Wednesday, June 27, 2012

જોધપુર ટપાલ




જોધપુર એટલે મીરચી વડા અને પ્યાજની કચોરીનું શહેર. જોધપુર એટલે ચૂનામાં ગળી ઝબોળી મકાનોને વાદળીયા રંગના વાઘા પહેરાવતું શહેર. કોમન મીનીમમ પ્રોગ્રામ એટલે કે લઘુતમ સાધારણ અવયવ તરીકે કિલ્લાઓને બાજુ પર મૂકો તો રાજસ્થાનના દરેક શહેર પાસે પોતાની આગવી તાસીર છે. જયપુરવાળી બ્લૉગપોસ્ટમાં કહ્યું હતું એણ આ વાત જૂના શહેરોને જ લાગુ પડે છે. નવા શહેરો રીમીક્સ સોન્ગ જેવા સ્ટીરીયો ટાઇપ હોય છે.
જોધપુરને સૂર્યનગરી પણ કહે છે. કારણકે, જોધપુરનો ઉનાળો અમદાવાદ સાથે રેસમાં ઉતર્યો હોય એવો ગરમાગરમ હોય છે. ગરમીથી બે – પાંચ ટકા રાહત મળે એ માટે મકાનોને બહારથી વાદળી રંગે રંગવામાં આવે છે.
જોધપુર વર્ટીકલ નહીં, પણ હોરિઝોન્ટલ વિકસેલું શહેર છે. તેથી જ કિલ્લાના કાંગરેથી નીચે ફેલાયેલું શહેર નિહાળીએ એટલે આંખોને ઓચ્છવ જેવું લાગે છે. સારી વાત એ છે કે એપાર્ટમેન્ટનો ડિપાર્ટમેન્ટ હજી ત્યાં વિકસ્યો નથી. બંગલા અને ટેનામેન્ટનું પ્રચલન છે.
જોધપુરના સૌથી મોટા બે આકર્ષણ છે. મેહરાનગઢ કિલ્લો અને ઉમેદ ભવન. મારે મન જોધપુરનું સૌથી મોટું આકર્ષણ જૂનું જોધપુર ગામ એટલે કે વૉલ્ડ સીટી છે. ઝીણી ઝીણી ગલીઓમાં ગૂંથાયેલું જોધપુર ગામ કોઇ કલાત્મક ભૂલભૂલામણી જેવું લાગે છે. જોધપુરની એ ગલીઓમાં જૂનાગઢની ઝાંખી થાય. જે જગ્યાએ પહોંચીને મારી ઉમેદો પર પાણી ફરી વળ્યું એનું નામ ઉમેદ ભવન. ઘણી હિન્દી ફિલ્મોમાં દર્શાવાયેલું તેમજ અરૂણ નાયર અને લીઝ હર્લી જ્યાં ફેરા ફર્યા હતા એ ઉમેદ ભવન બહારથી ખૂબ ભવ્ય છે. અંદરથી પણ ભવ્ય છે. આંચકો એ વાતનો લાગે છે કે ઉમેદ ભવન હોટેલમાં બદલાઇ ગયું છે. પર્યટન માટે ઉમેદ ભવનની બે – ત્રણ ગૅલેરીઓ ખુલ્લી રાખવામાં આવી છે. જેમાં ભાલા – તલવારો, જૂની ઘડીયાળો અને રાજા મહારાજાઓના ફોટા છે. રાજસ્થાનના મોટા ભાગના કિલ્લાઓ અને મ્યુઝિયમોમાં આ બધી વસ્તુઓ જોવા મળે જ છે. તેથી માત્ર ભાલા અને ઘડીયાળો જોવા માટે ઉમેદ ભવન સુધી લાંબુ થવું મને ગેરવાજબી લાગ્યું.
જોધપુરનો કિલ્લો અદભૂત છે. વિગતમાં ઉતર્યા વગર માત્ર ઉપરછલ્લી નજરે જોઇએ તો પણ કિલ્લો કલાકો લઇ લે એવો છે. કિલ્લાઓની કેવી રીતે માવજત કરવી અને પર્યટકોને કઇ રીતે ખેંચવા એ ગુજરાત અને મહારાષ્ટ્રની સરકારોએ રાજસ્થાન પાસેથી શીખવા જેવું છે.   
યુ ટર્ન લઇને મીરચી વડા અને પ્યાજની કચોરી પર પાછો આવું છું.  કાઠિયાવાડ ગાઠિયા માટે, અમદાવાદ દાળવડા માટે, સુરત લોચા માટે અને ડાકોર ગોટા માટે વખણાય છે એમ જોધપુરની સિગ્નેચર નાસ્તા આઇટેમ્સ મીરચી વડા અને પ્યાજની કચોરી છે. મીરચી વડા એટલે મરચાના ભજીયાની વેલ્યુ એડેડ આવૃત્તિ. બાફેલા મોટા મરચાની અંદર  મસાલો ભરીને એને તળવામાં આવે છે. મીરચી વડાની વિશેષતા એનો મસાલો છે. એવી જ રીતે પ્યાજ ઉર્ફે ડુંગળી ઉર્ફે કાંદાની કચોરી પણ જોધપુરની ચાખવાલાયક વરાયટી છે. જોધપુર જાવ તો આ બે વસ્તુ જરૂર ખાજો. વર્ષો પછી જોધપુર યાદ કરશો તો એનો સ્વાદ પણ સાંભરશે.

તેજસ વૈદ્ય, મુંબઇ 

કિલ્લાની રાંગ પરથી દેખાતો જોધપુરનો કોટવિસ્તાર






આસમાની સુલતાની



મેહરાનગઢ કિલ્લો - રાત્રિશ્રૃંગાર



વાંચો,વાંચો...

















સોનેરી છત પર કોઇની નજર ન લાગે એ માટે કાળાં ફૂમતા લગાડવામાં આવ્યા છે








































Saturday, June 23, 2012

ગૅન્ગ્સ ઓફ વસેપુર – ગાળો અને ગોળીની રમઝટ વચ્ચે મગજના જ્ઞાનતંતુઓને નિશાન બનાવતી ફિલ્મ




ગામમાં ચાની ટપરી પર બેઠા બેઠા કેટલાક લોકો ટીવી જુએ છે. ક્યોંકિ સાસ ભી કભી બહુ થી સીરીયલ ટીવી પર આવે છે. ટીવી પર ઓપનીંગ ક્રેડીડ્સ સાથે કેમેરો આખા ઘરમાં ફેરવીને સ્મૃતિ ઇરાની પરિવારના બધા કિરદારોની ઓળખ કરાવતી હોય છે. ત્યાં જ ધણ ધણ કરતી ગોળીઓ છૂટે છે. ટીવી બંધ થઇ જાય છે અને ચાની ટપરીમાં દોડા દોડ થઇ જાય છે. થોડી વારમાં સોપો પડી જાય છે.

આ પહેલા જ સીનથી અનુરાગ નામનો કશ્યપ પોતાની ફિલ્મની મહોર મારી દે છે. ગાળો અને ગોળી ફિલ્મમાં પહેલા સીનથી લઇને છેલ્લા સીન સુધી ધાણીની જેમ ફૂટતા રહે છે. હિન્દી ફિલ્મોમાં બાયોપિક સિવાય રીસર્ચને ઝાઝું મહત્વ નથી અપાતું. ગૅન્ગ્સ ઓફ વસેપુરનું સૌથી મજબૂત પાસું તેનો રીસર્ચ છે. ફિલ્મમાં કેટલીક બાબતોનું ડિટેલીંગ સીદી સૈયદની જાળીની જેમ એવું બારીક કરવામાં આવ્યું છે કે ફિલ્મ સૂક્ષ્મદર્શક યંત્રમાં ડુંગળીના કોષ જોતા હોઇએ એમ નિહાળવી પડે. એ જ ફિલ્મની મજા છે, નહીંતર રેફરન્સ છટકી જાય. મોબાઇલ પર મેસેજ વાંચતા રહો કે મોબાઇલ પર વાત કરવા થોડી ક્ષણ થીએટરની બહાર જાવ એટલે ગોથું ખાઇ જવાય. 

ફિલ્મમાં ડ્રામાના ધોધ વચ્ચે ડૉક્યુમેન્ટ્રીનો ડોઝ એટલો ફાઇનટ્યુન કરવામાં આવ્યો છે કે બંને એકબીજાના પૂરક લાગે છે અને ફિલ્મનો પ્રવાહ આગળ ધપાવે છે. ધનબાદની કોલસાની ખાણો, ખાણો પર રાજ કરતા લાલાઓ, દેહાતના લોકો પર તડક ભડક હિન્દી ફિલ્મોનો પ્રભાવ વગેરે બાબતો સરસ રીતે ઝીલવામાં આવી છે. જેમ અલગ અલગ ઘાટ પરથી પસાર થતી નદી પણ એક ચોક્કસ પ્રવાહમાં આગળ વહેતી  હોય છે એમ ફિલ્મ દસ્તાવેજીકરણ વચ્ચે પણ ડ્રામાના એક ચોક્કસ પ્રવાહમાં આગળ વહે છે.  
ગૅન્ગ્સ ઓફ વસેપુરનો હજી પહેલો જ ભાગ રજૂ થયો છે. બીજો ભાગ હવે રજૂ થશે. પહેલા ભાગમાં ફિલ્મના કિરદારો પર ડિરેક્ટરની જબરી પકડ છે. કોઇ કિરદાર લેખક કે ડિરેક્ટરની કાબૂ બહાર નથી. અનુરાગ કશ્યપે જ્યારે આ ફિલ્મની કથા વિઝ્યુલાઇઝ કરી હશે ત્યારે તે સ્ફટિકવત્ત સ્પષ્ટ અને કૉન્ફીડન્ડ હશે. નહીંતર આ પ્રકારની ફિલ્મોમાં કિરદાર અને કથા ક્યારે ડિરેક્ટરના હાથમાંથી સરકી જાય છે એની ડિરેક્ટરને ખબર નથી પડતી.

દરેક ફિલ્મનો એક કલર હોય છે જે તેની થીમનું પ્રતિબીંબ પાડતો હોય છે. જેમ કે, ફિલ્મ સાવરીયામાં બ્લ્યુ – ગ્રીન ફિલ્ટર વપરાયું હતું. ગૅન્ગ્સ ઓફ વસેપુરની વિશેષતા એ છે કે એમાં કોઇ એક ફિલ્ટરનો ઉપયોગ નથી થયો પરંતુ મલ્ટીપલ કલરટોન વપરાયા છે. વીઝ્યુઅલ્સને ફોટોશોપ ટ્રીટમેન્ટ આપી હોય એ રીતે બોલકા લાગે છે.    
ફિલ્મમાં દરેક કલાકારોનું પથ્થરતોડ પરફોર્મન્સ છે. કોલસાની ખાણમાંથી નીકળેલા હીરા જેવા કીરદારો છે. મનોજ વાજપેયી, પિયૂષ મિશ્રા, જયદીપ અહલાવત, વિપીન શર્મા, નવાઝુદ્દીન સીદ્દીકી, રીચા ચઢ્ઢા, રીમ્મી સેન વગેરેએ પાત્રો પચાવ્યા છે. ફિલ્મનું સરપ્રાઇઝ એલીમેન્ટ તિગ્માંશુ ધુલીયા છે. રામાધીર સિંહના પાત્રમાં તિગ્માંશુ એકદમ ઓતપ્રોત લાગે છે. મુશાયરાની અંદર કોઇ શાયર પોતાની રચના અને રજૂઆતની શૈલીથી આખો મુશાયરો લૂંટી લે એમ મનોજ વાજપેયી ફિલ્મ લૂંટી લે છે.

અનુરાગ કશ્યપની ફિલ્મ દેવ ડીમાં દમદાર સંગીત દ્વારા અમીત ત્રિવેદી નામના ગુજરાતી સંગીતકારે પોતાની નોંધ લેવડાવી હતી. એ રીતે જ ગૅન્ગ્સ ઓફ વસેપુર દ્વારા સ્નેહા ખાનવલકર નામની મહિલા સંગીતકારે પોતાની નોંધ લેવડાવી છે. સ્નેહા ખાનવલકરે પોતાની નોંધ તો એમ ટીવી પર રજૂ થયેલા સાઉન્ડ ટ્રીપીન નામના શો દ્વારા જ લેવડાવી હતી. (જે લોકોને સંગીતમાં અને તેમાં થઇ શકતા પ્રયોગોમાં રસ હોય તેમણે સાઉન્ડટ્રીપીનના એપીસોડ્સ યુટ્યુબ પર જોઇ લેવા. ગમશે.)સ્નેહાએ અગાઉ લકી લકી ઓયે, લવ – સેક્સ ઔર ધોખા જેવી ફિલ્મમાં છુટૂંછવાયું કામ કર્યું હતું. ગૅન્ગ્સ ઓફ વસેપુરના ગીતોમાં લોકસંગીતની મીઠાશ પર ફ્યુઝનની મહેક છાંટવામાં આવી છે. જે લોકોએ સાઉન્ડટ્રીપીનના એપીસોડ્,સ જોયા હશે તેમને એની છાંટ ફિલ્મના ગીતોમાં વર્તાશે. અનુરાગ કશ્યપની ફિલ્મોમાં ગીતો તો ખૂબ સારા હોય છે પરંતુ એ મોટે ભાગે બૅકગ્રાઉન્ડ સ્કોર તરીકે જ વેડફાઇ જતા હોય છે. ગૅન્ગ્સ ઓફ વસેપુરમાં પણ એવું જ થયું છે, પરંતુ એ ફિલ્મમાં સુંદર રીતે વણાઇ ગયેલા છે. ઓ વૂમનીયા ગીતનું પિક્ચરાઇઝેશન ખૂબ સુંદર છે. એ ગીતની હલક સુંદર છે અને એમાં મનોજ વાજપેયી અને રીમા સેનની રોમેન્ટિક છાલક ગીતને નવો કલાપ આપે છે. પિયૂષ મીશ્રા એવો કલાકાર છે કે એ દરેક ફિલ્મમાં પોતાની આગવી છાપ છોડે છે. ફિલ્મમાં ફરહાનના રોલમાં તો તે ધ્યાન ખેંચે જ છે, પરંતુ તેણે લખેલા અને ગાયેલા એક બગલ મેં ચાંદ હોગા ગીતમાં પણ પિયૂષ મિશ્રા પોતાનું પ્રમાણ આપે છે.  ફિલ્મમાં બૅકગ્રાઉન્ડ વોઇસઓવરમાં પણ તેના અવાજનો જ ઉપયોગ થયો છે.

અનુરાગ કશ્યપની વિષેષતા એ છે કે એમાં સાહિત્ય હોય છે. તેણે જોખમો ખેડીને ફિલ્મમાં પ્રયોગો કર્યા છે અને એક નવો દર્શકવર્ગ ઊભો કર્યો છે. વસેપુર જેવા ગામના માહોલ પર 45 કરોડના ખર્ચે ફિલ્મ બનાવવી અને એ પણ બબ્બે ભાગમાં બનાવવી એ કોલસાની ખાણમાં કામ કરતા મજૂરોના જીવ પર તોળાતા જોખમ જેવું જોખમ છે. ગૅન્ગ્સ ઓફ વસેપુર દરેક લોકોને પચે એવી ફિલ્મ નથી. ગેન્ગ્સ ઓફ વસેપુર સુંદર – સુશીલ – સંસ્કારી કે રોમેન્ટિક ફિલ્મ નથી. એમાં માણસની ખરાબીઓના ઉદ્રેકનો ચિતાર છે. પહેલા ભાગમાં તો અનુરાગે ધાર્યું તીર તાક્યું છે હવે બીજા ભાગમાં કેવું તીર મારે છે એ જોવું રહ્યું.

તેજસ વૈદ્ય, મુંબઇ

Monday, June 11, 2012

જયપુર ટપાલ


જયપુર એટલે જોયપુર. જયપુરની ગલીઓમાં કેડે થેલા અને ગળે કૅમેરા બાંધીને રખડતા અંગ્રેજો તમને અચૂક જોવા મળશે. અંગ્રેજો ભારત છોડીને ચાલ્યા ગયા પણ કેટલાક જયપુરમાં જ રહી ગયા હોય એવું લાગે. ગેરૂઆ રંગે રંગાયેલી ગુલાબી નગરી જયપુર પગે ચાલીને ને આંખો પહોળી કરીને જોવા જેવી નગરી છે. (આ વાત માત્ર જૂના જયપુરને જ લાગુ પડે છે. નવું જયપુર અમદાવાદના સેટેલાઇટ જેવું કે મુંબઇના અંધેરી કે મલાડ જેવું છે. જેની પોતાની કોઇ સાંસ્કૃતિક ઓળખ નથી. જૂના અમદાવાદ અને તળ મુંબઇની પોતાની આગવી સાંસ્કૃતિક ઓળખ છે) જયપુર જોવું હોય તો રીક્ષા કે કારમાં નહીં ફરવાનું ચ્યવનપ્રાશ ખાઇને વિનોબા ભાવેની જેમ ચાલતા નીકળી પડવાનું. ગુલાબી નગરીની ગલીએ ગલીએ અવનવા આશ્ચર્ય તમને કેમ છો કહેશે. પ્રસ્તુત છે ગુલાબી નગરીના જાનીવાલીપીનારા રંગો

અજમેરી દરવાજો

મહારાજા જયસિંહે બાંધેલા જયપુર એટલે કે ગુલાબી નગરીને સાત દરવાજા છે. જેમાંનો આ અજમેરી દરવાજો છે. સાતેય દરવાજા રંગ અને રૂપરેખામાં મળતાવડા છે. દરેક દરવાજા પર સાંગાનેરી ડિઝાઇન ચીતરવામાં આવી છે. સાંગાનેર રાજસ્થાનનું એક ગામ છે જેની ટૅક્સટાઇલ પ્રિન્ટ ખૂબ જાણીતી છે. સાંગાનેરી હેન્ડ બ્લૉક પ્રિન્ટનું ડ્રેસ મટીરીયલ પણ જયપુરમાં ખૂબ વેચાય છે. જે આપણા કચ્છી બ્લૉકપ્રિન્ટની ડીઝાઇનને મળતું આવે છે. 




સાંગાનેરી પેઇન્ટિંગ્સથી શોભતો અજમેરી દરવાજો



હવા મહેલ

એક જમાનામાં આ મહેલના શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણીઓ બેસતી હતી


ઇનસાઇડ :  હવામહેલનો નકશીદાર ઝરૂખો
હવામહેલની ટોચની બારીએથી નીચે નિહાળતો ટાબરીયો


ડોકિયા કરવાની મજા...... ......હવામહેલમાંથી આવે એટલી કદાચ ભારતભરમાં કોઇ ઠેકાણેથી નહીં આવતી હોય. કારણકે એમાં 953 ઝરોખા છે. હવા મહેલ નામનો એક કાર્યક્રમ રેડિયામાં આવતો હતો. જયપુરના હવામહેલ પર પહેલી નજર પડી એટલે મનમાં રેડીયોનું રૅગ્યુલૅટર ઘુમી ગયું. જેના વિષે ખૂબ સાંભળ્યું હોય અને ફોટામાં જ નિહાળ્યા હોય એવી વ્યકતિ કે વસ્તુને રૂબરૂ જોઇએ એટલે શરીરમાં શેરડો પડી જાય. હવામહેલને જોતાં આવું જ થયું હતું. 1799માં 
રાજા સવાઇ પ્રતાપસિંહે બનાવેલા હવામહેલનું ડિઝાઇનીંગ લાલચન્દ ઉસ્તાદે કર્યું હતું. રાજાની રાણીઓ લોકો વચ્ચે ન જઇ શકે તેથી તેમના માટે ઝરોખાવાળો હવામહેલ બાંધલામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ  ઝરૂખે બેઠીને ઝીણકી બારીઓ ઉઘાડીને રાણીઓ શહેરની સરગમ નિહાળતી રહેતી હતી. હવે દસ રૂપિયાની ટિકિટ લઇને મારા – તમારા જેવા પ્રવાસીઓ રાણીની બારીમાંથી ડોકીયા કરવાનું 
રજવાડું ભોગવે છે. 
બૅકસાઇડ :  હવામહેલ

















જલમહેલ

જયપુરના તળાવમાં 1799માં તરતો મૂકાયેલા આ મહેલની રખેવાળી હવે તાજ હોટેલ્સ(તાતા ગૃપ) કરશે. આવતા વર્ષે આ મહેલ બાર કમ રૅસ્ટોરાંનું સ્વરૂપ ધારણ કરવાનો છે

જલકમલવત્ જલમહેલ





























આમેરનો કિલ્લો

આ છે જયપુરનું મહત્વપૂર્ણ પર્યટનચુંબક. હજારો માણસો રોજ આ કિલ્લાની મુલાકાત લે છે. આ કિલ્લો એટલો ભાતીગળ અને ભવ્ય છે કે એ જોવા માટે એક દિવસ ટૂંકો પડે. આમેરના કિલ્લામાં તળાવ છે. શીશ મહેલ છે. મંદિર છે. બીજું ઘણું બધું છે. મારી સાથે ગાઇડ હતો એ કહેતો હતો કે પરંપરા છે કે રોજ બકરાની બલી ચઢે એ પછી જ કિલ્લો ખુલે છે. ખરાઇ કરવા કિલ્લામાં કામ કરતા સુરક્ષાકર્મીને મેં પૂછ્યું તો તેણે પણ આ વાત કબૂલી !      




અજર અમર આમેર

કિલ્લાની લીલા અપરંપાર


 પ્યાઉ
પાણી દા અસલી રંગ !
અમદાવાદમાં એવી ઘણી નાસ્તાલારી છે કે જ્યાં નાસ્તો કર્યા બાદ પાણી માગવામાં આવે તો લારીવાળો કહી દે છે કે પાણી નહીં ભઇ, પાણીનું પાઉચ લઇ લ્યો.(એટલે કે ખરીદી લ્યો). મુંબઇમાં રસ્તે ચાલતા ચાલતા થાકો ત્યારે પાણીનું પરબ શોધ્યું ન જડે. જયપુરમાં મને ગમેલા દ્રશ્યોમાંનું એક દ્રશ્ય આવી પરબડીનું છે. સૂકા પાનની ઝૂંપડીમાં અંદર માટલાં ભરીને ભાઇ કે બહેન બેઠા હોય. કાળે તડકે કોઇ આવે તો ત્રાંબાના કળશ્યો ઠલવીને આ રીતે તરસ ઠારે. ગ્લાસ ન હોય. આ રીતે હથેળી વાળીને જ પાણી પીવાનું. ઠેર ઠેર આવી પરબ ત્યાં જોવા મળે. 



સ્કુલ – કૉલેજ અને કચેરીઓ

જૂના જયપુરની દરેક ઇમારત એની સાંસ્કૃતિક એમ્બેસેડર છે. સ્કુલો – કૉલેજો પણ એવી રીતે કંડારાયા છે કે બહારથી એવું લાગે કે જાણે એ સ્કુલ કે કૉલેજ છે જ નહીં. પોલીસ કમીશનરની કચેરી પણ બહારથી કોઇ મ્યુઝિયમ જેવી લાગે. 


આ ખાખીવાળો ફોટામાં ન હોત તો તમે ફોટામાં જે ઇમારત દેખાય છે એને પોલીસ કમીશનરની કચેરી માનત ખરા ? :)


જોઇને જ પ્રેમમાં પડી જવાય એવું આ છે કન્યા વિદ્યાલય 




........અને આ છે કૉલેજ



પૅડલ રીક્ષા

પૅડલરીક્ષા :  હાથના નહીં પગના બાવડે પેટીયું રળતા લોકો

સાયકલની શોધ એ માણસે કરેલી ઉત્તમ શોધોમાંની છે અને સાઇકલરીક્ષાની શોધ એ માણસે કરેલી કનીષ્ઠ(એટલે કે બકવાસ) શોધોમાંની એક છે. કોઇ એક માણસ હાંફતો હાંફતો પૅડલ મારતો હોય અને પાછળ બે જણા મસ્તીથી બેઠા હોય એ દ્રશ્ય જ કરૂણ છે. મ્યુઝિયમો અને વહી ગયેલા રાજાઓના રહી ગયેલા મહેલોમાં ભવ્ય દેખાતા જયપુરમાં ગરીબી ખૂબ છે. સ્ટેશનની બહાર નીકળો એટલે સાયકલરીક્ષાવાળા વિંટળાઇ વળે. સાઇકલરીક્ષામાં બેસવું એ પાપ છે એમ વ્યક્તિગતપણે હું માનું છું. પરંતુ જે રીતે વીંટળાઇ વળેલા પેડલ રીક્ષાવાળા સાબ, બૈઠ જાઇએ બૈઠ જાઇએ. દશ રૂપિયે કમ દે દેના એવી આજીજી કરતા તમારી પાછળ અડધે સુધી આવે ત્યારે તેને ના પાડતાય જીવ ન ચાલે. ના અને હા વચ્ચે કોઇ મોટા ધર્મસંકટમાં મૂકાયા હોય એવું લાગે.
પેડલ મારી મારીને પૅડલરીક્ષા ચલાવનારાના પેટ અંદર ઉતરી ગયા હોય છે. ફાંદવાળો સાઇકલરીક્ષા ચલાવનારો તમે ક્યારેય નહીં જોયો હોય. જયપુરમાં મેં એવા પણ કેટલાક મોટી ઉંમરના પૅડલ રીક્ષાવાળાઓને જોયા જેમણે બંને પગે ગોઠણ અને પીંડીની વચ્ચે કસીને કપડું બાંધ્યું હતું. પગને ઉંમરનો થાક ન લાગે અને ઢળતી  ઉંમરે પણ પગ પૅડલ મારતા રહે એ માટે કદાચ તેમણે આમ કર્યું હશે.
મીઠાના અગરમાં કામ કરતો અગરીયો મરે છે અને તેને અગ્નિદાહ અપાય છે ત્યારે આખું શરીર તો બળી જાય છે પણ તેના પગ ઝટ બળતા નથી. મીઠાના અગરમાં કામ કરી કરીને તેના પગ એવા થઇ જાય છે કે આગ પણ તેને ઝટ અસર કરતી નથી. પૅડલ મારીને જીવતરની સાઇકલ ગબડાવતા આ પૅડલરીક્ષાવાળાના પગ પણ કદાચ અગરીયાઓની જેમ જ કદાચ ઝટ બળતા નહીં હોય !

તેજસ વૈદ્ય, મુંબઇ