લાવા લોકાર્પણ (ડાબેથી) વિશ્વનાથ સચદેવ, સૂર્યભાનુ ગુપ્ત, જાવેદ અખ્તર, પુષ્પા ભારતી, અનિલ જોશી, નિરંજન મહેતા, કમલેશ મોતા |
સરગોશીયાં : સૂર્યભાનુ ગુપ્ત અને જાવેદ અખ્તર |
ભારતીય
વિદ્યાભવન(મુંબઇ)માં યોજાતા કાર્યક્રમોની મજા એ હોય છે કે એ ગુણવત્તાવાળા હોય છે. સામાન્ય કાર્યક્રમોમાં
હોય છે એવી અકારણ ઔપચારિકતાઓ એમાં નથી હોતી. મોટા મોટા કલાકારો ત્યાં માત્ર ભારતીય
વિદ્યાભવનને નામે આવે છે. કલાકારોનો રંગ એકદમ નૈસર્ગિક હોય છે, કમર્શીયલ નહીં.
થોડા દિવસો પહેલા જાવેદ અખ્તરના કાવ્યસંગ્રહ લાવાનું ત્યાં લોકાર્પણ થયું હતું. કવિ
સૂર્યભાનુ ગુપ્ત, કવિ અનિલ જોશી, નાટ્યકર્મી કમલેશ મોતા, નાટ્ય અભ્યાસુ નિરંજન
મહેતા, હિન્દી નવનીતના સંપાદક વિશ્વનાથ સચદેવ તેમજ ધર્મવીર ભારતીના પત્ની પુષ્પા
ભારતીએ તેમના સંગ્રહનું મુંબઇમાં લોકાર્પણ કર્યું હતું. પ્રથમ સંગ્રહ ‘તરકશ’
બાદ જાવેદ અખ્તરનો બીજો સંગ્રહ ‘લાવા’ છે. તરકશમાં જાવેદ અખ્તરનો ‘શાયરાના’ રંગ હતો, હિન્દી ફિલ્મના ‘ગીતકાર’નો નહીં. લાવામાં પણ તેમણે એ ક્રમ જાળવી
રાખ્યો છે. સૂર્યભાનુ ગુપ્ત, અનિલ જોશી, પુષ્પા ભારતીએ જાવેદ અખ્તરના સંગ્રહ વિષે
ઉમળકો વ્યક્ત કર્યો અને કવિ – શાયર જાવેદને બિરદાવ્યા હતા. જાવેદ અખ્તરે જે કહ્યું
એ તેમના જ શબ્દોમાં સાંભળીએ...
જાવેદ
અખ્તર
મારા
સંગ્રહ લાવાના લોકાર્પણ નિમિત્તે મારા વિષે જે મચ પરથી જે કંઇ ગુણગાન ગવાયા એને
લાયક તો હું નથી, પરંતુ હવે જેટલી જીંદગી બચી છે એમાં કોશીશ કરીશ કે એ લાયક બનું. હું
જે પરિવારમાં જન્મ્યો હતો એમાં મારા દાદા – પરદાદા વગેરે કવિતા, નઝમ, ગઝલ વગેરે
કહેતા હતા. એનો મને કેટલોક ફાયદો પણ થયો અને નુકસાન પણ. ફાયદો એ રીતે કે છોકરો જો બીઝનેસવાળાના
ખાનદાનમાં પેદા થયો હોય તો પંદર – વીસ વર્ષનો થાય તો ધંધાની કેટલીક ચીજો પોતાની મેળે
એ શીખી જાય છે, જે શીખવા બીજાએ કદાચ
કોમર્સ કોલેજ જવું પડે. કારણકે, બીઝનેસવાળાના ખાનદાનમાં જન્મેલા એ છોકરાને કેટલીક
ચીજો આપોઆપ ખબર પડી જાય છે. મારી સાથે પણ એવું જ થયું. સાહિત્ય, કવિતા જેવી કેટલીક
ચીજો મારી આસપાસના માહોલમાં જ હતી. હું નાનો હતો એ વખતે ઉર્દૂ – હિન્દીના ભાગ્યેજ
કોઇ એવા સાહિત્યકાર હશે જેમને જોયા નહીં હોય. તેથી વગર પ્રયાસે કેટલાક વાતો ખબર
પડી ગઇ, સમજમાં આવી ગઇ એ ફાયદો થયો.
નુકસાન
એ થયું કે ખૂબ નાની ઉંમરે ખબર પડી ગઇ કે સારી શાયરી કોને કહેવાય અને ખરાબ કોને
કહેવાય. કેટલાક કામ ખબર ન હોય તો જ એ કરવાની વધારે હિમ્મત આવે છે. જો એના વિષે ખબર પડી જાય તો એમ
લાગે કે એ તો મારે કરવું જ નથી. એની જરૂર શું છે. મેં મોડે મોડે શાયરી શરૂ કરી અને
વર્ષો સુધી શાયરીથી દૂર રહ્યો એનું કારણ આમાં સમાયેલું છે.
મુંબઇ
આવ્યા બાદ છ-સાત દિવસમાં મેં બાપનું ઘર છોડી દીધું હતું. દુકાનદારનો દીકરો બગડે તો
એ દુકાને બેઠવાની ના પાડી દે. એવી જ રીતે શાયરનો દીકરો બગડે તો શું કરે ? શાયરી નહીં કરે. મેં એમ જ કર્યું. એ મારો
વિદ્રોહ હતો. સારું પણ થયું. કારણકે, જે સામાન્ય ઉંમરે લોકો શાયરી કરવા માંડે છે એ
ઉંમરે મેં શાયરીઓ નહોતી લખી. તેથી કૉલેજના દિવસોની કવિતાઓ લખવામાંથી હું બચી ગયો. કેટલાક
લોકો (મારા સંગ્રહોના સંદર્ભે)મને પૂછે પણ છે કે તમે રોમૅન્ટિક કવિતાઓ કેમ નથી
લખતા ? હું તેમને કહું છું કે ભાઇસાબ, રોમેન્ટિક
ગીતો હું મફતમાં નથી લખતો, પૈસા લઇને લખું છું.(ઇશારો પોતાના ફિલ્મી ગીતો તરફ છે)
મારી
કવિતા સૌ પ્રથમ ધર્મયુગમાં છપાઇ હતી. પુષ્પા(ભારતી)જી મારી પાસેથી છીનવીને લઇ ગયા
હતા અને છપાવી હતી. હું એ નથી જાણતો કે મેં બેહતરીન શાયરી લખી છે કે નહીં.
પોપ્યુલરીટીથી એ વાત સાબીત નથી થતી કે શાયરી કેટલી નક્કર છે. આજકાલ લોકો પોપ્યુલર
પણ ખૂબ જલ્દી થઇ જાય છે. ચાર વખત ટીવી પર ચમકી જાય એટલે પોપ્યુલર થઇ જાય છે. છ
મહિના સુધી ટીવી પર ન દેખાય તો નોનપોપ્યુલર થઇ જાય છે. તેથી કહેવા એ માગું છું કે
મેં જે શાયરી લખી છે એ કેટલી સારી છે એ આજે નહીં માલૂમ પડે. એ તો ત્રીસ ચાલીસ
વર્ષો પછી ખબર પડશે. (હસતાં હસતાં)વળી, પોપ્યુલરીટી પણ કંઇ ખરાબ ચીજ નથી. એ કામ
લાગે છે. પાંચ માણસ ઓળખવા માંડે છે. આવો, આવો..સાહેબ....એવો આવકારો આપવા માંડે છે.
કોઇ આવકારે તો એનો આભાર માનવો. દિલથી આભાર માનવો. પરંતુ જે દિવસથી તમે એમ માની લીધું
કે મેં કંઇક મોટું કામ કરી નાખ્યું છે એનાથી મોટી કોઇ ભૂલ નથી. પોપ્યુલરીટી ત્યાં
સુધી જ સારી છે જ્યાં સુધી તમે એને સીરીયસલી નથી લેતા. જે દિવસે તમે એને ગંભીરતાથી
લેવા માંડો એ દિવસથી તમારા પતનના મંડાણ થાય છે.
કળીમાંથી
ફૂલ કેવી રીતે બને છે એ પ્રક્રિયા તમે ટીવી પર કે ડૉક્યુમેન્ટ્રીમાં જોઇ હશે.
કળીમાંથી ફૂલ સડસડાટ બની જાય છે. તમારા બગીચામાં પણ ફૂલ એવી જ રીતે ખીલે છે, પણ
ટીવી પર કે ડૉક્યુમેન્ટ્રીમાં એ જેવી રીતે ખીલતું દેખાડવામાં આવે છે એવી રીતે
ખીલતા નથી દેખાતું. પ્રક્રિયા ક્યારેક એટલી ધીમી હોય છે કે એ દેખાતી નથી. જેમકે,
વાળ ક્યારે સફેદ થઇ જાય છે કે બાળક ક્યારે મોટું થઇ ગયું એ ખબર પડતી નથી. હું જે
ઇન્ડસ્ટ્રીમાં છું એમાં બધું બહુ ઝડપથી થાય છે. ઝડપથી માણસ પોપ્યુલર થાય છે અને
ઝડપથી આઉટ પણ થઇ જાય છે.
મેં
જે લખ્યું છે એ સારું છે કે નબળું એ હું નથી જાણતો, પણ એટલું જરૂર જાણું છું કે એ
મારું છે.
કૈફીયત : જાવેદ અખ્તર, (ડાબે) સૂર્યભાનુ ગુપ્ત,(જમણે) પુષ્પા ભારતી |
‘લાવા’ના
કેટલાક શેર....
જીધર
જાતે હૈં સબ, જાના ઉધર અચ્છા નહીં લગતા
મુજે
પામાલ(પાયમાલ)રાસ્તોં કા સફર અચ્છા નહી લગતા
ગલત
બાતોં કો ખામોશી સે સુનના, હામી ભર લેના
બહોત
હૈ ફાયદે ઇસમેં મગર અચ્છા નહીં લગતા.
---
બહોત
આસાન હૈ પહેચાન ઇસકી,
અગર
દુઃખતા નહીં તો દિલ નહીં હૈ
---
વો
શક્લ પીઘલી તો હર શૈ મેં ઢલ ગઇ જૈસે,
અજીબ
બાત હુઇ હૈ ઉસે ભૂલાને મેં
---
કુછ
બિગડને કે ભી તરીકે હોતે હૈ
ખૈર,
જાને દો જો ગયા જૈસે
---
મુજે
દુશ્મન સે ભી ખુદ્દારી કી ઉમ્મીદ રહેતી હૈ
કીસી
કા ભી હો સર, કદમોં મેં સર અચ્છા નહીં લગતા
તેજસ
વૈદ્ય, મુંબઇ
મનનો મેળો : શ્રોતાઓએ ખરીદેલા સંગ્રહ લાવા પર હસ્તાક્ષર કરી રહેલા જાવેદ અખ્તર |