ગાયક
ભુપિન્દરસિંહ માટે ગુલઝારે એવું કહ્યું હતું કે તેના અવાજમાં કંઇક એવું તત્વ છે કે
એ અવાજનું તાવીજ બનાવીને ગળે લટકાવવાનું મન થાય. ત્રણેક વર્ષ પહેલા રજૂ થયેલા
ભુપિન્દરના આલબમ ‘એક અકેલા ઇસ શહેર મેં’ ના લૉન્ચિંગ વખતે ગુલઝારે આ શબ્દો કહ્યા
હતા.
ભુપિન્દરનો
અવાજ ખૂબ નિરાંતવો છે. તેના અવાજમાં એટલી ફુરસદ છે કે આખા મુંબઇનો કોલાહલ શાંત થયા
બાદ રાત્રે અઢી વાગ્યે જે હળવાશ અને મોકળાશ મરીનલાઇન્સના દરિયાકાંઠે અનુભવાય એવી
શાતા ભુપિન્દરના અવાજમાં છે. હિન્દી ફિલ્મોમાં તેણે બહુ ઓછા ગીતો ગાયા છે, પણ એમાંના
મોટા ભાગના ગણગણવાલાયક બન્યા છે. જયદેવ, મદન મોહન, ખય્યામ, આર.ડી.બર્મન જેવા
પરખંદા સંગીતકારોએ ભુપિન્દર પાસે ગીતો ગવરાવ્યા છે. ભુપિન્દરે ગાયેલા જે ગીતો
લોકોની જબાન પર ચઢ્યા છે એમાં સંગીતકારોનો જ ફાળો નથી. ભુપિન્દરના અવાજની અદાયગી
પણ એટલીજ નિમિત્ત છે. જે માણસના કાન સંગીતમાં ઝાઝા પરોવાયેલા નહીં હોય એ પણ ભુપિન્દરે
ગાયેલું ગીત સાંભળીને એટલું કહી શકશે કે આ ગીત ભુપિન્દરે ગાયું છે. દરેક ગાયક પાસે
અવાજની આવી આગવી ઓળખ નથી હોતી.
હવે
ફરી પાછો વાતની શરૂઆત પર આવું. ગુલઝારે જેનું લોકાર્પણ કર્યું હતું એ આલબમ એક
અકેલા ઇસ શહેર મેં ભુપિન્દરના ગાયનના શોખીનોએ વસાવવા જેવું છે (ટાઇમ્સ મ્યુઝિકે
લૉન્ચ કરેલા આ આલબમના ગીતો ઇન્ટરનેટ પર નથી. તેથી ડાઉનલોડ નહીં કરી શકાય. ખરીદવું
જ પડે એમ છે). આલબમ લાઇવ કન્સર્ટનું રેકોર્ડીંગ છે. જેમાં દિલ ઢૂંઢતા હૈ.., એક
અકેલા ઇસ શહેર મેં.., નામ ગુમ જાયેગા.., કભી કીસીકો મુકમ્મલ જહાં નહીં મીલતા..,
હુઝુર ઇસ કદર.., બીતી ના બીતાઇ રૈના.., ઝીંદગી મેરે ઘર આના.., હોકે મજબૂર
મુજે..જેવા કુલ નવ ગીતો છે.
આલબમની
હાઇલાઇટ એ છે કે ગીતો જૂના છે પરંતુ એનું મ્યુઝિક ઓરકેસ્ટ્રેશન, ડિઝાઇનીંગ અને
માસ્ટરીંગ એકદમ ફ્રેશ છે. તેથી ભુપિન્દરના ગીતો વર્ષો પહેલા નહીં પણ ગઇ કાલે જ
રૅકોર્ડ કર્યા હોય એવી લૅટેસ્ટ ફીલીંગ આપે છે.
આલબમની
બીજી હાઇલાઇટ એ છે કે દરેક ગીતની શરૂઆતમાં એને લગતી કમેન્ટ ભુપિન્દર આપે છે. જેમકે,
ફિલ્મ ઘરોંદા ના ગીત એક અકેલા ઇસ શહેર મેં ના સંગીતકાર જયદેવ હતા. એ ગીતની માંડણી કરતાં
પહેલા ભુપિન્દર કહે છે કે ‘જયદેવસાહબ કે અનગિનત દોસત થે લેકિન કહીં ન
કહીં વો હમેશા અકેલે હી નજર આયે. ઉનકી દોસ્ત ઉનકી કિતાબેં હી થી. જીનસે ઉનકા કમરા
ભરા પડા રહેતા થા. બહોત શૌકીન થે કિતાબેં પઢને કે. ઉનકે અકેલેપનકી ઝલક કુછ કુછ
ઉનકે ઇસ નગમે મેં ભી દીખાઇ પડતી હૈ.’
હિન્દી
ફિલ્મસંગીતમાં ગિટાર લોકપ્રિય થયું એની પછળ પણ ભુપિન્દરનો પાયાનો રોલ છે. આર.ડી.
બર્મન માટે દમ માર દમ.. જેવા ગીતોથી લઇને મહેબૂબા ઓ મહેબૂબા.. જેવા ગીતોમાં ગિટાર
ભુપિન્દરે વગાડ્યું છે. કોઇ કલાકાર ડિસ્કો ગીતોમાં ગિટાર વગાડતો વગાડતો કભી કીસીકો
મુકમ્મલ જહાં નહીં મીલતા..જેવી ગઝલ ગાય છે, એ ઘટના જ તદ્દન બીજા છેડાની છે. ગિટાર
ઉપરાંત પણ તે અન્ય વાદ્યો વગાડી જાણે છે. ગાયક, કમ્પોઝર, ઉત્કૃષ્ટ ગિટાર પ્લેયર આ
વિવિધતાભર્યા કોમ્બીનેશનને લીધે જ ગુલઝાર ભુપિન્દર માટે કહે છે કે શહેરમાં ભુપિન્દર
જેવો કોઇ બીજો નથી, એક અકેલા ઇસ શહેર મેં...
તેજસ
વૈદ્ય, મુંબઇ
No comments:
Post a Comment