Wednesday, November 7, 2012

કીસી કીસી કો થમાતા હૈ ચાબીયાં ઘર કી, ખુદા હર એક કો ઘર કા પતા નહીં દેતા




સુર્યભાનુ ગુપ્ત સાથે એક સાંજ


સોનુ ઉપાધ્યાય(લાલ ટીશર્ટ),  સુર્યભાનુ ગુપ્ત(વચ્ચે) અને તેજસ વૈદ્ય



સુર્યભાનુ બોલ રહા હું. આજ શામ કો સાઢે છહ બજે દાદર ઇસ્ટ મેં ગુરૂદ્વારા કે પાસ મીલો. ફીર વહાં સે કહીં ચલેંગે, ઘુમને.


હિન્દી કવિ સુર્યભાનુ ગુપ્તને મળવાની ઇચ્છા ઘણા વખતથી હતી. પાંચ નવેમ્બરે બપોરે તેમને ફોન કર્યો એટલે તરત તેમણે સાંજનો સમય ફાળવી દીધો. એક મુશાયરામાં તેમજ જાવેદ અખ્તરના કાવ્યસંગ્રહ લાવાના લોકાર્પણ વખતે સુર્યભાનુ ગુપ્ત સાથે છૂટક છૂટક મુલાકાત થઇ હતી. જથ્થાબંધ રીતે એટલે કે ફુરસદે મળવાનું બાકી હતું. તેથી ફોન કરીને ફુરસદ ગોઠવી લીધી. હિન્દી સાહિત્યનો રસિક અને પત્રકારમિત્ર સોનુ ઉપાધ્યાય પણ સુર્યભાનુને મળવા ઉત્સુક હતો. સાંજે સાડા છ એ હું અને સોનુ ગુરૂદ્વારા પહોંચ્યા. સુર્યભાનુજી આવ્યા અને અમે ત્રણે ટેક્સી પકડીને કિંગસર્કલ વિસ્તારમાં આવેલા અમ્બા ભુવન કોફીહાઉસમાં પહોંચ્યા. કિંગસર્કલનું વર્ષો જુનૂં કોફીહાઉસ અમ્બાભુવન સુર્યભાનુજીનું વર્ષો પુરાણું ઠેકાણું છે. ચ્હા – નાસ્તો પતાવીને નજિકમાં આવેલા માહેશ્વરી ઉદ્યાનમાં બેઠા. ત્યાંથી ચાલતા ચાલતા વડાલાના ફાઇવ ગાર્ડનમાં ગયા. સાડા ત્રણ કલાક વાતોનો દૌર ચાલ્યો. જમાવટ થઇ ગઇ. વચ્ચે વચ્ચે સુર્યભાનુ ગુપ્તને આગ્રહ કરીએ એટલે પોતાની રચના સંભળાવતા જાય.

શામ ટૂટે હુએ દિલવાંલોં કે ઘર ઢૂંઢતી હૈ,
શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો.

શામ આયેગી તો ઝખમોં કા પતા પૂછેગી.
શામ આયેગી તો તસવીર કોઇ ઢૂંઢેગી,
ઇસ કદર તુમસે બડા હોગા તુમ્હારા સાયા(..વાંચો ભૂતકાળ),
શામ આયેંગી તો પીને કો લહુ માંગેગી.
શામ હર રોજ કહીં ખૂન એ જીગર ઢૂંઢતી હૈ.
શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો.....

યાદ રહે રહે કે કોઇ સિલસિલા આયેગા તુમ્હે(...વાંચો અફેર),
બાર બાર અપની બહોત યાદ દિલાયેગા તુમ્હે,
ના તો જીતે હી ના મરતે હી બનેગા તુમસે,
દર્દ બંસી કી તરહ લેકે બજાયેગા તુમ્હે,
શામ સૂલી ચઢેં લોગોં કી કબર ઢૂંઢતી હૈ.
શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો....

ઘર મેં સહરા કા ગુમાન ઇતના ઝ્યાદા હોગા,
મોમ કે જીસ્મ મેં રોશન કોઇ ધાગા હોગા,
રુહ સે લીપટેગી ઇસ તરહ પુરાની યાદેં,
શામ કે બાદ બહોત ખૂનખરાબા હોગા.
શામ ઝુલસે હુએ પરવાનોં કે પર ઢૂંઢતી હૈ,
શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો....

કહ કહે મારો, હંસો, યાર પુરાને ઢૂંઢો,
શામ મસ્તી મેં કટે ઐસે ઠિકાને ઢૂંઢો,
લગકર અપને હી ગલે રોને સે બહેતર હૈ યહી,
શામ સે બચને કે હર રોજ બહાને ઢૂંઢો. 
શામ નાકામ મોહબ્બત કે ખંડહર ઢૂંઢતી હૈ,
શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો....

કીસી જલસે, કીસી મહેફિલ, કીસી મેલે મેં રહો.
શામ જબ આયે કીસી ભીડ કે રેલે મેં રહો.
શામ કો ભૂલે સે આઓ ન કભી હાથ અપને,
ખુદ કો ઉલજાએ કીસી ઐસે જમેલે મેં રહો,
શામ હર ઘર મેં કોઇ તન્હા બસર(જીવન) ઢૂંઢતી હૈ
ઓન ધ રૅકોર્ડ : શામ કે વક્ત....કાવ્ય સંભળાવી રહેલા સુર્યભાનુ ગુપ્ત
શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો.


સૂર્યભાનુ ગુપ્તની રચનાની વિશેષતા એ છે કે તેઓ વિચારોનું ઊંડાણ સમજી શકાય એવી શૈલીમાં રજૂ કરે છે. વિશાલ ભારદ્વાજ અને સુરેશ વાડકરનો એક સંગીત આલબમ 2010-11માં રજૂ થયો હતો. જેનું ટાઇટલ બરસે બરસેહતું. એ આલબમમાં વિશાલ ભારદ્વાજના કમ્પોઝીશનમાં સુરેશ વાડકરે સુર્યભાનુ ગુપ્તના બે ગીતો ગાયા છે. બરસે બરસે અને તનહાઇ મેં’.  એ આલબમમાં શામ કે વક્ત… ગીત પણ સામેલ થવાનું હતું. પરંતુ છેલ્લી ઘડીએ એનો છેદ ઉડી ગયો હતો.

હવે સુર્યભાનુની રચના પિતાજી કા બચ્ચા વાંચો.

પિતાજી કે દિન હૈં, પિતાજી કી રાતેં
પિતાજી કા મીટ્ઠુ, પિતાજી કી બાતેં.
પિતાજી કે પિત્તે કા કાયલ ઝમાના,
પિતાજી કા લોહા, પિતાજીને માના.
પિતાજી કા જીવન, પિતાજી કા દર્શન,
પિતાજી કા પુસ્તક, પિતાજી કો અર્પન.
પિતાજી કે અંદર પિતાજી પડે હૈ,
પિતાજી કે બાહર, પિતાજી ખડે હૈ.
કરેં યાદ ખુદ હી કો, ઇતના પિતાજી
પિતાજીકો આયે પિતાજી કી હિચકી.
પિતાજી કા બચ્ચે પે એસા અસર હૈ
પિતાજી કી જૂતી, પિતાજી કા સર હૈ. 
(આ રચના સંક્ષેપમાં રજૂ કરી છે)

આત્મ મુગ્ધ પિતા અને પિતામુગ્ધ બાળકની જુગલબંદી પર આ રચના છે. સુર્યભાનુને આવા એક પિતાપુત્રનો ભેટો થયો હતો. જેના પરથી આ રચના બની હતી. આ કાવ્યનું પહેલું પઠન સુર્યભાનુ ગુપ્તે જાવેદ અખ્તરના ઘરે કર્યું હતું. એ વખતે જાવેદ અને હની ઇરાની સાથે રહેતા હતા. આ કાવ્ય સાંભળીને જાવેદ અને હની પેટ પકડીને હસ્યા હતા.  
જાવેદ અખ્તર સાથે સુર્યભાનુજીનો વર્ષો પુરાણો નાતો છે. વર્ષો પહેલાં મલાડમાં એક ઠેકાણે દર અઠવાડીયે કવિ – સાહિત્યરસિકોની મહેફિલ મળતી હતી. જેમાં જાવેદ અખ્તર અને સુર્યભાનુ જતા હતા. ત્યાંથી બંને વચ્ચે દોસ્તી થઇ હતી. હાલમાં જ રજૂ થયેલા જાવેદ અખ્તરના બીજા કાવ્યસંગ્રહ લાવાનું સુર્યભાનુ ગુપ્ત તેમજ સાહિત્યના અન્ય કેટલાક અગ્રણીના હાથે મુંબઇમાં થયું હતું. જાવેદ અખ્તરને સુર્યભાનુની રચનાઓ ખૂબ ગમે છે. લોકાર્પણ વખતે જાવેદ અખ્તરે હસતાં હસતાં કહ્યું હતું મારી હમણાં સુર્યભાનુ સાથે વાત થઇ. મેં તેમને કહ્યું કે જો તેઓ તૈયાર હોય તો હું મારી રચનાઓની તેમની રચનાઓ સાથે અદલાબદલી કરવા તૈયાર છું. નવાઇની વાત એ છે કે સુર્યભાનુ નબળા વેપારી છે. તે આના માટે તૈયાર પણ થઇ ગયા.


જાવેદ અખ્તરના કાવ્યસંગ્રહ 'લાવા'ના લોકર્પણ વખતે સુર્યભાનુ ગુપ્ત સાથે પહેલી મુલાકાત (સ્થળ - ભારતીય વિદ્યા ભવન,ચોપાટી - મુંબઇ. તારીખ 16 જૂન 2012)



જાહેરમાં 'ગુપ્ત'




ગોવિંદ નિહલાનીની ફિલ્મ સંશોધન, આક્રોશ તેમજ ગોડમધર ફિલ્મના ડિરેક્ટર વિનય શુક્લની ફ્લોપ ફિલ્મ કોઇ મેરે દિલ સે પૂછેમાં સુર્યભાનુના ગીતો હતા. ઉપરાંત ફિલ્મ ગોધુલીમાં સુર્યભાનૂની રચનાઓ હતી. વાતચિત દરમ્યાન સુર્યભાનુ કહે છે કે હું પહેલેથી જ એ મામલે સ્પષ્ટ હતો કે મારે ફિલ્મલાઇનમાં ગીતકાર નથી થવું. ફિલ્મો બજાર છે. ત્યાં વેચવું પડે છે.

હમ તો સુરજ હૈં સર્દ મુલ્કોં કે,
મૂડ આતા હૈ તબ નિકલતે હૈં.

ધર્મવીર ભારતી જેના ચિફ એડિયર હતા એ પ્રતિષ્ઠિત હિન્દી સામયિક ધર્મયુગમાં સૌથી વધારે કાવ્યો સુર્યભાનુ ગુપ્તના છપાયા છે. અત્યાર સુધી સુર્યભાનુ ગુપ્તનો માત્ર એક જ કાવ્યસંગ્રહ એક હાથ કી તાલી બહાર પડ્યો છે. બીજા ત્રણેક સંગ્રહ બહાર પડી શકે એટલા કાવ્યો તેમની પાસે લખાયેલા પડ્યા છે. જે વિવિધ હિન્દી સામયિકોમાં છપાયા છે. હવે નવો સંગ્રહ ક્યારે રજૂ થશે ?  એવું પૂછતાં સુર્યભાનુ નિર્લેપતાથી કહે છે કે થશે, જ્યારે થવાનો હશે ત્યારે.


કોણ કહે છે કે એક હાથે તાળી ન પડે ! 



દોસ્ત સોનુ ઉપધ્યાય સાથે સુર્યભાનુ ગુપ્ત

કવિતા તો આજકાલ અનેક લોકો લખે છે. એમાંના ઘણાં કવિઓ સારું  લખે છે. સારા કાવ્યો લખનારા કવિઓની રચનામાં પણ કોઇ કવિની શૈલીની અસર જોવા મળે જ છે. સારા કાવ્યો લખનારા કવિઓમાં પણ એવા ખૂબ ઓછા છે જેમના કાવ્યોમાં મૌલિકતાની મુદ્રાની મહોર હોય. આગવી શૈલી ધરાવતા કવિ ઓછા છે. સુર્યભાનુ આવા ઓછા પૈકીના એક છે. સુર્યભાનુની વિશેષતા એ છે તેમની પોતાની શૈલી છે જે રચનાઓને આગવો અવાજ આપે છે.  
















વાતચિત દરમ્યાન સુર્યભાનુ ગુપ્તે સંભળાવેલી કેટલીક રચનાઓ નીચે  રજૂ કરી છે. તેમના કાવ્યસંગ્રહ એક હાથ કી તાલીમાં સામેલ નથી એવી આ રચનાઓ છે. જે વિવિધ હિન્દી સામયિકોમાં છપાઇ છે. 




ત્રિપદી

છોકરી જ્યારે જવાન થાય અને જવાન થઇ ગઇ છે એવી સભાનતા તેનામાં  આવે ત્યારે તેની જે મનોદશા હોય છે એને વર્ણવતી બે ત્રિપદી જુઓ.

દૂર નખશીખ સે અન્ધેરા હો ગયા,
પોં ફટી આયે નઝર હર બાત મેં,
જીસ્મ મેં ઉસકે સવેરા હો ગયા

----

કીતના છુપતી હૈ, ઔર ઝલકતી હૈ.
બાતેં કરતી હૈ સમ્ભલકર લેકિન
અપની આંખો સે વો છલકતી હૈ 

----

અન્ય કેટલીક ત્રિપદી

શિશિર ઋતુ 

રોજ કછુએ કી તરહ સીમટા હુઆ,
સુબહ રખ જાતી હૈ મેરી જેબ મે,
એક સુરજ બર્ફ મેં લીપટા હુઆ

----

ધુન્દ મેં ધૂપ દિન કી આહટ હૈ,
મેં અંધેરે મેં પડા થા અબ તક
ઉસકા રંગરૂપ દિન કી આહટ હૈ.

----

ધૂપ કે પાસ સે નીકલતી હૈ,
સારી સડકેં મેરે મોહલ્લે કી,
ચાય કે ગ્લાસ સે નીકલતી હૈ.

----

એક વાક્યની આ કવિતા વાંચો.

ફોટોગ્રાફર 

મૈંને લાખોં ઉદાસ ચહેરોં કો મુસ્કુરાને પે કીયા હૈ મજબૂર. 

----

જબ ભી પહેલા પહાડ મીલતા હૈ, 
ઊંટ ગરદન ઝુકા કર રોતે હૈં.
શર્ત યે હૈ જમીન કચ્ચી હો, 
પૈડ હર આદમી મેં હોતે હૈ.

----

પાની જો સો ગયા, આઇના હો ગયા.
સ્યાહી કા દાગ થા, દામન સે વો ગયા.
જો સચ ન કહે શકા, દિવાના હો ગયા.
ઇક મેરા તૈરના, સબ કો ડૂબો ગયા,
મેલા નહીં થા વો, મૈં ફીર ભી ખો ગયા

                           તેજસ વૈદ્ય, મુંબઇ















































Saturday, November 3, 2012

મુંબઇ ટપાલ - 2




અગાઉ મુંબઇ ટપાલ – 1 નામની ફોટોપોસ્ટ બ્લોગના બીછાને મૂકી હતી. મુંબઇ ટપાલ – 2 એની સિક્વલ છે. આ પોસ્ટ મુંબઇ બહારના ગુજરાતીઓને ધ્યાનમાં રાખીને લખું છું. રખડવાની રાજધાની મુંબઇના રંગોને ફરી એક વખત છાપાની બોલીમાં કહીએ તો કચકડે કંડાર્યા છે. 






શશી એન્ડ કંપની

ગિરગામ ચોપાટી પરથી લીધેલો આ ફોટો છે. ઇમારત દેખાય છે એ ચર્ની રોડ સ્ટેશનને પશ્ચિમ પડખે આવેલી સૈફી હોસ્પિટલ છે. શશી એટલે કે ચાંદ અને હોસ્પિટલનું પણ કેટલું સુંદર કોમ્બીનેશન સર્જાઇ શકે છે ! ફોટો થોડો ઝાંખો આવ્યો છે. 10.1 મેગાપિક્સેલ્સના કેમેરાને ચોપાટીથી બેઠા બેઠા ચર્ની રોડ સુધી ઝૂમ કરીએ તો ફોટાને થોડો મોતીયો તો આવી જ જાય ને !




કબૂતરોનું કીડીયારું

દાદરનું કબૂતરખાનું એટલે કબૂતરોનું કીડીયારું. તમે એને કબૂતરોનો કુંભમેળો પણ કહી શકો. કબૂતરખાનામાં જેટલી સંખ્યામાં કબૂતરો ચણ ચણે છે એ જોઇએ તો કબૂતરખાનું એ ખરેખર તો કુતૂહલખાનું જ લાગે. પચાસ કિલોનું એક બાચકું એવા રોજના સરેરાશ એંશી બાચકા જુવાર કબૂતરો રોજ અહીં ચણી જાય છે. રોજ 1300 જેટલા લોકો ત્યાં ચણ નાખે છે. દાદરનું કબૂતરખાનું 100 કરતાં વધારે વર્ષ જુનૂં છે. મજાની  વાત એ છે કે વલમજી રતનશી વોરા તેમજ બેચરદાસ સંઘવી નામના ગુજરાતીઓએ કબૂતરખાનું શરૂ કર્યું હતું. ત્યારથી લઇને આજ સુધી તેનું સંચાલન ગુજરાતીઓ જ કરતા આવ્યા છે.



ચોપાટીના ચકરડા














ચાલો પગથીયે બેસવા

હું સાંજે જ્યારે પણ તળ મુંબઇ હોઉં અને એશીયાટિક લાઇબ્રેરી પાસેથી પસાર થાઉં એટલે એના પગથિયે પંદર – વીસ મિનિટ બેઠવાનો આ ગ્રંથાગાર અને મારી વચ્ચે કરાર છે. એશીયાટિકને આંગણે બેઠવાની બહુ મજા પડે. સાંજે ત્યાં મહેફિલના ઝૂમખા મંડાયા હોય છે. કેટલાક યુવા ગૃપમાં વાતોની તડાફડી ફોડતા હોય તો કેટલાક એકલા એકલા બેઠા હોય છે. પરિક્ષાના દિવસોમાં તો કેટલાય લોકો વાંચવા માટે એશીયાટિક લાઇબ્રેરીના પગથીયે આવે છે. હિન્દી ફિલ્મોમાં અદાલત તરીકે એશીયાટિક લાઇબ્રેરીનો એટલો ઉપયોગ થયો છે કે મુંબઇ બહારથી આવતા કેટલાક લોકો એવી રીતે નિહાળતા હોય છે જાણે હમણાં કોઇ ચુકાદો બહાર પડશે.





શાંતારામ ચાલ



















આ બંને તસવીરો તળ મુંબઇના ગિરગામ ઇલાકામાં મુગભાટ લેન પાસે આવેલી શાંતારામ ચાલની છે. સેપીયા ટોનમાં જે તસવીર છે એમાં ગાંધીજી, લોકમાન્ય ટિળક, મોહમ્મદ અલી જીણા, મૌલાના શૌકત અલી મોહમ્મદ, મોતીલાલ નહેરૂ, મદન મોહન માલવીયા, બિપીનચન્દ્ર પાલ, બી.જી.હૉર્નિમાન વગેરે રાજનેતા છે. ગાંધીજી કાઠિયાવાડી પોશાકમાં સભા સંબોધીત કરતા ઊભા છે. એ તસવીરની ચોક્કસ સાલ નથી મળતી પણ બનતા સુધી 1900થી 1920 વચ્ચેની છે. બાજુની તસવીર એ જ ચાલની અત્યારની તસવીર છે. શાંતારામ ચાલમાં ગાંધીજીએ થોડી સભાઓ યોજી હતી.* આઝાદીની લડત વખતે ભાગ્યેજ એવો નેતા હશે જે શાંતારામ ચાલમાં ન આવ્યો હોય. સામયિક અભિયાન માટે ગાંધીજી અને મુંબઇના સંભારણા વિષે લેખ કરવા શાંતારામ ચાલમાં ગયો હતો ત્યારે ચાલમાં રહેતા એક વડીલે ગાંધીજીની સભાવાળો આ દુર્લભ ફોટો મને આપ્યો હતો. મણીભુવન અને ઑગષ્ટ ક્રાન્તિ મેદાન સિવાય પણ મુંબઇ સાથે ગાંધીજીના ઘણા સંભારણા છે. પરંતુ લોકોને એ બે સ્થળો સિવાય ઝાઝી ખબર નથી. મુંબઇમાં ડઝનક એવા સ્થળો છે જ્યાં ગાંધીજીએ સભાઓ કરી હતી કે રહ્યા હતા. ઉપરાંત મુંબઇના રેડલાઇટ વિસ્તાર કામાઠીપુરી માંડીને વાલપખાડી ઇલાકાના હરિજનવાસ જેવા ઇલાકાઓમાં પણ ગાંધીજીએ સભાઓ કરી હતી. ગાંધીજીના સંભારણાવાળા આ ઇલાકાઓને સાંકળીને એક સરકીટ ટુરીઝમ કરીને મહારાષ્ટ્રની રાજ્યસરકાર ઘણા પૈસા કમાઇ શકે એમ છે. પણ મરાઠીઓને જેટલો શિવાજીમાં રસ છે એટલો ગાંધીજીમાં નથી.
એક રસપ્રદ વાત એ પણ છે કે મરાઠી કવિ મંગેશ પાડગાંવકર પણ શાંતારામ ચાલમાં રહ્યા હતા.

*શાંતારામ ચાલમાં ગાંધીજીની સભાઓ

16 જૂન, 1918 – મુંબઇ હોમરૂલ લીગના આશ્રયે જાહેરસભામાં પ્રમુખપદે ગાંધીજી.
31 જૂન, 1919 – સર વેલેન્ટાઇન શિરોલ સામે લોકમાન્ય ટિળકે માંડેલા દાવામાં એમને થયેલા ખર્ચમાં મદદ કરવા માટેની સભામાં પ્રમુખપદે ગાંધીજી.
20 જૂન, 1921 – વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ
આ સિવાય પણ ગાંધીજી શાંતારામની ચાલીમાં આવતા – જતા રહ્યા છે
(સંદર્ભ પુસ્તક – ગાંધીજીની દિનવારી, ચંદુલાલ ભગુભાઇ દલાલ)


કોલાબાની રીવર્સ – ફોરવર્ડ ગલી

હું જ્યારે હોટેલ તાજ પાછળની કોલાબાની ગલીમાં રખડવા જાઉં ત્યારે થાય કે કોલાબાની આ ગલીને વર્તમાન સાથે કોઇ લેવાદેવા નથી. ત્યાં એટલા ફેશનેબલ કપડાં મળે છે કે ફેશનની બાબતમાં કોલાબાની આ ગલી એડવાન્સ લાગે. વળી, ત્યાં એન્ટિક ચીજવસ્તુઓની પણ વણઝાર  છે. ત્યાં વેચાતી એન્ટિક ચીજવસ્તુઓની બાબતમાં એ ગલી એક સદી પાછળ છે. વર્તમાનને ગુપચાવી ગયેલી રીવર્સ – ફોરવર્ડ ગલી.




દીવાબત્તીટાણું
બોરીવલી રેલવે સ્ટેશનના સ્કાયવોક પરથી લીધેલા આ ફોટો છે. સૂરજ માંડ આથમ્યો કે દુકાનદારોએ બત્તીઓ સળગાવી દીધી અને રસ્તા પર રોશનીનો ધોધ છૂટી પડ્યો.






ઑગષ્ટ ક્રાન્તિ મેદાન

1942માં કરેંગે યા મરેંગેના નારા સાથે ગાંધીજીએ અંગ્રેજો સામે હિન્દ છોડોની હાકલ કરી હતી એ ઑગષ્ટ ક્રાન્તિ મેદાનની બહાર સુધરાઇએ એક ઇન્ટરેસ્ટીંગ પાટીયું મૂક્યું છે. જેમાં લખ્યું છે કે મેદાનમાં જુગાર રમવો નહીં, ઊંઘવું નહીં, હોકી – ક્રિકેટ – કબડ્ડી કે ફૂટબોલ રમવું નહીં. સાઇકલ ફેરવવી નહીં, કપડાં ધોવા કે સૂકવવા નહીં. મસાજની મનાઇ છે. ગોવાલિયા ટેન્ક પાસે આવેલા ઑગષ્ટ ક્રાન્તિ મેદાનમાં ગાંધીજીએ જ્યારે કરેંગે યા મરેંગે કહ્યું હશે ત્યારે તેમને અંદાજ પણ નહીં હોય કે લોકો ભવીષ્યમાં અહીં કેટકેટલી પ્રવૃત્તિ કરશે.





પાણીદાર ભિસ્તીઓ

તળ મુંબઇ અને  ઉપનગરીય મુંબઇ એ એક જ શહેરના વિવિધતા અને વિષમતા ભરેલા બે છેડા છે. તળમુંબઇમાં આજે પણ મશકમાં પાણી ભરીને દુકાનદારોને પાણી પહોંચાડતા ભિસ્તીઓ જોવા મળે છે.




                                     તેજસ વૈદ્ય, મુંબઇ                               




Tuesday, October 16, 2012

અપને અપને અજનબી




નસીરૂદ્દીન શાહ અને બેન્જામીન ગિલાનીએ શરૂ કરેલા મોટ્લિ થીએટર ગૃપની 30 વર્ષની ઉજવણી નિમિત્તે તેમને મુંબઇમાં એઅનસીપીએ(નેશનલ સેન્ટર ફોર પરફોર્મીંગ આર્ટ્સ)માં મળવાનું થયું હતું. એક ન્યુઝ ચેનલના રિપોર્ટર તરીકે નસીરૂદ્દીન શાહનો નાનો ઇન્ટરવ્યુ લીધો હતો. જેમાં તેમણે એક વાત ભારપૂર્વક કહી હતી કે હું નાટક એટલા માટે કરું છું કે એ બહાને મને લોકોને મળવું ગમે છે. નાટકના માધ્યમથી હું લોકો સાથે વાત કરું છું, સંવાદ સાધુ છું. આજકાલ લોકો પોતાના જીવનમાં એટલા વ્યસ્ત છે કે એકબીજા માટે કોઇને સમય નથી. મોબાઇલના એક કૉલથી પતતું હોય તો લોકો મળવા આવતા નથી.

-----

બાંદરામાં રહેતી વંદના શાહ ડિવોર્સ કાઉન્સેલર છે અને લૉયર છે. તેનું લગ્નજીવન બે વર્ષ ચાલ્યું હતું અને છૂટાછેડાનો કેસ દશ વર્ષ ચાલ્યો હતો. વંદના શાહ છૂટાછેડાને લગતું માસિક ન્યુઝલેટર એક્સ ફાઇલ્સ ચલાવે છે. કરીઅરમાં તેણે 1500 જેટલા છૂટાછેડાના કેસમાં કાઉન્સેલીંગ કર્યું છે. એક મેગેઝિનના રીપોર્ટર તરીકે તેને મળ્યો હતો. તેણે કહ્યું હતું કે છેલ્લા દશ વર્ષમાં મુંબઇ અને થાણેની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસમાં ચાર ગણો વધારો થયો છે. થાણે અને મુંબઇમાં રોજના 400 જેટલા છૂટાછેડાના કેસ ફેમિલી કોર્ટમાં ફાઇલ થાય છે. મારી પાસે કેટલાક કેસ એવા આવે છે જેમાં પતિ કે પત્નિને કાઉન્સેલીંગ કે ગાઇડન્સની કોઇ જરૂર જ નથી હોતી. તેમને એક શ્રોતાની જરૂર હોય છે જે તેમની વાત સાંભળે. એ રીતે છૂટાછેડાના કેટલાક કેસ મેં માત્ર શ્રોતા બનીને ઉકેલ્યા છે.

-----

મૂળે વાત એમ છે કે માણસને વાત કરવા જોઇએ છે. માણસ પર ગમે એટલું દુઃખ ડાઉનલોડ થયું હોય કે એકલતાના એફિલ ટાવર પર તે જીવતો હોય પણ તેને જો વાત કરવા માટે યોગ્ય વ્યક્તિ મળી જાય તો દુઃખો આપોઆપ હળવા થઇ જાય છે. માણસ પાસે લખલૂંટ સંપત્તિ હોય કે સત્તા હોય પરંતુ તેને સાંભળે એવી કોઇ વ્યક્તિ તેની નજિક નહીં હોય તો એ પોતાની જાતને એકલી જ મહેસૂસ કરશે. સંપત્તિ કે સત્તા તેના એકલવાયાપણાને દૂર નહીં કરી શકે.
મુંબઇમાં આત્મહત્યા કરતા લોકોને અટકાવવા માટેની ત્રણેક હેલ્પલાઇન ચાલે છે. જેમાં પડતું મૂકવાને છેલ્લે પગલે પહોંચી ગયેલા કે વખ ઘોળીને હોઠ સુધી લઇ ગયેલા લોકો છેલ્લી ઘડીએ આવી હેલ્પલાઇનને કૉલ કરી શકે છે. હેલ્પલાઇનવાળા તેની તકલીફ સાંભળે છે અને હુંફાળું આશ્વાસન આપે છે. છએક મહિના પહેલા એક આર્ટીકલ સંદર્ભે આસરા નામની આવી હેલ્પલાઇનના ડિરેક્ટર જોન્સન થોમસ સાથે વાત થઇ હતી. તેમણે કહ્યું હતું કે અમને રોજ પંદરથી વીસ ફોનકૉલ્સ આવે છે. કેટલાય લોકો ફોન પર વાત કર્યા પછી મરવાનો વિચાર માંડી વાળે છે. મતલબ કે આત્મહત્યા માટે કટિબદ્ધ વ્યક્તિ જો છેલ્લી ઘડીએ કોઇની સાથે વાત કરી લે તો આત્મઘાતી પગલું ભરવાના તેના ચાન્સીસ ઘટી જાય છે. બાત કરને સે બાત તો બનતી હી હૈ, કભી કભાર જીંદગી ભી સંભલતી હૈ.

ટીવી સિરિયલો જ્યારે ડેઇલી સોપના નામે રોજીંદો ત્રાસ વર્તાવતી નહોતી ત્યારે ગામમાં મહિલાઓ ઓટલે બેઠીને ચોવટ કરતી હતી. ઓટલાપ્રથા ખૂબ વગોવાયેલી પરંપરા છે પણ અત્યારે મને એમ લાગે છે કે એ ખૂબ સારી વ્યવસ્થા હતી. કારણકે, એ બહાને મહિલાઓ મળતી હતી અને વાતો કરતી હતી. એ મહિલાઓના જીવનની ઘણી મુસીબતો ઓટલે જ હલ થઇ જતી હતી. એવી જ રીતે પાનના ગલ્લે સાંજે લોકો એકઠા થતા અને વાતમેળો લાગતો. ગામમાં આ પરંપરા હજીય છે. પાન તો નિમિત્ત હોય છે પણ એ બહાને લોકો મળે છે અને વાતો કરે છે. હું જ્યારે ગામમાં રહેતો હતો ત્યારે શહેરના મારા એક સંબંધી ગામ આવતા ત્યારે મને કહેતા કે તમારા ગામમાં લોકો પાનના ગલ્લે પણ કેટલો સમય વેડફે છે ! એ વખતે મને તેમની વાત સાચી પણ લાગતી હતી. પરંતુ હવે એમ થાય છે કે લોકો એકલા એકલા મનોમન ધુંધવાઇને ગળેફાંસો ખાઇ લે એના કરતાં ગલોફે પાન ભરાવીને કલાક ગપાટા મારે એ તનદુરસ્ત બાબત છે. મહિલાઓ ઓટલે મંડાઇને તારી, મારી ને માધવની લપેટે એ સામાજિક સ્વસ્થતા માટે સારી બાબત છે. બ્લૉગ, ફેસબૂક કે ટ્વિટર એ શું છે ? મારે તમારી સાથે વાત કરવી છે એનો જ મંચ છે ને ! ઘરની બહારનો ઓટલો ઘરના કોમ્યુટરમાં ઘુસી જાય ત્યારે એ ફેસબૂક કાં ટ્વિટર કહેવાય છે.

શહેરોની મર્યાદા એ છે કે લોકો પોતાની દુનિયામાં મસ્ત ઓછા અને વ્યસ્ત વધારે હોય છે. શહેરો જેમ વિસ્તરે છે એમ વધુ વિકરાળ થતા જાય છે. મુંબઇમાં દહીંસરથી સવારે હકડેઠઠ મેદનીથી છલોછલ લોકલમાં ટીંગાતો માણસ કલાક સવાકલાકે ચર્ચગેટ પહોંચે ત્યારે તેના અડધોઅડધ કિલોમીટર પતી ગયા હોય છે. સાંજે પાછી એ જ ટીંગાવાની રામાયણ રીપીટ કરવાની હોય છે. અમદાવાદ જેવા શહેરમાં કાલુપુરમાં રહેતો માણસ બે કે ત્રણ વાહન બદલીને સેટેલાઇટ વિસ્તારમાં નોકરી માટે પહોંચે ત્યાં સુધીમાં તેની ગ્રહદશા બદલાઇ જાય છે. માણસ પોતાનામાં જ એટલો વ્યસ્ત હોય છે કે એની દયા ખાવી રહી. આ તમામ પરિબળો વચ્ચેય માણસને વાતની ભૂખ હોય છે. તેને વાત કરવી હોય છે. તેને એમ થાય છે કે મને કોઇ સાંભળે. પરંતુ બધા પોતપોતાની દુનિયામાં એટલા વ્યસ્ત હોય છે કે બીજા માટે સમય નથી હોતો. મુંબઇની લોકલ ટ્રેનોમાં મેં ઘણી વખત એકલા બબડતા માણસો જોયા છે. એ દ્રશ્ય જયારે પણ જોયું છે ત્યારે મને એમ લાગ્યું છે કે કોઇ કલાકાર લોકલ ટ્રેનમાં એકપાત્રીય અભિનય કરી રહ્યો છે અને દર્શકો તેના પર ધ્યાન જ નથી આપતા.

માણસની વાત કરવાની ભૂખ જ્યારે સંતોષાતી નથી ત્યારે અંદરોઅંદર ધરબાયેલી વણકહેલી વાતોનું કુપોષણ ક્યારેક આત્મહત્યામાં પરીણમે છે. તેથી હમખયાલ લોકોને મળવું, મળતાં રહેવું. એ જીમમાં જઇને કસરત કરવા જેવી તબીયતવાળી ઘટના છે. કોઇ સામેથી ન બોલાવે તો તમારે બોલાવવું. તો મહેરબાનો, ખવાતીનોં, હઝરાત, દેવીઓ ઔર સજ્જનો બોલો ક્યાં મળો છો ? પૃથ્વી થીએટર પર, જહાંગીર આર્ટ ગેલેરીને અડોઅડ 'સમોવર' રેસ્ટોરામાં, એશિયાટિક લાઇબ્રેરીના પગથિયે, મેટ્રો સિનેમા પાસેની ઇરાની રેસ્ટોરાં 'ક્યાની'માં કે પછી મારા કે તમારા ઘરે ?  બોલો.

તેજસ વૈદ્ય, મુંબઇ