Sandesh - Ardh Saptahik Purti - 16 September 2015
છપ્પનવખારી : તેજસ વૈદ્ય
છપ્પનવખારી : તેજસ વૈદ્ય
જન્માષ્ટમી થોડા દિવસ પહેલાં ગઈ હવે સોમવારે રાધાષ્ટમી છે. કૃષ્ણાષ્ટમી તો આપણે ધામધૂમથી ઊજવીએ છીએ, પણ રાધાષ્ટમી વિશે લોકોને ભાગ્યે જ ખબર હોય છે. કૃષ્ણને લીલાપુરુષ કે પૂર્ણપુરુષોત્તમનું બિરુદ મળ્યું ન હોત,જો તેમના જીવનમાં રાધા ન હોત. જ્યાં માયાને અવકાશ નથી એવી સુખ અને દુઃખથી પર એવી દશા એટલે સ્થિતપ્રજ્ઞા અવસ્થા. રાધા એવી સ્ત્રી હતી કે સુખ-દુઃખને સમભાવથી જોતાં દેવને પણ પોતાની માયાના બંધનમાં બાંધી દીધા હતા. રાધાષ્ટમી નિમિત્તે યાદ કરીએ રાધારાનીને...
કોઈ રાધે... રાધે કહે એટલે સાંભળનારને લાગે કે રાધે માએ વળી કંઈક નવું ડીંડક તો નથી કર્યુંને!? રાધા કરતાં રાધે મા વધુ ચર્ચામાં રહે એટલે મનમાં મર્કટી જાગે કે ખરેખર કળિયુગ બેસી ગ્યો છે!
ખેર, આપણે બરસાનાનાં રાધારાનીની વાત પર આવીએ. પ્રેમલક્ષણા ભક્તિના ગોવર્ધન શિખરની ટોચ એટલે રાધા. કૃષ્ણના પ્રેમની અવિરત ધારા એટલે રાધા. રાધા અને કૃષ્ણને કવિઓ, કથાકારો, ચિત્રકારો સહિત સૌ કોઈએ ખૂબ લાડ લડાવ્યા છે. કૃષ્ણ ભલે પૂર્ણ પુરુષોત્તમ કહેવાતા હોય, પણ બંનેમાં રાધાકૃષ્ણ તરીકે પહેલું નામ રાધાનું લેવાય છે. કૃષ્ણને આઠ પટરાણીઓ હતી, પણ મંદિરો રાધાકૃષ્ણનાં જ વધુ બન્યાં છે.
જગતમાં કઈ દીવાર પર લખ્યું છે કે વિખૂટા પડવું પ્રેમની ગરિમાને ઝાંખી કરે છે?
મીરાં સમર્પણ ભક્તિનું સ્વરૂપ છે અને રાધા પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ છે. મીરાં માટે કૃષ્ણ દેવ છે. રાધા માટે કૃષ્ણ દેવ કરતાં દોસ્ત વધુ છે. કૃષ્ણે લગ્ન ભલે રાધા સાથે ન કર્યાં પણ રાધા સાથેનો પ્રેમ અમર થઈ ગયો. એક ચર્ચા એવી પણ છે કે રાધા અને કૃષ્ણ વચ્ચે પ્રેમ તો થયો, પણ બંને પરણી ન શક્યાં! ત્યારે કહેવાનું મન થાય કે અગત્યની બાબત પ્રેમ હોય છે. પ્રેમ એક અનુભૂતિ છે. લગ્ન એક વ્યવસ્થા છે. લગ્ન એક ઉત્તમ વ્યવસ્થા છે એમાં કોઈ બેમત નથી, પણ લોકો એને પ્રેમનું પ્રમાણપત્ર માની લે એ વાત બેબુનિયાદ છે. જો લગ્ન થયાં તો પ્રેમ મળ્યો કે પ્રેમ સફળ થયો અને બે જણા પરણી ન શક્યાં તો પ્રેમ નંદવાઈ ગયો! પ્રેમ પોતાનામાં જ પૂર્ણસ્વરૂપ છે. એ પોતાનાથી વધુ કાંઈ આપતો નથી અને કાંઈ લેતો નથી. અગત્યની બાબત પ્રેમની છાલક છે. કોઈ યુવક-યુવતી ઊંધેકાંધ પ્રેમમાં હોય અને પછી સંજોગોની બલિહારીએ બંને અલગ થઈ જાય તોપણ પેલી અનુભૂતિની જડીબુટ્ટી તો બંનેની સાથે આજીવન રહે છે. એ જડીબુટ્ટી જ જીવનની કસ્તૂરી હોય છે. યાદોના દાબડામાંથી એની જે સુવાસ નીતરતી રહે એને જીવનભર અત્તરની જેમ સૂંઘ્યા કરો એ પ્રેમની અને જીવનની સાર્થકતા છે, તેથી રાધા અને કૃષ્ણના પ્રેમને એ રીત જ નિહાળવો જોઈએ. બંને પરણી ન શક્યાં એ અલગ વાત છે, પણ આજીવન બંને એકબીજાને યાદ કરતાં રહ્યાં હતાં. જગતમાં ક્યાંય એવું નથી લખ્યું કે વિખૂટાપણું પ્રેમની ગરિમાને ઝાંખી કરે છે. બે કિનારા ભલે અલગ હોય, પણ તેમની વચ્ચે નદી તો વહે છેને. વિખૂટા પડેલાં પ્રેમી જો એકલતાના બે કિનારા હોય તો એ કિનારા વચ્ચે વહેતી નદી એ પ્રેમ છે અને નદી વગર કોઈ કિનારા નથી હોતા.
દક્ષિણના એક સાહિત્યમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે કૃષ્ણ અને રાધાનાં બાળપણમાં લગ્ન થયાં હતાં. બ્રહ્માએ તેમનાં લગ્ન કરાવ્યાં હતાં.
એક મત એવું પણ કહે છે કે પ્રેમ ક્યારેય કોઈ શરત કે બંધનને આધીન નથી હોતો એ ભાવનાને જાળવી રાખવા બંનેએ લગ્ન કર્યાં નહોતાં. લોકો ભલે લગ્ન વિનાના પ્રેમસંબંધને સ્વીકારવામાં ખચકાતા હોય, પણ મંદિરમાં તો રાધાકૃષ્ણ સાથે જ હોય છે અને તેમને નમન કરવામાં આવે છે. મણિપુરના વૈષ્ણવ રાધા વિનાના કૃષ્ણની પૂજા નથી કરતા.
સ્ત્રીના મનોભાવને સૌથી વધુ માફક આવે એવો દેવ કૃષ્ણ
આપણે ત્યાં દેવ તો ઘણાં થયા છે, પણ સ્ત્રીના મનોભાવને સૌથી વધુ માફક આવે એવો દેવ તો કૃષ્ણ જ છે. રામ મર્યાદાપુરુષોત્તમ છે. તેમને પૂજી શકાય, ચાહવા કઠિન છે. રામ સાથે નટખટ વર્તનની કલ્પના કરવી અઘરી છે. શંકર તો સ્મશાનના દેવ છે. એ અવધૂત છે, તેથી તેમને તો વંદન જ કરી શકાય. કૃષ્ણ એક એવા દેવ છે જેની પાસે રાધા કે કોઈ પણ ગોપી રમતિયાળ થઈને મજાક મસ્તી કરી શકે છે. રાધા કૃષ્ણ પાસે કોઈ પણ કામ કરાવી શકે છે. કૃષ્ણ રાધાના પગ સહેલાવતા હોય એવા ઉલ્લેખો સંસ્કૃત નાટકોમાં છે અને એવાં ચિત્રો પણ દોરાયાં છે. કૃષ્ણ રાધા સાથે રાસ રમી શકે છે. રાધા કહે તો કૃષ્ણ શાક પણ સમારી દે એવી કલ્પના સહજ રીતે કરી શકાય એમ છે.
દેવની પૂજા કરવાની જ પરંપરા છે. કોઈ દેવની મજાક મસ્તી કરી શકાય એવું કૃષ્ણના કેસમાં જ શક્ય છે. કૃષ્ણ બધાને મોહિત કરે છે, રાધા કૃષ્ણને મોહિત કરે છે. રાધા કૃષ્ણને ખખડાવી પણ શકે, કૃષ્ણે એનાં નખરાં ઉઠાવવાં પડે. કૃષ્ણે રાધા પાસેથી છટકવા માટે બહાનાં બનાવવાં પડે. કૃષ્ણને એની કોઈ પટરાણીએ નહીં ખખડાવ્યા હોય એટલા કદાચ રાધાએ ખખડાવ્યા હશે એવી કલ્પના કરી શકાય. રાધા માટે કૃષ્ણ પૂજાપાત્ર દેવ નહોતા, પણ ઉત્કટ પ્રેમ-રોમાન્સ કરી શકાય એવો પુરુષ હતો. કૃષ્ણ આજે પણ ભારતીય મહિલાઓની ફેન્ટસી છે. એક યુવક કૃષ્ણને વંદન કરે અને એક યુવતી કૃષ્ણને વંદન કરે તો યુવતીના ભાવમાં વંદનની સાથે રોમાન્સનું સંમિશ્રણ હોઈ શકે છે. કૃષ્ણની પૂજા જ નહીં, પણ પ્રેમ કરી શકાય એવું રાધાને કારણે શક્ય બન્યું છે. કૃષ્ણ એ હિન્દુ કન્યાઓ માટે ઓલટાઇમ રોમેન્ટિક હીરો છે.
રાધાનો ઉલ્લેખ અન્ય સાહિત્યમાં પહેલી સદીથી છે છતાં પુરાણોમાં છેક દશમી સદી બાદ રાધાનો ઉલ્લેખ મળે છે. એવું ઇતિહાસના જાણકાર હરિપ્રસાદ શાસ્ત્રીએ નોંધ્યું છે. રાધાનો સૌથી પહેલો ઉલ્લેખ ગાથા સપ્તશતીમાં થયો છે. એ પછી ત્રીજી સદીમાં બૌદ્ધગ્રંથ 'લલિત વિસ્તાર'માં રાધાનો ઉલ્લેખ મળે છે. બીજીથી પાંચમી સદી દરમ્યાન થયેલા 'પંચતંત્ર'માં પણ રાધાનો ઉલ્લેખ મળે છે. આઠમી સદીમાં 'ગઉડવહો', નવમી સદીમાં 'ધ્વન્યલોક' તેમજ એ અગાઉ સાતમી સદીમાં 'વેણીસંહાર'માં પણ રાધાના ઉલ્લેખ મળે છે.
જોકે, રાધા અને કૃષ્ણની લીલાનો લોકોમાં જય જયકાર થયો ૧૦મી સદી પછી. એમાંય રાધાકૃષ્ણના પ્રેમના વ્યાપક પ્રચારમાં મહાકવિ જયદેવની રચના 'ગીતગોવિંદ'નો મોટો ફાળો છે. ગીતગોવિંદ અગાઉ પણ રાધાનો બ્રહ્મવૈવર્ત અને પદ્મપુરાણમાં વિસ્તૃત ઉલ્લેખ છે. કહેવાય છે કે ગીતગોવિંદને લીધે રાધાકૃષ્ણનો પ્રણય જનમાનસમાં વધુ લોકપ્રિય બન્યો. ગીતગોવિંદની ગણના સંસ્કૃતના અત્યંત ગુણવત્તાવાન નાટકોમાં થાય છે. આજે પણ સંગીતકારો તેની સંગીતમય રજૂઆત કરે છે. ગીતગોવિંદની રચના ૧૨મી સદીમાં થઈ હતી. રાધાની કૃષ્ણ માટેની વ્યાકુળતા, કૃષ્ણને કરેલાં વ્યંગવચન, કૃષ્ણની રાધા પ્રત્યેની તાલાવેલી, રાધાના કૃષ્ણવિયોગના અન્ય ગોપીઓએ કરેલાં વર્ણન વગેરે છે. રાધા ઉપરાંત અન્ય ગોપીઓ સાથેની લીલા પણ એમાં રજૂ થઈ છે. કૃષ્ણ અન્ય ગોપીઓ સાથે રાસ-વિલાસ કરે છે તો રાધા છંછેડાઈ જાય છે. પ્રેમની વિવિધ દશા - આશા, નિરાશા, ઉત્કંઠા, ઈર્ષ્યા, કોપ,માન, આક્રોશ, મિલનતાલાવેલી, સંદેશવાહન વગેરે એમાં બખૂબી ઝિલાયાં છે. સ્વાભાવિક છે કે રાધાના માધ્યમથી જ એ રજૂ થયાં છે.
'ગીતગોવિંદ' ક્રાંતિકારી કૃતિ
'ગીતગોવિંદ'ને શૃંગારનું મહાકાવ્ય કહેવામાં આવે છે. એ કૃતિ ક્રાંતિકારી એટલા માટે કહી શકાય, કેમ કે એમાં રાધાકૃષ્ણ રતિક્રીડાનાં રસસભર વર્ણન છે. આજે કોઈ ચિત્રકાર રાધાકૃષ્ણનાં ચિત્રો દોરવામાં સહેજ વધુ છૂટછાટ લે તો તેનું આવી બને છે. ધર્મના બની બેઠેલા ઠેકેદારો તેના પર તૂટી પડે છે. આ ઠેકેદારોએ ક્યારેક 'ગીતગોવિંદ' વાંચવું જોઈએ. એના શૃંગારિક વર્ણનનો એક નમૂનો જુઓ, "ચંદ્રોદય થતાં જ રાધા પોતાના ઉદીપ્ત થયેલા કૃષ્ણ પ્રત્યેના અનુરાગ પર નિયંત્રણ નથી રાખી શકતી. કૃષ્ણ આવે છે ત્યારે રાધા તેને ઉપાલંભ એટલે કે વ્યંગભર્યાં વેણ કહે છે. એ રીતે પોતાનો આક્રોશ પ્રકટ કરે છે. રાધાની સખીઓ તેને વારે છે. કૃષ્ણ પણ રાધાની પ્રશંસા કરીને તેને મનાવવા માંડે છે. એ રીતે રાધાને પોતાને અનુકૂળ બનાવવા પ્રયાસ કરે છે. અંતે રાધા માની જાય છે અને કદંબકુંજમાં પોતાના કાન્તને મળવા જાય છે. ત્યાં કૃષ્ણ રાધા પાસે પ્રણયયાચના કરે છે. લજ્જાનો ત્યાગ કરવા અને રતિભોગમાં સહકાર આપવા અનુરોધ કરે છે. બંને પ્રસન્નમને રતિક્રીડામાં મગ્ન બને છે. એ પછી રાધા પ્રિયતમ કૃષ્ણને શૃંગાર કરવા અનુરોધ કરે છે. કૃષ્ણ સહર્ષ પોતાના હાથે રાધાને શણગારે છે."
કેટલાક આલોચકોએ ભક્તિની આડશમાં શૃંગારને ઉત્તેજન આપવાનો આરોપ પણ જયદેવ પર લગાવ્યો હતો. લોકોને એ આરોપો યાદ નથી, જયદેવની કૃતિ યાદ છે.
રાધાને 'ગીતગોવિંદ' અને 'બ્રહ્મવૈવર્ત પુરાણ'માં જેટલું મહત્ત્વ મળ્યું છે એટલું એ અગાઉની અન્ય કૃતિઓમાં નથી મળ્યું. અન્ય પુરાણોમાં સત્યભામા અને રુક્મિણીનો કૃષ્ણની પત્ની તરીકે જ વધુ ઉલ્લેખ છે. શ્રીમદ્ ભાગવતપુરાણમાં પણ રાધાનો ઉલ્લેખ મળતો નથી. 'ગીતગોવિંદ'માં કૃષ્ણની હારોહાર રાધા છે, તેથી એ કૃષ્ણ જેટલી જ રાધાની કૃતિ છે. એવો તર્ક કરી શકાય કે દેશમાં રાધાકૃષ્ણનાં જે મંદિરો છે એ 'ગીતગોવિંદ' પછી જ અસ્તિત્વમાં આવ્યાં હોઈ શકે. એક કૃતિ યુગો સુધી કેટલો પ્રભાવ પાડી શકે છે એનું દૃષ્ટાંત 'ગીતગોવિંદ' છે.
'ગીતગોવિંદ'માં કાવ્ય છે, નૃત્ય છે, સંગીત છે. કેટલાંક વિદ્વાનો એને ઓપેરા કહે છે. ઓપેરા એટલે સંગીતનાટક. એની ગણના બેલેમાં પણ થઈ શકે. બેલે એટલે સંગીત-નૃત્ય - નાટકની ત્રિવેણી. ટૂંકમાં, ૧૨મી સદીમાં આપણે ત્યાં બેલે અને ઓપેરા બનતાં હતાં. મતલબ કે કલાની દૃષ્ટિએ એ તબક્કો ખૂબ એડવાન્સ હતો!
રસરાજેશ્વરની પ્રણયતડપ
રસ સંદર્ભે વલ્લભાચાર્ય અણુભાષ્યમાં ઉલ્લેખ કરે છે કે રસાનુભૂતિ ફક્ત મિલનથી જ નહીં પણ વિરહની તીવ્ર સંવેદનાથી પૂર્ણ બને છે. મિલન તો રસાત્મક છે જ, પરંતુ ભક્તિમાર્ગમાં પ્રભુના વિરહની તીવ્ર ક્ષણો પણ રસાત્મક જ ગણાઈ છે. વિરહ અને મિલન બંને અનુભૂતિ પૂર્ણ રસાનંદની પ્રાપ્તિ કરાવે છે. 'ગીતગોવિંદ'ની મજા એ છે કે એમાં રસના રાજા એટલે કે રસરાજેશ્વર કૃષ્ણને રસાનુભૂતિ માટે તડપતા દર્શાવ્યા છે. 'ઉત્તરરામચરિત'માં ભવભૂતિએ રામને સીતા માટે તડપતા દર્શાવ્યા છે તો 'ગીતગોવિંદ'માં જયદેવે કૃષ્ણનો રાધા માટેનો તલસાટ વ્યક્ત કર્યો છે. કૃષ્ણ પોતાનું ઘર છોડીને વનમાં બેઠા છે. જમીન પર પડીને રાધે રાધેનો જાપ કરે છે. પક્ષીનો મધુર અવાજ કાને પડે એટલે તરત રાધા સાંભરે છે. વિરહી કૃષ્ણનું ચિત્ર આબાદ રીતે 'ગીતગોવિંદ'માં ઝિલાયું છે. વિરહિણી રાધા માટે 'ગીતગોવિંદ'માં લખાયું છે કે કૃષ્ણના આગમનની રાહ જોતી રાધા પોતાના યૌવન અને લાવણ્યને નિષ્ફળ ગણે છે. કૃષ્ણ વિના તો મૃત્યુ શ્રેષ્ઠ છે એવું તે માને છે.
શક્તિસ્વરૂપા રાધા
વૈષ્ણવ પરંપરામાં રાધાને શક્તિનું સ્વરૂપ કહેવામાં આવે છે. રાધાની ચાલીસા પણ છે.
રાધા વિશેની સમજ સૌપ્રથમ વૈષ્ણવાચાર્ય નિમ્બાર્કે આપી હતી. ભાવ કેટલી ઉજ્જ્વળ અને માવજતપ્રધાન બાબત છે એ વૈષ્ણવ પરંપરામાં સરસ રીતે ઝિલાયું છે. કૃષ્ણ ભગવાનના વાઘા, અલગ અલગ સમયના અલગ અલગ સ્વરૂપ-દર્શન. છપ્પનભોગ,શિયાળામાં ઠાકોરજીનાં મંદિરોમાં સગડી મૂકવામાં આવે, ઉનાળામાં ઠાકોરજીને હળવો પોશાક પહેરાવવામાં આવે. ભગવાનની માવજતના આ વિવિધ ભાવ છે. રાધા અને કૃષ્ણનો સંબંધ પણ ભાવની દૃષ્ટિએ જ લોકમાનસમાં ઝિલાયો છે. રાધા અને કૃષ્ણ વિશે જે કાંઈ પ્રચલિત કથાઓ મળે છે એ લોકવાયકા મુજબની જ વધુ છે. દંતકથા અને લોકવાયકામાં પ્રમાણની અધૂરપ ખટકે છે,પણ એમાં જે ભાવતત્ત્વ હોય છે એ ખૂબ મીઠું હોય છે.
શ્રીકૃષ્ણની ગોવર્ધનોદ્ધાર લીલાનું વર્ણન કવિ શતાનંદે પોતાના સંસ્કૃત શ્લોકોમાં કર્યું છે. જેમાં કૃષ્ણે ગોવર્ધન ઊંચક્યો એ વખતનાં વર્ણન છે. એમાં એક શ્લોકમાં એવું વર્ણન છે કે - કૃષ્ણે ગોવર્ધન ઊંચક્યો ત્યારે અન્ય ગોપીઓ રાધાને કહેવા લાગી કે તું અહીંથી દૂર જતી રહે. તારા પ્રત્યે આસક્ત બનીને કૃષ્ણના હાથ શિથિલ ન થઈ જાય. ૧૨મી સદીમાં રાધાકૃષ્ણનાં પ્રેમયુક્ત વૈષ્ણવકાવ્યો ખૂબ લખાયાં હતાં. મજાની વાત એ છે કે ૧૨મી સદીમાં લખાતાં સંસ્કૃત કાવ્યો હોય કે ૨૧મી સદીમાં લખાતાં ગુજરાતી કાવ્યો હોય. પ્રેમની વાત આવે છે ત્યારે રાધા અને કૃષ્ણ આજે પણ કવિઓના ફેવરિટ છે. નરસિંહ મહેતા જેવા પ્રાચીન ગુજરાતી કવિ હોય કે આજના કોઈ અર્વાચીન ગુજરાતી કવિ દરેકે રાધાકૃષ્ણના પ્રેમના ખૂબ મલાવા કર્યા છે. અન્ય ભાષાનાં કાવ્યોમાં પણ આ યુગલ બખૂબી ઝિલાયું છે. કહી શકાય કે રાધા એ ભારતીય કવિ માનસકૃત નારીનું જ એક વિશેષ રસમય પ્રતીક છે.
રાધાનો અર્થ થાય છે આરાધના, અર્ચના
રાધા અને કૃષ્ણનો વિસ્તૃત ઉલ્લેખ બ્રહ્મવૈવર્ત પુરાણ અને ગીતગોવિંદમાં છે. એ ઉપરાંત રાધાનો ઉલ્લેખ ધ્વન્યાલોકલોચન,સદુક્તિકર્ણામૃત, ગાથાસતરાઈ, બૌદ્ધગ્રંથ 'લલિતવિસ્તર' પંચતંત્ર, નલચંપૂ, યશસ્તિલકચંપૂ, ઉજ્જૈનના તામ્રપત્ર, નૈષધીયચરિત,દશાવતારચરિત વગેરે ગ્રંથોમાં મળે છે.
સાતમી સદીના કવિ ભટ્ટનારાયણ રચિત વેણીસંહાર નાટકમાં રાધાકૃષ્ણનો ઉલ્લેખ મળે છે. જેમાં પણ રાધા પ્રત્યેની કૃષ્ણની આસક્તિ વ્યક્ત થયેલી છે.
કૃષ્ણને કેન્દ્રમાં રાખીને નાટકો તો લખાયાં છે જ, પણ રાધાને કેન્દ્રમાં રાખીને પણ સંસ્કૃત નાટકો અને અલંકારગ્રંથો લખાયાં છે. ૧૦મી સદી પછીના ગ્રંથોમાં રાધા કેન્દ્રમાં હોય એવા ઘણાં ગ્રંથ છે. ગુણચંદ્રરચિત 'નાટયદર્પણ'માં રાધા-વિપ્રલંભ,શારદાતનયરચિત 'ભાવપ્રકાશન'માં 'રામારાધા', કર્ણપૂરલિખિત અલંકાર - કૌસ્તુભમાં 'કંદર્પમંજરી' તથા સાગરનંદીકૃત'નાટયલક્ષણરત્નકોષ'માં 'રાધાવિથી' નામક નાટયકૃતિનો ઉલ્લેખ છે.
બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધાના પતિનો પણ ઉલ્લેખ મળે છે. રાધાના પતિનું નામ રાયણ મળે છે. અન્ય ગ્રંથોમાં અયનઘોષ તરીકે પણ રાધાના પતિનો ઉલ્લેખ મળે છે.
રાધાભાવ
વૃંદાવન મેં રસ કહાં સે આયા?
વૃંદાવન મેં રસ આયા બરસાના સે.
બરસાના મેં રસ કહાં સે આયા?
બરસાના મેં રસ આયા શ્રી રાધારાની કે ચરનોં સે...
ભાદરવા મહિનાની શુક્લ પક્ષની આઠમ એટલે રાધાષ્ટમી. એ દિવસે રાધાનો જન્મ થયો હતો. રાધાનો જન્મ ઉત્તરપ્રદેશના રાવલ ગામમાં થયો હતો. રાધાના સંદર્ભમાં રાવલ ગામ કરતાં બરસાનાનું ખૂબ મહત્ત્વ છે, કારણ કે રાધાકૃષ્ણની લીલાઓ બરસાનામાં પાંગરી હતી. મહારાજા વૃષભાનુ અને પત્ની કીર્તિને ત્યાં રાધાનો જન્મ થયો હતો. બરસાનામાં રાધાષ્ટમી પણ કૃષ્ણાષ્ટમીની જેમ રંગેચંગે ઉજવાય છે.
કૃષ્ણ આનંદસ્વરૂપ છે અને કૃષ્ણપ્રેમની સર્વોચ્ચ દશાને બરસાનાવાસીઓ રાધાભાવ કહે છે.
રાધા-કૃષ્ણ પ્રેમનું શૃંગાર વર્ણન
બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધાકૃષ્ણના શૃંગારનું માધુર્યપૂર્ણ વર્ણન મળે છે. ચંદનર્ચિચત શય્યા પર રાધા અને કૃષ્ણ વચ્ચે હાસ્યવિનોદ થયો. રાધાએ સુવાસિત તાંબૂલ આપ્યું. કૃષ્ણની છાતી પર કસ્તૂરી અને કેસરથી મિશ્રિત ચંદન લગાવ્યું. કૃષ્ણની શિખામાં ચંપાનું પુષ્પ ગૂંથ્યું. કૃષ્ણની મુરલી ફેંકીને રત્નનું દર્પણ હાથમાં આપ્યું. શ્રીકૃષ્ણે રાધાને છાતીસરસા ચાંપ્યાં. રાધાના નીચલા હોઠ પર,ગાલ પર અને બંને લમણા પર ચુંબન કર્યાં. કૃષ્ણે બે બાહુથી રાધાને ભીંસ્યાં. રાધાનું અંગ કૃષ્ણના નખક્ષતથી વ્યાપ્ત બન્યું. રોમાંચિત રાધાનાં સ્તનો ખૂબ નાનાં બન્યાં. એ પછી સુખકર સંભોગતી રાધાં બેભાન બન્યાં. તેમનાં નેત્રો બંધ થયાં. તેઓ મીઠી નિદ્રામાં પડયાં. રાધાનું શરીર શીતકાળે ઉષ્ણ ને ગ્રીષ્મકાળે શીતળ હતું. શૃંગારમાં સુખદાયી હતું. ચતુર, રસિક, શ્રેષ્ઠ કામવાસનાવાળાં રાધાએ કૃષ્ણને બંને બાહુઓ બે શ્રોણીયુગલ(નિતંબ) કેડના પાછલા ભાગોથી બાંધીને બાંધીને મીઠી મીઠી વાતો કરી.
૧૨મી સદીમાં બિલ્વમંગલ ઠાકુરે 'કૃષ્ણકર્ણામૃત'ની રચના કરી હતી. જેમાં રાધાનો વારંવાર ઉલ્લેખ મળે છે. કૃષ્ણને વંદન કરતાં લખે છે કે એ તેજોરૂપને નમસ્કાર જે ધેનુપાલક અને લોકપાલક છે, જે રાધાના પયોધરોત્સંગ પર તેમજ શેષનાગ પર શયન કરે છે.
- 'સંસ્કૃત સાહિત્યમાં કૃષ્ણ' પુસ્તકમાંથી