બે યાર
- - - -
બે દિવસ પહેલા રાત્રે દશ વાગ્યાના શોમાં પત્ની સાથે ફિલ્મ જોવા ગયો. ટિકિટબારીવાળો ભાઇ કહે કે માત્ર બે જ ટિકિટ છે અને એ પણ પહેલી જ હરોળમાં છે. બે ટિકિટ ખરીદી લીધી. આમ તો ખેદ થવો જોઇએ પણ મને પહેલી હરોળમાં ટિકિટો ખરીદવાનો આનંદ થયો. મારી ભાષાની ફિલ્મ હોય, હાઉસફુલ હોય અને મારે પહેલી હરોળમાં બેસીને જોવાની હોય તો એ આનંદની ઘટના છે. પહેલી હરોળ તો શું પૈસા ચૂકવીને પગથિયાં બેસીને પણ નિહાળું.
ફિલ્મનું પોસ્ટર જ બયાન કરે છે કે બે દોસ્તારોની વાર્તા છે. ફિલ્મ નિહાળીએ અને પોસ્ટરની પરત થોડી ઉલેચીએ તો ખબર પડે કે ફિલ્મનો ખરો પોસ્ટરબોય તો ચિત્રકાર એમ.એફ.હુસૈનનું પેઇન્ટિંગ છે. (ફિલ્મમાં એમ.એફ હુસૈનનું ચિત્રાંકન એમ.એફ.હસન તરીકે કરવામાં આવ્યું છે). એક ઢાંચાઢાળ સાદા માણસને તેના દોસ્ત હુસૈને આપેલા ચિત્રની કદરબૂઝની કહાણી ફિલ્મમાં છે. ફિલ્મમાં ઝાઝું નથી ઉતરતો..જઇને જોઇ આવો.મજા પડશે.
અમદાવાદ એવું શહેર છે જ્યાં મ્યુઝિયમમાં હોય એના કરતાં પચ્ચીસથી ત્રીસ ગણી મોટી સંખ્યામાં લોકો મોલમાં હોય છે. ફિલ્મ સિવાયની કલા કે સાહિત્ય વિશે વાત કરવી હોય તો અમદાવાદમાં માણસ શોધવામાં ગૂગલને પણ હાંફ ચઢી જાય. એ શહેરમાં પેઇન્ટિંગ અને આર્ટ ગેલેરી વગેરે બાબતોને સાંકળીને ફિલ્મ બનાવવી એ લોઢાના ખાખરા ખાવા જેવું કામ છે. એ છતાંય ડિરેક્ટર અભિષેક જૈને આ સાહસ ખેડ્યું એ માટે તેને અભિનંદનનો અભિષેક.
- - - -
ફિલ્મમાં બે દોસ્તારો અમદાવાદી છે. ત્રીજો ઢોલમઢોલ દોસ્તાર(કવિન દવે) રહે છે અમદાવાદમાં પણ તેની બોલી કાઠિયાવાડી રાખી છે. ફિલ્મમાં કેટલીક કહેવતોનો સરસ ઉપયોગ થયો છે.
- - - -
‘બે યાર’ હુસૈનસાહેબને અમદાવાદ દ્વારા અપાયેલી અંજલી છે. આ ફિલ્મ ગુજરાતીઓ માટે અને વિશેષ કરીને અમદાવાદીઓ માટે આનંદ-ઘટના છે. સાથે જ આ ફિલ્મ અમદવાદ પર વ્યંગ પણ છે. જે શહેરમાં એમ.એફ.હુસૈનના ચિત્રોની તોડફોડ થતી હોય. જે શહેરમાં બબ્બે મહિના હુલ્લડ ચાલી શકતા હોય ત્યાં ફિલ્મમેકરે અને રાઇટરે એક મુસ્લિમ પેઇન્ટર અને હિન્દુ ચા વાળાની(એમાંય બ્રાહ્મણ ચા વાળાની) દોસ્તીની વાત કહી છે. એમાં એક અન્ડરટોન મેસેજ એ છે કે દર્શકો ઠોકીનાંવ, આ બે દોસ્તોની જેમ શહેરમાં જીવવાનું હોય. પેઇન્ટિંગો તોડી પાડવાના ન હોય. કોઇ અસામાજિક તત્વો તોડી પાડે તો મનોમન ખુશ થવાનું ન હોય. આ અર્થઘટન મારૃં છે. ફિલ્મના લેખક-ડિરેક્ટરનું હશે કે નહીં એ નથી ખબર. મને આ અર્થઘટન કરવું ગમે છે.
.એમ.એફ.હુસૈન અમદાવાદમાં પ્રચલિત રીતે ક્યાંની ચા પીતા હતા એ વાત ખૂબ જાણીતી છે છતાં ફિલ્મમાં ચા વાળાને હિન્દુ દર્શાવવાયો એ સૂઝ માટે ધન્યવાદ.
- - - -
અમદાવાદને કેન્દ્રમાં રાખીને દોસ્તીની વાત કહેતી બે ફિલ્મો તાજેતરના વર્ષોમાં રજૂ થઇ. ‘કાયપો છે’ અને ‘બે યાર’. ‘કાયપો છે’ કરતાં ‘બે યાર’ વધારે માવજતભરી અને મનરજક ફિલ્મ છે.
- - - -
ફિલ્મ સુવાંગ એઇન્ટરટેઇન્મેન્ટ એક્સપીરીયન્સ છે. છતાંય થોડો પોઝ લઈને બે વાત કહેવાનું મન થાય છે. ફિલ્મના એક દ્રશ્યમાં પિતા-માતા જ ઘરમાં છોકરાને શરાબ પીવા માટે મોકળું મકાન કરી આપે છે એ સીનમાં થોડી ન લેવી જોઇતી છૂટછાટ લેવાઇ ગઇ છે. એટલી સિનેમેટિક લીબર્ટી ન લીધી હોત તો સારૃં થાત.
વાત નંબર બે.
ફિલ્મમાં કેરેક્ટર તરીકે અમદાવાદ સરસ રીતે રજૂ થઇ શકત, જે ચૂકી જવાયું છે. બે-ત્રણ સીનમાં અમદાવાદ રિફ્લેક્ટ થાય છે. જેમકે, રાયપુર(કે જમાલપુર) દરવાજાનો કલરપુલ લાઇટવાળો એરિયલ શોટ. એલીસબ્રીજવાળો સીન કે રીવરપ્રન્ટવાળો સીન કે પછી પાણીની ખળખળતી કેનાલ પાસે બે દો્સ્તોનો સીન. આ દ્રશ્યોમાં પ્રયાસ થયો છે પણ કિરદાર તરીકે અમદાવાદ ઉગીને ઉઘડતું નથી. અમદાવાદમાં એવા પચ્ચીસથી ત્રીસ સ્થળ છે જે હાઇલાઇટ કરી શકાય અને એ ફિલ્મમાં કેરેક્ટરની શાખ પૂરે.
છતાંય સો વાતની એક વાત એ કે ‘બે યાર’ સોજ્જી મજેની ફિલ્મ છે. ફિલ્મ ગુજરાતના બધા શહેરોમાં રીલીઝ થશે તો ખરેખર ગમશે. એને લીધે ગુજરાત વધુ રળિયામણું, સોરી વાઇબ્રન્ટ લાગશે.
તેજસ વૈદ્ય, અમદાવાદ
06.09.14