Thursday, May 10, 2012

ઐની આપા, મન્ટો અને પૃથ્વી થીએટરની મહેફિલ



સઆદત હસન મન્ટો વિષે યોજાયેલી મહેફિલમાં નસીરૂદ્દીન શાહ શ્રોતા તરીકે આવ્યા હતા.

સાહિત્યસભાઓ, મંડળો, એકૅડેમી અને પરિષદો જે કામ નથી કરી શકી એ કામ મુંબઇમાં પૃથ્વી થીએટરે કર્યું છે. પૃથ્વી થીએટરનો માહોલ જ એટલો મનરંગી છે કે નાટક જોવા ન જવું હોય તો પણ સમય કાઢીને ત્યાં જઇને બેસવાની ઇચ્છા થાય. પૃથ્વી થીએટરમાં ભજવાતા નાટકો ઉપરાંત ત્યાંના કૅફેટેરિયા અને યારદોસ્તોની જે મંડળી જામે છે એ માહોલનું પણ એક ગ્લૅમર છે. જે ત્યાં જવા લલચાવે છે. સાહિત્ય, નાટક વગેરે પ્રવૃત્તિ જ્યાં ચાલતી હોય ત્યાં થોડું ગ્લૅમર જરૂરી છે(અલબત્ત, પ્રવૃત્તિ પ્રતિબદ્ધતા તો ખરી જ). નહીંતર, એ પ્રવૃત્તિ માત્ર સરકારી કે એકૅડેમિક બનીને રહી જાય છે. જેમકે, ગુજરાતી સાહિત્ય પરિષદ. સાહિત્યની પ્રવૃત્તિ જ્યાં માત્ર ખાનાપૂર્તિ તરીકે રહી જતી હોય ત્યાં પછી ધોળા માથાના માનવી જ વધુ જોવા મળે છે. પૃથ્વીમાં ઇસ્મત આપા કે નામથી લઇને મરીઝ સુધીના નાટકો ભજવાય છે. દર્શકોમાં યુવાઓની સંખ્યા માતબર હોય છે. યુવાઓને સાહિત્યમાં રસ નથી એવું કોઇ માનતું હોય તો એક વખત પૃથ્વી થીએટર તરફ જઇ આવવું. ભ્રમ નિરસન થઇ જશે. પૃથ્વી થીએટર પર ઘણું લખાયું છે અને હજીય ઘણું લખી શકાય એમ છે. વાત હું પૃથ્વી થીએટર વિષે નહીં પણ ત્યાં દર મહિને યોજાતી ઉર્દૂ મહેફિલ વિષે કરવા માગું છું.
પૃથ્વીમાં દર મહિનાના બીજા મંગળવારે સાંજે 7 વાગ્યે પૃથ્વી થીએટરની સામે આવેલા પૃથ્વી હાઉસના ફળીયામાં મહેફિલ મંડાય છે. જાવેદ સિદ્દીકી, શમા ઝૈદી, લુબ્ના સલીમ, સલીમ આરિફ તેમજ અર્વા મામાજી અને પ્રીયા નિઝારા નામની બે યુવતીઓ એનું આયોજન કરે છે. દોઢ – બે કલાક ચાલતા આ કાર્યક્રમમાં ઉર્દૂ લેખકો તેમજ શાયરો વિષે કૈફીયત રજૂ થાય છે. શેર – શાયરી તેમજ વાર્તાના કેટલાક અંશ રજૂ થાય છે. કાર્યક્રમમાં વચ્ચે વચ્ચે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વ્યક્તિવિશેષને લગતી વીડીયો ક્લિપ રજૂ થાય છે. જાવેદ સીદ્દીકી કે શમા ઝૈદી જે બોલે એમાં કોઇ ઉર્દૂ શબ્દ ન સમજાય ત્યારે એનો અર્થ સીધે સીધો પૂછી શકાય છે. આખા કાર્યક્રમનું ફૉર્મેટ એવું છે કે કાર્યક્રમ યોજાઇ રહ્યો હોય એવો કોઇ ભાર એમાં વર્તાતો નથી. ઓટલે બધા વાતચિત કરવા ભેગા થયા હોય એ રીતે મહેફિલ જામે છે. જે લેખકો કે શાયરો વિષે વાત થાય છે એના પુસ્તકો પણ ત્યાં ઉપલબ્ધ કરવામાં આવે છે. જેને મન પડે તે ખરીદી શકે છે.
મેં બે સેશનમાં ભાગ લીધો હતો. જેમાં જાવેદ સીદ્દીકીએ કુર્તુલ ઐન હૈદર અને સઆદત હસન મન્ટો વિષે વાતો કરી હતી. જાવેદ સીદ્દીકીની ઝબાનમાં જ એ વક્તવ્યના ચુનંદા અંશ મૂકું છે...
જેને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય છે. મહેફિલની મજા એ છે કે ત્યાં કોઇ ઔપચારિકતા નથી.
(ફોટો કર્ટસી - http://urduwallahs.wordpress.com)



સઆદત હસન મન્ટો  
મન્ટો સીંગલ લૅયર રાઇટર નહતો. એ પરત દર પરત ઉઘડતો લેખક હતો. એક લેખક તરીકે મન્ટોએ પોતાના ઝમાનામાં લખાતી રૂઢીગત સામાજિક વાર્તાઓ કરતાં નોખી દીશા પકડી હતી. મન્ટોએ એ એવી વ્યક્તિઓને કેન્દ્રમાં રાખીને કહાણીઓ લખી જેના વિષે કોઇ લખવા તો નહોતું માગતું, પણ વાંચવા પણ કોઇ તૈયાર નહોતું. જેમકે, દેહવ્યવસાય કરતી મહિલાઓ, તેમના પરિવારજનો વગેરે વગેરે. આ ઉપરાંત મન્ટોએ જે વિષય પર નોંધપાત્ર રીતે લખ્યું છે એ છે ભારત – પાકિસ્તાનના ભાગલા. મન્ટોએ ભાગલા વિષે જે લખ્યું છે એનો કોઇ મુકાબલો નથી. તેની વાર્તા કે લેખ કે લૅટર ઉઠાવીને વાંચશો તો તમને માલૂમ પડશે કે તેણે બટવારા શબ્દ વાપર્યો છે. પાકિસ્તાનનું નિર્માણ થયું એવો શબ્દ તેણે ક્યારેય નથી વાપર્યો. મન્ટોએ ક્યારેય એવું માન્યું નહોતું કે હિન્દુસ્તાન બની ગયું કે પાકિસ્તાન બની ગયું. બે મુલ્ક બની ગયા એવું તેણે ક્યારેય માન્યું નહોતું. તેણે માત્ર એટલું જ માન્યું કે એક મુલ્કના બે ટુકડા થઇ ગયા.
ઉર્દૂના મહાન લેખક મન્ટોની વિશેષતા એ પણ છે કે તે એસએસસીમાં ત્રણ વખત ફેઇલ થયો હતો. જે વિષયમાં તે ફેઇલ થયો હતો એ વિષય હતો ઉર્દૂ!

કુર્તુલ ઐન હૈદર
કુર્તુલ ઐન હૈદર અને મ ન્ટો વિષે
પોતાની કૈફિયત રજૂ કરતા જાવેદ સીદ્દીકી
(ફોટો કર્ટસી - http://urduwallahs.wordpress.com)
કુર્તુલ ઐન હૈદરને ઉર્દૂ સાહિત્ય જગત ઐની આપા તરીકે ઓળખે છે. તેમના વિષે જણાવતાં જાવેદ સિદ્દીકીએ કહ્યું હતું કે કુર્તુલ ઐન હૈદરનો કમાલ એ છે કે તે જો ફિલ્મો લખતી હોત તો સલીમ જાવેદ કરતાં અનેકગણી કામયાબ સ્ક્રિનપ્લે રાઇટર હોત. કારણકે, પોતાના લખાણો દ્વારા એ જે રીતે તસવીરો ખેંચતી હતી એમાં કોઇ ચીજની ડિટેલ બાકી નહોતી રહેતી. એ નિહાળતાં એટલે કે વાંચતા તમને એવું લાગે કે તમે ત્યાં પહોંચી ચૂક્યા છો અને એ માહોલને જીવી રહ્યા છો. તેમના સાહિત્યમાં છૂટતી પરંપરાનો નૉસ્ટાલ્જીયા સતત જોવા મળે છે. આપણી પરંપરાઓ જે મરી રહી હતી એનો માતમ હમેશા તે કરતી રહી હતી. જે તેની નૉવેલમાં જોઇ શકાય છે. તેની સૌથી લોકપ્રિય નૉવેલ આગ કા દરિયા છે. એની તારીફ તો ઘણા લોકો કરે છે, પરંતુ વાંચે છે બહુ ઓછા. એ નૉવેલ વાંચશો તો તમને સમજાશે કે એ નૉવેલ નથી પણ એક ઝમાનાની તારીખ(ઇતિહાસ) છે. નૉવેલને તેણે ત્રણ તબક્કામાં વહેંચી છે.  બુદ્ધનો કાળ એ પછી આઝાદી પહેલાનો અને આઝાદી પછીનો કાળ. આ ત્રણ કાળખંડના વર્ણનમાં કુર્તુલ ઐન હૈદર કહેવા એ માગે છે કે વક્ત બદલાય છે પણ લોકો નથી બદલાતા. તેમના સંબંધ નથી બદલાતા.  
જાવેદ સીદ્દીકી
મહેફિલમાં અન્ય એક ઉર્દૂમર્મી સુહૈલ વારસીએ સરસ વાત કહી હતી  કે ઐની આપાનું કૅન્વાસ એટલું મોટું છે કે એમાં કેટલાય ઝમાના શ્વાસ લેતા સંભળાય છે. તેમના સાહિત્યમાં કોઇ કેરેક્ટર ઝમાનો બની જાય કે કોઇ ઝમાનો કેરેક્ટર બની જાય એ ઐની આપાની વિશેષ શૈલી છે.




                               તેજસ વૈદ્ય, મુંબઇ

Saturday, April 28, 2012

મુંબઇ ટપાલ - 1 (રખડવાની રાજધાની મુંબઇ)


આ પોસ્ટ મુંબઇ બહારના ગુજરાતીઓને ધ્યાનમાં રાખીને લખું છું. મુંબઇ રખડવાની રાજધાની છે. જેને રખડવું ગમતું હોય એના માટે આ શહેર ક્યારેય જુનૂં થતું નથી. માણસ રખડતો રખડતો થાકી જાય પણ મુંબઇ પોતાના આશ્ચર્યો નથી અટકાવતું કે નથી થાકતું. એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જતી પેજ-થ્રી કન્યાઓ જેમ પોશાક બદલે અને બીયર બારથી લઇને ફૂટપાથ સુધી જેમ રાત અવનવા રંગ પકડે એમ મુંબઇ રોજ એના સંદર્ભ બદલતું રહે છે. ફેરીયાઓની જેમ મુંબઇ પણ રોજ પોતાના મિજાજનો ઠેલો પાથરીને ફેલાઇ પડે છે, પરંતુ મુંબઇનો આમ આદમી રોજબરોજની ઘેટા કમ ઘોડા દોડમાં આંખ સામે પથરાયેલી મુંબઇની જે વિશેષતા અને વિવશપણું છે એ જોવાનું ચૂકી જાય છે. મુંબઇ એ જોવા કરતાં નિરીક્ષણ કરવાનું શહેર છે. જેમ જેમ એનું નિરીક્ષણ કરતા રહો એમ એમ એનો નશો તમને વળગવા માંડે. પ્રસ્તુત છે તસવીરી જુબાનીમાં મુંબઇના મિજાજની મિજબાની.. 





ધમધમતું અને મઘમઘતું ફૂલ બજાર - દાદર(વેસ્ટ), સવારે પાંચ વાગ્યે

ફૂલ બજાર - મુંબઇ રાતનું શહેર કહેવાય છે, પરંતુ એના કેટલાક ઇલાકા વહેલી સવારે નિહાળવા લાયક છે. જેમ કે, દાદર(વેસ્ટ) સ્ટેશનની બહાર લાગતું ફૂલ બજાર. અહીં દર્શાવેલા ફોટા સવારે પાંચ વાગ્યે પાડેલા છે. મુંબઇના તમામ દેવાલયોમાં ભગવાનને જે ફૂલ ચઢે છે એ વાયા દાદરની ફૂલ બજાર થઇને જાય છે. સવારે પાંચ વાગ્યે એટલે કે સૂરજનું અજવાળું આવે એ પહેલા અહીં ફૂલોનું રજવાડું પથરાઇ ચૂક્યું હોય છે. વહેલી સવારે દાદરની આ માર્કેટમાં જઇએ તો દિલ ખરેખર બાગ બાગ થઇ જાય. આમ તો આખો દિવસ આ ફૂલ બજારમાં ફૂલોની અને માણસોની ભીડ રહે છે, પરંતુ વહેલી સવારે આ બજારની રંગત તાજા ફૂલની જેમ ખીલેલી હોય છે.








ધોબીઘાટ - મહાલક્ષ્મી(વેસ્ટ), સવારે છ વાગ્યે

ધોબીઘાટ - વહેલી સવારે જઇને જોવાની મજા આવે એવા સ્થળોમાં ધોબીઘાટ પણ સામેલ છે. મહાલક્ષ્મી સ્ટેશન(વેસ્ટ)ની બહાર નીકળો અને પુલની નીચે જુઓ તો મુંબઇના ઐતિહાસિક ધોબીઘાટના દર્શન થાય. દર્શાવેલી ધોબીઘાટની તસવીરો સવારે છ વાગ્યે લીધી છે. સવાર સવારમાં ઘાટ પર જ ઊભડક ન્હાઇને દાંતના ખૂણે તમ્બાકુ અને કમરની નીચે પ્લાસ્ટિક ભરાવીને ધોબીઓ મંડી પડે છે. મુંબઇ અને એની આસપાસના લાખો લુગડા બપોરે દોઢેક વાગ્યા સુધીમાં 
કમ્મરે પ્લાસ્ટિક ભરાવીને દે ધોબીપછાડ
કૉલાજ - ધોબીઘાટના એક કુંડમાં પલાળેલું કાપડ
ઉજળીયાત થઇ જાય છે. રામપ્રસાદ નામનો ધોબી મને ત્યાં મળ્યો હતો. તેણે કહ્યું હતું કે ચાર – પાંચ જણાનું એક ગૃપ હોય છે. આવા પંદરસો જેટલા ગૃપ છે. દરેક ગૃપ રોજના ત્રણથી ચાર હજાર કપડા ધોઇ નાખે છે. આભા બની જઇએ એવો આ આંકડો સાભળીને બે ઘડી તો મને એમ જ થયું કે હું ધોબીઘાટ પર નહીં પણ બોમ્બે સ્ટોક એક્સડેન્જના બિલેડીંગની નીચે ઊભો છું. સાચું ખોટું રામ અને રામપ્રકાશ જાણે પણ ધોબીઘાટ અદભૂત જગ્યા છે. કિરણ રાવની ફિલ્મ ધોબી ઘાટ તમને કદાચ ગમે કે ન ગમે પણ સાચુકલો ધોબી ઘાટ જોવો જરૂર 
ગમશે.    










પાક કલા પછીની પાન કલા, કોલાબા 


લખનવી કોલાબા - પાન એ માત્ર ખાવાની જ નહીં પણ સજાવવાનીય વસ્તુ છે એ કોલાબાની ઊભી બજારે આંટો મારીએ એટલે સમજાય. ફૂડ ડ્રેસીંગ ફોટોગ્રાફીના સીલેબસમાં સુધારો કરીને પાન ડ્રેસીંગનું ચેપ્ટર પણ ઉમેરવું જોઇએ. કોલાબાની આ ગલીઓમાં અંગ્રેજો અને આરબોની ખૂબ અવર જવર રહે છે. કંઇક નોખી કે નવી ચીજ તરીકે પાન ખાવા માટે તેમની જીભ લલચાય એ માટે આ પ્રકારે મસાલા પાન સજાવવામાં આવે છે. મુદ્દાની વાત એ છે કે આ સજાવેલા પાન સ્વાદમાં સાદા પાન કરતાંય નબળા હોય છે. એના સ્વાદની માત્ર શોપીસ વૅલ્યુ જ હોય છે. જો કે એની સજાવટ એવી લાજવાબ હોય છે કે એ જોઇને તમને કોલાબામાં લખનવની ઝાંખી થાય.
મોઢું મીઠું કરો, ખિસ્સું ઢીલું કરો  -  કોલાબાનો લખનવી અંદાજ














કાપડ માર્કેટप्रेम गली अति संकरी, तामें दाऊ न समाई | એવો કબીરનો દુહો છે. મુંબઇની મંગળદાસ અને સ્વદેશી માર્કેટમાં જાવ એટલે એવું લાગે કે કબીરને આ દુહાની પ્રેરણા મુંબઇની કાપડ બજારોમાંથી મળી હશે. મુંબઇની કાપડ માર્કેટની ગલીઓ એટલી સાંકડી છે કે બેથી ત્રણ જણા એક હારમાં માંડ માંડ ચાલી શકે. તો ય આ માર્કેટોમાં રોજ માણસોની એટલી ભીડ હોય કે જાણે કીડીયારા સામે હરિફાઇ માંડી હોય. વર્ષો જૂની આ માર્કેટો કરોડોનું ટર્નઓવર ધરાવે છે. તો ય ત્યાં હિસાબ ચોપડે જ મંડાય છે. કોમ્પ્યુટરની બાબતમાં વેપારીઓ કોમ્યુનિસ્ટો છે. ગાદી તકીયાની જ બેઠક છે. અંગ્રેજોએ માર્કેટની અંદર મૂકાવેલા પોસ્ટ ઓફીસના ડબ્બા આજના ઇ મેઇલના જમાનામાં ય માર્કેટની રોનક ગણાય છે. વર્ષો જૂના વજનકાંટા જેને વેપારીઓ ધરમ કાંટા કહે છે એ પણ ત્યાં છે. આ માર્કેટોની વિન્ટેજ ફ્લેવર જે છે એ  વાઇનને હરિફાઇ આપે એવી છે. આપણને ગમે એવી વાત એ છે કે આ માર્કેટોમાં ગુજરાતી વેપારીઓનું વર્ચસ્વ છે.  
સ્વદંશી માર્કેટ (ઇનસાઇડ)


મારો ય એક ઝમાનો હતો - અંગ્રેજોના વખતથી મુંબઇની
કાપડ માર્કેટોમાં પોસ્ટ ઓફીસના ડબ્બા મૂકાયા હતા.


મૂળજી જેઠા કાપડ માર્કેટની ગલીઓના નામ વાંચો !

ધરમ કાંટા 










સંજય લીલા ભણસાલી માટે એક સમયે ધરતીનો છેડો તળ મુંબઇનો આ રૂમ હતો
સંજય ભણસાલીનું 200 સ્ક્વેર ફૂટનું જુનૂં ઘર  - તળ મુંબઇમાં ભૂલેશ્વરના  સી પી ટેન્ક(કાવસજી પટેલ ટેન્ક) વિસ્તારમાં ગુલાલવાડીમાં આવેલી ત્રીજી પાંજરાપોળની સામે આવેલા ભાનુસાલી ભુવનમાં ત્રીજા માળે આવેલો રૂમ નંબર 12 એટલે સંજય લીલા ભણસાલીનું જુનૂં સરનામું. અત્યારે સંજય ભણસાલી અને લીલાબહેન જુહૂમાં આલીશાન ઘરમાં રહે છે. પરંતુ એક સમયે 200 સ્ક્વેર ફૂટનો આ એક રૂમ ભણસાલી પરિવારનું આખું ઘર હતો. એ એક રૂમ જ રસોડું, બેઠક રૂમ અને બેડ રૂમ એમ બધું જ હતો. એ રૂમમાં હવે અલાહાબાદનો ચૌરસીયા પરિવાર રહે છે. રોચક વાત એ છે કે સંજય લીલા ભણસાલીના ઘરથી દશ મિનિટના અંતરે જયહિન્દ એસ્ટેટ આવેલું છે, જ્યાં એક સમયે ધીરૂભાઇ અંબાણી રહેતા હતા. અભિયાન માટે રીપોર્ટીંગ વખતે કોલમ્બસગીરી કરીને એટલે કે ખાખાખોળા કરીને આ સરનામે પહોંચ્યો હતો અને કેટલીક રસપ્રદ માહિતી મેળવી હતી.
(આંખ ઝીણી કરીને વાંચો) ભાનુશાલી ભુવન 









બહારગામ કે અન્ય શહેરથી મુંબઇ જોવા આવનારાઓ ગેટવે ઓફ ઇન્ડિયા કે ચોપાટી કે એસ્સેલ વર્લ્ડની ફુદરડીઓમાં ફરીને ચાલ્યા જાય છે. એનીય મજા છે એની ના નહીં. સાથો સાથ ઉપર જે વર્ણવ્યા એ (સંજય ભણસાલીના ઘરને બાદ કરતાં) સ્થળોનીય મજા છે. બહારથી ફરવા આવતા મોટા ભાગના લોકો આ સ્થળો જોવાનું ચૂકી જાય છે. કદાચ તેમને મન આ સ્થળો જોવાલાયક કૅટેગરીમાં ન પણ આવતા હોય એવું હોઇ શકે. પરંતુ ફરવામાં અને ઝીણું ઝીણું જોવામાં રસ હોય તો ફૂલ બજાર, કાપડ માર્કેટો, ધોબી ઘાટ જેવા સ્થળો પણ ખરેખર રસ પડે એવા છે. મુંબઇની ભાતીગળ ભૂગોળમાં આવા તો કંઇ કેટલાય નમૂના પડ્યા છે જેના વિષે ફરી ક્યારેક

તેજસ વૈદ્ય, મુંબઇ

Monday, April 16, 2012

એક અકેલા ઇસ શહેર મેં, ગાયક ભુપિન્દર જેવો કોઇ બીજો શહેરમાં નથી


ગાયક ભુપિન્દરસિંહ માટે ગુલઝારે એવું કહ્યું હતું કે તેના અવાજમાં કંઇક એવું તત્વ છે કે એ અવાજનું તાવીજ બનાવીને ગળે લટકાવવાનું મન થાય. ત્રણેક વર્ષ પહેલા રજૂ થયેલા ભુપિન્દરના આલબમ એક અકેલા ઇસ શહેર મેં ના લૉન્ચિંગ વખતે ગુલઝારે આ શબ્દો કહ્યા હતા.

ભુપિન્દરનો અવાજ ખૂબ નિરાંતવો છે. તેના અવાજમાં એટલી ફુરસદ છે કે આખા મુંબઇનો કોલાહલ શાંત થયા બાદ રાત્રે અઢી વાગ્યે જે હળવાશ અને મોકળાશ મરીનલાઇન્સના દરિયાકાંઠે અનુભવાય એવી શાતા ભુપિન્દરના અવાજમાં છે. હિન્દી ફિલ્મોમાં તેણે બહુ ઓછા ગીતો ગાયા છે, પણ એમાંના મોટા ભાગના ગણગણવાલાયક બન્યા છે. જયદેવ, મદન મોહન, ખય્યામ, આર.ડી.બર્મન જેવા પરખંદા સંગીતકારોએ ભુપિન્દર પાસે ગીતો ગવરાવ્યા છે. ભુપિન્દરે ગાયેલા જે ગીતો લોકોની જબાન પર ચઢ્યા છે એમાં સંગીતકારોનો જ ફાળો નથી. ભુપિન્દરના અવાજની અદાયગી પણ એટલીજ નિમિત્ત છે. જે માણસના કાન સંગીતમાં ઝાઝા પરોવાયેલા નહીં હોય એ પણ ભુપિન્દરે ગાયેલું ગીત સાંભળીને એટલું કહી શકશે કે આ ગીત ભુપિન્દરે ગાયું છે. દરેક ગાયક પાસે અવાજની આવી આગવી ઓળખ નથી હોતી.

હવે ફરી પાછો વાતની શરૂઆત પર આવું. ગુલઝારે જેનું લોકાર્પણ કર્યું હતું એ આલબમ એક અકેલા ઇસ શહેર મેં ભુપિન્દરના ગાયનના શોખીનોએ વસાવવા જેવું છે (ટાઇમ્સ મ્યુઝિકે લૉન્ચ કરેલા આ આલબમના ગીતો ઇન્ટરનેટ પર નથી. તેથી ડાઉનલોડ નહીં કરી શકાય. ખરીદવું જ પડે એમ છે). આલબમ લાઇવ કન્સર્ટનું રેકોર્ડીંગ છે. જેમાં દિલ ઢૂંઢતા હૈ.., એક અકેલા ઇસ શહેર મેં.., નામ ગુમ જાયેગા.., કભી કીસીકો મુકમ્મલ જહાં નહીં મીલતા.., હુઝુર ઇસ કદર.., બીતી ના બીતાઇ રૈના.., ઝીંદગી મેરે ઘર આના.., હોકે મજબૂર મુજે..જેવા કુલ નવ ગીતો છે.

આલબમની હાઇલાઇટ એ છે કે ગીતો જૂના છે પરંતુ એનું મ્યુઝિક ઓરકેસ્ટ્રેશન, ડિઝાઇનીંગ અને માસ્ટરીંગ એકદમ ફ્રેશ છે. તેથી ભુપિન્દરના ગીતો વર્ષો પહેલા નહીં પણ ગઇ કાલે જ રૅકોર્ડ કર્યા હોય એવી લૅટેસ્ટ ફીલીંગ આપે છે.  

આલબમની બીજી હાઇલાઇટ એ છે કે દરેક ગીતની શરૂઆતમાં એને લગતી કમેન્ટ ભુપિન્દર આપે છે. જેમકે, ફિલ્મ ઘરોંદા ના ગીત એક અકેલા ઇસ શહેર મેં ના સંગીતકાર જયદેવ હતા. એ ગીતની માંડણી કરતાં પહેલા ભુપિન્દર કહે છે કે જયદેવસાહબ કે અનગિનત દોસત થે લેકિન કહીં ન કહીં વો હમેશા અકેલે હી નજર આયે. ઉનકી દોસ્ત ઉનકી કિતાબેં હી થી. જીનસે ઉનકા કમરા ભરા પડા રહેતા થા. બહોત શૌકીન થે કિતાબેં પઢને કે. ઉનકે અકેલેપનકી ઝલક કુછ કુછ ઉનકે ઇસ નગમે મેં ભી દીખાઇ પડતી હૈ.

હિન્દી ફિલ્મસંગીતમાં ગિટાર લોકપ્રિય થયું એની પછળ પણ ભુપિન્દરનો પાયાનો રોલ છે. આર.ડી. બર્મન માટે દમ માર દમ.. જેવા ગીતોથી લઇને મહેબૂબા ઓ મહેબૂબા.. જેવા ગીતોમાં ગિટાર ભુપિન્દરે વગાડ્યું છે. કોઇ કલાકાર ડિસ્કો ગીતોમાં ગિટાર વગાડતો વગાડતો કભી કીસીકો મુકમ્મલ જહાં નહીં મીલતા..જેવી ગઝલ ગાય છે, એ ઘટના જ તદ્દન બીજા છેડાની છે. ગિટાર ઉપરાંત પણ તે અન્ય વાદ્યો વગાડી જાણે છે. ગાયક, કમ્પોઝર, ઉત્કૃષ્ટ ગિટાર પ્લેયર આ વિવિધતાભર્યા કોમ્બીનેશનને લીધે જ ગુલઝાર ભુપિન્દર માટે કહે છે કે શહેરમાં ભુપિન્દર જેવો કોઇ બીજો નથી, એક અકેલા ઇસ શહેર મેં...

તેજસ વૈદ્ય, મુંબઇ

Monday, April 2, 2012

સૌમ્ય જોશી પંચમુખી રૂદ્રાક્ષ જેવો માણસ છે. ‘વેલકમ જીંદગી’ એ ગુજરાતી રંગભૂમિને અપાયેલું મોટામાં મોટું સ્ટીરોઇડ્સ છે - પરેશ રાવલ






'વેલકમ જીંદગી' પુસ્તકનું પરેશ રાવલ દ્વારા  લોકાર્પણ - (ડાબેથી) સૌમ્ય  જોશી, પરેશ રાવલ, સુરેશ દલાલ, અંકીત ત્રિવેદી

જે નિહાળ્યા પછી જેની અસર ઝટ ઓટ ન પકડે એવું હ્રદય સોંસરવું નાટક એટલે વેલકમ જીંદગી. અમદાવાદના સૌમ્ય જોશીએ લખેલા અને ભજવેલા આ નાટકે સડસડાટ 250 શો પૂરા કરી નખ્યા બાદ હવે આ નાટક પુસ્તકરૂપે પ્રગટ થયું છે. કોઇ ફુલલૅન્થ ગુજરાતી નાટક પુસ્તકરૂપે પ્રગટ થાય એવી ઘટના ગુજરાતી સાહિત્યમાં વર્ષો પછી બની હશે. મુંબઇના વિલેપાર્લેમાં આવેલા ભાઇદાસ હૉલમાં હકડેઠઠ મેદની વચ્ચે પરેશ રાવલે જ્યારે પુસ્તકની રીબન ખોલી ત્યારે સાથોસાથ ગુજરાતી નાટકનો નવો અધ્યાય પણ ઉઘડ્યો હતો. અધ્યાય એટલા માટે કે વર્ષો પછી અમદાવાદના કોઇ નાટ્યકારનું નાટક મુંબઇમાં ખૂબ પોંખાયું હતું. પોંખાયું પણ એવું કે મુંબઇના નાટ્યકારો દંગ રહી ગયા. માત્ર ત્રણ કીરદારવાળું નાટક હોય. જેની હીરોઇન જુવાની વટાવી ગયેલી ગૃહીણી હોય અને તે નાટકમાં ગાઉન સિવાય કોઇ પોશાક ન પહેરતી હોય. એવું નાટક મુંબઇ જેવી ગ્લેમર નગરીમાં સુંડલામોઢ શો કરે ત્યારે ખબર પડે કે પરેશ રાવલ શા માટે આ નાટકને ગુજરાતી રંગભૂમીને અપાયેલું સૌથી મોટું સ્ટીરોઇડ્સ કહે છે.

કાર્યક્મની આમંત્રણ પત્રિકા(ફ્રન્ટ કવર)
ઇમેજ પબ્લીકેશને આ નાટકને પુસ્તકરૂપે પ્રગટ કર્યું એ માટે ધન્યવાદ દેવા જ પડે. કારણકે, ગુજરાતી નાટકોની આજકાલ ડીવીડી તો મળે છે પરંતુ પુસ્તક નથી બનતા. સારું નાટક પુસ્તકરૂપે પ્રગટ થાય એ બીરદાવવા જેવી વાત એટલા માટે છે કે એ રીતે ભવીષ્યની પેઢી માટે તેનું ડૉક્યુમેન્ટેશન થાય છે. પચાસ વર્ષ પછી નવી ગુજરાતી પેઢીને વેલકમ જીંદગી વિષે જાણવું હશે તો પુસ્તક હાથવગું હશે.

ભાઇદાસ હૉલમાં યોજાયેલા પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમનું સંચાલન અંકિત ત્રિવેદીએ કર્યું હતું. આ પ્રસંગે સૌમ્ય જોશીને મીઠો ઠપકો આપતાં સુરેશ દલાલે કહ્યું હતું કે સૌમ્ય જોશીએ વ્યવસ્થિત લાસરીયો માણસ છે. પુસ્તક માટે તેની પાસેથી નાટક કઢાવવું એ લાકડાની ગાયને દોહવા જેવું કામ છે. છતાં અમે તેની પાસેથી નાટક લાવી શક્યા એનો આનંદ છે. હું લોકોને કહું છું કે તમારા બાળકો ભલે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય પણ તેમને આપણી ભાષાના નાટકો બતાવજો. એમાં તેમને આપણી ભાષા સંભળાશે. નાનપણમાં સાંભળેલું બહુ યાદ રહેતું હોય છે. મને ભાંગવાડીના નાટકોના ડાયલોગ્સ આ ઉંમરેય મોઢે છે.

કાર્યક્રમની આમંત્રણપત્રિકા (બૅક કવર)
સૌમ્ય જોશીએ કહ્યું હતું કે નાટક ક્યારેય એક વ્યક્તિથી થતુ નથી. એ ટીમવર્ક છે. નાટક સાથે સંકળાયેલા દરેક કસબીનો હું આભાર માનું છું. આ નાટક અમદાવાદથી મુંબઇ લાવતો હતો ત્યારે મનમાં કેટલીક વિમાસણ હતી. નાટક સાથે ઇકનૉમિક્સ જોડાયેલું હોય છે અને એ બહુ મહત્વનું પાસું હોય છે. વ્યાવસાયી રંગભૂમિ એ એક ચોક્કસ પોઇન્ટ પછી બીઝનેસ છે. એ ગણિતમાં વેલકમ જીંદગી કોઇ પણ રીતે ખરું ન ઉતરે એવું નાટક હતું. કારણકે, આ નાટકમાં હીરોઇન પોણા ભાગનો સમય ગાઉન પહેરે છે. સારા ગાર્મેન્ટ્સ સ્ટોરની સ્પોન્સરશીપ ન લઇ શકાય એવું નાટક છે. નાટકના ત્રણ મુખ્ય કલાકારો એટલે કે હું, અભિનય બેન્કર અને જીજ્ઞા વ્યાસ એ મુંબઇની ગુજરાતી રંગભૂમિ માટે નવા નામ છે. પેરેલલ રંગભૂમિ કહી શકાય એવા નાટકો મેં મુંબઇમાં પૃથ્વી થીએટર, નેહરૂ સેન્ટર પરફોર્મીંગ આર્ટ્સ વગેરે ઠેકાણે કર્યા હતા, પણ વ્યાવસાયિક રંગભૂમિ પર મારું નામ જાણીતું નહોતું. તેથી આ નાટક લાવવા માટે સામર્થ્ય દર્શાવનારા પ્રોડ્યુસર્સનો ખૂબ આભાર.

કાર્યક્મમાં ભજવાયેલા 'વેલકમ જીંદગી' નાટકના  એક અંશનું દ્રશ્ય
(બૅકડ્રોપમાં આમંત્રણ પત્રિકાનો જે કટ આઉટ મૂક્યો છે એ જ દ્રશ્ય છે)
પરેશ રાવલને ફિલ્મોમાં તો લોકોએ ખૂબ માણ્યા છે. મુંબઇમાં યોજાતા જાહેર કાર્યક્રમોમાં તે ખાસ જોવા મળતા નથી. તેથી તેમને સાંભળવા માટે ઑડીયન્સ કાન માંડીને બેઠું હતું. વેલકમ જીંદગી અને સૌમ્ય જોશી વિષે પરેશ રાવલે જે કંઇ બોલ્યા એ અક્ષરશ: સાંભળો...

સૌ પ્રથમ મેં જ્યારે તેજપાલ ઑડીટોરીયમમાં આ નાટક જોયું ત્યારે મારા પર શું વીતી એનું વર્ણન કરવા બેસું તો મારી આંખમાંથી આંસુ સિવાય બીજું કંઇ નહીં નીકળે. નાટક જોયા પછી બે શબ્દ બોલવા માટે મને જ્યારે મંચ પર બોલાવવામાં આવ્યો હતો ત્યારે જે શબ્દ મારા અંદરથી નીકળી ગયા હતા તે એ કે મુંબઇવાળાની બોલતી બંધ કરી નાખનારું નાટક છે. એનું કારણ એ કે મુંબઇના અમે જે રાઇટર કે ડિરેક્ટર છીએ એ બધા કોલર ટાઇટ કરીને ફરતા હોઇએ છીએ કે અમે જ રાજા છીએ, અમે જ બાદશાહ છીએ. આવું બોલવા પાછળનું કારણ એ પણ છે કે આ વાત કંઇકઅંશે સાચી છે. 1972થી હું મુંબઇ બહારના નાટકો જોતો આવ્યો છું એમાં એક પણ નાટક આટલું જબરદસ્ત નથી આવ્યું. પછી એ વડોદરાનું હોય કે સુરતનું. એક પણ નાટક નહીં એમ કહેવા પાછળ હું કેટલો સાચો છું એ આ નાટકના 250 શો એ પૂરવાર કરી ધીધું છે. નાટક વેલકમ જીંદગી મુંબઇ સુધી લઇ આવવા બદલ પ્રૉડ્યુસર ત્રિપુટી ઉમેશ શુક્લ, ભરત ઠક્કર અને હેમલ ઠક્કરને ખૂબ ખૂબ અભિનંદન. સૌમ્ય જોશી એવો સૂરજ છે કે આજે નહીં તો કાલે આ તરફ ઉગવાનો જ હતો, પણ થોડો વહેલો ઉગાડવા માટે આ ત્રણે પ્રૉડ્યુસર્સનો ખૂબ ખૂબ આભાર. ચિત્રગુપ્તના ચોપડે બહુ મોટું પુણ્ય આ લોકોના નામે જમા થઇ ચૂક્યું છે.
મારા હિસાબે સારું નાટક એ કહેવાય કે જેનો પડદો પડે અને તમારા મન – મગજના પડદા હટી જાય, આવરણ દૂર થઇ જાય, ધુમ્મસ વિખેરાઇ જાય. તમારા માનસપટ પર અમુક પ્રકારનો અજવાસ થઇ જાય. શંભુ મિત્રાએ કહયું હતું કે દર્શકો પોતાની સાથે એક દીવો લઇને આવે છે. નાટક કે ફિલ્મનું કામ એ દીવો પ્રગટાવવાનું છે. વેલકમ જીંદગીની ખાસીયત એ છે કે એ જોતાં જોતાં ભૂલી જાવ છો કે તમે નાટક જોઇ રહ્યા છો. તમારી દુનિયામાંથી કાંઠલો પકડીને નાટક તમને એની દુનિયામાં લઇ જાય છે. તમને ખબરેય ન પડે કે તમે ક્યારે એના ઘરમાં કે એની દુનિયામાં પ્રવેશ કરી ચૂક્યા છો એવી ખાસીયત આ નાટકમાં ભારોભાર છે, લદોલદ છે. આ નાટક જોતી વખતે તમે નાટક નહીં પણ જીંદગી જોતાં હોય એવું લાગે છે.  
આપણે ત્યાં મંડળો, સામાજિક સંસ્થાઓ થકી કેટલાક નાટકોના 300 કે 500 શો થાય છે, પરંતુ એ મહત્વની વાત નથી. એ મંડળો, સંસ્થાઓ સારું જ કરી રહ્યા છે પણ એ નાટકોમાં માત્ર ગતિ હોય છે. ચોથી એબીસીડીમાં તમે વળાંકવાળા અક્ષરે લખો એટલે એ લાગે સારું પણ એમાં કોઇ સત્વ – તત્વ નથી હોતું. મહત્વનું એ છે કે તમે શું લખ્યું છે. તેથી આવા નાટકોના જ્યારે 250 શો થાય ત્યારે વાંઝણીને ગર્ભ રહ્યો હોય એવો આનંદ થાય છે.
આવા નાટક જોઇએ ત્યારે નાટ્યકાર કે રંગકર્મી તરીકે ભવીષ્ય સારું લાગવા માંડે છે કે આવા નાટકો દર્શકો ઝીલી રહ્યા છે ને આપણે સારા નાટકો કરી શકીશું. વેલકમ જીંદગીએ ગુજરાતી રંગભૂમિને અપાયેલું મોટામાં મોટું સ્ટીરોઇડ્સ છે. આ નાટકથી એ આશા જન્મે છે કે તમે સારું કરશો તો પ્રેક્ષકો કહેશે વાહ વાહ..
હવે વાત કરીએ આપણે જોશીસાહેબની. બહુ રૅર કોમ્બીનેશન છે આ માણસ. આપણે ત્યાં રાઇટર – ડિરેક્ટરના કોમ્બો ઘણા આવી ગયા છે. જેમ કે, શૈલેષ દવે, કાન્તિ મડીયા, અરવીંદ જોશી વગેરે. પરંતુ આ માણસ પંચમુખી રૂદ્રાક્ષ જેવો છે. કવિ, નાટ્યલેખક, દિગ્દર્શક, કલાકાર, સંગીતકાર અને લટકામાં અંગ્રેજીનો પ્રોફેસર છે. આવું રૅર કોમ્બીનેશન ગુજરાતી રંગભૂમિ પર આવ્યું નથી. જે લેવલે તેણે નાટકની માવજત કરી છે એ વખાણવાલાયક છે. બધા નવા કલાકારોને લઇને બે બે મહિનાની કાળી મહેનત પછી એ જે માણસ તૈયાર કરે છે ત્યારે એ નવા કલાકારો જૂના જેવા પીઢ લાગે છે. કોઇ કૃત્રિમ રીતે સંવાદ બોલતા નથી. જૂના તેની સાથે કામ કરશે તો આ માણસ નવા જેવા ફ્રેશ કરી આપશે એવી મારી ખાતરી છે. કૌસ્તુભ ત્રિવેદી એક વખત બોલી ગયા હતા કે અમુક કલાકારોએ ગુજરાતી રંગભૂમિ પર લોકોને ઊંચુ સાંભળવાની આદત પાડી દીધી છે. આપણે ત્યાં ઘોંધાટ ડેસીબલ લેવલ વધારે એટલે ઇન્ટેન્સીટી થઇ જાય છે. સાહજિકપણું જ ગુમાવી બેઠા છીએ. એવી પ્લાસ્ટિકની બંગડી થઇ ગયા છીએ કે જેના પર માખી પણ ન બેસે. આવા સંજોગોમાં નવા કલાકારો ઉતારવા અને આટલું જબરદસ્ત નાટક આપવું એ મારા હિસાબે બહુ મોટી વાત છે. નાટકના ડાયલૉગ્સ તમને ડાયલૉગ્સ લાગતા જ નથી. જીવનખરલમાંથી ઘૂંટાઇને આવ્યા હોય એવા લાગે છે.
નાટકની લાસ્ટ સૉલિલક્વી(સ્વગતોક્તિ) વિષે વાત કરું તો સલામ છે સૌમ્ય જોશીને. નાટકમાં છેલ્લે વીસેક મિનિટની જે સૉલિલક્વી છે. એક કલાકાર તરીકે મેં ગુજરાતી રંગભૂમિ પર આવી સૉલિલક્વી મેં ક્યારે જોઇ હશે એ મને યાદ નથી. આર્થર મીલર વિષે એવું કહેવાતું કે ડેથ ઓફ અ સેલ્સમેન તેમણે લખ્યું નથી, રીલીઝ કર્યું છે. એવું સૌમ્ય જોશીએ કર્યું છે. એ સૉલિલક્વીમાં તેણે રીલીઝ કરી નાખ્યું છે. અમુક ડાયલૉગ્સ તો તમરા મગજની નસો ફાડી નાખે એવા છે. આવા નાટકને પુસ્તક સ્વરૂપે બહાર પાડવા માટે ઇમેજ પબ્લીકેશન્સને અભિનંદન. હું માનું છું ત્યાં સુધી નાટકનું પુસ્તક બહાર પાડવાનું ગુજરાતી રંગભૂમિ પર થયું નથી.
કોઇ સારું કામ કરે ત્યારે મને એવી ઇર્ષ્યા થાય છે કે હું આવું ક્યારે કરી શકીશ. નાટક જોયું અને સૌમ્ય જોશી જે છેલ્લી સૉલિલક્વી બોલે છે એ જોઇને મને થયું કે આ સાલું મારે બોલવું હોય તો ? મને બોલવા મળે તો ? મેં તેની સામે ઇચ્છા પણ પ્રગટ કરી  હતી. તો તેણે મને ક્હયું પણ હતું કે હું તો યાર, રીલક્ટન્ટ એક્ટર છું. મને ખબર હોત તો નાટક આપણે સાથે કર્યું હોત. એટલે જે નાટક સાથે મારે જોડાવું હતું એ મોકો મને આ રીતે પુસ્તક લોકાર્પણ દ્વારા આપવા બદલ ઇમેજ પબ્લીકેશન્સ અને સુરેશ દલાલને ખૂબ અભિનંદન. આ પુસ્તક નાટકની ચોપડી નથી. ભવિષ્યની રંગભૂમિના જન્માક્ષર છે. હવે ઘણા સારા નાટકો માટે દરવાજા ખુલી જવાના છે. સૌમ્ય જોશીને કહીશ કે તમે અહીં(મુંબઇમાં) રહી જાવ એ માટે તમને વ્હાલભર્યો આગ્રહ.

પરેશ રાવલ જે કંઇ બોલ્યા હતા એ શબ્દે શબ્દ અહીં ટપકાવ્યો છે. જ્યાં જ્યાં પૅરેગ્રાફ પાડ્યા છે ત્યાં તમારે મનોમન ભાઇદાસ હૉલમાં ગુંજેલી તાળી સાંભળી લેવાની. કદાચ કોઇને આ લેખ લાંબો પણ લાગ્યો હશે. મને એવી ઇચ્છા હતી કે મુંબઇ અને ગુજરાતના મારા જે દોસ્તો અને નાટકના રસીયાઓ આ કાર્યક્રમમાં નથી આવી શક્યા એ આ કાર્યક્રમ આખેઆખો માણે તેથી મેં પરેશ રાવલનું વ્યાખ્યાન સંપૂર્ણ ઉતાર્યું છે.

કાર્યક્મમાં ભજવાયેલા સૌમ્યના અન્ય નાટક
 'જો અમે બધા સાથે તો દુનિયા લઇએ માથે' ના એક અંશ નું દ્રશ્ય 
કાર્યક્રમના બીજા ભાગમાં સૌમ્ય જોશીના ત્રણ નાટકો વેલકમ જીંદગી, 102 નોટ આઉટ અને જો અમે બધા સાથે તો દુનિયા લઇએ માથે ના કેટલાક અંશ ભજવાયા હતા.

સૌમ્ય જોશીના નાટક વેલકમ જીંદગીના મુંબઇ ઉપરાંત, અમદાવાદ, સુરત વગેરે સહિત ગુજરાતમાં ઠેકઠેકાણે શો થઇ ચૂક્યા છે. હું માનું છું કે તમે નાટક જોઇ જ લીધું હશે તેથી નાટકની ભૂમિકા બાંધી નથી. છતાંય જેણે નાટક ન જોયું હોય તેને નાટક વિષે જાણવું હોય તો દોસ્ત ઋતુલ જોશીએ પોતાના બ્લોગમાં નાટક વિષે વિગતે લખ્યું છે. એની લિન્ક અહીં મૂકું છું. તેમ જ મુંબઇ મીરર ન્યુઝ પેપરમાં મુંબઇના નાટ્ય સમીક્ષક શાન્તા ગોખલેએ જે રીવ્યુ કર્યો હતો એની લિન્ક પણ મુકૂં છું.

ઋતુલ જોશીના બ્લોગની લિન્ક...


શાન્તા ગોખલેએ લખેલા રીવ્યુની લિન્ક... http://www.mumbaimirror.com/printarticle.aspx?page=comments&action=translate&sectid=57&contentid=2010052620100526023416810aa0d4830&subsite=




તેજસ વૈદ્ય, મુંબઇ

Thursday, March 22, 2012

પાનસિંહ તોમરનો રાઇટર સંજય ચૌહાણ કહે છે કે સ્ક્રીપ્ટરાઇટર બનવું હોય તો ખોટું બોલતા શીખી જાવ




દિપક સોલીયા, તેજસ વૈદ્ય અને સંજય ચૌહાણ
પાનસિંહ તોમર ફિલ્મની સાથે તેજલીસોટાની જેમ કોઇ નામ બહાર આવ્યું હોય તો એ છે લેખક સંજય ચૌહાણ. સંજય ચૌહાણે અગાઉ મૈનેં ગાંધી કો નહીં મારા, આઇ એમ કલામ, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર જેવી ફિલ્મો લખી છે. ફિલ્મનો મુખ્ય હીરો કે હીરોઇન હમેશા સ્ક્રીપ્ટ જ કહેવાય છે પણ લેખકે જે સ્ક્રીપ્ટ સખી હોય છે એ જ્યારે પડદે ભજવાય છે ત્યારે એમાં ઘણા ફેરફાર થઇ જતાં હોય છે. આવી પરિસ્થિતિમાં ફિલ્મનો મૂળ લેખક ઘણી વખત હાંસીયામાં ધકેલાઇ જતો હોય છે. જો કે હવે પ્રમાણમાં એવી ફિલ્મો બની રહી છે. જેમાં લેખક ઉગીને દેખાતો હોય. સંજય ચૌહાણ આવું જ એક ઉગીને આંખે વળગે એવું નામ છે. થોડા દિવસ પહેલા મુંબઇના ઉપનગર અંધેરીમાં એક ફેસ્ટીવલ યોજાયો હતો. જેમાં એક ઇન્ટરેક્ટિવ સેશનમાં સંજય ચૌહાણે ફિલ્મલેખન વિષે ઘણી પેટછૂટી વાતો કરી હતી. એ વાતો માત્ર ફિલ્મલેખન જ નહીં કોઇ પણ પ્રકારના લેખનની ધાર કાઢવામાં કાનસનું કામ કરે એવી હતી. સંજય ચૌહાણના જ શબ્દોમાં જ એ વાતો સાંભળો...

સ્કીપ્ટરાઇટર બનવું હોય તો ખોટું બોલતા આવડવું જોઇએ
જેમણે ફિલ્મ સ્કીપ્ટરાઇટર બનવું છે તેને ખોટું બોલતા આવડવું જોઇએ. હું બેકાર હતો. મારા માથે મકાનનું ત્રણ મહિનાનું ભાડું ચઢી ગયું હતું. કોઇ ફિલ્મ મારા હાથમાં નહોતી. એક દિવસ એક ફિલ્મમેકરનો કૉલ આવ્યો. મેં કહ્યું કે હું મીટીંગમાં છું. કલાકમાં કૉલબૅક કરું છું. દરમ્યાન મનમાં ફડકો પેઠો કે કલાકમાં તો આ ફિલ્મમેકર બીજા કોઇક લેખકને પકડી લેશે. કલાકને બદલે મેં તરત જ પંદરેક મિનિટમાં તેમને કૉલ કર્યો અને કહ્યું કે મીટીંગ પતી ગઇ છે. બોલો ક્યાં મળવાનું છે? ખરેખર તો હું કોઇ મીટીંગમાં હતો જ નહીં. બેકાર હોવા છતાં પણ મીટીંગમાં છું એવું બોલવાનું કારણ એટલું જે કે ફિલ્મમેકરને ખબર ન પડવી જોઇએ કે મારી પાસે કામ નથી. નહીંતર, એ શોષણ કરે. તેથી ફિલ્મો લખવી હોય તો પહેલો નિયમ એ કે ખોટું બોલતા આવડવું જોઇએ.

ફિલ્મ માટે આઇડીયા ક્યાંથી આવે છે ?

તમને બધાને સવાલ થતો હશે કે લેખકને આઇડીયા ક્યાંથી આવે છે ?  આના માટે એક કિસ્સો કહીશ. મને એક વખત એક પ્રોડ્યુસરે કૉલ કરીને બોલાવ્યો અને કહ્યું કે મારી ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર છે. તારે માત્ર ડાયલૉગ્સ લખવાના છે. આ લે ડીવીડી. મતલબ કે અંગ્રેજી ફિલ્મ જોઇને મારે હિન્દી ફિલ્મ માટે ડાયલોગ્સ લખાવના હતા. એ ડીવીડી ફિલ્મ લાઇફ ઇઝ બ્યુટીફુલની હતી. હું તો બે ઘડી એ પ્રોડ્યુસરને જોઇ જ રહ્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે આઇડીયા ડીવીડીમાંથી આવતા હોય છે. અલબત્ત, દર વખતે આવું નથી થતું પણ ઘણી વખત આવું થતું હોય છે. મૌલિકતાની રૂહે વાત કરીએ તો લેખકને આઇડીયા દરેક ઠેકાણેથી મળતા હોય છે. છાપાંમાંથી આઇડીયા મળે છે. કોઇ બે દોસ્ત વાતો કરતા હોય તો એમાંથી આઇડીયા મળે છે. શરત માત્ર એટલી જ કે લેખકના આંખ,કાન, નાક ખુલ્લા હોવા જોઇએ.  
ફિલ્મની સ્ક્રીપટનું સૌથી મજબૂત અંગ ક્યું ? પૂછાયેલા આ સવાલના જવાબમાં સંજય ચૌહાણે કહ્યું હતું કે ફલ્મની કહાણી જેટલી મૌલિક હોય એટલી સ્ક્રીપ્ટ વધુ મજબૂત બને છે. એક વખત એવો હતો કે અંગ્રેજી ફિલ્મોમાંથી ઉઠાંતરી કરીને એને હિન્દી જામો પહેરાવી દેવામાં આવતો હતો. હજી પણ આ ઉઠાંતરી પ્રવૃત્તિ ચાલે છે. પરંતુ હવે ઓછી થઇ રહી છે. કારણકે, ટ્વેન્ટીથ સેન્ચ્યુરી ફોક્સ સહિતની વિદેશી ફિલ્મકંપનીઓ હવે દાવા માંડે છે. તેથી અગાઉ જે પ્રોડ્યુસરો રાઇટરને ડીવીડી ધરી દેતા હતા એ હવે સામેથી કહે છે કે મૌલિક કહાણી લાવો. તેથી મૌલિક પટકથા લખનારા માટે અત્યારનો સમય ખૂબ સારો છે.

દર્શકો હમેશા સ્ક્રીપ્ટ કરતાં આગળ ચાલતા હોય છે

સ્કીપ્ટ લખતી વખતે એક વાત હમેશા મનમાં યાદ રાખવાની કે દર્શકોને બેવકૂફ ક્યારેય નહીં ગણવાના. તમે લખેલી સ્કીપ્ટ કરતાં દર્શકો હમેશા આગળનું જ વિચારતા હોય છે. તમે થીએટરમાં જોયું હશે કે ફિલ્મમાં કોઇ નબળી સીકવન્સ આવે કે અકારણ ગીત ઘુસાડી દીધું હોય ત્યારે દર્શકો ઊભા થઇને ટહેલવા નીકળી જાય છે. એનું કારણ જ એ કે દર્શકો સ્કીપ્ટથી આગળ ચાલી રહ્યા હોય છે. તમે કોઇ ફાલતુ ચીજ ગીત કે સીકવન્સના નામે ફિલ્મમાં ઠોકી બેસાડો તો દર્શકો ખુરશી પર બેઠા નથી રહેતા.

એવા દોસ્ત રાખો જે તમારી સ્ક્રીપ્ટ સાંભળીને મોઢામોઢ કહી દે કે બકવાસ છે

સ્કીપ્ટ લખો ત્યારે એનો પહેલો ડ્રાફ્ટ લઇને સીધા ફિલ્મમેકર પાસે ન જાવ. એ તમારા દોસ્તોને સંભળાવો. આ દોસ્તો એવા હોવા જોઇએ જે સ્ટોરી સાંભળીને તમને બેધડક કહી દે કે ગધે, યે બકવાસ સ્ટોરી હૈ.  
તમે જે કહાણી લખી છે એ સામેવાળાને ગમશે કે નહીં એ જાણવાની બીજી એક સરળ અને સરસ ટૅકનિક એ છે કે તમે જે કહાણી લખી છે એને બોલીને ટેપ કરીને સાંભળો. ક્યાં કાચું કપાયું છે, ક્યો પ્રસંગ અવગણવામાં આવ્યો છે એ બધુ આપોઆપ પકડાઇ જશે. ફિલ્મ એ બીજું કંઇ નથી પણ વાર્તા સંભળાવવાનું વીઝ્યુઅલ માધ્યમ છે. સામાન્ય રીતે થતું એવું હોય છે કે સમગ્ર કહાણીમાં જે પ્રસંગ લેખકને ખૂબ ગમતો હોય છે એનું વર્ણન તે ખૂબ સારી રીતે કરે છે અને કેટલાક પ્રસંગમાં વીટો વાળી દે છે. લખતી વખતે તેને આ વાત નથી સમજાતી પણ તે જ્યારે ટેપ કરીને સાંભળે છે ત્યારે ત્રુટી પકડાય જાય છે.

રાજ કપૂરે તેના આસિસ્ટન્ટને પૂછ્યું કે હાઉ મેની ટાઇમ્સ યુ સ્લેપ્ટ વીથ યોર હીરોઇન ?

આ ટાઇટલ વાંચીને તમારા કાન સરવા થઇ ગયા હશે. ફિલ્મ એક પ્યોર માધ્યમ છે. એમાં નાની અમથી ભૂલ પણ પકડાયા વગર નથી રહેતી. આ વાત રાજ કપૂરના એક પ્રસંગ દ્વારા સંજય ચૌહાણે સરસ રીતે સમજાવી હતી. રાજ કપૂરના એક આસિસ્ટન્ટે તેમને કહ્યું હતું કે રાજજી, મેં એક સ્ક્રીપ્ટ લખી છે. તમને સંભળાવવા માગું છું. રાજ કપૂરે કહ્યું હતું કે મારે સ્ક્રીપ્ટ નથી સાંભળવી. તું મને એના પરથી નાની ફિલ્મ બનાવીને બતાવ. આસિસ્ટન્ટે ફિલ્મ બનાવી અને રાજ કપૂર માટે પ્રીવ્યૂ રાખવામાં આવ્યો. રાજ કપૂરે એકલાએ ફિલ્મ જોઇ. ફિલ્મ પૂરી થયા બાદ આસિસ્ટન્ટ તરત રાજ કપૂર પાસે પ્રતિભાવ લેવા પહોંચ્યો. રાજ કપૂરે તેને બાજુમાં બેસાડ્યો. પહેલા હળવેકથી અને પછી સ્હેજ ચીઢાઇને આસિસ્ટન્ટને કહ્યું કે હાઉ મેની ટાઇમ્સ યુ સ્લેપ્ટ વીથ યોર હીરોઇન ?
રાજ કપૂરે આસિસ્ટન્ટને હળવેકથી સમજાવીને કહ્યું કે જો ભાઇ, ફિલ્મ એ એકદમ પ્યોર માધ્યમ છે. એમાં નાનામાં નાની ચોરી પણ પકડાયા વિના નહીં રહે. છૂપાવવાનો ગમે તેટલો પ્રયાસ કરશો તો પણ છૂપી નહીં રહે.

સ્ક્રીપ્ટ જેટલી વખત રીરાઇટ થશે એટલી એની ધાર નીકળશે


સંજય ચૌહાણ અને તેજસ વૈદ્ય (તસવીર -  દિપક સોલીયા)
સ્ટોરીને સ્ક્રીન પ્લેમાં ઢાળો ત્યારે એને જેટલી વખત રીરાઇટ કરશો એટલી સ્ક્રીપ્ટ વધુ મજબૂત બનશે. સ્ક્રીનપ્લે લખતી ખતે માત્ર સ્ક્રીનપ્લે જ લખો, ડાયલોગ્સ ન લખો. જ્યાં સુધી સ્ટોરીમાં તમારા કિરદારો બૂમો પાડીને ન કહે કે હવે અમને ડાયલોગ્સ આપો ત્યારે જ ડાયલોગ્સ લખો. કિરદાર પોતાની મેળે જ બોલશે કે હવે અમને ડાયલૉગ્સ આપો. આ પ્રક્રિયા તમને સ્કીપ્ટ લખતી વખતે સારી રીતે સમજાશે.

તમે છ –આઠ મહિનાની મહેનતે જે સ્ક્રીપ્ટ લખી હોય તે સાંભળવા પ્રૉડ્યુસર માંડ પાંચ – દશ મિનિટ કાઢે છે

તમે છ આઠ મહિના સુધી લોહી નિચોવીને એક સ્ક્રીપ્ટ લખી હોય. એ સંભળાવવા જ્યારે કોઇ પ્રોડ્યુસર પાસે જાવ ત્યારે એ કહેશે કે તારી વાર્તા ઝટ પાંચ મિનિટમાં સંભળાવી દે. પ્રોડ્યુસરની જમાત જાડી ચામડીની હોય છે તે જ્યારે આવું કહે ત્યારે તમને પાંનસિંહ તોમર બનીને તેને ભડાકે દઇ દેવાનું મન થઇ જાય. ગુસ્સો આવે. પણ એવું નહીં કરવાનું. કારણકે, પ્રૉડ્યુસર પણ આપણા જ પરિવારનો એક પાયાનો સભ્ય છે. સ્ક્રીપ્ટ મંજૂર થઇ ગયા બાદ પણ પ્રૉડ્યુસર સાથે પૈસાના મામલે શાકભાજીવાળા કાછીયાની જેમ રીતસર ભાવતાલ કરવા પડે છે. ખાસ કરીને સ્ક્રીપ્ટરાઇટર નવો હોય ત્યારે ખાસ. કમનસિબે રાઇટરને રીસ્પેક્ટ ત્યારે જ મળે છે. જ્યારે તેનું નામ થોડું જાણીતું થવા માંડે છે.

મને લૅક્ચર દેતાં નહીં ફાવે, તમે સવાલ પૂછો, હું જવાબ આપીશ : સંજય ચૌહાણ
સંજય ચૌહાણે કરેલી અન્ય કેટલીક વાતો ટૂંકાણમાં.

Friday, March 9, 2012

પાનસિંહ ‘તોખાર’. તમે જોઇ કે નહીં ?


પાનસિંહ તોખાર

કરણ જોહરોએ હિન્દી ફિલ્મના વીરરસનું જે ખસીકરણ કરી નાખ્યું છે એની સામે તમતમતો તમાચો એટલે પાનસિંહ તોમર. કોઇ પણ પ્રકારની ઉઠાંતરી વગર કે કોઇ પણ પ્રકારના વિદેશી લોકેશનોના ખડકલા વગરની એક દમદાર દેશી ફિલ્મ બનાવી શકાય છે. જે પાનસિંહ તોમરમાં ઝીલાયું છે.

આજકાલ એઇન્ટરટેન્મેન્ટ ફિલ્મોની ધમાલ છે. ઉદ્દેશપૂર્ણ ફિલ્મો પણ એન્ટરટેન્મેન્ટના એન્જીન વગર બનતી નથી ત્યારે પાનસિંહ તોમર પોતાના વિષયને પૂરેપૂરી વફાદાર રહીને લોકોની સામે આવી છે. આ ફિલ્મમાં પણ એન્ટરટેન્મેન્ટ તત્વો ઉમેરવાના પૂરતા ચાન્સીસ હતા. જેમ કે, રાખી સાવંત જેવી એકાદ આઇટેમ ગર્લને લઇને આઇટમ સોન્ગ ઉમેરી શકાત. અને ફિલ્મના પ્રોમોમાં પાનસિંહના પરાક્રમોને બદલે આઇટમ સોન્ગને હાઇલાઇટ કરીને પબ્લીસીટીનો હાઉ ઊભો કરી શકાત. ફિલ્મનું કમર્શીયલ ગણિત તો આમ જ કહે છે. છતાં ફિલ્મમાં આઇટમ સોન્ગ નથી.
શેખર કપૂર જેવા સજ્જ ડિરેક્ટરે બેન્ડિટ ક્વીન ફિલ્મમાં જે રીતે ડાયલોગ્સ તરીકે બેફામ ગાળોનો બંદૂકની ગોળીની જેમ વરસાદ કર્યો હતો એવું પણ પાનસિંહ તોમર ફિલ્મમાં શક્ય હતું. એવું કર્યું હોત તો પણ ગેરવાજબી ન કહેવાત. છતાં ફિલ્મમાં ગાળ પણ નથી. (પાનસિંહ તોમરનો ડિરેક્ટર તિગ્માંશુ ધુલીયા બેન્ડિટ ક્વીન વખતે શેખર કપૂરનો આસિસ્ટન્ટ હતો. તિગ્માંશુ શેખર કપૂરને પોતાના ગુરૂ માને છે.)
માત્ર ઇરફાન ખાન અને રાજેન્દ્ર ગુપ્તાને બાદ કરો તો ફિલ્મમાં એક પણ એવો કલાકાર નથી જેનું નામ દર્શકો માટે જૂનું અને જાણીતું હોય. છતાં ફિલ્મનું એક પણ કિરદાર ક્યાંય નબળું પડતું નથી. પંદરેક સેકન્ડના ડાયલોગવાળો એક સીન ભજવતી ઇરફાનની મા થી લઇને ઇરફાનના સાથીદારોએ એવા પરફોર્મન્સ આપ્યા છે કે બધા જાણે ચમ્બલથી સીધા સિનેસ્ક્રીન પર ઉતર્યા હોય. મોટા ભાગના કલાકારો થીએટરના કલાકારો છે. થીએટર કલાકારોને એવા માંજે છે કે એના પરફોર્મન્સને ક્યારેય કાટ લાગતો નથી.
ફિલ્મનો કૅપ્ટન તિગ્માંશુ ધુલીયા છે. ફિલ્મના હીરો બે છે. એક ઇરફાન અને બીજો સંજય ચૌહાણ. ફિલ્મની પટકથા તિગ્માંશુ ધુલીયાએ સંજય ચૌહાણ સાથે મળીને લખી છે. તિગ્માંશુ ધુલીયા પાસે સન્ડે મેગેઝીનમાં છપાયેલો પાનસિંહ તોમર વિષેનો એક માત્ર આર્ટીકલ હતો. માત્ર એ આર્ટીકલને આધારે સંજય ચૌહાણે મધ્ય પ્રદેશના શહેરો અને ગામડાઓમાં ફરીને દોઢ વર્ષ સુધી રીસર્ચ કર્યું હતું અને પાનસિંહ તોમરને અક્ષરદેહ આપ્યો હતો.

ફિલ્મ પર તિગ્માંશુનો કમાલનો કમાન્ડ છે. ફિલ્મમાં મૅલોડ્રામાનો મસાલો છૂટથી ભભરાવી શકાય એવા પ્રસંગ હતા. ઇરફાનને અમુક દ્રશ્યોમાં છૂટથી ઇમોશનલ દર્શાવી શકાયો હોત. પરંતુ એવી કોઇ સ્વતંત્રતા લીધા વગર તિગ્માંશુ ધુલીયાએ ફિલ્મને છાજે એવા બંધારણમાં રાખી છે. પાનસિંહ તોમર નામના તોખાર જેવા વ્યક્તિ પ્રત્યેની તિગ્માંશુની નિષ્ઠા ફિલ્મની દરેક ફ્રેમમાં જોઇ શકાય છે માટે જ ડિરેક્ટરે કોઇ કમર્શીયલ કોમ્પ્રોમાઇઝ નથી કર્યા.
હવે ઇરફાનની વાત કરીએ. જેની ઇમેજ અક્ષય કુમાર જેવી ન હોય એવો કોઇ ચાલીસી વટાવી ચૂકેલો એક્ટર એથ્લીટની ભૂમિકામાં ફિલ્મને દોડાવી જાય એ જબરી વાત છે. પાનસિંહ તોમર ફિલ્મ ચાલવાની કે હીટ જવાની સંપૂર્ણ જવાબદારી ઇરફાન છે. એ જવાબદારી તેણે એ રીતે નિભાવી છે કે એ પાનસિંહ તોમર તરીકે ફિલ્મમાં એ જ્યારે દોડતો હોય ત્યારે ભારતના આમ આદમી એવા દર્શકને તેની દોડમાં પોતાના ધબકારાં સંભળાય.

ફિલ્મો ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીજીએ કહ્યું હતું કે સાચું ભારત ગામડાંમાં વસે છે. ફિલ્મોમાંથી હવે ગામડાંની એવી બાદબાકી થઇ ગઇ છે જાણે ગામડાં પાકિસ્તાનમાં ચાલ્યા ગયા હોય. પીપલી લાઇવ અને પાનસિંહ તોમર જેવી ફિલ્મો મલ્ટીપ્લેક્સમાં પોપકોર્ન ફાંકતા દર્શકોને એ વાતનું ભાન કરાવે છે કે તમે જે પોપકોર્ન ફાંકો છો એના માટે અમારા જેવા ખેડૂતો ખેતરમાં ધાણીફૂટ જીંદગી જીવે છે. પાનસિંહ તોમર ન જોઇ હોય તો હજી પણ જોઇ આવો. કદાચ તમને એ ફિલ્મ એટલી મહાન ન પણ લાગે પરંતુ આવી ફિલ્મની દેશમાં જરૂર છે એવું તો જરૂર લાગશે જ.

તેજસ વૈદ્ય, મુંબઇ