્વ કલાકારોને આપે એટલું જ મહત્ત્વ ખુલ્લી જગ્યાઆસપાસ સંભળાતા અવાજને આપે. સ્વાભાવિક ઢંગથી તેઓ દૃશ્ય રજૂ કરતા હતા. ફિલ્મને તેઓ માહોલની સંપૂર્ણતયામાં એટલે કે ટોટાલિટીમાં નિહાળતાબોલિવૂડની જેમ માત્ર અભિનેતાઓના અભિનય અને સંવાદથી જ તેઓ પ્રસંગ અને ઘટનાને ન આટોપી લેતા.
ઉપરાંત સાહિત્યચિત્રકળાકવિતા અને સંગીત જેવાં કલાતત્ત્વોની મજેદાર રજૂઆત તેમની ફિલ્મોમાં જોવા મળે છે. ફિલ્મ'સિદ્ધેશ્વરી'માં કાવ્ય, 'ધ્રુપદ'માં સંગીત, 'દુવિધા'માં 'ચિત્રકલા', 'સતહ સે ઉઠતા આદમી'માં 'વાસ્તુશિલ્પ'નું પ્રભુત્વ બળૂકી રીતે રજૂ થયું છે. એ રીતે તેઓ દૃશ્યો અને કહાણીને વધુ પ્રભાવી બનાવતા હતા.
મણિ કૌલની ફિલ્મોમાં જે મીઠાશપૂર્વક હિન્દી ભાષા રજૂ થઈ છે એના પર તો સંશોધન કરી શકાય એમ છે. તમે ફિલ્મ 'દુવિધા'નિહાળો તો માલૂમ પડે કે આહા! હિન્દી આટલી મધઝરતી ભાષા છે! મણિ કૌલ મૂળે રાજસ્થાનના જોધપુરમાં જન્મેલા કાશ્મીરી હતા. તેમણે ફિલ્મોમાં હિન્દીને એવી રીતે રજૂ કરી જાણે એ ફિલ્મોનો મુખ્ય વિષય ભાષા હોય. તેમની કેટલીક ફિલ્મો હિન્દી સાહિત્ય પરથી પ્રેરિત છે. સિનેમા ભાષા વિશે વિચાર કરે છે એવું એમાંથી પ્રતિબિંબિત થવું જોઈએ. અત્યારની કઈ ફિલ્મ કે ટીવી સિરિયલ જોઈને એના વિશે એવું કહી શકાય કે એ ફિલ્મ કે સિરિયલ ભાષા વિશે વિચારે છે! 'સતહ સે ઉઠતા આદમીતો કાવ્યાત્મક કટાક્ષિકા છે, જે હિન્દીના સાહિત્યકાર ગજાનન માધવ મુક્તિબોધની કૃતિ પરથી પ્રેરિત છે. મણિ કૌલે હિન્દીની સાહિત્યકૃતિઓ પરથી ફિલ્મો બનાવી છે. તેમણે નવલકથાવાર્તા અને નિબંધો પરથી ફિલ્મો રચી છે. તેઓ માનતા કે જે સાહિત્યકૃતિ છે એ ફિલ્મમાં મૂળભૂત રીતે રજૂ થવી જોઈએ. એની મૂળભૂતતા જાળવીને ડિરેક્ટરે પોતાનો કસબ દર્શાવવાનો હોય છે.
તમે નિરીક્ષણ કરશો તો ભારતીય ફિલ્મો નાટક પરંપરા પર જ ટકેલી છે. ફિલ્મોેએ પોતાની આગવી રજૂઆતશૈલી વિકસાવી નથી. જે રીતે નાટકમાં સીન અને સ્ક્રિપ્ટ લખાય છે એ રીતે જ ફિલ્મના સીન અને સ્ક્રિપ્ટ લખાય છે. નાટક જીવતાંજાગતાં કિરદારો સાથે લાઇવ રજૂ થાય છે. ફિલ્મમાં પહેલાં શૂટિંગ થાય છે અને પછી પડદે રજૂ થાય છે. આટલાં વર્ષોમાં ફિલ્મે પોતાનું વિશિષ્ટ સ્વરૂપ વિકસાવ્યું જ નથી. મણિ કૌલ ભારતીય સિનેમામાં ન્યૂ વેવ ફિલ્મોના પ્રહરી હતા. તેમણે સિનેમાને નવી ભાષા, ભાવ અને નવી અભિવ્યક્તિ આપી.        
'ઉસકી રોટીનહીં, 'અપના હલવાબનાઓ
જાની રાજકુમાર મણિ કૌલના કાકા હતા. બંને અલગ અલગ પેટર્નની ફિલ્મ સાથે સંકળાયેલા હતા. એક ફિલ્મી પાર્ટી દરમ્યાન બંને ભેગા થઈ ગયા. રાજકુમારે પોતાની અદાયગીભરી સ્ટાઇલમાં કહ્યું કે મણિ-જાનીસુના હૈ તુમને ફિલ્મ બનાઈ હૈ... 'ઉસકી રોટી'.ક્યા હૈ યહ? રોટી કે ઉપર ફિલ્મઔર વો ભી ઉસકી રોટીતુમ મેરે સાથ આ જાઓ. હમ મિલકર અપની ફિલ્મ બનાયેંગે, 'અપના હલવા'.
મણિ કૌલ અને ધ્રુપદ સંગીત
મણિ કૌલના વ્યક્તિત્વનું સૌથી મજબૂત પાસું એ પણ હતું કે તેઓ સંગીતની ધ્રુપદ પરંપરાના શાગિર્દ હતા. તેઓ ધ્રુપદ સંગીત શીખ્યા અને કેટલાય દેશી-વિદેશી શિષ્યોને પણ શીખવ્યું. ધ્રુપદ ભારતીય શાસ્ત્રીય સંગીત પરંપરાનું સૌથી પ્રાચીન સંગીત છે. ધ્રુપદ ગાનારા અને સાંભળનારાની સંખ્યા ખૂબ જૂજ છેકારણ કે એ ધીરજની અખૂટ કસોટી માગી લેતું સંગીત છે. તેમણે ધ્રુપદ પર એક ફિલ્મ પણ તૈયાર કરી હતીજેને નેશનલ એવોર્ડ મળ્યો હતો.

મણિ કૌલે સાહિત્યિક કૃતિઓ પરથી ફિલ્મો બનાવી અને છતાં ફિલ્મમેકિંગની પોતાની એક મૌલિક સ્ટાઇલ વિકસાવી. તેમણે દાખલો બેસાડયો. સિનેમાના સ્ક્રીન પર કોઈએ સુંદરતાપૂર્વક દૃશ્યો ચીતર્યાં હોય તો એ મણિ કૌલ છે.
-ગુલઝાર


મણિ કૌલ ભારતના એવા મહાન ફિલ્મકાર હતા, જેની ફિલ્મો વિશે ભારતીયો કરતાં યુરોપિયન લોકો વધુ જાણે છે.
- અનુરાગ કશ્યપ

મણિ કૌલની મહત્ત્વપૂર્ણ ફિલ્મો
મણિ કૌલે વીસ કરતાં વધુ ફિલ્મો બનાવી છે. જેમાંની મોટા ભાગની ફિલ્મોને દેશ-વિદેશના એવોર્ડ મળી ચૂક્યા છે. તેમની ફિલ્મો ભારતનાં સિનેમાઘરો કરતાં વિદેશનાં સિનેમાઘરોમાં રજૂ થઈ છે. કેટલીક ફિલ્મોની વિગત જોઈએ.
ઉસકી રોટી (૧૯૬૯)
(મોહન રાકેશની હિન્દી વાર્તા પર આધારિત આ ફિલ્મને ન્યૂ વેવ સિનેમાની પાયાની ફિલ્મ ગણવામાં આવે છે.)
દુવિધા (૧૯૭૩)
(રાજસ્થાની કહાણીકાર વિજેયદાન દેથાની કહાણી પર આધારિત હતી, જેને નેશનલ એવોર્ડ મળ્યો હતો. શાહરુખ ખાન-રાની મુખર્જીને ચમકાવતી અમોલ પાલેકરની ફિલ્મ 'પહેલી' પણ એ જ કહાણી પર આધારિત હતી.)
નઝર (૧૯૮૧)
(શેખર કપૂરસુરેખા સિકરી અને સંભાવી કૌલને ચમકાવતી આ ફિલ્મ રશિયન સાહિત્યકાર પ્યોદોર દોસ્તોયેવસ્કીની વાર્તા 'ધ મીક વન' પર આધારિત હતી)
સિદ્ધેશ્વરી (૧૯૮૯)
(બનારસનાં મહાન શાસ્ત્રીય ગાયિકા સિદ્ધેશ્વરીદેવીનાં જીવન પર આધારિત આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. )
સતહ સે ઉઠતા આદમી (૧૯૮૦)
(આ ફિલ્મ હિન્દીના સાહિત્યકાર ગજાનન માધવ મુક્તિબોધની કૃતિ પરથી પ્રેરિત છે.)
ઇડિયટ (૧૯૯૨)

(શાહરુખ ખાનને ચમકાવતી આ ફિલ્મ ફ્યોદોર દોસ્તોયવસ્કીની કૃતિ પર આધારિત હતી.)

Web link of Article

http://www.sandesh.com/article.aspx?newsid=3095856

No comments:

Post a Comment