Sunday, December 11, 2011

બાઢડાના દયારામ બાપુએ વિલમાં લખ્યું હતું કે તેમને સમાધિ દેવાય એ વખતે ઉસ્તાદ સુલતાન ખાન સારંગી વગાડે. સુલતાન ખાનના ગુજરાત સાથેના સંભારણા



બાઢડાના દયારામ બાપુએ વિલમાં લખ્યું હતું કે તેમને સમાધિ દેવાય એ વખતે ઉસ્તાદ સુલતાન ખાન સારંગી વગાડે. સુલતાન ખાનના ગુજરાત સાથેના સંભારણા



સૂર – તાન ખાન. ઉસ્તાદ સુલતાન ખાનને પુરૂષોત્તમ ઉપાધ્યાયે આ વિશેષણ આપ્યું હતું. પુરૂષોતમભાઇએ સુલતાન ખાન સાથેના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સુલતાન ખાન સાહેબને અમે પ્રેમથી સુર-તાન ખાન કહીએ છીએ. સારંગી એની પ્રચલિત વ્યાખ્યા પ્રમાણે દરદને વ્યક્ત કરતું વાદ્ય છે. પરંતુ, સારંગીસમ્રાટ ઉસ્તાદ સુલતાન ખાનનો સ્વર સારંગી કરતાંય બે તાર ચઢી જાય એવો હૈયા વલોવણ હતો. દર્દને જો અવાજનું સ્વરૂપ મળે તો એ સુલતાન ખાનનો આલાપ બને એટલો શોષ એમાં હતો. સાંભળો..કીથે મહેર અલી - ફિલ્મ મી. એન્ડ મીસીસ ઐયર, ઝીન મીન ઝીની – ફિલ્મ મકબૂલ, જગ લાલ લાલ દીખે હૈ મુઝકો – ફિલ્મ બીગ બ્રધર વગેરે.). સુલતાન ખાન સાહેબે રાજકોટમાં બાર વર્ષ કાઢ્યા હતા. કાઠીયાવાડી લોકસંગીતના ખૂબ કાયલ હતા. તેઓ કહેતા કે કાઠિયાવાડી લોકસંગીત પર હું એક કલાક ભાષણ આપી શકું છું. તેમના પહેલા વૉકલ આલબમ સબરસમાં બે કાઠીયાવાડી ભજન તેમણે ગાયા હતા('અરે વ્હાલા હરિને કાજે' તેમ જ 'કર મન ભજનનો વેપાર'). અને પુત્ર સાબીર ખાન(જે પણ સારંગીવાદક છે) સાથેના તેમના છેલ્લા આલબમ ધ લેગસીમાં પણ તેમણે એક કાઠિયાવાડી લોકગીત ગાયું હતું. અમદાવાદમાં યોજાતા શાસ્ત્રીય સંગીતના સમારોહ સપ્તકના પ્રણેતા સ્વ. નંદન મહેતા સાથે ખાનસહેબને ખૂબ યારીદોસ્તી હતી. સપ્તક માટે તેમનું આવવાનું ફિક્સ જ રહેતું હતું. તેઓ કહેતા કે સપ્તક તો નંદન ઔર હમ સબ યારદોસ્તો કી મંડલી હૈ. એક કલાકાર પોતે કલાકાર તરીકે નામના પામે એમાં તેની કલા-કારીગરીની સાથે તેની માણસાઇ પણ મોખરાનું કામ કરતી હોય છે. સુલતાન ખાન માણસાઇનો મિનારો હતા. લોકોને મળવું અને તેમની સાથે વાતો કરવી તેમને ખૂબ ગમતી. અમદાવાદના કાશીરામ હોલમાં યોજાતા સપ્તક સંગીત સમારોહમાં એક ખૂણામાં પાનવાળાનો ખુમચો પણ દર વર્ષે લાગે છે. સારંગીની મહેફિલ પૂરી થાય ત્યારે ખાનસાહેબ ક્યારેક પાનને ખુમચે આવીને લોકો સાથે વાતોની મહેફિલ માંડતા. સુલતાન ખાન વિષે આવી ઘણી વાતો કરી શકાય એમ છે. પરંતુ હાલ તો નવનીત સમર્પણમાં ફેબ્રુઆરી -2001ના અંકમાં યજ્ઞેશ દવેએ લખેલા લેખના મહત્વના અંશો  અહીં રજૂ કરવા છે. સંગીતકાર તરીકે જ નહીં પણ ઇન્સાન તરીકે પણ સુલતાન ખાન કેવા ઓલિયા હતા એનો ચિતાર એમાં ઝલકે છે.

આલા ઇન્સાન સુલતાન ખાન – યજ્ઞેશ દવે (નવનીત સમર્પણ, ફેબ્રુઆરી, 2001)

કલાકાર તરીકે મહાન હોવું અને એક સાચા માણસ તરીકે ખરું ઉતરવું બંને જુદું. એક જ વ્યક્તિમાં બંનેનો સુયોગ રચાય તે ઘટના વિરલ. આવી વિરલ ઘટના એટલે સુલતાન ખાન – ઉસ્તાદ વિશેષણને સહજતાથી ખેરવીને નર્યા માણસ બની રહેતા સુલતાન ખાન. તેમની સાથે થોડીઘણી વાતો કરો ત્યાં જ તમને અંદાજ આવી જાય કે તમે એક સાફદિલ ખાનદાની ઓલિયા ઇન્સાન સાથે વાતો કરી રહ્યા છો. મારે તો તેમની સાથે પરિચય ખાસ નહીં છતાં તેમનાથી ઘાયલ. રાજકોટના કલાપ્રેમી ઉદ્યોગપતિ અનિલ ખંભાયતા સુલતાન ખાનના નજીકના મિત્ર. ખાનસાહેબ સાથે દસકાઓ જૂના દિલી સંબંધો. અનિલભાઇએ આ આલાદરજ્જાના ઓલિયા જેવા ઇન્સાનના ઇન્સાનિયતભર્યા સ્વભાવને ઉજાગર કરતા બે-ત્રણ પ્રસંગો કહ્યા. પ્રસંગ સાંભળ્યા પછી એમ થયું કે જો સુલતાન ખાન અત્યારે હાજર હોત તો તેમને દંડવત્ત કર્યા હોત. આ રહ્યા તે પ્રસંગો.

પ્રસંગ – 1 એક વાર અનિલભાઇ મુંબઇ ગયેલા સાથે મિત્ર પ્રવીણભાઇ ગાંધી હતા. મુંબઇ જાય ત્યારે સુલતાન ખાન જો મુંબઇમાં હોય તો મળવાનું હોય જ. અનિલભાઇ, સુલતાન ખાન, શોભિત દેસાઇ, પ્રવીણભાઇ બધા મોડી રાત સુધી સાથે રહ્યા – ફર્યા. ક્યારેક જ મળી શકતા મિત્રો એમ જલદીથી તો કેવી રીતે છૂટા પડી શકે ? છૂટા પડતાં એક-દોઢ થઇ ગયો. અનિલભાઇ શોભિત સાથે સુલતાન ખાનને ઘર સુધી મૂકવા ગયા. અનિલભાઇના મિત્ર પ્રવીણભાઇએ આવડા મોટા સંગીતકારની સંગત – સોબત માણી પણ તે સંગીતકારનું સંગીત કદી સાંભળેલું નહીં કે તે વાદ્ય સારંગી કદી જોયેલી નહીં. તેમની આ ઇચ્છા મનમાં જ રહી ગઇ. સુલતાન ખાનના ઘરે આવજો કહેતી વખતે આ વાત નીકળી. સારંગી સંભળાવવા આ ઉસ્તાદ તો તરત જ તત્પર. ખાનસાહેબને ઘરે મહેમાન હતા તેથી તેમના ઘરે વગાડે તો અડધી રાતે બધા ડિસ્ટર્બ થાય એમ હતું. એક અજાણ શ્રોતાને સારંગી સંભળાવવાની તેમની ઇચ્છા જરૂર હતી. શોભિત કહે ચાલો મારા ઘરે, ત્યાં વગાડજો. અને ટૅક્સી ફરી શોભિતના ઘર તરફ. શોભિતના ઘરે તો બધા આનંદ આશ્ચર્યચકિત. એમ જ એક નાનકડી બેઠક ગોઠવાઇ ગઇ. સંગીતના સા ની જેને ખબર નથી અને જેણે સાંરગી કદી જોઇ, સાંભળી નથી તેવા સંગીતઅભણ સાચા શ્રોતા માટે તેમણે વહેલી સવારના સાડા ચાર વાગ્યા સુધી ઊલટથી વગાડ્યા કર્યું. આવો જ અનુભવ જામનગરના અમારા કળામર્મજ્ઞ ફોટોગ્રાફર મિત્ર શરદ વ્યાસને થયેલો. શરદભાઇ સાથે સુલતાન ખાનને જૂનો સંબંધ. તેમના ફોટાય પાડેલા. એમની એક રૅકર્ડ પર તેમનો જ ફોટો. એકવાર જામનગર પ્રોગ્રામ આપવા આવ્યા ત્યારે શરદભાઇના પથારીવશ પિતાને સારંગી સંભળાવવા તેમના ઘરે જઇને વગાડેલી.

પ્રસંગ – 2 રાજકોટમાં કોઇ મોટા કલાકાર આવે એટલે તેમનો ઉતારો અનિલભાઇનું ઘર જ હોય. સુલતાન ખાન તો તેમના મિત્ર એટલે સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં જવાનું હોય સાથે જ હોય. ધ્રાંગધ્રા સુલતાન ખાનનો કાર્યક્રમ. આવા કાર્યક્રમો મોડા શરૂ થતા હોય ને મોડા પૂરા થતા હોય. દોઢ-બે વાગ્યે કાર્યક્રમ પૂરો થયો હશે. અધરાતે કાર હંકારી રાજકોટ તરફ. થાક્યાપાક્યા ઉજાગરો કરી બધા ઝોલે ચડેલા. આખી ગાડી ઉંઘરેટી સિવાય કે ડ્રાઇવીંગ સીટ પર બેઠેલા અનિલભાઇ. રાજકોટ નજિક બામણબોર પહોંચ્યા. પો ફાટવાનો સમય. ભળભાંખળું કહેવાય તેવો મોસૂજણાનો બ્રહ્મમુહુર્તનો સમય. પૂર્વાકાશમાં તેજનો ગર્ભ ધારણ કર્યાની આછી સુરખી હતી. હવામાં શિયાળાની તાજગીભરી ઠંડક હતી. અનિલભાઇએ ઢોળાવો, ટેકરીવાળા રોડની બાજુમાં ગાડી ઊભી રાખી. સહેજ ઝોકે ચડેલા સુલતાન ખાન નીંદરની ઝપકીમાંથી જાગ્યા. અનિલભાઇ પૂર્વાકાશ તરફ આંગળી ચીંધીને કહે હવે ગાડી આગળ નહીં ચાલે. સુલતાન ખાન મિત્રનું ઇજન સમજી ગયા. ગાડીની સીટ બહાર કાઢી ટેકરી પર રાખી સામે પાથરી શેતરંજી. ખુલ્લા આકાશ નીચે સીટ પર સુલતાન ખાને સારંગી હાથમાં લીધી. પૂર્વમાં આછું અજવાળું. ઉપર તારોડિયા, ખુલ્લું આકાશ, ચારે તરફ ઢોળાવો, ટેકરીઓવાળો અફાટ વિસ્તાર, શિયાળાની સવારની ઠંડક અને સારંગીમાંથી વિસ્તરતો અહીરભૈરવનો આર્જવભર્યો આલાપ. સુલતાન ખાનની સ્થૂળકાયામાં આસપાસનું સ્થૂળ પાર્થીવ જગત ક્યાં ઓગળી ગયું ખબરે ન રહી. વાદક અને શ્રોતા બંને માટે સમાધિનો અનુભવ બની રહ્યો. બામણબોરના મૌનીબાબા સંપૂર્ણાનંદજી પ્રાતઃકર્મે જવા નીકળેલા. તેય સારંગીના સૂરે ખેંચાઇ આવ્યા અને તેમના મૌનને સારંગીના સ્વરોમાં ઘૂંટતા બેઠા રહ્યા.

પ્રસંગ – 3 ત્રીજો પ્રસંગ તો આ બંને પ્રસંગ પર કળશ ચડાવે તેવો. સાવરકુંડલા પાસેના બાઢડા ગામના આશ્રમના મહંત દયારામ બાપુ સાથે સુલતાન ખાનને અંતરંગ સંબંધ.બાપુ સંગીતના પ્યાસી, અઠંગ રસિયા. સારા સારા કલાકારો આ ખોબા જેવડા ગામમાં બાપુને લીધે આવતા. આજથી દસ-પંદર વર્ષ પહેલા પાકિસ્તાનનાં મશહૂર ગાયક ગુલામ અલી બાઢડા ગામમાં બાપુના આશ્રમે આવી ગયેલા. સુલતાન ખાન તો સૌરાષ્ટ્ર – રાજકોટમાં દસેક વર્ષ રહેલા તેથી તેમની સાથે તો સંબંધ હોય જ. સંગીતકારોને બાપુ માટે એટલો જ પ્રેમ અને આદર. અહીં વગાડે ત્યારે જાતને ઠલવી નાખે. સુલતાન ખાનની સારંગીથી બાપુ એટલા ઘાયલ કે બાપુએ એમના વિલમાં લખી રાખેલું કે તેમના મરણ પછી સમાધિ સમયે સુલતાન ખાનની સારંગીના રેલાતા ઓગાળી નાખે તેવા સ્વરો વચ્ચે જ માટી સાથે ભળી જવું છે.
દયારામબાપુને ગંભીર માંદગી આવી. મુંબઇ જસલોકમાં ખસેડાયા. બાપુ હોસ્પિટલમાં છે એ સમાચાર ઉસ્તાદને ઘરે આપેલા પણ ઉસ્તાદ ત્યારે કાર્યક્રમ આપવા જર્મની ગયેલા. આ દિવસોમાં જ બાપુનું અવસાન થયું. વિલ પ્રમાણે બાપુની ઇચ્છા તો પૂરી કરવી પડે. ફરી ઘરે તપાસ કરી. ઉસ્તાદ જર્મનીમાં જ હતા. બાપુના પાર્થીવદેહને તેમના આશ્રમ બાઢડા પહોંચાડવાની વ્યવસ્થા થઇ. આ દરમ્યાન યોગાનુયોગ સુલતાન ખાનને બે કાર્યક્રમો વચ્ચે બેચાર દિવસ ખાલી મળતાં તેઓ મુંબઇ આવ્યા. થોડો આરામ કરવો હતો. એરપોર્ટથી ઘરે ફોન કર્યો. ઘરેથી સમાચાર મળ્યા કે બાઢડાવાળા બાપુ મુંબઇ જસલોકમાં હતા અને મુંબઇમાં જ દેવ થઇ ગયા. તેમના વિલમાં સમાધિ સમયે ખાનસાહેબની સારંગી વાગે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. ઘરે ગયા વગર સારંગીના સાજ સાથે સુલતાન ખાને સીધી જ અમદાવાદની ફ્લાઇટ પકડી. અમદાવાદ ઉતરીને ટૅક્સી કરીને સીધા જ મારતી ગાડીએ પહોંચ્યા બાઢડા. આખા રસ્તે સતત એક જ ચિંતા, બાપુને સમાધિ અપાઇ તો નહીં ગઇ હોય. બાપુની ઇચ્છા પૂરી કરવાની તેમની આટલી લગન. બાઢડા પહોંચીને જોયું તો સમાધિ માટે ખાડો ખોદાઇ ગયો છે. બાપુનું આખા વિસ્તારમાં માન એવું કે તાલુકા, જિલ્લાના મહત્વના અધિકારીઓ, શોકાકુલ શિષ્યગણ બધા હાજર છે. સુલતાન ખાન ન મળવાથી બાપુની અંતિમ ઉત્કટ ઇચ્છા પૂરી કરવા સમાધિ સમયે સુલતાન ખાનની કૅસેટ વગાડવાની વ્યવસ્થા કરી છે. સમાધિવેળાએ માટીની પહેલી મુઠ્ઠી પડે તે પહેલાં તો મારતી મોટરે સુલતાન ખાન હાજર. સારંગીને કેસમાંથી બહાર કાઢી માટીના ઢેર પર બેસી સૂરો રેલાવ્યા. હૈયું ઠાલવી વગાડ્યા જ કર્યું. બાપુની ઇચ્છા પૂરી થઇ તેનો સંતોષ સ્વર્ગમાં દયારામ બાપુને હશે તેટલો જ પૃથ્વી પર સુલતાન ખાનને. દયારામબાપુને સમાધિ આપવાના સમયે બધાને સમાધિ લાગી ગઇ. સમાધિ અપાઇ ગયા પછી આદરપૂર્વક નમન કરી સારંગી કેસમાં મૂકી અને આવ્યા હતા તે જ રીતે ભારે હૈયે મારતી મોટરે અમદાવાદ ગયા. આવા પ્રસંગો આજે પણ બને છે એ જ કેટલું મોટું આશ્ચર્ય !             
(લેખ ટૂંકાવીને મૂક્યો છે.

No comments:

Post a Comment