Saturday, November 3, 2012

મુંબઇ ટપાલ - 2




અગાઉ મુંબઇ ટપાલ – 1 નામની ફોટોપોસ્ટ બ્લોગના બીછાને મૂકી હતી. મુંબઇ ટપાલ – 2 એની સિક્વલ છે. આ પોસ્ટ મુંબઇ બહારના ગુજરાતીઓને ધ્યાનમાં રાખીને લખું છું. રખડવાની રાજધાની મુંબઇના રંગોને ફરી એક વખત છાપાની બોલીમાં કહીએ તો કચકડે કંડાર્યા છે. 






શશી એન્ડ કંપની

ગિરગામ ચોપાટી પરથી લીધેલો આ ફોટો છે. ઇમારત દેખાય છે એ ચર્ની રોડ સ્ટેશનને પશ્ચિમ પડખે આવેલી સૈફી હોસ્પિટલ છે. શશી એટલે કે ચાંદ અને હોસ્પિટલનું પણ કેટલું સુંદર કોમ્બીનેશન સર્જાઇ શકે છે ! ફોટો થોડો ઝાંખો આવ્યો છે. 10.1 મેગાપિક્સેલ્સના કેમેરાને ચોપાટીથી બેઠા બેઠા ચર્ની રોડ સુધી ઝૂમ કરીએ તો ફોટાને થોડો મોતીયો તો આવી જ જાય ને !




કબૂતરોનું કીડીયારું

દાદરનું કબૂતરખાનું એટલે કબૂતરોનું કીડીયારું. તમે એને કબૂતરોનો કુંભમેળો પણ કહી શકો. કબૂતરખાનામાં જેટલી સંખ્યામાં કબૂતરો ચણ ચણે છે એ જોઇએ તો કબૂતરખાનું એ ખરેખર તો કુતૂહલખાનું જ લાગે. પચાસ કિલોનું એક બાચકું એવા રોજના સરેરાશ એંશી બાચકા જુવાર કબૂતરો રોજ અહીં ચણી જાય છે. રોજ 1300 જેટલા લોકો ત્યાં ચણ નાખે છે. દાદરનું કબૂતરખાનું 100 કરતાં વધારે વર્ષ જુનૂં છે. મજાની  વાત એ છે કે વલમજી રતનશી વોરા તેમજ બેચરદાસ સંઘવી નામના ગુજરાતીઓએ કબૂતરખાનું શરૂ કર્યું હતું. ત્યારથી લઇને આજ સુધી તેનું સંચાલન ગુજરાતીઓ જ કરતા આવ્યા છે.



ચોપાટીના ચકરડા














ચાલો પગથીયે બેસવા

હું સાંજે જ્યારે પણ તળ મુંબઇ હોઉં અને એશીયાટિક લાઇબ્રેરી પાસેથી પસાર થાઉં એટલે એના પગથિયે પંદર – વીસ મિનિટ બેઠવાનો આ ગ્રંથાગાર અને મારી વચ્ચે કરાર છે. એશીયાટિકને આંગણે બેઠવાની બહુ મજા પડે. સાંજે ત્યાં મહેફિલના ઝૂમખા મંડાયા હોય છે. કેટલાક યુવા ગૃપમાં વાતોની તડાફડી ફોડતા હોય તો કેટલાક એકલા એકલા બેઠા હોય છે. પરિક્ષાના દિવસોમાં તો કેટલાય લોકો વાંચવા માટે એશીયાટિક લાઇબ્રેરીના પગથીયે આવે છે. હિન્દી ફિલ્મોમાં અદાલત તરીકે એશીયાટિક લાઇબ્રેરીનો એટલો ઉપયોગ થયો છે કે મુંબઇ બહારથી આવતા કેટલાક લોકો એવી રીતે નિહાળતા હોય છે જાણે હમણાં કોઇ ચુકાદો બહાર પડશે.





શાંતારામ ચાલ



















આ બંને તસવીરો તળ મુંબઇના ગિરગામ ઇલાકામાં મુગભાટ લેન પાસે આવેલી શાંતારામ ચાલની છે. સેપીયા ટોનમાં જે તસવીર છે એમાં ગાંધીજી, લોકમાન્ય ટિળક, મોહમ્મદ અલી જીણા, મૌલાના શૌકત અલી મોહમ્મદ, મોતીલાલ નહેરૂ, મદન મોહન માલવીયા, બિપીનચન્દ્ર પાલ, બી.જી.હૉર્નિમાન વગેરે રાજનેતા છે. ગાંધીજી કાઠિયાવાડી પોશાકમાં સભા સંબોધીત કરતા ઊભા છે. એ તસવીરની ચોક્કસ સાલ નથી મળતી પણ બનતા સુધી 1900થી 1920 વચ્ચેની છે. બાજુની તસવીર એ જ ચાલની અત્યારની તસવીર છે. શાંતારામ ચાલમાં ગાંધીજીએ થોડી સભાઓ યોજી હતી.* આઝાદીની લડત વખતે ભાગ્યેજ એવો નેતા હશે જે શાંતારામ ચાલમાં ન આવ્યો હોય. સામયિક અભિયાન માટે ગાંધીજી અને મુંબઇના સંભારણા વિષે લેખ કરવા શાંતારામ ચાલમાં ગયો હતો ત્યારે ચાલમાં રહેતા એક વડીલે ગાંધીજીની સભાવાળો આ દુર્લભ ફોટો મને આપ્યો હતો. મણીભુવન અને ઑગષ્ટ ક્રાન્તિ મેદાન સિવાય પણ મુંબઇ સાથે ગાંધીજીના ઘણા સંભારણા છે. પરંતુ લોકોને એ બે સ્થળો સિવાય ઝાઝી ખબર નથી. મુંબઇમાં ડઝનક એવા સ્થળો છે જ્યાં ગાંધીજીએ સભાઓ કરી હતી કે રહ્યા હતા. ઉપરાંત મુંબઇના રેડલાઇટ વિસ્તાર કામાઠીપુરી માંડીને વાલપખાડી ઇલાકાના હરિજનવાસ જેવા ઇલાકાઓમાં પણ ગાંધીજીએ સભાઓ કરી હતી. ગાંધીજીના સંભારણાવાળા આ ઇલાકાઓને સાંકળીને એક સરકીટ ટુરીઝમ કરીને મહારાષ્ટ્રની રાજ્યસરકાર ઘણા પૈસા કમાઇ શકે એમ છે. પણ મરાઠીઓને જેટલો શિવાજીમાં રસ છે એટલો ગાંધીજીમાં નથી.
એક રસપ્રદ વાત એ પણ છે કે મરાઠી કવિ મંગેશ પાડગાંવકર પણ શાંતારામ ચાલમાં રહ્યા હતા.

*શાંતારામ ચાલમાં ગાંધીજીની સભાઓ

16 જૂન, 1918 – મુંબઇ હોમરૂલ લીગના આશ્રયે જાહેરસભામાં પ્રમુખપદે ગાંધીજી.
31 જૂન, 1919 – સર વેલેન્ટાઇન શિરોલ સામે લોકમાન્ય ટિળકે માંડેલા દાવામાં એમને થયેલા ખર્ચમાં મદદ કરવા માટેની સભામાં પ્રમુખપદે ગાંધીજી.
20 જૂન, 1921 – વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ
આ સિવાય પણ ગાંધીજી શાંતારામની ચાલીમાં આવતા – જતા રહ્યા છે
(સંદર્ભ પુસ્તક – ગાંધીજીની દિનવારી, ચંદુલાલ ભગુભાઇ દલાલ)


કોલાબાની રીવર્સ – ફોરવર્ડ ગલી

હું જ્યારે હોટેલ તાજ પાછળની કોલાબાની ગલીમાં રખડવા જાઉં ત્યારે થાય કે કોલાબાની આ ગલીને વર્તમાન સાથે કોઇ લેવાદેવા નથી. ત્યાં એટલા ફેશનેબલ કપડાં મળે છે કે ફેશનની બાબતમાં કોલાબાની આ ગલી એડવાન્સ લાગે. વળી, ત્યાં એન્ટિક ચીજવસ્તુઓની પણ વણઝાર  છે. ત્યાં વેચાતી એન્ટિક ચીજવસ્તુઓની બાબતમાં એ ગલી એક સદી પાછળ છે. વર્તમાનને ગુપચાવી ગયેલી રીવર્સ – ફોરવર્ડ ગલી.




દીવાબત્તીટાણું
બોરીવલી રેલવે સ્ટેશનના સ્કાયવોક પરથી લીધેલા આ ફોટો છે. સૂરજ માંડ આથમ્યો કે દુકાનદારોએ બત્તીઓ સળગાવી દીધી અને રસ્તા પર રોશનીનો ધોધ છૂટી પડ્યો.






ઑગષ્ટ ક્રાન્તિ મેદાન

1942માં કરેંગે યા મરેંગેના નારા સાથે ગાંધીજીએ અંગ્રેજો સામે હિન્દ છોડોની હાકલ કરી હતી એ ઑગષ્ટ ક્રાન્તિ મેદાનની બહાર સુધરાઇએ એક ઇન્ટરેસ્ટીંગ પાટીયું મૂક્યું છે. જેમાં લખ્યું છે કે મેદાનમાં જુગાર રમવો નહીં, ઊંઘવું નહીં, હોકી – ક્રિકેટ – કબડ્ડી કે ફૂટબોલ રમવું નહીં. સાઇકલ ફેરવવી નહીં, કપડાં ધોવા કે સૂકવવા નહીં. મસાજની મનાઇ છે. ગોવાલિયા ટેન્ક પાસે આવેલા ઑગષ્ટ ક્રાન્તિ મેદાનમાં ગાંધીજીએ જ્યારે કરેંગે યા મરેંગે કહ્યું હશે ત્યારે તેમને અંદાજ પણ નહીં હોય કે લોકો ભવીષ્યમાં અહીં કેટકેટલી પ્રવૃત્તિ કરશે.





પાણીદાર ભિસ્તીઓ

તળ મુંબઇ અને  ઉપનગરીય મુંબઇ એ એક જ શહેરના વિવિધતા અને વિષમતા ભરેલા બે છેડા છે. તળમુંબઇમાં આજે પણ મશકમાં પાણી ભરીને દુકાનદારોને પાણી પહોંચાડતા ભિસ્તીઓ જોવા મળે છે.




                                     તેજસ વૈદ્ય, મુંબઇ                               




No comments:

Post a Comment