Tuesday, October 16, 2012

અપને અપને અજનબી




નસીરૂદ્દીન શાહ અને બેન્જામીન ગિલાનીએ શરૂ કરેલા મોટ્લિ થીએટર ગૃપની 30 વર્ષની ઉજવણી નિમિત્તે તેમને મુંબઇમાં એઅનસીપીએ(નેશનલ સેન્ટર ફોર પરફોર્મીંગ આર્ટ્સ)માં મળવાનું થયું હતું. એક ન્યુઝ ચેનલના રિપોર્ટર તરીકે નસીરૂદ્દીન શાહનો નાનો ઇન્ટરવ્યુ લીધો હતો. જેમાં તેમણે એક વાત ભારપૂર્વક કહી હતી કે હું નાટક એટલા માટે કરું છું કે એ બહાને મને લોકોને મળવું ગમે છે. નાટકના માધ્યમથી હું લોકો સાથે વાત કરું છું, સંવાદ સાધુ છું. આજકાલ લોકો પોતાના જીવનમાં એટલા વ્યસ્ત છે કે એકબીજા માટે કોઇને સમય નથી. મોબાઇલના એક કૉલથી પતતું હોય તો લોકો મળવા આવતા નથી.

-----

બાંદરામાં રહેતી વંદના શાહ ડિવોર્સ કાઉન્સેલર છે અને લૉયર છે. તેનું લગ્નજીવન બે વર્ષ ચાલ્યું હતું અને છૂટાછેડાનો કેસ દશ વર્ષ ચાલ્યો હતો. વંદના શાહ છૂટાછેડાને લગતું માસિક ન્યુઝલેટર એક્સ ફાઇલ્સ ચલાવે છે. કરીઅરમાં તેણે 1500 જેટલા છૂટાછેડાના કેસમાં કાઉન્સેલીંગ કર્યું છે. એક મેગેઝિનના રીપોર્ટર તરીકે તેને મળ્યો હતો. તેણે કહ્યું હતું કે છેલ્લા દશ વર્ષમાં મુંબઇ અને થાણેની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસમાં ચાર ગણો વધારો થયો છે. થાણે અને મુંબઇમાં રોજના 400 જેટલા છૂટાછેડાના કેસ ફેમિલી કોર્ટમાં ફાઇલ થાય છે. મારી પાસે કેટલાક કેસ એવા આવે છે જેમાં પતિ કે પત્નિને કાઉન્સેલીંગ કે ગાઇડન્સની કોઇ જરૂર જ નથી હોતી. તેમને એક શ્રોતાની જરૂર હોય છે જે તેમની વાત સાંભળે. એ રીતે છૂટાછેડાના કેટલાક કેસ મેં માત્ર શ્રોતા બનીને ઉકેલ્યા છે.

-----

મૂળે વાત એમ છે કે માણસને વાત કરવા જોઇએ છે. માણસ પર ગમે એટલું દુઃખ ડાઉનલોડ થયું હોય કે એકલતાના એફિલ ટાવર પર તે જીવતો હોય પણ તેને જો વાત કરવા માટે યોગ્ય વ્યક્તિ મળી જાય તો દુઃખો આપોઆપ હળવા થઇ જાય છે. માણસ પાસે લખલૂંટ સંપત્તિ હોય કે સત્તા હોય પરંતુ તેને સાંભળે એવી કોઇ વ્યક્તિ તેની નજિક નહીં હોય તો એ પોતાની જાતને એકલી જ મહેસૂસ કરશે. સંપત્તિ કે સત્તા તેના એકલવાયાપણાને દૂર નહીં કરી શકે.
મુંબઇમાં આત્મહત્યા કરતા લોકોને અટકાવવા માટેની ત્રણેક હેલ્પલાઇન ચાલે છે. જેમાં પડતું મૂકવાને છેલ્લે પગલે પહોંચી ગયેલા કે વખ ઘોળીને હોઠ સુધી લઇ ગયેલા લોકો છેલ્લી ઘડીએ આવી હેલ્પલાઇનને કૉલ કરી શકે છે. હેલ્પલાઇનવાળા તેની તકલીફ સાંભળે છે અને હુંફાળું આશ્વાસન આપે છે. છએક મહિના પહેલા એક આર્ટીકલ સંદર્ભે આસરા નામની આવી હેલ્પલાઇનના ડિરેક્ટર જોન્સન થોમસ સાથે વાત થઇ હતી. તેમણે કહ્યું હતું કે અમને રોજ પંદરથી વીસ ફોનકૉલ્સ આવે છે. કેટલાય લોકો ફોન પર વાત કર્યા પછી મરવાનો વિચાર માંડી વાળે છે. મતલબ કે આત્મહત્યા માટે કટિબદ્ધ વ્યક્તિ જો છેલ્લી ઘડીએ કોઇની સાથે વાત કરી લે તો આત્મઘાતી પગલું ભરવાના તેના ચાન્સીસ ઘટી જાય છે. બાત કરને સે બાત તો બનતી હી હૈ, કભી કભાર જીંદગી ભી સંભલતી હૈ.

ટીવી સિરિયલો જ્યારે ડેઇલી સોપના નામે રોજીંદો ત્રાસ વર્તાવતી નહોતી ત્યારે ગામમાં મહિલાઓ ઓટલે બેઠીને ચોવટ કરતી હતી. ઓટલાપ્રથા ખૂબ વગોવાયેલી પરંપરા છે પણ અત્યારે મને એમ લાગે છે કે એ ખૂબ સારી વ્યવસ્થા હતી. કારણકે, એ બહાને મહિલાઓ મળતી હતી અને વાતો કરતી હતી. એ મહિલાઓના જીવનની ઘણી મુસીબતો ઓટલે જ હલ થઇ જતી હતી. એવી જ રીતે પાનના ગલ્લે સાંજે લોકો એકઠા થતા અને વાતમેળો લાગતો. ગામમાં આ પરંપરા હજીય છે. પાન તો નિમિત્ત હોય છે પણ એ બહાને લોકો મળે છે અને વાતો કરે છે. હું જ્યારે ગામમાં રહેતો હતો ત્યારે શહેરના મારા એક સંબંધી ગામ આવતા ત્યારે મને કહેતા કે તમારા ગામમાં લોકો પાનના ગલ્લે પણ કેટલો સમય વેડફે છે ! એ વખતે મને તેમની વાત સાચી પણ લાગતી હતી. પરંતુ હવે એમ થાય છે કે લોકો એકલા એકલા મનોમન ધુંધવાઇને ગળેફાંસો ખાઇ લે એના કરતાં ગલોફે પાન ભરાવીને કલાક ગપાટા મારે એ તનદુરસ્ત બાબત છે. મહિલાઓ ઓટલે મંડાઇને તારી, મારી ને માધવની લપેટે એ સામાજિક સ્વસ્થતા માટે સારી બાબત છે. બ્લૉગ, ફેસબૂક કે ટ્વિટર એ શું છે ? મારે તમારી સાથે વાત કરવી છે એનો જ મંચ છે ને ! ઘરની બહારનો ઓટલો ઘરના કોમ્યુટરમાં ઘુસી જાય ત્યારે એ ફેસબૂક કાં ટ્વિટર કહેવાય છે.

શહેરોની મર્યાદા એ છે કે લોકો પોતાની દુનિયામાં મસ્ત ઓછા અને વ્યસ્ત વધારે હોય છે. શહેરો જેમ વિસ્તરે છે એમ વધુ વિકરાળ થતા જાય છે. મુંબઇમાં દહીંસરથી સવારે હકડેઠઠ મેદનીથી છલોછલ લોકલમાં ટીંગાતો માણસ કલાક સવાકલાકે ચર્ચગેટ પહોંચે ત્યારે તેના અડધોઅડધ કિલોમીટર પતી ગયા હોય છે. સાંજે પાછી એ જ ટીંગાવાની રામાયણ રીપીટ કરવાની હોય છે. અમદાવાદ જેવા શહેરમાં કાલુપુરમાં રહેતો માણસ બે કે ત્રણ વાહન બદલીને સેટેલાઇટ વિસ્તારમાં નોકરી માટે પહોંચે ત્યાં સુધીમાં તેની ગ્રહદશા બદલાઇ જાય છે. માણસ પોતાનામાં જ એટલો વ્યસ્ત હોય છે કે એની દયા ખાવી રહી. આ તમામ પરિબળો વચ્ચેય માણસને વાતની ભૂખ હોય છે. તેને વાત કરવી હોય છે. તેને એમ થાય છે કે મને કોઇ સાંભળે. પરંતુ બધા પોતપોતાની દુનિયામાં એટલા વ્યસ્ત હોય છે કે બીજા માટે સમય નથી હોતો. મુંબઇની લોકલ ટ્રેનોમાં મેં ઘણી વખત એકલા બબડતા માણસો જોયા છે. એ દ્રશ્ય જયારે પણ જોયું છે ત્યારે મને એમ લાગ્યું છે કે કોઇ કલાકાર લોકલ ટ્રેનમાં એકપાત્રીય અભિનય કરી રહ્યો છે અને દર્શકો તેના પર ધ્યાન જ નથી આપતા.

માણસની વાત કરવાની ભૂખ જ્યારે સંતોષાતી નથી ત્યારે અંદરોઅંદર ધરબાયેલી વણકહેલી વાતોનું કુપોષણ ક્યારેક આત્મહત્યામાં પરીણમે છે. તેથી હમખયાલ લોકોને મળવું, મળતાં રહેવું. એ જીમમાં જઇને કસરત કરવા જેવી તબીયતવાળી ઘટના છે. કોઇ સામેથી ન બોલાવે તો તમારે બોલાવવું. તો મહેરબાનો, ખવાતીનોં, હઝરાત, દેવીઓ ઔર સજ્જનો બોલો ક્યાં મળો છો ? પૃથ્વી થીએટર પર, જહાંગીર આર્ટ ગેલેરીને અડોઅડ 'સમોવર' રેસ્ટોરામાં, એશિયાટિક લાઇબ્રેરીના પગથિયે, મેટ્રો સિનેમા પાસેની ઇરાની રેસ્ટોરાં 'ક્યાની'માં કે પછી મારા કે તમારા ઘરે ?  બોલો.

તેજસ વૈદ્ય, મુંબઇ