Saturday, March 9, 2013

એટેક્સ ઓન ‘ધ એટેક્સ ઓફ 26/11’




26 નવેમ્બર 2008ના રોજ મુંબઇ પર થયેલા હુમલાને જે રીતે વખોડવામાં આવ્યો હતો લગભગ એ રીતે જ એના પર બનેલી ફિલ્મ ધ એટેક્સ ઓફ 26/11ને વખોડવાનો મશરૂમઉદ્યોગ પણ પુરબહારમાં ચાલી રહ્યો છે.
કબૂલ કે, ફિલ્મમાં કેટલીક સારી મોમેન્ટ્સ હજી આવી શકી હોત.
કબૂલ કે નરીમન હાઉસની ઘટના ને એનએસજી કમાન્ડોના ઓપરેશનને ફિલ્મમાં સમાવવાની જરૂર હતી(કારણકે, ફિલ્મ પોણા બે કલાકની મિનિટની જ છે). પરંતુ આવી કેટલીક નાની ભૂલોને માફ કરીએ અને અખિલાઇમાં જોઇએ તો રામગોપાલ વર્માએ ખૂબ જ સુંદર ફિલ્મ બનાવી છે. એમાં સંવેદનાના ધબકારા ઝીલાયા છે.



રામુએ બંધાયેલા હાથે રંગોળી પૂરી છે

એક ડિરેક્ટર તરીકે આ ફિલ્મ હૅન્ડલ કરવી એ રામુ માટે રાકેશ મારિયા જેવી જ ટફ ટાસ્ક હતી. રામુએ એ જ ઘટના દર્શાવવાની છે જેનાથી લોકો બિલકુલ વાકેફ છે. કારણકે, ચેનલવાળાઓએ ત્રણ ત્રણ દિવસ સુધી એ ઘટના લાઇવ દેખાડી હતી. તેમજ દર વરશીએ ફરી ફરી એ ઘટનાઓ ચેનલ પર ચાવવામાં આવી હતી. વળી, 26 નવેમ્બરના હુમલા વિષે ડિસ્કવરી ચેનલે પોતાની ગુણવત્તા મુજબની એક ડૉક્યુમેન્ટ્રી ઓલરેડી બનાવી દીધી છે.
રામુએ એ વાસ્તવિકતા દર્શાવવાની છે જેમાં રોમાન્સ, સસ્પેન્સ કે ચીકની ચમેલી જેવા મરીમસાલાને કોઇ અવકાશ નથી. એમાં ઇમોશનના ઓવરડોઝ કે કલ્પનાના લસરકા જેવી સિનેમેટિક લીબર્ટી લીધી હોત તો ફિલ્મની નિસબત સાથે અન્યાય થાત. એ ફિલ્મ નથી પણ એ ઘટનાનાના અહેસાસની નજિક પહોંચવાનો પ્રયાસ છે. રામુની ફિલ્મ એ ડોક્યુમેન્ટ્રી પણ નથી અને ડ્રામા પણ નથી, પણ એ તમામ મર્યાદાઓની પતલી ગલી વચ્ચે ફિલ્મ એનએસજી કમાન્ડોની જેમ માર્ચ ઑન કરતી પસાર થાય છે. ફિલ્મમાં કથાસૂત્ર નથી પણ એ ગોઝારી ઘટનાની વિવિધ મોમેન્ટ્સના મણકા છે. જેમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને વિવિધ સંકેતો રજૂ કરીને ધાર્યું નિશાન તાક્યું છે. કહી શકાય કે જ્યાં ડાયલોગ્સને અવકાશ જ નથી ત્યાં રામુએ પોતાની ડિરેક્ટર તરીકેની કારીગરી પુરવાર કરી છે. રામુએ બંધાયેલા હાથે રંગોળી પૂરી છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકની વાત કરીએ તો ધાણીફૂટ ગોળીઓ વચ્ચે એક બાળકના રૂદનનો અવાજ એટલી સંવેદનશીલ રીતે હાઇલાઇટ કરવામાં આવ્યો છે કે દર્શકને પોતાને ઊભા થઇને એ બાળકને માથે હાથ ફેરવીને શાંત કરવાનું મન થાય. એ અવાજ દર્શકોના આત્માને કરડે છે. સીએસટી સ્ટેશન પર લાશોની વચ્ચે એકલાઅટૂલા કોન્સ્ટેબલનું આક્રંદ. ગોળીઓની રમઝટ વચ્ચે શિવતાંડવ શ્રોતની સાથે મૌલા મૌલાનો રણકો ફિલ્મને એક પરીમાણ આપે છે.
વિવિધ સંકેતની વાત કરીએ તો અંધાધુંધ ગોળીઓ વચ્ચે લોકો ભાગદોડ કરતા હોય છે ત્યારે લાફીંગ બુદ્ધનું હસતું પૂતળું જાણે પરિસ્થતિ પર ચોટદાર વ્યંગ કરે છે. વેરણછેરણ પડેલી લાશો વચ્ચે લક્ષ્મિજીની મૂર્તિ પાસે ફરતો કેમેરા. આતંકવાદીની ગોળીઓથી બચવા રેલવેના પાટાની પાસે પ્લેટફોર્મની દીવાલ પર ટૂંટીયું વાળીને કતારબંધ સંતાઇ ગયેલા લોકો. આવી તો કેટલીય ક્ષણો છે જેની બારીકી દર્શકોએ પોતાની સંવેદના અને આંતરસૂઝથી સમજવાની છે.





નાના પાટેકર ધ કન્ટ્રોલ ટાવર

કોઇ મહાન શાયર જેમ મુશાયરો લૂંટી લે એમ મુંબઇનો જોઇન્ટ કમીશનર ઓફ પોલીસ બનેલો નાના પાટેકર એકલે ખભે આખી ફિલ્મ ખેંચી જાય છે. પોલીસ એટલે રોફ જમાવતી જમાત. પોલીસ એટલે ફાંકા ફોજદારી. આવી પોલીસની સામાન્ય વ્યાખ્યા છે, જે કંઇંકઅંશે સાચી પણ છે. પોલીસની લાપરવાહીને ફિલ્મોમાં જેટલી હાઇલાઇટ કરવામાં આવે છે એટલી લાચારીને નહીં. (અપવાદ બિજોય નામ્બિયાર દિગ્દર્શિત ફિલ્મ શૈતાન). 26/11ના હુમલામાં લોકોને પોલીસની નિષ્ફળતા દેખાય છે, પરંતુ લાચારી નથી દેખાતી. લોકો એ ભૂલી જાય છે કે તાજ અને ઓબેરોયના દરેક ગેટ્સ પર મરોડદાર મૂછોવાળા બંદુકધારી પહેંલવાનો ઊભા હોય છે. છતાં પણ લબરમૂછીયા આતંકવાદી ઘુસ્યા અને મોતનું તાંડવ ખેલ્યું હતું. 26/11 એ પોલીસ માટે પણ નવી જ ચેલેન્જીંગ ટાસ્ક હતી જે અગાઉ ક્યારેય તેણે નહોતી જોઇ. શહેર મરવા પડ્યું હોય અને એક પોલીસ અધિકારી દ્રૌપદીકક્ષાએ કસોટી પર મૂકાયો હોય ત્યારે એની લાચારી કેવી હશે ! આ લાચારી વચ્ચે તેણે મગજનો કાબૂ સ્હેજ પણ ગુમાવ્યા વગર સ્થિતિ પર ધીમે ધીમે કાબૂ મેળવવાનો છે. એ લાચારી અને છતાંય જાત પરનો કાબૂ નાના પાટેકરે ફિલ્મમાં જીવી બતાવ્યો છે.

આપણા દેશમાં મેલોડ્રામા અને લાઉડ એક્સપ્રેશન્સ જોવા દર્શકો ટેવાયેલા છે. એઇન્ટરટેન્મેટ આપ્યા વગર કોઇ ફિલ્મ મેસેજ છોડી જાય તો દર્શકોને વસમું લાગે છે. વ્યક્તિની અંદર વલોપાત હોય ત્યારે તેને ઘણુંય કહેવું હોય છે પણ કહી શકતો નથી. આ ફિલ્મ મુંબઇ હુમલાનો લોકોના દિલમાં ડૂમાની જેમ બાઝી ગયેલા વલોપાતનું વિરેચન છે.

તેજસ વૈદ્ય, અમદાવાદ