Friday, October 30, 2015

શહેરની બહાર વિસ્તરતું નવું શહેર

Sandesh - Ardh Saptahik Purti - 29 April 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય
માત્ર માણસ જ નહીં કેટલાંક શહેરના પણ બે વ્યક્તિત્વ હોય છે. નાના હોય કે મોટા દરેક શહેરો ટેભા ફાડીને વિસ્તરી રહ્યાં છે. નગરની ફરતે નવાં શહેર ઊગી રહ્યાં છે. આ પરિવર્તનમાં સ્થાપત્યઓળખ, લાક્ષણિકતા અને સોસાયટીમાં શું ફેરફાર આવી રહ્યા છે એ જોવાનો પ્રયાસ કરીએ....

"આપકો લગતા હૈ કી હમને અતીત કો પકડ કે રખા હૈ,
દુઃખ કે સાથ.
આપ ગલત સોચતે હૈંહમ ખુશી કો પકડ કે રખતે હૈં.
છોટી છોટી ખુશીયોં કોં."
 
૨૦૧૧-૧૨માં 'પતંગ-ધ કાઇટ' ફિલ્મ કેટલાંક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં રજૂ થઈ હતી અને વાહવાહી મેળવી હતી. ફિલ્મમાં સીમા વિશ્વાસ અને નવાઝુદ્દીન સિદ્દિકી હતાં. સમગ્ર ફિલ્મ સાંકડી ગલીઓ એટલે કે પોળવાળા જૂના અમદાવાદ પર હતી. એ ફિલ્મ છએક મહિના અગાઉ દૂરદર્શન પર રિલીઝ થઈ હતી. કહાણી એવી હતી કે પોળમાં એક મા-દીકરો રહેતાં હોય છે. ઘણાંય લોકો પોળ છોડીને નવા વિકસેલા અમદાવાદમાં રહેવા ચાલ્યા જાય છે, પણ એ પરિવાર પોળ અને પોતાના ઘરને વળગેલો છે. તેમના જ પરિવારનો કે પડોશનો એક માણસ દિલ્હીથી ઉત્તરાયણ નિમિત્તે આવે છે. તેની અડધી જિંદગી પોળમાં વીતી હોય છે. તે
મા-દીકરાના એ પરિવારને સમજાવવા આવ્યો હોય છે કે તમે હવે પોળ છોડીને બીજે રહેવા ચાલ્યા જાવ. હવે અહીં કંઈ રાખ્યું નથી. મકાનનો સોદો કરી નાખીએ. ત્યારે સીમા વિશ્વાસ તેને ઉપર લખેલો ડાયલોગ સંભળાવે છે.
દરમ્યાન દિલ્હીથી આવેલી તેની દીકરીને પોળ ખૂબ પસંદ પડે છે. તે પોળમાં રખડયા કરે છે. પતંગથી રંગાયેલા આસમાનને જોઈને અને ઘર છોડીને અગાસીએ ચઢેલા લોકોને જોઈને તે નાચી ઊઠે છે. તેને લાગે છે કે જીવન તો અહીંયાં જ છે. ફિલ્મમાં જૂનું અમદાવાદ આબેહૂબ ઝિલાયું છે. પોળની સાપસીડીની રમત જેવી ગલીઓ, ગલીમાં માણસોની વચ્ચેથી પસાર થતાં ગાય-કૂતરાં અને ઉત્તરાયણની ધમાલ જેવા રંગો ઝિલાયા છે. ફિલ્મનું આર્ટ ડિરેક્શન એટલું અદ્ભુત છે કે જૂના અમદાવાદના રંગો નિહાળવા હોય તો એ ફિલ્મ ખરેખર નિહાળવા જેવી છે.
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ
એક માણસમાં બે વ્યક્તિત્વ હોય એવાં ઘણાં નર-નારી તમે જોયાં હશે. આવું માત્ર માણસોને જ લાગુ નથી પડતું, શહેરોને પણ લાગુ પડે છે. અમદાવાદ જોશો તો તમને એક જ શહેરમાં બે શહેર દેખાશે. હવે સાબરમતી રિવરફ્રન્ટ તરીકે ઓળખાતી સાબરમતી નદીની પૂર્વ તરફનું જૂનું અમદાવાદ અને પશ્ચિમે સેટેલાઇટ વિસ્તાર તેમજ હાઇવેની આસપાસ વિસ્તરેલું નવું અમદાવાદ. જૂના અદાવાદમાં સાંકડી શેરીઓ, ગીચ બજારો, બેઠા ઘાટનાં મકાનો. ઉંબરાવાળાં મકાનો અને ઉંબરાની બહાર ઓટલા જોવા મળે છે. મોટા ભાગના ચોક પર ચબૂતરો છે. આ તમામ બાબતો અમદાવાદની પરંપરા છે. એ શહેર તરીકે અમદાવાદને ઓળખ આપે છે. ઉપરાંત, જૂના નગર દરવાજાઓ, ભદ્રનો કિલ્લો, કેટલાંક મંદિર, મસ્જિદ અને મિનારા એ પણ આ જૂના અમદાવાદની પારંપરિક ઓળખ છે.
હવે નવા અમદાવાદની વાત કરીએ. નવા અમદાવાદમાં પહોળા રસ્તાઓ છે. બહુમાળી એટલે કે હાઇરાઇસ ઇમારતો છે. મોલ અને મલ્ટિપ્લેક્સ છે. સાયન્સ સિટી તેમજ મહાત્મા મંદિર જેવાં મોડર્ન સંકુલ છે. નવા શહેરની ઓળખ છે.
તળ મુંબઈ અને પરાંમાં વસતું મુંબઈ
હવે મુંબઈ તરફ જઈએ. મુંબઈમાં તળ મુંબઈ અને ઉપનગરીય-પરાવાળું મુંબઈ એટલે કે સાઉથ મુંબઈ અને સબર્બન મુંબઈ એવા બે ભાગ છે. મુંબઈમાં કોલાબાથી વેસ્ટર્ન લાઇનમાં માહિમ કોઝવે સુધીનો તેમજ સેન્ટ્રલ લાઇનમાં સાયન સુધીનો ઇલાકો તળ મુંબઈ એટલે કે મૂળ મુંબઈ કહેવાય છે. એ પછી જે પરાં જે શરૂ થાય છે એ ઉપનગરીય મુંબઈ કહેવાય છે. જેમાં સાંતાક્રુઝ, અંધેરી, બોરિવલી, દહીંસર, ડોમ્બીવલી વગેરેનો સમાવેશ થાય છે. મુબઈની ઓળખ સમાન જે ચાલી રહેણાકો છે એ ઉપનગરીય મુંબઈ કરતાં તળ મુંબઈમાં વધુ જોવા મળે છે. આ ઉપરાંત, ગોથિક શૈલીનાં મકાનો, રેલવે સ્ટેશનો, ઓફિસ, લાઇબ્રેરી વગેરે તળ મુંબઈને આગવી ઓળખ આપે છે. જે સબર્બન મુંબઈ પાસે નથી. સબર્બન મુંબઈમાં હાઇરાઇસ ઇમારતો છે. મોલ અને મલ્ટિપ્લેક્સ છે. બાંદરા - વર્લી સિ લિન્ક, બોરિવલીમાં આવેલું પેગોડા વિપશ્યના ધ્યાનકેન્દ્ર વગેરે કેટલાંક સંકુલો સબર્બન મુંબઈની નવી ઓળખ છે.
ગોથિક શૈલીનો ઉપલક પરિચય મેળવી લઈએ. ગોથિક શૈલીનાં મકાનો અંગ્રેજ શાસન દરમ્યાન મુંબઈમાં તૈયાર થયાં હતાં. ૧૨મી સદીમાં ફ્રાન્સમાં ડેવલપ થયેલી ગોથિક વાસ્તુકળા મધ્યકાલીન દોરમાં યુરોપમા પ્રચલિત બની હતી. ૧૨થી ૧૬મી સદી દરમ્યાન એ પોપ્યુલર હતી. તળ મુંબઈમાં રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી ટર્મિનસ, રાજાબાઈ ટાવર, બોમ્બે હાઇકોર્ટનું બિલ્ડિંગ, મુંબઈ સુધરાઈની ઇમારત તેમજ કેટલીય ઓફિસો ગોથિક શૈલીની છે.
 
અમદાવાદ અને મુંબઈ એવાં બંને નગરોમાં જૂના શહેરની બહાર ટેભા ફાડીને વિકસેલા નવા શહેરમાં લઘુતમ સાધારણ અવયવ જો કાઢીએ તો પહોળા રસ્તા, હાઇરાઇસ બિલ્ડિંગો અને મોલ-મલ્ટિપ્લેક્સીસ છે. હાઇરાઇસ બિલ્ડિંગોની સ્થાપત્ય-વાસ્તુકળાની દૃષ્ટિએ કોઈ આગવી વિશેષતા નથી. એ શહેરને કોઈ વિશેષ ઓળખ આપતાં નથી. સ્ટ્રક્ચર તરીકે જે રીતે પોળમાં ગલીથી લઈને મકાન-દરવાજાની બાંધણી સુધીની વિશેષતા પારંપરિક કે સાંસ્કૃતિક ઓળખ ઊભી કરે છે એવી કોઈ ઓળખ નવા વિસ્તારની બિલ્ડિંગો કે અન્ય બાંધકામ ઊભી કરતા નથી. એ પોતે કોઈ 'મોડર્ન આગવી ઓળખ' પણ ઊભી કરતા નથી. પૂર્વ અમદાવાદ કે તળ મુંબઈની ગીચ બજારો પણ શહેરનો એક મિજાજ પ્રર્દિશત કરે છે. એવો વૈભવ એ શહેરોના નવા ઇલાકા પાસે નથી. આ વાત થોડી બારીક છે, તેથી આ ફકરા પાસે અટકીને બે ઘડી પોરો ખાઈને વિચારીને આગળ વધો એવી વિનંતી.
બદલા હુઆ બનારસ
વાત માત્ર આ બે શહેરોને જ લાગુ પડતી નથી. જૂનાગઢ, જામનગર, સુરત, વડોદરા, બનારસ, ઇન્દૌર વગેરે શહેરોમાં પણ વિકસેલા-વિસ્તરેલા નવા વિસ્તારોને આ વાત લાગુ પડે છે. શહેરની ફરતે નવું શહેર વિકસે છે.
બનારસની ઓળખ ગંગા ઉપરાંત ત્યાંની સાંકડી ગલીઓ અને ગલીને કાંઠે વિકસેલાં જૂની ઢબનાં મકાનો છે. સત્યજિત રેએ અપ્પુ ટ્રીલજીની ફિલ્મમાં બનારસની એ ગલીઓ અને તેમાં ચીતરેલાં પેઇન્ટિંગ્સ સરસ રીતે દર્શાવ્યાં છે. બનારસની ગલીઓની બહાર એક બીજું નવું બનારસ ઊભું થયું છે. જ્યાં મોલ-મલ્ટિપ્લેક્સ અને બહુમાળી બિલ્ડિંગ્સ છે. આ નવું બનારસ છે એ કોઈ પણ નવા બનેલા કે વિકસેલા શહેર જેવું લાગે છે. એ જોઈને એમ ન કહી શકાય કે આ બનારસ છે. એમાં બનારસની આગવી મોહર નથી. બનારસ વિશે એવું કહેવાય છે કે એ ઇતિહાસ કરતાંય જૂની નગરી છે. નગરની બહાર જે શહેર બની રહ્યું છે એનો કોઈ સ્થાપત્ય ઇતિહાસ જ કદાચ નહીં હોય. નવી વ્યવસ્થાઓ, ઊંચી બિલ્ડિંગ્સ, અદ્યતન બાંધકામ થાય એની સામે કોઈને વાંધો હોઈ ન શકે. એ તો આવકાર્ય બાબત છે. મુદ્દો એ છે કે એના નિર્માણમાં કોઈક એવી ખાસિયત ઊભરતી હોવી જોઈએ કે જે તે નગરને પોતાની આગવી ઓળખ આપે. દિલ્લી, મુંબઈ કે અમદાવાદ, સુરત કે બનારસના નવા વિસ્તરતા વિસ્તારો એકસરખા જ લાગે એ વિશેષતા નહીં વિટંબણા કહેવાય.
મોડર્ન એટલે?
મોડર્ન બાંધકામો સાથે પણ એક સ્થાપત્ય, શૈલીની ઓળખ ઊભી થઈ શકે છે, પણ એવું ભારતના મોટા ભાગનાં શહેરોમાં થતું નથી. અમદાવાદની પારંપરિક ઓળખ તો ત્યારથી જ ઓસરવા માંડી હતી જ્યારથી નદીના બીજા છેડે આશ્રમ રોડ પર મોડર્ન બાંધકામ થવા માંડયાં. આશ્રમ રોડ પર કેટલાંક પારંપરિક મકાન, સ્થાપત્યો છે, પણ એની સરખામણીએ મોડર્ન બાંધકામો વધુ છે. કોઈ પણ શહેરની ઓળખ તેનું જૂનું નગર હોય છે. 'કાઇપો છે'માં જે અમદાવાદ બતાવાયું છે કે 'પતંગ'માં જે અમદાવાદ છે એ પોળવાળું અમદાવાદ દર્શાવાયું છે. એ નવું વિકસેલું પશ્ચિમી અમદાવાદ નથી.
જૂના શહેરમાં ઉત્સવનો ઉત્સાહ નવા શહેર કરતાં વધુ જોવા મળે છે. અમદાવાદમાં પોળની ઉત્તરાયણ વખણાય છે, નહીં કે સેટેલાઇટ કે વસ્ત્રાપુરની. અલબત્ત, સેટેલાઇટ અને વસ્ત્રાપુરમાં પણ સરસ ઉત્તરાયણ ઊજવાય છે પણ એની ઇન્ટેન્સિટી પોળ જેવી નથી હોતી.
જૂના નગરમાં ઓટલા હતા. ફ્લેટ સિસ્ટમનાં જે મકાનો બને છે એમાં ઓટલાનો છેદ ઊડી ગયો છે. પોળ નિહાળવા તો વિદેશીઓ સ્પેશ્યલી અમદાવાદ આવે છે. ધામા નાખીને ફોટા પાડે છે અને રિસર્ચ કરે છે. વક્રતા એ છે કે નવા અમદાવાદની નવી પેઢીમાં એવાય લોકો મળી આવશે જેણે પોળ ન જોઈ હોય! પશ્ચિમમાં વસેલા નવા અમદાવાદમાં કોઈ પિતાએ તેમના બાળકને ઓટલો અને ઉંબરો શું છે એ સમજાવવું હશે તો બાળકને પોળમાં લઈ જવું પડશે. બદલતો સિનારિયો એ છે કે શહેરના જૂના વિસ્તારો ખાલી થઈ રહ્યા છે. લોકો નવા વિસ્તારોમાં રહેવા જઈ રહ્યા છે. મુંબઈ અને અમદાવાદમાં એ પ્રમાણ નોંધપાત્ર રીતે દેખાઈ રહ્યું છે. સાઉથ મુંબઈ અને પોળમાંથી લોકો પશ્ચિમી અમદાવાદમાં તેમજ ઉપનગરીય મુંબઈ તરફ જઈ રહ્યા છે.
જૂન એટલું સોનું એ વાત ખોટી છે
જૂનું એટલું સારું અને નવું એટલું નકામું કે નબળું કહેવાનો લગીરેય ઇરાદો નથી. આ તો સમય સાથે પરિવર્તન પામતાં શહેર અને તેની તાસીરને જોવા જાણવાનો પ્રયાસ છે. નવા જે વિસ્તારો વિકસે છે એની પણ ઊજળી બાજુ છે જ. શહેરના જૂના કરતાં નવા ડેવલપ થયેલા વિસ્તારોમાં પાણીની વિતરણ વ્યવસ્થા સારી હોય છે. રસોડામાં ફ્રીઝ મૂકવું હોય કે વોશરૂમમાં વોશિંગ મશીન મૂકવું હોય એ માટેની ચોક્કસ જગ્યા હોય છે. એ માટેના વીજળીના પોઇન્ટ નવાં મકાનોમાં સગવડભર્યા હોય છે. કોઈ પણ ચીજ ખરીદવી હોય તો એના વધુ વિકલ્પો નવા શહેરી ઇલાકામાં વધારે ઉપલબ્ધ હોય છે.
જૂનાં અને નવાં શહેરોની પોતપોતાની વિશેષતા હોય છે, પોતપોતાના પ્રશ્નો પણ હોય છે. એક એવી ચર્ચા છે કે પોળવાળા અમદાવાદમાં કે તળ મુંબઈમાં કે જૂની દિલ્હીમાં રહેતો છોકરો ખૂબ ભણેલ-ગણેલ અને સેટ થયેલ હોય તોપણ એને છોકરી મેળવવામાં તકલીફ થાય છે. શહેરના જૂના વિસ્તારોમાં રહેતા ઘણા પરિવારો ખાસ દીકરાને પરણાવવા માટે પણ શહેરના નવા વિસ્તારમાં ફ્લેટ વસાવે છે. મુંબઈમાં ચાલી રહેણાકોમાં તો આખા મહોલ્લાનું કોમન સંડાસ હોય છે, તેથી પણ ઘણાં દીકરી દેતા ખચકાય છે.
'ક' કોસ્મોપોલિટનીઝમનો ક
વાસ્તુકલાના ગેરફાયદાથી હટીને જોઈએ તો મોટાં શહેરોના નવા વિસ્તારોમાં જે કોસ્મોપોલિટન ક્રાઉડ ઊભું થઈ રહ્યું છે એના ઘણા ફાયદા છે. નવા વિસ્તારોમાં એક કરતાં વધુ ભાષા બોલતા લોકો સાથે વ્યવહાર વિકસે છે. જેને લીધે એક નવું જગત ઊઘડે છે. શહેરની ફરતે વિકસેલાં નવાં શહેરો કોસ્મોપોલિટન ટચ આપે છે. અમદાવાદ, સુરત, વડોદરા, પૂણે, હૈદરાબાદ, બેંગલોર વગેરેમાં નવા જે વિસ્તારો ડેવલપ થયા છે ત્યાં કોસ્મોપોલિટન ક્લેવર ઊભું થયું છે. મોડર્ન કન્ટેસ્ટમાં કોઈ પણ શહેર એ વિકસતું ત્યારે કહેવાય છે ત્યાં કોસ્મોપોલિટન પ્રજાનો વસવાટ વધે. શહેરમાં એ શહેર અને રાજ્યની બહારના લોકોનો વસવાટ વધે એને લીધે એને કોસ્મોપોલિટન ક્લેવર મળે છે. જે શિક્ષણ, સમજદારી, સેલિબ્રેશનના નવા વ્યાપ ઉઘાડે છે, કારણ કે ત્યાં એક જ સંસ્કૃતિ કે ભાષાના લોકો નથી વસતાં પણ બહુભાષી અને બહુસાંસ્કૃતિક લોકો વસે છે. મુંબઈ અને દિલ્હી જેવાં શહેરોમાં કોસ્મોપોલિટન માહોલ વિકસ્યો છે. અમદાવાદ, સુરત, પૂણે, હૈદરાબાદ, બેંગલોર વગેરે શહેરોમાં અન્ય પ્રાંત કે અન્ય શહેરોના લોકોની વસતી ખાસ્સી વધી છે, પણ કોસ્મોપોલિટન માહોલ ઊભો નથી થયો. કોસ્મોપોલિટન ઘેટ્ટો ઊભા થયા છે. આ વાત થોડા વિસ્તારથી સમજીએ. મુંબઈમાં એક જ બિલ્ડિંગ કે મહોલ્લામાં મરાઠી સાથે તમિલ, ગુજરાતી, મરાઠી, મારવાડી વગેરે સાથે રહેતા જોવા મળે છે. બિલ્ડિંગની નીચે મૂકેલી નેમપ્લેટ વાંચો એટલે આ અંદાજ આવી જાય છે. અમદાવાદ, સુરત જેવાં શહેરોમાં મારવાડી, મરાઠી, બંગાળી, સાઉથ ઇન્ડિયન લોકોનો નોંધપાત્ર વસવાટ છે. તેઓ પ્રાદેશિક પ્રજા સાથે એક જ સેક્ટરમાં કોસ્મોપોલિટન શહેરની જેમ વસેલા જોવા મળતા નથી. તેઓ નોન-ગુજરાતી તરીકે અલગ અલગ સેક્ટરમાં વસેલા જોવા મળે છે. ટૂંકમાં, ગુજરાતમાં વસતો સાઉથ ઇન્ડિયન ગુજરાતમાં વસતા બંગાળી સાથે નેચરલ કનેક્ટ અનુભવે છે, કારણ કે આ બંને જણાને લાગે છે કે પોતે પરપ્રાંતીય છે. તેઓ સ્થાનિક પ્રજા સાથે થોડું અંતર અનુભવે છે. આવું સ્થાનિક પ્રજા પણ સમજે છે. આ કોઈ વાંક કે દોષ નથી. બે અજાણ્યા માણસો શરૂઆતમાં નિકટ આવતા થોડા ખચકાય એ સ્વાભાવિક વાત છે. એકબીજા સાથે ઔપચારિક ઓળખ પછી ટયુનિંગ ધીમે ધીમે જામે છે, તેથી દરેક રાજ્યમાં કોસ્મોપોલિટન પ્રજાનો જે સ્થાનિક પ્રજા સાથેનો ભેદ હોય છે એ તેમની બીજી-ત્રીજી પેઢીએ ભેદ ખરી પડે છે. પછી ગુજરાતમાં વસતો બંગાળી પણ પછી ગુજરાતી જ કહેવાય છે. તે આઇડેન્ટિટી ક્રાઇસિસ અનુભવતો નથી, તેથી મેગાસિટીમાં કોસ્મોપોલિટન વર્તુળો બન્યાં છે, સર્વાંગી માહોલ નથી ઊભો થયો. એના માટે થોડાં વર્ષો થશે. એ માહોલ ઊભો થશે એટલું નક્કી છે. મુંબઈમાં ત્યાંની મૂળ વસતી કરતાં માઇગ્રન્ટ્સ લોકોની વસતી વધુ છે, તેથી કોસ્મોપોલિટન માહોલ શહેરમાં સર્વાંગી રીતે વિકસ્યો છે. જે ભારતનાં અન્ય મેટ્રો શહેરમાં પણ સંપૂર્ણપણે વિકસી શક્યો નથી. અમદાવાદ પણ કોસ્મોપોલિટન ઘેટ્ટોમાંથી કલ્ચર બનતા તરફ આગળ વધી રહ્યું છે, જે સામાજિક તંદુરસ્તી માટે સારી વાત છે.
પ્રાઇવસી એટલે શું?
જૂનાં અને નવાં શહેરોની કેટલીક લાક્ષણિક બાબતોમાં પણ ભેદ હોય છે. જેમ કે, તળ વિસ્તારમાં એટલે કે વોલ્ડ સિટીમાં સેન્સ ઓફ પ્રાઇવસી હોતી નથી. પ્રાઇવસી એ કોસ્મોપોલિટન કન્સેપ્ટ છે, કલ્ચરલ કન્સેપ્ટ નથી. ગામમાં તેમજ જૂના શહેરમાં કે શહેરના જૂના ઇલાકાના રહેવાસી ઇલાકામાં લોકો વચ્ચેનો મેળાપ કે હળવામળવાનો ભાવ વધુ હોય છે. નવા વિકસેલા શહેરના ફ્લેટ રહેણાકોમાં એ ઓછું જોવા મળે છે. ત્રીજે માળે રહેતા માણસને ચોથે માળે કોણ રહે છે એની ખબર ઘણી વખત નથી હોતી. જ્યારે કે જૂના નગરમાં તો દરેક રહેવાસી માટે આખો મહોલ્લો એ પરિવાર જેવો હોય છે. પાડોશી સાથે પરિવારના સભ્ય જેટલી નિકટતા હોય છે,તેથી પ્રાઇવસી નામનો શબ્દ જ ત્યાંના શબ્દકોશમાં અજાણ્યો છે. આનું કારણ કદાચ એ હોઈ શકે કે જૂના નગરમાં સંયુક્ત કુટુંબની સંખ્યા ખાસ્સી હોય છે, નવાં શહેરોમાં સંયુક્ત કુટુંબની સંખ્યા ઓછી હોય છે. પોળવાળા જૂના અમદાવાદમાં હવેલીટાઇપનાં મકાનો ઘણાં છે જે જૂની દિલ્હીમાં પણ જોવા મળે છે. હવેલીટાઇપનાં મકાનો એ સંયુક્ત કુટુંબની જરૂરિયાત અને ઓેળખ છે. શહેરની બહાર વિકસેલા નવા શહેરમાં મોટે ભાગે વિભક્ત કુટુંબ જોવા મળે છે. જેમાં પતિ-પત્ની અને તેમનું બાળક હોય છે. જ્યાં પરિવારની સભ્યસંખ્યા મોટે ભાગે પાંચ કરતાં વધુ હોતી નથી. ત્યાં વન કે ટુ બેડરૂમ હોલ કિચનના ફ્લેટનું ચલણ વધારે જોવા મળે છે. વિભક્ત કુટુંબ એ નવા શહેરી જીવનની ઓળખ છે. જે રીતે મોંઘવારી વધી રહી છે એ જોતાં કોઈ પેરેન્ટ્સને એક કે બે કરતાં વધુ સંતાન પોસાતાં નથી, તેથી વિભક્ત કુટુંબ એ નવા શહેરી જીવનનો તકાદો છે. એની ટીકા કરવી યોગ્ય નથી.
જોવાની વાત એ છે કે એક જ શહેરના બે છેડાના નાગરિકોની ભિન્નતા તેમના વ્યવહાર અને લાઇફસ્ટાઇલમાં સ્પષ્ટ વર્તાઈ આવે છે. ક્યારેક એમ થાય કે નવું અને જૂનું શહેર એ રેલવેના સમાંતર ચાલતા પાટા જેવું હોય છે. બંને સાથે ચાલે છે પણ ક્યારેય ભેગા નથી મળતા. જૂના શહેરમાંથી માઇગ્રન્ટ થઈને નવા શહેરમાં વસવા ગયેલા માણસને મૂળ સ્થાન માટે ખૂબ આદર હોય છે. જૂના અને નવા બંને શહેરને એકબીજા પ્રત્યે થોડો છૂપો અણગમો પણ હોય છે. મુંબઈ, અમદાવાદ, દિલ્હી, પૂનામાં આ ભેદ નોંધી શકાય છે. આ વાત મોટાં શહેરોને લાગુ પડે છે. નાનાં શહેરોમાં આવો ભેદ હજી નથી ઊભો થયો જે સારું છે.
 
નવી ઓળખ પણ આગવી શા માટે ન હોઈ શકે? એક વાત દેખીતી છે કે સામાન્ય નગરરચનામાંથી કલાતત્ત્વ ઓછું થઈ રહ્યું છે. ગામ કે શહેરની બહાર મોટો નગર દરવાજો હોય એ પરંપરા સદીઓ પુરાણી છે. આજે પણ પરંપરા જળવાઈ રહી છે. કેટલાંય ગામ કે શહેરની બહાર નવા નગર દરવાજા બની રહ્યા છે. જે ખરેખર આનંદની વાત છે. ખેદની વાત એ છે કે નવા જે દરવાજા નિર્માણ પામે છે એની કલાકોતરણીમાં એવું ઊંડાણ કે બારીકાઈ નથી જે વર્ષો અગાઉ બનેલા દરવાજામાં જોવા મળતી હતી. આજે પણ કેટલાંક શહેરોમાં સદીઓ જૂના એ દરવાજા ઊભા છે. એ જૂના અને નવા દરવાજા જોશો તો એમાં રહેલો કલા-ફરક તરત સમજાઈ જશે.

કોઈ શહેરે ક્યારેય એટલો વિકાસ ન કરવો જોઈએ કે એ પોતાની ઓળખ જ ગુમાવી બેસે. એમ પણ કહી શકાય કે વિકાસ એને કહેવાય જેમાં પરિવર્તન તો આવે પણ ઓળખ જળવાઈ રહે. જુનવાણી જેટલું સારું છે એમાંનું કંઈક જળવાય અને નવું એની સાથે અનુસંધાન કરે એવી જુગલબંદી રચાય એમ કહેવાનો આશય છે.

article link

http://www.sandesh.com/article.aspx?newsid=3069820

Thursday, October 8, 2015

છપ્પનવખારી - મજબૂતી કા નામ મહાત્મા ગાંધી

Sandesh - Ardh Saptahik Purti - 30 September 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય


"ભલાઈ સાથે જ્ઞાાનનો સુયોગ સાધવો જોઇએ. કેવળ ભલાઇ ઝાઝી ઉપયોગી નથી. માણસ પાસે સૂક્ષ્મ વિવેકશક્તિ હોવી જોઇએ. એ સારાસારવિવેક આધ્યાત્મિક હિંમત અને ચારિત્ર્યનો સહોદર છે. કટોકટીને પ્રસંગે, ક્યારે બોલવું અને ક્યારે મૌન સેવવું, ક્યારે પ્રવૃત્ત થવું અને ક્યારે ન થવું એ માણસે જાણવું જોઇએ."
 -ગાંધીજી


મનુષ્ય એક પ્રાણી છે અને પ્રાણીમાંથી મનુષ્ય તરીકે તે પોતાના વિવેક અને અહિંસા દ્વારા નોખો પડે છે, મનુષ્ય બને છે. મનુષ્ય એ પ્રાણી હોય તો પ્રાણી માટે હિંસા એક સ્વાભાવિક લક્ષણ હોય છે, તેથી હિંસા માણસનું સ્વાભાવિક લક્ષણ છે. માણસ જેટલો વિવેકી અને અહિંસક બનતો જાય એમ એમ તે ખરા અર્થમાં માણસ બને છે. માત્ર બાખડી પડવું એ જ હિંસા નથી. હિંસાના ઘણાં સ્વરૃપ હોય છે. સોશિયલ મીડિયા જેવા કે ટ્વિટર, ફેસબુક પર પણ તમને હિંસાનાં ઢગલાબંધ ઉદાહરણો મળશે. કોઇની કોમેન્ટ ન ગમે કે તેની સાથે સહમત ન હોય ત્યારે તેના પર તોછડાઇપૂર્વક તૂટી પડવું એ હિંસા જ છે. મુદ્દા ટાંક્યા વગર વાતચીતમાં કોઇને ઉતારી પાડો તો એ હિંસા છે. અસહમતી શબ્દો દ્વારા અણછાજતી રીતે પ્રગટ કરવી એ હિંસા છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે અસહમત હોઇ શકે પણ વાત વિવેકપૂર્વક રજૂ થાય એમાં માણસાઇ રહેલી છે. મુદ્દા ટાંક્યા વગર માત્ર તોછડાઇપૂર્વક વર્તવું એ તો હિંસા છે જ પણ મુદ્દા ટાંકીને પણ તોછડાઇપૂર્વક વર્તવું એ પણ હિંસા જ છે. માણસ જ્યારે તોછડાઇપૂર્વક પાડી દેવાના ઇરાદા સાથે જ ઊતરી પડે ત્યારે તેની પાસે મુદ્દા સાચા હોય તો પણ એ ખોટો જ ઠરે છે. એની શાબ્દિક હિંસા પાછળ તેના તર્ક પછી ઢંકાઈ જાય છે, તેથી જ ગાંધી આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ભેદભાવ, શોષણ, પૂર્વગ્રહ વગેરે હિંસાના જ સ્વરૃપ છે. જે રીતે સમાજમાં સહનશીલતા ઘટી રહી છે એ જોતાં ગાંધી વધારેને વધારે પ્રસ્તુત થતા રહેશે. અહિંસાના વિચારની ઝીણાશ સમજવા માટે જગતે હજી લાંબી મજલ કાપવાની છે. મહત્ત્વની વાત એ છે કે અહિંસા એવા મહત્ત્વપૂર્ણ વિચાર તરીકે સામાજિક વ્યવહારમાં પ્રગટી ચૂક્યો છે કે જેને કોઇ અવગણી શકે એમ નથી. ગાંધીએ અહિંસાને સમાજજીવનમાં એવી રીતે વણીને દાખલો બેસાડી દીધો છે કે જગતના દરેક સામાજિક અને આર્થિક અન્યાયની અહિંસાની એરણે સમીક્ષા થાય છે. આનંદની વાત એ છે કે આ દિશામાં ઝીણી પણ ચોક્કસ પ્રગતિ થઇ રહી છે, આમ પણ કોઇ વિચારને સમાજમાં સેટ થતા એટલે કે સ્થાયીભાવ કેળવતાં દાયકાઓ લાગે છે. ઉતાવળે જો આંબા પણ ન પાકતા હોય તો વિચાર તો ક્યાંથી પાકે?
અહિંસા એટલે અમલમાં મુકાયેલો શુદ્ધ પ્રેમ
 અણછાજતા શબ્દો કોઈ માટે ન વાપરવા કે કોઇની સામે હથિયાર ન ઉઠાવવાં એટલો સાદો અને સ્થૂળ અર્થ અહિંસાનો નથી. અહિંસા એટલે નિતાંત પ્રેમ. પ્રેમનું ભર્યુંભાદર્યું સ્વરૃપ એટલે અહિંસા. તમે અને હું ઓફિસમાં સાથે કામ કરતા હોઇએ. કોઇ એવા સંજોગ ઊભા થયા હોય જેમાં તમને કોઇ વાતે મારી સાથે વાંધો પડયો હોય, મારો એવો ઇરાદો ન હોય છતાં તમને વાંધો પડયો હોય એ પછી તમે મારી સામે ગેમ રમો અને હું હેરાન થાઉં, હું હેરાન થતો જ રહું, મને ગેમની ખબર હોય, હેરાનગતિ થતી હોય, હું સમસ્યા ઉકેલવા પ્રયાસ કરૃં છતાં તમારા પ્રત્યે સ્હેજેય કડવાશ ન રાખું એ અહિંસા છે. અહિંસામાં બંને પક્ષે જીત જ છે, હારની ક્યાંય ગુંજાઇશ જ નથી, કહો કે હાર અને જીત કરતાંય કોઇ ઊંચું પરિણામ અહિંસા આપે છે. તમારા ગેમપ્લાનનો ભોગ બન્યા પછી હું તમારા પ્રત્યે મનમાં કડવાશ રાખું તો એ કડવાશ સૌ પ્રથમ તો મને જ હેરાન કરવાની છે, હું જેને દુશ્મન માનં છું એને તો પછી કરશે. મારી કડવાશ દુશ્મનને હેરાન કરી શકશે કે કેમ એ પણ એક સવાલ છે, વળી એ રીતે કડવાશનું સામસામું સર્કલ ચાલ્યા કરે છે જે ક્યારેય પૂરુંં જ થતું નથી, તેથી બેમાંથી કોઇ એક અહિંસક બની જાય અને સામેવાળા પ્રત્યેની કડવાશ થૂંકી દે તો સામેવાળા પાસે તમને પ્રેમ કરવા સિવાય કોઇ વિકલ્પ બચતો નથી. વાચકને કદાચ અહિંસાની આ વાત આદર્શ લાગે પણ વ્યવહારમાં ઊગી નીકળેલું દરેક સારાપણું એક સમયે તો આદર્શ જ હોય છેને! અહિંસાને જીવનમાં ધીમે ધીમે કેળવવી પડે છે. આ રસ્તો થોડો લાંબો છે. સફળતાના તો હજી પણ શોર્ટકટ કદાચ હોઇ શકે પણ અહિંસાના કોઇ શોર્ટકટ નથી હોતા. અહિંસા લાંબા ગાળે ફળ દેતું વૃક્ષ છે. એ ફળ માટે ધીરજ જોઇએ. જાતમાં શ્રદ્ધા જોઇએ. પાત્રતા કેળવવી પડે, તો જ એની મીઠાશ માણવા મળે છે. કાચાપોચા લેભાગુ લોકો માટે અહિંસા શબ્દ કામનો જ નથી. અહિંસા માટે જિગર જોઇએ. આચરણમાં મુકાયેલી અહિંસાનો જવાબ માણસે પોતાની જાતને જ આપવાનો હોય છે, તેથી જ અહિંસા એટલે અમલમાં મુકાયેલો શુદ્ધ પ્રેમ.
અહિંસા શબ્દને અંગ્રેજીમાં નોનવાયલન્સ કહેવામાં આવે છે પણ એ અહિંસાનો સ્થૂળ તરજુમો છે. અહિંસા શબ્દનું વૈચારિક હાર્દ પકડી શકે એવો અંગ્રેજી શબ્દ હજી સુધી કદાચ શોધાયો નથી.
શ્રીમદ્ ભાગવતે અહિંસાને પરમ જ્ઞાાન કહ્યું છે
ઋગવેદ, અથર્વવેદ, યજુર્વેદમાં એવા ઘણા શ્લોકો છે જે અહિંસાની ભૂમિકા રચે છે. કેટલાક શ્લોકોમાં અહિંસા શબ્દ સીધો પ્રયોજાયો નથી પણ એની પાછળનું તાત્પર્ય અહિંસા છે. મહાભારતમાં તો અહિંસાનો ઉલ્લેખ આદિપર્વ અને અનુશાષનપર્વમાં રંગેચંગે થયો છે. અનુશાષનપર્વમાં અહિંસાનો મહિમા કરતો એક શ્લોક વાંચો,

અહિંસા પરમો ધર્મઃ અહિંસા પરમો તપઃ
અહિંસા પરમો સત્યં યતો ધર્મઃ પ્રવર્તતે.
અહિંસા પરમો ધર્મઃ અહિંસા પરમો દમઃ
અહિંસા પરમ દાનં, અહિંસા પરમ તપઃ
અહિંસા પરમ યજ્ઞાઃ, અહિંસા પરમો ફલમ
અહિંસા પરમં મિત્રઃ અહિંસા પરમ સુખમ.
શ્રીમદ્ ભાગવતમાં કહેવાયું છે કે અહિંસા પરમ જ્ઞાાનં, યોગવશિષ્ઠ અને બૃહસ્પતિ સ્મૃતિમાં પણ અહિંસાનો મહિમા ગવાયો છે.
મુદ્દો એ છે કે એ ધાર્મિક કર્મકાંડીઓએ અહિંસાને માત્ર પોથી પૂરતી જ સિમિત રાખી. અહિંસાને ધર્મવચન માન્યું પણ વ્યવહારમાં અહિંસાને અમલમાં ન મૂકી. મહાવીર અને બુદ્ધે અહિંસાને વ્યક્તિગત આચરણમાં મૂકી.
અહિંસા એ આમ તો બાહ્યાચારનો જ શબ્દ છે પણ સૂક્ષ્મ અર્થમાં એ શબ્દ નહીં પણ વિચાર છે. એની મજભૂત ભૂમિકા ગાંધીએ બાંધી.
અહિંસાનો ઉલ્લેખ છેક મહાભારતકાળથી મળે છે એ આપણે જોયું.   જોકે મહાભારત અહિંસા કરતાં હિંસાથી ભરપૂર છે. કૃષ્ણ અહિંસાનું મહત્ત્વ જાણે છે. યુદ્ધ ન થાય એ માટેના ઘણા પ્રયત્ન કૃષ્ણ કરે છે, પોતે તો હથિયાર ઉઠાવતા જ નથી પણ નાછૂટકે અર્જુનને કહે છે કે હવે તું ગાંડીવ ઉઠાવ.
ગાંધીની મહાનતા એ છે કે તેમણે ન માત્ર કહી દેખાડયું બલકે કરી દેખાડયું કે અમે હિંસા નહીં, અહિંસાનાં શસ્ત્રથી પ્રતિકાર કરીશું. તમે અમારા પર લાઠી ચલાવો, અમને બંદૂકને ભડાદે ઠાર કરો પણ અમારા મનમાં તમારા માટે પ્રેમ જ હશે અને અહિંસક લડત ચાલુ રહેશે.
કોઇ અન્યાયી વ્યવસ્થા સામે લડાઇ મંડાય અને એવી લડાઇ વર્ષોનાં વર્ષ સુધી ચાલે. એમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને એ પણ વર્ષોનાં વર્ષો સુધી અકબંધ રહે, એ ગાંધીનો કરિશ્મો હતો. એ ગાંધી કરતાંય અહિંસાનો કરિશ્મો હતો. હિંસા ક્યારેય મોટા જનસમુદાયનું સાધન બની શકતી નથી. આંદોલનો તો ઠેર ઠેર થાય છે પણ એમાં શરૃઆતમાં જે જોર હોય છે એ દિવસે દિવસે ઓછું થવા માંડે છે, કારણ કે, સંખ્યાબળ ઘટવા માંડે છે. રોજ હિંસા લોકોને ફાવે નહીં અને ગમે પણ નહીં.
અમૃલાલ વેગડ કહે છે એમ જગતના ઇતિહાસમાં આવું ક્યારેય થયું નહોતું કે કોઇ માણસે અહિંસાનું 'રાષ્ટ્રીયકરણ' કર્યું હોય. ગાંધીએ પહેલી વખત સત્ય અને અહિંસાનો મોટેપાયે સફળતાપૂર્વક પ્રયોગ કર્યો. પહેલી વાર આમ જનતાનો અહિંસા સાથે ગાઢ સંબંધ બંધાયો હતો.
વિશ્વને ભારતની મહાન દેણ - અહિંસા
બુદ્ધ અને મહાવીરે અહિંસાને આચરણમાં બખૂબી ઝીલી. અહિંસાનો વિચાર જે ગ્રંથોમાં આદર્શ તરીકે જ વધુ અસ્તિત્વ ધરાવતો હતો એને મહાવીર અને બુદ્ધે વ્યક્તિગત આચરણનું અંગ બનાવ્યો. વૈદિક ધર્મમાં જ્યારે કર્મકાંડીઓ વેદના વિચારને અવગણીને માત્ર બાહ્યાચારમાં રચ્યાપચ્યા રહેવા માંડયા ત્યારે હિંસાનો અતિરેક થવા માંડયો હતો. યજ્ઞામાં પ્રાણીઓની આહુતિઓ અપાવા લાગી ત્યારે મહાવીર અને બુદ્ધે અહિંસાનો વિચાર લઇને આવવું પડયું હતું. બૌદ્ધ અને જૈન ધર્મે અહિંસાની પ્રતિષ્ઠા કરી. અશોકે કલિંગના યુદ્ધમાં થયેલા નરસંહારને જોઇને બુદ્ધનું દર્શન અપનાવ્યું અને અહિંસાની રાહ પકડી હતી, તેથી જ્યારે અહિંસાની વાત આવે છે ત્યારે મહાવીર અને બુદ્ધનાં નામ સૌથી પહેલાં લેવાય છે. બુદ્ધ અને મહાવીરની અહિંસા વ્યક્તિગત આચરણ પૂરતી મર્યાદિત હતી. એ પછી ગાંધી આવે છે. ગાંધી નહોતા આવ્યા ત્યાં સુધી અહિંસા વ્યક્તિગત મોક્ષપ્રાપ્તિનું સાધન ગણવામાં આવતી હતી. દાખલો બેસાડીને ગાંધીએ એનું વ્યાવહારિક મહત્ત્વ લોકો સમક્ષ મૂક્યું. ગાંધીએ એને સમાજપરિવર્તન અને આંદોલનનાં અંગ તરીકે વિકસાવ્યું. ગાંધીએ અહિંસાના વિચારને જેટલો વ્યાપક બનાવ્યો છે એટલો કોઇએ નથી બનાવ્યો. તેમણે અહિંસાને અન્યાયનો પ્રતિકાર કરવાનાં એક સુસંસ્કૃત સાધન તરીકે અમલમાં લીધી. આજે અમેરિકા જેવો સુપરપાવર દેશ અખાતના દેશો પર હુમલો કરે છે ત્યારે જગતમાં બધેથી તેની સામે વિરોધ ઊઠે છે એમાં ગાંધીની અહિંસાને ટાંકવામાં આવે છે. એ વાત અલગ છે કે અમેરિકા હુમલો તો કરી જ દે છે પણ અમેરિકા હુમલાની ટીકામાંથી બચતો નથી. હુમલાની દિશામાં કોઇ પણ પગલું ભલે અમેરિકા લે પણ એ પગલું સાહજિક રીતે કે સ્વાભાવિક રીતે નથી લઇ શકતો, એનું કારણ ગાંધીએ જગતને દેખાડેલો અહિંસક આંદોલનનો માર્ગ છે.
પહોંચમાં હોય, પકડમાં નહીં એ આદર્શ
આજે સમાજમાં એવા ઘણા નિયમ છે જેનું લોકો હસતે મોઢે પાલન કરે છે. એ નિયમો અમલમાં આવ્યા અગાઉ તો આદર્શ જ હોય છે. એ આદર્શ હોય છે ત્યારે એની ટીકા જ થાય છે. એ નિયમ લોકોને માફક નહીં આવે એવી ચર્ચા થાય છે. અમલમાં આવે ત્યારે શરૃઆતમાં પણ એની ટીકા થાય છે, પછી ધીમે ધીમે લોકો એનાથી કેળવાય છે, એ વ્યવહાર બને છે અને લોકોને એ સહજ લાગે છે, તેથી ગાંધીજી જ્યારે આફ્રિકાથી ભારત આવ્યા અને તેમણે અહિંસક રીતે સ્વરાજ મેળવવાની વાત કહી ત્યારે લોકમાન્ય ટિળક, આચાર્ય કૃપાલાણી સહિતનાં અનેક લોકોને એ વાત અવ્યવહારૃ લાગી હતી, જોકે પછી એનું સ્વરૃપ જોઇને ટિળક અને કૃપાલાણી એમાં જોડાયા હતા. આચાર્ય કૃપાલાણી તો બિહારના મુઝફ્ફ્રપુરની કોલેજમાં ઇતિહાસ ભણાવતા હતા. માર્ચ, ૧૯૧૫માં ગાંધીજી શાંતિનીકેતનમાં હતા ત્યારે કૃપાલાણી ગાંધીને મળ્યા ત્યારે કહ્યું કે હું તો ઇતિહાસ ભણાવું છું. મેં જગતમાં ક્યાંય જોયું નથી કે અહિંસક રીતે ક્રાન્તિ થઇ હોય. એ વખતે ગાંધીજીએ હસતાં હસતાં કહ્યું કે તમે ઇતિહાસ ભણાવો છો, હું ઇતિહાસ સર્જવાની વાત કરૃં છું. ત્યારપછી પછી કૃપાલાણી ગાંધીના આંદોલનમાં જોડાયા હતા. 
આદર્શ એવો હોવો જોઇએ જે પહોંચમાં હોય, પકડમાં નહીં, એટલે કે આદર્શ સારુ કાંઈક ને કાંઈક પુરુષાર્થની તો જરૃર રહેવાની જ, જો એ હાથમાં હોય તો એને આદર્શ ન કહેવાય. વ્યવહાર કહેવાય. જે દૂર સુધી જવાનું જોખમ ખેડે છે એને જ માલૂમ પડે છે કે ત્યાં સુધી જઇ તો શકાય જ છે. 



ગાંધીની કથા એક સાધારણ માનવીની કથા કેવી રીતે છે?
આપણા ઇતિહાસમાં કદાચ શ્રી કૃષ્ણનાં ચરિત્ર્ય પછી સૌથી વધુ નાટકીય પરિવર્તનોવાળું ચરિત્ર્ય ગાંધીનું જ હશે, એનાં જીવનમાં કેટકેટલા વળાકો આવ્યા છે! દીવાનનો દીકરો હરિજન કોલોનીમાં રહેવાનું પસંદ કરે છે, ચોરીછૂપીથી માંસાહાર કરનાર 'ધ વેજિટેરિયન' પત્રિકાનો સંપાદક બને છે. કેટકેટલીવાર એની ઉપર લગભગ પ્રાણઘાતક હુમલા થયા છે! સંખ્યાબંધ વાર એણે અનશન કર્યા છે. કેટલીયે જેલને એણે મહેલ બનાવી છે અને છેવટે એક મહેલને જેલ પણ બનાવ્યો છે. પોરબંદર, રાજકોટ ને વાંકાનેરમાં ઉછરનાર એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડનો વતની બને છે, એની કૂચોનાં પગલેપગલાંનું વૃત્ત લખવા દુનિયાના અનેક દેશોના ખબરપત્રીઓ દોડી કે ઊડી આવે છે અને છેવટે સુદીર્ઘ ભવ્ય જીવનને પણ ઝાંખું પાડી દે એવાં મરણને એ વરે છે. એ ચરિત્રનો નાયક કોઇ પારલૌકિક ચમત્કારોથી લોકોને ચમત્કૃત કરનાર મહાત્મા નથી. લાખોની મેદની ગજાવનાર ભાષણબાજ નેતા નથી. શાસ્ત્રાર્થમાં ભલભલા વિદ્વાનોને માત કરનાર એ કોઇ મહાપંડિત નથી. ગાંધીની કથા એક સાધારણ માનવી-તમારા-મારા જેવો જ માનવી જો સતત મથતો રહે તો કેટલે સુધી પહોંચી શકે છે તેની દાસ્તાન છે.
'...પણ એને જીવવા દેશે કોણ?'
૧૯૪૪ની વાત છે. પંચગીનીમાં ગાંધીજીના નિવાસની બહાર વિરોધીઓ સૂત્રોચ્ચાર કરતા આવી પહોંચ્યા. ગાંધીજીએ કહ્યું,"મારે એ લોકોને મળવું છે." પણ પેલા લોકો કહે," અમારે એમને મળવું નથી." પછી એ લોકોને પોલીસે પકડયા. તલાસી લીધી ત્યારે એક માણસ પાસેથી લાંબો છરો મળ્યો. એ માણસનું નામ હતું નથુરામ ગોડસે! ગાંધીજી હત્યા માટે ૧૪ વર્ષથી પ્રયાસ ચાલતા હતા અને આ છઠ્ઠો પ્રયાસ હતો. છમાંથી ચાર પ્રયાસોમાં ગોડસે હાજર હતો. ગાંધીજીએ ૧૯૩૭ - ૩૮માં ૧૨૦ વર્ષ જીવવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે નથુરામ ગોડસેએ
મરાઠી પેપર 'અગ્રણી'ના તંત્રી તરીકે તંત્રીલેખ લખ્યો, તેનું મથાળું હતું : '...પણ એને જીવવા દેશે કોણ?' 
- નારાયણ મહાદેવભાઇ દેસાઇ      


Page layout