Saturday, May 13, 2017

બનારસ ટપાલ - બનારસ એ શહેર નથી પણ ચુંબકીય ક્ષેત્ર છે

- કેટલાંક કિરદાર તમને કેટલાંક ચોક્કસ ઠેકાણે જ જોવા મળે. ફિલ્મ ‘રાંઝણા’નું  એક્ટર ધનુષનું શંકરનું જે કિરદાર છે એ પ્રકારના માણસ તમને બનારસમાં જ મળે. અન્ય શહેરોમાં એ પ્રકારના દિલફેંક અને ભોળું વ્યક્તિત્વ ધરાવતા લોકો ન મળે. - આનંદ રાય (ડિરેક્ટર, ફિલ્મ ‘રાંઝણા’)

- યહાં પહેલે સે હી રસ બના હુઆ હૈ, ઇસ લીયે ઇસે ‘બનારસ’ કહેતે હૈ - ઉ. બિસ્મીલ્લાહ ખાન


પ્રવાસ વર્ણન લખવાની મજા તો મને આવે, પરંતુ એ સિવાય પણ લાલચ હોય છે. લાલચ એ કે હું જાણે ફરી એ સ્થળે રખડવા-ટહેલવા ગયો હોઉં એવું મહેસૂસ મને એ લખતી વખતે થાય છે. પ્રવાસની તો મજા હોય જ છે, લખતી વખતે ફરી એ જ મજા આવે છે.
હવે મુદ્દા પર આવું  એ પહેલાં ફરી એક વખત ઉપરના બે નિવેદનો વાંચો. આપણી સભ્યતા ગંગાને કાંઠે પાંગરી અને વિકસી છે. ગંગા માટે ઘણાં સ્થળ જાણીતા છે, પણ બનારસની વાત ન્યારી છે. બનારસ તેના ગંગાઘાટ માટે જગવિખ્યાત છે. સભ્યતા જો નદીકાંઠે પાંગરી હોય તો અંગત રીતે હું માનું છું કે પહેલાં મકાનો નહીં ઘાટ બન્યા હોવા જોઇએ. 
પ્રવાસને માણવા માટે મેં મારા માટે કેટલાંક માપદંડ નિર્ઘારીત કર્યા છે. એક - એ સ્થળ એટલે કે શહેર કે ગામમાં પગપાળા રખડવું. (ત્યાંના જોવલાયક સ્થળ ઉપરાંત ત્યાંની બજાર અને રહેણાંક વિસ્તારો પગપાળા રખડીને ફરવા), બે - એ સ્થળોનો સવાર, સાંજ અને રાત એમ ત્રણેય તબક્કે મિજાજ પામવાનો. મને એમ લાગે છે કે આ બે માપદંડને આધારે જ સ્થળને એના તમામ અર્થમાં માણી શકાય છે. સ્થળની તાસીર અને તસવીર પકડાય છે. કોઇ પણ શહેરના માત્ર જોવાલાયક સ્થળ જોઇ લેવાથી ત્યાંની માત્ર તસવીર પકડાય છે, તાસીર નહીં. તાસીર જાણ્યા-માણ્યા વગર પ્રવાસ અધૂરો રહે છે.
બનારસ હું ત્રણ દિવસ અને રાત રહ્યો. સાંજની ગંગા આરતી બે વખત નિહાળી. મણીકર્ણિકા ઘાટથી અસ્સી ઘાટ સુધી ત્રણ વખત પગપાળા ઘાટ પર ચક્કર લગાવ્યા. એક વખત નૌકાવિહાર કરીને તમામ ઘાટ નિહાળ્યા. ગંગાઘાટનો ખરો નજારો નૌકાવિહારમાં નિહાળવા મળે છે. નૌકામાં બેસીને ગંગાઘાટ નિહાળવા એ જીવનભરનું ભાથું છે. એ દ્રશ્યો જીવનભર યાદ રહેશે. પરિવાર સાથે અમે હોડીમાં બેસીને ગંગાવિહાર કરતા હતા ત્યારે પાસે એક નાની હોડી આવી. એમાં છોકરો બેઠો હતો. તેણે એક પડીયો કાઢ્યો. જેમાં ફૂલ હતા. પછી માચીસ કાઢ્યું. ફૂલની વચ્ચે રહેલા દીવાની જ્યોત પ્રગટાવીને અમને હાથમાં પકડાવીને કહ્યું કે “બીસ રૂપીયે દીજીયે, અપને પરિવારજનો કો યાદ કીજીયે ઔર બહેતી ગંગા મેં દીયા બહાઇએ.” દીવો લઇને દીકરી રાવીને હાથે ગંગામાં વહાવ્યો. માત્ર વીસ રૂપિયામાં આટલાં અદભૂત પ્રસંગના નિમિત્ત બનવાથી વંચિત કેમ રહેવાય! આ પ્રસંગ મને ભવીષ્યમાં વર્ષાનુવર્ષ વાગોળવો ગમશે એ લાલચથી પણ મેં દીવાનો પડીયો વહેતી ગંગામાં મૂક્યો હતો. (વીડીયો મૂક્યો છે)
નૌકાવિહાર કરાવનારો યુવક રોહિત પોતે ગાઇડ પણ હતો. નૌકા નદીમાં સરકતી જાય, જુદા જુદા ઘાટ આવતા જાય તેમ તેમ એ ઘાટ સાથે સંકળાયેલી દંતકથા, ઇતિહાસ વગેરે જણાવતો જાય. દરેક ઘાટના વર્ણન પછી એક વાત અચૂક કહે, “દો હાથ જોડકર ઇસ ઘાટ કો પ્રણામ કીજીયે.” મેં ભલે ઘાટ ઘાટના પાણી ન પીધાં, પણ ઘાટ ઘાટને પ્રણામ તો કર્યા જ છે. થેન્કયુ મોહિત!





સુબહ એ બનારસ















































Varanasi is older than history, older than tradition, older even than legend, and looks twice as old as all of them put together : Mark Twain






























































































































ધોબી ઘાટ જેવી લાગતી આ જગ્યાનું નામ પ્રભુ ઘાટ છે, જુઓ ફોટામાં ખૂણામાં












































































































































































ફિલ્મ ‘અપરાજિતો’માં સત્યજીત રાયે અપ્પુ બનારસની ગલીઓમાં દોડાદોડી કરતો હોય એનો સીન સરસ રીતે ઝીલ્યો છે. બનારસની સાંકળી ગલીનું કિરદાર અને કલાત્મકતા એમાં ઝીલાયા છે. આ પ્રકારની તસવીરની પ્રેરણા મને અપરાજિતો ફિલ્મને લીધે મળી.


































ફિલ્મ ‘અપરાજિતો’માં સત્યજીત રાયે અપ્પુ બનારસની ગલીઓમાં દોડાદોડી કરતો હોય એનો સીન સરસ રીતે ઝીલ્યો છે. બનારસની સાંકળી ગલીનું કિરદાર અને કલાત્મકતા એમાં ઝીલાયા છે. આ પ્રકારની તસવીરની પ્રેરણા મને અપરાજિતો ફિલ્મને લીધે મળી.


































ઘાટ ઘાટના છાપાં વાંચ્યા છે!?


































શામ એ બનારસ


......લેકર સપનોં કી નાવ ચલેં, ચંદન - ચાંદની કે ગાંવ ચલેં

આ તસવીરમાં બે નદી છે, રાવી અને ગંગા



દાદા -દાદી અને રાવી

બા બાપુજી

બાબા વિશ્વનાથની જેમ ગળામાં નાગ તો રાખી ન શકાય, ગમછાથી ચલાવી લીધું!!



આ ચાદર એટલી ઉજળી છે કે એ કબીરની જ હોઇ શકે









ફૂલના પડીયાની વચ્ચે દીવા!

ગંગાઆરતી

ગંગાઆરતીમાં મગ્ન બા -બાબપુજી, ફોટો પડાવવામાં મસ્ત મા-દીકરી!








મણીકર્ણિકા ઘાટ 

બનારસના વિવિધ ઘાટમાં મને કોઇ ઘાટ નિહાળવાનું અદમ્ય કુતૂહલ હોય તો એ મણીકર્ણિકા ઘાટ. મારા બાપુજીને પણ એટલું જ કઉતુક હતું. કઠપૂતળીની દોરી જેવી પાતળી અને ગૂંથાયેલી બનારસની સાંકળી ગલીઓમાંથી પસાર થઇને હું ને બાપુજી મણીકર્ણિકા ઘાટ પહોંચ્યા. સામાન્ય રીતે સ્મશાન પર પહોંચીએ એટલે મનમાં થોડો વૈરાગ ભાવ જાગે. મણીકર્ણિકા ઘાટ પહોંચીને તો મને રોમાંચ થયો. સામે દશ-બાર મૃતદેહ સળગતા હતા. બાજુમાં ચાની હાટડીઓ હતી, જ્યાં ડાઘુઓના ઝુંડ કુલ્લડમાં ચાના સબડકા લેતા હતા. સ્મશાનમાં કામ કરતાં લોકો અલગ અલગ ઝુંડમાં વાતોમાં મગ્ન હતા. મોત એક સ્વાભાવિક અને સાહજિક બાબત છે એ મણીકર્ણિકા ઘાટ પર સરળતાથી મહેસૂસ કરી શકાય છે. મણીકર્ણિકા એવો ઘાટ છે જ્યાં મોત ડરામણું લાગતું નથી. 
સૌથી અદભૂત નજારો તો મને રાત્રે જોવા મળ્યો. મણીકર્ણિકા ઘાટ પર રાત્રે સાડા દશ વાગ્યે પહોંચ્યો ત્યારે બાર-પંદર ચીતા સળગતી હતી અને બાજુમાં સંગીતની પાર્ટી ચાલતી હતી. ભજનસંધ્યા નહીં, સંગીતની જલસા પાર્ટી ચાલતી હતી. લોકો સંગીતમાં મગ્ન હોય અને બેકગ્રાઉન્ડમાં મડદાં સળગતાં હોય અને બંને ક્રિયા સાહજિક હોય એ ઘટના જ અનહદના નાદ જેવી લાગી. રાગ અને વૈરાગ સાથે ચાલી શકે એનો પુરાવો મને મણીકર્ણિકા ઘાટથી જડ્યો. (વીડીયો મૂકવો)
બનારસ એ શહેર નથી પણ ચુંબકીય ક્ષેત્ર છે. ત્યાં પહોંચો એટલે પોતાની આદ્યાત્મિકતાથી બનારસ તમને ઘાયલ કરી દે. એનું તિલસ્મ પાછું એવું કે બનારસ રખડીને તમે જાવ ત્યારે કપૂરની સોડમ જેમ માહોલમાં ધીમે ધીમે ફેલાય એમ બનારસ તમારા મનમાં નિખરતું - વિસ્તરતું જાય.  મોહ અને વૈરાગ જોડીયા બાઇ બનીને ક્યાંય સાથે અસ્તિત્વ ધરાવતા હોય તો એ બનારસ છે. બનારસના ઘાટ પર જેટલી સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લેતા લોકોને જોયા એટલા ક્યાંય નથી જોયા. ગંગાઆરતી નિહાળવાની જેટલી મજા આવે એટલી જ મજા આરતી નિહાળી રહેલા લોકોને નિહાળવાની આવે.   

















No comments:

Post a Comment