Friday, May 20, 2016

લોકસંગીતના બત્રીસ કોઠે દીવા પ્રગટાવનારા દિવાળીબહેન ભીલ







સાદગી અને હૈયાનો વલવલતો ભાવ બેઉ ભેગા મળીને જ્યારે લોકસંગીતનો લિબાસ ઓઢે ત્યારે તેને દિવાળીબહેન ભીલ કહેવાય. તળપદો લહેકો, સ્ફટિકવત્ રણકો, અવાજમાં કરૂણા અને આર્દ્રતા એવા લથબથ કે સાંભળનારના રૂદિયાના નગારે જ સીધો ઘા કરે.
થોડા મહિના અગાઉ જૂનાગઢ જવાનું થયું ત્યારે નક્કી જ હતું કે દિવાળીબહેન ભીલને મળવાનું જ છે. જૂનાગઢ પહોંચ્યાને બીજે જ દિવસે પત્રકારમિત્રને ફોન જોડ્યો કે દિવાળીબહેન ક્યાં રહે છે? જવાબ મળ્યો, “ગાંધીગ્રામ વિસ્તારમાં જઇને પૂછશો એટલે કોઇ પણ વ્યક્તિ તેમનું ઘર બતાવી દેશે.” આથમતે ટાણે સાંજે તેમના ઘરે પહોંચ્યો તો આંગણું દિવાળીબહેનતી ઝળહળતું હતું. તેઓ આંગમામાં જ બેઠા હતા. વાતોનો દૌર શરૂ થયો. 
તમે લોકસંગીત કેવી રીતે શીખ્યા - એવું પૂછતાં જ હસતા હસતાં દિવાળીબહેન કહે કે “હું  સંગીત શીખી જ નથી. મોંઘી બા એટલે કે મારી બા ખૂબ ગાતા. તેમને અમે સાંભળતા. તેમને સાંભળતાં સાંભળતાં હું ય ગાતી. સંગીતનું જે શિક્ષણ કહેવાય એવું તો ક્યારેય લીધું જ નથી.”
સંગીતનું શિક્ષણ તો જવા દો સાદું મૂળભૂત શાળાકીય શિક્ષણ પણ દિવાળીબહેને લીધું નથી. દિવાળીબહેન કહે છે કે, “મારી બા અભણ ને હું ય અભણ. મને સહી કરતાંય માંડ આવડે.” દિવાળીબહેન ભીલની ગાયકી ભાવબળકટ ગાયકી છે. લોકસંગીત હમેશા ભાવપ્રધાન હોય છે. લોકસંગીતમાંથી જ શાસ્ત્રીય સંગીત અને એની રાગદારીઓ જન્મ્યા છે. તેથી શાસ્ત્રીય સંગીતનું મૂળ પણ લોકસંગીત છે. 
શાળા-કોલેજના શિક્ષણની અનિવાર્યતાને ક્યારેય નકારી ન શકાય, પણ શિક્ષણની આડઅસરને લીધે વ્યક્તિમાં વ્યાવહારિક ઔપચારિકતા તો આવી જ જાય છે. દિવાળીબહેને સ્કુલનું શિક્ષણ નહોતું લીધું, તેથી તેઓ બનાવટ વિનાના નખશીખ નક્કર રહી શક્યા એવું માનવાનું મન થાય. પોતે ફોકસીંગર છે એવી સભાનતા તો તેમનામાં ક્યારેય રહી જ નથી, તેથી પોતે મહાન ગાયક છે એવો આછોપાતળો અહમ પણ તેમના વ્યક્તિત્વમાં ડોકાતો-પરખાતો નથી. વિશ્વના અનેક દેશોમાં જઇને ગાનારા દિવાળીબહેન જૂનાગઢમાં કોઇ શેરીમાં ગાવા બોલાવે તો એટલી જ સહજતાથી ગાવા જાય. 
તમે ક્યા ક્યા દેશમાં જઇ આવ્યા? એ સવાલનો જવાબ આપતાં દિવાળીબહેન કહે છે કે “હું અમેરિકા ચાર-પાંચ વખત ગઇ છું. એ ઉપરાંત એવા એવા દેશોમાં જઇ આવી છું કે એના નામ પણ મને નથી આવડતા. મને તો ક્યારેક એવું લાગે છે કે સંગીતને બહાને મેં બ્રહ્માંડ ફરી લીધું.”
બ્રહ્માંડ ફરી લીધું પણ ધરી તો જૂનાગઢને જ રાખી. ઘણા કલાકારો નાના શહેરો કે ગામમાંથી આવતા હોય પણ એક વખત સહેજ નામ બને એટલે અમદાવાદ કે મુંબઇ જેવા શહેરોમાં નિવાસસ્થાન બનાવી લે છે. દિવાળીબહેનને જૂનાગઢ જ સોરવતું. 
દિવાળીબહેન ગાયિકા તરીકે ગુજરાતભરમાં પહોંચ્યા એનું ઘણું શ્રેય હેમુ ગઢવીને જાય છે. હેમુભાઇનું નામ પડે એટલે દિવાળીબહેન ખૂબ ગળગળા થઇ જાય છે. તેઓ કહે છે કે, “હું નોરતામાં વણઝારીના ચોકે(જૂનાગઢ) ગરબા ગાવા જતી. એ વખતે મારી ઉંમર 15-16 વર્ષ હશે. ત્યાં હેમુભાઇએ મારો અવાજ સાંભળ્યો. તેમણે પૂછ્યું કે આ કોણ ગાય છે? પછી મારા અવાજમાં ગરબા-ગીતો રેકોર્ડ કર્યા. ત્યાંથી મારી કલાકાર તરીકેની સફર શરૂ થઇ. હેમુભાઇના પ્રતાપે હું અહીં સુધી પહોંચી છું. એ પછી હું આકાશવાણી રાજકોટમાં પણ રેકોર્ડીંગ માટે નિયમિત જતી થઇ હતી.”
કલ્યાણજી-આણંદજી પણ દિવાળીબહેન ભીલના અવાજ પર ઓવારી ગયા હતા. ઉઘડતી કારકીર્દીએ દિવાળીબહેનને મુંબઇમાં કાર્યક્રમો મળે એ માટે તેઓ મદદરૂપ થયા હતા. દિવાળીબહેન કહે છે કે, “હું મુંબઇમાં રેકોર્ડીંગ માટે જતી હતી. હું ત્યાં દયારામ દામોદર મીઠાઇવાલાને ત્યાં રોકાઉં. એક દિવસ કલ્યાણજીભાઇએ ભોજન માટે ઘરે બોલાવી. હું તેમને ઘરે ગઇ પછી તેમણે મારી પાસે ગીતો ગવડાવ્યા. એ પછી મેં જાહેર કાર્યક્રમો આપવાની શરૂઆત કરી. પચાસેક વર્ષ પહેલાની આ વાત હશે.”
હેમુભાઇએ દિવાળીબહેનનું હીર પારખ્યું ને તેમને સ્ટુડિયો સુધી લાવ્યા તો દિવાળીબહેન જાહેર કાર્યક્રમો આપતા થયાં એમાં કલ્યાણજી-આણંદજી પણ નિમિત્ત બન્યા. 
થોડા વખત પહેલા દિવાળીબહેનને કરાંચી-પાકિસ્તાનથી તેડું આવ્યું હતું. કરાંચીના કોઇ મુસ્લિમ બિરાદરે ત્યાં તેમને રમજાન ઇદ નિમિત્તે મુસ્લિમ ગીતો ગાવા માટે આમંત્રણ આપ્યું હતું. દિવાળીબહેને છેલ્લાં કેટલાંક વખતથી કાર્યક્રોમ બંધ કરી દીધા હોવાથી કરાંચી જવાની તેમણે ના પાડી દીધી હતી. 
સાંસ્કૃતિક શંભુમેળા જેવું શહેર જૂનાગઢ તેની ગિરનાર-દાતારી તહેઝીબ માટે જાણીતું છે. ભગા ચારણ અને દાસી જીવણના ભજનો ગાતા દિવાળીબહેન મોહર્રમના મરસિયા અને રમજાનના મુસ્લિમ ગીતો પણ ગાય છે. વાત વાતમાં ગીત સંભળાવે છે...
‘આંગણ માંડવ રોપો બીબી
ઇમામ મારે ઘેર આયે. સજન મેરે ઘર આયે.
હાથો મેં મીંઢોળ બાંધો બીબી
ઇમામ મારે ઘેર આયે. સજન મેરે ઘર આયે.
લીલી તે ઓઢણી ઓઢો બીબી. હાથોં મેં મેંદીયા લગાવો બીબી
ઇમામ મારે ઘેર આયે, સજન મેરે ઘર આયે.

પચાસેક વર્ષ તમે કાર્યક્રમો આપ્યા. અનેક દેશોમાં ફર્યા. આટલાં વર્ષ પછી પાછું વળીને કારકીર્દિને નિહાળો છો ત્યારે શું વિચાર આવે છે? એવો ટિપિકલ પત્રકારી સવાલ પૂછતાં દિવાળીબહેન કહે છે કે, “મને એવા કોઇ વિચાર આવતા જ નથી. ઇશ્વરની દયાથી બસ ગાયા કર્યું.”
વર્ષો પહેલા વણજારીના ચોકમાં જ્યારે ગાતા અને જાણીતા કલાકાર નહોતા બન્યા એ વખતના દિવાળીબહેન અને ઘર ઘેર જાણીતા થઇ ચૂકેલા દિવાળીબહેન બંને એક જ હતા. કબીરની ‘જ્યોં કી ત્યોં ધર દીની ચદરીયા’ની  જેમ દિવાળીબહેને આયખું ઇશ્વરને અકબંધ ધર્યું. સાદગી અને સરળતા તેમના સંગીતના જ નહીં સ્વભાવના પણ મુખ્ય અંગ હતા. ગુજરાત દિવાળીબહેનથી રળિયાત હતું. ગુજરાત તેમના સંગીતનું ઋણી રહેશે.
 - તેજસ વૈદ્ય 







(દિવાળીબહેન ભીલે 19.05.16ના રોજ દેહ છોડ્યો. આ વાર્તાલાપ આજથી છ-આઠ મહિના અગાઉ થયો હતો. દાવો ન થઇ શકે, પણ સંભવતઃ આ તેમનો છેલ્લો ઇન્ટરવ્યૂ હોઇ શકે.)