Sandesh - Ardh Saptahik Purti - 28 August 2013
છપ્પનવખારી : તેજસ વૈદ્ય
છપ્પનવખારી : તેજસ વૈદ્ય
કૃષ્ણને લોકોએ ઇશ્વર બનાવી દીધા અને મંદિરો બાંધ્યાં,પણ કૃષ્ણ નામના 'માણસ'ને જોવાનું ચૂકી ગયા. કૃષ્ણની સિદ્ધિ લોકોએ પોંખી પણ તેનો સંઘર્ષ લોકો માટે અછૂત રહ્યો. જેના લલાટે જન્મતાંવેંત લડવાનું લખાયું હોય, જે પ્રયાસો છતાં મહાભારતનું યુદ્ધ ન અટકાવી શક્યા હોય અને પોતાની નજર સામે સમગ્ર વંશને નાશ પામતો જોયો હોય તેનું દર્દ કેટલું અગાધ હશે!
કાર્ટૂનથી લઇને કથાસપ્તાહ સુધી છવાયેલું કિરદાર એટલે કૃષ્ણ. કૃષ્ણ એવું લાઇવ વ્યક્તિત્વ છે કે સમાજજીવનની કોઇ પણ બાબતમાં એનો સંદર્ભ આજેય ખૂબ પ્રસ્તુત છે. કૃષ્ણને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ પણ એક મોટી વિચિત્રતા એ છે કે કૃષ્ણને આપણે ટુકડાઓમાં વિભાજિત કરી દીધો છે. કોઇ બાળકૃષ્ણને જ પૂજે છે તો કોઇ લીલા પુરુષને જ પૂજે છે. કોઇ માત્ર ગીતાના કૃષ્ણને જ ભજે છે, તો કોઇ વળી કૃષ્ણના અન્ય કોઇ સ્વરૃપને ભજે છે. આ બધામાં ઉત્તરાર્ધના કૃષ્ણને એટલે કે મહાભારતના યુદ્ધ પછીના કૃષ્ણને કોઇ પૂજતું નથી. ઉત્તરાર્ધના કૃષ્ણ લોકોને મંજૂર નથી.
ઘરમાં લટકાવેલા કેલેન્ડરથી માંડીને ટીવીની સિરિયલોમાં કૃષ્ણ હંમેશાં હસતા જ જોવા મળે છે. કૃષ્ણ હંમેશાં હસતાં હતા અને હસતાં જ રહ્યા છે પણ...મહાભારતનું સૌથી કરુણ કિરદાર જો કોઇ હોય તો એ કૃષ્ણ હતું. 'દેવ' કૃષ્ણને તો લોકોએ ખૂબ પૂજ્યા પણ 'માનવ' કૃષ્ણને જોવાનું લોકો ચૂકી ગયા. એમ પણ કહી શકીએ કે કૃષ્ણ નામના એક 'માણસ'ને આપણે જોવા જ નથી માગતા.
કૃષ્ણ માટે બધા સરખા હતા. ગાય પણ સરખી ને ગોવાળ પણ સરખા. કૃષ્ણ માટે કોઇ ભેદ હતા જ નહીં. દુર્યોધન ખોટો હતો એ છતાંય તે જો પાંડવોને પાંચ ગામ આપી દેવા તૈયાર હોત તો કૃષ્ણ તેનો ન્યાય તોળવા ન બેસત, એ હદે કૃષ્ણ 'અભેદ ર્મૂિત' હતા પણ લોકોએ કૃષ્ણના ટુકડા કરીને મનગમતા ટુકડા પસંદ કરીને એની ર્મૂિત બનાવીને પૂજ્યા. જન્મ્યા ત્યારથી મૃત્યુ પામ્યા ત્યાં સુધીના અખંડ કૃષ્ણને કોઇએ નથી ભજ્યા. પરિણામે કૃષ્ણના જીવનનાં દુઃખો તેમની યુગપુરુષની છબીમાંથી બાકાત રહી ગયા.
જે માણસનો જન્મ જ જેલમાં થયો હોય, તે ન જન્મે તે માટે તેના નામે તેના ભાઈબહેનની હત્યા કરવામાં આવી હોય, બાર વર્ષે તેને ખબર પડે કે તેની અસલી માતા જશોદા નહીં પણ દેવકી છે. જેનો સગો મામો તેનો લોહીતરસ્યો હોય. બાળપણથી મૃત્યુ સુધી જેને યુદ્ધો લડવાં પડયાં હોય. જેના તમામ પ્રયાસો છતાં મહાભારતનું યુદ્ધ અટકી ન શક્યું હોય, જેને નજર સામે જ પોતાનો વંશ નાશ પામતો જોવાનો વારો આવ્યો હોય અને જેનું મૃત્યુ સાવ એકાકી જંગલમાં લખાયેલું હોય તેની કરૃણતા કેટલી હશે!
મહાભારતમાં કૃષ્ણ તેજપુંજ જ નહોતા પણ કરુણાનું શિખર હતા. કૃષ્ણે બધું છોડયું જ છે. ત્યાગ તેમના જીવનનો સ્થાયીભાવ હતો. કૃષ્ણ ગોકુળથી મથુરા, મથુરાથી દ્વારકા ગયા. તેમણે એક વખત જે સ્થળ છોડયું ત્યાં પાછા નથી ગયા. આ ત્યાગ કૃષ્ણને ઊંચા ટોડલે બેસાડે છે. કૃષ્ણે દરેક સ્થળ છોડયું તો ખરું પણ મનથી એ સ્થળોથી ક્યારેય અલગ થઇ શક્યા નહોતા. તેમણે એ દરેક સ્થળ છોડયાનો ભાર હૈયામાં ધરબી રાખ્યો હતો. ગોકુળમાં ગોપીઓની ગોરસ ભરેલી મટકી ફોડનાર ગોવિંદાએ ગોકુળ છોડયા પછી ગોરસ ખાધું નહોતું. મુસ્કાન જેમ કૃષ્ણના ચહેરાનું આભૂષણ હતું એમ મૌન પણ કૃષ્ણના વ્યક્તિત્વની એક આભા હતી. એ એવી ગુપ્ત આભા હતી કે જેના પર બહુ ઓછા લોકોની નજર ગઇ હતી. જે ગોકુળ અને મથુરા આજે કૃષ્ણથી ઓળખાય છે, એ તેણે પળનાય વિલંબ વગર ભારે હૈયે છોડી દીધાં હતાં અને એ પણ ત્યાંના લોકો માટે થઇને.
ગોકુળ છોડયું, મથુરા છોડયું
કૃષ્ણ ગોકુળમાં હતા અને મથુરામાં વસતા તેના મામા કંસના જીવનનું એકમાત્ર લક્ષ્ય કૃષ્ણનો વધ હતું. કૃષ્ણને ટાર્ગેટ કરવા માટે કંસે મથુરામાં વિષ્ણુયાગ યજ્ઞાનું નિમિત્ત એટલે કે છટકું ગોઠવ્યું હતું. કૃષ્ણ મથુરા ન જાય તો એનો કોપ સમગ્ર ગોકુળ પર વરસે. કંસના કોપનો સામનો કરવાનું સામર્થ્ય ગોકુળ નગરી પાસે નહોતું. તેથી કંસે અક્રૂરના માધ્યમથી જ્યારે વિષ્ણુયાગ યજ્ઞા માટે કૃષ્ણને નોતર્યા ત્યારે ગોકુળ ગામ એવું ઇચ્છતું હતું કે કૃષ્ણ મથુરા જાય. જે ગોકુળના લોકોની સુખાકારી માટે કૃષ્ણે કાળિયા નાગનું દમન કર્યું. જે ગોકુળ માટે કૃષ્ણે ઇન્દ્ર સામે બાંયો ચઢાવી હતી એ કૃષ્ણને ગોકુળ છોડીને મથુરા જતાં કોઇ ગોકુળવાસીએ કેમ ન રોક્યા? કૃષ્ણ જાણતા હતા કે કંસ વિષ્ણુયાગના ઓઠા હેઠળ કોની આહુતિ હોમવા માગે છે. એ છતાં કૃષ્ણે ચૂપચાપ બળરામ સાથે ગોકુળ મૂકી દીધું હતું. કૃષ્ણના આ મૌનને કેટલા ઓળખી શક્યા છે?
કૃષ્ણે મથુરા જઇને કંસનું રામનામ સત્ય કર્યા પછી મથુરા જ તેમનું જીવન થઇ ગયું હતું. કંસે જેલમાં પૂરી રાખેલા યાદવોને તેમણે છોડાવ્યા પછી જીવન ગોઠવાવા માંડયું હતું. કૃષ્ણને એમ કે હવે જીવનમાં સહેજ શાંતિ આવશે, પણ એમ ન થયું. કંસના વધથી છંછેડાયેલો તેનો સંબંધી જરાસંધ કૃષ્ણ માટે લોહીતરસ્યો થયો હતો. મથુરાવાસીઓને મનમાં એવી આશંકા ઘર કરી ગઇ કે જો કૃષ્ણ મથુરામાં રહેશે તો જરાસંધ આપણું ગામ ખેદાનમેદાન કરી નાખશે અને યાદવ વંશનો નાશ થઇ જશે. વિકદ્રુ જેવા વરિષ્ઠ યાદવે સભામાં કૃષ્ણને કહ્યું કે જરાસંધ અને કાળયવન મથુરા પર ટાંપીને બેઠા છે. મથુરામાં યાદવોનો વંશ નાશ પામવાની ધરી પર ઊભો છે. તું એકલો જરાસંધ સામે લડવા સક્ષમ છે. કૃષ્ણને વિકદ્રુનો એ મોઘમ ઈશારો પામતાં વાર ન લાગી કે તેના કહેવાનો મતલબ એ છે કે કૃષ્ણ મથુરા છોડે અને જરાસંધ સાથે પોતે જે ફોડવાનું હોય તે ફોડી લે. કૃષ્ણે જેમ ગોકુળ છોડયું એમ જ વિરક્તી ઓઢીને મથુરાય છોડયું. જે યાદવોને કૃષ્ણે કંસની કેદમાંથી છોડાવ્યા હતા એ જ યાદવોએ કૃષ્ણને મથુરા છોડવાનું કહ્યું હતું.
કહેવાય છે કે મહાભારતના યુદ્ધ પછી કૃષ્ણ ૩૬ વર્ષ જીવ્યા હતા. મહાભારતના યુદ્ધ સુધી જે વ્યક્તિની આભા સૂર્યનાં કિરણોની જેમ ઠેર ઠેર પ્રસરેલી હતી એ જ કૃષ્ણ યુદ્ધ પછી તેમના વ્યક્તિત્વથી વિપરિત નજરે પડે છે. જાણે ગાંધારીના શાપના ચરિતાર્થ થવાની રાહ જોવા માટે જીવતા હોય એવા વર્તાય છે. મહાભારતનું યુદ્ધ તો કૃષ્ણ જીતી ગયા હતા, પણ યુદ્ધ બાદ કૃષ્ણ અંદરથી પરાસ્ત થઇ ગયા હતા. યુદ્ધ બાદ દ્વારકામાં યાદવો સાથે સ્થાયી થયા પછી એવા કેટલાય પાયાના પ્રસંગો છે જેમાં કૃષ્ણ યોગેશ્વર નહીં પણ લાચાર દેખાય છે.
સ્યમંતક મણિ અને સવાલો
સત્તાની સાથે માણસની જવાબદારી વધી જાય છે. જવાબદારી વધી જાય ત્યારે નાની નાની ભૂલોને પણ લોકો બિલોરી કાચ લઇને જોતા હોય છે. સમય માણસની કેવી ફજેતી કરે છે એનો વધુ એક કિસ્સો દ્વારકામાં સ્યમંતક મણિ ગાયબ થાય છે ત્યારે કૃષ્ણના જીવનમાં જોવા મળે છે. કૃષ્ણનાં પટરાણી સત્યભામાના પિતા અને યાદવ સત્રાજિતે સૂર્યની કૃપાથી સ્યમંતક મણિ પ્રાપ્ત કર્યો હતો. સ્યમંતક મણિ કલ્પવૃક્ષ જેવો હતો અને એની પાસેથી અણનમ ધન પ્રાપ્ત થતું હતું. કૃષ્ણનો મત હતો કે સ્યમંતક માત્ર સત્રાજિત પાસે ન રહેતાં સમગ્ર યાદવ કુળ પાસે રહેવો જોઇએ, કારણ કે મહેનત વિના પ્રાપ્પ થતી સંપત્તિ પર વ્યક્તિનો નહીં,સમાજનો હક હોવો જોઇએ.
પણ કૃષ્ણની આ વાતનો સત્રાજિતે સ્વીકાર કર્યો ન હતો. અક્રૂર, પ્રસેનજિત જેવા યાદવોએ પણ સત્રાજિતને જ છૂપો ટેકો આપ્યો હતો. જે સમાજ કે યાદવ કુળના ભલા માટે કૃષ્ણ વાત કરતા હોય અને એના વિચારમાત્રથી જ કુળના સભ્યો બે ભાગમાં વહેંચાઇ જતા હોય તો બહેતર છે કે એ વિચાર પડતો મૂકવો એમ માનીને કૃષ્ણે એ વાત પર જ પડદો પાડી દીધો હતો.
સ્યમંતક મણિ કૃષ્ણના લલાટે અપજશની બીજી ઘણી રેખા ખેંચવાનો હતો. થયું એવું કે સત્રાજિતનું મૃત્યુ થયું અને સ્યમંતક મણિ ચોરાઇ ગયો. સત્યભામા ચિંતિત હતાં. સ્યમંતક માટે જ કોઇએ સત્રાજિતનું કાસળ કાઢયું હશે એવો ગણગણાટ દ્વારકામાં શરૃ થયો હતો. કૃષ્ણે મણિ યાદવ કુળને સોંપવાની જે વાત સત્રાજિતને કહી હતી એ પણ ચકડોળે ચઢી હતી. સત્યભામાને આશ્ચર્ય એ વાતનું હતું કે સ્વયં કૃષ્ણથી ચોર પકડાતો નથી! યાદવોની પેઠે એ પણ શંકા સેવે છે કે તેના પિતાનો મણિ કૃષ્ણ પાસે તો નથીને! પ્રસેનજિત પાસે મણિ હોવાની આશંકાએ કૃષ્ણ અને બળરામ તેની પાસે જાય છે ત્યારે એ ભાગવાની તૈયારી કરે છે. રથ પર સવાર કૃષ્ણે અને બળરામને કહ્યું, "મોટા ભાઇ, તમે થોભો હું એકલો તેની પાસે જાઉં છું, કારણ કે ધર્મ કહે છે કે તે એકલો છે અને આપણે બંને છીએ."કૃષ્ણ જ્યારે ભાગી રહેલા પ્રસેનજિત પાસે પહોંચે છે ત્યારે તેની લાશ મળે છે. મણિ વગર ખાલી હાથે આવેલા કૃષ્ણને જોઇને બળરામના મનમાં પણ કૃષ્ણ પ્રત્યે શંકા જાગે છે. બળરામ દ્વારકા છોડી દે છે. જે દ્વારકાનો નાથ કહેવાતો હતો એની પડખે પત્ની અને ભાઇ પણ ઊભા નથી રહેતાં.
કૃષ્ણને વગોવનાર સ્યમંતક મણિ અક્રૂર પાસે હતો. કૃષ્ણ તેને પકડી પાડે છે. યાદવસભામાં કૃષ્ણ મણિ રજૂ કરે છે, અક્રૂરને નહીં! ચોર તરીકે કૃષ્ણ અક્રૂરનું નામ જાહેર કરતા નથી, કારણ કે વૃદ્ધ અક્રૂરને ભરી સભામાં હાંસીપાત્ર બનાવીને કૃષ્ણ તેનો બુઢાપો લજવવા માગતા નથી. કૃષ્ણ માનતા હતા કે અક્રૂર ગમે એવા હતા તોયે કૃષ્ણ તેમની જ આંગળી ઝાલીને ગોકુળથી મથુરા આવ્યા હતા.
પોતાના પર પહાડ તૂટયા હોય ત્યારે પણ દિલમાંથી ઉદારતા ઠાલવે તે કૃષ્ણ. દુઃખની વાત એ છે કે સ્યમંતક મણિ પ્રસંગે કૃષ્ણના દુઃખના સાક્ષી અને સધિયારો પણ માત્ર કૃષ્ણ હતા.
કસોટી પર કૃષ્ણ
મહાભારતના યુદ્ધમાં માત્ર કૌરવોની જ હાર નહોતી થઇ પણ યુદ્ધ અટકાવવા માટેના કૃષ્ણના પ્રયાસોની પણ હાર થઇ હતી. કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં હથિયાર નહોતાં લીધાં, કારણ કે તે યુદ્ધ ઇચ્છતા નહોતા. કૃષ્ણે તમામ પ્રયાસ કર્યા છતાં છેવટે યુદ્ધ ગળા લગી આવી પહોંચ્યું ત્યારે કૃષ્ણે જાહેર કર્યું કે તે હથિયાર ધારણ નહીં કરે. સૂક્ષ્મ રીતે જોઇએ તો આ વાતમાં કૃષ્ણની લાચારી પણ ઝળકે છે. અલબત્ત, યુદ્ધમાં કૃષ્ણનો કોઇ રોલ ન હતો એવું તો કોઇ કહી શકે નહીં જ. તેમનો જ દોરીસંચાર હતો, પણ જે માણસે યુદ્ધ અટકાવવા માટેના તમામ પ્રયાસ કર્યા હોય અને છતાંય યુદ્ધ આવી ચઢે ત્યારે માણસ કરી કરીને શું કરી શકે ? હથિયાર ન ઉઠાવવું એ કૃષ્ણનો અનિવાર્ય થઇ પડેલા યુદ્ધ સામેનો 'અસહકાર' હતો.
ખરી કસોટી તો ત્યારે આવે છે જ્યારે યુદ્ધ પૂરું થયા પછી મહાસંહારના ખબર આપવા માટે કૃષ્ણ ગાંધારી અને ધૃતરાષ્ટ્ર પાસે જાય છે. યુદ્ધમાં પણ સ્થિર રહી શકતા યુધિષ્ઠિર પણ કહી દે છે કે યુદ્ધમાં કોણ ખુવાર થયું છે એ સમાચાર આપવા માટે હું માતા ગાંધારી અને ધૃતરાષ્ટ્ર પાસે નહીં જાઉં ત્યારે એ જવાબદારી કૃષ્ણના શિરે આવે છે. જે માણસે યુદ્ધમાં હથિયાર નથી ઉઠાવ્યાં તેણે મોતના સમાચાર આપવા જવું પડે છે.
મહાભારતના યુદ્ધ કરતાંય કપરી ક્ષણ કૃષ્ણના જીવનમાં ત્યારે આવે છે જ્યારે એ ગાંધારીને મળે છે. યુગોનો ભેંકાર હૈયે સંઘરીને બેઠેલી ગાંધારી કૃષ્ણને કહે છે, "ક્ષત્રિયો માટે યુદ્ધની કોઇ નવાઇ નથી, પણ એક ભાઇ સો ભાઇને પરલોક પહોંચાડી દે. ભાઇ ઊઠીને ભાઇના જ રક્તનું પાન કરે એવું આર્ય પરંપરામાં ક્યારેય બન્યું નથી. તમે ઉપસ્થિત હોવા છતાં આ અધર્મ કેમ થવા દીધો?આવા ઘણા સણસણતા સવાલ ગાંધારી કૃષ્ણને પૂછે છે.
યુદ્ધ પૂરું થયું હોવા છતાં ગાંધારી એવું સ્વીકારી શકતાં નહોતાં કે કૃષ્ણ હોવા છતાં આ મહાસંહાર થયો. ગાંધારી કૃષ્ણને શાપ આપે છે, "કૃષ્ણ, મેં પુત્રોને જન્મ આપ્યો હતો. મેદાનમાં ગીધ જે હાડકાં ઠોલે છે એને નહીં. તમે કેમ આ અનર્થ થવા દીધો. જો મારી સેવામાં બળ હોય અને મારા તપમાં ધર્મ હોય તો હું શાપ આપું છું કે તમારો આખો વંશ પણ આ રીતે જ હડકાયા કૂતરાની પેઠે અંદરોઅંદર એકબીજાને ફાડી ખાશે. તમે પ્રભુ છો પણ પશુની જેમ કમોતે મરશો. તમે પ્રભુપણાનો દુરુપયોગ કર્યો છે."
કૃષ્ણ કોઇ આશીર્વાદ ઝીલતા હોય એમ ગાંધારીનો શાપ ગ્રહણ કરી લે છે, અને કહે છે. "મા, અઢાર દિવસોના આ કાળનાં કાળજાં ફાડી નાખતા સંગ્રામમાં હું જ મર્યો છું, કરોડો વખત. જેટલી વખત જે પણ સૈનિક મર્યો એ હું જ હતો, કારણ હું જો જીવન છું તો મરણ પણ હું જ છું. તમારો શાપ સ્વીકાર્ય છે. "
ગાંધારી બ્રહ્માંડવેધક પોક મૂકતાં કહે છે. "આ શું કર્યું મેં પ્રભુ. મને માફ કરો. તમે આ શાપ વિફળ કરી દો." પણ કૃષ્ણ અનુગ્રહની જેમ શાપ પણ સ્વીકાર કરે છે. ગાંધારીના શાપ પછી કૃષ્ણનું જીવન જાણે યાદવાસ્થળીની ઘડી ગણતું હોય એ રીતે વીત્યું હતું.
મહાભારતમાં ગાંધારી તપોબળવાળી એવી પવિત્ર મહિલા હતી જે કૃષ્ણને શાપ આપી શકતી હતી. તેણે ધર્મ ખાતર સ્વેચ્છાએ પોતાના સો પુત્રોના ચહેરા જોયા નહોતા. વિશ્વની કોઇ માતા એવી નહીં હોય કે તેના સંતાનને જોયા વગર રહી શકે. કૃષ્ણે તો બધું સ્વીકાર્યું હતું, પછી એ જરાસંધની જેલમાંથી છૂટેલી દાસીઓ હોય કે ગાંધારીનો શાપ. ગાંધારીના શાપ પછી કૃષ્ણ હસ્તિનાપુરથી દ્વારકા જઇને વસે છે. મહાભારતના યુદ્ધ પછી અને ખાસ તો ગાંધારીના શાપ પછી કૃષ્ણની આભા ધીમે ધીમે ઓગળી રહી હતી. કૃષ્ણના જીવનનો અત્યંત ભીષણ પ્રસંગ યાદવાસ્થળી હતો. મહાભારના યુદ્ધ બાદ ૩૬ વર્ષે યાદવાસ્થળી થઇ હતી એવું કહેવાય છે. આ દરમ્યાન ક્યારેય કૃષ્ણ હસ્તિનાપુર કે અન્ય ક્યાંય ગયા નથી. યુદ્ધ પછીનાં વર્ષો કૃષ્ણ માટે અત્યંત દુઃખના દિવસો હતા. જેના નામના મંદિરિયાં બંધાય છે એ કૃષ્ણ મહાભારતના યુદ્ધ પછીના કૃષ્ણ નથી. જેને લોકો યોગેશ્વર તરીકે ઓળખતા હોય તેનાં તમામ સગાંસંબંધીનાં મોત અંદરોઅંદર કાગડાકૂતરાની પેઠે પોતાની આંખ સામે જ થાય એનાથી મોટી કરુણતા બીજી કઇ હોઇ શકે? આ સંજોગો પચાવવા કૃષ્ણ કયું કાળજું લાવ્યા હશે? સિદ્ધિનાં શિખરો પર પહોંચેલા કૃષ્ણે પોતાના કુળના પતનનું પાતાળ પણ જોયું. કૃષ્ણ જન્મથી મૃત્યુ સુધી સુખ અને સંજોગોની વચ્ચે દેવ કરતાં માણસ બનીને વધુ જીવ્યા હતા. સુખના દિવસોમાં તે આનંદના હિલોળે નાચ્યા અને દુઃખના દિવસોમાં તેણે હૈયે મણ મણના ભાર વેઠયા, પણ કૃષ્ણ ક્યારેય વિચલિત થયા નથી. ઘટનાના મુખ્ય પાત્ર તરીકે સક્રિય રહીને પણ ઘટનાના દર્શક જેવી અલિપ્તતા જાળવી રાખવાની આ કળા કદાચ કૃષ્ણ પાસે જ હતી.
મહાભારતના યુદ્ધમાં માત્ર કૌરવોની જ હાર નહોતી થઇ પણ યુદ્ધ અટકાવવા માટેના કૃષ્ણના પ્રયાસોની પણ હાર થઇ હતી. કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં હથિયાર નહોતાં લીધાં, કારણ કે તે યુદ્ધ ઇચ્છતા નહોતા
અંધાયુગ
ગાંધારી જ્યારે કૃષ્ણને શાપ આપે છે એે પછી જાણે સમગ્ર કાળ પર ગ્રહણ લાગ્યું હોય એવું હૃદયવિદારક વર્ણન ધર્મવીર ભારતીના મહાન હિન્દી નાટક 'અંધાયુગ'માં છે.
સ્વીકાર કીયા યહ શાપ કૃષ્ણને જીસ ક્ષણ સે
ઉસ ક્ષણ સે જ્યોતિ સિતારોં કી પડ ગઇ મંદ
યહ શાપ સુના સબને પર ભય કે મારે
માતા ગાંધારી સે કુછ નહીં કહા
પર યુગ સંધ્યા કી કલુષિત છાયા - જૈસા
યહ શાપ સભી કે મન પર ટંગા
વીર કર્ણ સામે લાચાર કૃષ્ણ
કૃષ્ણ જાણતા હતા કે જ્યાં સુધી કૌરવ પક્ષે ભીષ્મ અને કર્ણ છે ત્યાં સુધી કૌરવને હરાવી શકાય નહીં. તેથી કૃષ્ણ કર્ણ પાસે એક એવો પ્રસ્તાવ મૂકે છે જેમાં કૃષ્ણની પીછેહઠ નજરે પડે છે. કૃષ્ણ કર્ણને કહે છે કે તું સુતપુત્ર નહીં, કુંતીપુત્ર છે. પાંચેય પાંડવોમાં તું સૌથી મોટો છે. જો તું પાંડવપક્ષે રહીને લડીશ તો દ્રૌપદીનું પતિત્વ ભોગવીશ.
દ્રૌપદીનું રૃપ ભલભલાને ભ્રમિત કરી દે એવું આકર્ષક હતું તેથી કૃષ્ણે એ દાવ પણ અજમાવી જોયો કે જો આ લાલચે પણ કર્ણ કદાચ પાંડવપક્ષે આવી જાય. કર્ણની વીરતા સામે કૃષ્ણની આ મોટી લાચારી હતી. કર્ણ જો હા પાડી દેત તો તેણે દ્રૌપદીનો દ્રોહ કર્યો જ કહેવાય એવું જાણતા હોવા છતાં પણ કૃષ્ણ કર્ણને આ પ્રસ્તાવ મૂકે છે. કૃષ્ણની આ કેટલી મોટી વેદના હતી!
ભીષ્મ અને કૃષ્ણની રસપ્રદ વાત
કૃષ્ણ અને ભીષ્મને એકબીજા પ્રત્યે ભારોભાર આદર હતો. કૃષ્ણ જ્યારે ધ્યાન ધરતા ત્યારે ભીષ્મને યાદ કરતા હતા. આના પરથી ભીષ્મના વ્યક્તિત્વની ઊંચાઇ માલૂમ પડે છે. કૃષ્ણે જ્યારે કહ્યું કે હું મહાભારતના યુદ્ધમાં હથિયાર નહીં ઉઠાવું ત્યારે ભીષ્મે કહ્યું હતું કે મારૃં વચન છે કે હું કૃષ્ણના હાથમાં હથિયાર લેવડાવીને રહીશ. એ પછી યુદ્ધમાં બે વખત કૃષ્ણ ભીષ્મને મારવા દોડે છે. એક વખત ચાબૂક લઇને અને બીજી વખત રથનું પૈડું લઇને. બંને વખત અર્જુન કૃષ્ણને રોકી દે છે. ભીષ્મ કૃષ્ણના હાથે મરવામાં ગૌરવ માનતા હતા. ભીષ્મ યુદ્ધમાં પોતાના મૃત્યુનો ઉપાય પણ દુશ્મનને બતાવી દે છે. અર્જુન શિખંડીને આડો રાખીને બાણ મારે છે અને ભીષ્મ ઢળી પડે છે. જો સ્ત્રી સામે હથિયાર ઉઠાવવાની ભીષ્મની પ્રતિજ્ઞાા ન હોત તો ભીષ્મને મારવા ખૂબ મૂશ્કેલ હતા અને જ્યાં સુધી ભીષ્મ કૌરવોની પડખે હતા ત્યાં સુધી કૌરવોને હરાવવા મૂશ્કેલ નહીં નામુમકિન હતા.
Link
Link
http://www.sandesh.com/article.aspx?newsid=1233736
No comments:
Post a Comment