Tuesday, June 30, 2015

કિલ્લા(મરાઠી) - એક નિતાંત નયનાભિરામ ફિલ્મ

ફિલ્મનો હીરો કોણ હોય છે?
રાઇટર અને  ડિરેક્ટર.
ના 
ફિલ્મનો હીરો સિનેમેટોગ્રાફર હોય છે. 
વાત માનવામાં નથી આવતી’ને. કંઇ વાંધો નહીં. મરાઠી ફિલ્મ ‘કિલ્લા’ જોઇ આવો.

ફિલ્મમાં કોઇ હીરો નથી, હીરોઇન નથી, ખલનાયક નથી, ગીતો નથી. ચેતન ભગતની ફિલ્મમાં હોય એવા ચબરાકીયા વનલાઇનર્સ નથી. (ચેતન ભગતની નવલકથાઓ પરથી બનેલી ફિલ્મોને ચેતન ભગતની કહી શકાય’ને). હિન્દી ફિલ્મો જેની ઓશિયાળી છે એ કન્ફ્લિક્ટ એટલે કે કડક ડ્રામા પણ નથી. 

તો પછી છે શું ફિલ્મમાં?

નરેશન - વર્ણન. અલબત્ત, સ્ટોરી તો છે જ પણ પિચ્ચરનું પોત તો એનું નરેશન જ છે. આખી ફિલ્મ સંવેદનાના કિલ્લા પર ચણાયેલી છે, પણ સહાનૂભુતિ ઉઘરાવતો કોઇ સીન નથી. એટલે કે ફિલ્લમને સહેજ પણ મેલોડ્રામેટિક થવા દીધી નથી. છતાંય દર્શક તરીકે તમે તંતોતંત કનેક્શન સાધો છો. લાઘવ  ફિલ્મમાં કઇ રીતે ઉઘડવું જોઇએ એનું બેનમૂન દ્રષ્ટાંત કિલ્લા છે. 




વાર્તા એવી છે કે એક મહિલા સરકારી કર્મચારી છે. તેના પતિનું અવસાન થઇ ગયું છે. ઘરમાં તે અને તેનો આઠેક વર્ષનો પુત્ર ચિન્મય છે. તેની બદલી કોંકણના એક અંતરિયાળ ગામડામાં થાય છે. ગામ એકદમ હરીયાળું અને દરિયાકાંઠે છે. ગામની ભાગોળે એક કિલ્લો છે. ગામમાં એક ટિપિકલ સરકારી શાળા છે. ચિન્મય પુણે જેવા શહેરમાંથી ગામની સરકારી શાળામાં દાખલો લે છે. શાળામાં ભણવા આવતા છોકરાંવ થેલીમાં ચોપડા નાખીને ભણવા આવે છે. છોકરાંવ ભોળાં છે, અને એટલાં જ તોફાની છે. સ્કુલમાં માસ્તરોની સળી કરવાની, ગાળો બોલવાની. સરકારી શાળાઓની મજા એ છે કે બાળક પ્રાથમિક ધોરણમાં ક,ખ,ગ શીખે એ પહેલાં ચ શીખી જાય છે. શાળા છૂટે એટલે દરિયે રખડવા જવાનું વગેરે વગેરે....(અહીં કેટલાંક સુંદર પ્રસંગો છે, જે મજા ન બગડે એટલા માટે લખતો નથી.તમે જોશો એટલે જલસો પડી જશે.). ચિન્મયને શરૃઆતમાં આ ટિપિકલ ગામડીયા છોકરાંવ સાથે ફાવતું નથી, પણ ધીમે ધીમે ટ્યુનીંગ જામે છે. પછી શું થાય છે એ તમારે સિનેમાઘરમાં જઇને જ જોવાનું રહેશે. 


આટલા નરેશન પછી તમને સવાલ થયો હોય કે આ તો બાળફિલ્મ છે, તો તમારો એ સવાલ બેબુનિયાદી છે. ફિલ્મમાં ક્યાંય મોટા અવાજે એક ડાયલોગ નથી. કોઇને થપ્પડ મારવાનો પણ એક સીન નથી.


કિલ્લા એક નિતાંત નયનાભિરામ ફિલ્મ છે. એ તમને માસૂમિયતની મર્માળી દુનિયામાં લઇ જશે. માસૂમિયતના મર્મ હોય છે. નિદા ફાઝલીની પેલી પંક્તિ છેને...

દો ઔર દો કા જોડ હમેશા ચાર કહાં હોતા હૈ,
સોચ સમજવાલોં કો થોડી નાદાની દે મૌલા. 

ફિલ્મની સબળતા નક્કી કરવાનું એક ધોરણ એ છે કે તમે એને મૂંગી એટલે કે મ્યુટ કરીને જોઇ શકો છો કે નહીં, અને કથા પામી શકો છો કે નહીં. કિલ્લા એમાં સો ટકા માર્ક્સ મેળવે છે. કહેવાનું તાપ્પર્ય એ છે કે મરાઠી ભાષાની ફિલ્મ હોવા છતાં તમે એને સંપૂર્ણ રીતે પામી શકો છો. વળી, અંગ્રેજી સબટાઇટલ્સ તો છે જ.
ફિલ્મના સિનેમેટોગ્રાફર અને ડિરેક્ટર અવિનાશ અરૃણ છે.  એટલે કે ફિલ્મનો હીરો અવિનાશ અરૃણ જ છે.


નોંધ - આ ફિલ્મ થીયેટરમાં જઇને જ જોજો. સીડી - ડીવીડીમાં એ વાત નહીં બને.
તેજસ વૈદ્ય, અમદાવાદ