સઆદત હસન મન્ટો વિષે યોજાયેલી મહેફિલમાં નસીરૂદ્દીન શાહ શ્રોતા તરીકે આવ્યા હતા. |
સાહિત્યસભાઓ,
મંડળો, એકૅડેમી અને પરિષદો જે કામ નથી કરી શકી એ કામ મુંબઇમાં પૃથ્વી થીએટરે
કર્યું છે. પૃથ્વી થીએટરનો માહોલ જ એટલો મનરંગી છે કે નાટક જોવા ન જવું હોય તો પણ સમય
કાઢીને ત્યાં જઇને બેસવાની ઇચ્છા થાય. પૃથ્વી થીએટરમાં ભજવાતા નાટકો ઉપરાંત
ત્યાંના કૅફેટેરિયા અને યારદોસ્તોની જે મંડળી જામે છે એ માહોલનું પણ એક ગ્લૅમર છે.
જે ત્યાં જવા લલચાવે છે. સાહિત્ય, નાટક વગેરે પ્રવૃત્તિ જ્યાં ચાલતી હોય ત્યાં થોડું
ગ્લૅમર જરૂરી છે(અલબત્ત, પ્રવૃત્તિ પ્રતિબદ્ધતા તો ખરી જ). નહીંતર, એ પ્રવૃત્તિ માત્ર
સરકારી કે એકૅડેમિક બનીને રહી જાય છે. જેમકે, ગુજરાતી સાહિત્ય પરિષદ. સાહિત્યની
પ્રવૃત્તિ જ્યાં માત્ર ખાનાપૂર્તિ તરીકે રહી જતી હોય ત્યાં પછી ધોળા માથાના માનવી
જ વધુ જોવા મળે છે. પૃથ્વીમાં ‘ઇસ્મત
આપા કે નામ’થી લઇને ‘મરીઝ’ સુધીના નાટકો ભજવાય છે. દર્શકોમાં
યુવાઓની સંખ્યા માતબર હોય છે. યુવાઓને સાહિત્યમાં રસ નથી એવું કોઇ માનતું હોય તો એક
વખત પૃથ્વી થીએટર તરફ જઇ આવવું. ભ્રમ નિરસન થઇ જશે. પૃથ્વી થીએટર પર ઘણું લખાયું
છે અને હજીય ઘણું લખી શકાય એમ છે. વાત હું પૃથ્વી થીએટર વિષે નહીં પણ ત્યાં દર
મહિને યોજાતી ઉર્દૂ મહેફિલ વિષે કરવા માગું છું.
પૃથ્વીમાં
દર મહિનાના બીજા મંગળવારે સાંજે 7 વાગ્યે પૃથ્વી થીએટરની સામે આવેલા પૃથ્વી હાઉસના
ફળીયામાં ‘મહેફિલ’ મંડાય છે. જાવેદ સિદ્દીકી, શમા ઝૈદી, લુબ્ના સલીમ, સલીમ આરિફ તેમજ અર્વા
મામાજી અને પ્રીયા નિઝારા નામની બે યુવતીઓ એનું આયોજન કરે છે. દોઢ – બે કલાક ચાલતા
આ કાર્યક્રમમાં ઉર્દૂ લેખકો તેમજ શાયરો વિષે કૈફીયત રજૂ થાય છે. શેર – શાયરી તેમજ
વાર્તાના કેટલાક અંશ રજૂ થાય છે. કાર્યક્રમમાં વચ્ચે વચ્ચે પાવર પોઇન્ટ
પ્રેઝન્ટેશન દ્વારા વ્યક્તિવિશેષને લગતી વીડીયો ક્લિપ રજૂ થાય છે. જાવેદ સીદ્દીકી
કે શમા ઝૈદી જે બોલે એમાં કોઇ ઉર્દૂ શબ્દ ન સમજાય ત્યારે એનો અર્થ સીધે સીધો પૂછી
શકાય છે. આખા કાર્યક્રમનું ફૉર્મેટ એવું છે કે કાર્યક્રમ યોજાઇ રહ્યો હોય એવો કોઇ
ભાર એમાં વર્તાતો નથી. ઓટલે બધા વાતચિત કરવા ભેગા થયા હોય એ રીતે મહેફિલ જામે છે. જે
લેખકો કે શાયરો વિષે વાત થાય છે એના પુસ્તકો પણ ત્યાં ઉપલબ્ધ કરવામાં આવે છે. જેને
મન પડે તે ખરીદી શકે છે.
મેં
બે સેશનમાં ભાગ લીધો હતો. જેમાં જાવેદ સીદ્દીકીએ કુર્તુલ ઐન હૈદર અને સઆદત હસન
મન્ટો વિષે વાતો કરી હતી. જાવેદ સીદ્દીકીની ઝબાનમાં જ એ વક્તવ્યના ચુનંદા અંશ મૂકું
છે...
જેને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય છે. મહેફિલની મજા એ છે કે ત્યાં કોઇ ઔપચારિકતા નથી. (ફોટો કર્ટસી - http://urduwallahs.wordpress.com) |
સઆદત
હસન મન્ટો
મન્ટો
સીંગલ લૅયર રાઇટર નહતો. એ પરત દર પરત ઉઘડતો લેખક હતો. એક લેખક તરીકે મન્ટોએ પોતાના
ઝમાનામાં લખાતી રૂઢીગત સામાજિક વાર્તાઓ કરતાં નોખી દીશા પકડી હતી. મન્ટોએ એ એવી
વ્યક્તિઓને કેન્દ્રમાં રાખીને કહાણીઓ લખી જેના વિષે કોઇ લખવા તો નહોતું માગતું, પણ
વાંચવા પણ કોઇ તૈયાર નહોતું. જેમકે, દેહવ્યવસાય કરતી મહિલાઓ, તેમના પરિવારજનો
વગેરે વગેરે. આ ઉપરાંત મન્ટોએ જે વિષય પર નોંધપાત્ર રીતે લખ્યું છે એ છે ભારત –
પાકિસ્તાનના ભાગલા. મન્ટોએ ભાગલા વિષે જે લખ્યું છે એનો કોઇ મુકાબલો નથી. તેની
વાર્તા કે લેખ કે લૅટર ઉઠાવીને વાંચશો તો તમને માલૂમ પડશે કે તેણે ‘બટવારા’ શબ્દ વાપર્યો છે. ‘પાકિસ્તાનનું
નિર્માણ થયું’ એવો શબ્દ તેણે ક્યારેય નથી વાપર્યો.
મન્ટોએ ક્યારેય એવું માન્યું નહોતું કે હિન્દુસ્તાન બની ગયું કે પાકિસ્તાન બની
ગયું. બે મુલ્ક બની ગયા એવું તેણે ક્યારેય માન્યું નહોતું. તેણે માત્ર એટલું જ માન્યું
કે એક મુલ્કના બે ટુકડા થઇ ગયા.
ઉર્દૂના
મહાન લેખક મન્ટોની વિશેષતા એ પણ છે કે તે એસએસસીમાં ત્રણ વખત ફેઇલ થયો હતો. જે વિષયમાં
તે ફેઇલ થયો હતો એ વિષય હતો ઉર્દૂ!
કુર્તુલ
ઐન હૈદર
કુર્તુલ ઐન હૈદર અને મ ન્ટો વિષે પોતાની કૈફિયત રજૂ કરતા જાવેદ સીદ્દીકી(ફોટો કર્ટસી - http://urduwallahs.wordpress.com) |
કુર્તુલ
ઐન હૈદરને ઉર્દૂ સાહિત્ય જગત ‘ઐની
આપા’ તરીકે ઓળખે છે. તેમના વિષે જણાવતાં જાવેદ
સિદ્દીકીએ કહ્યું હતું કે કુર્તુલ ઐન હૈદરનો કમાલ એ છે કે તે જો ફિલ્મો લખતી હોત
તો સલીમ જાવેદ કરતાં અનેકગણી કામયાબ સ્ક્રિનપ્લે રાઇટર હોત. કારણકે, પોતાના લખાણો
દ્વારા એ જે રીતે તસવીરો ખેંચતી હતી એમાં કોઇ ચીજની ડિટેલ બાકી નહોતી રહેતી. એ નિહાળતાં
એટલે કે વાંચતા તમને એવું લાગે કે તમે ત્યાં પહોંચી ચૂક્યા છો અને એ માહોલને જીવી
રહ્યા છો. તેમના સાહિત્યમાં છૂટતી પરંપરાનો નૉસ્ટાલ્જીયા સતત જોવા મળે છે. આપણી પરંપરાઓ
જે મરી રહી હતી એનો માતમ હમેશા તે કરતી રહી હતી. જે તેની નૉવેલમાં જોઇ શકાય છે. તેની
સૌથી લોકપ્રિય નૉવેલ આગ કા દરિયા છે. એની તારીફ તો ઘણા લોકો કરે છે, પરંતુ વાંચે
છે બહુ ઓછા. એ નૉવેલ વાંચશો તો તમને સમજાશે કે એ નૉવેલ નથી પણ એક ઝમાનાની
તારીખ(ઇતિહાસ) છે. નૉવેલને તેણે ત્રણ તબક્કામાં વહેંચી છે. બુદ્ધનો કાળ એ પછી આઝાદી પહેલાનો અને આઝાદી
પછીનો કાળ. આ ત્રણ કાળખંડના વર્ણનમાં કુર્તુલ ઐન હૈદર કહેવા એ માગે છે કે વક્ત
બદલાય છે પણ લોકો નથી બદલાતા. તેમના સંબંધ નથી બદલાતા.
જાવેદ સીદ્દીકી |
મહેફિલમાં
અન્ય એક ઉર્દૂમર્મી સુહૈલ વારસીએ સરસ વાત કહી હતી
કે ઐની આપાનું કૅન્વાસ એટલું મોટું છે કે એમાં કેટલાય ઝમાના શ્વાસ
લેતા સંભળાય છે. તેમના સાહિત્યમાં કોઇ કેરેક્ટર ઝમાનો બની જાય કે કોઇ ઝમાનો
કેરેક્ટર બની જાય એ ઐની આપાની વિશેષ શૈલી છે.
તેજસ
વૈદ્ય, મુંબઇ